શેક્‌સ્પિયર/મનોભૂમિ અને રંગભૂમિ

Revision as of 01:16, 31 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
7. મનોભૂમિ અને રંગભૂમિ

પ્લેગ પછીનાં ચાર વર્ષોમાં શેક્‌સ્પિયરે નવ નાટકો આપ્યાં : ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’, ‘રોમિયો અને જુલિયટ’, ‘વેનિસનો વેપારી’, ‘બીજો રિચર્ડ’, ‘રાજા જ્હૉન’, ‘ચોથો હેન્રી પ્રથમ ભાગ’ – ‘ચોથો હેન્રી – બીજો ભાગ’, ‘પાંચમો હેન્રી’ અને ‘વાતનું વતેસર’. નાટ્યકાર બનવા જતાં કાવ્યેષણા વીસરી જાય એવો સંશય કદાચ કવિના મનમાં નીપજ્યો હશે તો આ વર્ષોમાં ક્મશઃ એ નિર્મૂળ બન્યો છે. પ્રસંગોની ચાક્ષુષ ગોઠવણીમાં નાટક થાય. અતીતને વર્તમાનનો આકાર મળે ત્યારે નાટક રચાય. પરંતુ કાવ્યદૃષ્ટિ કાલાતીત રહે. શેક્‌સ્પિયરે આ વર્ષોમાં ઉભયને સાચવ્યાં છે. તવારીખી નાટકોમાં, પ્રહસનોમાં અને કરુણાપ્રધાન સર્જનોમાં શેક્‌સ્પિયરે કવિ અને નાટ્યકાર વચ્ચે ઉમંગે સુમેળ રચી આપ્યો છે. આ વર્ષોની કવિની સરજતનું રહસ્ય છે છલકાતો ઉમંગ. માનવસ્વભાવનો પ્રત્યેક વિવર્ત કવિને રુચિકર બન્યો છે. જાતભાતના પ્રેક્ષકોનો આ વર્ષોમાં એણે લગીરે ભાર નથી અનુભવ્યો. જનમેદનીનું માનસદર્શન એને અસ્વસ્થ નથી કરી શક્યું. ફણિધરસમૂહને મહાત કરવાનું ગારુડીકર્મ એણે હોંસથી સ્વીકાર્યું છે. લોકવૃન્દના કોલાહલ અને ઉશ્કેરાટને નાથી શકે એવા પ્રસંગો, પાત્રો અને સંવાદો મારફતે યુદ્ધ અને પ્રેમની કથાનાં માયાવી દોરડાં એણે હવામાં અદ્ધર રાખી બતાવ્યાં છે. રમ્ય કથાને માણી શકે, મધુર ભાષાને પ્રીછે અને સમસંવેદનના અધિકારી ઠરે એવા પ્રેક્ષકો શોધી લેવાની ધૃતિ હૈયાના ઉમંગે કવિને બક્ષી છે. સમકાલીન બેન જૉન્સને “Timber" નામની સ્મરણિકામાં નામનિર્દેશ વિના એક નાટ્યકારનું આ પ્રમાણે વર્ણન કર્યું છે : ‘એણે જાત ઉપર જોરતલબી આદરી હતી, જ્યારે એ લખવા બેસે ત્યારે દિવસ ભેગી રાતને પણ મેળવી દેતો. થાકી લોથ બની ઢળી પડે ત્યાં સુધી લેખનમાં એ વ્યગ્ર રહેતો. પરંતુ આસન છોડ્યા પછી મિત્રોમાં એ એવો મશગૂલ રહેતો કે ફરી પાછો એને લખવા શી રીતે બેસાડ્યો તેની સૌને વિમાસણ રહેતી. પરંતુ જ્યારે પણ લખવા બેસે ત્યારે નવી જ સ્ફૂર્તિનો સંચાર એ અનુભવતો અને ધાર્યા નિશાન પાડી શકતો.’ ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’માં શેક્‌સ્પિયરે ભાવોદ્રેક (Fine frenzy)ને કવિનું એકમેવ લક્ષણ ગણ્યું છે. બેન જૉન્સને ચીંધેલા વ્યક્તિવિશેષમાં આ લક્ષણ જણાય છે. એટલે વિવેચક ડોવર વિલ્સનનું માનવું છે કે બેન જૉન્સને એના નિકટના મિત્ર શેક્‌સ્પિયરનું આલેખન આ રીતે કર્યું છે. શેક્‌સ્પિયરના સાથી નટ હેમિંગ અને કૉન્ડેલે સાચું જ નોંધ્યું છે કે ‘શેક્‌સ્પિયરના મનોવ્યાપાર અને એની કલમ વચ્ચે પૂરો સહકાર હતો અને કવિએ કદીયે શબ્દ કે પંક્તિ છેક્યાં ન હતાં.’ (`His mind and hand worked together : and he never blotted a single line’.) આમ ત્યારે જ બને જ્યારે નાટ્યકૃતિ મનમાં પૂરી સાકાર બને, તે પછી જ કવિ હાથમાં કલમ પકડે. શેક્‌સ્પિયરની કૃતિઓ સૂચવે છે તેમ મનોમન કૃતિને સાકાર કર્યાનો અર્થ વિગતોની તર્કબદ્ધ ગોઠવણી નથી થતો; કવિને મસ્તી અભિપ્રેત છે. એની કલ્પનાને પ્રદીપ્ત કરે એવું કોઈ બળતણ એને મળી જતું ત્યારે એ ભાવોદ્રેકની અવસ્થા પ્રાપ્ત કરતો. એ રસસમાધિને શબ્દસ્થ કરવાની ઉતાવળ અને અકળામણ એને દિવસ ભેગી રાતનું ભેલાણ કરવાનું નિમિત્ત બનતાં હશે. શેક્‌સ્પિયરની આવી લેખનપદ્ધતિ એક રીતે જોતાં સ્વયં કાવ્યાનુભૂતિ ગણાય. ભાષાનો આલંકારિક પ્રયોગ આથી જ શેક્‌સ્પિયરને સહજ બન્યો. નાટ્યવસ્તુને ઉત્તેજનાથી અનુભવવાની કવિને ફાવટ હતી. ઉપરાંત સમગ્ર નાટ્યકૃતિને જે માનસિક અવસ્થામાં એણે અનુભવી તે અવસ્થાનો મિજાજ પરંપરિત રૂપક-પદાવલિમાં એની કલમે સહસા અવતરે છે એટલે જ શેક્‌સ્પિયરના સર્જનનું મૂળ ભાષાની જીવંત વિભૂતિમાં ખૂંપ્યું છે. 1595 પછીનાં એનાં નાટકો આવા કાવ્યોચિત નાટ્યદેહને પામ્યાં છે. શેક્‌સ્પિયરનું સૂક્ષ્મ સંકલન એનાં નાટકોના કાવ્યાંશોમાં મળી રહે છે, નહીં કે કેવળ વસ્તુ કે પાત્રોની ચર્ચામાં. પ્રેરણાની આવી કોઈ તાણ અનુભવીને ‘રોમિયો અને જુલિયેટ’નું સર્જન થયું છે. ચેમ્બરલેઇન નટમંડળીનો એક ભાગીદાર શેક્‌સ્પિયર રંગભૂમિથી નિરપેક્ષ રહીને શી રીતે નાટ્યસર્જન કરે? રંગભૂમિના જાળાના તંતેતંતમાં એ ફસાયો છે. એ નટમંડળીના મુખ્ય આધાર જેવો બરબેજ રંગભૂમિનાં જેટલાં કામ સંભાળતો હતો તેથી વિશેષ કામ શેક્‌સ્પિયરને માથે હતાં. મંડળીના ભાગીદાર તરીકે, એના વહીવટદાર તરીકે, એનાં નાટકોમાં નટ તરીકે એ નાટકોની ભજવણીમાં પાઠસહાયક(Prompter)થી માંડીને દિગ્દર્શનની જવાબદારી અદા કરનાર તરીકે શેક્‌સ્પિયરે ફરજો બજાવી છે. સાથે જ એ મંડળીના આધારસ્તંભ જેવા નાટ્યકાર તરીકે એણે વફાદારીથી બે દાયકા સુધી મંડળીને જમાવી છે. રંગભૂમિનો અનુરાગી ન હોત તો યોગક્ષેમની ચિંતા દૂર થતાંવેંત શેક્‌સ્પિયર અન્ય સમકાલીનો પેરે રંગભૂમિને રામરામ ભણી ગયો હોત! પરંતુ રંગદેવતાને ઇષ્ટ દેવ ગણીને અવ્યભિચારિણી ભક્તિથી શેક્‌સ્પિયરે નાટ્યકુસુમોથી આરાધ્યા છે. અવેતન કે ધંધાદારી રંગભૂમિનો