અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/કર્ણ-કૃષ્ણ : ‘કર્ણ-કૃષ્ણ’ સંવાદ

From Ekatra Foundation
Revision as of 02:23, 13 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કર્ણ-કૃષ્ણ : ‘કર્ણ-કૃષ્ણ’ સંવાદ

યજ્ઞેશ દવે

પુરાણકથા એ આપણે ત્યાં શું કે પશ્ચિમમાં જમાને જમાને દરેક પેઢીના લેખકોને આકર્ષી પડકાર ફેંકતી રહી છે તેનું કારણ લોકમાનસમાં રૂઢ હોવાને લીધે તેની સર્વવિદિતતા; માનવમન અને વર્તનની અનેક જટિલ સંકુલતા વ્યક્ત કરતાં પાત્રો-કથાઘટકોને કારણે તેની સર્વકાલીનતા, તથા આ કથાઓ ઇતિહાસના સીમાડા પારની હોવાના કારણે તેના પુનર્કથન, નૂતન અર્થઘટન માટે મળી રહેતો અવકાશ હોઈ શકે. ઉમાશંકરે તેમની ઉત્તરવયે કહેલું કે ‘વેદવ્યાસ અને ગાંધીજીનું મારા પર ઘણું ઋણ છે. શેષ જીવન તેમના ખોળે વિતાવવું છે.’ પણ આ ઇચ્છાનાં પગેરાં છેક તેમના યુવાવયથી — પ્રાચીનતાના રચનાકાળથી જોઈ શકાય. ‘કર્ણ-કૃષ્ણ’ સંવાદ એનું જ ઉદાહરણ.

મહાભારતના ઉદ્યોગપર્વનો આ પ્રસંગ ભાવિ યુદ્ધની નિર્ણાયકતા અને કર્ણચરિત્રની ઉદાત્તરેખાઓ આંકતો મહત્ત્વનો પ્રસંગ તે કર્ણ-કૃષ્ણ મિલન અને સંવાદ. ભાવિ યુદ્ધ રોકવા ભીષ્મની સમજાવટ અને કૃષ્ણની વિષ્ટિના પ્રયત્નો નિષ્ફળ ગયા પછી હસ્તિનાપુર છોડી ઉપલવ્ય જતા પહેલાં કૃષ્ણ કર્ણને તેનું જન્મરહસ્ય ઉદ્ઘાટિત કરી, સત્તાની લાલચ આપી યુદ્ધ રોકવાના પ્રયાસ રૂપે છેલ્લો પાસો ફેંકી કર્ણને સમજાવવા પોતાના રથમાં બેસાડે છે. અહીં મૂળ મહાભારતની સામગ્રીને સૂઝપૂર્વક Edit કરી છે. કર્ણે યુદ્ધને યજ્ઞનું રૂપક આપીને તથા પોતાને આવેલા સ્વપ્નમાં ભાવિયુદ્ધનું જે કરાલ-કરુણ ભવિષ્ય ભાખ્યું છે તેને ખપમાં ન લેતા ઉમાશંકરે કર્ણ-કૃષ્ણ સંવાદને જ લઈ તેનું નવસર્જન કર્યું છે.

સંવાદકાવ્યનો સૂચક આરંભ થાય છે કર્ણપિતા સૂર્યના ઉલ્લેખથી.

‘જુઓ હસે છે નભગોખ સૂર્ય,
પાસે પાસે એક જલે ઝૂલંતાં
પ્રફુલ્લતાં કિંતુ ન જેહ સંગમાં
અધન્ય એવાં પદ્મ ને પોયણાશાં
જોઈ મુખો આપણ બે તણાં અહીં.’

આ પ્રથમ વાક્યમાં જ પદ્મ અને પોયણું, સૂર્ય અને ચંદ્ર સાથે સંભવી ન શકે તેવું ઇંગિત આપી પોતાની સાથેની કૃષ્ણ-વિષ્ટિની નિષ્ફળતાનો સંકેત આરંભમાં જ આપી દે છે. કૃષ્ણ રહસ્યોદ્ઘાટન કરતાં જાણે એકસાથે ક્ષત્રિયકુળ અને હસ્તિનાપુરનું રાજ્ય કર્ણને ધરી દે છે.

‘શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ
કુંતીજાયો પાટવીપુત્ર કર્ણ.’

તરત જ ઉપાલંભ આપતાં કર્ણ કહે છે પાંડવોના વનવાસકાળે તેરતેર વરસો અમે માતા-પુત્ર હસ્તિનાપુરમાં જ રહ્યાં ત્યારે —

‘મળી ઘડી અધઘડી ન માતને’

અસ્ત્રવિદ્યા પ્રસંગે પોતાને થયેલા અન્યાય-અપમાનનો કડવો સ્વાદ તે ભૂલ્યો નથી.

