અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/મોભો
Revision as of 06:08, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોભો|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> ડર મને મારો જ થોડો હોય છે, કાચમા...")
મોભો
ચિનુ મોદી `ઈર્શાદ'
ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.
શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે?
પી જઉં પયગંબરોનાં પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
ઊંઘ આવે કે તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે?
હું ફરી ક્યાંથી હવે માણસ બનું?
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી!
મોતનો પણ એક મોભો હોય છે.
(‘કસબો’ સંગ્રહમાંથી)