ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સન ૧૯૩૦ નું સિંહાવલેકન

From Ekatra Foundation
Revision as of 02:32, 26 June 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સન ૧૯૩૦ નું સિંહાવલોકન.


આખું ય વર્ષ રાજકીય વાતાવરણથી દેશ ઉષ્ણ બની રહ્યો હતો અને જેને આપણે ઉષ્ણતામાનદર્શક પારાશીશીનું અંતિમ બિન્દુ કહી શકીએ તે દાંડીકૂચે તો ઇતિહાસમાં પૂર્વે કદિ નહિ જોવામાં આવેલો એવો એક અપૂર્વ પ્રયોગ સિદ્ધ કરી બતાવી, સમસ્ત સુધરેલી દુનિયાનું ધ્યાન તે પ્રતિ ખેંચ્યું હતું. તા. ૧૩ મી માર્ચે (ઇ. સ. ૧૮૩૦) મહાત્માજીએ ૮૧ સત્યાગ્રહી સૈનિકોની ટુકડી સાથે, સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાંથી, સ્વરાજ્યની પ્રાપ્તિ અર્થે, મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા, પગરસ્તે દાંડી પહોંચવા વિજય પ્રયાણ કર્યું, તે જેમ ઐતિહાસિક તેમ લોકલાગણી અને પ્રજાબળનો અર્થસૂચક પ્રસંગ હતો.

દાંડી કૂચ

હિન્દી સરકારે તે સમયે ભાગ્યે જ માન્યું હશે કે આ મુઠ્ઠીભર મનુષ્યો ચોતરફ દેશમાં ખળભળાટ મચાવી મૂકશે, અને જનતામાં અશાન્તિ ફેલાવશે. તેણે વિચાર્યું હશે કે, તેઓ પકવી પકવીને કેટલું મીઠું પકવશે કે વેચશે? પણ એ સરકાર લોકનાડી પારખી શકી નહિ; તેણે એમ ન જોયું કે પ્રજાનો દેહ સતત ધોવાઈ રહ્યો છે, તેનું આ સૂચક ચિહ્ન છે. આવી ગંભીર ભૂલ ઇંગ્લાંડે આગળ અમેરિકા સાથેના વર્તાવમાં કરી હતી; જેના પરિણામે તે દેશ ખોયો હતો. અન્યાયયુક્ત કરની સામે વિરોધ કરવા અમેરિકન પ્રજાએ ચાની પેટીઓ દરિયામાં ઠાલવી નાંખી હતી, તેમ આ લડતમાં પણ લોકોએ મીઠું પકવી તેમ વેચી, અને તેમ કરવાનો પ્રજાને કુદરતી હક્ક છે, એવી પ્રતીતિ કરાવી, સ્વરાજ્યના ગણેશ માંડ્યા હતા. આ પ્રસંગનું ઉપહાસકરતું એક રમુજી ચિત્ર (Cartoon) તે અરસામાં જાણીતા કાર્ટુનીસ્ટ મી. લૉ એ (Low) દોર્યું હતું, જેમાં બ્રિટિશ સામ્રાજ્યને એક જબરજસ્ત અને સમર્થ સિંહરૂપે ચિતરી, છેઠે વામનરૂપ મહાત્માજીને તેની પુંછડીના છેડે મીઠું મસળતા બતાવવામાં આવ્યા હતા. જેમ એકાદ છોલાયલા ભાગપર મીઠું લાગતાં તીવ્ર વેદના થાય અને શરીર કમકમી ઉઠે તેમ સ્વરાજ્યની સિદ્ધિ અર્થે મંડાયલી આ મીઠાની લડતે, સાચે બ્રિટિશ સલ્તનતને હંફાવી અને હાંફળીફાંફળી કરી મૂકી હતી, એમ કહેવું તે જરા ય અતિશયોક્તિભર્યું નહિ ગણાય. જગતનો ઇતિહાસ મુખ્યત્વે લડાઇઓનાં વૃત્તાંતોથી ભરેલો હોય છે; અને તે લડાઈનું કારણ બહુધા રાજા રાજાઓ વચ્ચે, રાજા અને પ્રજા વચ્ચે, વા પ્રજામાંના ભિન્ન ભિન્ન પક્ષો વચ્ચે, રાજ્યની સીમા, વિસ્તાર કે સત્તાની પ્રાપ્તિ કિંવા સામ્રાજ્યની સ્થાપના કે અધિકાર સારૂ, અથડામણોમાં જણાશે. વળી તેનો વિજય બળજોરી પર અવલંબી રહેતો અને તેનાં સાધનોમાં દગો, છેતરપિંડી, લાંચરૂસ્વત્ત અને હિંસા પ્રધાનપણે દૃષ્ટિગોચર થશે. લડાઈ કેટલી બધી ખુનખાર અને પ્રાણઘાતક છે, તેને હુબહુ ચિતાર છેલ્લું યુરોપીય યુદ્ધ રજુ કરે છે; અને તેથી ત્રાસી જઇને જ સ્વ. પ્રેસિડન્ટ વુડરો વિલ્સને દુનિયામાંથી લડાઈ સદંતર બંધ થઈ જાય એવા ઉદાર આશયથી એકત્ર પ્રજાસંઘની વિશાળ યોજના ઘડી હતી; તેમ છુપા કોલકરાર અને સંધિઓની જુની જામેલી પ્રથા નિર્મૂળ થવા પોકાર ઉઠાવ્યો હતો; પણ એ પ્રયત્ન કેમ નિષ્ફળ નિવડ્યો અને તેમાંથી ચેતન ઉડી જઇ, માત્ર બાહ્યાચાર ગ્રાહ્ય થયો, એ કરુણ કહાણી ઘણાંની જાણ બહાર નહિ હોય! યુરોપીય યુદ્ધ દરમિયાન સંસ્કૃતિના સંરક્ષણાર્થે તેમ જગતની પ્રજાઓના ઉદ્ધાર માટે દુનિયામાંથી લડાઇનું કાયમ કાસળ કાઢવા અને પછાત પ્રજાઓને સ્વતંત્ર કરવા તેમજ આત્મનિર્ણય (self-determina- tion) નો અધિકાર આપવા ઘણી મોટી અને ડાહી ડાહી વાતો થઈ હતી. તથાપિ આપણે જોઇએ છીએ કે વર્સેલીની સંધિ થયે આજે બાર વર્ષ વીતી ગયા છતાં જગતની પ્રજાઓમાં પૂર્વવત્‌ અવિશ્વાસ અને અશાન્તિ વ્યાપી રહેલાં છે; એટલું જ નહિ પણ એક બીજાની હરિફાઇમાં મોટાં રાજ્યો સંપૂર્ણ સજ્જ રહેવા, લશ્કરી અને દરિયાઇ કાફલાના ખર્ચ પાછળ પ્રતિ વર્ષ કરોડો રૂપિયા નાહક ખર્ચી નાખે છે[1] અને હિન્દુસ્તાન જેવા ગરીબ દેશમાં વાર્ષિક ઉત્પન્નના ૪૫ ટકા, બીજા કોઇ દેશમાં નહિ તેવું ભારે લશ્કરી ખર્ચ થાય છે.

લડાઈનાં અનિષ્ટો

આ ભારે ખર્ચનો બોજો પ્રજાજીવનને ગુંગળાવી નાંખે છે અને તેની શક્તિઓ કુંઠિત કરી મૂકે છે; તો પછી તે પ્રજાને વિકસવાનો અને ફૂલી ફાલવાનો અવકાશ જ ક્યાં રહ્યો? પ્રજાજીવનમાંથી હીર હણાઈ જતાં, તે નિઃસત્વ દેહ ક્યાં સુધી ટકશે? કેટલો સમય એ અસહ્ય બોજો તે વહ્યા કરશે? પ્રેસિડન્ટ વિલ્સને જે આદર્શ જગત સમક્ષ રજુ કર્યો હતો અને જેની સિદ્ધિ અર્થે માર્ગસૂચન કર્યું હતું, તે પ્રતિ વિચરે જ આપણી અને જગતની બીજી પ્રજાઓની મુક્તિ છે. આ જ કારણે પશ્ચિમની સુધરેલી પ્રજાઓ લડાઇથી હતાશ થયલી અને રાષ્ટ્રીય દેવાના અને મોટા લશ્કરી ખર્ચના ભારથી ચગદાઈ રહેલી ગાંધીજીની નિઃશસ્ત્ર અને અહિંસાત્મક સવિનય કાયદાભંગની લડતને એક- ચિત્તે અવલોકી રહી છે;[2] અને સંભવે છે કે પૂર્વે એશિયા ખંડે પાશ્ચાત્યપ્રજાઓને વાર્તા (રાજનીતિ) ધર્મ, વિજ્ઞાન, વૈદક, ગણિત, જ્યોતિષ વગેરે વિષયોમાં દિશાસૂચક શિક્ષણ આપ્યું હતું તેમ મહાત્માજીનો આ નિઃશસ્ત્ર અહિંસાત્મક લડતનો ઉપદેશ અર્વાચીન સંસ્કૃતિને એક આશીર્વાદરૂપ થઈ પડશે. પ્રસ્તુત ઉપદેશમાં નવીન કશું નથી. હિન્દી જનતાને પ્રહ્‌લાદ આખ્યાન સુપરિચિત છે. દૈવી સંપત્તિવાળો બાળક પ્રહ્‌લાદ આસુરી સંપત્તિવાળા તેના પિતા હિરણ્યકશિપુને નમતું ન આપતાં, પ્રભુના નામ રટણને, પોતાના વિચાર અને સિદ્ધાંતને, તેના પર અનેકવિધ વિટંબણાઓ અને દુઃખ આવી પડવા છતાં, દૃઢતાથી વળગી રહ્યો અને અંતે વિજય પ્રાપ્ત કરવા સમર્થ થયો હતો, એ સુંદર આખ્યાન અનેક સ્ત્રીપુરુષોને એક રામબાણ ઔષધિ પેઠે, બળપ્રેરક અને પ્રોત્સાહક જણાયું છે. વળી પ્રભુ જિસસ ક્રાઈસ્ટનો ઉપદેશ પણ જનતાને એ જ માર્ગે દોરે છે. સર્વત્ર ભ્રાતૃભાવ ફેલાવવા તેઓ કહે છે કે–તારા પાડોશીને તારા પ્રાણ સમાન ચાહજે–અહિંસા માટે આનાથી ચઢતું બીજું સૂત્ર ભાગ્યે જ મળી આવશે કે, જે કોઈ તને તમાચો મારે તો તેને તારે બીજો ગાલ ધરજે.ff અહિંસાવાદી સત્યાગ્રહીઓએ ગત વર્ષની રાષ્ટ્રીય લડતમાં તેના ચુસ્ત નિયમપાલનમાં જે વિતકો સહ્યાં હતાં, તે જોઇને ઘણાનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં હતાં; અને એવાંજ વિતકો, બલ્કે એથી વધુ કસણી-કષ્ટો જિસસ ક્રાઈસ્ટના અનુયાયીઓએ તેના ઉપદેશને અનુસરવામાં તેમ તેના વિચાર-સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં શરૂઆતમાં વેઠ્યાં હતાં અને તેનો સહજ ખ્યાલ વાચકને મી. વૉન લુનકૃત માનવ જાતિની મુક્તિ (The Liberation of Mankind by Mr. Van Loon) એ નામના ગ્રંથમાંથી મળશે, એટલું જ નહિ, પણ એ બે વચ્ચે કેટલું બધું વિચારનું, કષ્ટસહનશક્તિનું અને સહિષ્ણુતાનું સામ્ય રહેલું છે તે પણ લક્ષમાં આવશે. છેક જુના કાળથી એવી એક માન્યતા પ્રચલિત છે કે–રાજનીતિમાં કુડકપટ, જુઠાણું અને કુટિલતા તો હોય જ; બહાર દેખાવનું કાંઇ હોય અને અંદર ખરું કાંઇ હોય; પરંતુ મહાત્માજીની વ્યવહારનીતિ,–પછી તે એક હાકેમ સાથે હોય કે એક સામાન્ય વ્યક્તિ સાથે હોય–જે સ્પષ્ટ ખુલ્લી, નિખાલસ, પ્રામાણિક અને સાચી હોય છે;–જે પ્રકારનું ઉંચું ધોરણ સ્વ. પ્રેસિડન્ટ વિલ્સન યુરોપીયન રાજનીતિમાં (diplomacy) દાખલ થયેલું જોવા ઇચ્છતો હતો–તેવી જ કેવળ સત્યનિષ્ઠા છે. પરંતુ રુશિયામાં સોવિયટ સત્તા સ્થપાતાં, તેણે જ્યારે મિત્ર રાજ્યોનાં માંહોમાંહેના છુપા કોલકરારો પ્રસિદ્ધ કર્યા ત્યારે જગતે જાણ્યું કે તે કેટલા બધા સ્વાર્થી, પ્રપંચી અને અન્યાયી હતા, જીવનમાં તેમ જાહેર જીવનમાં અને રાજકાજમાં સચ્ચાઇ, પ્રમાણિકતા અને ન્યાયની સરખી જ જરૂર રહે છે.

