નારીસંપદા : ટૂંકી વાર્તા/મુક્તિ-૨
ભારતી પંડ્યા
ભાવવિહીન ચેહરે મીતાએ જમીન પર સૂતેલ નયન સામે એકીટસે જોયા કર્યું. કેમ મને કશું થતું નથી? કેમ હું કોઈ લાગણી, સંવેદના કે દુઃખ અનુભવતી નથી? કેમ આવી શુષ્ક થઈ ગઈ છું? શું માનવી ઉંમર થતા કઠોર થઈ જતો હશે? શું હું કઠોર થઈ ગઈ છું? ના... ના, એવું નથી. થોડા દિવસ પહેલા ટીવી પર કરુણ દૃશ્ય જોતા કેવી એની આંખો ભીની થઈ ગઈ હતી ! એણે ચારેબાજુ નજર ફેરવી. ગોર મહારાજ કંઈક વિધિ કરાવતા હતા. કૅસેટ પરથી ગીતાના શ્લોકો સંભળાઈ રહ્યા હતા. “જીર્ણાની વસ્ત્રાણી”... નયનના માથા પાસેના દીવામાં એની દીકરી નેહા ઘી રેડી રહી હતી. ધૂપસળીની સુગંધ નયન પર છાંટેલા યુડીકોલોનની વાસ સાથે ભળી ગઈ હતી. સ્વજનો એક પછી એક હાથ જોડીને નયનની પ્રદક્ષિણા કરી રહ્યા હતા. જાણે કોઈ ચિત્રનું દૃશ્ય સાક્ષી ભાવે એ જોઈ રહી હોય એવું એને લાગ્યું. એવું નહોતું કે આવા પ્રકારનું દૃશ્ય એ પહેલી વાર જોઈ રહી હોય. ફરક માત્ર એટલો જ હતો કે આ દૃશ્ય એના પોતાના ઘરમાં ભજવાઈ રહ્યું હતું. ફરીવાર એની નજર નીચે જમીન પર સુતેલા નયન પર ફરી વળી. ત્રીસ વર્ષ પહેલાં એને પહેલી વાર જોયો હતો એટલો જ handsome એ અત્યારે પણ લાગતો હતો. હા, ચહેરો થોડો પાકટ અને શરીર થોડું ભરાવદાર થયું હતું. એને મળી ત્યારે હું સત્તર વર્ષની. મેટ્રીકમાં ભણતી હતી. ડિસેમ્બર મહિનામાં અમે મારી માસીની દીકરીના લગ્નમાં મુંબઈ ગયા હતા. નયન વરપક્ષ તરફથી આવ્યો હતો. એને હું જોતા જ ગમી ગઈ હતી. જોકે હું હતી જ ખૂબ સુંદર. બધા જ મારા સૌંદર્યના વખાણ કરતા. હું પણ મારા સૌંદર્ય પ્રત્યે સભાન બની ગઈ હતી. કારણકે, જ્યારે જ્યારે હું ઘરની બહાર નીકળતી ત્યારે ત્યારે મારી ગલીના છોકરાઓ મને તાકીતાકીને જોયા કરતા. હું પહેલેથી જ બિન્દાસ હતી અને popular પણ એટલી જ હતી. સ્કૂલમાં પણ રાસ- ગરબા, નાટક એવી બધી પ્રવૃત્તિમાં મારું નામ આપોઆપ સિલેક્ટ થઈ જતું. મેં જોયું છે કે જીવનમાં ઘણીખરી વસ્તુ તમારા સૌંદર્યને લીધે તમને આસાનીથી મળી જતી હોય છે. મારી બાના શબ્દો યાદ આવે છે. “આ છોકરી આટલી સુંદર છે એટલે જ મુંબઈમાં રહેતા ગર્ભશ્રીમંત કુટુંબના એકના એક દીકરાનું સામે ચાલીને માગું આવ્યું છે. દેખાવડો, આટલું ભણેલો અને પાછું એના પિતાનો આખો બિઝનેસ એણે સંભાળી લીધો છે, નહિતર ક્યાં આપણે મધ્યમ કુટુંબના નાના શહેરમાં રહેતા સામાન્ય માણસો !” મારી બા આવું બોલતી ત્યારે એની સામે હું ઘણી દલીલો કરતી. મને યાદ છે જ્યારે એના ઘરેથી મારે માટે