અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં

From Ekatra Wiki
Revision as of 06:45, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિમાન કાગળનાં|સુમન શાહ}} <poem> વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિમાન કાગળનાં

સુમન શાહ

વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...
મારાં મૅસેન્જર્સ—
સૉરી, મને અંગ્રેજીની ટેવ નહીં તેથી ખોટું બોલાયું—
મારાં પૅસેન્જર્સ...
મકોડા વાંકોડિયા કીડીઓ કાળીને વળી ભમરા ય ખરા
ભ્રૂં ભ્રૂં થાય ભૂરું આ આ કા શ
સૌને બેસાડું બરોબર લાઈનોમાં સીટો પર ચપોચપ
ખભેથી દા દઈ સરખાં કરું સૌને
સૌને બંધાવું બેલ્ટ
મૂકાવું વધારાનો સામાન માથે —
ને પછી ઊડે મારાં પૅસેન્જર્સ ગગનમાં
ગગનોના ય ગગનમાં
ક્યારેક મને થાયઃ
માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન...?
પછી થાયઃ
કાગળનું તે ફસ્કી પડતું હશે વિષમ હવામાનમાં
અથવા અન્તરિક્ષમાં પેસી ખોવાઈ જતું હશે—
કે પછી ભાંગીને ભૂકો થઈ જતું હશે
અધવચાળે ક્યાંકઃ
વાદળી ભૂરાં પડોઃ પડોનાં પડો પડળો
નીચે ટ્રાફિકઃ રોડ રોડ પર લાલપીળીલીલી કારો
મનમાં જાંબનુંનું વૃક્ષ જૂનું હજી ઊભું ભૂંડું
ભૂરા આકાશમાં લીલી નારિયેળીનું ઝૂંડ
ભૂખરી ચડ્ડી પ્હેરેલો કથ્થાઈ ટી-શર્ટવાળો છોકરો
એના હાથમાં ફૂટબોલ
ગરીબોનાં ઝૂંપડાંને ગોટવતો ચૂલાઓનો કડુચો ધુમાડો
ઘેટાં વ્હેતાં નિરન્તર ઢોળાવો પર ધોળું
ડચકાતું ડચકતું ધીમું કશું સપનું
સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો
દોરી જેવું વળતો
છોડોઃ
બપોરા થઈ ગયા ને ઊતરી આવી સાંજ
પશ્ચિમેથી રોજ આવતી ગૂડ્ઝટ્રેન પણ આવી
ને ગઈ... વ્હીસલ...
પ્રસરે લાલિમા, ના કાલિમા
તમરાં વ્હેંચી ખાય અંધારું દૂધનો વાટકો
મરચું ને રોટલો
ટીવી પર ન્યૂઝઃ
મિસ્ટર હાન્સઃ જરા આંગણામાં ડોકું કાઢો તો—
તમારું એક વિમાન પાછું આવ્યું છે
અધવચ્ચેથી
કંઈક ગરબડ છે કૉકપિટમાં—
હું લચકતો-લચકાતો વળું એ ભણી
જે ભણી કૉક ને પિટ
શું—?—?
મારા કાન આંખોમાં ભળે ને હોઠ થાય હવા
તરે નરી નજર
ને આકાશ
જોઉં તો
મારું માથું મારા ખોબામાં...