અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આ કાવ્યસભા છે, વિધાનસભા નથી

From Ekatra Foundation
Revision as of 01:43, 16 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આ કાવ્યસભા છે, વિધાનસભા નથી

ઉદયન ઠક્કર

ધોવા નાખેલા જીન્સનું ગીત
ચંદ્રકાન્ત શાહ

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ,
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલું એવું કંઈક.
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ,
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઈક.
રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચ્છાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું ડેનિમ આકાશ,
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનવૉશ ધોઈ કરી
લેધરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ.
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધધધધ રેતીનો દરિયો
દરિયાને તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની મેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઈક.
ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ–અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું.
કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લાં મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લૅસ્સોમાં હંમેશાં વીંટાતો–ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું.
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઈ. એસ. આઈ. માર્કવાળું, એગમાર્ક છાપ
મને ફિટોફિટ થાય તને અપ ટુ ડેટ લાગે, બહુ બેગી ન હોય,
એવું પણ આપણું જ મળવું.
વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ મેં જે ચોરી લીધેલ હોય એ બધું.
પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ,
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી, સ્ટૅર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઈક.
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો કે એવું કંઈક.
(ટૂંકાવીને)

વરસને વચલે દહાડે ધોવા નાખેલ જીન્સના ડાબા ખિસ્સામાંથી શું નીકળે? ‘ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો’. વરસોથી પંચાંગમાં અષાઢ આવ્યો જ ક્યાં છે? જમણા ખિસ્સામાંથી શું નીકળે? ‘સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો, ચાખીને તેં મને આપેલ’. સંબંધ નવો હોય ત્યાં સુધી બોર ‘ચાખેલ’ કહેવાય, પછી ‘એંઠાં’.

પંક્તિને અંતે આવે છે, ‘એવું કંઈક’. કવિતામાં અનુમાન અને અટકળ હોય; વિધાન અને નિવેદન ન હોય. આ કાવ્યસભા છે, વિધાનસભા નથી.

આકાશ કોણે સીવ્યું? બ્રહ્માએ? ના રે ના, દૈયડ અને દરજીડાએ. ‘પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું ડેનિમ આકાશ’ જિજીવિષાથી જગત ચાલે. આકાશનો તાકો વેતરીને, માપસર કાતરીને પહેરવો પડે. લેધરના દોરાથી ડબલ સીવેલ સંબંધ તે આપણાં જીન્સ, આપણાં રંગ–સૂત્ર.

દરિયા પાસે જઈ રેતી લાવે તે બાળક, રેતી પાસે જઈ દરિયો લાવે, તે કવિ. દરિયાને અંજલિમાં પી જાય તે કાં અગસ્ત્ય ને કાં પ્રેમી.

આજકાલ ફાટેલા જીન્સ પહેરવાની ફૅશન ચાલે છે. ‘ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર’. આજના યુવાનો માટે તો હાર્લે ડેવિડસન અને કાવાસાકી એ જ પંચકલ્યાણી અશ્વો. ગધાપચીસીમાં ‘કાવાસાકીનો કલશોર’ લાગે એ સાઠીમાં લાગે, ‘નોઇઝ પોલ્યુશન.’ ‘ટાઇટ ક્લોઝઅપ’, કૅમેરાનું? કે યુગલનું? કવિ કન્ટ્રીસાઇડ કાઉબૉયનું હણહણતું ચિત્ર ખડું કરી દે છે. અધધધધધ, ગટગટાટ, ઢિચકાંવ, ઢિચકાંવ જેવા નાદવાચક શબ્દોથી ઘટમાં ઘોડા થનગનવા માંડે છે.

છેલ્લા ખિસ્સામાંથી ઇચ્છા, વાતો અને પ્રસંગો સાથે એક સરતચૂક પણ નીકળે છે. એગમાર્કની છાપ ક્યાં મુકાય — ફૅશનવેર પર? કે ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટ્સ પર? ‘વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને’. આ પંક્તિ કવિ બોલ્યા હશે? કે તેમને યાદ રહી ગઈ હશે?

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે,
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી.
(સુરેશ દલાલ)

જીન્સના તાણાવાણા ફરી તપાસીએ. સિલાઈ ફિટોફિટ નહીં પણ ‘બૅગી’. પંક્તિઓ એક માપની રાખવાનું બંધન સ્વીકાર્યું ન હોવાથી કહેણીમાં મોકળાશ મળી છે. પ્રલંબલય બે કાંઠે ઘૂઘવે છે. કાવ્ય ગીતમાંથી મુક્ત પદ્ય તરફ રેલાય છે.

ઘણા ‘ડાયસ્પોરિક પોએટ્સ’ માત્ર નામના હોય છે. તેમની વ્યંજનપેટીમાં વ્યંજના હોતી નથી અને સ્વરપેટીમાં અતીત સિવાય કોઈ રાગ હોતો નથી. ચંદ્રકાન્ત આમાંનો નથી. એ ગઈ કાલની કવિતા નથી લખતો, આજની કવિતા લખે છે. અમેરિકન લાઇફ જીવતા આ કવિને હોઠે અંગ્રેજી શબ્દો ‘જસ્ટ લાઇક ધેટ’ આવી જાય છે. તત્સમ ધોતિયું પહેરીને કાવાસાકી પર હન્ડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે ન જવાય.

‘બ્લૂ જીન્સ’ સંગ્રહનાં ઘણાં કાવ્યોમાં ગુજરાતી–અંગ્રેજી પદાવલિનો સુભગ સમન્વય થયો છે. બે ભાષાઓનું આ ફિઝિકલ મિક્ સ્ચર નથી પણ કૅમિકલ કંપાઉન્ડ છે. જીવશાસ્ત્રી મૉડેલની પરિભાષામાં કહીએ તો ગુજરાતી ભાષાનું આ ‘મ્યુટેશન’ છે.

કાવ્ય રચવાવાળા ઘણા મળે, પણ કાવ્યની આગવી ભાષા રચવાવાળા જવલ્લે મળે.

આ જીન્સ તમને ગમ્યાં? તો ફેડ થાય ત્યાં સુધી સાચવી રાખજો અને ત્યાર પછી પણ.

(આમંત્રણ)