‘આ કુંતી ને પાંડુ તણો સુપુત્ર
ઊભો અહીં અર્જુન, બોલ, તાત,
પિતા-જનેતા તવ કોણ કોણ?’

એ પ્રસંગ પણ તેના જન્મરહસ્યને ઉદ્ઘાટિત કરી તેને જીવનભરના અપમાનમાંથી મુક્ત કરી સાચું સ્થાન આપવાનો હતો — તે પણ કુંતી ચૂકી.

‘છે કર્ણ કૌંતેય,’ ન શબ્દ એવા
આચાર્યને એ સમયે મળ્યા

પોતે જ્યારે હવે સૂતકુળમાં પરણી સ્થિર થયો છે અને પોતાના પરાક્રમના પીઠબળે મિત્ર દુર્યોધને જ્યારે યુદ્ધનું બીડું ઝડપ્યું છે ત્યારે પારોઠનાં પગલાં ભરી કર્ણ કઈ રીતે મિત્રદ્રોહ કરી શકે? પણ કૃષ્ણને હજી શ્રદ્ધા છે કે કુંતીની તે સમયની અસહાય પરિસ્થિતિ સમજી કર્ણ કદાચ માફ કરશે.

‘કૌમાર્ય અર્પી તુજને ખરીદ્યો,
ને લોકલજ્જા તજી પેટ સંઘર્યો.’

છતાં કર્ણ ન પીગળતાં એ જ અભાગી માતાનું લોહી તારી રગોમાં વહે છે તે યાદ કરાવી જાણે તેનું ઇમોશનલ બ્લૅકમેઇલિંગ કરવા પ્રયત્ન કરે છે.

‘જે માતને શોણિતપોષણે તું
જન્મ્યો, વહે જેહનું રક્ત તારી
નસે નસે આ ઘડીએય વેગથી;’

લાગણીથી ન જિતાયેલા કર્ણને કદાચ સત્તા અને દ્રૌપદીની લાલચથી જીતી શકાશે તેમ માની પાંડવોને પૂછ્યા વગર જ કૃષ્ણ એ દાવ પણ અજમાવી જુએ છે.

‘ક્રમે ક્રમે પંચ પ્રતાપી ભર્તા,
ક્રમે ક્રમે તેવી જ સેવશે સુખે’

સૂતપુત્ર હોવાને લીધે કામિનીને વરી ન શક્યાનું દુ:ખ સાથળને કોરી ખાતા ભમરાના ડંખની જેમ હજી તેને કોરી ખાય છે. પણ હવે કોઈ કડવાશ નથી. છે જીવનમાંથી ઉદ્ભવેલી સમજણ.

‘આજે હવે જીવન અસ્ત વેળા
આજે હવે પુત્રઘરેય પારણાં’

એમ કહી એ પ્રલોભનને પણ ખાળે છે. છતાં કૃષ્ણ વિષ્ટિને દાનવીર કર્ણ વિફળ નથી જવા દેતો. યુદ્ધના અંતે અર્જુન સહિત કે અર્જુન રહિત કુંતાના પાંચ પુત્રો જરૂર જીવિત રહેશે તે વરદાનમાં પોતાનું મરણ યુદ્ધમાં થશે અને અર્જુન જીવિત રહેશે તેવી વ્યંજના પણ જોઈ શકાય. કર્ણને મન તો હવે ‘યુદ્ધ એ જ કલ્યાણ’.

‘હવે અમે જો ચડીયે ન યુદ્ધે,
વીરત્વ તે અર્જુનનુંય લાજે,
લાજે વળી પૌરુષ અંગરાજનું.’

બધા પ્રયત્નો વિફળ ગયા પછી યુદ્ધ અવશ્યંભાવિ છે અને મનુષ્યના સ્વભાવગત છે તેવી કાળવાણી કૃષ્ણના મુખમાંથી સરી પડે છે — જાણે યુનાઇટેડ નેશન્સની દીવાલ પર કોતરાયેલું કોઈ વાક્ય —

‘અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા!’

યુદ્ધવીરોની ગણતરી પ્રસંગે ભીષ્મે કર્ણને અર્ધરથી કહી જે મહેણું મારેલું તેનો અપમાનબોધ પણ તીવ્રતર થયો છે. અને એ અપમાનનો બદલો પણ કર્ણ તેના પરાક્રમ દ્વારા જ લેવા માગે છે અને તે પણ ભીષ્મનું પ્રચ્છન્ન અપમાન કરીને.

‘હું કૌરવોમાં રહી કૌરવોની
ગાંગેયથી કરું ઝાઝી રક્ષા,
છે એ જ પ્રત્યુત્તર ભીષ્મયોગ્ય
અને ન કે આજ બનું હું પાંડવ.’

કર્ણ સ્પષ્ટ છે. આ યુદ્ધ દ્વારા તે જન્મની નહીં પણ કર્મની મહત્તા સ્થાપવા ઇચ્છે છે.

