ભજનરસ/અચવ્યો રસ ચાખો!

From Ekatra Foundation
Revision as of 02:29, 29 May 2025 by Meghdhanu (talk | contribs) (Rechecking Formatting Done)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અચવ્યો રસ ચાખો!

સંતો રે અચવ્યો રસ ચાખો,
ચવ્યો ચિત્તમાંહે નવ ધરો, વિચારીને નાખો,
સંતો રે અચવ્યો રસ ચાખો.

જે વણસે તે ઊપજે, ઊપજે તે વણસે,
પંચ વિષેથી જે રહે પરો, તેમાં સઘ ભળસે—

માપમાં આવ્યાં શાને ગણો? આપ અળગું જાણો,
જેમ દરશન સંપુટ ભીડતાં, જોતાં નથી બંધાણો–

પિંડ બ્રહ્માંડ છે જે વડે, નથી તે કોઈ માટે,
જેમ ભર્યું ભાંડ મૂકી કરી, ઝેરચુવાણી કાં ચાટે?–

લીલાવિગ્રહ વિશ્વનો, તે વિશ્વમાં મૂકો,
અણઆયાસે ૫રમાત્મા, જોતાં કાં ચૂકો?–

પહેલો થાપે આપને, સાહામો થપાયે,
થાપે સ્થિર તે નવ રહે, ધ્યેય-ધ્યાતા જાયે

તેજ ત્રિલોકી દેખીએ, તેજ તેજને રૂપ.
જેમ ડોળા ચક્ષુ નિરમલા, સરખા રંક ભૂપ–

દેવદર્શીનું દેખવું અખે જોયું ખોલી,
ખેચરગત ખેચર લહે, ભૂચરને દોહલી—
સંતો રેo

માણસને બધા જ પરાવલંબનમાંથી બચાવી પોતાના મૂળ ભણી પાછો વાળવા માટે અખાએ ધૂન મચાવી છે. અચવ્યો-અણભાખેલો, અણચાખેલો રસ માણવા માટે તેની વાણીમાં કાયમનું નોતરું છે. અને માત્ર અચવ્યો રસ જ નહીં, ભાષાનું પાત્ર પણ તેણે ‘અચવ્યું’ લાગે એવા ઘાટનું ઘડ્યું છે.

સંતો રે અચવ્યો... વિચારીને નાખો

કોઈ દિવસ કોઈએ ક્યાંયે હોઠે ન માંડેલો ને એઠો ન કરેલો બ્રહ્મરસ ચાખવો હોય તો સહુથી પહેલાં શું કરવું જોઈએ? અખો કહે છે, આજ સુધી જે રસ દાઢે વળગ્યા છે તેની યાદ સુધ્ધાં ચિત્તમાંથી કાઢી નાખો. ચિત્ત એ સંસ્કાર-બીજની ભૂમિ છે. ચિત્તમાં જે કાંઈ ભણેલું, ભાળેલું, જચેલું, જામેલું છે તેનાં બીજ બાળી નાખવામાં ન આવે ત્યાં સુધી ચિદાનંદનો અનુભવ થતો નથી. ચિત્તનો જીવતાં જ અગ્નિસંસ્કાર થઈ જાય તો છે તેનું અસ્તિત્વ પ્રગટી ઊઠે છે. એ માટે ઉપાય છે વિવેક, વિચાર, હૈયાસૂઝ, ‘કર વિચાર તો પામ’ — એવો આત્મ-વિચારનો, નિત્ય-અનિત્યની સમજણનો આ માર્ગ છે.

