નારીસંપદા : ટૂંકી વાર્તા/લડાઈ

From Ekatra Foundation
Revision as of 02:27, 7 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લડાઈ

સંધ્યા ભટ્ટ

સવારે આંખ ખૂલી. 5-15 થઈ હતી. હજી દસેક મિનિટ પડી રહેવાય તો ચાલે એમ હતું. શરીર પડી રહ્યું પણ મગજ ચાલવા માંડ્યું. આજે પરીક્ષાના પેપર કાઢવાનું કામ શરૂ કરી દઉં. બા હમણાંનાં થોડાં ઢીલાં છે ને કંઈ માંદગી આવી જશે તો? કેયૂરની ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા પણ નજીક જ છે. એ મોડે સુધી વાંચતો હોય છે ત્યારે હું પણ એની સાથે જ મારું કામ લઈને બેસી જઈશ. કરવાનાં કામો યાદ આવતાં જતાં હતાં. વળી પાછું મોબાઇલ ખોલીને જોયું. સાડા પાંચ થઈ ગયેલા. સફાળી ઊભી જ થઈ ગઈ. રસોડામાં જઈને નળે આવતાં તાજાં પાણીમાં ભગવાનની પૂજા માટેનો લોટો ભર્યો અને હાથમાં ટૂથ બ્રશ લઈને દાંતે ઘસવાનું શરૂ કર્યું. આગળના ઓરડામાં જઈ મુખ્ય બારણું ખોલ્યું. સવારની તાજી હવા વીંટળાઈ વળી. ખૂબ સારું લાગ્યું. જાણેકે સવાર મને આવકારવા તૈયાર જ ! કોગળા કરી મોઢું ઠંડા પાણીએ ધોયું. મેથીની ફાકી મારીને પ્યાલો ભરીને પાણી પી લીધું, રોજની જેમ જ ! નેચરલ કૉલ ફીલ થયો. શૌચાલય એ સોચાલય છે, સાચે જ... વિચાર આવ્યો કે આજે 23 ઑગષ્ટ તો થઈ ગઈ. બસ, હવે અઠવાડિયું જ બાકી છે, વાર્તાસ્પર્ધામાં વાર્તા મોકલવા માટે. એટલામાં તો શું નવું બનશે? આ જે દેખાય છે તેમાંથી જ કોઈ આકાર બનાવવો પડશે. છાપાંમાં તો કેટલીય ઘટનાઓ બને છે અને તોય એક વાર્તા નથી બનતી??? પેટ હળવું થતાં તાજગી અનુભવી અને એક વિશ્વાસ પણ. વાર્તા જરૂર લખાશે જ ! હા, હવે તૈયાર હતી કસરત માટે જવા. આજે કસરત કરાવનાર ઇન્સ્ટ્રક્ટરને નક્કી કરેલી અઠવાડિયાની રકમ આપવાની હતી ! કેટલું સરસ કામ કરતી હતી તે અમારે માટે. નિયમિત છ પહેલાં આવી જ જતી. અમે જઈએ એટલે તે જગ્યા વાળીને કસરત કરવા માટે ચોખ્ખી કરી રાખતી અને કેટલાંક તો તેને નાની અમથી રકમ આપવામાં પણ ઠાગાઠૈયા કરતાં હતાં ! બળી આ માનવજાત ! ચાલ, હવે સવારમાં આવું નેગેટિવ નથી વિચારવું એમ મનને ટપાર્યું અને ટીશર્ટ-પેન્ટ પહેરી કસરતમાં ગઈ. આજે સંખ્યામાં ઓટ આવી હતી. રવિવાર જાય પછી સોમવારે સૌ આળસ કરી જતાં. અમે પાંચ જણ હતાં. સિદ્ધિ તેની સાસુની વાત કરતી હતી : ‘ગમે તેટલું કરીએ પણ વખાણનો એક શબ્દ જો બંદી બોલતી હોય તો...’ સ્નેહા બોલી, ‘લે... તું શું સમજે છે? સાસરિયાં કદી આપણાં નહિ થાય ! આંગળીથી નખ વેગળા તે વેગળા ! પહેલાં મને પણ આ બધી કહેવતોનો અર્થ સમજાતો નહોતો પણ હવે જ જાણે કે જીવનની વાસ્તવિકતા સમજાય છે !’ ઇન્સ્ટ્રક્ટર એક પછી એક કસરત કરાવતી જતી હતી અને બોલતી હતી – એક, દો, તીન, ચાર... સાથે સાથે જ વાત પણ ચાલતી હતી. રમીલાબહેને આગલા દિવસે મોહનથાળ બનાવેલો એટલે રેસિપીની વાત ચાલી. ‘ચાસણી કરતી વખતે ખાસ ખ્યાલ રાખવાનો’ તેમણે તાકીદ કરી. ત્યાં વળી, નયના બોલી, ‘મારે તો ‘કર્મનો સિદ્ધાંત’ ચોપડી વાંચવી છે. બધાં હસી પડ્યાં. કેમ, અચાનક? ‘ના, ના... અચાનક નહિ. આગળ વાંચેલી પણ હવે ભૂલી ગઈ છું. મારે હવે બરાબર સમજવું છે.’ મને યાદ આવ્યું, મારે ત્યાં માળિયા પર કેટલીક ચોપડીઓની સાથે તે મૂકી છે. આ દિવાળીએ માળિયું સાફ કરવું પડશે. ગયા વર્ષે તો દિવાળીના પ્રવાસની તૈયારી પણ સાથે કરવાની હતી એટલે પુસ્તકો મૂકેલાં તે માળિયું રહી ગયેલું. તેમાં કૉલેજમાં ભણતી ત્યારની ચોપડીઓ પણ સાચવી રાખેલી. શું મઝાના દિવસો હતા જ્યારે કૉલેજમાં ભણતાં હતાં. તે દિવસો તો હવે જાણે ગયા જનમના હોય એમ લાગતું હતું. લાંબા છુટ્ટા વાળની જગ્યાએ હવે નાની પોનીટેલ વાળતી હતી. દર છ મહિને હેરપેક નાખતી તેથી સારું લાગતું. તેનું ધ્યાન પેલાં રાધાબેન તરફ ગયું. પોતાનાથી બે વર્ષ નાનાં હોવા છતાં બહુ મોટાં લાગતાં હતાં તેઓ. જોકે ભારે ગણતરીબાજ અને જમાનાનાં ખાધેલ હતાં. હમણાં બે દિવસ પહેલાં આવેલી પેલી પચ્ચીસેકની રિયા ક્યારે પરણી, લવમેરેજ કે એરેન્જડ મેરેજ, કુટુંબમાં સાથે કોણ કોણ રહે, નોકરી કરે છે કે નહિ, હઝબન્ડ ક્યાં નોકરી કરે છે વગેરે બધી જ પંચાત તેણે કસરત કરતાં કરતાં જ કરી નાખેલી. ત્યાં જ ઇન્સ્ટ્રક્ટરની સૂચના સંભળાઈ. હવે બેસીને કસરત કરવાની હતી. કસરતમાંથી ઘરે જતાં છાશની કોથળી લેતા જવાની હતી. આજે કઢી-ભાત ખાવાનું મન થયું હતું. વિપુલને તો રોજ દાળ-ભાત જોઈએ અને મને કઢી-ભાત વધારે ગમે. લગ્ન પહેલાંની વાતચીતમાં આ વાત નહિ થયેલી. એને હસવું આવ્યું. આટલી વાતમાં તફાવત પડે તો કંઈ લગ્ન માટે ના થોડી પડાય છે? અને પછી તો એવી કેટલીય વાતો હતી. ખેર ! નહોતી ખબર તે જ સારું થયું ! મિસીસ દવે ભણાવતી વખતે કૉલેજમાં કહેતાં, ‘Ignorance is bliss’ તે આ જ હશે ને ! આજકાલ તો છોકરી-છોકરાઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે અને બધું જાણી લાવે છે. ને પછી??? ફોક...!!! એનાં કરતાં ન ખબર હોય તેય સારું જ છે ને? એને યાદ આવ્યું કે મમ્મી કહેતી હતી કે અમારી તો આખી જિંદગી આમ જ ઘરની ચકડોળમાં ફરવામાં જ વીતી ગઈ ! એ જમાનામાં ન તો ખાસ પ્રવાસે જવાનું. મમ્મીનો વાંચવાનો શોખ ભારે