બેઠો બળવો

યુરોપમાં સ્થાયી સુલેહશાન્તિ સ્થાપવા પ્રેસિડન્ટ વિલ્સને છેલ્લા મહાયુદ્ધ દરમિયાન ૧૪ મુદ્દાઓ રજુ કર્યા હતા, તેમ મહાત્માજીએ પણ હિન્દુસ્તાનમાં શાન્તિ સચવાય અને પ્રજાની વાજબી માગણીઓને સ્વીકાર થાય, તેને ન્યાય મળે તદર્થ ૧૧ મુદ્દાઓ તારવી કાઢી, તે વૉઈસરૉય લૉર્ડ ઇર્વિનને એક પત્રમાં સભ્યતાપૂર્વક અને મિત્રભાવે દર્શાવ્યા હતા; અને જેમ કૃષ્ણે પાંડવોના પ્રતિનિધિ તરીકે કૌરવો પાસે જઇ અડધું રાજ્ય; નહિ તો ન્યાય ખાતર પાંચ ગામની માગણી કરી હતી, તેમ મહાત્માજીએ સરકારની સચ્ચાઇ અને સહાનુભૂતિની લાગણી તપાસી જોવા, તેમાં હૃદયપલટો થયેલો છે કે નહિ તેની કસોટી તરીકે ઉપરોક્ત પત્રમાં, લાહોર કોન્ગ્રેસે પસાર કરેલા પૂર્ણ સ્વરાજ્યના ઠરાવ પર ભાર નહિ મૂકતાં, માત્ર મુખ્ય મુખ્ય પ્રજાહિતની માગણીઓનો સ્વીકાર થવા ઇચ્છ્યું હતું; પણ જ્યારે તેને સંતોષકારક જવાબ ન મળ્યો અને ન્યાયની આશા ન રહી ત્યારે, ગાંધીજી જેને બેઠો બળવો કહે છે, તે પ્રજાએ આદર્યો. શ્રીયુત ગગનવિહારી મહેતાએ તા. ૨૬ મી નવેમ્બર ૧૯૩૦ ના ‘ઇન્ડિયન સોશિયલ રીફોર્મર’ માં સદરહુ વિષય પરત્વે લખતાં વાજબી કહ્યું છે કે – “That peace and order will not be challenged by the mass of people unless they have become keenly conscious of a wrong x x. Organised disobedience is always the price of injustice. Men do not revolt until wrong has driven them to revolt.” તે પછી એવા બનાવો દરરોજ નવીન બનતા રહ્યા કે સરકારને શું કરવું તેની સમજ પડી નહિ; પ્રજા પણ ઉત્સાહના આવેશમાં ઘેલી બની ગઈ. કાયદાનો ભંગ થતાં, ચોતરફ પકડાપકડી ચાલી અને પછી તો એટલી મોટી સંખ્યામાં લોકમેદની એકઠી થવા માંડી કે તેને પકડવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું, એટલે લાઠીપ્રયોગ થવા માંડ્યા; એથી પણ પ્રજા ડગી નહિ. લાઠીના સખ્ત પ્રહાર તેણે સહન કર્યા પણ અહિંસાના દૃઢ નિશ્ચયમાંથી તે ચળી નહિ. ભૂખ તરસ કે તાઢ તડકાની દરકાર કરી નહિ. જેલને પણ સુખનિવાસ માન્યો. વસ્તુતઃ જે અભય માટે લાંબા સમયથી મહાત્માજી પ્રયાસ કરતા હતા તે સરકારની બીક લોકના મનમાંથી આ લડતમાં સમૂળગી નિકળી ગઈ. પ્રજા નિર્ભય બની; દુઃખને તેણે સહર્ષ વધાવી લીધું, એટલું જ નહિ પણ આત્મભોગ માટે ઉત્સુક થઇ. આવી પકડાપકડીની અને લાઠીમારની વિષમ પરિસ્થિતિ હોવા છતાં હજાર સ્ત્રી પુરુષો અને બાલકોની ઠઠ સરઘસ અને સભામાં જામતી, જે દૃશ્ય જોઇને સૌ કોઇ ચકિત થતું. સરકારે તેને ચાંપી દેવા અનેક ઉપાયો અજમાવ્યા; કાયદા અને વ્યવસ્થાના મિષે ચોગરદમ લાઠીપ્રહાર ચલાવ્યા; જેલો ભરી દીધી; નવા નવા ફતવા-ઑર્ડિનન્સો કાઢ્યા; સંધિના સંદેશા શરૂ કર્યા અને છેવટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ ભરી. પણ તે સઘળા પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા. અંતે મહાત્માજીને બિનશરતે છૂટા કરી, તેમની સાથે સંધિ કરી; તે પછી જ દેશમાં પુનઃ શાન્તિ થવા પામી. આ પરથી શિખવાનું એ મળે છે કે–પ્રજાના ઐક્ય અને અહિંસા બળ આગળ જબરજસ્ત સત્તાનું બળ પણ પાછું પડે છે; કાયદો અને શાન્ત વ્યવસ્થા જે પર સરકાર હમેશ ભાર મુકતી આવી છે તેનું પૃથક્કરણ કરતાં પ્રો. વાડીઆએ જે ગવેષણા કરી છે, તે ભાગ વિચારણીય હોઈ, અત્રે આપ્યો છેઃ– It is a war between the mechanised soul-less force of an administrative bureacracy that does not and cannot look beyond the letter of the law and the spiritual resources of those who are bent on breaking the letter of the law, not with the help of arms but with such moral strength as conviction can inspire. This power that springs from conviction is all the mightier just because it often originates in the very depth of the body, in terms of which the law that has no soul behind it, and the machinary which the soul-less, reckon their victories.” (Vide ‘Indian Review’ November-૧૯૩૦; Page ૭૭૦.) પ્રસ્તુત વિવેચન લક્ષમાં રાખીને આપણે એક સત્યાગ્રહીના સિદ્ધાંતો વિચારીએ. એક સાચો સત્યાગ્રહી પશુબળમાં માનતો નથી; પણ આત્મબળમાં અચળ વિશ્વાસ ધરાવે છે; તે પ્રતિપક્ષીને મારીને વિજય મેળવવા ઇચ્છતો નથી; પણ પ્રેમથી તેને વશ કરવાને ચાહે છે; તે માટે તે કષ્ટ વેઠે છે અને ખપ પડે અંતે મરીને તે કાર્યસિદ્ધિને વાંછે છે. વળી તેની માગણી અને લડત ન્યાય અને નીતિના ધોરણ પર અવલંબેલી હોય છે, જેનો પ્રાણ સત્ય છે; તે દંભ અને જુઠાણાનો કટો વૈરી છે; તથાપિ થયેલી ભૂલ સ્વીકારવા અને તે માટે ઘટતું પ્રાયશ્ચિત્ત કરવા તે કદિ આનાકાની કરતો નથી કે પાછો પડતે નથી–સંક્ષેપમાં, ભગવદ્‌ગીતાના સોળમા અધ્યાયમાં દૈવી સંપત્તિવાળા પુરુષનાં જે લક્ષણો બતાવવામાં આવ્યાં છે તે સર્વે એક સત્યાગ્રહીને લાગુ પાડી શકાય; અને મહાત્માજીના સૈનિકોએ ધરાસણામાં પ્રથમ લાઠીમાર વખતે, જે ધૈર્ય, જે સંયમ, જે સહન શક્તિ અને જે મનોબળ દાખવ્યાં હતાં અને તેમની તાવણીમાંથી પરિપૂર્ણ શુદ્ધ નિકળ્યા હતા, એ દૃશ્ય જોનાર કોઈ પણ કહેશે કે–તેઓ સાચા વીર હતા; દૈવી પુરુષો હતા. આ નિઃશસ્ત્ર અને અહિંસક લડતે જેમ સરકારની શક્તિ-સત્તા-ને પાંગલી અને લુલી કરી નાખી હતી તેમ સુધરેલા જગતને પોતાના વર્તનથી અને કાર્યથી સ્તબ્ધ કરી નાખ્યું હતું. આની અસર તપાસવાને હજુ સમય જોઈશે; પણ જે અહિંસક સત્યાગ્રહ લડતનાં મૂળ નંખાયાં છે, તેમાંથી જરૂર એક મોટું વૃક્ષ મોડું વહેલું ઉગી નિકળશે. અત્યાર સુધી તે સિદ્ધાંત એક વાદરૂપે પ્રચલિત હતો, પણ તેનું પ્રત્યક્ષ પરિણામ ચાલુ લડતમાં જોવામાં આવ્યું છે; એ તો એના સખ્ત વિરોધીને પણ સ્વીકારવું પડશે, કે સશસ્ત્ર અને હિંસાત્મક બળવા કરતાં આ શાન્ત બેઠા બળવાની રીતિ જેમ ઓછામાં ઓછી નુકશાનકારક છે તેમ સર્વોત્તમ પણ છે.

તેનાં પરિણામો

તેનાં બીજાં પરિણામો પણ થોડાં અને ન્હાનાંસૂનાં નથી. તે ક્યાં તે આપણે હવે જોઇએ. રામને જેમ વાનરો રાવણ સાથેની લડતમાં અત્યંત મદદગાર થઇ પડ્યા હતા, તેમ પ્રસ્તુત લડતમાં–બાળકો–છોકરા–છોકરીઓ-નો ફાળો જેવો તેવો નહોતો. સામાન્ય રીતે વિદ્યાર્થીવર્ગને રાજકીય ચળવળમાંથી અલગ રાખવાનું પગલું ડહાપણભર્યું મનાય છે; તેમ છતાં આ પ્રસંગ જેમ અસાધારણ અને જીવસટ્ટાનો હતો તેમ તે માટે બાળકો-વાનરસેનાનો ઉત્સાહ પણ અદમ્ય હતો અને તેમની સેવા અનેકવિધ અને ભાવી માટે ઉજ્જ્વળ અને આશા પ્રેરક હતી. ‘રામાયણ’ મહાત્માજીનું પ્રિય પુસ્તક છે. રામ એમનો આદર્શ પુરુષ છે અને રામ-રાજ્ય માટે તેઓ ઝંખે છે, તેમને આ વાનરોનું સેવા કાર્ય જરૂર ગમ્યું હશે. સ્ત્રીઓને તેઓ યરોડા જતાં જ આદેશ આપતા ગયા હતા કે તમે દારૂના પીઠાની ચોકી કરજે; અને પ્રજામાં મદ્યપાનનો નિષેધ કરજો. શરૂઆતમાં સ્ત્રીઓને આ કાર્યની સુપ્રત થવાથી તે જેખમભર્યું કાર્ય છે, એ કારણે ઘણાંઓ નાખુશ થયેલા અને સ્ત્રી પિકેટરોને કેવા કેવા અપમાનકારક, હલકા અને ગલીચ શબ્દો અને ભાષા પીઠામાં આવનારા છાકટાઓ અથવા તેના સાગ્રીતો તરફથી સાંભળવી પડતી તેનો કંઈક ખ્યાલ “સ્ત્રી શક્તિ” માં સૌ. જડાવ બ્હેન શેઠનો લેખ છપાયો છે, તે વાંચ્યાથી આવશે; પણ તેની ઉજ્જ્વળ બાજુંનું ચિત્ર રા. લલ્લુભાઈએ “પ્રિકેટીંગનો પ્રભાવ” નામની વાર્તાની એક ન્હાની ચોપડીમાં દોર્યું છે, તે પ્રોત્સાહક થઇ પડે છે અને તેના સમર્થનમાં તા. ૧૬ મી જુલાઈના ‘ઇન્ડિયન ડેલી મેલ’ માં જાણીતાં મિશનરી બાઇ મિસ મેરી કેમ્પબેલનો અભિપ્રાય ઉતારવામાં આવ્યો છે તે જાણવો ઉપયોગી થશે. “She was in Delhi when Mr. Gandhi on his way to jail, sent word, ‘I leave the work of picketing the drink and drug-shops to the women of India.’ I thought, he had made a mistake this time, said Miss Mary Campbell, and that the Delhi, so many of whom live in purdah, could never undertake the task. But to my astonishment, out they came and they picketed all the shops in Delhi, sixteen or seventeen in number. I watched them day after day. They stood there, saying nothing but politely salaaming each customer who approached. The same thing happened repeatedly. The man would stop, saying “I beg your pardon, sister. I forgot myself in coming here, and went away.” That went on some days until the licensees appealed to the Government. Then fifty policemen arrived with police vans and warned the women to go away. I thought those delicate sheltered women would give in now; they would never endure being touched by a policeman. But they did; and as fast as one relly was arrested another took its place. Altogether about ૧૬૦૦ were imprisoned in Delhi alone. But they had done their work. Though the shops were opened no one went in. So at last the licensees themselves closed them and so far as I can hear they are still closed to day.” અને મુંબાઇ સંગ્રામ સમિતિના પ્રમુખ અને મંત્રીઓ તરીકે શ્રીમતી હંસા મહેતા, મીસીસ કમળાદેવી ચટોપાધ્યાય, શ્રીમતી લીલાવતી મુનશી, મીસીસ પિરિનબ્હેન કેપ્ટન, શ્રીમતી રમાબાઈ કામદાર વગેરે બ્હેનોએ જે હિંમત અને બહાદુરી સાથે અડગ નિશ્ચય બતાવ્યાં હતાં એટલું જ નહિ પણ તે માટે જેલને પણ વધાવી લીધી હતી, એ જેમ દેશને ગૌરવાંકિત કરનારું તેમ સ્ત્રીજાતિ માટે માન અને મગરૂરીની લાગણી વધારનારું હતું. વેપારીઓ આવી લડતનો લાભ લઇ બહુધા વિશેષ નફો મેળવવા લલચાય છે. સન ૧૯૦૪-૦૫ ની સ્વદેશી ચળવળ વખતે હિન્દી મિલ માલિકો અને વેપારીઓએ પ્રજાકીય હિલચાલને સાથ નહોતો આપ્યો, એ જાણીતી વાત છે; પણ આ અવસરે તેઓએ કોન્ગ્રેસની આજ્ઞા શિરપર ચઢાવી, પરદેશી કાપડનો વેપાર સદંતર બંધ કર્યો હતો, તે તેના અસીમ નુકશાનનો વિચાર કરતા, સંશય પડતું ભાસતું; પણ તે ભોગ સાચો હોઈ, તેથી સૌ કોઇ દિઙ્‌મૂઢ બની જતા હતા. સાક્ષરો માટે કહેવાય છે અને તે આક્ષેપ તરીકે કે–દેશપર મોટી આફત આવી પડે છે તે વખતે પણ તેઓ લેખનવ્યવસાયમાં મશગૂલ રહે છે; પરંતુ આ અવસરે સંખ્યાબંધ જાણીતા લેખકો લડતમાં જોડાઇ જેલમાં સિધાવ્યા હતા, એ થોડું સંતોષકારક ન હતું. પણ સૌથી વધુ અને મર્મભેદી આત્મભોગ તો હિજરતી ખેડુતબંધુઓએ આપ્યો હતો. વહાલાં ઘરબાર અને વતન છોડી દઇ, બીજે સ્થળે જઇ રહેતાં અને બધું ખેદાનમેદાન કરતાં, તેમને કેટલું અસહ્ય દુઃખ થયું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.”[3] આ સિવાય આર્થિક અને સામાજિક સ્થિતિમાં જે પરિવર્તન થવા પામ્યું છે, તેનો અંદાજ હાલ નહિ નિકળે; પણ એ તો ચોક્કસ છે કે પ્રજા અત્યારે સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહી છે; અને તેને સીધે અને ખરે રસ્તે દોરવા, ખાદીદ્વારા મદ્યપાનનિષેધદ્વારા, અસ્પૃષ્યતા નિવારણાર્થે, હિન્દુ મુસ્લીમ ઐક્ય સાધવા ખંતપૂર્વક જે પ્રયાસ થઇ રહ્યા છે, તે જેમ પ્રશસ્ય છે તેમ તેનાં પરિણામ ઉન્નતિસાધક અને હિતકારક નિવડશે. વાસ્તવિક રીતે આ બધા બનાવો અને તેની પાછળ પ્રવર્તી રહેલાં બળો પ્રજામાં સંચરી રહેલા પ્રાણનું અને તેની અતુલ શક્તિનું સચોટ ભાન કરાવે છે એટલું જ નહિ, પણ આમ જાગૃત થયલો દેશ અવશ્ય સ્વાધીનતા પ્રાપ્ત કરશે, એવી પ્રતીતિ થાય છે.

નીતિનું શાસન

તેના આધાર તરીકે અને એ પ્રતીતિને વધુ સ્પષ્ટ કરવા અમે એક મુદ્દો અહિં નોંધીશું. અમારી દૃઢ માન્યતા છે કે જગતમાં નીતિનું શાસન પ્રવર્તે છે. કોઇ પણ દેશનો ઇતિહાસ જુઓ, કોઇ પણ ધર્મનું સામાન્ય વા પ્રમાણભૂત પુસ્તક તપાસો, તો તેમાં ન્યાય, પવિત્રતા, નીતિ, સત્ય, પ્રેમ, ભ્રાતૃભાવ, દયા વગેરે સદ્‌ગુણોપર ભાર મૂકેલો અને સદાચરણી જીવનજ ઉત્તમ ગણેલું જણાશે. ભક્ત કવિઓએ અને સાધુ સંતોએ પણ એ જ વસ્તુ ઉપદેશેલી છે અને ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને પણ એજ બોધે છે કેઃ–

दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता |
मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव || १६-५ ||’

અને દૈવી સંપત્તિવાળા પુરુષનાં જે લક્ષણો કહ્યાં છે તે પણ ઉપર દર્શાવ્યા તે જ છે.

अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१६-१ ॥

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम्।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६-२ ||

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत || १६-३ ||

ગત વર્ષનું (સન ૧૯૨૯) અવલોકન સમાપ્ત કરતાં અમે જણાવ્યું હતું કે–ન્યાય, નીતિ અને સત્યને અનુસરી થયેલું કોઇ પણ કાર્ય કદી નિષ્ફળ ગયેલું કે અહિતકારક નિવડેલું જાણ્યું વા સાંભળ્યું નથી; બલકે સમસ્ત પ્રજાઓનો ઇતિહાસ અને સર્વ ધર્મોનો ઉપદેશ એક જ સનાતન સત્ય ઉચ્ચારે છે કે – ‘સત્યમેવ જયતે.’ વાચકબંધુ, તારી દૃષ્ટિ સહજ લંબાવ; મહાત્મા ગાંધીજીના વિજય પ્રયાણનું દૃશ્ય તારી આંખ સમીપ આણ; જો! સ્થળે સ્થળે કેટકેટલી મેદની સ્ત્રી પુરુષોની, બાળકો અને વૃદ્ધોની, ગરીબ અને અભણ તેમજ ભણેલાંની જામતી હતી! એમના ઉત્સાહ અને આનંદનો અવધિ નહોતો. દૃશ્ય જોનાર કોણ એમ કહી શકશે કે એ લડતને પ્રજાનો પુરો સાથ ન હતો; અને તેની સાથે સાચો સહકાર ન હતો; અને સરકારને પણ એટલું સ્વીકારવું પડશે કે પ્રજામાં રાષ્ટ્રીય અસ્મિતા અને સ્વરાજ્ય માટેની લાગણી જ્વાળાની પેઠે પૂર જોશમાં પ્રકટી ઉઠી હતી એટલું જ નહિ, પણ એ સ્પષ્ટ રીતે સમજાયું હતું કે કોઇ એક વ્યક્તિનો જનતાપર પૂરો કાબુ હોય તો તે મહાત્મા ગાંધીજીનો જ હતો. જે નિમિત્તે દાંડીકુચ આરંભી હતી, તેમાં એમને વિજય મળેલો છે, એમ ગાંધી ઇર્વિન સંધિમાંની મીઠા વિષેની કલમ બોલી ઉઠશે. હવે બીજું દૃશ્ય જોઈએ; તે કરાંચી કોન્ગ્રેસનું. કોન્ગ્રેસ નગર નજદિક આવી પહોંચતાં નવજુવાન ભારત સંઘે ગાંધીજીનો કેવો આદરસત્કાર કર્યો હતો એ લક્ષમાં લો; એમને નવયુવકોને મહાત્માએ કેવી દૃઢતાથી વશ કર્યા, એટલું જ નહિ પણ મહાસભાને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હિન્દી પ્રજાના પ્રતિનિધિરૂપે કુલ મુખત્યાર તરીકે ભાગ લેવા તેમને એકલાને પસંદ કરી, એમનામાં અતુલ વિશ્વાસ દાખવી, એમની સર્વોપરિતા સ્વીકારી, એ એમના માટે તેમ દેશ માટે અસાધારણ વિજયનો તેમ ગૌરવનો પ્રસંગ હતો.[4] ઇતિહાસની અનેક વ્યાખ્યાઓ અપાયલી છે; તેમાંની એક કાર્લાઇલની એવી છે કે–ઇતિહાસ એ બીજું કશું નહિ પણ મહાપુરુષોનું માત્ર ચરિત્ર છે. વીર પુરુષ જ ઇતિહાસ ઘડે છે; અને ભવિષ્યના ઇતિહાસકારને એટલું કહ્યા વિના નહિ ચાલે કે હિન્દમાં સન ૧૯૩૦ માં રાજકીય ચળવળ સર્વવ્યાપી હતી; તેની અસર સર્વત્ર પ્રસરેલી હતી; જેના જનક, નિયામક અને પ્રાણ મહાત્મા ગાંધી હતા; અને વધુમાં એટલું ઉમેરવું વધારાપડતું નહિ લેખાય કે એ અહિંસક, નિઃશસ્ત્ર ન્યાય અને સત્યની લડતે જનતાને ઈશ્વરના અસ્તિત્વનું પૂરું ભાન કરાવી, એ મહાન્‌ સત્તાનું-વિભૂતિનું દર્શન કરાવ્યું હતું.

(૨)

પરિસ્થિતિ

દેશ પર આંધી ચઢી આવતાં, જેમ બધે અંધકાર વ્યાપી રહે, સહુ કામકાજ અસ્તવ્યસ્ત થઈ જાય, જાનમાલને નુકશાન પહોંચે અને જનતા બેબાકળી બની ભયમાં પડી જાય, તેમ વર્તમાન મીઠાની લડતે દેશને આકુળ વ્યાકુળ કરી મૂક્યો; તેને લીધે ઘણીખરી પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ; વેપાર રોજગાર નબળો પડ્યો; અને રૂ તથા અનાજના ભાવો ઉતરી જતાં ખેડુતવર્ગ બિચારો પાયમાલ થયો. આમ આર્થિક નુકશાન ચાલુ હતું, તેમાં કામધંધા અટકી પડતાં બેકારી વધી પડી, અને સમાજની સ્થિતિ બહુ જ ગંભીર થઈ ગઈ; એટલુંજ નહિ પરંતુ લડતનો મામલો કેવું રૂપ લેશે? તે ક્યાં જઇ પહોંચશે ને તેનાં શાં પરિણામો આવશે, એનો વિચાર કરતાં મન ચકડોળે ચઢતું અને અનેક તર્કવિતર્ક થતા. જે ગણતરી કરવામાં આવતી અને પરિણામની આશા રખાતી તે સઘળું નિષ્ફળ જતું. આવી ડગમગુ અને ચિંતાગ્રસ્ત જનતાની મનોદશામાં અને નિરાશામય તેમ ઉદ્વેગજનક વાતાવરણમાં નવું સાહિત્ય ન જ ઉદ્‌ભવે એ સ્વાભાવિક છે. આવી વિષમ દેશસ્થિતિનું જાણે કે ભાન કરાવવા જ ભરૂચ સાહિત્ય સદને એ ગાળામાં એક નવું વાર્ષિક કાઢ્યાું અને તેને “આંધી” નું નામ આપ્યું. આ વર્ષ દરમિયાન બહાર પડેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી ગયા વર્ષની પેઠે આ લેખના છેડે આપી છે; અને તેમાંનાં મુખ્ય મુખ્ય અને જાણવા જેવાં પુસ્તકોની નોંધ લઇએ તે પહેલાં, બે ત્રણ નવીન પ્રવૃત્તિઓ જે પ્રસ્તુત ચળવળને લઇને અગ્રે આવી હતી તેનો ઉલ્લેખ કરીએ તે યુક્ત લાગે છે.

પ્રભાત ફેરી

પ્રથમ આપણે ‘પ્રભાત ફેરી’ લઇએ. એ પ્રથા નવીન ન હતી. અહિં ભદ્રમાં તો લાંબા સમયથી સ્વયં સેવકોની ન્હાની ટોળી દરરોજ બાહ્મ મુહૂર્તે શ્રી સમર્થ રામદાસ સ્વામીના મનાચા શ્લોકો અથવા બીજા પ્રસિદ્ધ શ્લોકો અને અભંગો ગાતી એ લત્તાની આસપાસ ફરતી અને ઘણાને તે જગન્નિયંતાનું સ્મરણ કરાવી કુટુંબ અને સમાજ પ્રતિનું કર્તવ્ય કરવાને પ્રેરતી; ચાલુ લડત દરમિયાન આ પ્રભાત ફેરીઓએ જનતામાં અજબ અને અદમ્ય ઉત્સાહ રેડ્યો હતો. એમના ગીતોના રણકાર અને આખું ય દૃષ્ય કંઇક નવીન ચેતન જગાડતું જણાતું. એની અસર અદ્‌ભુત-જાદુઈ થઇ હતી. એ પ્રભાત ફેરીમાં ગવાતાં ગીતોમાં આછું કવિત્વ હો વા ન હો પણ લોકલાગણી સરકાર વિરુદ્ધ કેટલી બધી તીવ્ર બની હતી, અને સરકારી રાજતંત્ર પ્રત્યે કેવો અણગમો જનતામાં છે, પ્રજાને શાં દુઃખો છે, તેના પર કેવો ત્રાસ વર્તે છે; દેશ કેટલો કંગાળ બન્યો છે; અને સ્વરાજ્ય કેમ મળે વગેરે વિચારો અને ભાવનાનું સૂચન અને દર્શન એ કવિતાઓમાં થતું હતું. (જુઓ ‘રાષ્ટ્રનો રણનાદ;’ પ્રભાત ફેરી ગીત સંગ્રહો વગેરે) અને શ્રીયુત મેઘાણીએ તો છેલ્લી પ્રાર્થનામાં સ્પષ્ટ રીતે કવ્યું હતું કે,

“તુટે છે આભ-ઉંચા આપણા આશા-મિનારા,
હજારો ભયતણી ભૂતાવળો કરતી હુંકારા;
છતાં વહેશે સમર્પણની સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં સુધી મુક્તિ-કિનારા.”
(જુઓ ‘સિંધુડો’–પૃ. ૩૦)

અને એ મુક્તિના નિમિત્ત-નિશ્ચય રૂપ બનેલા મીઠા વિષે શ્રીયુત કેશવલાલ શેઠે ગાયું હતું કે,–

“ખારા ખારા સંસારે મીઠું અમૃત રસ રેડે;
ચપટી ચપટી સબરસ, જબ્બર શાહીવાદ ઉખેડે!
મીઠું,ન્યાય ફન્દને ફેડે! મધુરું મોહન વરનું મીઠું.”
(જુઓ “કેસરિયા”–પૃ. ૨૬)

વળી એ ‘પ્રભાત ફેરીઓ’ નો પ્રભાવ પણ પુષ્કળ પડ્યો હતો; ન્હાનાં છોકરા છોકરીઓના ભેગાં ઘરડાં ડોસા ડોસીઓને સામેલ થયલાં જોઇને કંઈ અવનવો રસ જામતો-આનંદ થતો; અને સ્ત્રીઓ મળસ્કે ઉઠી પ્રભાત ફેરીમાં જોડાવા જતાં, ઘરમાં કેવી વિચિત્ર સ્થિતિ થઈ રહેતી અને પુરુષ-ધણી બાપડાના શા બેહાલ થતા, તેનું રમુજી વર્ણન જાણીતા હાસ્યરસના ઇજારદાર શ્રીયુત જાગીરદારે “ગુણસુંદરી” માં કર્યું છે, તે એ પ્રસંગનું અચ્છુ ચિત્ર ખડું કરે છે અને તેની છાપ વાંચનારના મન પરથી લાંબા સમય સુધી ભુંસાશે નહિ.

ચિત્રો

બીજું આ લડતની જેટલી છબિઓ લેવાઈ હશે તેટલી આપણે અહિં બીજા કોઇ ઐતિહાસિક બનાવની ભાગ્યેજ લેવાઈ હશે. રેખાચિત્રો (line-drawings) પણ પુષ્કળ દોરવામાં આવ્યાં હતાં અને ઉપહાસયુક્ત રમુજી ચિત્રો (cartoons) નો પણ તોટો નહોતો; અને તે એકલા હિંદના જ નહિ પણ દેશ પરદેશના ચિત્રકારોએ પણ આ લડતના બનાવોને જૂદી જૂદી દૃષ્ટિએ અને ઢબે આલેખી, તેમાંના વ્યંગ, મજાક વા ટકોર દ્વારા સુધરેલી જનતાને તેની (લડતની) વાસ્તવિકતા, વ્યાપકતા અને ગંભીરતાનું ભાન કરાવતા અને તે ચિત્રો અવલોકતાં જોનાર પર કંઇ અવનવી જ અસર થતી હતી. સમગ્ર લડતનો વૃત્તાંત એકલાં એ ચિત્રો દ્વારા વર્ણવી શકાય એટલી બધી સાધનસામગ્રી મોજુદ છે અને એક પુસ્તક રૂપે તે ચિત્રો સંગ્રહવાનો પ્રયત્ન થાય તો તે જરૂર આવકારદાયક નિવડે. ગાંધીજીની કૂચનું સિનેમા-ચિત્રપટ લેવાયું હતું. પણ તે જાહેરમાં બતાવવા સરકારે મના કરી હતી; ગાંધી ઑલ્બમ ‘પ્રસ્થાન કાર્યાલયે’ બહાર પાડેલું તે પણ જપ્ત કરવામાં આવ્યું હતું. માત્ર શ્રીયુત કનુભાઇનું “ભારત પુણ્ય પ્રવાસ” એજ આપણને અત્યારે ઉપલબ્ધ છે; અને અહિં સહર્ષ અને મગરૂરીથી નોંધવું જોઈએ કે, એક ચિત્રકાર તરીકે જેમ શ્રીયુત કનુભાઈ દેસાઇની પીંછીની પ્રશંસા થઈ હતી તેમ પ્રસંગને ગૌરવાંકિત કરે એવું મોહક તેનું–વસ્તુનું આલેખન હતું.

પ્રચારસાહિત્ય

ત્રીજું એ લડતને પોષે અને ઉત્તેજે એવું પ્રચારસાહિત્ય પણ ઠીક ઠીક બહાર પડ્યું હતું. મહાત્માજીએ “નવજીવન” માં જૂદે જૂદે વખતે મીઠા વિષે લેખો લખેલાં તે અને અન્ય લેખકોના તેમાં પ્રકટ થયેલા લેખો એ સઘળા ચોપાનિયા રૂપે ફરી પ્રકટ થયાં હતાં. તે અરસામાં “કેસરી” માં મીઠા વિષે જાણવા જેવી માહિતી એક અગ્ર લેખમાં અપાઈ હતી, તેનો અનુવાદ ગુજરાતીમાં છપાયો હતો. ‘મૉર્ડન રિવ્યુ’ માં એક સારો લેખ the story of salt નામક આવ્યો હતો; પણ ટેરિફ બૉર્ડના મીઠા વિષેના રિપોર્ટ ઉપરાંત તેનો સમગ્ર ખ્યાલ આપતું પુસ્તક તો કલકતાની દેશી વેપારી ચેમ્બરે પ્રકટ કર્યુ હતું અને તેના લેખક એક ગુજરાતી બંધુ શ્રીયુત એમ. પી. ગાંધી હતા. તે પુસ્તકનો અનુવાદ નવયુગ ગ્રંથમાળામાં ‘સબરસ’ એ નામે થયલો છે. પૂર્વે કદિ નહિ જાણવામાં આવેલી એવી કેટલીક હકીકત આ મીઠાની લડતે પ્રકાશમાં આણી હતી. મદ્યપાન નિષેધ વિષે “પ્રસ્થાન” કાર્યાલયે કેટલીક ઉપયોગી પુસ્તિકાઓ તૈયાર કરાવી હતી; અને તેનું “દરિદ્રનારાયણ ગ્રંથ-માળા”નું પ્રકાશન પણ અસરકારક નિવડ્યું હતું. વાઇસરૉય લૉર્ડ ઇર્વિનને મહાત્માએ લખેલા પત્રમાં જે અગિયાર મુદ્દાઓ દર્શાવ્યા હતા તે વિષે સવિસ્તર ચર્ચા થઈ, જનતાને વસ્તુ સ્થિતિનું જ્ઞાન આપવાના પ્રયત્ન પણ થયા હતા. એ પ્રકીર્ણ સાહિત્ય ઈંગ્રેજી લેખો પરથી કામપુરતું, મુદ્દાસર, દોહન રૂપે યોજાયું હતું, જેનું મુખ્યત્વે તાત્કાલિક મૂલ્ય હતું.

(૩)

હવે આપણે ગત વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં પુસ્તકોમાંના મુખ્ય અને મહત્વના ગ્રંથોની સમાલોચના કરીએ. તેમાં પ્રથમ સ્થાન અમે ‘અનાસક્તિ યોગ’–મહાત્માજીના ગીતા અનુવાદને આપીશું.