જે વણસે... તેમાં સઘ ભળશે

આ જગતમાં ઉત્પતિ અને વિનાશની નોબત વાગ્યા જ કરે છે. પણ એ દાંડી પિટાતી કોણ જુએ છે? કોણ સાંભળે છે? કોણ જન્મે છે ને મરે છે? પંચ વિષય અને પંચ ઇન્દ્રિય સુધી જ આ કાળનાં નગારાંનું જોર છે. મનને ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત કરી, બુદ્ધિને સ્થિર કરી, ચિત્તને શુદ્ધ કરી જરાક ભીતર ભાળો તો? પંચ વિષયથી રહે પરો’ એવો કોઈ ભીતરથી જાગી ઊઠશે. એ જાગ્યો કે તરત જ, સઘ જે છે તેમાં’ ભળી જશે. અત્યાર સુધી વિષયો સાથે મળી ગયો હતો તે વસ્તુમાં મળી જશે. અખો ગાય છે :

આપ જાણીને રે રહ્યો જે આપમાં રે
તે તો છે વસ્તુ મૂળ નિધાન,

ઉત્પત્તિ લય રે ત્યાંહાં તો દિસે નહીં રે
લિંગદેહ નહીં જ્યાંહાં માન,

વાસનાદેહનો ક્ષય એ જ આત્મસ્વરૂપનો ઉદય. સર્વથી પર અને છતાં સર્વમાં સમાવિષ્ટ એવા એક જ તત્ત્વને પામવા અખો પુકારી પુકારીને કહે છે. આ તો વામનમાંથી વિરાટ થવા જેવી વાત છે. અખાએ તેનાં ત્રણ પગલાં પણ કહ્યાં છે. મનોનાશ, વાસનાક્ષય અને આત્મદર્શન-આ ત્રણમાં બધી સાધનાનો સાર આવી ગયો. અખાના શબ્દોમાં :

[૧]

અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાય,

મન મુઆ વિના માનવી, વસ્તુરૂપ ન થાય

[૨]

ઉગ્ર બુદ્ધિએ સમજે રે, જે રહે પ્રપંચને પાર,

જેને વિશેષણ એક ન લાગે, નહીં વિચારા વિચાર.

[3]

સોહં તેજ સનાતન જ્યાં, નિગમ રહ્યા બળહાર,

તે હું જગત જગત મુજમાંહ હું નિર્ગુણ ગુણનો ભંડાર

મન જડમૂળથી મટ્યું, બુદ્ધિએ નિર્વિશેષના ઘરમાં પગ મૂક્યું તો આત્મભાવ સર્વ સ્થળે છલકી ઊઠ્યો. સગુણ-નિર્ગુણના ઝઘડા તો મતવાદીને છે, તતવાદીને નથી. અખાએ આ ઝઘડાને સ્થાને જ મેળાપનું મીઠું રૂપ-અરૂપ ઉપસાવતાં ગાયું :

નિર્ગુણ થઈને સગુણમાં મળે,
તો અખા જેમ દૂધમાં સાકર ભળે.

પાંડુરંગ વિલાનો ભક્ત તુકારામ પણ પોતાનો અનુભવ ગાતાં કહે છે :

સગુણી ધ્યાતાં, નિર્ગુણી ગેલો
આમિ આતા ઝાલો નારાયણ

‘સગુણનું ધ્યાન કરતાં કરતાં હું નિર્ગુણમાં ચાલ્યો ગયો. હવે હું જ નારાયણ બની ગયો છું.’

માપમાં આવ્યા.. નથી બંધાણો

તમે એમ શા માટે માનો છે કે આ સાડાત્રણ હાથના શરીરમાં જ તમે સમાઈ ગયા છો? તમે તમારી અસલ જાતને પિછાણી? તમે ખરેખર કોણ છો તે જાણ્યું? શરીર સાથે વળગેલું તમારું આપોપું અળગું કરીને જરા જુઓ તો ખરા! હાથવગી ઉપમા ને દૃષ્ટાંત દાખવી અખો કહે છે : આ અત્યારે જ જુઓ. આંખો મીંચશો તો અંધારું થઈ જશે. તમે બંધાઈ જશો આ કાયાની કોટડીમાં. સીધું ડગલું નહીં ભરી શકો ને સામેની સૃષ્ટિને પણ નહીં નીરખી શકો. પણ આંખો ઉઘાડી નાખો તો? ક્યાં ગયું અંધકારનું બંધન? ક્યાં ગઈ દૃષ્ટિવિહીનતા? એવું જ છે મારા ભાઈ, અંતરનાં લોચન નથી ખોલ્યાં એટલે આ કાચી માટીના માપમાં પુરાઈ બેઠા હો એમ લાગે છે. ભીતરની આંખો ખોલો, મુક્તિ જ મુક્તિ છે.