રોજબરોજનો અનુભવ માનસિક સ્વાસ્થ્ય સાથે સુસંગત નથી હોતો. શેક્‌સ્પિયરે નટોનાં ઓવારણાં પણ લીધાં છે અને એમને અભિશાપ પણ આપ્યા છે. ‘વાસંતી રાત્રિ’માં થિસિયસને મુખે એમની નિષ્ઠાને બિરદાવી છે, તો એ જ નાટકમાં પિરેમસ અને થીમ્બીના પ્રતિનાટક દ્વારા અવેતન કળાકારોના છબરડા ઉઘાડા પાડ્યા છે. જીવનના આઘાતોથી એકાકી બનેલા રાજકુમાર હૅમ્લેટે ઉના ઉમળકાથી એમને વધાવ્યા છે અને સાથે જ નાટકની ભજવણી ક્ષતિરહિત થાય એ હેતુથી એમને શું ન કરવું એની સ્પષ્ટ સમજૂતી આપી છે. છતાંય રાજદરબારમાં હૅમ્લેટને માટે જીવનમરણનો પ્રશ્ન ગણાય તેવી ભજવણી વખતે આ નટોએ અક્ષમ્ય ભૂલો કરી છે અને હૅમ્લેટનાં કટુ વચનો મેળવ્યાં છે. હૅમ્લેટ અને શેક્‌સ્પિયર ઉભય નાટ્યરંગે એવા રંગાયા છે કે એકે કહી આપ્યું છે અને બીજાએ કરી બતાવ્યું છે કે સો વાતની એક વાત નાટક (The play is the thing). નટોનું જગત સદૈવ આવેશપૂર્ણ હોય છે. નેપથ્ય ભજવણી ટાણે ઉશ્કેરાટ અને ઈર્ષ્યાથી ખદબદે છે. રિહર્સલોમાં છતા થતા ગોટાળા, પ્રમાદ અને વિલંબ કોઈ પણ નાટ્યકારને વેરાગી બનાવી શકે છે. અભિનેતાઓના ઊર્મિસંઘર્ષો અને કલહો સંતાપજનક હોય છે જ. તેમાં વળી પ્રેક્ષકોનો અસંતોષ ભળે ત્યારે નાટ્યકારનું જીવન અસાર બની જાય. રોજ રોજના આ ક્લેશ સહ્ય એટલા માટે બને છે કે કદીક આ યાતના પસાર કરીને નાટક પ્રેક્ષકોના સાન્નિધ્યે સોળે કળાએ પ્રગટ થાય છે. આવા નાટ્યોદય સમયે પ્રેક્ષકોમાં વિસ્મયની દ્યુતિ ઝળહળે છે અને નાટ્યકાર, નટો અને પ્રેક્ષકોના બે પ્રહર વૈકુંઠલીલામાં વ્યતીત થાય છે. આમ અનુતાપ, આવેશ અને ચમત્કાર ત્રણે મળીને નાટ્યપ્રવૃત્તિની ભાગ્યકુંડળી રચે છે. આ બધી ખેંચતાણો વટાવીને શેક્‌સ્પિયરનું ‘રોમિયો અને જુલિયેટ’ ટેઇમ્સ નદીને કાંઠે ‘જવનિકા’(The Curtain)માં પ્રથમ ઝળહળ્યું. જુલિયેટના પ્રેમી રોમિયોના શબ્દોમાં આપણે કહી શકીએ કે ‘આ નાટ્યકૃતિ યુગોના અંધારમાં નિશીથના કર્ણફૂલ જેવી તેજસ્વી દીપે છે.’

(She hangs upon the cheek of night,
Like a rich jewel in an Ethiop’s ear.)

શેક્‌સ્પિયરના સ્વભાવનાં વિવિધ પાસાં આ રચનામાં અંકિત થયાં છે. કશેથી પણ વાર્તા ઊંચકી લેવાની એની રાજવી વૃત્તિ અને સમકાલીનોથી દૂર પ્રેક્ષકોને ખેંચી જવાની એની આદત એને પચાસ વર્ષ જૂના એક સામાન્ય કાવ્યમાં નાટકનું વસ્તુ શોધવા ધકેલી શક્યાં છે. આર્થર બ્રૂક નામના એક ઉપકવિએ ‘રોમ્યુ અને જુલિયેટ’ નામનું એક કાવ્ય પચાસ વર્ષ પહેલાં લખ્યું હતું. માતાપિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યાથી મૃત્યુની શિક્ષા વેઠવી પડે છે એ સૂત્રને આધારે બ્રૂકનું કાવ્ય રચાયું છે. એની શૈલીની મશ્કરી શેક્‌સ્પિયરે ‘વાસંતી રાત્રિ’માં પિરેમસ અને થીસ્બીના પ્રતિનાટકમાં કરી બતાવી છે. બ્રૂકના કાવ્યમાં એક પણ પાત્ર સુરેખ ન હતું તેમ જ પાત્રોમાં વાણી અને વર્તનનો કોઈ મેળ ન હતો. 1595ના વર્ષનો શેક્‌સ્પિયર કલ્પનાની કાવ્યસંજીવની પામ્યો ન હોત તો બ્રૂકના આધારે એણે દેવાળું કાઢ્યું હોત. શેક્‌સ્પિયરના સાલસ સ્વભાવનું ઉદાહરણ એણે બ્રૂકને અર્પેલી કૃતિમાં મળી આવે છે. બ્રૂકના કાવ્યનું એણે સાદ્યંત પરિશીલન કર્યું છે અને પછી જ મસ્તીની કોઈ ક્ષણે એનું રૂપસુંદર પરિવર્તન કર્યું છે. સિસૃક્ષાની ચરમ પળોમાં શેક્‌સ્પિયરે ભાખ્યું હતું કે, ‘જીવનમાં સમતા એ જ સર્વસ્વ.’ (‘Ripeness is all’) આવી સમતાથી એણે બ્રૂકના આખ્યાનના અસ્થિપિંજરને નિહાળ્યું છે અને પ્રેમના ભાવાતિશયનો નૂતન આવિષ્કાર કર્યો છે. શેક્‌સ્પિયરને મન નાટ્યપ્રવૃત્તિ એટલે જુદાં જુદાં પ્રયોજનો વચ્ચે સમતુલા સાચવવાનો પુરુષાર્થ. જન્મસ્થાન એને છોડવું પડ્યું હતું. પત્ની અને બાળકોના ભરણપોષણની જવાબદારી એની હતી. રંગભૂમિને એણે વ્યવસાય લેખે સ્વીકારી હતી. એક કળાકારને સહજ એવું સ્વાભિમાન એને સફળ કારકિર્દીને માર્ગે પ્રેરી રહ્યું હતું. આવક ઉપર નજર રાખીને એણે નાટકો લખ્યાં છે, આવક મેળવી છે, જમીનજાગીર ખરીદ્યાં છે, જંગમનો મોહ છોડીને સ્થાવર મિલકતમાં નાણું રોક્યું છે. સાથે જ ભવાયાની ભૂંગળને એણે કદી ઉવેખી નથી. સાથી નટોને યારી આપે તેવા પાઠ લખવાનું એણે વિસારે પાડ્યું નથી. નટમંડળીએ કવિને ધન આપ્યું એટલું જ નહીં, પણ મન પણ આપ્યું હતું. એમની બિરાદરીનો એ બંદો હતો, પરંતુ કવિ શેક્‌સ્પિયરનો વિલોપ નથી થયો. ખુદવફાઈ એણે સાચવી છે, એના કવિપ્રાણ પ્રકૃતિમાં અને જીવનમાં સુંદરને ઝંખે છે. સૌંદર્યસ્પર્શે મુગ્ધ અને લુબ્ધ એવો એ કવિ છે. ઇન્સાનની પશુતાથી એ કમકમી અનુભવે છે, પણ પ્રકૃતિસૌંદર્યમાં એની મૂર્છાને નોળવેલ લાધે છે; વસંતનાં કુસુમો એને સ્વાસ્થ્ય અર્પે છે. શેક્‌સ્પિયરનાં કરુણ પાત્ર હૅમ્લેટ વિષે સાચું નોંધાયું છે કે જીવનની નાગચૂડમાં એ જેવો દેખાયો છે તેવો ન હતો. પરિસ્થિતનો સકંજો સહેજ શિથિલ બને છે કે હૅમ્લેટનો ઉલ્લાસ અને એનું નરવું હાસ્ય અભિવ્યક્તિ પામે છે. હોરેશિયોનો મિત્ર હૅમ્લેટ, નટોનો આશ્રયદાતા હૅમ્લેટ, સાગરના ચાંચિયાઓનો વીરતાથી સામનો કરતો હૅમ્લેટ અને સુખના દિવસો મળ્યા હોત તો ઓફિલિયાનું સંવનન કરતો હૅમ્લેટ જેવી હોત તેવા હૅમ્લેટના જેવો શેક્‌સ્પિયર 1600 