માગું આવ્યું ત્યારે મેં ઊહાપોહ કરી મૂક્યો હતો કે મારે આગળ ભણવું છે. કૉલેજમાં જવું છે. મારા પિતા પણ મારી સાથે સહમત હતા. મારી બા કહે કે તારે ક્યાં કાલે ને કાલે જ પરણવાનું છે અને લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા થોડું જવાય? અને તારે ભણવું જ હોય તો પછીથી ક્યાં નથી ભણાતું? સાચું કહું તો મને ભણવામાં એટલો બધો રસ નહોતો. એટલે હું ભણવામાં ખરાબ નહોતી, પચ્ચાસ-સાઇઠ ટકાની વચ્ચે માર્ક્સ આવી જતા. મને તો રસ હતો કૉલેજ લાઇફ એન્જોય કરવાનો. કેટલી બધી વાતો મેં કૉલેજજીવન વિશે સાંભળી હતી. કૉલેજમાં અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ભાગ લેવાનો, બોરિંગ પિરિયડ ભરવાનો નહીં, એને બદલે નીચે કેન્ટીનમાં બેસીને મિત્રો સાથે ગપ્પાં મારવાનાં, યુનિફોર્મને બદલે ફેશનેબલ કપડાં પહેરીને બધા પર વટ મારવાનો, પિકનિક પર જવાનું... આવી આવી અનેક યોજનાઓ મારા મનમાં ચાલતી. આ બધું છોડીને મુંબઈ જવાનું? જ્યાં મારા કોઈ મિત્રો નહીં, નવું વાતાવરણ, નવા લોકો વચ્ચે જઈને રહેવાની મારી તૈયારી નહોતી. સગપણ ન કરવા માટે હું રોજ દલીલો કરતી રહી અને થોડા દિવસોમાં માર્ચ મહિનાના અંતે નયનકુમાર એના કુટુંબીજનો સાથે સગપણ માટે આવી પહોંચ્યા. એમણે મને મુંબઈમાં જોઈ હતી પણ મને એમને જોયાનું યાદ નહોતું. એમને જોતાંની સાથે જ મારી બધી નારાજગી, દલીલો, ઊહાપોહ ઓગળી ગયા. He was so handsome! સંસ્કૃતનું એક વાક્ય યાદ આવ્યું, “કન્યા વરતયે રૂપમ”. એમને જોતાં જ એમના પ્રેમમાં પડી ગઈ. મે મહિનામાં તો મારા લગ્ન પણ થઈ ગયા. સગપણ અને લગ્ન વચ્ચેના સમયમાં અમે ભાગ્યે જ ચાર-પાંચ વાર મળ્યાં હોઈશું. પણ મારા માટે તો એ સમય ખૂબ જ રોમેન્ટિક હતો. પ્રણય અને પ્રેમનાં સપનાઓમાં ખોવાઈ જતી. રોજ રાત્રે મારા મનમાં એક દૃશ્ય ભજવાતું. એની કલ્પના માત્રથી મારી હૃદયવીણાના તાર ઝણઝણી ઊઠતા. શરીર રોમાંચિત થઈ જતું. જે દૃશ્યનું વર્ણન મેં અનેક વાર નવલકથામાં વાંચ્યું હતું, Picture માં જોયું હતું એ મારી સાથે ભજવાતું. જાણેકે એ શયનગૃહમાં આવ્યો, ધીરેથી મારો હાથ એના હાથમાં લીધો, મારી આંખમાં આંખ પરોવી મારી હડપચી ઊંચી કરી મારા અધર પર ચુંબન કર્યું, મારા સૌંદર્યનું પાન કરતો રહ્યો... મારી આંખ મીંચાઈ ગઈ, એના દૃઢ આલિંગનમાં સમાઈ ગઈ... મારું રોમરોમ પુલકિત થઈ જતું. આવાં સપનોમાં રાચતા રાચતા બે મહિના પસાર થઈ ગયા. જેની ખૂબ જ આતુરતાથી પ્રતીક્ષા કરી રહી હતી તે ક્ષણ આવી ગઈ પણ જેવી કલ્પનાઓમાં રાચતી