‘સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું
સુજન્મના પૈતૃક લાભ માથે.’

અને કુરુક્ષેત્રનું યુદ્ધ જો પાંડવોના જન્મસિદ્ધ અધિકાર માટે છે તો પોતાના પક્ષે પણ પોતાના જન્મસિદ્ધ અધિકારનો ન્યાય મેળવવા માટે છે. પણ ઉમાશંકરનો કર્ણ ત્યાં જ અટકતો નથી પણ આધુનિક સંવેદનના પ્રતિનિધિ તરીકે ભવિષ્યમાં વર્ણવિગ્રહ, વર્ગવિગ્રહ માટે લડતા ગાંધીજી, આંબેડકર કે માર્ટિન લ્યુથરનો જાણે પુરોધા હોય તેવો ભાસે છે.

‘કે હીન જન્મે નવ હીન માનવ,
કે હીન કર્મે કરી હીન માનવ.
લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ.
સમષ્ટિમાં જે સહુ જન્મ-હીણાં
જીવે, વળી ભાવિ વિશેય જીવશે,
એ સર્વના જન્મકલંક કેરો
અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી.’

જોકે દ્રૌપદીને ન પામ્યાની પીડા જે આજન્મ અસંપ્રજ્ઞાત મનમાં રહેલી તે આ રીતે બહાર આવી છે. કાવ્યનું આ પણ એક ફ્રોઇડિયન અર્થઘટન!

‘સ્વયંવરે જીવનસુંદરીના
જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ.’

આ સમગ્ર સંવાદ, વિષ્ટિના સાક્ષી એવા સૂર્યપુત્ર કર્ણના અભિગમથી ખુશ હોય તેમ કાવ્યની છેલ્લી પંક્તિમાં ફરી સૂર્યના ઉલ્લેખથી કાવ્ય પૂરું થાય છે.

‘હસી રહ્યો અંબરગોખ સૂર્ય.’

સમગ્ર કાવ્યમાં ત્રણ વાર કૃષ્ણ કર્ણને અધવચ્ચે કાપી અટકાવી જાણે તેના પર હાવી થવા પ્રયત્ન જરૂર કરે છે પણ કર્ણ મોહ, ભય, લાલચનાં પ્રલોભનો વચ્ચેય અચલ રહે છે. ઉમાશંકરે એક વાર મહાભારત વિશેની વાતચીતમાં મને કહેલું, ‘મહાભારત તેની સમગ્ર વિસ્તીર્ણતા ને સંકુલતાને લીધે જ મહાભારત છે. વાંચતી વખતે એકાદ વિશેષણ પણ ચૂકી જવાનું પાલવે નહીં. શક્ય છે કોઈ વ્યક્તિત્વને ઓળખવાની ચાવી એ વિશેષણમાં પડી હોય.” તેમની એ વાત વિચારતાં એવું લાગે છે કે આ કાવ્યમાં કૃષ્ણના અનેક પર્યાયવાચી સંબોધનોમાંથી કર્ણે માત્ર બે જ વાર બીજા પર્યાયો વાપર્યા છે — ‘કિરિટિ સખા’ અને ‘પાર્થબંધુ’. એનું ઇંગિત એ પણ હોય કે ‘વ્યક્તિ-સમષ્ટિ’ની દલીલ તો ઠીક પણ સમગ્ર વિષ્ટિ જ કર્ણને મન કૃષ્ણની મિત્રપ્રીતિ હોય.

સમગ્ર કાવ્યમાં શીશમાં કાંકરી જેમ ખૂંચ્યા કરતી વાત તે મહાભારતકાળની કથામાં આવતા ‘ધર્મધ્વજાળા’ જેવા સંકર શબ્દો અને ‘તુંડા’, ‘વીરડી’, ‘ભડ’, ‘હાવાં’, ‘આકળા’, ‘વડો’, ‘માતી’, ‘કારમો’ જેવા દેશ્ય શબ્દો. મિશ્રોપજાતિ જેવા લવચીક છંદમાં પણ છંદનું બંધન નિભાવવા આવા શબ્દો આવ્યા હશે? અને આમેય આ કાવ્ય લખાયું છે ઉમાશંકરની યુવાવયે તેથી શક્ય છે તેમાં કાવ્યબાનીની પ્રૌઢિ પછીનાં કાવ્યો જેટલી ન હોય. પણ એટલું તો ચોક્કસ છે કે ‘કર્ણ-કૃષ્ણ’ના કર્ણે મહાભારતના સીમાડા ઓળંગી વર્ગવિગ્રહ-વર્ણવિગ્રહના સંઘર્ષના વીરનર તરીકે પોતાની ઓળખ જરૂર સ્થાપી છે.

(આત્માની માતૃભાષા)