સુધીની એની સરજતમાં આછા અને ઘેરા રૂપે વ્યક્ત થયો છે. વિશ્વહાસ્યનો કોઈ અજાણ વિદૂષક એના લોહીમાં ભળી ગયો છે. સમભાવની શ્રેષ્ઠ ક્ષણે પણ એની વાચામાં કટાક્ષની તીક્ષ્ણ ધાર હોય છે. કળાને સ્વીકાર્ય એટલું ચિંતન એની પ્રકૃતિમાં છે એટલે વર્ડ્ઝવર્થે પ્રબોધેલી એકાકી પુષ્પમાં વિશ્વદર્શનની શક્તિ એ ધરાવે છે. માનવો અને એમનાં મનોગતોના જાગતિક વ્યાપનો એ સાક્ષી છે આમ ચિત્રવિચિત્ર અવસ્થાઓમાં મિજાજનું ચાંચલ્ય ધરાવતો આ કવિ અનુભૂતિને અનન્ય લયસમૃદ્ધિમાં વ્યક્ત કરે છે. એની જીવનભૂખને કોઈ પરિતૃપ્તિ નથી. બ્રૂકના આખ્યાનને આવા શેક્‌સ્પિયરે નાટ્યાંકિત કર્યું. બ્રૂકના નીતિબોધને અવગણીને કિશોરાવસ્થાના મુગ્ધ પ્રેમના અમર કાવ્ય જેવું એણે ‘રોમિયો અને જુલિયેટ’ નાટક આપ્યું. આ નાટક રચીને કવિએ જીવનમાં અનુભવેલી કામાસક્તિની ઝાળને કાવ્યાંજલિનો અનુલેપ કર્યો છે. જગપ્રસિદ્ધ એ કૃતિની પ્રથમ રજૂઆતનો રોમાંચ ‘મનસા’ અનુભવી શકીએ એટલું વિગતપ્રાચુર્ય કવિ વિષેના સંશોધનમાં મળી આવે છે. શેક્‌સ્પિયરના જમાનામાં સર્વ પ્રવૃત્તિઓ વહેલી સવારે શરૂ થતી. પ્રાતઃકાળે છ વાગ્યે બાળકો નિશાળે જતાં બ્રાહ્મમુહૂર્તે નગર જાગી ઊઠતું. નટોનો સંસાર નદીપાર શોરડીચ વિસ્તારમાં હતાં ત્યાં બે નટઘર હતાં. ‘The Theatre’ અને ‘The Curtain’. શેક્‌સ્પિયરની મંડળી અવારનવાર બેઉ નટઘરોમાં પોતાનાં નાટક ભજવતી. 1595ની વસંતમાં કોઈ એક પ્રભાતે નટઘરનો ચોકીદાર જાગ્યો ન જાગ્યો ત્યાં ધીરે ધીરે નટો હાજર થયા. આમ તો ભજવણીનો દિવસ હતો એટલે મંડળીને માટે આશંકા અને ઉત્કંઠાનો દિવસ. વહેલી સવારે નોકરોએ તખ્તાની અને પ્રેક્ષકગૃહની સાફસૂફી કરી લીધી. નટો આવી પહોંચ્યા એટલે હેમિંગ અને કૉન્ડેલે ‘રોમિયો અને જુલિયેટ’ની અધિકૃત પ્રતિલિપિ જેને નટઘરની પરિભાષામાં `the book’ કહેતા તે પાઠસહાયકને આપી. શેક્‌સ્પિયરે સ્વહસ્તે લખેલાં કાગળિયાં જેને એ સમયની પરિભાષામાં `Foul papers’ એટલે ‘કાચુ ડોળિયું’ કહેતા તે કૉન્ડેલે હાથમાં લીધાં. શેક્‌સ્પિયરનું આગમન હજુ નહોતું થયું એટલે કૉન્ડેલે ‘કાચા ડોળિયા’ને પ્રતિલિપિ સાથે સરખાવીને ટીકા કરી કે ‘આપણો શેક્‌સ્પિયર બે પ્રહરની ભજવણી માટે ત્રણ પ્રહરનાં નાટકો આણે છે.’ કવિનો ઊછળતો ઉમંગ સાથીઓને અજાણ્યો ન હતો. બીજા નાટ્યકારો પાસે નાટકમાં કાપકૂપ કરાવવી ભારે દોહ્યલું કામ હતું. વર્ષમાં પંદર નવાં નાટકો ભજવતી ચેમ્બરલેઇન મંડળીને નાટ્યકારોના કડવામીઠા અનુભવો થઈ ચૂક્યા હતા. મનમાંથી નાટક સરીને પાનાં ઉપર નીતરે પછી એને સાવ વીસરી જનારો શેક્‌સ્પિયર સૌથી જુદો જ તરી આવતો. એના નાટકમાં પાંચ વાર કાપકૂપ કરો કે પંદર વાર એ વિષે એ અત્યંત ઉદાસીન હતો. એના હસ્તાક્ષરોની પ્રતને ઉપયોગમાં લેવી મુશ્કેલ હતી. એટલે લહિયો (Scrivener) બેસાડીને સ્વચ્છ અક્ષરે પ્રતિલિપિ તૈયાર કરાવાતી. એ જ લહિયો નટોના પાઠની નકલો પણ તૈયાર કરતો. નામી નટ એલીનની એક નાટકમાં એણે ભજવેલા પાઠની નકલ મળી આવી છે. આવી નકલો 6 ઈંચ પહોળી કાગળની પટીઓ ઉપર કરવામાં આવતી. પછી કાગળોને એકબીજા જોડે સાંધીને જન્મપત્રિકા જેવો વીંટો વાળવામાં આવતો. આવા પાઠો(actor’s parts)માં નટના સંવાદો પૂરેપૂરા લખાતા. ઉપરાંત સામેના નટના સંવાદના છેલ્લા વાક્યના અંતિમ શબ્દો (cues) સ્મરણસહાય માટે નોંધવામાં આવતા. પ્રત્યેક નટ પોતાના પાઠમાં થયેલી કાપકૂપને સંજ્ઞા-ચિહ્નોથી જુદી તારવતો, પરંતુ આવા પાઠોમાં ઉમેરણનો ભય રહેતો, ખાસ કરીને કૅમ્પ અને બીજા વિદૂષકો વારંવાર સારા જતા સંવાદોમાં ગાંઠનું ઉમેરીને હસ્તક્ષેપ કરતા, જે વિષે શેક્‌સ્પિયરે ‘હૅમ્લેટ’ નાટકમાં ચિંતા વ્યકત કરી છે. અધિકૃત પ્રતિલિપિ સૌપ્રથમ મનોરંજન અધિકારીને સુપરત કરવામાં આવતી. ‘રોમિયો અને જુલિયેટ’ની પ્રતિલિપિને પહેલે પાને મનોરંજન અધિકારી (Master of revels) રોબર્ટ ટિલ્લીની મંજૂરી માટે સાત શિલિંગનું શુલ્ક આપવું પડ્યું હતું એવી નોંધ છે. રાણી એલિઝાબેથના રાજ્યકાળમાં નાટકો પર આ એક નિયંત્રણ હતું. પરંતુ મનોરંજન અધિકારી કેવળ બે વાતનો આગ્રહ રાખતા : એક તો, સમકાલીન રાજકારણની કે રાજપુરુષોની કશીયે ટીકા નાટકમાં ન હોવી જોઈએ; અને બીજું, સમકાલીન ધાર્મિક સંપ્રદાયની વિરુદ્ધ કશો ઉલ્લેખ ન હોવો જોઈએ. ત્યારે પણ સાત શિલિંગ મળ્યાથી મંજૂરીના સહીસિક્કા થતા અને આપત્તિજનક ઉલ્લેખો ધ્યાનબહાર રહી જતા એવાં ઉદાહરણો મળી આવ્યાં છે. શેક્‌સ્પિયરના મિત્ર બેન જૉન્સને "Isle of Dogs’ નામના નાટકમાં સમકાલીન રાજપુરુષોની કડક ટીકા કરી હતી. પરિણામે મંજૂરી મેળવેલું નાટક હોવા છતાં લેખકની ધરપકડ કરવામાં આવી હતી અને એને કારાવાસ ભોગવવો પડ્યો હતો. નટ અને નાટ્યકાર હોવા છતાં અને લગભગ ચાલીસ નાટકો લખ્યાં હોવા છતાં શેક્‌સ્પિયર આવી વિટંબણાઓથી દૂર રહી શક્યો એનું કારણ એન બિનસાંપ્રદાયિક અને કટુતારહિત સ્વભાવ અને સર્જનમાં મળી આવે છે. આવી બધી વાતો પ્રવાહમાં પરપોટા બનીને હેમિંગના મનમાં ઊઠી ન ઊઠી ત્યાં આઠને ટકોરે શેક્‌સ્પિયરનું આગમન થયું. એને જોઈ બરબેજે કહ્યું : ‘વિલ, તું પૂરો મારવાડી છે. સહેજ મોડો આવ્યો હોત તો સૌને એક શિલિંગનો લાભ થાત ને!’ રિહર્સલોમાં સમયપાલનનો દૃઢાગ્રહ રાખવામાં આવતો. કહેલા સમયે ન આવનાર નટને એક શિલિંગનો દંડ ભરવો પડતો, જે એનું એક રોજનું વેતન થાય. નાટકની ભજવણીમાં મોડા પડનારને વીશ શિલિંગ ભરવા પડતા. આમાં કોઈ અપવાદ ન હતા. કદીક શેક્‌સ્પિયર મોડો પડશે એવું લાગતું, પરંતુ અવધ પૂરી થાય એ પહેલાં એ ન આવ્યો હોય એવું કદી ન બન્યું. બને ત્યાં સુધી પોતાની કસૂરથી આર્થિક નુકસાન થવા દેવાની એની વૃત્તિ ન હતી. રાજ્યના કરવેરા બાબતમાં પણ લંડનવાસી શેક્‌સ્પિયરનું નામ કર ન ભર્યા બદલ અને બીજા વિસ્તારમાં વસવાટ ફેરવ્યા બદલ દેણદાર તરીકે દફતરે નોંધાયું છે. એટલે મારવાડી ઉપનામ એના જ નાટકમાં શાયલોકના પાઠ લેવાનો હતો તે બરબેજ લાડકા કવિને આપે એમાં નાટ્યોચિત ઉપાલંભ છે. હવે શેક્‌સ્પિયરની સંનિધિમાં છેલ્લું રિહર્સલ શરૂ થયું. હેમિંગે સૂત્રધાર બનીને પ્રાસ્તાવિક સૉનેટનો પાઠ કર્યો. ‘રોમિયો અને જુલિયેટ’ નાટકનું સ્મરણ થતાં જ ‘દૈવરુદ્ધ પ્રેમી યુગલ’ (`A pair of star-crossed lovers’) મૂર્તિમંત થાય છે. છેલ્લું રિહર્સલ હતું એટલે બરબેજથી પૂછ્યા વિના ન રહેવાયું કે ‘આમાં રૂંધામણ દૈવે સર્જી છે કે માનવોએ?’ શેક્‌સ્પિયરે જવાબ વાળ્યો કે ‘એ તો સૂત્રધારનું વાક્ય છે ને!’ શેક્‌સ્પિયરને નાટકના પ્રથમ દૃશ્યમાં વધુ રસ હતો. કેપ્યુલેટ અને મોન્ટેગ્યુ પરિવારના સેવકોની અથડામણ, બોલાચાલી અને કલહનું દૃશ્ય શરૂ થયું. ચારે સેવકોના પાઠ તે દિવસ પૂરતા ભાડૂતી નટોને આપવામાં આવ્યા હતા. પચાસેક પંક્તિના એ સંવાદોમાં શેક્‌સ્પિયરને શીય રમૂજ પડી હશે! એણે કરેલા આછા જિન્સી ઉલ્લેખો ભાડૂતી નટોએ અતિઅભિનયથી એવા તો ઉપસાવી આપ્યા કે બરબેજે શેક્‌સ્પિયર સામે ખંધું સ્મિત કર્યું, જાણે એને જવાબ આપતો હોય તેમ શેક્‌સ્પિયરે કહ્યું કે ‘કૉમળ માટે કર્દમ!’ (‘The lily in the mud’). ત્યાં તો બેન્વોલિયો અને ટિબોલ્ટ આવી પહોંચ્યા. રિહર્સલ હતું કે પછી નીંદ નહોતી ઊડી એટલે વાક્કલહનાં વાક્યો બરાબર ન જામ્યાં. શેક્‌સ્પિયરે બરબેજને સંજ્ઞા કરી એટલે બરબેજે ટિબોલ્ટને સંવાદ અટકાવીને પાઠ બોલી બતાવ્યો : ‘તલવાર ખેંચીને શાંતિનાં વેણ ઉચ્ચારે છે? એ શબ્દ માટે મને નફરત છે, જેમ દોજખ પ્રત્યે અને બધાં મોન્ટેગ્યુ વિષે મને નફરત છે. કાયર, લેતો જા!’ શેક્‌સ્પિયરે સમજાવ્યું કે ‘પછીના અંકમાં ટિબોલ્ય મરક્યુશિયોને શાંત રહેવા કહેવાનો છે.’ તે પછી તો મોન્ટેગ્યુ અને કેપ્યુલેટ દંપતી આવી પહોંચ્યાં અને એમને છૂટાં પાડવા વેરોનાના ઠાકોર અને એમનો રસાલો આવી પહોંચ્યો. શેક્‌સ્પિયર અને પાઠસહાયક સૌએ આ દૃશ્યમાં ભાગ લીધો. છેલ્લું રિહર્સલ સાદાં વસ્ત્રોમાં હતું એટલે હેમિંગ અને કૉન્ડેલે શ્રીમતી મોન્ટેગ્યુ અને શ્રીમતી કેપ્યુલેટનાં વસ્ત્રો પહેરવામાં સમય ન બગાડ્યો. તે પછી બેન્વોલિયોને મુખે મોન્ટેગ્યુ દંપતીએ રોમિયોની વિરહ-અવસ્થાનું ધ્યાન સાંભળ્યું. ત્યાં રોમિયો બનેલા બરબેજનો પ્રવેશ થયો. બેન્વોલિયો રોમિયોની વ્યથાનું કારણ પૂછે છે અને વિરહવ્યાકુલ રોમિયો યોગ્ય પ્રત્યુત્તર વાળે છે તે સંવાદમાં 170મી પંક્તિમાં ‘આપણે ભોજન ક્યાં કરીશું?’ એ શબ્દો આવતાં બરબેજે ઊંચે સાદે પૂછ્યું કે, ‘વિલ, વિરહમાં વળી ભોજન કેવું?’ શેક્‌સ્પિયરે બરબેજની પુષ્ટ કાયાને આંગળી ચીંધીને પૂછ્યું કે, ‘રિચર્ડ, તમને વિરહી કે ભૂખ્યા કોણ ગણશે?’ અદીઠ પ્રેયસી રોઝેલિનની કે કાવ્યસ્તુતિ બરબેજે કરી તે પછી દૃશ્ય પૂરું થયું. તરત હેમિંગે પૂછ્યું કે, ‘શેક્‌સ્પિયર, આ તો તમારાં સૉનેટોમાંથી લીધું લાગે છે! જાહેર ખેલમાં બોલાશે તો પેલાં સૉનેટો ખાનગી રાખ્યાનો શો અર્થ?’ જવાબ ન મળ્યો. આમ પ્રથમ દૃશ્ય પૂરું થયું. સવારે એકઠા મળ્યા ત્યારે આકાશ ઘેરાયેલું હતું. નવું નાટક એટલે ટિકિટબારીએ બેવડી આવકની આશા. પ્લેગનાં વર્ષોમાં થિયટરો બંધ હતાં, એટલે હવે બે વર્ષનો રંગ વાળવો હોય તેમ લંડનવાસીઓનો ધસારો રહેતો. નવા નાટકની પ્રથમ રજૂઆતને દિવસે પ્રવેશનો દર બેવડો લેવામાં આવતો, પરંતુ વાદળઘેર્યો દિવસ હોય તો પ્રેક્ષકોની હાજરી કંગાળ રહેતી. નદી પાર કરીને થિયેટરમાં જવું અને વળી પાછું એની એ રીતે ગામમાં પહોંચવું. વરસતા વરસાદે આ કોને પાલવે? દિવસ કેવોક જશે તે જોવા હેમિંગ પ્રેક્ષકગૃહમાં ઊતર્યો. તખ્તા ઉપરથી નીચે ઊતરો એટલે માથે ખુલ્લું આકાશ દેખાય એવો ચોક હતો. સામાન્ય પ્રેક્ષકો ત્યાં ઊભા રહીને નાટક સાંભળતા અને જોતાં. હેમિંગે નિરભ્ર આકાશ દીઠું. એ બોલી ઊઠ્યો ‘આનું નામ એપ્રિલની તડકીછાંયડી! હવે એક વાદળી નથી આકાશમાં!’ શેક્‌સ્પિયરને સ્વગત સૂઝયું : ‘The uncertain glory of an April day.’ તરત જ બરબેજે ચોકીદારને સૂચના આપી કે થિયેટરને છાપરે ધ્વજ ચડાવે. પ્રહસન હોય ત્યારે તો રંગબેરંગી વાવટો થિયેટર પર લહેરાતો, જેથી સામે પાર નગરજનો જાણ થતી કે ‘જવનિકા’માં તે દિવસે પ્રહસન ભજવાશે, પરંતુ આજે કાળા રંગનો રેશમી ધ્વજ કાઠીએ ચડાવ્યો જેથી કરુણાન્ત નાટકની જાહેરાત થાય. આ પહેલાં જ ગામમાં સૌ મુખ્ય સ્થળોએ પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં, જેમાં નાટકનો ટૂંક સાર, એનાં મુખ્ય દૃશ્યોની સૂચિ અને મુખ્ય નટોની નામાવલિ મોટે અક્ષરે છાપવામાં આવ્યાં હતાં. હેમિંગની અને બીજાં થિયેટરોના વ્યવસ્થાપકોની સતત ફરિયાદ હતી કે મુદ્રકોના મહાજને જેઇમ્સ રોબર્ટ્સને આવી પત્રિકા છાપવાનો ઇજારો આપીને સૌને અન્યાય કર્યો હતો. રોબર્ટ્સના ભાવ ત્રણ ગણા હતા અને બીજો કોઈ મુદ્રક આ કામ હાથ નહોતો ધરતો. એટલે ‘રોમિયો અને જુલિયેટ’ની જાહેરાત માટે મંડળીએ ખાસ્સા ત્રણ ગણા ભાવ આપ્યા હતા. તખ્તાની સામે જ ઊભા ઊભા હેમિંગે બે સેવકોને એના જમણા હાથે જે પ્રવેશદ્વાર હતું ત્યાં ઊભા રહીને બપોરે પ્રવેશની પેનીઓ એકઠી કરવાની સૂચના આપી. આ સેવકોને ‘સંગ્રાહક’ (Gatherers) કહેતા. બીજા બે સેવકોને એણે ચોકમાંથી અટારી(Gallery)માં જવાના દાદર પાસે નાટક સમયે સ્થાન લેવાનું સૂચવ્યું. બે પેની આપીને ખુલ્લા ચોકમાં બેઠા પછી છાપરાવાળી અટારીઓમાં સ્થાન મેળવવા માટે વધુ બે પેની આપવી પડતી. તખ્તાને જમણેડાબે પડખે ત્રણ માળના ઝરૂખા હતા. તેમાં ઉમરાવો અને આશ્રયદાતાઓ માટે ખાસ વ્યવસ્થા હતી. એમની સંભાળ એ હેમિંગ અને અન્ય નટોની જવાબદારી. અટારીમાં પણ ખાસ બેઠકો માટે શુલ્ક લેવાતું. આપણે ત્યાં જેમ થાળી ફેરવવામાં આવે તેમ તે સમયનાં થિયેટરોમાં દરેક સંગ્રાહકને ગલ્લો આપવામાં આવતો, જેમાં નાણું એકઠું થતું. દિવસ સારો જશે એવી પ્રતીતિ થતાં જ હેમિંગે ઝડપથી રિહર્સલ ઉકેલવાની સૂચના આપી, એટલે કૅમ્પે કહી નાખ્યું કે, ‘જાણે વિલંબ અમે કર્યો હોય!’ પિતા કેપ્યુલેટ અને જુલિયેટના હાથનું માગું કરનાર પેરિસનો સંવાદ ઝટ પત્યો. ત્યારે બરબેજે શેક્‌સ્પિયરને કહ્યું કે, ‘ગમાર નોકરને આવા પ્રાસ્તાવિક સંવાદ પછી પાંચ વાક્યો માટે રજૂ કરીને તેં બાજી સુધારી લીધી છે.’ કેપ્યુલેટે પોતાના નોકરને શહેરમાં નોતરાં દેવા મોકલ્યો હતો. દવલું પાત્ર આવે એટલે શેક્‌સ્પિયરને વતન યાદ આવે અને ક્યાં ભગવાન સર્જી શકે, ક્યાં શેક્‌સ્પિયર સર્જી શકે એવો પ્રતીતિજનક મૂર્ખ છતો થતો. પાંચ લીટીમાં આ નોકરે સહજભાવે સૌને હસાવ્યા છે, કારણ કાળા અક્ષરને કૂટી મારે એવા સેવકને નોતરાંની યાદી આપવામાં આવી છે. નોકર વલોપાત કરે છે કે ‘માચી સંભાળે ગજ અને દરજી સંભાળે ચાંપી, માછીના હાથમાં પીંછી અને ચિતારાને ખભે જાળ. આ બધાં સહેલાં કામ. લખનારાએ કેવાં લખ્યાં નામ તે પૂછવું પડશે પંડિતને.’ હાસ્યની આવી રૂપેરી કડીએ શેક્‌સ્પિયરે જ્યાં કેપ્યુલેટની હવેલી હતી ત્યાં જ રાજમાર્ગ પણ આણી દીધો. ત્યાં રોમિયો અને બેન્વોલિયોએ પ્રવેશ કર્યો. વિરહી રોમિયોને મિત્ર બેન્કોલિયોએ કાંટાથી કાંટો કાઢવાની સલાહ આપી. રોઝેલિનના વિરહથી મુક્ત થવા અન્ય પ્રેમિકા શોધી લેવાની સલાહ રોમિયોએ કાને ધરી નહીં, પરંતુ એનું વિરહગાન અધવચ્ચે જ અટક્યું. કેપ્યુલેટનો નોકર ભોળે ભાવે એને મળ્યો અને પૂછ્યું : ‘ભાઈ વાંચો છો ખરા?’ પોતાની જ રામકહાણી યાદ કરીને રોમિયોએ કહ્યું : ‘હા ભાઈ, મારું દુર્દૈવ વાંચુ છું.’ નોકરે માન્યું કે ભાઈ ભણ્યા લાગતા નથી, એટલે ફરીને પૂછ્યું : ‘કાગળમાં લખ્યું હોય એ વાંચો ખરા?’ રોમિયો એ કહ્યું : ‘અક્ષર અને ભાષા પરિચિત હોય તો.’ રામ રામ કરીને નોકરે ચાલવા માંડ્યું. મારા જેવો જ આ તો ભોટ મળ્યો’ એવા ભાવથી તરત એને પાછો બોલાવીને રોમિયોએ યાદી વાંચી. રોમિયો બનેલા બરબેજે વળી શેક્‌સ્પિયરને પૂછ્યું કે, ‘નાટકના નાયકને આવી ક્ષણે નોકરો પાસે ઉઘાડો પાડ્યો?’ શેક્‌સ્પિયરે કહ્યું : ‘અસંયમી વાસનાના એવા જ હાલ હોય! (Such are the ways of the slaves of passion.’ નોતરાંની યાદી વાંચીને બેન્વોલિયોએ નિર્ણય કર્યો કે કેપ્યુલેટ પરિવારના સમારંભમાં રોમિયોને છદ્મવેશે લઈ જવો. દૃશ્ય પૂરું થતાં બરબેજે સૌને ઉતાવળ કરવાની સૂચના આપી દીધી. પ્રથમ રજૂઆત માટે તૈયારીરૂપે સૌએ નવા વેશ પહેરવાના હતા. ‘જવનિકા’નો તખ્તો ભલેને ખાલીખમ હોય; પડદા અને પાંખની વિચારણા તો એક સદી બાદ થવાની હતી, પરંતુ ‘જવનિકા’ના એ ચોતરા ઉપર બે પ્રહર વસ્ત્રોની તો ફૅશનપરેડ યોજવાની હતી. મુખ્ય પાત્રો ઉમરાવોથી જરાયે અદકેરાં ન લાગે તેવાં મોંઘાં વસ્ત્રો પંદર દિવસથી તૈયાર કરવામાં આવ્યાં હતાં. અત્યારની રંગભૂમિ ઉપર મેક-અપને જેટલો સમય મળે છે તેથી વિશેષ સમય એલિઝાબેથન નટોનો વેશપરિધાનમાં જતો. એટલે સૌ તખ્તા પાછળ પહેલે અને બીજે માળે વસ્ત્રાગાર(Tiring rooms)માં ગયા. પુરુષપાત્રોએ તો અન્યોન્યની સહાયથી પોતાનાં જામાઝભ્ભા અંગે ધર્યા, પરંતુ શ્રીમતી બ્યુલેટ અને શ્રીમતી મોન્ટેગ્યુ તેમજ જુલિયેટની આયા – આ ત્રણને તો છ નટોના સહારાથી સજાવાયાં. આયા બનેલા પોપે તો ચાળા પાડીને કહ્યું : ‘સાચું કહું છું એવી તો કાફર મારી જવાની છે કે પાંચ પંદર લટ્ટુ ન બને તો મારા ચૌદ દાંત તોડાવું!’ પછી ઉમેર્યું : ‘મોંમાં દાંત આખા ચાર રહ્યા છે!’ ત્યાં તો ‘lady, lady, lady’ એમ ગૂંજતો મરક્યુશિયો એને વળગી પડ્યો. એવામાં પીટર બનેલો કૅમ્પ આયાને હાથપંખો આપી ગયો, પરંતુ આયાનું રૂપપ્રદર્શન અધૂરું રહ્યું, કારણ નિર્દોષ નયનોવાળો બાલનટ જુલિયેટ બનીને આવી પહોંચ્યો. બરબેજે ત્રણેક વાર એની પાસે પાઠ કરાવ્યો :

‘My bounty is as boundless as the sea,
My love as deep; the more I give to thee
The more I have, for both are infinite.’

