લઘુ સિદ્ધાન્તવહી/સંસ્કૃતિ-મીમાંસા

From Ekatra Foundation
Revision as of 01:32, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સંસ્કૃતિ મીમાંસા

અનુવાદમીમાંસા (translation studies)ની જેમ આજે સંસ્કૃતિમીમાંસા (cultural studies) પણ સ્વતંત્ર વિદ્યાશાખા રૂપે વિકસી રહી છે. અનુઆધુનિકતાવાદ ઉચ્ચ સંસ્કૃતિ (high culture) અને જનપ્રિય સંસ્કૃતિ (popular culture)ની ભેદરેખાઓને ભૂંસવાનો પ્રયત્ન કરે છે, તે સમયે સમાજવિજ્ઞાનીઓ, નૃવંશશાસ્ત્રીઓ, સાહિત્યના સિદ્ધાન્તકારો અને વિવેચકો સંસ્કૃતિમીમાંસા સાથેની અને માધ્યમો, જનપ્રિય સંસ્કૃતિ સાથેની સમાજવિચારની સંગતતા અંગે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એટલું જ નહીં, સમાજ અને કલાઓ અંગેનાં લખાણોમાં પ્રધાનપણે વર્ચસ્ ભોગવતી સંસ્કૃતિની વ્યાખ્યા કરવામાં ગૂંથાયા છે. સંસ્કૃતિની વિભાવનાને વિવિધ લોકોએ વિવિધ રીતે ઉપયોગમાં લીધી છે. નૃવંશશાસ્ત્રીઓને મતે સંસ્કૃતિ સંગ્રથન કરતી કેન્દ્રસ્થ વિભાવના છે. સંસ્કૃતિ માન્યતાઓ અને મૂલ્યોની તરેહોને નિર્દેશે છે. પેઢી દરપેઢી હસ્તાંતરણ પામતી વસ્તુઓ અને સંસ્થાઓમાં સંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે. કેટલાક સંસ્કૃતિને પ્રતીકોના ઉપાદાન દ્વારા સંક્રાન્ત થતી અને સામાજિક રીતે ગ્રહણ થતી સમસ્ત વ્યવહારની રચના માટેનું સામૂહિક નામ ગણે છે, કેટલાક આંતરશિક્ષણ (interlearning) એના પાયામાં છે એવો મત ધરાવે છે, તો કેટલાક નિયમનિયંત્રિત, પ્રતીકઆધારિત એવાં પ્રશિક્ષિત વ્યવહાર અને માન્યતાઓ પેઢીદરપેઢી આગળ વધે છે એને સંસ્કૃતિ આવરી લે છે એવું તારણ કાઢે છે. ટૂંકમાં, કેળવણી દ્વારા મનુષ્યમાં અંતર્ગત થયેલી આચારસંહિતા સંસ્કૃતિમાં મોજૂદ હોય છે. જ્યારે જ્યારે કલાઓના સંદર્ભમાં ‘સંસ્કૃતિ’ સંજ્ઞાનો ઉપયોગ થાય છે ત્યારે ત્યારે એ ચોક્કસ પ્રકારની કલાને વર્ણવે છે. શાસ્ત્રીય નૃત્યો, વંચાતી પ્રશિષ્ટ કવિતા કે નવલકથાઓ, શાસ્ત્રીય સંગીત વગેરે સામાન્યતઃ એવા ભાવકોની અપેક્ષા રાખે છે, જેમની રુચિ અને સંવેદના કેળવાયેલી હોય. પરંતુ ઘણીવાર એવું બને કે આ બધી કલાઓમાં રસ ન લેતો હોય તે કેળવાયેલો નથી એમ માનીને ચાલવામાં આવે છે, જે તદ્દન અસંગત છે. આનો અર્થ એ થયો કે અન્ય પ્રકારની પણ એક સંસ્કૃતિ છે, જે