અરૂપસાગરે રૂપરતન/ભાષાની ભૂમિ

Revision as of 01:24, 10 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૬ – ભાષાની ભૂમિ

મારી આસપાસ ભાષાનો મહાસાગર લહેરાય છે. હું તેમાં સેલારા મારું છું. કાંઠે ઊભો વાછંટથી છંટાઉં છું, તરું છું, ડૂબકી લગાવું છું, તેના હિલોળા જોઉં છું. જેમ સમુદ્રમાંથી સર્વ જીવોનો તેમ ભાષામાંથી મારો જન્મ થયો છે. મગજના કોષે કોષમાં છલોછલ ભરી છે. છલકાય છે. તે વાતમાં, કવિતામાં, લેખમાં, વાતચીતમાં, સંવાદમાં, મુલાકાતમાં, સ્વપ્નમાં, મનન ચિંતનમાં, મારા પ્રેમમાં, મારા ઝગડામાં. ‘ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીતે તે શૂર’ તે વાત મને મંજૂર નથી. કેવી રીતે હોય ? આ ભાષા દ્વારે તો હું વ્યક્ત થાઉં છું અનેકો વ્યકત થયા છે. આ ભાષાએ મને ઘડ્યો છે અને મારા, આપણાથી તે ઘડાઈ રહી છે. આ તો એના જેવું કે મારો પુત્ર મારો ભાવિ પિતા પણ છે કે જે મારાં જ કોઈ જીન્સને જન્મ આપી પ્રગટ કરશે.

ભાષાના આ વહેતા નીરને જોયાં કરું છું, ક્યાં જન્મવું એ આપણા ભાગ્યમાં હોય છે, હાથમાં નહીં. તેવી જ રીતે મારી કઈ ભાષા હશે તે મારા હાથની વાત ન હતી. સદ્દભાગ્યે ગરવી ગુજરાતીના ખોળામાં પડ્યો છું. આ વાણીને મન ભરીને માણું છું. ઑફિસમાં, ઘરમાં, રોડ પર, શાકમાર્કેટ, સોની બજાર, બસ સ્ટેન્ડે ચોરેચૌટે, સ્ટેઇજ પર, શેરીઓમાં ગામડાઓમાં, કસ્બાઓ શહેરોમાં અનેકને મુખે તેના વાંક વળાંકો, કાકુઓ, ભણિતિ ભંગિમાઓ પ્રગટ થાય છે. કાન ખુલ્લાં રાખીને સાંભળું છું. લેખકો, કવિઓ, પ્રબુદ્ધો, સર્જકો તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે રસ તો છે જ પણ અદનો આદમી, અભણ કે સીધો સાદો માણસ તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે રસપૂર્વક જોયાં કરું છું. યુ.વી. અનંતમૂર્તિએ કોઈમ્બતૂરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ઉદ્દઘાટન ભાષણમાં સાચો જ અંગુલિ નિર્દેશ કરેલો કે આપણી ભાષામાં, સંસ્કૃતિ શિક્ષિતોને લીધે આધારે જીવતી નથી. તે તો જીવે છે આ કહેવાતા અભણ અશિક્ષિતો થકી. એક એક માણસ ભાષાને જે રીતે વાપરે, રમાડે, પળોટે, ઘાટ વળાંક આપે છે કે છક થઈ જવાય. માણસની આખી પીડા એક શબ્દમાં આવીને બેસી જાય. ભાષાથી જ નર્મ વિનોદ સર્જે કે અવનવા અપૂર્વ કલ્પનો સર્જે.