નેપથ્ય એના રૂપેરી કંઠથી રણકી ઊઠ્યું. શેક્‌સ્પિયરને બધાની વચ્ચે ખેંચી લાવીને બરબેજે વિશ્વાસથી કહ્યું : ‘કવિ, આજ સાંજ પછી ગામની જુવાની જુલિયેટની રમણાએ ન ચડે તો તમે થજો સ્ટેટફર્ડ ભેગા અને હું સ્વીકારીશ વ્યાજવટું.’ બધાને એણે કહ્યું : ‘ચાલો તખ્તા પર અને ઝડપથી આવણુંજાવણું તપાસી લો!’ તખ્તાની પછીતે એક ખીટીંએ મોટું પાટિયું લટકતું હતું, એ કહેવાતું "plot". એમાં પ્રત્યેક દૃશ્યનો આરંભ અને અંત તેમજ પ્રત્યેક પાત્રનું આગમન અને નિષ્ક્રમણ સમય સહિત દર્શાવ્યાં હતાં. કયો સમયે તખ્તા પર શું લઈ જવું તેની પૂરી વિગત પાટિયે ચડી હતી. Plot એ તે જમાનાનું રજૂઆત-નિદર્શન લેખાતું. એની સાથે સંકળાયેલા વ્યવસ્થાપકનું કામ નટોને યોગ્ય સમયે તખ્તા ઉપર મોકલવાનું તેમ જ આવશ્યક દૃશ્ય-ફેરફારો કરી આપવાનું રહેતું, જેમ કે ‘રોમિયો અને જુલિયેટ’માં તખ્તા ઉપરની અટારીમાં જુલિયેટને મોકલી આપવાનું તેમજ નાટકના પાંચમા અંકમાં પાછલી ભીંતનો પડદો ખસેડીને જુલિયેટની કબરનું દૃશ્ય ગોઠવી આપવાનું કામ. રોમિયો માટે દોરડાની સીડી તથા પાદરી અને આયા માટે બગલથેલા એણે પૂરાં પાડવાનાં હતાં. જે વંડી ઠેકીને રોમિયો જુલિયેટના ઉદ્યાનમાં પ્રવેશે છે તે વંડી આગલું દૃશ્ય પૂરું થતાં જ એણે પાછળથી ધકેલીને તખ્તા પર આણવાની હતી. તખ્તાની ત્રણે બાજુ પ્રેક્ષકો ટોળે વળતા. એમને રસક્ષતિ ન થાય એવી ચપળતાથી આ કામ ઉકેલવું પડતું. તખ્તા ઉપર જતાં પહેલાં કોઈ પાત્ર સંવાદ વીસરી જાય તો એને ખભે હાથ મૂકીને એક નવા પાત્ર તરીકે જ પ્રવેશ કર્યો હોય તેમ તખ્તા ઉપર આવીને પેલા ભૂલકણા પાત્રના કાનમાં સંવાદ કહી આવવાનું કામ પણ એનું રહેતું. નાટકના પરિધાન સહિત ‘પ્લૉટ’ના પાટિયા પર સૂચવેલા ક્રમ પ્રમાણે પ્રવેશ અને નિષ્ક્રમણનું રિહર્સલ તે પછી શરૂ થયું. વેરોનાના બજારમાં રજૂ થતાં દૃશ્યોમાં દેવળનું ઘડિયાળ કઈ દિશામાં સૂચવવું તે વિષે નાનો એવો મતભેદ હતો. મરક્યુશિયોનો મત એવો પડ્યો કે એનો હાથ જે દિશામાં ફરે તે દિશામાં દેવળ કલ્પી લેવું. જે દોરડાની સહાયથી રોમિયો જુલિયેટની અટારીએ પહોંચે છે તે દોરડું સહેલાઈથી અટારીમાં બાંધી શકાયું નહીં એટલે ત્રણેક વાર એને બરોબર અટારીના ખીલામાં ફેંકવાની બરબેજે તાલીમ લીધી. અંતિમ દૃશ્યમાં રોમિયો આવી પહોંચ્યો તે પછી જ ખ્યાલ આવ્યો કે એણે ઘોર ખોદવાની હોવાથી હાથમાં કોશ સાથે આવવું જોઈએ. આડે હાથે કશેક મુકાઈ ગયેલી કોશને શોધવામાં વિલંબ તો થયો, પણ તે પછી જ રિહર્સલ પૂરું થયું. ત્યાં સુધીમાં બપોરનો પ્રહર થવા આવ્યો એટલે સૌ નટો ખાણા માટે છૂટા પડ્યા. તે પહેલાં બરબેજના પિતા જેઇમ્સ પુત્રને જમવા બોલાવવા આવી પહોંચ્યા. તેમણે દશેક્ મિનિટમાં સૌની ખબર લઈ નાખી. આગલી રાતના વરસાદનાં ખાબોચિયાં હજુ સુકાયાં ન હતાં એટલે તેમાં લાકડાનો વહેર અને રેતી પાથરીને રસ્તો કરવાની એમણે સૂચના આપી. એમણે જ સમાચાર આપ્યા કે બરબેજ અભિનય કરવાનો હતો એ વાતને પૂરી પ્રસિદ્ધિ મળી હોવાથી બારેક મહાજન (Guilds) આજનો તહેવાર નાટક જોઈને ઊજવવાનાં હતાં. ઇંગ્લૅન્ડને પહેલું થિયેટર આપનાર આ વૃદ્ધ જેઇમ્સ બરબેજે આખી સવાર શોરડીચના નાવિકોને મળવામાં અને લંડનના બજારમાં મોટાં ઘરના મુનીમો (Stewards) સાથે ટોળટપ્પામાં વિતાવી હતી. એમણે તો રંગભૂમિની રીતે મિલાવીને એમ પણ કહ્યું કે ‘મેં તો લોકજીભેથી અફવાઓ એકઠી કરી છે.’ ‘રોમિયો અને જુલિયેટ’ નાટક જોવા ચૌદ-પંદર ઉમરાવો આવશે એવી વાત એણે પાકે પાયે સાંભળી હતી. લોક વધારે એકઠું થશે એવો અંદાજ ગામના ફેરિયાઓને આવી ગયો હતો એટલે તો થિયેટરની આજુબાજુ પંદરેક રાવટી નાખવાનું કામ હાથ ધરાયું હતું. જોશ જોનારા, જાદુના ખેલ કરનારા, દુહા ગાનારા અને વેચનારા, ફળફળાદિ અને ખાદ્ય પદાર્થોના ખૂમચાવાળા, ચારપાંચ ફૂલોની દુકાનવાળા શોરડીચ વિસ્તારમાં ક્યારનાયે આવી પહોંચ્યા હતા અને મોખ જોઈને પોતાની હાટડી ગોઠવવામાં મશગૂલ હતા. એમણે એમ પણ કહ્યું કે, ‘નવી વહુની માફક નવું નાટક હજાર નખરાં માગે, એટલે અમારા ચિંરજીવી બરબેજ અને સ્ટેટફર્ડના પેલા શેક્‌સ્પિયરનું આજે તો ફુલેકું ચડશે! ઉતાવળ કરાવીને બધા નટોને એણે નજીકની ‘બોર્સ હેડ’ ટેવર્નમાં ભોજન માટે મોકલી આપ્યા. પોતાને માટે કલાકે કલાકે પીણું મોકલવાની સૂચના પણ તેમની સાથે જ મોકલી અને ટેવર્નમાથી છ એક છોકરા પ્રેક્ષકોના ઑર્ડરો લેવા આવી પહોંચે એમ પણ કહેવડાવ્યું. નોકરો માટે થિયેટરમાં જ ખાણું આવી પહોંચે ત્યાં સુધીમાં તખ્તા ઉપર એમણે નવું ઘાસ અને ચોકમાં રેતી પથરાવી છાપરે મિનારા ઉપર ફરકી રહેલા ધ્વજને વધારે ઊંચો ચડાવવાનું કામ ચોકીદારને સોંપ્યું અને ઘોડેસવારી કરીને આવનાર પ્રેક્ષકોનાં વાહનોની સાચવણી માટે ચાર નોકરોને ખાસ સૂચના આપી. ‘અમારે નાટક નહીં જોવાનું?’ એમ એક બટુકબોલા નોકરે પૂછ્યું ત્યારે બુઢ્ઢાએ સંભળાવી દીધું કે, ‘હોય વળી! આ તારી માફક જ ઘોડાની સાચવણી કરતાં કરતાં આપણો શેક્‌સ્પિયર નાટક જોતો થયો, ભજવતો થયો, વળી કવિ બનીને નાટક લખતોયે થયો. આજે સૌને કામ મળ્યું એ મારા બરબેજ અને તમારા શેક્‌સ્પિયરના રૂડા પ્રતાપ! એ તો ભાઈ આવડત હોય તો બધુંય આવી મળે! તમે તમારે થિયેટરની આજુબાજુ જરા આંખ કાન ઉઘાડા રાખીને ફરશો તો ભલભલાં નાટક જોવા મળશે. ટોળાં હોય એટલે ખિસ્સા પર હાથચાલાકી કરનારા આવ્યાં જ સમજો! નજરે ચડે એટલે મને ઘાંટો પાડી બોલાવજો! આપણા નાટકમાં ખિસ્સાં કપાય તો મંડળીને બરકત ના રહે! પણ ખિસ્સાકાતરુને શોધવામાં ગામના જુવાનડા અને યુવતીઓને ટીકીટીકીને જોશો મા! આંખ અને કાન એમનાથી દૂર રાખીએ તો જ નાટક ન્યાલ કરી દે! આજે તો મહોબતનું નાટક છે એમ સાંભળ્યું છે એટલે આવાં લોક ઝાઝાં દેખાશે. જુઓ ભાઈ, થિયેટરમાં નોકરી કરવી હોય તો અવસરે આંખ આડા કાન કરવા! અહીં તો માણસ ગંજીપાનો જુગાર રમવાયે આવે અને થાંભલે અઢેલીને ઊભાં ઊભાં રૂપાળાં બૈરાં સામે આંખો મિચકારવાયે આવે. એમની સાથે તકરાર હોય નહીં! એમના નાણે આપણું ગુજરાન ચાલે...’ એક વાગ્યે સૌથી પહેલા પાછા ફર્યા હેમિંગ અને કૉન્ડેલ. ત્યાં સુધીમાં વડીલ બરબેજે થિયેટરમાં વ્યવસ્થા આણી દીધી હતી. પ્રવેશદ્વારે બે દ્વારપાળો અને ફળની છાબડીઓ લઈને બે છોકરાઓને ઊભા રાખ્યા હતા. બે ડગલાં દૂર ડાંખળીવાળા ગુલાબોનો ટાટ ધરીને એક સેવક ઊભો હતો. ગૅલરીમાં જવાને માર્ગે બીજા બે દ્વારપાળો અને ત્રણ માળની અટારીઓમાં છએક સંગ્રાહકો તાળાંવાળા ગલ્લા લઈને ફરતા હતા. ભોજન પછી ધીમે ધીમે પાછા ફરેલા નટો નેપથ્યે કામે લાગી ગયા એટલે હેમિંગ અને શેક્‌સ્પિયરને બાજુએ બોલાવી વડીલ બરબેજે વાત શરૂ કરી. નટોની હરીફાઈ અને તેથી નીપજતાં સાચાંજૂઠાં એ બરબેજનો વિષય હતો. એની ખાસ ફરિયાદ એડમિરલ મંડળીના શાહુકાર હેન્સ્લો વિષે હતી. ‘આપણા મનમાં કશું નહીં, પણ આ હેન્સ્લો આપણી મંડળીનું સુખ જોઈ શકતો નથી. એને તો એમ કે આ બરબેજ દેવાળું કાઢે તો પોતાનો જમાઈ એલીન ન્યાલ થઈ જાય. પારવધો નટ છે એલીન એની ના નહીં. એનાં નાટક ભંગાવવા આપણે ક્યાં કશું કરીએ છીએ, પણ હેન્સ્લો એનું નામ તે પૈસા વેરીને જોજોને આપણું નાટક લખી લેવા માણસો મોકલશે! આપણે ત્યાં ઉમરાવો આવે અને રાણી માતાના મસિયાઈ ભાઈ નામદાર ચેમ્બરલેઇન આપણું છત્ર અને બને એની ભારે અદેખાઈ હેન્સ્લોને. જૂઠું નથી કહેતો, હાથ ભીડમાં હોય ત્યારે નવા નાટકનો ખર્ચો કાઢવા આપણેય હેન્સ્લો પાસેથી પૈસા તો લીધા’તા પણ ગામને મારા દીકરાનાં નાટકો ગમ્યાં એટલે આપણું કરજ દૂર થયું અને ફરીને વ્યાજે લેવા વારો ન આવ્યો. તે હેન્સ્લોને એમ છે કે આ વળી ભવાયા તવંગર બને તો એની આવક તૂટે ને! એટલે તો જાણો છો ને આ આપણા શેક્‌સ્પિયરને પેલા ગ્રીન કને કેવો ભંડાવ્યો’તો! એ તો વળી ઠીક કે આ અમારા કવિ સૂરજ દેવ બાચકો ધૂળે ન ઢંકાય, પણ હજુ છાલ નથી છોડતો હેન્સ્લો, ને ભાઈ, લોકોનું તો એવું કે જરા બૈરાં વિષે આઘુંપાછું કહ્યું તો સીધું ગળે ઉતારે. એટલે આ તમને કહું છું કે હમણાં હમણાં લોકોમાં આ મારા બરબેજ અને શેક્‌સ્પિયર વિષે એક વાત વહેતી થઈ છે. મૂળ તો હેન્સ્લોનું જ કારસ્તાન હશે. ગામમાં અરધા લેખકો એના હાથમાં. એટલે વાત વહેતી થતાં વાર શી? એટલે ખોટું ન સમજશો. મારે તો આ મંડળી દીકરા જેવી તે ખુલ્લા દિલે પૂછું છું. પેલું આપણું ‘ત્રીજો રિચર્ડ’ નાટક જનરલે ઉપાડી લીધું ને મારો રિચર્ડ મૂળ તો પ્રસિદ્ધિમાં ટોચે પહોંચી ગયો, પણ હલકું નામ હવાલદારનું એમ કરીને કહે છે કે નાટક જોવા આવેલું કોઈ બૈરું એને ઈજન આપી ગયું. હવે આવી વાતો થાય ને મનાય તો આપણે ત્યાં લોક છૂટથી ન આવે ને! તે હેમિંગ તને પૂછું – હું માનતો તો નથી પણ – કહે છે મારા રિચર્ડને બદલે આ કવિ પેલીને ત્યાં પહોંચી ગયા ને પછી મારો દીકરો ગયો ને રિચર્ડ આવ્યો છે એવું કહેણ મોકલ્યું ત્યારે કહે છે આ કવિએ સામું કહેવડાવ્યું કે વિજેતા વિલિયમ અહીં પણ વહેલો આવી પહોંચ્યો છે. તે આ શું સાચું?’ હેમિંગે વડીલને થાબડીને કહ્યું : ‘મુરબ્બી, કેટલા ચૂહા મારીને હજ ગયા છો? આપણા ધંધામાં જે ફાવ્યો તે વખણાય તે આવાં તો અનેક જોડકણાં થશે આપણા રિચર્ડ અિને વિલિયમ વિશે. તમતમારે જંપીને જીવો શાંતિથી. જુઓ, હવે તો બહાર ટોળે વળ્યું છે લોક! ચાલો, હવે ચોકીદારને કહીએ કે અટારીમાંથી પહેલું બ્યૂગલ વગાડે!’ દોઢેકનો સમય થયો હશે અને ‘જવનિકા’ના છજામાંથી પ્રેક્ષકોને સાદ દેતું પહેલું બ્યૂગલ વાગી ઊઠ્યું. બહાર ઘૂમતા હતા તેવા પ્રેક્ષકો તો ઉતાવળે પગલે દરવાજે આવ્યા, બે પેનીનો સિક્કો ગલ્લામાં નાખીને અંદર પ્રવેશ્યા અને પોતાને અનુકૂળ જગા પસંદ કરી આરામથી ઊભા રહ્યા. સવેળા આવનારા મોટે ભાગે ચોકના અધિકારી હતા. દશેક મિનિટ વીત્યે ફરી બ્યૂગલ વાગ્યું અને સામે પારથી ઊતરેલા પ્રેક્ષકોના પગ ઉતાવળા થયા. પ્રેક્ષકગૃહ ભરાતું ગયું તેમ તેમ પરિચિતો વચ્ચે નમસ્કાર અને રામરામની વિધિ શરૂ થઈ. ચોકમાં ઊભેલો પ્રેક્ષક ત્રીજે માળે અટારીમાં ગોઠવાયેલા પરિચિતને મોટે સાદે બોલાવે એમાં એને કશું અજગતું ન લાગ્યું. તેવી જ રીતે ઉપર સ્થાન મેળવનાર કોઈ કોઈ પ્રેક્ષક મોડા આવીને નીચે ઊભેલા પોતાના મિત્રનું ધ્યાન ખેંચવા એની ઉપર સૂકા મેવાનો ઘા કરે કે સફરજનની એકાદ ફડશ ફેંકે એવો હૂંફાળો સત્કાર પણ ક્યાંક ક્યાંક થયો. આધુનિક પ્રેક્ષકો અને શેક્‌સ્પિયરને મળેલા પ્રેક્ષકો વચ્ચે યુગાંતર વહ્યો છે. ત્યારે તો સમાજ વધારે મુખરિત હતો અને નાગરિકોનું વર્તન ઓછું કૃત્રિમ હતું. કશેક દશબાર જુવાનિયા ટોળે વળી ગીતો ગાતા હતા, તો કોઈ વળી ઉન્મુખ બની પ્રેક્ષકોનું કૌતુક નિહાળતા હતા. શ્રીમંત ઉમરાવોનું આગમન સૌની વધાઈ પામતું. આપણે ત્યાંના મેળાઓ જેવા હિલોળા એલિઝાબેથન પ્રેક્ષકગૃહ લેતું. નાટક શરૂ થાય તે પહેલાં તો અટારીઓમાં અને ચોકમાં જાણે ચીડિયાઘર રચાયું. તારસ્વરે સંભાષણ કરતું લોક શેક્‌સ્પિયરને પ્રેક્ષકો તરીકે મળ્યું હતું. બે વાગ્યા અને ત્રીજી વાર બ્યૂગલ સંભળાયું. એનો સ્વર શમે તે પહેલાં વાજિંત્રોની ધૂન (Sennet) શરૂ થઈ. એ સૂત્રધાર હેમિંગે કોરસના સ્વાંગમાં પ્રવેશીને રંગભૂમિના મધ્ય ભાગે ઊભીને આમુખ આરંભ્યું, પરંતુ પ્રેક્ષકોનો પ્રવાહ હજુ મંદ નહોતો પડ્યો તેથી અને એમનો કોલાહલ હજુ શમ્યો નહોતો તેથી ભાગ્યે જ પાંચપંદર પ્રેક્ષકોએ એના શબ્દો કાને ધર્યા. પ્રત્યેક પંક્તિ સાથે બે ડગલાં આગળ વધતો હેમિંગ લગભગ તખ્તાની કિનાર પાસે આવી પહોંચ્યો અને પંક્તિ છ, સાત અને આઠ મોટેથી ઉચ્ચારી ઊઠ્યો :

`A pair of star-crossed lovers take their life:
Whose misadventured piteous overthrows.
Doth with their death bury their parents’ strife.’

આ શબ્દોનો સળવળાટ અનેક કર્ણોમાં સંચર્યો અને રંગભૂમિનો બે પ્રહરનો વ્યાપાર ગતિમાન થયો. 1595ના એપ્રિલની એક મધ્યાહ્ને ખુલ્લા આકાશ નીચે પ્રથમ વાર ભજવાયેલું ‘રોમિયો અને જુલિયેટ’ નાટક ખુશનૂમા સાંજની હવાની લહેરોમાં ‘જવનિકા’ના મિનારે ફરફરતાં ધ્વજ જેટલાં જ અનુકંપનો અને અનુસ્પંદનો ઉપસ્થિત પ્રેક્ષકોના હૃદયમાં જન્માવી ગયું. શેક્‌સ્પિયરે યુવાનોના પ્રણયસ્વપ્નને ઊર્મિ અર્પી અને એ ઊર્મિનું નાટક રચી સર્વ કાળના યૌવનને ચરણે ધર્યું. 1595ની વસંતના પાછલા પહોરે અજાણ પ્રેક્ષકોએ પ્રેમના ચિરંજીવ ગીતનું પૃથ્વી પર અવતરણ પ્રત્યક્ષ નિહાળ્યું. એક સમકાલીને તો ટીકા પણ કરી છે કે ‘શેક્‌સ્પિયરના નાટકની અસરમાં નગરના કિશોર-કિશોરીઓ પોતાનાં અન્યોન્ય સંભાષણોમાં શુદ્ધ જુલિયેટ અને રોમિયોને ઉવાચે છે.’ બે પ્રહરની રસસમાધિમાં લીન એના પ્રેક્ષકો જ્યારે સ્વપ્નાં ખંખેરીને શેક્‌સ્પિયરને પરિચિત એવા હજાર હજાર મનોરથો સાથે માર્ગે પડ્યા અને ક્ષણભર પૃથ્વી ઉપરનું સ્વર્ગ બનેલું ‘જવનિકા’ ફરીને નીરવ થયું તેમજ અપ્રતિમ સાફલ્યની ઉષ્મામાં વ્યક્તિત્વને વીંટાળી નટઘરના સાથીદારો કશેક ઉજવણીએ મળ્યા અને વૃદ્ધ જેઇમ્સ બરબેજ પણ તે દિવસની આવકને પૂરેપૂરી ગણીને પેટીમાં પૂરીને એક ચાવી પોતે રાખીને અને બીજી ચાવી હેમિંગને આપીને ઘર ભણી વળ્યો અને થોડેકથી પાછો ફરી ધ્વજ ઉતારવાનું વીસરી ન જવાની સૂચના ચોકીદારને આપીને સાચે જ ઘેર ગયો; ત્યારે પણ શેક્‌સ્પિયર પોતાની કૃતિના અમર નાયક જેવો "I will be a candle-holder (હું તો રહીશ કેવળ પથપ્રદર્શક) એમ કહેતો શૂન્ય બનેલા એ નટઘરમાં ચોકીદારની મીણબત્તીના પ્રકાશમાં શું શું બની ગયું તેના પડઘા સાંભળતો આત્મલીન ઊભો હશે! અથવા તો જેમ રોમિયો તેમ શેક્‌સ્પિયર ક્ષણેક મૌન ધરીને કે મશાલ પકડીને આ નમણી નાટ્યકૃતિના અજબ સૌંદર્યથી લુબ્ધ બનીને શાણપણના સઘળા અવરોધો ઓળંગી જઈને પેલા ઉદ્યાનમાં કૂદી પડ્યો હશે, જ્યાં રજતધવલ ચકિરણોમાં તરુપર્ણો રસાયાં હતાં! મિત્રભૂખ્યો શેક્‌સ્પિયર સાથીઓના સંગાથમાં પરાવિસ્તારમાં અને નગરનાં મયખાનાંઓમાં જાણે કે જુલિયેટના ભવ્ય સુંદર ઉદ્ગારોના પડઘા પાડતો પોતાના ઉમંગના અદમ્ય ઉછાળે ગૂંજી ઊઠ્યો હશે :

`The more I give to thee
The more I have; for both are infinite.’