નારીસંપદા : ટૂંકી વાર્તા/લાઇફ લાઇનની બહાર

Revision as of 01:32, 6 June 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
લાઇફ લાઇનની બહાર

શીલા રોહેકર

કસાવ થોડો ઓછો થયો છે અને નીચે દબાયેલ સફેદ હોઠમાં ગુલાબી રંગ ભરાઈ ગયો છે. દાંતની પકડ ચોખ્ખી દેખાય છે અને એ દાંતોના બે ઉભારનો રંગ જાંબુડિયા ઝાંયવાળો છે. બંધ કરીને જકડી રાખેલી પોતાની મુઠ્ઠીઓને તે જલદી ખોલી દે છે. ખોલ્યા બાદ વિચારે છે કે કદાચ આટલી જલદી ખોલવી જોઈતી ન હતી. ધીરે ધીરે જો ખોલી હોત તો મસ્તિષ્કનો આ તણાવ કાંઈક ઓછો થઈ જાત. પણ હવે મુઠ્ઠીઓને ફરી બંધ કરી ઉઘાડવી નિરર્થક છે. તે પોતાની ખુલ્લી હથેળીને જોવા માંડે છે. એક મસ્તિષ્કરેખા અને એક હૃદયરેખા... કોઈક જ્યોતિષીએ એને કહ્યું હતું... કેટલો વિચિત્ર છે તારો હાથ ! કેવળ બે જ રેખાઓ ! લાઇફ લાઇન તો નહિવત્ જ છે... એણે પોતાનો હાથ ખેંચી લીધો હતો; કારણકે એ ખૂસટ ડોસલાનો હાથ એની જીવનરેખા વિનાની હથેળી પરથી આગળ વધતો ચાલ્યો ગયો હતો. એને બરોબર યાદ આવે છે કે તે જ્યોતિષી પાછળ ખસિયાણા સ્વરમાં કહી રહ્યો હતો... છે માત્ર મુલાયમ, નાજૂક. ઉપર સુધી તો ગાદી જ ફેલાયેલી હશે... અનાયાસપણે એ ફરી પોતાનો હોઠ ભીંસી દે છે. જાંબુડિયા રંગના બે નાના નાના ખાડામાં ફરી એક વાર થરથરાટી થાય છે. તે જીભને પોતાના હોઠો પર ફરવા દે છે. સૂકા બરછટ બની ગયેલા હોઠ પર ફરતી ચીકણી જીભને કરચલીઓ પસંદ નથી. રૂમાલથી ભીના હોઠોને લૂછવાનો એક વ્યર્થ પ્રયાસ તે દોહરાવે છે. હવે તડકો ઘણો નમી ગયો છે અને શિરીષનાં વૃક્ષોની છાયા કાંઈક ડાબી તરફ સરકી ગઈ છે. વિક્ટોરિયા રાણીના પૂતળાનો પડછાયો હવે લોન ઉપર વિખરાઈ ગયો છે. લીલાં ઘાસ પર જામેલાં પાણીનાં નાનાં નાનાં બિંદુઓ ચમકી રહ્યાં છે... અને જાંબુડી ઝાંય તરી રહી છે. કદાચ કોઈએ ઘણા જોરથી ભીંસ્યા હશે. પોતાના લાંબા કરેલા પગને તે પાસે ખેંચી લે છે અને ઘૂંટણો ઉપર પોતાની નાની અમથી ચિબુક ટેકવી દે છે. હાથોને આજુબાજુ વિંટાળી હથેળીઓને પગની નીચે દબાવી રાખે છે. આંગળીઓનો સ્પર્શ ક્યારેક જાંઘોને તો ક્યારેક પેટને થયા કરે છે. એ સ્પર્શનો અર્થ શોધતા વાર થાય છે ત્યારે અમસ્તું જ પોતાની બે આંગળીઓને