નારીસંપદા : ટૂંકી વાર્તા/ફુલેકું
નયના મહેતા
ચોમાસું સોળે કળાએ ખીલ્યું હતું. કેટલાય દિવસોથી સતત વરસતો વરસાદ બે દિવસથી અટક્યો હતો. જોકે શહેરમાં શાળા, કૉલેજ ને ઑફિસો બધું બંધ હતું. બહાર માથોડાં જેટલું પાણી ભરાયું હતું. પાણી ઊતરવાનું નામ જ નહોતું લેતું. કાયમ કીડીઓ જેવા કાર્યરત રહેતા લોકો ઘરમાં ને ઘરમાં પુરાયેલા રહેવાને લીધે ભેંસ જેવા સુસ્ત બની ગયા હતા. હવે તો સહુની ધીરજે જાણે જવાબ આપી દીધો હતો. કોઈ અમથી વાત કરે તોય એકબીજા પર ખિજાઈ જઈને જોરથી છણકો કરી બેસતા હતા ! લાંબી માંદગીથી માણસ ચીડિયું થઈ જાય એ તો જોયું હતું, પણ આ તો આખાં કુટુંબ ચીડિયાં થઈ ગયાં હતાં ! વર્ષા-મલય અને મોરલી પણ આવા જ માહોલનાં શિકાર હતાં. મલય : ‘વર્ષા, હજી કેટલી વાર છે? જલ્દી કર. બહુ ભૂખ લાગી છે. એક તો વાગી ગયો.’ વર્ષા : ‘હજી વાર લાગશે. એક શું બેય વાગ્યે ને ત્રણ પણ વાગી જશે. મારે કંઈ ચાર હાથ નથી સમજ્યા? એક તો લાલજીભાઈ રસોઈ કરવા નથી આવતા, કલા કામ કરવાય નથી આવતી. ઉપરથી દર કલાકે... તમને ચા પીવાનું મન થાય. દિવસમાં દસ વાર જુદું કંઈ ખાવું હોય. હું બધે કેમની પહોંચું?’ ‘બસ, બોલી રહી? જરા જમવાનું માગ્યું, તેય છેક એક વાગ્યે. એમાં તો કકળાટ કરી મૂક્યો અને હા, તારે બે હાથ છે, એ મને દેખાય જ છે સમજી?’ ‘પપ્પા, તમે મમ્મીને અકળાવશો ને તો અત્યારે ભલે બે હાથ હોય પણ તાબડતોબ બીજા બે હાથ ઊગી જશે સમજ્યા? પછી મમ્મી દુર્ગા બની જશે એટલે સાંજ સુધી જમવા તો નહીં જ મળે, ઉપરથી આપણે એની આરતી ઉતાર્યા કરવી પડશે.’ ખડખડાટ હસતાં મોરલીએ વાત પૂરી કરી. વર્ષાને બીજા બે હાથ તો ન ફૂટ્યા પણ એની જીભની લંબાઈ, આંખોની ગોળાઈ ને સ્વરપેટીની પહોળાઈ તાબડતોબ વધી ગઈ ! મોટી લાલ આંખોએ સર્ચ લાઇટ બનીને મોરલી પર ફોકસ સાધ્યું. ‘લો, આ તમારી લાડલી રહી ગઈ’તી તે એય વચમાં ડાહી થવા આવી ગઈ.’ વર્ષા તારસ્વરે બોલી ને બોલવાનું ચાલુ રાખ્યું, ‘એકલી જીભડી હલાવ્યા કરે છે, તે છાનીમાની તારા બે હાથનોય ઉપયોગ કર ને મને કામમાં થોડી મદદ કર એટલે બધું ટાઇમસર થાય. આખો દિવસ મોબાઇલ મચડ્યા કરે કંઈ ના વળે સમજી? સામેય નવરીનાઓ આખો દિવસ પાછા શી ખબર શેના મૅસેજ કર્યા કરતા હોય? મૂવાઓને પૈની પેદાશ નહીં ને ઘોડીની નવરાશ નહીં.’ ‘મમ્મી ઘોડીની નહીં, ઘડીની... ઘડીની...’ ઊંડો શ્વાસ લઈ, ફરી મોટો ને મોકળો અવાજ કાઢી વર્ષા તાડૂકી, ‘હા... હા... એ તો ટંગ ઑફ સ્લિપ...’ ‘સ્લિપ ઑફ ટંગ... અંગ્રેજી બરાબર ન આવડતું હોય તો...’ ‘મોરલી, તું મને વધારે ઉશ્કેરીશ નહીં હોં... આજે મારું ઠેકાણે નથી...’ ‘એમાં...’ મલયે મોરલીના મોં પર હાથ દબાવી ‘નવું શું છે?’ શબ્દોને બહાર આવવા ના દીધા. ‘તારા બાપને પાનો ચડાવ્યા કરે છે એના બદલે સલાહ આપ કે અદબ વાળીને સંકેલી રાખેલા હાથ બગલમાંથી બહાર કાઢે ને કામમાં મદદ કરવામાં જરા હલાવે. આપણા ત્રણેના છ હાથ ભેગા થાય તો બધું કામ ફટાફટ થઈ જશે. પછી ખાવાની કે ચા-નાસ્તાની રાહ નહીં જોવી પડે સમજી?’ વર્ષા બોલી રહી. હવે કોઈને કંઈ બોલવાનું સૂઝ્યું નહીં. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મલય અને મોરલીએ ઈશારામાં વાત કરી, ભૂખવાળી વાત હાલ પૂરતી ભૂલી જવાનું નક્કી કરી લીધું. મોરલીએ બાજુમાં રાખેલો મોબાઇલ લેવા હાથ લાંબો કર્યો, પણ મલયે આંખોથી જ એને રોકી. જોકે મોરલીની એ ચેષ્ટા વર્ષાની નજરથી બચી નહીં. એણે મોં મચકોડ્યું ને બબડી, ‘આવડી મોટી થઈ પણ હજી અક્કલ નથી આવતી. કામ તો કંઈ કરાવવું નહીં ને ઉપરથી બળતામાં ઘી હોમવા આવી જાય છે. કેટલા ઉમળકાથી ‘મોરલી’ નામ પાડેલું, પણ હરામ જો મોરલી જેવા મીઠા સૂર નીકળતા હોય તો. કાયમ બ્યૂગલ વગાડવામાં જ શૂરીપૂરી છે.’ ‘મમ્મી, એ રીતે તું તો તારું નામ સાર્થક કરે છે હોં. તારે વરસવા માટે ના સમય જોઈએ કે ના વીજળી, બસ વરસ્યા જ કરે.’ રસોડામાં વાસણનો ઘા થયો હોય એવો અવાજ આવ્યો. બાપ-દીકરી રસોડામાં દોડી ગયાં. વર્ષાએ તપેલી જોરથી સિન્કમાં પછાડી હતી ! મલય અને મોરલીને અંદર દોડી આવેલાં જોઈ એ હસી પડી. બોલી, ‘છાનામાના એકલી વર્ષા છે ત્યાં સુધી ખેર મનાવો. વાદળ ફાટશે તો... પછી...’ ‘સમજી ગયા... સમજી ગયા... બાપલિયા. તું થોડી વાર બહાર બેસ. હું ને પપ્પા હમણાં કંઈક ગરમાગરમ બનાવીને બહાર લાવીએ છીએ.’ ‘યે હુઈ ના બાત... પાછાં બપોરનું ખાવાનું સાંજે ના ખવડાવતાં...’ બોલતી વર્ષા બહાર સોફા પર જઈને બેઠી. ‘મોરલી, આ બરાબર ના કહેવાય, મેં ક્યાં કંઈ કહેલું? હું પણ તને મદદ કરીશ, એવુંય તારે જ નક્કી કરી લેવાનું?’ મલયે વાંધો નોંધાવ્યો. ‘હાસ્તો...’ ‘કેમ, એવું કેમ?’ ‘સિમ્પલ, એવું એટલા માટે કેએએએ... હું મોરલી છું, મમ્મી નથી. સમજ્યા?’ ‘સમજ્યો, પણ એકલી રસોઈ નથી બનાવવાની, પહેલાં વાસણ સાફ કરવાનાં છે એ તું નથી સમજતી.’ ‘અરે ! હજી તમનેય એ ખબર નથી કે બહાર પાણી ભરાયાં છે એનો ત્રાસ છે ને અંદર પાણી સાવ ઓછું આવે છે એ ત્રાસ છે. બિચારી મમ્મી કંઈ અમથી નથી અકળાતી.’ ‘ઓહો... એવું છે? તો... તો આપણે સમજવું જોઈએ. જોકે આ વાસણો તો હું સાફ નહીં જ કરાવું.’ ‘સારું ચાલો, તમે પણ બહાર બેસો. મમ્મી સાથે વાતો કરો. પાછી મીઠી વાતો જ હોં કે? હું એકલી હમણાં સપાટામાં બધું કરી નાખું છું.’ મોરલી પપ્પાને બહાર મોકલીને કામે વળગી. વાસણ સાફ કરી રહી ત્યાં, ‘ચાલ બેટા, તું જા. હવે રસોઈ હું જ બનાવી દઉં છું.’ બોલતી વર્ષા અંદર આવી. એની પાછળ જ, ‘અને જમ્યા પછીનું બધું કામ હું કરી દઈશ, ઓકે?’ બોલતો મલય પણ અંદર આવ્યો. પછી તો ત્રણેયે મળીને કોણે કયું કામ કરવું એ નક્કી થઈ ગયું. ઘરનો માહોલ જેટલો તંગ હતો એટલો જ હળવો થઈ ગયો. બપોરનું ભોજન સાંજ પડતાં પહેલાં હેમખેમ પત્યું. મલય, રસોડાનું બાકીનું કામ પતાવતો હતો. મા-દીકરી આરામની મુદ્રામાં આવી ગયાં. ‘મમ્મી, બિચારા પપ્પાને રસોડાનાં કામમાં કંઈ ખબર ના પડે હોં. તું એમના પર થોડી રહેમ કર.’ ‘તે રહેમ કરવાનો ઈજારો મારો જ હોય? તું ના કરી શકે?’ ‘હા બાબા ચાલ, હું જ અંદર જઈને પપ્પાને બહાર મોકલું છું.’ મોરલી હજી વાત પૂરી કરે ત્યાં તો ‘ધડામ્...’ રસોડામાં જાણે નાનો ભૂકંપ થયો ! મા-દીકરી બેઉ ચોંકી ઊઠ્યાં. બંને સફાળા દોડતાં રસોડામાં ગયાં. જોયું તો મલય ફર્શ પર ચત્તોપાટ પડેલો ! વર્ષાના ગળામાંથી ચીસ નીકળી ગઈ. એ મલય પાસે બેસી પડી. મલયનું માથું પોતાના ખોળામાં લઈ પૂછવા માંડી. ‘મલય, તમે ઠીક છો? કેમ કરતાં પડી ગયા? બહુ વાગ્યું તો નથી ને? મોરલી બાઘાની જેમ ઊભી શું છે? જા જલ્દી પાણી લાવ.’ મોરલીએ ઝડપથી પાણી આપ્યું. પાણી પીવડાવીને બંનેએ મળીને એને પરાણે ઊભો કર્યો. પણ મલય પગ માંડીને ચાલી શકતો ન હતો ! પીડાનો માર્યો રાડો પાડતો હતો. મા-દીકરી ખૂબ ગભરાઈ ગયાં. ‘મોરલી, જલદી ડૉક્ટરને ફોન કર.’ ‘હા મમ્મી, તું બહુ પૅનિક ના થા. પપ્પાને પહેલાં બહાર સરખા સૂવડાવી દઈએ.’ મલયને બીજી પંદર રાડો પડાવીને અંદર સૂવડાવ્યો. મોરલીએ બે-ત્રણ ફોન કર્યા. ‘મમ્મી, બહાર પાણી એટલું ભરાયેલું છે કે કોઈ સાધન કામ ના કરે. કોઈ ડૉક્ટર આવી શકે એમ નથી.’ વર્ષાની ચિંતા વધી ગઈ. ‘તો હવે?’ ‘ઊભી રહે, હું મારા મિત્રને ફોન કરું છું.’ અંદર મલયનો કણસાટ ચાલુ જ હતો. વર્ષા અધીરી બની ગઈ. ‘જલદી કંઈ કર બેટા.’ મોરલીએ બે-ત્રણ મિત્રોને અજમાવ્યા. છેવટે ઉમંગે વ્યવસ્થા કરી. મોરલી બોલી, ‘પપ્પાને નજીકની હૉસ્પિટલમાં લઈ જવા પડશે. ઉમંગે ત્યાં ડૉક્ટર સાથે વાત કરી લીધી છે.’ ‘પણ... લઈ કેમ જવા?’ ‘ઉમંગ એના માટે કંઈ વ્યવસ્થા કરે છે.’ ‘વર્ષા, હું ઠીક છું, ડૉન્ટ વરી.’ મલય ઓંય-વોંય... સિવાયનું કંઈ પહેલી વાર બોલ્યો. મા-દીકરીને થોડી રાહત થઈ. ‘મલય, તમે એકદમ શી રીતે પડી ગયા? તમે જરાય ચિંતા ના કરશો. હમણાં જ તમને ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ.’ ‘ઉમંગ, યાર કેટલી વાર?’ મોરલી, મલયના પગ પર થોડો સોજો ચડેલો જોઈને બોલી. છેવટે ઉમંગ, ટ્રૅક્ટર લઈને આવ્યો. એ જોઈને મોરલી પાછી અકળાઈ ઊઠી. ‘અરે, આ શું? પપ્પાને આમાં લઈ જવાના છે? એમને સહેજ પણ હડદોલો ના પડવો જોઈએ એટલીય ખબર નથી પડતી? પાછા આ ટ્રૅક્ટરના ડાચામાં કેટલા જણા સમાઈશું?’ ‘આને ટ્રૅક્ટરનું માથું કહેવાય, ડાચું નહીં. વળી આટલાં પાણીમાં બીજું કયું સાધન ચાલવાનું હતું? ગાય, ભેંસ કે ગધેડું લાવીએ તો ચાલતી વખતે એના નાકમાંય પાણી જાય એટલું પાણી ભરાયું છે અને એના પર તો એક કે બે જણા...’ ‘ઉમંગ, અત્યારે મજાકનો સમય નથી... એકેક પળ અગત્યની છે. ચાલ મદદ કર. પપ્પાને ટ્રૅક્ટર પર સાચવીને બેસાડી દઈએ.’ ‘હું ટ્રૅક્ટર પર ચડીને આ ગાદી ગોઠવું છે. તમે સાચવીને મલયને લાવો. હું ઉપરથી હાથ આપીશ.’ વર્ષા અંદરથી ખુરશીની ગાદી લઈને આવી. ઉમંગ અને મોરલી, ‘પાલખીમાં પોપટ બેઠો...’ રમત રમતાં હોય એમ મલયને લગભગ ઢસડતાં ટ્રૅક્ટર પાસે લાવ્યાં. વર્ષાએ એને ઉપર ખેંચ્યો અને ઉમંગ અને મોરલીએ નીચેથી ધક્કો માર્યો. મોટી તિજોરીને પહેલે માળે ચડાવે એમ ત્રણ માણસોના સહિયારા પ્રયત્નથી આખરે મલય ટ્રૅક્ટર પર સવાર થયો. ‘એમ કરો હવે ટ્રૅક્ટર તમે જ ચલાવી લેજો...’ અડધો બહાર લટકતો ડ્રાઇવર બોલ્યો. ડ્રાઇવર બીજી તરફ અડધો લટકતો હતો ! એ જોઈને આવી કટોકટીની પળે પણ સહુ મલકી ઊઠ્યાં. ‘જાણે હાથીની અંબાડીમાં બેસાડવા હોય એમ પાછા ગાદી ગોઠવે છે !’ બબડતો ડ્રાઇવર, જેટલું સંકોચાઈ શકાય એટલો સંકોચાઈને બેઠો. વર્ષા એના પડખામાં ખાસ્સી દબાઈ ત્યારે મલયની બેસવાની જગ્યા થઈ. ડ્રાઈવરનો શ્વાસ વર્ષાને પવન નાખતો હોય એટલો અડતો હતો ! એનું મોટું પેટ શ્વાસના તાલથી તાલ મિલાવતું વર્ષાને અડતું રહેતું હતું ! વર્ષાને ચીડ અને ચીતરીનાં લખલખાં આવતાં હતાં ! જોકે અત્યારે બધું સહન કરવા સિવાય કોઈ રસ્તો જ ક્યાં હતો? ટ્રૅક્ટર ઘરઘરાટી બોલાવતું ચાલ્યું. ‘અરે ! અમે તો રહી ગયાં.’ મોરલીનો અવાજ સાંભળીને ટ્રૅક્ટરવાળો શાંતિથી બોલ્યો, ‘હવે ટ્રૅક્ટર ઊભું ના રહે, દોડીને પાછળ ટીંગાઈ જાઓ.’ ‘અરે ! આ તે બોલવાની રીત છે?’ મોરલીનો ગુસ્સો સાતમા આસમાનને અડવા જતો હતો ! ‘અત્યારે તું વધારે બોલવા રહીશ તો પાછળ લટકવાનો ચાન્સ પણ જતો રહેશે.’ ઉમંગે અવસર સાચવતાં કહ્યું. બેઉ દોડીને ટ્ર્રૅક્ટર પાછળ લટકી ગયાં. જાણે મલયનું ફુલેકું કાઢ્યું હોય એમ ટ્રૅક્ટર મલપતી ચાલે ચાલતું હતું. ઘડીભર સહુને એવુંય લાગ્યું કે સમુદ્રનાં મોજાં ઉછાળતી સ્ટીમરમાં બેઠાં છે ! પાછળ ટીંગાયેલાં મોરલી-ઉમંગ તો તરતાં આવતાં હોય એવો તાલ હતો ! છેવટે સહુ નજીકની હૉસ્પિટલે પહોંચ્યાં. ત્યાં અગાઉથી ઉમંગના સગા, ડૉક્ટર મહેતા, મલય માટે રેડી જ હતા. એમણે તૈયાર રાખેલો સ્ટાફ કામે લાગ્યો. ફટાફટ ઉપાય થવા લાગ્યા. એક્સ-રે લેવાયો. વર્ષા અને મોરલી માટે સમય થોડી વાર થંભી ગયો. છેવટે ડૉક્ટરે રાહતના સમાચાર આપ્યા, ‘ચિંતાનું કોઈ કારણ નથી. ભગવાનની દયાથી ફ્રૅક્ચર નથી. ફક્ત મચકોડ છે.’ ડૉક્ટરની વાતે સહુએ રાહતનો શ્વાસ લીધો. ‘પાટો બાંધી આપે છે. હમણાં ચાલવાનું નથી. અઠવાડિયા પછી બતાવવા આવજો. ડ્રેસિંગ થઈ જાય પછી રજા આપી દઈશું. તમે એમને ઘેર લઈ જઈ શકશો.’ બધાં એકસાથે બોલ્યાં, ‘ના... અમારે રજા નથી લેવી. અમને અહીં જ રાખો.’ ‘અરે ! આવું તો પહેલી વાર સાંભળ્યું કે રજા નથી લેવી.’ ‘ડૉક્ટર, આ બે લેડીઝ મારો ભાર વહન નહીં કરી શકે. ફ્રૅક્ચર કરીને પાછો લાવશે.’ ‘હા ડૉક્ટર, પપ્પા સાચું કહે છે. અમને બે-ચાર દિવસ અહીં જ રહેવા દો પ્લીઝ.’ ‘ડૉક્ટર, એક જણને રહેવાની તો છૂટ છે જ ને? અમે બે જણા છીએ બસ. અહીં સ્પેશિયલ રૂમમાં સૂવાનો વાંધો નહીં આવે. ખાવાપીવાનું તમારી કૅન્ટીનમાં... ના વાસણની ચિંતા કે ના બીજા કોઈ કામની ચિંતા. નોકર-ફોકરની મોકાણ પણ નહીં.’ વર્ષાએ આજીજીમિશ્રિત અવાજે વિનંતી પીરસી. ‘અને ડૉક્ટર, સહુથી મહત્ત્વની વાત એ કે હવે અમારે ઘાયલ પપ્પાને લઈને ટ્રૅક્ટરમાં નથી બેસવું.’ મોરલીનું સોલો હાસ્ય ઘડીકમાં કોરસ બની ગયું.