કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ
Revision as of 09:29, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. આ રસ્તાઓ|ઉશનસ્}} <poem> મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં ઘૂસ...")
૨૭. આ રસ્તાઓ
ઉશનસ્
મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
ન પૂરું સૂવા દે; સ્વપન મહીં આવે નજરમાં.
વીંટાયા છે કેવા પૃથિવી ફરતા લેઈ ભરડા!
નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ-ગૂંથણી!
અરે, આ કૈં વાંકા ગલ જલધિનીરે જઈ પડ્યા!
હલાવું આ બીજા તરુવિટપ શા, તો મધપૂડા
ઊડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી!
મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :
રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી;
છતાં, હાવાં તો એ રખડુ-શું હૈયું એવું હળ્યું કે
હું સ્વર્ગેથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.
૧૯૬૫
(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)