બીજી ઓકટોબરે કીર્તિમંદિર સર્વધર્મપ્રાર્થનાના રેકૉર્ડીંગ માટે પોરબંદર જવાનું થયેલું. કામ પૂરું થયે નજીકના ચોકમાં લટાર મારવા નીકળ્યો. માઢ મેડીના દરવાજા નીચે પાથરણા પાથરી એક બાઈ કાચી મગફળી વેચવા બેઠેલી, મેં મગફળી ખરીદી. તે બાઈ જોખતી હતી ત્યારે તેનો જોખ બરાબર છે કે નહીં તેમ મેં પૂછ્યું તો જવાબમાં ‘લ્યો સાહેબ’ કહી મુઠ્ઠી મગફળી વધારે નાખી. વધારાની મગફળી જોખમાં આવેલી જોઈ મેં કહ્યું, ‘હું તો જોખ બરાબર કરવા કહેતો હતો. અણહકનો દાણો ન ખપે.’ મારી વાતનો તેણે જે વાક્યમાં પ્રતિભાવ આપ્યો તે હું આજે ય ભૂલી શકતો નથી. તે ગરીબ બાઈ કહે ‘લઈ જાવને સાહેબ, આ જલમે તો સાબડાં (છાબડાં) પછાડીએ છિયે.’ તેની ગરીબાઈ, લાચારી, પીડા, વિધિ પ્રત્યનો આક્રોશ, ઉદારતા, પ્રમાણિકતા બધું એક વાક્યમાં આવીને બેસી ગયું. તેની આખી જિંદગીમાં પછડાતાં છાબડાં મારા મનમાં ય પછડાયાં મને મારી આર્થિક સ્થિતિનીય તે ક્ષણે જાણે ગુનાહિત શરમ આવી. આવો એક બીજો અનુભવ થયો. રાજકોટ શાકમાર્કેટ બહાર રોડ પરથી એક કાછિયણ પાસેથી શાક લીધું. તેણે મને છૂટા પૈસા આપ્યા. પછી મેં ગણ્યા તો હિસાબ કરતાં આઠ આના તેણે મને વધારે આપી દીધાં હતા. ફરી તેને આપવા પાછો ગયો, મેં કહ્યું ‘ભૂલથી તમે આઠ આના વધારે આપી દીધાં છે.’ પૈસા હાથમાં લેતાં કહે ‘અમારાં તે કોણ રાખવાના હોય, અમારા કોઈ નો રાખે.’

મારે ઘરે રોશન કામ કરતી. રમતિયાળ કિશોરી. તેની મા જેતૂનબેન કામ કરતાં પછી એક પછી એક દીકરી. મોટી પરણીને સાસરે જાય પછી નાની કામ કરે. પણ રહેવાનું ઘરના સદસ્યની જેમ. મોટા ઓરડામાં ઊંચા ઊંચા હીંચકા ખાય, છાપા વાંચે, હું ઘરે ન હોઉં ત્યારે મન થાય તો પંખો ચાલુ કરી આરામ ખુરશીમાં આરામ કરે. મનમાં હોય તો ઘર ચોખ્ખું ચણાક બનાવી દે નહીંતો સામે જ રહેવા છતાંય ડોકાય નહીં. ખૂબ રમતિયાળ અને પ્રેમાળ. રક્ષાબંધનને દિવસે સ્ટીલની થાળીમાં મોટી રાખડી, કંકાવટી, પેંડો, કંકુ, ચોખા લઈ આવે. ભરત ભરેલો રૂમાલ ઊંચો કરી મને ચાંદલો કરી રાખડી બાંધી પેંડાથી મોં મીઠું કરાવે. હું વીરપસલીનાં દશ રૂપિયા આપું તો ભારે આનાકાની પછી લે. મારી વીરપસલી કરતાં વધારે પૈસા તો તેણે રાખડી-પેંડા માં ખરર્ચ્યા હોય. બોલકી પણ એવીજ. તેણે સુકાતા કપડાંઓને જે બે ઊપમાઓ આપેલી તેથી મને દ્રઢ પ્રતીતિ થઈ ગઈ કે કલ્પના, કલ્પન, કવિત્વ શક્તિ, એ દરેક માણસમાં પડેલી છે અને આટલું જ નહીં દરેક તેનો ઉપયોગ પણ કરતાં હોય છે. આનંદ કુમારસ્વામીનું કથન છે ને ‘Every arist is not a special kind of man but every man is special kind of artist’ મારા ઘરની સામે તેનું નાનું કાચું મકાન. તેના ઘરમાંથી મારો રવેશ દેખાય. એકવાર ચોમાસામાં મને કહે, “યજ્ઞેશભાઈ મેં ઘરમાંથી જોયું તો રવેશમાં કપડાં સુકાતા હતાં ઈ મને હાથીના કાન જેવા લાગે. હાથી કાન નો ફફડાવતો હોય !” પવનમાં ભીના લેંઘાના ફફડતા પાયચાને તેણે હાથના કાન સાથે જોડી દીધાં. ઉનાળામાં રવેશમાં સુકાયેલાં, તડકો ખાધેલાં કપડાં ઉતારીને કહે, “કપડાં તો ઉતારી લેતા હો. કપડાં તો સુકાઈને મમરા જેવા થઈ ગયાં છે.’