હતી એવું કશું જ ન થયું. જે થયું તે ખૂબ જ યંત્રવત્ થયું. પ્રણયનો આવિષ્કાર પામું કે પ્રેમની અનુભૂતિ અનુભવું તે પહેલા તો બધું પતી ગયું. આ પ્રકારની યંત્રવત્ પ્રક્રિયા રોજની થઈ ગઈ. It was only sex. મને જોઈતો હતો પ્રેમ અને એને સેક્સ. શરૂઆતમાં હું ખૂબ જ ઉદાસ થઈ જતી. ઘરમાં બધાને લાગતું કે નવા વાતાવરણ અને નવા લોકો છે એટલે પોતાના ઘર અને કુટુંબની યાદ આવતી હશે, ધીરે ધીરે adjust થઈ જશે. અને ખરેખર થયું પણ એવું જ. મન ધીરે ધીરે બધું સ્વીકારીને સમાધાન કરતું થઈ ગયું. જ્યારે હું કોઈ રોમાન્ટિક નવલકથા વાંચતી ત્યારે હીરોઇનની જગ્યાએ મારી જાતને મૂકીને પ્રણયનો માનસિક આનંદ માણતી. શરૂઆતના દિવસોમાં મને નયન સમજાતો નહોતો. ઘણી વાર મને નયનનું વર્તન વિચિત્ર લાગતું. જ્યારે જ્યારે કોઈ મિત્રને ત્યાં પાર્ટીમાં જવાનું થાય ત્યારે તો વિશેષ. જઈએ ત્યારે સરસ મૂડમાં હોય પણ જ્યારે પાછાં આવીએ ત્યારે એનો મૂડ બદલાઈ જતો. મારા પ્રત્યેનું એનું વર્તન બદલાઈ જતું. એક તો ડ્રિંક લીધું હોય અને પછી નાની નાની વાતમાં મારી પર તરત જ ગુસ્સે થઈ જતો, મારું અપમાન કરતો, ઉતારી પાડતો. હું જો કંઈ બોલવા જાઉં તો મને મારતો. આ બધું મારી કલ્પના બહારનું હતું. મને ખબર નહોતી પડતી કે આ માણસ આમ કેમ વર્તે છે? મારો શો વાંક છે? પણ ધીરે ધીરે મને એમની માનસિકતા સમજાઈ ગઈ. જ્યારે જ્યારે એના મિત્રો મારી પ્રશંસા કરતા કે મારી સાથે વાત કરવા ઉત્સુકતા દાખવતા કે એના કરતાં મને વધારે મહત્ત્વ આપતા એ એનાથી સહન થતું નહોતું. પાર્ટીમાંથી પાછાં આવ્યાં પછી કહે, “શું લળી લળીને એ લોકો સાથે વાત કરતી હતી? તારી જાતને બહુ સ્માર્ટ, સુંદર સમજે છે?” વગેરે વગેરે. એ જ્યારે આવા મૂડમાં હોય ત્યારે એને જવાબ આપવાનું હું ટાળતી. કારણકે, માર ખાવાની મારી તૈયારી નહોતી. પાર્ટીમાં એના મિત્રો મારા વખાણ કરે એ એને ગમતું. એનો ઈગો સંતોષાતો પણ સાથે સાથે એ insecure પણ થઈ જતો. એ ખૂબ જ ઈર્ષા અનુભવતો. એ જ અરસામાં હું પ્રેગનેન્ટ થઈ. તબિયતનું બહાનું કાઢી પાર્ટીઓમાં જવાનું ટાળવા લાગી. મારું વ્યક્તિત્વ બદલાઈ રહ્યું હતું. ક્યારે બિન્દાસ, બાહ્યમુખી પ્રતિભાવાળી હું આંતરમુખી બની ગઈ એની મને પણ ખબર ન પડી. પછી તો હું મારાં બે બાળકોની દુનિયામાં ખોવાઈ ગઈ અને એ એની બિઝનેસની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. “મમ્મી, મહારાજ પૂછે છે કે આપણું ગોત્ર કયું?” “ગૌતમ ગોત્ર” – એની દીકરી નેહા એને પૂછી રહી હતી. એ પાછી વર્તમાનમાં આવી ગઈ. નેહા જાણે એની જ પ્રતિકૃતિ જોઈ લો. ના... ના... મારી પ્રતિકૃતિ તો કેમ કહેવાય? હા, માત્ર દેખાવ પૂરતી. બાકી એ તો આત્મવિશ્વાસથી છલકતી, ધસમસતાં પૂર જેવી. ભલભલાને એની ઇર્ષા આવે એવું એનું વ્યક્તિત્વ હતું અને ભણવામાં એટલી જ તેજસ્વી હતી. એમ.