પિંડબ્રહ્માંડ... કાં ચાટે?

પિંડ અને બ્રહ્માંડની રચના એકસરખી. જે ચેતના વડે બ્રહ્માંડ સર્જાયું એ પિંડમાં પણ પરિપૂરણ રહેલી છે. અને આ બધો નાટારંભ કોઈ બીજા માટે નથી. એ પોતે જ ખેલી રહ્યો છે પિંડે ને બ્રહ્માંડે. આ માટીનું હાંડલું પણ એવા તો હિ૨-૨સથી ભર્યું ભરપૂર છે કે એનો રસ પીતાં બ્રહ્મખુમારીના તોરા ચડી જાય. આવો અમલ-કસુંબો પડતો મૂકી, જે વડે કસુંબો ગાળવામાં આવે એવી ગળણી — ઝેરચુવાણી — મૂરખ હોય તે ચાટવા જાય? બારનાં સાધન અને વિષયોના સરંજામ ઝેરચુવાણી જેવાં છે. શરીર સાથે વળગેલું હું પણું છોડ્યું તેને માટે સદાય બ્રહ્મરસની છોળો :

બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ આપત્યાગી હોય,
ભગળવિધા નટખેલ છે, તે ખેલે અખેલા હોય.

એક બાજીગર સાચો, બાકી ખેલ બધોય ખાલી. જે આ જાણે તે ખેલ્યા વિના ખેલતો રહે.

લીલાવિગ્રહ વિશ્વનો... કાં ચૂકો?

બ્રહ્મજ્ઞાની અખાની સાથે ભાગવતનો પ્રેમી અહીં ગાઈ ઊઠે છે. એ જાણે આપણને પૂછે છે : તમારે શરીરમાં ઊંડા ઊતરી તપાસ નથી કરવી? અચ્છા, કાઈ નહીં. ભલે જગતને જુઓ. લોચન ભરીને જુઓ. અને પૂરો પ્રેમ આંજીને જોશો તો શું દેખાશે? પેલો લીલામય જ વિશ્વનું રૂપ ધરીને વિલસી રહ્યો છે. ભાગવતે આ વિશ્વગીતા ગાઈ છે :

ખં વાયુમગ્નિં સલિલં મહીં ચ
જ્યોતષિ સત્ત્તાનિ દિશો દ્રુમાદીન્,
સરિત્સમુદ્રાંક્ષ હરે: શરીરં
યત્કિંચ ભૂતં પ્રણમેદનન્યઃ

‘આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, નક્ષત્રો, પ્રાણીઓ, દિશા, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર તથા અન્ય જે કાંઈ ભૂતસૃષ્ટિ છે તે સર્વ હરિનાં અંગ છે. અનન્ય ભાવથી તેમને પ્રણામ કરવા.

આ ભાવ અખાએ અનેક પદોમાં વ્યક્ત કર્યો છે. દાખલા તરીકે-

જે પૃથ્વીમાં વ્યાપી રહી, ઔષધિ આદિક રૂપે થઈ
અગણિત ઘાટ બનાવે ખરો, તે પ્રભુ મુજને પાવન કરો.

આ આખું જ પદ સંત ફ્રાન્સિસ ઑફ આસીસીના કેન્ટિકલ્સની યાદ અપાવે એવું છે. શાનની વાતમાં અક્બડ થઈ જતો અખો પ્રેમની વાત આવતાં ગળી ગળી જાય છે. કહેવતરૂપ થઈ પડે એવી વાણીમાં તે કથે છેઃ

આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી,
ઘટ ઘટ વ્યાપક અંતરજામી.

પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે,

ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે.