કાઠિયાવાડી નર્મ ટીખળ પ્રખ્યાત. ભાષાના માધ્યમે, સ્તરે તે પ્રગટ થાય. હું શાકમાર્કિટમાં શાક લેવા ગયો હતો. સાંજ ઘેરી થઈ ગઈ હતી અને શાક કેવું છે નહીં તે બરોબર સૂઝતું ન હતું. એક શાકવાળી પાસે રીંગણાના બે ઢગલા હતા. મેં તેને બંનેનો ભાવ પૂછ્યો. તો બીજા ઘરાક સાથે લેવડ દેવડમાં મશગુલ હતી તેથી તેનું ધ્યાન નહતું. તેની પાસેવાળી શાકવાળી કહે ‘લઈ લ્યો સાયેબ બે રૂપિયે અઢિસો’ મેં કહ્યું અને ‘ઓલા ઢગલાવાળાં ?’ તો તે પાડોશન શાકવાળી કહે “ઈએય એ જ ભાવ. એક દાણા વાળા છે ને એક કાણાવાળા છે “ તેના આ કહેવાથી. હું અને શાકની માલિકણ બાઈ બંને હસી પડ્યા. એકવાર રસ્તામાં ચાલું સ્કૂટરે જ બ્રેક ફેઈલ. સ્કૂટર પર અને ભરચક ભરેલાં. બે છોકરાંવ અને બે માણસ અમે. આગળ જ એક મારૂતિ હતી. બ્રેક તૂટી ગઈ ને ગાડી આગળ જ હતી તેથી હું રઘવાટમાં હતો તેથી તેનું સિગ્નલ મારા ધ્યાનમાં ન હતું. પાછળ બેઠેલી મારી પત્ની બૂમો પાડી પાડી કહ્યા કરે આમ વાળો, ધીમે પાડો. રઘવાટમાં તે તરફ પણ ધ્યાન દીધું નહીં ને પગ ઢસડીને સ્કૂટર ધીમું પાડ્યું તોય પાછળ મારૂતિની ગાર્ડ પટ્ટી સાથે સહેજ અથડાયું. મારૂતિમાંથી ડ્રાઈવર નુકસાન થયું છે કે નહીં તે જોવા નીચો ઉતર્યો. નુકસાન તો કોઈનેય ન થયું ન હતું. ડ્રાઈવર આધેડ વયનો હશે. મેં સમજાવ્યું કે બ્રેક તૂટી ગઈ… પ્રાસ મેળવી તે તેના કાઠિયાવાડી નર્મમાં મારી પત્ની તરફ આંગળી ચીંધી કહે ‘મારા બેન સાચા છે ને તમે કાચા છો’ બ્લીંકર તરફ જોઈ મારી પત્ની મને જે સૂચનાઓ આપતી હતી તે, અને મારો રઘવાટ બંને તેણે જોયાં હતાં. તેના એ એક જ વાક્યમાં મારા પત્નીને ‘મારા બેન’ કહી જૂની પરંપરાની સ્ત્રીદાક્ષિણ્ય અને અજાણ્યાને પોતાનાં ગણવાની ભાવના સાથે નર્મભરી ઉક્તિમાં સ-રસ પ્રાસ મેળવી મને ય કહેવા જેવું કહી દીધું હતું.

મારે ઘરે બીજા પુત્રનો જન્મ થયો ત્યારે મેં મજાકમાં મારા દાદીને કહ્યું, ‘બા કલ્પના એમ ક્યે છે કે પહેલા બાબાની પાછળ તમારી અટકે (દવે) રાખી તો હવે બીજા બાબા પાછળ હું મારી (તેના પિયરની વ્યાસ અટક) રાખીશ.’ બા કહે. ‘તારા વઉ કલ્પનાને કઈ દે’ જે કે કોઠીમાં ઘઉં નાખ્યા તે ઈ કોઠીના નો થઈ ગ્યા કેવાય.’ કહેવાનો ભાવાર્થ મને પછી તેમણે સમજાવ્યો કે ઘઉં તો ખેતરના. કોઠીમાં તો ખાલી ભર્યા એટલે કોઠીનો હક થઈ ગયો ? તેમ જ આ છોકરો, તેનું બીજ તો આપણા દવે કુટુંબનું – તેના પેટમાં નવ મહિના રહ્યો એટલે શું તેનો થઈ ગયો ? બાને વિજ્ઞાનની પરિભાષામાં જીનેટીક્સ, જીન્સ, ભાડુતી ગર્ભાશય એ બધાં વિશે કહેવાનો અર્થ નહતો. તે તો કુટુંબપ્રધાન, પુરુષપ્રધાન સમાજમાં ઊછરેલાં હતાં. મને તો તેમણે વળ ચડાવેલી ભાષામાં એક રૂઢિપ્રયોગથી આખી વાત કહી દીધી તેનો જ રોમાંચ થયો. મારા સસરા પાસે શાસ્ત્રીય સંગીતની ગ્રામોફોન રેકૉર્ડઝનો અને ચિત્રકળાના પુસ્તકોનો સારો એવો સંગ્રહ જીવના જતનથી ભેગો કરેલો અને જાળવેલો. તેમાંથી કોઈ એક રેકર્ડ માગે ને પછી ઘસરકા પાડી પાછી આપે, પુસ્તકોના પૂંઠા ફાટી જાય, પાનાં વળી જાય, તેના માટે વારે વારે ઉઘરાણી કરવી પડે આ બધું પાલવે નહીં. જેને તેમની આ ચીવટ અને મમતાનો ખ્યાલ હોય તે તો માગે જ નહીં પણ જો કોઈ જાણતા અજાણતા માગી બેસે તો એક જ રૂઢિપ્રયોગનું શાસ્ત્ર વાપરી તેમની માગણી હસતા હસતા નકારતાં. તેઓ કહેતા, ‘દીકરીના માગા હોય વહુના માગા ન હોય’. સામેવાળો શું બોલે ?