બી.એ. પાસ કરીને એક મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરતી હતી. એને જોઈને અચાનક તે દિવસની યાદ આવી ગઈ. તે દિવસે પણ આમ જ ધોધમાર વરસાદ વરસતો હતો. નેહા એક બેગ લઈને અચાનક અમારા ઘરે આવી. ભયંકર ગુસ્સામાં હતી. એનું મોઢું જોતાં જ અમે સમજી ગયાં કે કંઈક અનુચિત બન્યું છે. અમે બંનેએ પૂછ્યું. “કેમ અચાનક આવી? પરાગ બહારગામ ગયા છે? કંઈક બન્યું છે? બધું બરાબર છેને?” “મમ્મી-ડેડી, કંઈ બરાબર નથી અને પરાગ અહીંયાં જ છે. હું પરાગને છોડીને આવી છું. મહેરબાની કરીને મને પાછા જવાનું કહેતાં નહીં.” છેલ્લા છ મહિનાથી નેહાના લગ્નજીવનમાં પ્રોબ્લેમ થવા લાગ્યા હતા. એક વર્ષ તો બધું બરાબર ચાલ્યું પણ ધીરે ધીરે ઝઘડા-કંકાસ શરૂ થવા લાગ્યા. અમે નેહાને સમજાવતાં, શાંત પાડતાં. એને કહેતાં કે બધું ધીરે ધીરે થાળે પડી જશે. એડજસ્ટ થતા ક્યારેક વાર પણ લાગે. પરાગ ખૂબ જ પઝેસિવ અને ઇર્ષાળુ હતો. નેહા કંપનીના કામે બહારગામ કે પરદેશ જાય એ એને બિલકુલ પસંદ નહોતું. મેં ઊભા થઈને નેહાને પાણી આપીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. એની આંખમાં ગુસ્સાનાં આંસુ આવ્યાં. એણે કહ્યું, “મમ્મી, ડેડી, આજે તો એણે મારા પર હાથ ઉગામ્યો. મને જોરથી તમાચો માર્યો. એ શું સમજે છે એના મનમાં? હવે તો ધોળે ધર્મે પણ એની સાથે નહીં રહું.” નયને સમજાવતાં કહ્યું, “આ ઝઘડાનું મૂળ કારણ તારી નોકરી છે તો નોકરી જ છોડી દેને.” “ડેડી, તમે આ શું કહો છો? એના પર ગુસ્સે થવાને બદલે મને તમે નોકરી છોડી દેવાનું કહો છો?” “નેહા બેટા, તારે નોકરી કરવાની શી જરૂર છે? આટલી બધી પ્રોપર્ટી છે, આટલા બધા પૈસા છે. તું તારે મજા કર.” “ડેડી, હું તમને કહું કે ભાઈને બધો બિઝનેસ સોંપીને મમ્મી સાથે મજા કરો તો તમે કરવાના છો? અને તમારી પાસે તો કેટલા બધા પૈસા છે. અને ડેડી, મેં એને લગ્ન પહેલાં જ કહ્યું હતું કે હું નોકરી કરવાની છું. ઘરમાં બેસી રહેવાની નથી. જો તને આ કબૂલ હોય તો જ લગ્ન માટે હા પાડજે. અને આજે તો એણે હદ કરી નાખી. મારા પર હાથ ઉગામ્યો. માર તો હું કોઈ કાળે સહન ન કરું.” નયને કહ્યું, “ગુસ્સામાં આવીને વર હાથ ઉગામે. એમાં ઘર છોડીને અવાતું