જનપ્રયિ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, જેમાં કૉમિક સ્ટ્રિપ્સ, ટેલિવિઝનના કાર્યક્રમો, રેડિયો રૂપકો, ધારાવાહી નવલકથાઓ, જાસૂસકથાઓ, વિજ્ઞાન-કથાઓ, સૌન્દર્ય-સ્પર્ધાઓ, રમતગમતો વગેરેનો સમાવેશ થઈ શકે. ક્યારેક એવું બને છે કે ક્યાં જનપ્રિય કલા ઉચ્ચ કલા બની જાય છે અને ક્યાં ઉચ્ચ કલા જનપ્રિય કલા બની જાય છે એ કહેવું મુશ્કેલ બને છે. ‘સરસ્વતીચન્દ્ર’ ચલચિત્રમાં ઢળે કે શરદબાબુની ‘શ્રીકાન્ત’ ટેલિશ્રેણીમાં ઢળે તો તેથી એ જનપ્રિય કલા બને? ઘણા વિવેચકો અને સાંસ્કૃતિક સિદ્ધાન્તકારો દલીલ કરે છે કે કોઈ આત્યંતિક નમૂનાઓ બાદ કરતાં ઉચ્ચ કલા અને જનપ્રિય કલામાં ઘણું સરખાપણું છે. ખાસ્સી જગ્યાએ આ બંને કલાઓ એકબીજાને આંતરે છે. કેટલીક વાર તો એવું પણ જોવા મળે છે કે ઉચ્ચ સંસ્કૃતિમાં રસ લેનારો જનપ્રિય સંસ્કૃતિની પણ રુચિ ધરાવે છે. કેટલાક શનિવારની રાત્રે શાસ્ત્રીય સંગીતની બેઠકમાં ગયા હોય અને રવિવારે બપોરે ડાયરાનો આનંદ લેતા હોય. તો કેટલાક વળી બપોરે પ્રશિષ્ટ નવલકથા વાંચતા હોય અને સાંજે ટી.વી.ની સામે ગોઠવાઈને રંજક કૉમેડીને માણતા હોય છે. આ બધા પરથી એક વાત ધ્યાન પર આવે છે કે કેટલાક આત્યંતિક નમૂનાઓમાં આ બે સંસ્કૃતિ વચ્ચેનો ફરક તરત જણાઈ આવે છે, પણ અન્યથા આ બે વચ્ચેનો ભેદ કરવો ઘણો મુશ્કેલ છે. બીજું, સૌંદર્યધોરણોના સંદર્ભમાં આ બંને સંસ્કૃતિઓની ચર્ચા કરવી અને એના ચાહકવર્ગની તેમ જ એ બંનેના સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવની અવગણના કરવી એનો કોઈ અર્થ નથી. જનપ્રિય સંસ્કૃતિનો અભ્યાસ આજે ઉચ્ચ સંસ્કૃતિના અભ્યાસ સાથે સાંકળી દેવામાં આવ્યો છે અને એ સાથે એક નવી વિદ્યાશાખા ‘સંસ્કૃતિમીમાંસા’ હયાતીમાં આવી છે. સમાજવિજ્ઞાનીઓ, નૃવંશશાસ્ત્રીઓ, રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓ, ફિલસૂફો, માનવવિદ્યાના જાણકારો અને અમેરિકા-મીમાંસા (American studies) તેમ જ પ્રત્યાયન-ક્ષેત્રના નિષ્ણાતો ઉચ્ચ કે નિમ્ન સંસ્કૃતિનો ભેદ પાડ્યા વગર એકસરખો રસ લઈ રહ્યા છે. એમને કોઈ પણ સંસ્કૃતિ વિશ્લેષણયોગ્ય અને અર્થઘટનયોગ્ય લાગી છે. અનુઆધુનિકતાનું આ મહત્ત્વનું લક્ષણ છે. આ જ લક્ષણ આજે બહુસંસ્કૃતિવાદ (multiculturalism)ના ક્ષેત્રમાં ખેંચી જઈ રહ્યું છે. સંદર્ભ : ‘કલ્ચરલ ક્રિટિસિઝમ’, આર્થર એસા બર્જર (સેજ પબ્લિકેશન્સ)