મારામાં તો મારી ભાષા ઉભડક બેઠી છે. આ બધાં માણસોની વહેતી વાતોમાં, કથા, વારતા, હાલરડામાં મરસિયામાં, દુહા, દોહરા, ચોપાઈ, ધોળ, પદ ગીતોમાં, રામગ્રી, પ્રભાતી, સંધ્યા આરાધમાં તે નિરાંતે જીવે જીવે છે. ત્યાં જ તે કૉળી છે – સહસ્રદલપદ્ય જેમ. મારા એક વડીલ મિત્ર જયંત જોશી અમદાવાદ સ્થિર થયાં છે. મરાઠી છે. અંગ્રજીમાં પ્રાફેસર છે. ઘરમાં ચલણ મરાઠીનું, પડોશમાં ગુજરાતીનું અને અને કૉલેજમાંઅંગ્રેજી. તેમના બાળપણની ઉછળકૂદ અને યુવાનીના મસ્તી મુંઝારો આનંદ સ્વપ્નોના દિવસો જૂનાગઢમાં વિતેલાં – એ વરસોને વિતેલાં કેમ કહીએ જે છેક સુધી સાથે રહે છે ! વરસો સુધી કાઠિયાવાડી ભાષાએ તેમના કાન પખાળેલાં. અમદાવાદમાં મને એ ભાષાને બોલતો સાંભળી તેમના દિવસો યાદ કરે. ક્યારેક આ મરાઠીભાષી અંગ્રેજીના પ્રોફેસરને કાઠિયાવાડીનો અહાંગળો લાગી જાય છે ત્યારે રાજકોટ જુનાગઢ આંટો મારી આવે. ક્યારેક સમય ન હોય તો માત્ર લીંમડી સુધી આવી ત્યાં બસ સ્ટેશને બેસી, ગામમાં ફરી બે ત્રણ કલાલ મન ભરીને લોકોને સાંભળે અને નોળવેલ સુંઘી ફરી અમદાવાદ. આ તો થઈ માત્ર આટલે જ દૂર વસેલાની વાત. પણ કેટલાંય યહુદીઓ હિબ્રુ, પોલીશ એ યીદ્યીશિ ભાષાને મનમાં લઈ વરસો રખડ્યાં છે. અને આજે તેમના વતનથી દૂર સીંધીઓ પણ તેમની માતૃભાષાને મનમાં લઈ નીકળી પડ્યાં છે. અમેરિકા સ્થાયી થયેલ પોલીશ કવિ ચેસ્લો મિલોઝની My faithful Mothertongue કવિતામાં એક પંક્તિ વાંચી હતી. ‘You were my native land; I lacked any other’ નિર્વસીત કવિએ ભાષાને જ માતૃભૂમિ તરીકે સ્થાયી. ભાષા એ પણ કે કદાચ એ જ સાચી માતૃભૂમિ છે. પ્રદેશોની રાજકીય સામાજીક સીમાઓ તો કૉમ્પ્યુટર ગ્રાફિક્સની જેમ બદલાયા કરે છે, સંકોચાય વિસ્તર્યા કરે છે. ત્યારે આ ભાષા જ માતૃભૂમિ છે જ્યાં તે મૂળ નાખી નિરાંતે વસી શકે છે. અને જે પ્રજા પાસે હજી એ છે ત્યાં સુધી તેને નિર્વાસિત કેમ કહેવાય ? મારાં જ રાજ્યમાં, શહેરમાં રહેવા છતાં મારી ભાષાથી નિર્વાસિત થતો જાઉં છું. હું અહીં જ રહેવા છતાં ભટક્યા કરું છું. કોણ મને પાછું આપે મારું ભાષાનું ઈઝરાયેલ ? મને ખબર છે કદાચ કોઈ જ નહીં. આજ આપણી નિયતિ છે.