રહ્યો તે પણ આ જ કારણે એમ મમ્મી કહેતી. ઘરમાં વાનગી અને કપડાં-દાગીના સિવાય બીજી વાત નહોતી. પોતે કૉલેજમાં ભણતી અને મમ્મી આ બધી વાતો કહેતી ત્યારે તે દલીલ કરતી ‘તારે એમની સામે થઈ જવું જોઈતું હતું. કદાચ મમ્મીને ઘર-કુટુંબમાં ધીરે ધીરે ખલાસ થતી જોઈને જ પોતે assertive બનવાનું ઠરાવેલું અને એમ બનવા માટે પોતાની સાથે અને બીજાને કેટલી fight આપવી પડે છે તે પણ જાણેલું-વેઠેલું... પણ આ બધું તે મમ્મી સાથે share ન કરતી. જોકે મમ્મી તો આવી વાત જાણતી જ હશે ને? એણે મનોમન વિચાર્યું કે હવે મમ્મીને મળવા જશે ત્યારે પોતાની સાવ અંગત વાતો કહેશે. આ વિચારોમાં ઘેર આવીને દાળ-ચોખા ય ધોઈ નાખ્યાં ને કૂકર પણ ચઢાવી દીધું. પરણીને આવી ત્યારે તો સાસુમાએ કહેલું, ‘અમારા ઘરે નહાઈને જ કૂકર ચૂલે ચઢાવવાનું.’ (મનમાં તો એવી ચીડ ચઢી, ‘અમારા ઘરે !’) શરૂઆતમાં અઘરું લાગતું. મમ્મીના ઘરે તો તે ઘણું બધું કામ પતાવીને નહાતી જેથી નહાઈને પાછા પરસેવાવાળા ન થવાય. જોકે હવે તો સાસુમા સ્વર્ગે સિધાવ્યાં ને એમની સૂચનાઓ પણ... ને ઘર કોનું? હસીને મનોમન બોલી.. ‘અમારું ઘર!’ સાડા નવ થઈ ગયા હતા પણ સવારનાં અડધોઅડધ કામ પતી ગયાં હતાં. વિપુલ હજી નહાવા નહોતો ગયો. તેણે બાથરૂમમાં ગરમ પાણીનો નળ ચાલુ કરી દીધો. વિપુલને બૂમ પાડતી વખતે તેનો તીણો અવાજ આખા ઘરમાં પડઘાઈ રહ્યો. અચાનક તેને યાદ આવ્યું કે પોતે સ્કૂલમાં ગરબામાં રહેતી ત્યારે ગરબો ગવડાવનારી છોકરીઓમાં ટીચર તેનું નામ ખાસ રાખતાં. તેને ગાવાનું ખૂબ ગમતું. આખો દિવસ કંઈ ને કંઈ લલકાર્યા કરતી. અત્યારે તેને ઓછું આવી ગયું કે કોઈએ તેને સંગીત શીખવા ન મોકલી ! તે ભણી તો ખરી પણ સંગીતમાં કરિયર ન બની. ઓહ ! બાથરૂમમાં ડોલ ભરાઈ ગઈ હતી અને પાણી ડોલની બહાર વહેવા માંડ્યું હતું. તે દોડતી બાથરૂમમાં પહોંચી. નળ બંધ કર્યો. કૉલેજ જવા તૈયાર થઈને તે બહાર નીકળી. વિપુલ દસ વાગે જમીને નીકળી જતો પણ તે રોજ સાડા દસે નીકળતી. કૉલેજ જવા માટે દસ મિનિટનું અંતર હતું. ચાલતી વખતે ફરી તેને યાદ આવી ગયા સ્કૂલના દિવસો. તે સમયે તે ચાલીને જ સ્કૂલે જતી. તેની સ્કૂલ તેના ઘરથી દૂર હતી. વચ્ચે વચ્ચેથી બહેનપણીઓ જોડાતી જતી. આખા ગ્રૂપની તે લીડર હતી. ક્યારેક કોઈ મોડું પડે તો સમયની પાબંદ એવી તે ખિજવાતી પણ કોઈને ખોટું લાગતું નહિ. મનમાં એમ પણ થયું કે હવે બધું આગળનું કેમ યાદ આવતું હતું? નોકરીમાં હવે રીટાયરમેન્ટના આરે આવી હતી. એમ કહેવાતું કે ઉંમર થાય એટલે ભૂતકાળ યાદ આવવા લાગે. શું મારી ઉંમર થઈ હતી? વિચારોમાં ને વિચારોમાં કૉલેજનો દરવાજો આવી ગયો. વિદ્યાર્થીઓનાં ‘good morning’ ને તે સસ્મિત ઝીલવા લાગી. સ્ટાફરૂમમાં પહોંચી. આજે બપોર પછી વિદ્યાર્થીઓને છુટ્ટી આપવાની છે. કૉલેજના હેડ-ક્લાર્કનો વિદાય સમારંભ છે. એક વર્ષ પહેલાં લીધેલી તે નવી સાડી પહેરવાનું મૂરત જ નહોતું આવતું. આજે પણ રોજની જેમ ઉતાવળ તો થઈ જ ગયેલી પણ છેવટે પહેરી જ લીધી. એને મેચ થાય તેવાં મોતીનાં ડૂલ અને માળા પણ પહેરી લીધેલાં. આજે સેન્ટ્રલ હૉલમાં ડેકોરેશન કર્યું છે. મેં પણ એક વિદાયગીત તૈયાર કર્યું છે એટલે ખુશ છું. હું આ કૉલેજમાં જોડાઈ ત્યારે સૌથી પહેલા આ હેડક્લાર્કને જ મળેલી. તેઓ સંગીતમાં રસ ધરાવતા તેથી વચ્ચે વચ્ચે ક્યારેક તે અંગે વિચારોની આપ-લે થઈ જતી. એમની સાથે વાત કરવાની મઝા આવતી. લાઈવ લાગતું. હવે આ વાતચીત બંધ થશે એવો વિચાર સહેજ ખિન્ન કરતો હતો. હું તેમને આજે ફરી એક વાર મળવા માટે તેમની ઑફિસમાં ગઈ. તેમણે કહ્યું, ‘મિસીસ દવે, આજે હું તમને એક ભેટ આપવાનો છું.’ એમ કહી તેમણે ટેબલના ખાનામાંથી રવીન્દ્ર સંગીતની બે સી.ડી. આપી. હું તો આભી બની ગઈ. મેં કહ્યું, ‘તુષારભાઈ, આજે રવિ ઠાકુરની પ્રાર્થના ‘અંતર મમ વિકસિત’ જ ગાવાની છું. તેઓ ખુશ થઈ ગયા. હું પણ લેકચર હોવાથી તરત જ ઊભી થઈ ખુશ થતી થતી ક્લાસમાં ગઈ. આખો દિવસ મોગરાની મહેક જેવો સુંદર વીત્યો. ઘરે પહોંચીને જરાક ફ્રેશ થઈ ત્યાં તો ભાઈના ઘરેથી ફોન આવ્યો. મમ્મીની તબિયત ખૂબ બગડી ગઈ હતી અને મારે તરત નીકળવું પડે એમ હતું. વિપુલને ઑફિસેથી આવતાં વાર લાગે તેમ હતું. બે-ત્રણ જોડી કપડાં નાખી હું તરત જ નીકળી. રીક્ષા પકડીને હૉસ્પિટલ પહોંચી. મમ્મી આઈ.સી.યુ. માં આંખ મીંચીને સૂતી હતી. તેના મોં પર એકદમ શાંતિ હતી. જાણેકે જિંદગીમાં બધું પરવારીને બેઠી હોય તેવી શાંતિ ! અચાનક જ મારા જીવનનો વિચાર મને આવ્યો. આ શાંતિ હજી ઘણી દૂ...ર લાગતી હતી. હજી તો ઇચ્છાઓના પરપોટા બનતા ને ફૂટતા જતા હતા. મારા જીવનનું કૉલાજ ભરચક હતું. તેને યાદ આવ્યું કે હવે પોતાની નિવૃત્તિ નજીક છે ત્યારે મમ્મી સાથે એ પોતાની વાતો મન મૂકીને કરવાની હતી ! પણ... મમ્મીના મોઢા પર પરમ શાંતિ જોઈને તેને સારું લાગ્યું. એણે વિચારી લીધું કે પોતે હવે તેને પોતાની કોઈ વાત નહીં કહે. પોતાના જીવનનો કૉલાજ મમ્મીને બતાવીને તેની શાંતિ ઝૂંટવી લેવી નથી. ડૉક્ટરે ચોવીસ કલાક માટે મમ્મીને observation હેઠળ રાખી હતી. મમ્મી ભાનમાં આવે તો જ હવે તો આગળ treatment ચાલે. હા, મમ્મીની આ fight સાવ અંગત !!!