ગુજરાતી બાળવાર્તા સંપદા/જમીનદારનું વીલ

Revision as of 02:43, 24 June 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જમીનદારનું વીલ

અરુણિકા દરૂ

કનકપુર નામે ગામમાં એક બહુ મોટા જમીનદાર રહે. તેમને ચાર દીકરા : રામ, હરિ, ગોપાળ અને ગોવિંદ. ચારે નોકરચાકરને હાથે લાડકોડમાં ઊછર્યા. જમીનદારનું સઘળું ધ્યાન જમીનજાગીર સંભાળવામાં રહેતું. દીકરાઓના ઉછેર પાછળ ધ્યાન આપવાની ફુરસદ મળતી નહીં. પરિણામે નોકરોને હાથે ઊછરેલા દીકરાઓ આખો દિવસ મોજમજા કર્યા કરતા. ભણવામાં પણ તેમનું ચિત્ત ચોંટતું નહીં. એ જોઈ જમીનદારનો જીવ બહુ બળતો, પણ તે પોતાના મનને મનાવતા કે જરા મોટા થશે, લગ્ન થશે એટલે કામધંધામાં રસ લેતા થશે. તેમણે રામ અને હરિનાં લગ્ન કર્યાં. ઘરમાં વહુઓ આવી પણ દીકરાઓ ન સુધર્યા. જમીનદાર દીકરાઓને અવારનવાર સમજાવતા કે તેઓ હવે મોટા થયા. તેમણે પેઢીએ આવીને બેસવું જોઈએ. ખેતીમાં અને ધંધામાં ધ્યાન આપવું જોઈએ. પોતાના મરણ પછી આ બધું તેમણે જ સંભાળવાનું છે. અત્યારથી શીખી લો તો પછી મુશ્કેલી નહીં પડે. પણ દીકરાઓને બાપની સલાહ ગળે ઊતરતી નહીં. તેઓ તો બાપના પૈસા ઉડાવતા ને મજા કરતા. જમીનદારને ચારેય દીકરાઓના આવા નિષ્ફિકર સ્વભાવથી ચિંતા રહ્યા કરતી. પોતે નહીં હોય ત્યારે નોકરચાકર, મુનીમ સઘળા પોતાની મહેનતની કમાણી ઉડાવી દેશે અને દીકરાઓ દુઃખી દુઃખી થઈ જશે. પણ દીકરાઓને મોજમજા છોડી કામ કરવું જ ન હોય તો શું થાય? એમને સમજાવવા પણ કેવી રીતે? ચિંતામાં ને ચિંતામાં જમીનદાર માંદા પડ્યા. વૈદ-ડૉક્ટરોને બોલાવ્યા. બધાએ આશા છોડી દીધી ત્યારે જમીનદારે દીકરાઓને બોલાવી એમના હાથમાં એક બંધ કવર મૂકી કહ્યું: “આ મારું વીલ છે. મારા મરણ પછી એમાં લખેલી સૂચનાનો બરાબર અમલ કરજો.” આટલું કહી તેમણે દેહ છોડ્યો. પિતાની અંતિમ વિધિ પતાવ્યા પછી રામુ, હરિ, ગોપાળ અને ગોવિંદ ભેગા થયા અને કવર ખોલ્યું. તેમાં નીચે મુજબ છ શિખામણ હતી :

(૧) છાયામાં જવું અને છાયામાં આવવું.
(૨) રોજ મીઠું મીઠું જમવું.
(૩) ઉધાર આપીને માંગવું નહીં.
(૪) ભેળા બેસીને ગપ્પાં મારવાં.
(૫) રોજ છાશનું દાન કરવું.
(૬) ગામના એક વૃદ્ધને રોજ વંદન કરવાં.