અનાસક્તિ યોગ

શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા એ હિન્દુ ધર્મનું એક અત્યંત પવિત્ર અને પ્રમાણભૂત પુસ્તક છે. મુસ્લીમ બંધુઓને જેમ કુરાન છે; ખ્રિસ્તિ બંધુઓને જેમ બાઇબલ છે; તેમ હિન્દુઓને ગીતા હમેશ પૂજન-પાઠ અને અધ્યયનનું પુસ્તક છે. તેનું સ્થાન આર્યધર્મના સાહિત્યમાં અજોડ છે. છેલ્લાં ચાર પાંચ વર્ષથી તો આપણે અહિં સ્વામીશ્રી વિદ્યાનંદજીના શુભ પ્રયાસથી ગીતાનો અભ્યાસ અને પ્રચાર ખૂબ વધેલાં છે. ઘણા વર્ષ પૂર્વે પ્રિન્સિપાલ આનન્દશંકરભાઇએ મિત્રમંડળ સમક્ષ “ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી”ની ઑફીસમાં ગીતા વિષે વ્યાખ્યાનો આપવા માડેલાં; પણ તે વ્યાખ્યાનમાળા લાંબી ચાલેલી નહિ. ‘વસન્ત’ માં એ વિષે લેખો આવતા, તેમાંનો એક જેમાં ગીતાનો સારભાગ ૧૮ શ્લોકમાં સમાવવામાં આવ્યો હતો, તે અદ્યાપિ મનનીય જણાશે. સન ૧૯૧૦-૧૧ માં કવિ શ્રી ન્હાનાલાલનો ગીતાનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ બહાર પડ્યો, ત્યારે તેની કંઈક અસર જણાયલી; પરંતુ માંડલે જેલમાંથી પાછા ફર્યા પછી તિલક મહારાજે “ગીતા રહસ્ય” નું પુસ્તક બહાર પાડ્યું ત્યારથી ગીતા નવા દૃષ્ટિકોણથી વંચાય અને વિચારાય છે. જનતાના વિચાર અને આદર્શ પર તેની પુષ્કળ અને પ્રબળ અસર થયલી છે. વસ્તુતઃ નિવૃત્તિ-સંન્યાસ નહિ પણ નિષ્કામ કર્મ; પ્રવૃત્તિ એજ તેનું મર્મ-રહસ્ય છે, એમ સમજવામાં આવ્યું છે. જગતથી વિરક્ત થઇને અને એકાંતમાં રહીને નહિ; પણ ફળાસક્તિ છોડી દઈને, જે તે કાર્ય-કર્તવ્ય સેવાભાવથી કરવું એ તેનો સંદેશો છે. એક સમય એવો હતો કે વિદ્વદ્‌ વર્ગ તેને તત્ત્વ ભાગ મૂકી દઇને, ગીતામાં વ્યાકરણ અને છંદના દોષો છે, તેના પર ખિસ્તીધર્મ-બાઇબલની અસર થયલી છે; તેમાં ક્ષેપક ભાગ વિશેષ છે; મૂળ ગીતા કેટલા શ્લોકની હશે? તે ઉપનિષદના નવનિતરૂપ છે; બૌદ્ધ વિચારની તેના પર છાયા પડેલી છે; તે પુસ્તક ઇસ્વીસનના આરંભમાં રચાયેલું હોવું જોઇએ, એવા એવા ઐતિહાસિક, સાહિત્યસંશોધક અને વિદ્વત્તાભર્યા, તુલનાત્મક અભ્યાસના પ્રશ્નોની ચર્ચામાં વિશેષ રસ લેવાતો; પણ જીવનમુક્તિની ચાવી રૂપ આવું ઉત્તમ પુસ્તક પ્રજામાં બાઈબલની પેઠે કેમ વધુ પ્રચાર પામે અને વિસ્તરે, અને તેનો બહોળો તેમ પદ્ધતિસર અભ્યાસ કેમ થાય, એ પ્રતિ સાવ ઉદાસિનતા હતી. પરંતુ તિલક મહારાજનું “ગીતા રહસ્ય” પ્રસિદ્ધ થયા પછી, એમાંના નિષ્કામવાદને લઇને એ વિષય પ્રતિ ઘણાંનું ધ્યાન ગયું છે. હમણાં તો એ જ વિચારો પ્રધાનપદ ભોગવે છે; અને તેનું વિશેષ સમર્થન ગાંધીજીને ‘અનાસક્તિ યોગ’થી થાય છે, એ બતાવવા પુરતું ગીતા વિષે આટલું વિસ્તારથી પ્રસ્તાવિક વિવેચન કર્યું છે. સામાન્ય માન્યતા એવી છે કે–કુરુક્ષેત્રમાં સામસામાં કૌરવ પાંડવનાં સૈન્યો વ્યૂહાકારમાં ગોઠવાઈ ગયેલાં તે દૃશ્ય જોઈને પોતાના હસ્તે વડિલો, પૂજ્ય પુરુષો, સગાંસંબંધીઓ મરાય, એ વિચારથી અર્જુન ગળગળો થઈ ગયો અને નહિ લડવાને હાથમાંથી હથિયાર મૂકી દેવા તત્પર થયો. એની આ ભીરુતા-મનોદશા જોઇને શ્રીકૃષ્ણે એને જૂદી જૂદી રીતે પ્રાપ્ત કર્તવ્ય અદા કરવાને પ્રેબોધ્યો, પણ આ ઘટના વાસ્તવિક લાગતી નથી. ‘મહાભારત’ એક ઐતિહાસિક નહિ પણ કાવ્યગ્રંથ છે; ઐતિહાસિક પાત્રો અને પ્રસંગો લઇને, તે પરથી એક મહા રૂપક યોજવામાં આવ્યું છે; મહાત્માજી યથાર્થ કહે છે કે, “આ (ગીતા) ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વ યુદ્ધનું વર્ણન છે. માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવાને સારૂ ઘડેલી કલ્પના છે.” ગીતાનો વાચક ઉપરોક્ત કથન એની દૃષ્ટિ સમીપ રાખીને, એ ગ્રંથમાંથી પ્રેરણા મેળવવા પ્રયત્ન કરશે; એ ઉપદેશને જીવનમાં ઉતારવા તજવીજ કરશે તો તે તેને જીવનમુક્તિની ચાવીરૂપ થઈ પડશે. જગતમાં માયા મારે છે, એવી એક સામાન્ય ઉક્તિ છે; એટલે કે આસક્તિ આપણને મ્હારા ત્હારામાં રુંધી રાખી, જગન્નિયંતાનું સ્મરણ અને ભજન કરતાં અટકાવે છે. તેથી માયાને મોહ અને મમત્વને ત્યજી દઇ, કંઇ પણ આશા કે ઇચ્છા વિના પ્રાપ્ત કર્તવ્ય-કર્મ, ફળનો ત્યાગ કરી કર્યા કરે, તો આ પૃથ્વી સ્વર્ગરૂપ થઇ પડે; અને એ વસ્તુનું જ્ઞાન આપનાર, માર્ગ દર્શાવનાર ગીતાના પુસ્તકને એમણે, એમની નકારાત્મક રીતે, (negative) જેમકે; અહિંસા, અસહકાર, સવિનય ભંગ–‘અનાસક્તિ યોગ’ એવું ઉપનામ આપ્યું છે અને અમને તે વાજબી લાગે છે. ‘અર્જુન ગીતા’ લખનાર પ્રાચીન કવિ ધનદાસ ખરુંજ કહી ગયો છે કે,

“સંસારશું સરસો રહે, મન મારી પાસ,”
સુણ અર્જુન ગીતાસાર.

પરંતુ ગીતામાંથી જ્યારે ગાંધીજી અહિંસાના સિદ્ધાંતનું સમર્થન કરવા જાય છે ત્યારે તે અર્થ કંઇક far fetched–તાણીતોષીને કરાતો લાગે છે; પણ જેમણે એના અધ્યયન પાછળ ૪૦ વર્ષ ગાળ્યાં છે; જેઓ અહિંસા અને સત્યના મૂર્તસ્વરૂપ છે, તેમને એ અર્થ ખેંચવાનો અધિકાર છે; અને જો એમના ઉપદેશ પ્રમાણે જગતમાં અહિંસાનું પાલન થાય તો યુદ્ધની તૈયારીઓ માટે કરોડો રૂપિયા નિરર્થક વેડફાઈ જાય છે, તે પ્રજાજીવનના વિકાસ અને અભ્યુદયમાં વપરાય, તો તેનું કેવું સરસ પરિણામ આવે! એ કેવો મનોહર વિચાર છે! એ કેટલું બધું રમ્ય ચિત્ર ખડું કરે છે!! એટલોજ ઉન્નત ભાવ અને વિચાર એમના આ અનુવાદમાં રહ્યો છે. સમાજના ઉત્કર્ષ અર્થે, રાજકીય હક્કની પ્રાપ્તિ અર્થે, આર્થિક આબાદી અર્થે, તેઓ જે પ્રયાસો આદરી રહ્યા છે, તે સારી પેઠે જાણીતા છે; વળી તેઓ પોતાને ગરીબના બેલી, દરિદ્રનારાયણના પ્રતિનિધિરૂપે ઓળખાવે છે અને તે વર્ગ આવા આત્મિક પોષણથી વંચિત રહે, એ એમને જરૂર ખૂંચે. તેથી પ્રસ્તુત અનુવાદની પ્રસ્તાવનામાં તેઓ લખે છેઃ— “વળી સ્ત્રીઓ, વૈશ્ય, તથા શૂદ્ર જેવા જેમને અક્ષરજ્ઞાન થોડુંજ છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી; ઇચ્છા નથી; પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે, તેમનેજ સારુ આ કલ્પના છે.” અને વધુમાં એમ ઉમેરે છે કે, “અત્યારે ગંદા સાહિત્યનો ધોધ વહી રહ્યો છે, તેવે સમયે હિંદુ ધર્મમાં જે અદ્વિતીય ગ્રંથ ગણાય છે, તેનો સરલ અનુવાદ ગુજરાતી પ્રજા પામે ને તેમાંથી પેલા ધોધની સામે થવાની શક્તિ મેળવે.”

(૪)