બ્લાઉઝની અંદર થોડીક ઘુસાડી એક ચૂંટલી ખણે છે. વેદનાની એક તીવ્ર લહેરખી કંપતી કંપતી પ્રસરીને કાબરચીતરાં ઘાસમાં શોષાઈ જાય છે. તે સમાઈ જતી લહેરને પકડવાના પ્રયત્નમાં હાથ ઘાસ પર રેલાઈ જાય છે – લાઇફ લાઇનથી વંચિત હાથ. સુમેરુને તો ઘણી લાંબી લાંબી રેખાઓ હતી... તે વિચારે છે. પોતાના જેવી જ લાંબી અને સાફ સાફ. એના લાલચટક હાથોમાં તે કાળાશ પડતી લાખ રેખાઓ... શિરીષના નીચે પડેલા એક ફૂલને હાથમાં લઈ તે વિના કારણે તાકતી રહે છે. આછા લીલા રંગના રોમ અને ઉપર પીળા રંગનો કેસરપુંજ. એક ઝીણું કીટક એમાં અટવાઈ પડ્યું છે. એને બિંદુ સમાન બે પાંખો છે અને એક એવું જ નાનું માથું. રોમને ખસેડતી જતી આંગળીઓ બરોબર એ કીટક ઉપર આવીને જ દબાઈ જાય છે અને ગતિ નિર્જીવ થઈ જાય છે. તે ફૂલનો ઝટકો મારે છે. આછા લીલા રંગમાંથી કાળાશ પડતું ટપકું સરકીને નીચે પડીને ક્યાંક ખોવાઈ જાય છે. સુમેરુના બે હાથ બરાબર કમર ઉપર આવીને ભીંસાઈ જતા હતા અને કંકુના ચાલ્લાનો એક પડછાયો એના કોરા ગાલ પર અથવા કપાળ પર અંકિત થઈ જતો. અંધકારમાં ખોવાઈ જતાં જતાં તે કેવળ ગુસપુસ શબ્દોમાં વિંટળાઈ જતી અને એ અસ્પષ્ટ અવાજનો પ્રતિધ્વનિ દીવાલો પુનરાવૃત્ત કરતી રહેતી. તે પેલા કાળા ટપકાને શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. આસપાસનાં ઘાસને ઉખેડતી રહે છે. લીલું લીલું ઘાસ બીજાં લીલાં ઘાસ પર વિખેરાતું રહે છે. તે કાંઈક કરવા માટે એક તણખલું દાંત નીચે રાખી ચાવવા માંડે છે. સુમેરુ આમ જ તેની આંગળીઓના વેઢાને દાંત નીચે રાખી દબાવતો હતો. તે કહેતી કે આમ બીજાને થૂંક લગાડવાની ટેવ કેટલી ખરાબ છે ! તો તે દાંત વધારે જોરથી દબાવી દેતો. હાથ છોડાવવાની વ્યર્થ કોશિશમાં તેનો હાથ પકડી ભીંસી લેતો અને તે નીરવ થઈને પડી રહેતી. એના હાથ તેને કસે જતા, ભીંસે જતા... અને બંધ આંખોમાં તરતો અંધકાર ગાઢ થતો થતો એક વિસ્તૃત ગુફા બની જતો-જેમાં ખીણનાં ભૂરાં પાણી પથરાયેલાં વહેતાં અને સોનેરી માછલીઓ ડૂબકીઓ લગાવતી રહેતી. તે ક્યાંય સુધી એ ભૂરાં ભૂરાં પાણી પાસે બેસીને વલયોને ગણ્યા કરતી... એક...બે...છ...સાત...