દીકરાઓને તો ડર હતો કે પત્રમાં કોણ જાણે શુંય લખ્યું હશે. પણ આ તો સાવ સહેલું હતું. તેમણે તો રોજ રોજ મિષ્ટાન્ન ખાવાનાં શરૂ કર્યાં. બીજી તરફ જે કોઈ, કોઈ પણ ચીજવસ્તુ માગે તે તેઓ આપી દેતા પછી પાછા માગતા નહીં. આખો દિવસ ગપ્પાં મારતા. છાશનું દાન કરતા. આ પહેલી પાંચ સૂચનાનો અમલ તો બહુ સહેલો હતો. ફક્ત એક જ વાત ગમતી નહીં. અને તે છેલ્લી. વૃદ્ધને રોજ વંદન કરવાની વાત. પણ પ્રથમ પાંચ શિખામણ સરળ ને મનગમતી હતી તેથી તેઓ આ છેલ્લી સૂચના નિભાવી લેતા. અને રોજ ગામના વૃદ્ધ રામુકાકાને વંદન કરતા. આ રીતે કોઈ પણ જાતના કામધંધાના અભાવે દિવસો પસાર થવા લાગ્યા. એમ કરતાં જમીનદારનું અઢળક ધન ખૂટી જવા આવ્યું. નોકરચાકર કામ છોડી બીજે નોકરીએ રહ્યા. મુનીમે પેઢી બંધ કરી. દીકરાઓને ચિંતા થઈ કે હવે શું કરીશું? એક દિવસ ગામના વૃદ્ધ રામુકાકાને વંદન કરવા ગયેલાં દીકરાઓના મોં પર ચિંતા જોઈને રામુકાકાએ પૂછ્યું: “કેમ બેટા! શી વાત છે?” દીકરાઓએ પોતાની પરિસ્થિતિ જણાવી અને જમીનદારે મરતી વખતે આપેલા કવરની અને તેમાંની સૂચનાની વાત કરી કહ્યું : “કાકા! રોજ મિષ્ટાન્ન ખાવું અને છાશનું દાન કરવું તે કેમ પરવડે? વળી ઉધાર આપવું અને પાછું માંગવું નહીં. એમ ને એમ તો અમારું બધું ધન ખલાસ થવા આવ્યું. હવે પિતાની ઇચ્છાનું પાલન શી રીતે કરી શકીશું?” “ઓહો! એમ વાત છે. આ તો સાવ સરળ છે.” રામુકાકાએ કહ્યું. “કેવી રીતે? અમને તો કશું સમજાતું નથી.” રામે કહ્યું. “જુઓ, તમારા પિતા બહુ જ શાણા અને સમજુ હતા. તેમણે તમને બહુ જ સરળ શબ્દોમાં કીમતી સલાહ આપી છે. પણ તમે કોઈ તેમની સલાહ સમજ્યા નથી.” “તો તમે સમજાવો.” હરિએ કહ્યું. રામુકાકાએ સમજાવવા માંડ્યું : “જુઓ પહેલી સલાહ છે છાયામાં જવું અને છાયામાં આવવું એટલે કે વહેલી સવારથી કામે જવું અને મોડી સાંજ સુધી કામ કરવું. આમ શ્રમ કરવાથી ધનમાં ઉત્તરોત્તર ઉમેરો થતો રહેશે.” “હં એ સાચું.” ગોવિંદે કહ્યું. “બીજી સલાહ છે, રોજ મીઠું મીઠું જમવું.” “અમે તો મિષ્ટાન્ન ખાઈખાઈને કંટાળ્યા.” હરિએ કહ્યું. “અરે બેટા! એનો અર્થ ગળ્યુંગળ્યું ખાવું એવો નથી. પણ મહેનત કરીને જે કંઈ મળે તે ખાવું એવો અર્થ છે. મહેનતનું ભોજન હંમેશાં મીઠું જ લાગે છે. મહેનત કર્યાથી સાચી ભૂખ ઊઘડે ત્યારે જે ખોરાક લઈએ તે હંમેશાં સ્વાદિષ્ટ જ લાગે. કહેવાય છે કે મહેનતથી મેળવેલા ચણામાં જલેબીની મીઠાશ હોય છે.” “ત્રીજી સલાહ છે ઉધાર આપીને માગવું નહીં. એમાં અમે ઘણું ગુમાવ્યું.” રામે કહ્યું. “અહીં