હશે?” “ડેડી, છેલ્લા છ મહિનાથી એનો ગુસ્સો, અપમાન સહન કરી રહી છું. Now no more. I am not going back and that is final.” નયને કહ્યું, “તારે જવું જ પડશે.” મેં વચ્ચે પડીને કહ્યું, “જરા તમે એને સમજવાનો તો પ્રયત્ન કરો.” હું વધારે કંઈ બોલવા જાઉં ત્યાં જ મને વચ્ચેથી કાપીને ઘાંટો પાડીને કહે, “તું તો ચૂપ જ રહેજે. દીકરીને સમજાવવાને બદલે એની હામાં હા પુરાવ્યા કરે છે, કેવી મા છે તું?” ગુસ્સામાં આવીને એણે નેહાનો હાથ પકડીને કહ્યું, “જો તું મારું કહ્યું માનવાની ન હોય તો આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી.” અચાનક હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. કોણ જાણે ક્યાંથી મારામાં હિંમત આવી એની આજે પણ ખબર નથી. એમની પાસે જઈને નેહાને પકડેલો એમનો હાથ છોડાવ્યો. એમની આંખોમાં આંખ મેળવીને ખૂબ જ દૃઢતાપૂર્વક મેં કહ્યું, “નેહા આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. આ ઘર જેટલું તમારું છે એટલું જ મારું પણ છે. તે છતાં પણ તમારો દુરાગ્રહ હોય તો હું અને નેહા અત્યારે ને અત્યારે જ કોઈ હોટલમાં રહેવા જતાં રહીએ. અને તમે કયા જમાનામાં જીવો છો? આ કોઈ ગુજરાતના નાના ગામમાંથી આવેલી મેટ્રિક ભણેલી છોકરી છે કે પતિનો માર ખાઈને માથે હાથ રાખીને બેસી રહે?” મારું આ સ્વરૂપ જોઈને એ સડક જ થઈ ગયો. કંઈ જવાબ ન સૂઝતા એ ગુસ્સામાં રૂમ છોડીને જતો રહ્યો. જિંદગીમાં કદાચ પહેલી વાર આવી રીતે ગુસ્સે થઈને એમની સામે બોલી હોઈશ. વર્ષો સુધી હૃદયમાં સંઘરાયેલો આક્રોશ બહાર વ્યક્ત થઈ ગયો હશે. આજે પણ મને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે હું એમની સામે આ રીતે બોલી શકી ! કદાચ મારી અંદરની ‘મા’ બોલી હશે. પાછળ બેઠેલામાંથી કોઈની વાતચીત મીતાને કાને પડી. “સુખી જીવ હતા અને જુઓને, મૃત્યુ પણ કેવું સરસ આવ્યું. ન કોઈ માંદગી, ન કોઈ ઓપરેશન કે ન કોઈ હોસ્પિટલના ચક્કર. હાર્ટ ઍટેક આવ્યો અને અડધી કલાકમાં તો ઊપડી ગયા.” મીતા વિચારતી હતી કે હા, ખરેખર સુખી જીવ હતા. હંમેશા એમણે પોતાના જ સુખનો વિચાર કર્યો છે. મારા સુખનો તો એમને ખ્યાલ જ નહોતો આવતો. ખાસ કરીને છેલ્લાં વર્ષોમાં, જ્યારથી એનો મેનોપોઝનો પિરિયડ શરૂ થયો ત્યારથી. કેટલીય વાર ભયંકર હતાશામાં સરી પડતી. જીવન પ્રતિ નિર્વેદ આવી જતો. શારીરિક સુખની તો બિલકુલ જ ઇચ્છા ન થતી. એ સુખ ન રહેતા ભયંકર યાતના, પીડાની પ્રક્રિયા બની જતી. મેડિકલ ઉપચાર કરવા છતાં એની પીડા ઓછી થતી