ઓહ ! છોડી પણ દે ને રે ! માછલીઓ ડૂબી જતી, વલયો થંભી જતાં, ભૂરાં પાણી પર ગુફાની શ્યામલતા ફેલાવા લાગતી અને અંધકાર વિખેરાઈને પ્રકાશમાં પરિણીત થઈ જતો. પકડ ઢીલી પડતાં પડતાં છૂટી જતો અને જાંબુડી ઝાંયો જ્યાં ત્યાં ફેલાઈ રહેતી. હવે સૂર્ય ઘણો નીચે ક્ષિતિજમાં આવી ગયો છે. વૃક્ષના પડછાયા લાંબા જ નહીં, અસ્પષ્ટ પણ થઈ ગયા છે અને ઘાસ ઠંડું પડવા માંડ્યું છે. શિરીષ વૃક્ષ પરથી ઘણાંબધાં ફૂલ નીચે ખરી પડ્યાં છે અને દરેક ફૂલમાં નાનાં નાનાં બિંદુ સમાન કીટકો અટવાઈ ગયાં છે. તણખલાંઓ ઉપર ચમકતાં પાણીનાં બિંદુઓ નીચે સરી જમીનમાં ઓગળી ગયાં છે. સ્ટેચ્યૂનો પડછાયો અચાનક વિસ્મૃતિ જેવો અલોપ થઈ ગયો છે અને વિક્ટોરિયા રાણી ઘણી દયનીય અવસ્થામાં... હાવભાવમાં ઊભી ઊભી પોતાના અસ્તિત્વની યાદ અપાવવાનો પ્રયત્ન કરી રહી છે. તે ઇચ્છત તો ઊભી થઈને ત્યાં સુધી પહોંચી શકત અને સ્ટેચ્યૂના ફેલાયેલા એક હાથની હથેળીમાં જોત. શું ત્યાં પણ લાઇફ લાઇન નથી? પણ સ્ટેચ્યૂ ઘણું ઊંચું છે અને પોતે ત્યાં સુધી પહોંચી શકવા અસમર્થ છે. હા, તે પોતે ઘણી નાજુક અને નાની અમથી છે. બધા જ એવું કહે છે. જાસૂદનાં લાલ લાલ ફૂલ એની ઉપર ખીલતાં. અર્ધપાક્યાં જમરૂખ કેવળ એક હાથ જેટલી ઊંચાઈ પર રહી જતાં. મોગરાની વેલનો મંડપ કેટલાં બધાં ફૂલ ઉપર ખીલાવતો. ભાઈ હંમેશાં ચિડાવતો ચિડાવતો સાઇકલની ટીન-ટીન વગાડતો નીકળી જતો. અને તે બબડતી રહેતી. એને સ્કૂલમાં મોડું થઈ રહ્યું છે... એની કૉલેજનો પહેલો પીરિયડ છૂટી રહ્યો છે... અને ફૂલ હસી રહ્યાં છે. ભાઈ નીકળીને અદૃશ્ય થઈ ગયો છે... અને તે ફૂલોને તાકી રહી છે. કમર પર બે હાથ વીંટળાઈ રહ્યા છે અને એડીઓ જમીનથી ઊંચી થઈ ગઈ છે. મોગરાનાં ફૂલ બરોબર હાથમાં આવી ગયાં છે અને તે ખાઉધરાની જેમ તેમના પર તૂટી પડી છે. વેલ હાથમાંથી છૂટી જાય છે અને છતાં એડીઓ જમીનને સ્પર્શતી નથી. નજર નીચે વળતી બે રુંવાટીવાળા હાથ પર રોકાઈ જાય છે અને હાથપગ છૂટવા માટે તરફડિયાં મારે છે. કાનની બૂટ પાસે શ્વાસોચ્છવાસ જોરથી આવે છે અને પછડાય છે... તાલ વગરનો અને હાંફતો ! એક આર્દ્ર સ્પર્શ શરીરનાં રુંવાટે રુંવાટાંને આર્દ્ર કરતો ચાલ્યો જાય છે. પગ ધરતીને સ્પર્શી ગયા છે. સુમેરુ ! આ તોફાનીપણું નથી ગમતું. હેતુપૂર્વક બહાર નીકળી આવેલા પોતાના હોઠોને