મહાભારતનાં પાત્રો

ગીતા મહાભારતમાંનો એક પ્રસંગ છે; અને જેમ મહાત્માજીએ ગીતામાંથી અહિંસાને સિદ્ધાંત ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમ એમના એક ચુસ્ત અનુયાયી, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના મુખ્ય સંચાલક અને નિયામક શ્રીયુત ન્હાનાભાઇએ “મહાભારતનાં પાત્રો” એ લેખમાળામાં, એ જ અહિંસાના વિચારો-સિદ્ધાંતને દર્શાવવાનો યત્ન કર્યો છે; તે કેટલે દરજ્જે વાસ્તવિક છે, અને મૂળના લખાણને અનુસરતો છે કે કેમ તે વિષે ચોક્કસ અભિપ્રાય આપવાનું કામ વધુ અભ્યાસ માગી લે છે. તથાપિ આ વાંચતાં એમ થાય છે કે તેમણે આધુનિક વિચારોનું પુરાણા અને પ્રસિદ્ધ પાત્રોમાં વધારા પડતું આરોપણ કરેલું છે અને તે પાત્રાલેખન, તેમાંની વસ્તુ અને વિચાર-સંકલના એવી રીતે યોજ્યા છે કે તેમાંથી એમની વિચારશ્રેણીને અનુકૂળ અનુમાન–નિર્ણય તારવી અને ગૂંથી શકાય. તેથી તેનું સ્પષ્ટિકરણ થવા અહિં કેટલાંક ઉદાહરણ, એમનાં પુસ્તકોમાંથી આપવાનું પ્રસંગાનુકૂલ અને વાજબી થઈ પડશે. (૧) “કર્ણ, મારામારીથી અને કાપાકાપીથી હૃદયની અને વિશ્વની શાંતિ શોધનારા તમામ લોકોને જણાવજે કે પરશુરામે એવી શાંતિના બાચકા ભરી જોયા છે અને પરિણામે અશાંતિજ મળી છે. તારે પણ અર્જુનને મારવો છે, ત્યાંસુધી આ વાત નહિ સમજાય. પણ યાદ રાખજે; તારા દુર્યોધનને, તારા દુઃશાસનને, અર્જુનને, ભીમને, ખુદ યુધિષ્ઠિરને પણ આ વાત સમજ્યે જ છૂટકો છે. પછી તે આજે સમજાય કે મારી માફક લોહીમાં હાથ ખરડ્યા પછી.” (સૂતપુત્ર કર્ણ પૃ. ૩૧) (૨) “એક દિવસ હું જ હિંસામાં માનતો અને કરતો. પણ આજે વર્ષો થયાં મેં એનો ત્યાગ કર્યો છે; અને દુનિયા આખી તેનો ત્યાગ કરશે ત્યારે સુખશાંતિ પામશે એવી મારી શ્રદ્ધા છે.” (પાંચાલી પૃ. ૭) (૩) “એ પોતે તો હિંસામાં જ શ્રદ્ધા રાખે છે. હિંસાપ્રધાન યજ્ઞોથી જ વેદ વગેરેની સાર્થકતા એ સિદ્ધ કરે છે, અને મારા જેવાની અહિંસાને તો પાગલનું એક ટાયલું માને છે.” (પાંચાલી પૃ. ૮) (૪) “આપણે ખરા હૃદયથી સમજાવશું તે સમજશે.” (પાંચાલી પૃ. ૫૪) (૫) “આ બધાનો સાચો ઉપાય યુદ્ધ નથી. ત્યારે ક્ષમા છે? મને લાગે છે કે એ જ છે. x x x એવી ક્ષમા જ તમારે સેવવી હોય તો આ ક્ષત્રિયપણાનાં ચિહ્ન જેવાં શસ્ત્રાસ્ત્રોનો ત્યાગ કરો, ક્ષમાના અવતારરૂપ ઋષિમુનિઓનું જીવન શરૂ કરો અને ક્ષમાની ઉપાસનાથી સુખ શાંતિને શોધો.” (પાંચાલી પૃ. ૫૫, ૫૬) (૬) “સમાધાન નહિ થાય તો આપણે તો કશુંએ ગુમાવતા નથી; એક છેલ્લો શાંતિનો પ્રયત્ન કરી જોવો એટલે જીવને પણ સંતોષ. સમાધાન થશે તો લાભ છે જ.” (અર્જુન પૃ. ૮૨) એ જ દૃષ્ટિએ રાજા પ્રજાના પરસ્પર સંબંધ અને લડાઈનાં અનિષ્ટ પરિણામો વિષે જે વિચારો તેઓએ દર્શાવ્યા છે તેમાં પણ વર્તમાન વિચારોનો આભાસ-છાયા નજરે પડે છેઃ (૭) “અમે આપખુદ લોકો અમારા અંગત સ્વાર્થમાં ખેંચાઈને આખી જનતાને લડાઈમાં ઉતારીએ, અને લડાઈમાં મરવું તેને સ્વર્ગનું દ્વાર કહીએ, એ અમારા જેવા બદમાશો બીજે ક્યાં છે? આ રાજાનો અને સામ્રાજ્યનો પ્રશ્ન એવો પોલો છે કે સમાજ જે દિવસે રૂંવાડાં ફફડાવીને જાગશે અને ઉકેલ માગશે ત્યારે મોટાં મોટાં સામ્રાજ્યો જમીનદોસ્ત થઈ જશે.” (૮) “ધૃતરાષ્ટ્રને મારા નામથી કહેજો કે તમે તો પાંડવ કૌરવના હિતના ટ્રસ્ટી છો.” (૯) “ધૃતરાષ્ટ્ર કાકાની દયાથી કે ઉદારતાથી નથી લેવું, પણ મહારાજ પાંડુના પુત્રો તરીકે હક્કથી લેવું છે.” (૧૦) “સત્તા એ બૂરી ચીજ છે. રાજા તરીકેની બધી જવાબદારીઓને પહોંચી વળવા માટે રાજાના હાથમાં સત્તા મૂકવામાં આવે છે, એ રાજા ભૂલી જાય છે, અને સત્તા જાતે જ મહત્ત્વની વસ્તુ થઈ જાય છે.” (અર્જુન પૃ. ૭૮-૮૦) (૧૧) “સામ્રાજ્ય મેળવવામાં કદાચ મરવું પડે તોય શું થઈ ગયું?” (દુર્યોધન પૃ. ૧૮) અને અંતમાં જગતની લડતો–યુદ્ધ સ્ત્રીઓ બંધ પાડશે એવી અર્થસૂચક આગાહી કર્ણના મુખે લેખક ઉચરાવે છેઃ— “કુંતી, કુંતી, જગતનાં તોફાનો કોઇ પણ દિવસ શમવાનાં હશે, તો તે અમારા જેવા યોદ્ધાઓથી નહિ શમે, કે શ્રીકૃષ્ણ જેવા રાજદ્વારી પુરુષોથી પણ નહિ શમે; એ તોફાન, એ રંજાડ, એ અરાજકતા, કે વેરઝેર શમશે જગતની માતાઓથીઃ એની મને આજે ખાત્રી થઇ છે. જગતને આવાં મહાભારતોમાંથી ઉગારી લેવા માટે નથી વીરોની જરૂર, નથી ચાલાક રાજદ્વારીઓની જરૂર, નથી મોટા સાહસિકોની જરૂર; પણ જરૂર છે માત્ર એક માતાની.” (સૂતપુત્ર કર્ણ પૃ. ૪૩) વળી દુર્યોધન અને ભીમસેન અંત સમયે પાપનો પશ્ચત્તાપ અને નિવેદન (repentence) and (confession) અને અંતરાત્માના અવાજના (inner voice) ઉદ્‌ગારો કાઢે છે, ત્યારે એ વિચાર અને વસ્તુ આપણને નવીન ભાસે છે; તે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર-પરિણામ હોવાનું જણાય છેઃ જુઓ દુર્યોધન શું વદે છે :— “કહેવાનું તો ઘણુંયે છે, અશ્વત્થામા! કોઈને કહી શકું તો આ હૈયાનો ભાર હળવો થાય ખરો. પણ કહેવાતું નથી x x x અશ્વત્થામા, હૈયાના ઓઠ બંધ થતા જાય છે. શી રીતે કહું? ગુરુપુત્ર, આ શિયાળ મારો હાથ ચાટે છે તેને જરા દૂર હાંક જોઇએ! x x x અશ્વત્થામા, એ શિયાળ જ તને કહેશે. આજે કુરુરાજનો હાથ ચાટવાની હિંમત એને ક્યાંથી આવી? આ મારો હાથ : આ હાથે ભીમને લાડુ ખવરાવ્યા હતા; આ હાથે ભાનુમતીનું પાણિગ્રહણ કર્યું હતું; આ હાથે ભર સભામાં સાથળ ઠોકી દ્રૌપદીને બોલાવી હતી; આ હાથે ગાંધારીનો ચરણસ્પર્શ કર્યો હતો; ભાનુમતીનું આખરી વિદાય લેતી વખતે આ હાથે તેની આંખનું આંસુ લૂંછ્યું હતું; આજે એ જ આ હાથ શિયાળ ચાટે છે! એટલો મારી જીવનકથાનો સાર! અરે, એ જ મનુષ્ય માત્રની જીવનકથાનો સાર! દુર્યોધને કહી નાખ્યું.” (દુર્યોધન-પૃ. ૬૨, ૬૩) એજ રીતે ભીમ બોલે છેઃ– “પણ આ બધાને મેં માર્યા તેનો વિચાર કરતો કરતો જ્યારે ઉંડો ઉતરી જાઉં છું ત્યારે અંદરથી કોઈ મને કહે છે; ‘ભીમ, ઉંડો ઉતર નહિ, એ ઉંડાણ બહુ ભયંકર છે!’ અંદરનો આ અવાજ આવે છે કે તરતજ હું પાછો હઠી જાઉં છું, x x x અંતરમાં ડુબકી મારી નજર કરું છું ત્યારે જેનો મને ખ્યાલ નથી એવી એવી બૂરી ચીજો અંદરથી તરી આવે છે. xxx. બ્હીતો બ્હીતો પણ હું અંદર દૃષ્ટિ નાખ્યા જ કરું એમ મને થાય છે. ત્યાં કેટલોયે કચરો એકઠો થયો હશે તે ડખોળાઈને બહાર આવશે, અને ભીમસેનને નવાં નવાં દર્શન કરાવશે.” (ભીમસેન–પૃ. ૮૪-૮૫) આ પ્રકારના વિચાર અને ભાવનાની આધુનિકતા એમાંના એમના લગ્ન વિષેના વિવેચનમાં જોવામાં આવે છેઃ— દ્રૌપદી પાંચ પતિને પરણે છે ત્યારે તેનો બચાવ કરતાં તે કહે છે કે એ તો એમનો (અર્જુનનો) કુળધર્મ છે; અને વધુમાં ઉમેરે છે કે–હું પાંચ પતિઓને પરણીશ તોયે સંયમ જાળવવો એ તો મારો અને તેમનો પ્રશ્ન છે; પરંતુ એની ખરી ખૂબી અને રસ તો જ્યારે અર્જુન બાર વર્ષનો વનવાસ સેવી પાછો ફરે છે, ત્યારે એકથી વધુ પત્નીઓ પરણવા માટે દ્રૌપદી જે વાગ્બાણ તેના સામે વરસાવે છે, તેમાં રહેલી છે. આ રહ્યો તે સંવાદ ભાગ : “પણ તમે પુરુષો જેમ જેમ નવી ગાંઠો બાંધતા જાઓ છો તેમ તેમ જૂની ગાંઠો ઢીલી થતી જાય છે, એટલો ખ્યાલ જરૂર રાખજો. “તમે પુરુષો અમને તો તમારી વાસનાનાં યંત્રો સમજો છો; અમારે નહિ મન, નહિ હૃદય, નહિ અક્કલ, નહિ માનાપમાન; અમે તે ચાવી આપો ત્યારે બોલીએ ચાલીએ, કૂદીએ અને ચાવી ઉતારી નાંખો ત્યારે પડ્યાં રહીએ. “હું તો તમારા આ કુળથી હારી. એક સ્ત્રીને પાંચ પુરુષો પરણે તે વખતે કહે કે અમારા કુળનો રિવાજ છે! એક પુરુષ ઘણી સ્ત્રીઓને પરણે તેયે એ “કુળધર્મ.” આ તમારો કુળધર્મ તે કેવો? અર્જુન! આજે હવે તમે આર્ય લોકોમાં વસો છે. સ્ત્રીને પરણેલ પતિથી પુત્ર ન થાય તો બીજા પુરૂષથી પુત્રને ઉત્પન્ન કરે; પતિ મરી ગયો હોય ત્યારે પારકા પતિ સાથે નિયોગ કરે; એક પુરુષ અનેક સ્ત્રીઓને પરણે; એક સ્ત્રી અનેક પતિઓને પરણે, આવા આવા રિવાજો આર્યલોકમાં યે એક દિવસ હતા. પણ સંસ્કારી આર્યો એ રિવાજોમાંથી છૂટા થતા જાય છે એ તમારે સમજવું જોઈએ. જે વખતે હવે એક પતિવ્રત અને એક પત્નીવ્રતનો શુદ્ધ આદર્શ સંસ્કારી આર્યો સ્વીકારતા જાય છે, તે વખતે પાંચસો વર્ષ પહેલાંના કુળધર્મને નામે તમે લગ્નના જંગલી રિવાજો પકડી રાખશે તો તમે અને તમારું કુળ ઉતરી જશો અને આર્યો તમને પામર ગણશે.” પરંતુ એમાં આશ્ચર્યકારક અને ક્રાંતિકારી વિચાર તો સંતાન થતા સુધી સ્ત્રી પુરુષ લગ્નથી જોડાયેલા રહે અને સંતાન થયા પછી જૂદાં પડે એ છે. હમણાં હમણાં સહવાસોત્તર લગ્ન (Compamite marriage), અજમાયશી લગ્ન (trial marriage), સ્નેહ લગ્ન (free love marriag) વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના લગ્નપ્રશ્નો ચર્ચાય છે, તેનું એ સ્મરણ કરાવે છે. ભીમને પરણવા હિડિંબા તૈયાર થાય છે ત્યારે તે કુંતીને આજીજી પૂર્વક કહે છેઃ– “તમે મારા જેવી સ્ત્રી છો એટલે સમજી શકશો. જુવાનીમાં એ ધક્કો લાગે છે ત્યારે માણસ કેવું રાંક અને નિર્લજ બની જાય છે તેનો તમને ય કોઇક વાર તો અનુભવ થયો જ હશે, માટે માજી! માગણી સ્વીકારો, અને આ તમારા પુત્ર મને વરે એમ કરો x x x. અમારા શાસ્ત્રકારોએ કહ્યું છે કે સ્ત્રીને છોકરાંની વાસના સ્વાભાવિક છે, માટે એક છોકરું થાય ત્યાંસુધી લગ્ન સંબંધ રાખીને પછી તે છૂટાં થઇ શકે છે. હું પણ આવા જ લગ્નની ભૂખી છું. અમારું લગ્ન પૂરું થયે હું તમારા પુત્રને તમારી પાસે હાજર કરીશ.” (ભીમ પૃ. ૨૩-૨૪) ઉલૂપી અને ચિત્રાંગદા સાથે અર્જુને કરેલાં લગ્નો પણ આજ કક્ષામાં આવી શકે. ઉપર જે કહ્યું કે સ્ત્રીને છોકરાંની વાસના સ્વાભાવિક છે. જેને છોકરાં નથી હોતાં તેના મનની સ્થિતિ કેવી વ્યથાભરી અને વ્યાકુળ હોય છે તેનું તાદૃશ્ય અને રસિક વર્ણન ‘સૂતપુત્ર કર્ણ’માં નજરે પડે છે; અને ખરે, કોઈ પણ કહેશે કે તે સ્ત્રીહૃદયનું સાચું જ ચિત્ર છે. અહિં તે લેખકનાજ શબ્દોમાં રજુ કરીશું:– “રાધા, રાધા, તારા માટે એક રમકડું લાવ્યો છું.” અધિરથ બોલ્યો. “રમકડાંનો રમનાર નથી ત્યાં રમકડાંને મારે શું કરવાં છે?” રાધાએ ભૂલ ભૂલમાં આંગળી પર ચાપુ ચલાવ્યું. “પણ તું જોતો ખરી, આ રમકડું બહુ સુંદર છે.” “એ સુંદર રમકડાં મને બાળે છે. તમને પુરુષોને એ ખબર ન પડે. અંતરનાં ધાવણ ધવરાવવાનું એક પણ બાળક ન હોય તો સ્ત્રીઓનાં હૈયા કેવાં સૂકાઈ જાય છે–અનુભવ લેવો હોય તો આવતે જન્મે સ્ત્રીનો અવતાર લેજો.” એ જ વિચાર લેખકે કુંતિ પાસે નીચે પ્રમાણે કહેવરાવ્યો છેઃ— “સ્ત્રી માત્રનું હૃદય જે એક વસ્તુને માટે નિરંતર તલસી રહ્યું હોય છે તે વસ્તુ તને આ મંત્રો દ્વારા પ્રાપ્ત થશે.” (સૂતપુત્ર કર્ણ પૃ ૩–૩૪) ઉપરોક્ત વિચારમાં પણ અમને તો એલન કે (Ellen Key) અને મૉડરોડિન, હેવલોક ઇલિસ અને એવા બીજા નવી સ્ત્રી હિલચાલના પાશ્ચાત્ય હિમાયતીઓ સંતાનપ્રાપ્તિ એ-Crown of womanhood-સ્ત્રીજીવવનનું સાર્થક્ય અને સ્ત્રીજીવનનું ગૌરવ ગણે છે, એને શ્રીયુત ન્હાનાભાઈ પડઘો પાડતા હોય એમ ભાસે છે; નહિ તો આર્યલોકોએ તો પિતૃઓને તર્પણ અર્પવા અર્થે, ઉદ્ધારવાને પુત્રસંતતિની ઈચ્છા-માગણી કરેલી છે એ જાણીતી બીના છે. અને એજ આ બે સંસ્કૃતિ વચ્ચેનો ફરક છે. આ પ્રમાણે પ્રાચીન અને ઐતિહાસિક પાત્રોનાં નિરૂપણમાં આધુનિક વિચારને નિયોજવામાં આવે તે પદ્ધતિ કેટલે અંશે ગ્રાહ્ય થાય, એ ચર્ચાસ્પદ પણ વિચારવા જેવી વસ્તુ છે એમ અમારૂં માનવું છે. જે કાવ્યગ્રંથ-મહાભારત-આર્ય સંસ્કૃતિના નિધિરૂપ છે; જેને જનતા પાંચમો વેદ માને છે, તેની સાથે આમ છૂટ લેવાય એ અમને વાજબી લાગતું નથી. લેખકના આ વિચારો સાથે અમે સંમત નથી વા આવી જાતનું પ્રચાર કાર્ય અમને પસંદ નથી, એવો અભિપ્રાય બાંધવાનું સાહસ કોઈ ન કરે, પણ જેમ કોઈ ગ્રંથમાં ક્ષેપક ભાગ દાખલ થાય તેની વિરુદ્ધ વાંધો લેવામાં આવે છે અને જેમ આપણે મૂળ કૃતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં વાંચવાને-વિચારવાને-ઇચ્છીએ છીએ તેમ જે પાત્રોનું નામ સાંભળતાં પ્રત્યેક હિન્દુના મનમાં કંઈને કંઈ ભાવના અને વિચારો સ્ફૂરે છે, તેમને જૂદા સ્વાંગમાં રજુ થતા જોઈને મનને સહજ ક્ષોભ થાય છે.

(૫)

હમણાં બહાર પડેલા “પડછાયા” નામના વાર્તા પુસ્તકમાં જાણીતા વાર્તાલેખક શ્રીયુત ધુમકેતુએ આ સંબંધમાં કેટલાક ઉદ્‌ગારો કાઢ્યા છે તે વિચારણીય થઈ પડશેઃ “કેટલાકની એવી માન્યતા છે કે પૌરાણિક પાત્રો, તે સમયને અનુરૂપજ ઘડવાં જોઈએ; એમાં આજના યુગનો એક પણ વિચાર ન મૂકી શકાય. એમને મન પૌરાણિક કથાઓ એ પ્રદર્શન માટે જ છેઃ એ મુડદાં સાચવી સાચવીને રાખી મૂકવાનાં છે. એમને શણગારવાં, વસ્ત્રો બદલાવવાં, બની શકે તો શોધખોળ કરીને એમને નવાં નવાં રૂપો આપવાં પણ તે મુડદાં તો મુડદાંજ રહેવાં જોઈએ. એ મુડદાં યુગના પવનથી અભડાય નહિ, એટલું જ આ પંડિતો જોવા માગે છે.” પરંતુ કોણ કહી શકશે કે મહામારતનાં પાત્રો ઇજીપ્તશિયન (mummy) મમી જેવાં મુડદાળ, પ્રાણ રહિત છે; પહેલાંના કરતાં મહાભારત અને રામાયણનું પઠનપાઠન ઓછું થયું છે, એ ખરું છે; છતાં તેનો, નિર્દેશ માત્ર અદ્યાપિ હિન્દુજનતાનાં હૃદયને હલમલાવી મૂકે છે. તેનું વાચન શ્રવણ તેમને નવું બળ આપે છે, તેમને પ્રેરણા અર્પે છે અને તેમના ચિત્તને સ્વસ્થતા અને શાન્તિ આપે છે એ વિષે ભાગ્યેજ બે મત સંભવે. લેખકે મૂળ વસ્તુમાં સમયાનુસાર અને સંજોગાનુસાર ફેરફાર સૂચવવા પ્લુટાર્કના ગ્રીસ અને રોમન વીર પુરુષોની ચરિત્રાવલીની પેઠે મહાભારત અને રામાયણમાંનાં પાત્રોની સરખામણી અને તુલનાનો માર્ગ સ્વીકાર્યો હોત, અથવા તો અન્ય વીર કાવ્યો, ઇલિયડ, ઓડિશી, શાહનામા વગેરેમાંથી સમાન પાત્રોને પસંદ કરી, તે વિષે તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ વિવેચન કર્યું હોત તો તે આલેખન વધારે રુચિકર અને ઉપકારક થાત, એેવો અમારો નમ્ર અભિપ્રાય છે. અમે ઇચ્છીએ કે નવીન લેખકવર્ગ અમારા પુરાણપાત્રો, જેમને પ્રજા જીવંત આદર્શરૂપ, પ્રેરણાત્મક, પ્રબોધક અને પ્રાણપોષક માને છે, તેમને છે તેમજ મૂળ સ્વરૂપમાં રહેવા દે; અને એમની સમર્થ લેખિની ભલે, એવાં બીજાં પાત્રો આદર્શરૂપ સર્જે, જે આદરણીય થઈ પડે. આમાં કહેવાનો આશય એવો નથી કે મૂળ ગ્રંથમાંથી એકાદ પાત્ર કે પ્રસંગ લઇને લેખક નવું સર્જન ન કરે; કવિ વા લેખક તે પરથી પોતાને ગમે તેવું ઉચિત ચિત્ર દોરે; પરંતુ મૂળ કૃતિ વા તેમાંનું પાત્રનિરૂપણ, તેના વાસ્તવિક-યથાર્થ સ્વરૂપમાં રજુ થવું જોઈએ, એમ ફરી ભાર મૂકીને કહીશું. દાખલા તરીકે “પડછાયા”માં શ્રીયુત ‘ધુમકેતુ’ “લોહી તરસ્યો યુદ્ધ ધર્મ” એ લેખમાં યુદ્ધ વિજય પછીના પ્રસંગનું જે પ્રકારે અન્વેષણ કરે છે તે વાસ્તવિક છે અને તેની વિરુદ્ધમાં કશું કહેવાનું નથી; પણ પ્રસિદ્ધ અને ઐતિહાસિક પાત્રોનું નિરૂપણ કરવામાં ઉપરોક્ત મહાભારતનાં પાત્રોની પેઠે મૂળવસ્તુની બહારના નવા વિચારોનું સંમિશ્રણ, આરોપણ કે આક્રમણ થાય એ રીતિ વાજબી નથી; એવું અમારું મંતવ્ય છે.

