દક્ષિણાયન/જોયો તામિલ દેશ

Revision as of 15:17, 7 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જોયો તામિલ દેશ


જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો
દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરણી આ તામ્રવર્ણી પરે
સ્રષ્ટા, જ્યાં દગ એહની નીરખવા સૌંદર્ય ગૈ ઉત્તરે –
ત્યારે ફેરવવું ચુક્યો, તદપ ના એ અંતરેથી ટળ્યો.







ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એ તો વધુ, તપ્ત એ
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ
એણે રત્નપ્રવાલભૂષિત દીધો હેરત શો ચંચલ!
ને એ પ્રીતમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દપ્ત તે!




કેવી દપ્ત સુતૃપ્ત ભૂમિરમણી આ નાથ-આશ્લેષથી;
રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની,
કંઠે કંઠ મળ્યા, ભળ્યાં ઉ ૨-ઉરો, શી સ્નેહસૌદામિની
પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી!



જોયો તામિલ દેશ; લેશ હરખ્યું ના સઘ મારું ઉર,
આવી ઉમ્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ —
દારિદ્રયે હત, વસ્ત્રવંચિત, નહીં એકેય શક્તિ-ઈપુ,
ના વર્ષા ભરપૂર, નીર નહિ વા રેલંત કોઈ પૂર.



રે આ તામિલ દેશ, ઠેશ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ
ઊંચાં ઉત્તર હૈમ હર્મ્સ વસવા? ના ચૌલ કે પાંડ્ય કો
એને સ્વાત્મપરાક્રમે નિજ વશે લેવા રહ્યો, જાડ્ય કો
જામ્યું; છો ઊતર્યા બપોર, પણ રે સન્માની લાલીય ગૈ?



તોયે શ્યામલ રાતમાં જનઉરે ઝંખા નહીં લુપ્ત થૈ,
શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌંદર્યની, જ્ઞાનની
વેદી દીપ્ત રહી, ક્યહીં લઘુ ક્યહીં મોટી, મહાયામિની
તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ.



જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે,
જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી,
જોયાં તોરણ દ્વારના રસવતા ભાસ્કર્યની શ્રી ભરી,
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે!



જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી,
શ્યામાંગે રસતી હરિદ્રવ્રુતિને, એકાદ યે પુષ્પથી
જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી!



જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની,
શીર્ષે લંબ શિખા, ત્રિપુંડ તિલકોનાં રમ્ય આલેખને
એકાદું ઉપવસ્રરદ્વિજ તણી શોભા બઢાવે,
બને સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની.

૧૦

જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે?
કે કો મોહક મૂર્છાને, રમણીના કો સ્નેહના કર્ષણે
તેનું સર્વસ રમ્ય લાગ્યું, વીસર્યો દોષો શું આછા ગુણે?
ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને.

૧૧

જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી
બીજે તે ત્યહીંયે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે
બીજાથી નીવડ્યો, ચડ્યો હૃદયના નિષ્કિંચના કો ગુણે,
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી.

૧૨

જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ મ્હેતાં ખીલી,
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જા ભરી,
જોયાં શ્યામલ બાળ મુગ્ધ ઉરને જાતાં જ એવું હરી,
જોયો જીવનનો કલાપ અહીંયે અન્યત્ર જેવો બલી.

૧૩

ને જોયું ત્યહીં એક કૌતક નવું અન્યત્ર ક્યાંયે ન જે,
ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે,
ના ધર્મે, ના શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે,
ના ગાઢ પ્રણયે ય – કિંતુ કથની તેની સમે કો બીજે!
જૂન, ૧૯૪૩ સુન્દરમ્