આમ અણઆસે પરમાત્મા સામે જ આવીને ભેટે છતા એને જોવાનું ચૂકે એવા ભા યને શું કહેવું? પહેલો થા... ધ્યેય ધ્યાતા જાયે અખો સંબંધનું સાદું ગણિત સમજાવતાં કહે છે કે જો હું છું તો તું છો. અહીં ‘બલાકા’માંનું રવીન્દ્રનાથનું ૨૯મું કાવ્ય યાદ આવી જાય. તેની પંક્તિઓ : ‘આમિ એલેમ, તાઈ તો તુમિ એલે’ ‘હું આવ્યો એટલે જ તું આવ્યો ને!’ એ વિશ્વનાટકના પ્રથમ ઉદ્ગાર સમી છે. અને ‘આમાર પરશ પેલે, આપન પરશ પેલે’ ‘મારો સ્પર્શ પામીને તું તારો સ્પર્શ પામ્યો’ એ અંતિમ ઘટના છે. હું નથી તો તું પણ નથી. અને હુંનો તાગ લેતાં તો એ ઓગળી જાય છે. ત્યારે એનું શું થાય છે? એ તુંમાં જ લય પામે છે. ધ્યાતા ધ્યાન કરતો કરતો ધ્યેયમાં લીન થઈ ગયો ત્યારે હું-તુંનો સવાલ જ ક્યાં રહ્યો? અખાએ અન્ય સ્થળે કહ્યું છે :

જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક
ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક?

આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ

એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ.

અને પછી ધ્યેયાકાર થયેલા આતમની આ આનંદમસ્તી!

ધ્યેય ધ્યાતા એક ધામમાં, કરે બ્રહ્મ ક્લોલ,
આત્મસિંધુમાં હે અખા! કરો ઝાકમઝોલ.

જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ

તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’

‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.’

ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી. આ રાજા આ રંક, આ મોટો આ નાનો, આ ઊંચો આ નીચો, આ કામનો આ નકામો, એવા ભેદ પાડી આપણે મનુષ્યને જોઈએ છીએ. કારણ કે આપણી દૃષ્ટિમાં લોભ, મોહ, લાલચ કે બીક પેસી ગયાં છે. આપણાં નેત્રો નિર્મળ નથી. ચક્ષુ નિર્મળ હોય તે મનુષ્યના દેહને, દેહના શણગારને અને તેના દુન્યવી માન-સ્થાનને નહીં પણ તેની અંદર રહેલા દેવત્વને જુએ. દેહદર્શી અને દેવ-દર્શી એવા બે પ્રકાર છે ષ્ટિ કરનારના. અખાએ દેવદર્શીની નજરે પડદા હટાવીને જોયું છે, એટલું જ નહીં ખોલીને બતાવ્યું છે. પણ એ તો નિર્મળ ને નિર્લેપ દૃષ્ટિવાળાને સમજાશે. જેના પગ ધૂળ ઉડાડતા ચાલે છે તેને માટે એ સમજવું મુશ્કેલ છે. અખો અન્ય સ્થળે કહે છે :

નામ રૂપ નરને વિષે, જેમ ધાતુ ઉપર મોહોર,
ધાતુઠામે બ્રહ્મ જાણો, માંહે નાના નામ અંકોર,
તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય,
ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય.

એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય,

કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય.

નામરૂપ તો મનુષ્યને માથે વળેલાં કુસકાં છે. એનું સત્ત્વ છે એના મહદ્ આત્મામાં. મનુષ્ય પર સાચો ભાવ આવશે, ખરો ભરોસો બેસશે ક્યારે? ખેચરગત’ થયા વિના આત્માનું તેજ નહીં વધે અને પ્રેમનો વિસ્તાર પણ નહીં થાય. અખો કહે છે તેમ ‘દેવચક્ષુ થઈ દોજણી’ દેવચક્ષુ દૂઝણી થાય તો જ આવું અમૃતપાન થઈ શકે. વિશ્વામિત્રે કહેલું ધૃતં મે ચક્ષુઃ’ મારી આંખો ઘી જેવી સ્નિગ્ધ અને પવિત્ર છે. એવો દૃષ્ટિવંત જ અચવ્યા — નિત્ય નવા, નિત્ય તાજા જીવનરસનું પાન કરી શકે છે.