(૬)

અક્ષરજ્ઞાનની યોજના

અહિં ગયે વર્ષે દિક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને જનતામાંથી નિરક્ષરતા નિવારણાર્થે અક્ષરજ્ઞાનની યોજના મેટા પાયાપર ઉપાડી લીધી હતી, તેનો ઉલ્લેખ થવો ઘટે છે. સમૂહાત્મક કાર્યપ્રવૃતિ (mass movement) આજકાલ વિશેષ ધ્યાન ખેંચે છે અને તેની અસર પણ બહોળી થાય છે. એ કેળવણી સંસ્થાનું (દ. મૂ.) ઘણુંખરું કાર્ય પ્રયોગાત્મક હોય છે; કેળવણી અને જ્ઞાનપ્રચારના ક્ષેત્રોમાં તે દરરોજ નવીન ઉપચારો પ્રવર્તાવે છે; પ્રચારસાહિત્ય ઉભું કરે છે; અને ચોતરફ તેને પોષક અને અનુકૂળ વાતાવરણ ફેલાવે છે. આ રીતિ સ્તુત્ય છે અને અન્ય સંસ્થાઓએ અનુકરણ કરવા જેવી છે. બાલસાહિત્ય માલાની યોજના ઉપરના ધોરણને જ અનુસરતી હતી. તેના ૮૦ અંકો પૂરા બહાર ન પડે એટલામાં એના કાર્યકરોએ અક્ષરજ્ઞાનની યોજનાનું ભગીરથ કાર્ય શરૂ કરી દીધું છે; એટલુંજ નહિ પણ હિન્દી અને મરાઠીમાં પણ એ નિરક્ષરતા નિવારણનો પ્રયોગ અજમાવાય છે, એમ સાંભળવામાં આવ્યું છે. રૂશિયામાં સોવિયટ સરકાર પગભર થયા પછી સમૂહાત્મક કાર્યપદ્ધતિ (mass work-production) એવી અસરકારક અને પ્રબળ ગતિમાન માલુમ પડી છે કે તેને પ્રવાહ અને વિસ્તાર વધતાં, હાલની સંસ્કૃતિનું આખું ધોરણ બદલાઈ જાય; અને તેમાં બહોળા ફેરફાર થવા પામે; પણ એ જુદી વાત છે; પરંતુ આ સમૂહાત્મક કાર્યપદ્ધતિએ અક્ષરજ્ઞાનની યોજના આપણા સમાજસેવકો અને કાર્યકર્તાઓ ખંતપૂર્વક અને યોજનાપૂર્વક સમસ્ત દેશમાં પ્રસારી દે તો રૂશિયાની પેઠે આપણે પણ ટુંક મુદતમાં–દશ વર્ષમાં–દેશમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ વધારી શકીએ. પાટણમાં ભરાયેલી પાંચમી પુસ્તકાલય પરિષદના પ્રમુખસ્થાનેથી લેડી વિદ્યાબ્હેને આ વિષય પ્રતિ ખાસ લક્ષ ખેંચ્યું હતું; અને જો શાળાઓ, પુસ્તકાલયો, કેળવણી સંસ્થાઓ અને સાર્વજનિક સંસ્થાઓ એકત્ર થઇ, સંયુક્ત પ્રયાસ કરે, તો જે કાર્ય દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને આરંભ્યું છે, તેમાં પુષ્કળ સાધનસામગ્રી તેમ નવીન કાર્યકર્તાઓનું એકત્ર બળ, જ્ઞાન અને અનુભવ મળતાં, આખોય અખતરો સફળ નિવડે અને જનતાને તે એક પાયરી ઉંચે લઈ જાય, એમ નિશ્ચયપૂર્વક કહી શકાય.

(૭)

તત્વજ્ઞાનનાં પુસ્તકો.

આ તો વિષયાંતર થયું; પણ ગીતા વિષે બીજું એક સામાન્ય વાચક માટે “ગીતા મર્મ” નામનું પુસ્તક શ્રીયુત અંબાલાલ પુરાણીએ લખેલું બહાર પડ્યું છે, તેમાં પહેલા છ અધ્યાયનો નિષ્કર્ષ ખેંચી વાચકને સાદર કરવામાં આવ્યો છે. અગાડી એમણે બાબુ અરવિંદ ઘોષના ગીતા વિષેના નિબંધો-પ્રથમ શ્રેણી-“ગીતા નિષ્કર્ષ” એ શિર્ષક હેઠળ છપાવ્યા હતા, અને બે વર્ષના ગાળામાં તેની બધી નકલો ઉપડી ગઈ હતી. ગીતા ભાવિક ગૃહસ્થ તરફથી આર્થિક સહાયતા મળે તો અમે સાંભળ્યું છે કે ‘ગીતામર્મ’ નો બાકીનો ભાગ તૈયાર છે, તે પણ ઝટ પ્રકાશમાં આવે; અને તે પછી શ્રીયુત અરવિંદ બાબુના ગીતા વિષેના નિબંધો–બીજી શ્રેણીનો અનુવાદ પણ તુરત હાથમાં લેવાય. ‘જીવનશોધન’–શ્રીયુત કિશોરલાલ મશરૂવાળા રચિત, ભા. ૧ વિષે કેટલુંક વિવેચન ગત વર્ષનાં અવલોકનમાં કરવામાં આવ્યું હતું; અને તેના બીજા ભાગ વિષે વિશેષ નવીન કહેવાનું પ્રાપ્ત થતું નથી; પણ અમે ઇચ્છીએ છીએ કે અભ્યાસમંડળમાં એ પુસ્તક એક પાઠ્ય પુસ્તક તરીકે વાંચવામાં આવે અને તેના ગુણદોષ તપાસાય; વિચાર, તોલન અને પરીક્ષા કરવા જેવું એમાંથી ઘણું ઘણું મળી આવશે. “પ્રસ્થાન” માસિકમાં એમણે ‘સામુદાયિક ઉપાસના’ વિષે એક મનનીય નિબંધ લખ્યો હતો. આપણાં વ્રતો, પારાયણો, પ્રવચનો, કથાઓ, ભજનકીર્તનો વગેરે એ કક્ષામાં આવે; અને તુલનાત્મક દૃષ્ટિએ પૌર્વાત્ય અને પાશ્ચાત્ય ઉપાસના-પૂજન રીતિઓનું અવલોકન અને અભ્યાસ થાય તો કેટલુંક વિશેષ જાણવાનું મળે; એટલું જ નહિ પણ કેટલાંક સામાન્ય તત્ત્વો પણ તેમાંથી તારવી કઢાય. તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૨ પણ એટલો જ મહત્ત્વનો પરંતુ જૈનધર્મનો ગ્રંથ છે અને તેનો ઊપોદ્‌ઘાત ધર્મવિચારના અભ્યાસીને વિદ્વત્તાપૂર્ણ અને ઉપયોગી જણાશે. જેમને આપણે પ્રોટેસ્ટન્ટ અથવા નવા વિચાર પ્રવર્તક કે પ્રતિપાદક કહીએ એ વર્ગના પંડિત સુખલાલજી ઉપરોક્ત ગ્રંથના પ્રયોજક છે અને એમની પ્રેરણા અને પ્રયાસથી છેલ્લાં બે ત્રણ વર્ષોથી પર્યુષણના તહેવારમાં અહિં જુદા જુદા અને જાણીતા વિદ્વાનોે અને ધર્મચિંતકો પાસે જાહેર વ્યાખ્યાનો અપાવવાની પ્રથા પડેલી છે અને તે રીતિ આવકારદાયક અને અનુકરણીય છે; પણ તેમાં ખાસ ખુશી થવા જેવું એ છે કે ગયા વર્ષથી એ વ્યાખ્યાનો પુસ્તકરૂપે પ્રકટ કરવાનો એમણે પ્રબંધ કરેલો છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળા ઉપયોગી અને ઉપકારક છે, એ વિષે મતભેદ હોય જ નહિ હોય. પણ અમને લાગે છે કે જેમ પાશ્ચાત્ય દેશમાં પ્રતિ વર્ષે ગિફર્ડ, હિબર્ટ, લોવેલ વ્યાખ્યાનમાળા વગેરે એકાદ પ્રતિષ્ઠિત અભ્યાસી વા તત્ત્વજ્ઞ પાસે અપાવવાની યોજના પ્રચલિત છે અથવા જેમ લેન્ટ (Lent) ના પર્વમાં ભક્તિ અને શ્રદ્ધાપોષક ગ્રંથ જનતાના ઉપયોગ અર્થે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ પર્યુષણના પવિત્ર દિવસોમાં સમાજમાં જેમની પ્રતિષ્ઠા અને પ્રભાવ મોટા છે એવા જાણીતા આચાર્ય વા મુનિશ્રી જે કોઇ વિષય પર પ્રવચન કરે તેની અસર બહોળી અને જલદી થાય અથવા તો ઉપર સૂચવ્યું તેમ એકાદ ભક્તિ કે તત્ત્વવિચાર પોષક પુસ્તક સસ્તી કિંમતે બહાર પાડી, તેનો ખૂબ પ્રચાર કરવામાં આવે તો તે યોજના પણ ઘણી લાભદાયી થાય.

કવિતાના ગ્રંથો.

તત્ત્વજ્ઞાન અને ધર્મના વિષયમાંથી આપણે હવે કવિતા પ્રતિ વળીશું. પ્રભાત-ફેરીમાં અને સરઘસમાં ગાવાને અનુકૂળ અને બંધબેસ્તાં થાય એવાં પુષ્કળ ગીતો ગત વર્ષમાં લખાયાં હતાં; પણ તે માત્ર જોડકણાં–વાનર સેનાનાં ગીતો હતાં–જેમકે ‘સ્વરાજ્ય સ્વારી આવે છે’; ‘નહિ નમશે, નહિ નમશે’; ‘યુવાનો એ હિન્દના’ વગેરે. માત્ર શ્રીયુત મેઘાણીને “સિંધુડો”–ક્રાંતિકારી વિચાર અને ભાવના પોષક કાવ્યોનો–પછી તે નવાં લખેલાં કે ઇંગ્રેજીપરથી લેવાયેલાં–સૂચિત હોય;-સંગ્રહ૫ તેમ શ્રીયુત કેશવ હ. શેઠના ‘કેસરિયાં’ અને ‘રણના રાસ’–આવા ગીત સંગ્રહો રાષ્ટ્રીય લડતને પ્રેત્સાહન અને જનતાને જાગૃત કરનારા હતા, એમ કહેવું જોઈએ. કવિશ્રી ન્હાનાલાલના કુરુક્ષેત્રના ત્રણ કાંડો વર્ષ દરમિયાન બહાર પડ્યા હતા; પણ તેની પરીક્ષા અને મૂલ્ય આખું કાવ્ય સુલભ થયે, કરવાનું વધારે સુગમ બનશે. આ સિવાય કવિતામાં કોઇ જાણવા જેવું પુસ્તક પ્રસિદ્ધ થયું નહોતું; પણ પ્રાચીન કાવ્યસાહિત્યમાં માંડણ કૃત “પ્રબોધ બત્રીસી’ અને ‘ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર’ એ પ્રકાશનો પ્રાચીન સાહિત્યનો અભ્યાસ કરનારને ઉપયોગી તેમ એ વિષયપર વધુ પ્રકાશ પાડનારાં લેખી શકાય; વળી હરિષોડશકળાનો ઉપોદ્‌ઘાત શ્રીયુત અંબાલાલ જાની લિખિત, ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય કેવું અને કેટકેટલું અને ક્યાં ક્યાં પ્રચાર અને વિસ્તાર પામ્યું હતું તેની ઐતિહાસિક સમાલોચના કરતો નિબંધ જેમ વિચારણીય તેમ મહત્ત્વની વિચારસામગ્રી રજુ કરે છે; અને શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીના વૈષ્ણવ ધર્મના ઈતિહાસગ્રંથ ભેગો એ લેખ વાંચતાં, એથી વિશેષ માહિતી હાલ તુરત બીજી થોડી મળી આવશે એમ અમારૂં માનવું છે. હવે આપણે ગત વર્ષમાં છપાયલાં નવલકથા અને નાટકનાં પુસ્તકો તપાસીએ.

નવલકથાઓ.