લાંબી લાઇફ લાઇન-જીવનરેખાવાળો હાથ સ્પર્શી રહ્યો છે... અને અંતર ઓછું થઈ ગયું છે. પાસે જ બેઠેલી કોઈ યુવતી પોતાના બાળકને ગલીપચી કરી હસાવવામાં મશગૂલ છે. બાળક હાથ-પગ ઉછાળીને હસી રહ્યું છે. એના મોઢામાંથી લાળ ટપકી રહી છે. તે ટપકતી લાળના ટપકાને જોઈ રહી છે. મન કહે છે કે જઈને એ લાળનાં પડતા ટીપાને ચૂસી લે અને બાળકના લાલ નાનકડા નાજુક હોઠોને બસ ચૂમતી જાય... ચૂમતી જાય. પોતાની વધતી જતી ઇચ્છાને રોકવા માટે તે જોરશોરથી ઘાસ ઉખેડવા મંડી જાય છે અને ઘાસથી જ લખાયેલા અક્ષરો Good Wishesને ધીરે ધીરે કક્કા-બારાખડીની જેમ વાંચવા માંડે છે. જી... જી ફૉર ગીતાંજલિ, એસ... ફૉર સુમેરુ ! અહીં કેટલું અંતર રહી ગયું છે બંનેની વચ્ચે ! અંતર ! બારીના ચોગઠામાં અટવાઈ ગયેલ આકાશના એક ટુકડાથી વિસ્તૃત ફેલાયેલું નભનું અંતર... વેદનાની ઓલાઈ જતી લહેરનું હાથથી અંતર... મોગરાની વેલની ઊંચાઈ અને ન પહોંચી શકવાની અસમર્થતાનું અંતર... ગિરીશનાં આછાં લીલાંપીળાં ફૂલથી નિશ્ચેતન બિંદુ સમાન કીટકોનું અંતર... સ્ટેચ્યૂ અને લોન પર તેના અદૃશ્ય થતા પડછાયાનું અંતર... શું આખુંયે વિશ્વ આ અંતરના કુંડાળામાં જ સીમિત નથી? “ગતિ, તને લાઇફ લાઇન છે જ નહીં અને મને તો જોકે...ટલી મોટી લાંબી લાઇન !” “કેમ, અંતરનો ડર છે?” લાંબી પલકોના છેડા પર ટપકવા ચાહતી કરુણા અને વિખરવા માગતી કરુણાને રોકતાં હાસ્યનાં કુંડાળાઓનો છંટકાવ વધી રહ્યો છે. કરુણા પાંપણોની ઉપર જ દફન થઈ ગઈ છે. હવે ધીરે ધીરે અંધારું વધવા લાગ્યું છે. રસ્તા પર મ્યુનિસિપાલિટીના દીવાઓ જળહળી ઊઠ્યા છે. બત્તીઓ ઉપર નાનાં નાનાં જીવડાં ઊડી રહ્યાં છે. આકૃતિઓ આવી રહી છે, જઈ રહી છે. ચહેરાઓ પડદાના ઓટમાં સંતાઈ ગયા છે. દરેક થાંભલાની પાસે આકૃતિ સંતાઈ જાય છે અને ચહેરો પડદો ઉપાડી લે છે. ઘાસની બધી નાની-મોટી લૉનો ધૂસર પ્રકાશમાં તરી રહી છે, જાણે હિમનદી પર તરતી બરફની હિમશિલાઓ. બધું જ બરફ જેવું ઠંડું હિમ છે, મરી ગયું છે; કારણકે એ બધાની જીવનરેખાઓ વચમાં જ ક્યાંક ટૂટી ગઈ છે. જેવી રીતે દૂર વળાંક ઉપર જતી કેડી ટૂટી જાય છે... જોવાવાળા માટે... અને પર્વતોની હારમાળાની લીલી લીલી આંખો તેના પાછા આવવાની રાહ જોતી રહે છે. પગ સરકી ગયો હતો અને ગબડી પડ્યો હતો. ચીડનાં લાંબાં ઊંચાં વૃક્ષોની વચ્ચેથી પસાર થતી પગદંડી પર બેસીને એ રાહ જોતી રહી હતી. ‘સુમે...