અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પગરવ

Revision as of 02:54, 11 June 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પગરવ|સુરેશ દલાલ}} {{Poem2Open}} મીરાંની એક પંક્તિ છે. ‘સુની હો મૈંને હરિ આવન કી આવાજ.’ હરિ આવવાના છે. એનો ધ્વનિ સંભળાય છે. ઈશ્વર આવે તો કેવી રીતે આવે? કોલાહલને રસ્તે તો નહીં જ. એનો પદધ્વન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પગરવ

સુરેશ દલાલ

મીરાંની એક પંક્તિ છે. ‘સુની હો મૈંને હરિ આવન કી આવાજ.’ હરિ આવવાના છે. એનો ધ્વનિ સંભળાય છે. ઈશ્વર આવે તો કેવી રીતે આવે? કોલાહલને રસ્તે તો નહીં જ. એનો પદધ્વનિ ખરો પણ નીરવ. કાનની ભીતરના કાનને સંભળાય એવો. સુંદરમ્ આધ્યાત્મિકતા માટે પોંડિચેરી ગયા. ઉમાશંકરને તો કવિતા સ્વયં આધ્યાત્મિકતા. પ્રથમ પંક્તિ ઝીણવટથી સાંભળવા જેવી છે. સીધી જ વાત છે. હે ઈશ્વર! તારો પગરવ સંભળાય છે. પણ કવિનો સંયમ અને સચ્ચાઈ એક થઈ જાય છે. એકજ શબ્દમાં. પ્રભુ, તારો પગરવ જરી સુણાય. આમાં મહત્ત્વનો શબ્દ ‘જરી’ છે. સહેજ સંભળાય છે. સહજ સંભળાય છે.

કવિનો કાનનો કૅમેરા ધ્વનિનાં અનેક દૃશ્યો ઝડપે છે. ઈશ્વર તો અદૃશ્ય છે. પણ ધ્વનિરૂપે દૃશ્ય છે. વનના વિહંગના કલનાદમાં, તો પવનલહરના કોમળ સાદમાં. કવિની આંખ આકાશે પહોંચે છે. રાતનો સમય છે. આવી સૂમસામ રાતમાં તારાઓના મૂગા વિષાદમાં પ્રભુના પગરવના ભણકારા વહી જાય છે. પગલાં હોય તો એને સાચવી પણ શકો. પગરવને સાચવી પણ કેમ શકાય? કવિની સમતુલા ગજબની છે. બીજો કોઈ કવિ હોત તો નરી પ્રસન્નતાની વાત કરત. પણ તારાઓના મૂગા વિષાદમાં પણ કવિ ધ્વનિની બારાખડી ઉકેલી શકે છે.

કવિએ અવાજનાં અનેક રૂપો આપ્યાં છે. અનેક આકારો આપ્યા છે. એનાં અનેક ગંગોત્રીસ્થાનો બતાવ્યાં છે. ઝરણાંના નર્તનનો ઉમંગ, સરિતાના મૃદુમત્ત તરંગ… આ તો જળધ્વનિ થયા. ઋતુનર્તકીને અંગેઅંગે જે મંજુલ સુરાવટ થાય છે, એને પણ કવિ ઝીલી શકે છે. મોસમની પલટાતી લીલાનો લય કવિ ચૂકતા નથી.

ઝરણાંનો અને સરિતાનો જળધ્વનિ જુદો. અહોરાત ઘૂઘવતા સિંધુના ઘુઘવાટનું રૂપ જુદું. ઝંઝાવાતનો પ્રલયલય અને એનો સુસવાટ પણ જુદો. અવાજના રમ્ય રૂપની સાથે અવાજનાં રુદ્રરૂપ પણ કવિએ ઝડપ્યાં છે. આકાશમાં થતું મેઘનું તાંડવ અને ત્યાંથી અથડાતો ધ્વનિ.

ઉત્તમ કવિ કોઈ પણ વસ્તુને કે કોઈ પણ વિષયને અંશમાં જોતો નથી. એ એને અખિલાઈમાં પામે છે. સામાન્ય કવિ ને અસામાન્ય કવિમાં ભેદ પડે છે તે આ જ પડે છે. બીજો કોઈ પણ કવિ હોત તો ત્રીજા અંતરે કવિતાનું અચ્યુતમ્ કેશવમ્ કરી બેઠો હોત. પણ કવિ અહીં અટક્યા નથી. સમગ્ર પ્રકૃતિના ધ્વનિને ઓળખનાર તો મનુષ્ય છે. તો આ માણસ પાસે પણ કેટલા ધ્વનિ છે. બાળકની કાલીઘેલી વાણી, પ્રણયને હિંડોળે ઝૂલતા પ્રેમીઓનો ધ્વનિ. આ બધાની વચ્ચે કવિ જગતના કોલાહલને પણ ભૂલ્યા નથી અને આ કોલાહલમાંથી પણ કવિએ કલ્લોલને તારવી લીધો છે. બધા જ પોતપોતાની રીતે બોલતા હોય છે. પણ સંત વાણીથી નહીં પણ એની આંખના અબોલ મૌનથી બોલે છે અને એ સંતના વાચાળ મૌનના પડઘાને પણ પથરાતા જુએ છે.

સામાન્ય માણસ કે વિદ્વાનની નજર આ ગીત પર જેટલી પડવી જોઈએ એટલી પડી નથી. આ કાવ્યને એક જ પંક્તિમાં સમેટવું હોય તો કહી શકીએ કે આ કાવ્ય ધ્વનિનું ઉપનિષદ છે.

(ભજનયોગ)