‘સરસ્વતીચંદ્રે’ આપણા જીવનપર તેમ નવલકથાનાં સાહિત્યપર અનોખી ભાત પાડી છે; અને તેમાંથી પ્રેરણા પામી ને, તેની અસર નીચે અમદાવાદના બંધુસમાજના કેટલાક આગેવાન સભ્યોએ ચાલુ સદીના પહેલા દસકામાં સાત આઠેક સામાજિક નવલકથાઓ, સ્વતંત્ર તેમ રૂપાંતર કરીને, પ્રસિદ્ધ કરી હતી અને તે સઘળી લોકપ્રિય નિવડી હતી; કેમકે તેમાંનાં ચિત્રો-પાત્રાલેખન અને વસ્તુસંકલના-વર્તમાન સમાજ જીવનનો સુંદર ખ્યાલ આપતા હતા. તે પછી શ્રીયુત કનૈયાલાલ મુનશીએ ગુજરાતના ઇતિહાસમાંથી વસ્તુસામગ્રી મેળવીને, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતના નાથ” અને ‘રાજાધિરાજ’–એ ત્રિપુટી–રચી, એક ઉત્તમ કોટિના નવલકથાકાર તરીકે સારી નામના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં; જો કે પાશ્ચાત્ય વિચાર અને શૈલીનું અનુકરણ એમાં સ્પષ્ટ જણાય છે. હમણાં છેલ્લાં ત્રણ ચાર વર્ષોથી આપણા સમાજમાં જે પરિવર્તન થઈ રહ્યું છે; જે પ્રશ્નો આપણને અકળાવી રહ્યા છે અને જે જીવન-વિકાસમાં અંતરાય રૂપ થાય છે, તેનું રસિક વર્ણન અને વિવેચન શ્રીયુત રમણલાલ વસંતલાલ દેસાઈની રચેલી ‘શિરિષ’, ‘કેકિલા’, ‘હૃદયનાથ’ વગેરે સામાજિક નવલકથાઓમાં દૃષ્ટિગોચર થાય છે અને તે કૃતિઓ સ્વતંત્ર અને નવીન હોઈને, લેખકની સમર્થ લેખિનીના પ્રભાવથી, તે ખાસ આદરપાત્ર થાય છે; અને નવા લેખકોમાં એ કારણે એમનું સ્થાન ઉંચું અને પ્રથમ પંક્તિમાં આવે છે. એમનું “હૃદયનાથ” તેમ ચાલુ વર્ષનું વાર્તાનું પુસ્તક “સ્નેહયજ્ઞ” વાંચ્યાથી, ઉપર અભિપ્રાય દર્શાવ્યો છે તે યથાર્થ છે, એમ વાચકની પ્રતીતિ થશે. “કયે રસ્તે” અને “કલ્પનાનાં કુસુમો”એ બંને ગ્રંથોમાં લગ્ન અને દાંપત્ય જીવનના વિધવિધ પ્રશ્નો ચર્ચાયા છે. “કયે રસ્તે’માંનું લખાણું એકાદ નિબંધ વાંચતા હોઈએ એવું લાગે છે; તથાપિ તેમાંની દલીલોની અસર નબળી પડતી નથી. ‘કલ્પનાનાં કુસુમો’ ને બે પ્રતિષ્ઠિત વિદ્વાનોએ સત્કાર્યું છે; શ્રીયુત નરસિંહરાવે તેનનો પ્રવેશક લખી આપીને અને પ્રિન્સિપાલ ધ્રુવે ‘વસન્ત’માં તેની સમાલેચના કરીને; તેમ છતાં ‘પ્રસ્થાન’માં એ વિષે જે ટીકા આવી છે, તે ઢાળની બીજી બાજુ દર્શાવે છે અને તે વાસ્તવિક છે. સમાજબંધનો ઢીલાં થતાં, કુટુંબ વ્યવસ્થા તુટતાં, જ્ઞાતિઓ અસ્તવ્યસ્ત થતાં, લગ્નનો પ્રશ્ન અત્યારે ખુબ ચર્ચાઇ રહ્યો છે; અને તે વિષે મતમતાંતરો પણ પુષ્કળ પ્રવર્તે છે. કયો માર્ગ શ્રેયસ્કર થશે તેનો નિર્ણય કરવો એ દુર્ઘટ કાર્ય થઈ પડ્યું છે. આ પરિસ્થિતિમાં, તેના ગુણદોષ, જુદી જુદી દૃષ્ટિએ અવલોકાય તે ઈષ્ટ છે; પ્રસ્તુત પ્રશ્નોને લેખકે “કલ્પનાનાં કુસુમો” એવું નામ આપ્યું છે, તે બરોબર નથી. અત્યારે તે વિચાર કે કલ્પનાના પ્રશ્નો રહ્યા નથી પણ તેના ઉકેલ અર્થે આપણો સમાજ ઉકળી રહ્યો છે; અને તે જે માર્ગ અખ્તયાર કરે તે પર અનેકનાં જીવનો સુખી કે વિષાદમય, કટુ કે વિષમય બની રહેશે. આ પ્રમાણે તેના ગુણદોષ હોવા છતાં શ્રીયુત લલિતમોહનનો આ પ્રથમ પ્રયાસ છે; અને તે પ્રશસ્ય છે અને તે એમની શક્તિનો સારો પરિચય કરાવે છે; એટલુંજ નહિ પણ ભવિષ્યમાં એથી પણ ચઢતી અને સરસ કૃતિઓ એમના તરફથી આપણને મળશે એવી આશા પડે છે. ‘તણખા-ભા. ૨’ માં ધુમકેતુ એમની આગલી પ્રતિષ્ઠા સાચવી રહ્યા છે; પણ જે વિચારશ્રેણીની નવીનતા અને ચમત્કાર “પડછાયા” માં માલુમ પડે છે, તે આમાં નથી. ‘પ્રેમપ્રભાવ’ એ શ્રીમતી સુવર્ણકુમારી રચિત એક બંગાળી નવલકથાનો અનુવાદ છે. ટૉલ્સ્ટોય કૃત ક્રુઝર સોનેટાનો તરજુમો શ્રીયુત વિશ્વનાથ ભટ્ટે ‘પ્રેમનો દંભ’ એ નામથી કર્યો છે અને મૂળનો રસ અને ખૂબી જાળવી રાખવા ખૂબ સંભાળ દાખવી છે. ‘જીવનનાં દર્દ’ માં જાણીતા હિન્દી લેખક પ્રેમચંદ્રજીની ટુંકી વાર્તાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે; જ્યારે ‘અમૃત સરિતા’માં શ્રીયુત મહાસુખભાઇએ આજકાલ જૈનસમાજમાં દીક્ષાના પ્રશ્ને જે ગંભીર અને ચિંતાયુક્ત મામલો ઉભો કર્યો છે, તેની ગવેષણાપૂર્વક ચર્ચા કરી છે. નાટકોમાં શ્રીયુત ન્હાનાલાલ કવિનું “અકબરશાહ” પ્રથમ સ્થાન લે છે; અને તે એમની એક ઉત્તમ કૃતિ છે, એમ સ્વીકારવું જોઈએ; જો કે ‘જયા જયન્ત’થી તે ચઢીઆતું તો નહિ જ. જેમ એક રત્નહારમાં જુદાં જુદાં રત્નો, તેના રૂપ અને રંગથી જોનારને આશ્ચર્ય પમાડે છે અને આનંદ આપે અને તે એક એક રત્નનું મ્હોટું મૂલ્ય એ હારની મહત્તા ઓર વધારે છે; અથવા તો એક હીરાને પહેલ પાડતાં, તેના જુદા જુદા પાસામાંથી પડતા પ્રકાશની અસર બહુ તેજસ્વી, રંગિત, આલ્હાદક અને મોહક દિસે છે, તેમ લેખકે અકબરશાહ જેવી પ્રતાપી અને મહાન્‌ વ્યક્તિના જીવનપ્રસંગોમાંથી એકેક પ્રસંગ છૂટક, ચૂંટી કાઢી, તેને કળાયુક્ત અને રસિક રીતે ગૂંથી એવી રસનિષ્પત્તિ ઉપજાવી છે કે એક ચિત્રપટના ચિત્રોની પેઠે જાણે કે એ સુંદર દૃશ્યો આપણી સમક્ષ તાજાં બનતાં ન હોય, એવો દેખાવ થાય છે; અને અકબરશાહ એક મહાન્‌ પ્રતાપી, સુલહ્‌-યે કુલ્લ, સર્વસમન્વય, સર્વ કલ્યાણ સાધનાર સમ્રાટ હતો; એટલુંજ નહિ પણ કર્તાના શબ્દોમાં કહીએ તો ‘આજપર્યન્તના માનવકલ્યાણનાં સ્વપ્નાં સેવનાર જગત્‌-કીર્તિમંડળમાં જગત્‌ સંસ્કૃતિઓનો સમન્વય સાધવા મથતા અકબરશાહ જાણે વિશ્વકીર્તિમાળાના મેરૂ છે.” પ્રસ્તુત પુસ્તકમાં બાદશાહી માનવતાના (humanity) અંશો પર ખાસ ભાર મૂકાયો છે; પણ તેમને એક સમ્રાટની સાથે સાથે એક મનુષ્ય તરીકે જોવો જાણવો હોય તો વાચક બંધુને અમે ફ્લૉરા એની સ્ટીલ રચિત ‘A Prince of Dreamers” અથવા ‘સ્વપ્નદૃષ્ટાઓનો મુગટમણિ’એ નવલકથા વાંચવાની ભલામણ કરીશું.

નાટકો.

“પૌરાણિક નાટકો” એ તો શ્રીયુત મુનશીનાં પુરાણ વિષયક ચાર નાટકો,–અવિભક્ત આત્મા, તર્પણ, પુરંદર પરાજય અને પુત્ર સમોવડીનો- નવેસર પુસ્તકરૂપે સંગ્રહ છે. એ નાટકો પ્રસિદ્ધ થયાં ત્યારે તેની પુષ્કળ પ્રશંસા થઇ હતી; અને તે પરથી એક સારા નવલકારની પેઠે તેઓ એક ઉંચી કોટિના સમર્થ નાટકકાર પણ છે, એવી એમની કીર્તિ બંધાઈ હતી. નવીન સર્જન તરીકે એ નાટકો ઉત્કૃષ્ટ તેમ ગુજરાતી સાહિત્યને ઉજ્જ્વળ કરનારાં છે અને નવીન પદ્ધતિએ નાટક લખનારા, આધુનિક લેખકોમાં એમનું નામ અગ્ર સ્થાને છે, એમ કહેવાની કશી જરૂર નથી. “કુમાર દેવી” અમે માનીએ છીએ કે શ્રીમતી લીલાવતી મુનશીનું પ્રથમ નાટક છે; અને તે એમના “રેખાચિત્રો”ની પેઠે વાચકપર સુંદર અને સજ્જડ છાપ પાડે છે. એ કુમારી દેવીનો જાજરમાન સ્વભાવ અને યુદ્ધમાં દાખવેલી એની સાહસિકતા અને શૂરાતન ફ્રેન્ચ વિરાંગના સેંટ જોનનું સ્મરણ કરાવે છે, અને એ બે વચ્ચે કેટલીક સામ્યતા જણાશે. શ્રીયુત રાજેન્દ્ર દલાલ રચિત ‘પુનરુદ્ધાર’ અને શ્રીયુત પ્રાણલાલ મુનશીકૃત ‘બલિદાન’ એ નાટકો શ્રાવ્ય કરતાં દૃશ્ય નાટક, સ્ટેજપર ભજવવાને વધારે યોગ્ય અને અનુકૂળ છે. ‘પ્રફુલ્લ’ એ દ્વિજેન્દ્રનાથ રૉયના બંગાળી નાટકનો અનુવાદ છે, તે સ્વર્ગસ્થ ગટુલાલ બરફીવાળાએ કર્યો હતો. ‘મદનમંદિર’ માં શ્રીયુત યશવંત પંડ્યાએ રચેલાં પાંચ નાટકો આપેલાં છે, એમનામાં અર્થવાહક શક્તિ (expressive power) સારી છે. વર્ણનશૈલી પણ રસિક અને અસરકારક છે પણ જે (new moralityનું) નવી નીતિ ભાવનાનું તેઓ પ્રતિપાદન કરે છે; એ જાતનું લખાણ લાભ કરતાં હાનિ વિશેષ કરશે, એવી ભીતિ લાગે છે.

સાહિત્ય.

સાહિત્ય પ્રકાશનમાં ‘કાવ્ય સાહિત્યની મીમાંસા,’ ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો,’ ‘પ્રાચીન ગદ્યસંદર્ભ,’ ‘સન ૧૯૨૯ નું દિગ્દર્શન,’ ‘પાંખડી’ અને ‘સંબોધન’ એ મુખ્ય છે; અને તે નામો છેલ્લેથી વિચારતાં, ‘સંબોધન’ માં શ્રીયુત ન્હાનાલાલે જે જાહેર વ્યાખ્યાનો જૂદે જૂદે પ્રસંગે અને સમયે આપેલાં જેમાંના થોડાકની પસંદગી કરી તે આ સંગ્રહમાં આપવામાં આવ્યાં છે; અને તે આખોય સંગ્રહ વાંચવા-વિચારવા જેવો છે. ખાસ કરીને દરેક ભાષણમાં તે વિષયની આસપાસ અને પાછળ રહેલી પરિસ્થિતિનું દિગ્દર્શન, ઐતિહાસિક હકીકત નોંધી કરેલું છે, તે રીતિ આદરણીય છે. “પાંખડી” પણ એવું બીજું સુંદર ગદ્ય પુસ્તક છે. તેમાંની નિરુપણશૈલી એરિસ્ટોટલ જેને golden mean સુવર્ણ પથ કહે એ પ્રકારની છે; અને તેમાં એઓ આર્યસંસ્કૃતિમાંનાં ઉજ્જ્વળ અને મહત્ત્વના અંગપર ભાર મૂકતા જણાય છે (એ પર સવિસ્તર વિવેચન માટે જુઓ શ્રીયુત ચતુરભાઈનું અવલોકન-“કૌમુદી” ઑગષ્ટ ૧૯૩૧). સન ૧૯૨૯ નું સાહિત્યનું દિગ્દર્શન અમદાવાદની સાહિત્ય સભાએ ગયે વર્ષે શ્રીયુત રામનારાયણ પાઠક પાસે પારિતોષિક આપીને કરાવ્યું હતું. અને એ ધોરણે છેલ્લાં ત્રીસ વર્ષનું સાહિત્યનું અવલોકન લખવાનું એમને સોંપાય તો ખચિત્‌ તે સાહિત્યના અભ્યાસીને અને સામાન્ય વાચકને માર્ગદર્શક અને મદદગાર થઈ પડે. હજુ સુધી એ સમય નજદિકનનો હોઇ, તે વિષે બહુ થોડું લખાયું છે; પણ છેલ્લાં દશ વર્ષમાં આપણે એટલી બધી પ્રગતિ કરી છે કે જે છેલ્લાં પચાસ વર્ષમાં કરી નહોતી. એટલે ગયા ત્રીસ નહિ તો વીસ વર્ષનો સાહિત્યનો ઇતિહાસ લખાય એ આવશ્યક છે. છેલ્લી પચીસીનું ઈંગ્રેજી સાહિત્યનું અવલોકન મી. એ. સી. વોર્ડે કર્યું છે તે એના ધોરણ માટે જોવા જેવું છે અને એમાંથી ઉપયોગી સૂચનો મળશે. શ્રીયુત ઝવેરીનું-ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભોનું પુસ્તક માહિતીની દૃષ્ટિએ મહત્ત્વનું છે; પણ એ યુગનો અભ્યાસ કરવામાં વિવેચનની ઉણપ જણાય છે અને તે એક નવું અને સારૂં પુસ્તક માગી લે છે. ‘કાવ્યસાહિત્ય મીમાંસા’માં સ્વ. કમળાશંકરભાઈના એ વિષયપરના લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે કાવ્યસાહિત્યના અભ્યાસીને કિમતી જણાશે; અને સ્વર્ગસ્થનું જીવનચરિત્ર તેમાં દાખલ કરેલું છે, તે પણ રેફરન્સ માટે ઉપયોગી થઈ પડશે. પ્રાચીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાને પ્રાચીન ‘ગદ્યસંદર્ભ’ કિમતી સાધન પૂરાં પાડે છે; પણ તેમાં પ્રાસ્તાવિક ઊપોદ્‌ઘાત તેમ અઘરા શબ્દોનો કોષ કે પ્રાચીન વ્યાકરણના નિયમો નહિ આપેલાં હોવાથી તેનો અભ્યાસ કરવામાં મુશ્કેલી રહેશે અને તેનો ઝાઝે ઉપયોગ કે પ્રચાર થશે નહિ, એવી કેટલાકની માન્યતા છે. આનો વિચાર કરતાં, શ્રી ફોર્બસ ગુર્જર સભાનાં હસ્તલિખિત પુસ્તકની સૂચી, જૈન ગુર્જર કવિઓ ભા. ૧ અને કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચી-યાદ આવે છે. આપણો પ્રાચીન સાહિત્યભંડાર કેટલો મોટો, વિસ્તૃત અને સમૃદ્ધ છે, તેનો પ્રસ્તુત યાદીઓ પરથી ખ્યાલ આવશે; અને તે પરથી જોઈ શકાશે કે પ્રાચીન સાહિત્યમાં સંશોધન, પ્રકાશન અને અભ્યાસાર્થે કેટકેટલું કરવાનું બાકી રહે છે. જૂદા જૂદા ગામોની સાહિત્યસભાઓ અને કૉલેજના અભ્યાસમંડળો, એ વિષયમાં ઘણા મદદગાર થઈ પડે. ‘ગ્રંથ અને ગ્રંથકાર –પુ. ૧’ પણ એવું બીજું એક ઉપયોગી રેફરન્સ પુસ્તક છે, જેવી મહત્તા જેમ જેમ તેના વધુ ભાગો નિકળતા જશે તેમ વધશે. અત્યારે તો તે એક અખતરો છે, અને એટલા પૂરતો એનો સત્કાર કરતાં આનંદ થાય છે.

ચરિત્ર.