રુ !’ બીજા પર્વતોનાં શિખરોએ એને સાથ આપ્યો હતો ! સુમે...રુ ! આકાશને આંબતાં ચીડનાં વૃક્ષો એકબીજાથી દૂર થઈ ગયાં હતાં અને એક ચામાચીડિયું પાંખ ફફડાવીને સાંજના પ્રકાશમાં જ ઊડી ગયું હતું. સમય આંગળીઓની પોલી જગ્યાઓમાંથી છન્ છન્ કરીને વહેતો રહ્યો હતો અને પછી એની હથેળીઓમાં બરફનો ગોળો બનીને જામી ગયો હતો. પ્રતીક્ષા કરતાં કરતાં તે પોતે એક ‘પ્રતીક્ષા’ બની ગઈ હતી. અને સુમેરુએ આ પ્રતીક્ષા માટે એક અંતર ઊભું કરી દીધું હતું. ભૂરા પાણીમાં તરતી સોનેરી માછલીઓ એક એક કરીને મરવા લાગી હતી અને વલયો વિસ્તૃત બનતાં બનતાં એને ઘેરી વળ્યાં હતાં. હવે કદાચ ઊઠવું જોઈએ. તે વિચારવા લાગી. બેઠાં બેઠાં ઘૂંટણમાં દુખવા માંડ્યું હતું અને હાથ આળસ મરડવા ઉત્સુક હતા. ના, તે હાથ ઊંચા નહિ કરે; કારણકે દરેક વખતે હાથ ઊંચા કરતા જ કોઈ બીજા બે હાથોના વીંટળાવાની પ્રતીક્ષા રહે છે અને ઊંચા ઉઠાવેલ હાથોની આજુબાજુ રિક્તતા મંડરાતી રહે છે... સુમેરુ ક્યારે પાછો આવશે? વીજળીના થાંભલાને જોઈ તે બડબડે છે. ચોકીદાર લોકોને ઉઠાડતો આવી રહ્યો છે. તો શું દસ વાગી ગયા? એને નવાઈ લાગે છે કે હમણાં હમણાં તો તે રાહ જોઈ રહી હતી ! કદાચ ચઢાણ સીધું હશે અને લપસણું પણ હશે અને ચીડનાં વૃક્ષોમાંથી પસાર થતી કેડી ક્યાંક ખોવાઈ ગઈ હશે, અથવા કદાચ સુમેરુ તેને માટે ખાટાંમીઠાં જમરૂખ તોડવા ગયો હશે... નહીં તો આટલી લાંબી લાઇફ લાઇનવાળા સુમેરુએ આટલી બધી વાર થોડી જ કરી હોત? ચંપલ પહેરી ઉદાસ મનથી... ભારે મનથી તે ઊઠીને ઊભી થાય છે અને શિરીષનાં વૃક્ષોમાંથી ચળાઈને આવતા પ્રકાશમાં પોતાની હથેળીઓ પસારી દે છે. કેટલી વિચિત્ર વાત છે ! એની એ હથેળીઓ પર કેવળ તે રેખા... તે જ લાંબી લાઇફ લાઇન આળોટી રહી છે અને સુમેરુનો, લાંબી પાંપણો પર હાસ્યનાં કુંડાળાઓમાં ડૂબી ગયેલ કરુણાવાળો ચહેરો એની એ લાંબી લાંબી રેખાઓને નિષ્પલક તાકે જાય છે... તાકે જાય છે ! કદાચ સુમેરુ લાઇફ લાઇનની અંદર ચાલ્યો આવ્યો છે અને તે એ લાઇફ લાઇનની બહારના શૂન્યને કાપી રહી છે...