પણ તમે કેવળ ઉપર ઉપરનો જ અર્થ લીધો. એટલે ભૂલથાપ ખાધી. એનો અર્થ છે ધીરધારનો ધંધો કરવો. ધીરધારનો ધંધો કરનાર દાગીના કે એવી કીમતી ચીજના બદલામાં તે માણસને પૈસા ધીરે છે. માણસ જો ઠરાવેલી મુદતમાં પૈસા પાછા આપી પોતાની કીમતી ચીજ ન છોડાવી શકે તો તે કીમતી ચીજ તે પૈસા ધીરનારની માલિકીની થઈ જાય.” રામુકાકાએ કહ્યું. “આમાં તો ફાયદો છે.” ગોપાળે કહ્યું. “ચોથી સલાહ છે ભેળા બેસીને ગપ્પાં મારવાં, એ તો અમે કરતા જ હતા.” હરિએ કહ્યું. “હા, પણ સમજ્યા વગર.” રામુકાકાએ સુધારીને કહ્યું. “આનો અર્થ છે રાત્રે કુટુંબીજનોએ ભેગા બેસી સુખદુઃખની વાતો કરવી અને એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર થવું. જેથી કુટુંબમાં સંપ ટકી રહે.” “હં, હવે બરાબર સમજાયું” ગોવિંદે કહ્યું. “પાંચમી સલાહ છે રોજ છાશનું દાન કરવું.” “પણ છાશનું જ દાન શું કામ? એ સમજાયું નહીં.” ગોપાળે કહ્યું. “જો બેટા! છાશનું દાન કોણ કરે એ ખબર છે? જેને ઘરે ગાયો – ભેંસો હોય તેને ત્યાં દૂધ-દહીં પુષ્કળ હોય એટલે રોજેરોજ માખણ નીકળે તેની છાશ તો કેટલી બધી હોય! કુટુંબના વપરાશ પછી પણ વધે. તે વધેલી છાશ ગરીબગુરબાને દાનમાં આપી દેવી. તેમનું કામ થાય અને તમારે હાથે દાન થાય.” “અમે તો આવું કશું સમજ્યા જ નહોતા.” નાનો દીકરો બોલી ઊઠ્યો “મતલબ કે ઘરમાં દૂઝણું રાખવું.” “આ બધું તો હવે સમજાયું પણ વૃદ્ધને વંદન કરવાનું શા માટે તે ન સમજાયું.” રામે કહ્યું. “એ તો સાવ સ્પષ્ટ છે.” ગોવિંદ બોલી ઊઠ્યો. “કેવી રીતે?” રામ અને હરિએ પૂછ્યું. “જુઓને, આ પાંચે સલાહનો સાચો અર્થ કોણે સમજાવ્યો?” “રામુકાકાએ.” રામ, હરિ અને ગોપાળ બોલી ઊઠ્યા. “હં. એટલે તો બાપુજીએ તેમને રોજ વંદન કરવા કહ્યું હતું ને! તેમણે વિચારી રાખ્યું હશે કે એક દિવસ મુસીબત આવી પડતાં આપણને તેમની સલાહની જરૂર પડશે અને ત્યારે ઘરડા જ આપણને સાચી વાત સમજાવશે.” ગોવિંદે કહ્યું. “ખરેખર બાપુજીએ ગજબની બુદ્ધિ વાપરી.” રામે કહ્યું. “જુઓ! હવે આજથી તેમની સલાહનો સાચો અર્થ સમજી અમલ કરો તો સુખી થશો.” રામુકાકાએ કહ્યું. “હા કાકા! હવે અમારી આંખ ઊઘડી ગઈ છે.” રામે કહ્યું. “હવે પછી અમે એનો બરાબર અમલ કરીશું” હિરએ ખાતરી આપી. “એમાં હવે ભૂલ નહીં થાય.” ગોપાળે કહ્યું. “ચાલો ત્યારે અત્યારથી જ શરૂ કરીએ.” ગોવિંદે કહ્યું. જમીનદારના ચારે દીકરાઓએ તે પછી રામુકાકાની સલાહ મુજબ પિતાનાં સૂચનોનું વ્યવસ્થિત પાલન કર્યું. અને આરામથી જીવ્યા પછી ખાધુંપીધું અને સુખી થયા.