ચરિત્ર ગ્રંથોમાં બે જ જાણવા જેવાં જણાયાં છે; એક મહિપતરામનું ચરિત્ર-શ્રીયુત ભાનુસુખરામ મહેતાએ લખેલું અને બીજું અહેવાલે અરદેશર કોટવાલ બહાદુર-મીસ ધનબાઈ વાડિયા રચિત. આ પુસ્તક કવિતામાં લખેલું છે; પણ એમાં અરદેશર કોટવાળ, જેમણે સુરતમાં બ્રિટિશ અમલ પગભર થતી વખતે રાજકર્તાઓની કિમતી સહાયતા કરી હતી, તેમનું તેમ એમના પૂર્વજોએ અંગ્રેજોની કુમકે રહી, માંડવીના રાજા સામેની લડતમાં સાહસ કરતાં, કેવી રીતે જાન આપ્યો હતો, તેનું શૌર્યભર્યું વૃત્તાંત વાંચતાં એ વીર પુરુષો માટે આપણને માન ઉપજે છે. સુરતમાં “ડાંડીઆ”ની પ્રથા અત્યારે પણ પ્રચલિત છે, તે અરદેશર કોટવાલે ચોરલુંટારા અને ધાડપાડુઓને શહેરમાંથી ચોરી, લુંટફાટ અને મારફાડની ધમાલ કરતા અટકાવવાને ઉભી કરી હતી. કવિ નર્મદે કાઢેલા છાપાને તેનું “ડાંડીઓ” એવું નામ આપવામાં આવો કોઈ સંકેત તેની પાછળ સૂચિત હોય એ લક્ષમાં લેવા જેવું છે. એ અરદેશર કોટવાલે, દાદોબા પાંડુરંગ પાસે સરકાર સાથે તેમને વાંધો પડતાં કેટલુંક પત્રવ્યવહારનું કાર્ય કરાવી, તેને યોગ્ય બદલો તેમને-(દાદોબા) નહિ આપ્યાથી, (દાદોબા)એ એમના આત્મવૃત્તાંતમાં તેમની વિરુદ્ધ કેટલીક કટુ હકીકત આપેલી છે. વળી એ અરદેશર કોટવાળ અને એમનું કુટુંબ પાછળથી કેવી બિસ્માર સ્થિતિમાં આવી પડ્યું હતું તે હકીકત, એમની આગલી જાહોજલાલી અને વૈભવ સાથે સરખાવતાં, ભાગ્યોદયનું ચક્ર કેવું વિચિત્ર રીતે ફરતું રહે છે, એ લક્ષમાં આવી તેનો વિચાર ગ્લાનિ ઉપજાવ્યા વિના રહેતો નથી. આ વિષયમાં અરદેશર કોટવાલનો શ્રી સહેજાનંદ સ્વામી સાથે થયેલી મુલાકાતનો ગરબો વાંચવા જેવો છે; અને અગાઉ તેમનું એક ન્હાનું જીવનચરિત્ર છપાયું હતું, તેમાંથી પણ કેટલીક હકીકત વિચારવાની મળી આવશે. શ્રીયુત ભાનુસુખરામે મહીપતરામના સમયની શિક્ષણપદ્ધતિ અને સાંસારિક સ્થિતિનું દિગ્દર્શન કરાવી, તે વખતે સમુદ્રપ્રયાણ કરનારને કેવું અને કેટલું વેઠવું પડતું હતું, તેની વિસ્તૃત હકીકત આપી છે. દુર્ગારામ ચરિત્ર-મહીપતરામકૃત અને શ્રીયુત વિનાયકકૃત નંદશંકરનાં ચરિત્ર સાથે આ ગ્રંથ વાંચવાથી, એ સમયની સમાજસ્થિતિનો તાદૃશ્ય ચિતાર આપણી સમીપ ખડો થાય છે. ‘દુઃખી હિન્દ’ એ સ્વર્ગસ્થ લાલા લજપતરાયના ‘Unhappy India’નો અનુવાદ છે; મૂળ ગ્રંથ મીસ મેયોના પુસ્તકના ઉત્તરરૂપ લખાયો હતો. પણ અહિં એટલું નોંધવું જોઇએ કે મીસ મેયોએ જે બદીઓ આપણા સમાજમાં બતાવી છે તે પ્રતિ આપણું દુર્લક્ષ થવું ન જોઇએ. “જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ’–એ વેલ્સકૃત ‘Short History of the world’નો અનુવાદ છે; તેમાંથી પણ ઝીણી વિગતો કાઢી નાંખી, મૂળનો સાર બને તેટલો સરલ અને સુવાચ્ય કરવા અનુવાદકે ખૂબ ખંત રાખી છે. મોટા પુસ્તકનો અનુવાદ-Ontline of History-થવાની વિશેષ જરૂર છે; એટલા માટે કે ઇતિહાસ વિષે જે માન્યતા પ્રચલિત છે તે આ મી. વેલ્સનું નવું દૃષ્ટિબિન્દુ ફેરવી નાંખે છે. અત્યારે તો આટલેથી આપણે સંતોષ માનવો રહ્યો.

સામાજિક ઇતિહાસ

ગયે વર્ષે શ્રી ભાર્ગવ બ્રાહ્મણ જ્ઞાતિનો ઇતિહાસ–એ પુસ્તકની નોંધ લેતાં અમે આનંદ દર્શાવ્યો હતો. એવુંજ મહત્વનું અને કિંમતી પુસ્તક આ વર્ષે છપાયું છે, તે “વાલ્મીકી કાયસ્થ જ્ઞાતિની સૂચિ” છે. એ પુસ્તક જોતાં, એ જ્ઞાતિ વિષે સવિસ્તર માહિતી તેમાંથી મળી આવે છે; અને તેમાંનો સાહિત્ય ખંડ આપણા સાહિત્યના અભ્યાસીને કેટલીક જાણવા જેવી માહિતી આપશે. સ્વર્ગસ્થ રણજીતરામ એજ જ્ઞાતિના હતા અને એમની પ્રેરણાથી આ કાર્ય પ્રથમ ઉપાડી લેવામાં આવ્યું હતું. આ કાર્ય આટલું કિમતી અને કાયમ ઉપયોગનું કરવા બદલ તેના સંપાદક શ્રીયુત રતિલાલ દિવાનને, પુષ્કળ ધન્યવાદ ઘટે છે.

કોષ ગ્રંથો.

રેફરન્સ સાહિત્યમાં શ્રીયુત દેરાસરી સાહેબનું ‘પૌરાણિક કથા કોષ- ભા. ૪’ સાહિત્યના વાચકને મૂલ્યવાન જણાશે. વળી નવા લેખકને અને ખાસ કરીને ઇંગ્રેજી ૫રથી અનુવાદ કરનારને નવા શબ્દો શોધવા અને ઉપજાવવા જે મુશ્કેલી નડે છે, તે શ્રીયુત વિશ્વનાથ ભટ્ટના ‘પારિભાષિક કોષ-પૂર્વાર્ધ-’થી બહુ ઓછી થયા વકી છે. માત્ર વિજ્ઞાન માટે નહિ પણ માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય; તત્ત્વજ્ઞાન વગેરેમાં શબ્દ પસંદગીમાં વા નવા શબ્દો ઘડવામાં વારંવાર અડચણ પડે છે, તેમાં કેટલીક સવડ આ પ્રકાશનથી મળશે. કયા લેખકે વધુ શબ્દો નવા યોજ્યા છે? કોના નવા શબ્દો વધુ પ્રચલિત છે? શા ધોરણે એ શબ્દો યોજાયા છે? તેમાં સંસ્કૃતનું પ્રમાણુ કેટલું છે? ચલણી શિક્કાની પેઠે, કયા નવા શબ્દો વધારે લોકપ્રિય નિવડે છે? અન્ય ભાષામાં, તે માટે કેવી વ્યવસ્થા છે? અને એ રીતે પારિભાષિક શબ્દો દ્વારા ભાષા વિકાસ અને ભાષાસમૃદ્ધિ થવામાં કયો માર્ગ વધુ અનુકૂળ થશે વગેરે મુદ્દાઓનું પૃથક્કરણ કરી, તેનાં કારણો, ઉત્તરાર્ધની પ્રસ્તાવનામાં લેખક, અવકાશ મેળવી, દર્શાવશે તો એમાંથી આપણને ઘણું જાણવાનું પ્રાપ્ત થશે. આજકાલ નવલકથાનાં પુસ્તકો થોકબંધ બહાર પડે છે; પણ તે બધાં વાંચવા જેવાં કે લાઇબ્રેરીમાં સંગ્રહવા જેવા હોતા નથી; અને ખાસ કરીને ગામડાં કે કરબા પુસ્તકાલયને તેની પસંદગી કરવામાં બહુ શ્રમ પડે છે અને ઘણી વાર નિરર્થક, ટાયલાભર્યા ચિંથરીયાં પુસ્તકો લેવાઇ જાય છે, એ અટકાવવાને અને લાઈબ્રેરીઅનને અને નવલકથાના વાચકને કયું પુસ્તક વાંચવા લાયક કે ખરીદ કરવા લાયક છે એની પસંદગી કરવામાં માર્ગદર્શક થાય એ હેતુથી શ્રીયુત મોતીભાઈની પ્રેરણા અને સહાયતાથી પુસ્તકાલય સહાયક સહકારી મંડળે “વાતાં પુસ્તકોનો પરિચય-ભા. ૧” એ નામનું એક પુસ્તક બહાર પાડ્યું છે, એની નોંધ લેવી જોઇએ. આખું પુસ્તક તૈયાર થયે, આપણી નવલકથાઓ માટે તે એક ઉપયોગી રેફરન્સ પુસ્તક થઈ પડશે, એ વિષે અમને સંદેહ નથી.

લલિત કળા

પ્રકીર્ણ પુસ્તકોમાં ‘અભિનય કલા’ના નિબંધને પ્રથમ સ્થાન મળવું ઘટે છે. એ વિષયપર એ એકલું એક જ પુસ્તક છે અને તે પાંડિત્યભર્યું છે; અને નાટ્યશાસ્ત્ર વિષે માહિતી મેળવા ઉત્સુકને તે માર્ગદર્શક અને ઉપયોગી થશે; આટલે લાંબે ગાળે પણ તે જનતાને સુલભ કરવા બદલ લેખકનો આપણે જેટલો ઉપકાર માનીએ તેટલો થોડો છે. શ્રીયુત કિસનસિંહ ચાવડાનો ‘હિન્દી સાહિત્યનો ઇતિહાસ’ પણ એવું બીજું એક કિમતી પુસ્તક છે; અને તે પાછળ લેખકે સારો શ્રમ લીધો છે; પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તેની પૂર્તિરૂપ બાબુ શ્યામસુંદરદાસના નવા પુસ્તક પરથી બીજું એક પુસ્તક લખાય તો એ વિષય પર જાણવા જેવી બધી માહિતી ઉપલબ્ધ થઇ જાય.

પ્રકીર્ણ

શ્રીયુત બાપાલાલ વૈદ્ય ચુપકીથી કાર્ય કરનાર એક સારા લેખક છે. તેમનો ધંધો વૈદ્યનો છે; પણ સાહિત્ય અને લેખનકાર્યમાં ખૂબ રસ લે છે. એમનું ‘અભિનવ કામશાસ્ત્ર’ એક સરસ પુસ્તક છે. એ વિષય પર લખાયલાં પુસ્તકો ચાર પાંચ છે, એમાં પ્રસ્તુત પુસ્તકને પ્રથમ સ્થાન આપવામાં અન્ય લેખકોને અમે અન્યાય કરતા નથી, એમ અમારૂં માનવું છે. ઇંગ્રેજીમાં તે હમણાં હમણાં એ વિષય ખૂબ ચર્ચાય છે. તે સાહિત્ય તેમ ઉપલબ્ધ બંગાળી અને હિન્દીગ્રંથોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરીને આ પુસ્તક એમણે તૈયાર કર્યું છે; અને વાચકને તે મૂલ્યવાન, માહિતીપૂર્ણ અને આનંદદાયક જણાશે. ‘વૈદકીય કાયદાશાસ્ત્ર’ એમનું બીજું પુસ્તક પણ એટલુંજ મહત્વનું છે. Medical Jurisprudence વિષે ગુજરાતીમાં આટલું સાંરૂ લખાયલું બીજું કોઈ પુસ્તક અમારા જાણવામાં નથી. ગુજરાતી સાહિત્યને આ પ્રમાણે સમૃદ્ધ કરવા બદલ લેખકને કોણ ધન્યવાદ નહિ આપે?

પુસ્તક પ્રસિદ્વિ

વર્ષ દરમિયાન દેશમાં જબરજસ્ત અને સર્વવ્યાપી પરિવર્તન થઈ રહ્યું હતું અને લેખન કાર્ય માટે થોડો જ અવકાશ હતો; તેમ છતાં નવાં જુનાં પુસ્તક પ્રકાશનની સંખ્યા લગભગ ગયા વર્ષ જેટલી થાય છે અને શાળોપયોગી, ફાલતું અને વર્ગીકૃત યાદીમાં નહિ નોંધાયેલા એવાં પુસ્તકો એકંદર ગણત્રીમાં લેતાં દરરોજ બે પુસ્તકોની સરેરાશ આવી રહે છે. પણ આપણે માત્ર સંખ્યાથી રાચવાનું નથી; સંખ્યાની સાથે ગુણ પણ ભળે એ ખાસ અગત્યનું છે અને સંગીનતા કે સરસતાની દૃષ્ટિએ પ્રસ્તુત યાદી તપાસતાં એમ કહેવું પડશે કે બહુ થોડાં એવાં પુસ્તકો મળી આવશે કે જે લાંબો સમય વંચાવા ચાલુ રહેશે અને તે ચિરંજીવી શિષ્ટ ગ્રંથોમાં સ્થાન પ્રાપ્ત કરશે. હાલની સમુહાત્મક વસ્તુ ઉત્પાદન પદ્ધતિથી (mass production) અને યાંત્રિક બળથી બહુ મોટી સંખ્યામાં પુસ્તકો તૈયાર કરી શકાય; એટલુંજ નહિ પણ તેના પ્રચારાર્થે પણ વ્યવસ્થિત કાર્યક્રમ યોજી શકાય, એવાં સાધનો અને સવડ છે, પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એથી શું આપણી મુશ્કેલીઓનું નિવારણ થશે? સમાજમાંથી અજ્ઞાનતા દૂર થશે? જનતા એક પગલું આગળ વધશે? વાસ્તવિક રીતે સોવિએટ સત્તાની પેઠે, આપણી અત્યારની પરિસ્થિતિમાં સાહિત્ય પરિષદ અને સાહિત્યની જુદી જુદી સંસ્થાઓ તરફથી પાંચ વર્ષનો કાર્યક્રમ ગોઠવી કાઢી, પદ્ધતિસર પુસ્તક પ્રકાશનનું કાર્ય યોજવામાં આવે, –જેમાં આપણી બધી જરૂરિયાતોનો સમાવેશ થઈ જાય અને તેની સાથે પ્રચારકાર્ય અર્થે પ્રયત્ન થાય–તો એ કાર્યક્રમ વિશેષ ઉપકારક નિવડે. અને એ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિની અક્ષરજ્ઞાનની યોજના, શ્રીયુત મોતીભાઈ અમીનની પુસ્તકાલય પ્રવૃત્તિ; ભિક્ષુ અખંડાનંદની સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની પ્રચાર પદ્ધતિ; રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયના જેવું પુસ્તકોનું પસંદગી ધોરણ, સોસાઇટીની કાર્ય પ્રણાલિકા, સંસદ્‌ની લેખનશૈલી અને નવજીવનની સાત્ત્વિકતા વગેરે અંશો ભળે તો તેનું પરિણામ ઉત્તમ આવે એમ નિઃશંક કહી શકાય. પૂર્વે કદિ નહિ કલ્પેલું એવું અદ્‌ભુત અને અપૂર્વ દર્શન દેશને ગયે વર્ષે થયું હતું; અને નવયુવાન અને નવ યુવતીઓએ સ્વદેશ સેવાર્થે સ્વાર્પણની તત્પરતા, એકનિષ્ઠા, ઉત્સાહ અને જોમ દાખવ્યાં હતાં, તે જોતાં ખાત્રી થાય છે કે દેશોદય સમીપ છે; અને પ્રજા ધારેલી સિદ્ધિ પ્રાપ્ત કરશે. વળી કસોટીમાંથી પાર ઉતરેલી નવ ઉત્સાહિત ઉછરતી પ્રજા જે અનુભવ અને સંસ્કાર પામી છે, તેનો નિષ્કર્ષ તેઓ જનતાને નવું સાહિત્ય સરજી ધરશે, એવી આશા-યુરોપનું લડાઇ પછીનું નવું સાહિત્ય સર્જન લક્ષમાં લેતાં- રાખવી વધુપડતી નહિ ગણાય, અને તેમની એ સાહિત્યકૃતિઓ સ્ફૂર્તિદાયક, ચેતનવંતી, રસિક, સંસ્કારી, પ્રેરણાત્મક નિવડશે એવી સુંદર ભાવના સેવતા વિરમીશું.

હીરાલાલ ત્રિ. પારેખ


  1. તેના ખર્ચના આંકડા અને વિગતમાટે જુઓ ‘પબ્લિક ઓપિનિયન’-૩ જી જુલાઈનું , જેમાં વડા પ્રધાને પાર્લમેન્ટ સમક્ષ રજૂ કરેલ નિવેદનનો સાર આપ્યો છે.
  2. I submit this paper as an indication of the trend that the world will some day abandon the method of violent warfare and abandon the method of non-violent resistence in future attempt to secure the redress of international and internal wrongs.
    Haridas T. Mazmudar “Chicago University”
    (Reproduced from-the People, 26th July)
  3. જુઓ ગિજુભાઈ લિખિત ચોપાનીયું ‘બારડોલીની હિજરત’
  4. જુઓ વિગતો માટે પ્રસ્થાન, ફાલ્ગુન સં ૧૯૮૭; શ્રી ગગનવિહારીનો લેખ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.