નહીં. સેક્સની બિલકુલ ઇચ્છા ન હોય છતાં પણ સેક્સની પીડામાંથી પસાર થવું જ પડતું. એમની ઇચ્છાને વશ થવું જ પડતું. કેમ સ્ત્રીને જ હંમેશા સહન કરવું પડતું હોય છે? પછી ભલે એ કષ્ટમય સેક્સ હોય કે પ્રસવની વેદના હોય. એક જ પ્રક્રિયા એકના માટે સુખમય તો બીજા માટે દુઃખમય કેમ બનતી હશે ! એમણે ક્યારેય મને સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. એક વાર તો મેં એમને કહ્યું પણ ખરું કે આ બધામાંથી મને મુક્ત કરો. તો મને કહે, “તારે પણ તારી દીકરીની માફક ડિવોર્સ લેવા છે?” કાશ, મારામાં એવી હિંમત હોત ! ડિવોર્સ તો નહીં પણ અનેક વાર મને થતું કે આ બધું છોડીને હરદ્વારના કોઈ આશ્રમમાં જઈને રહું. જોકે એના માટે પણ હિંમત જોઈએ. તાકાત જોઈએ. જો એ ન હોય તો ચૂપચાપ સહન કરી લેવાનું. બે દિવસ પહેલાંનું જ દૃશ્ય એની આંખ સામે તાદૃશ થયું. તે દિવસે રાત્રે એનું આખું શરીર ખૂબ દુઃખતું હતું. તાવ પણ ભરાયો હતો. ક્રોસીન લઈને સૂઈ ગઈ. નયનના સ્પર્શથી એ જાગી ગઈ. એણે કહ્યું, “Please નયન, આજે નહીં. મારું આખું શરીર દુઃખે છે. ફ્લ્યુ થયો હોય એવું લાગે છે. તાવ પણ છે.” “શરીર તો સાવ ઠંડું છે. આ તો તારા હંમેશનાં બહાનાં છે. કોઈ વાર માથું દુઃખે, કોઈ વાર મૂડ ન હોય, કોઈ વાર તાવનું બહાનું.” “નયન, તાવનું બહાનું નથી. ક્રોસીન લીધીને એટલે તાવ ઊતરી ગયો છે પણ અશક્તિ બહુ લાગે છે. Please… આજે નહીં.” હું બોલતી રહી, એ એનું કામ પતાવતો રહ્યો. આંખો મીંચી, હાથની મુઠ્ઠી વાળી હું પથારીમાં પડી રહી. એ તો કામ પતાવી પડખું ફેરવીને સૂઈ ગયો. મારામાં ઊભા થઈને પાણી પીવાની પણ તાકાત નહોતી રહી. એ યાદ કરતાં આંખમાં આંસુ આવી ગયાં. સામે બેઠેલો એનો દીકરો મનન, તરત એની પાસે બેસીને આંસુ લૂંછતા કહ્યું, “મમ્મી, આમ રડ નહીં. ડેડીના આત્માને કેટલું દુઃખ થશે?” “નહીં રડું બેટા.” એ વિચારતી રહી, એમના ગયા પછી પણ એમના જ સુખનો જ વિચાર કરવાનો? નેહા પૂછી રહી હતી, “મમ્મી, મહારાજ બારમા-તેરમાની ક્રિયા વિશે પૂછતા હતા.” “પછી વાત કરીશ એમની સાથે.” મને યાદ આવ્યું, અમારા ગામમાં જે માણસ સુખી થઈને મૃત્યુ પામ્યો હોય અને સાધનસંપન્ન હોય તો એના ઘરના લોકો એની પાછળ આખી ન્યાતને જમાડતા. મેં પણ નક્કી કરી લીધું કે હું પણ આખી ન્યાતને, સ્વજનોને, મિત્રોને બધાયને જમાડીશ. એમની યાદમાં સૌને લ્હાણી આપીશ. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એમનું શ્રાદ્ધ કરાવીશ. એમના આત્માની મુક્તિ માટે અને મને એમનાથી મુક્ત કરવા માટે.