લઘુ સિદ્ધાન્તવહી/શિલરના બે પ્રકારના લેખકો

From Ekatra Foundation
Revision as of 02:09, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫

શિલરના બે પ્રકારના લેખકો

કલા જીવન માટે, કલા નીતિ માટે, કલા કલા માટે - એવા જુદા જુદા કલા પરત્વેના અભિગમો છે. એમાં ‘કલા મુક્તિ માટે’નો અભિગમ જર્મન ફિલસૂફ શિલરે જે વહેતો કરેલો એને આજના સંદર્ભમાં સ્મરવા જેવો છે. આપણે ત્યાં પણ सा विद्या या विमुक्ते એવું સૂત્ર મળે છે ખરું. પરંતુ શિલર દ્વારા જે મુક્તિનો અભિગમ પુરસ્કૃત થયો છે, એની પાછળ શિલરનું મૂળભૂત દર્શન પડેલું છે. અઢારમી સદીનો શિલર આજની એકવીસમી સદીમાં પણ એટલો જ સંગત રહ્યો છે. માહિતીની છીછરી સપાટી પર ઊછરતી સાયબરપેઢીને અજવાળી શકે એવું કૌવત એની વિચારણામાં હજુ પડેલું છે. આમ તો શિલરે જે મનુષ્યજાતિના ત્રણ તબક્કાની વાત કરી છે એ વ્યક્તિગત મનુષ્યને પણ લાગુ પડે તેવી છે. શિલરે મનુષ્યજાતિને ત્રણ તબક્કામાં જોઈ છે. શિલરે મનુષ્યજાતિના પહેલા તબક્કાને જરૂરિયાતનો તબક્કો (notstaat-need state) કહ્યો છે. પૂરા મનોવૈજ્ઞાનિક અર્થમાં એ સાચું છે. આ તબક્કામાં મનુષ્ય કેવળ આવેગો અને ઇચ્છાઓથી દોરાતો હોય છે. જેમાં એની સામે કોઈ આદર્શ હોતો નથી. અને એકબીજા સાથે બાખડે છે. જંગલનો નિયમ જ એમાં કામ કરે છે, શિલર આ પહેલા તબક્કાને જંગલી તબક્કો (savage state) પણ કહે છે. મનુષ્યજાતિનો બીજો તબક્કો તર્કનો તબક્કો (vernunftstaat-reason state) છે, જેને શિલર બર્બર તબક્કો પણ કહે છે. અહીં મનુષ્ય પોતાની સ્થિતિ સુધારવા માટે જડ અને ચુસ્ત નિયમોનું પાલન કરે છે અને જાણ્યાબૂજ્યા વગર કે એની સામે પ્રશ્ન ઉઠાવ્યા વગર પોતાની બહારની સત્તાનો સ્વીકાર કરે છે. શિલરે દર્શાવેલો ત્રીજો તબક્કો એને મન મહત્ત્વનો છે. આ તબક્કો ક્રીડાનો તબક્કો (spieltrieb-play drive) છે. એમાં મુક્તપણે કલ્પના કરે છે અને મુક્તપણે શોધ કરે છે. શિલર માને છે કે એક વારનો તર્ક અને આવેગના તથા જરૂરિયાત અને સ્વતંત્રતાના ભેદ વગરનો મનુષ્યજાતિનો લુપ્ત સુવર્ણકાળ છે. મનુષ્યો એ સુવર્ણકાળને પુનઃ પ્રાપ્ત કરે છે. મનુષ્ય પોતાનો મૂળભૂત સ્વરૂપને પામે છે અને આવું મોટા ભાગે કલા દ્વારા બને છે. કલા દ્વારા મુક્તિ મળે છે. શિલરની આ વાત વ્યક્તિગત સ્તરે પણ સાચી છે. વ્યક્તિગત જીવનનો ઘણોખરો ભાગ જરૂરિયાતોમાં પૂરો થતો હોય છે. કેટલોક ભાગ સામાજિક, આર્થિક કે રાજકીય રૂઢિઓને વશ થવામાં પૂરો થતો હોય છે, પણ થોડો ભાગ એવો છે જે આપણે કલ્પના માટે, આપણી અંગત શોધ માટે રાખીએ છીએ. આ ભાગમાં જ કલા આપણને મુક્તિ બક્ષે છે. બીજી રીતે કહીએ તો મનુષ્ય કદાચ એકીસાથે આ ત્રણે સ્તરે જીવતો હોય છે. કલા મુક્તિ બક્ષે છે એની પણ બે મુખ્ય રીતિઓ પરત્વે શિલરે ખાસ ધ્યાન ખેંચ્યું છે. ઈ.સ. ૧૭૯૫ના લખાયેલા એક લેખ ‘Uber Naive and Sentimentalische Dichtung’ માં શિલર બે પ્રકારના લેખક ગણાવે છે.. પહેલા પ્રકારનો સહજમતિ લેખક (naive writer) એની ભાષા, એની પરિસ્થિતિ, એના પરિવેશ સાથે એકરૂપ અને સુખરૂપ હોય છે. એને મળેલી રૂઢિઓ અને પરંપરાનો એ છૂટથી ઉપયોગ કરે છે. અને એના લેખનમાં એક પ્રકારની પ્રસન્નતા, શુદ્ધિ અને ઉલ્લાસ જોવાય છે. બીજા પ્રકારના અસહજમતિ લેખક (sentimentalist writer)નો એની ભાષા, એની પરિસ્થિતિ, એના પરિવેશ સાથેનો સંબંધ સંઘર્ષમય હોય છે. રૂઢિઓ અને પરંપરાની એને ચીડ રહે છે. એ અશાંત રહે છે. ઉલ્લાસ અને પ્રશમને સ્થાને પ્રકૃતિ અને સમાજ સાથેનો તણાવ કે વિચ્છેદ એમાં પ્રબળપણે જોવાય છે. બીજી રીતે કહીએ તો સહજમતિ લેખક પોતાના અને પરિસ્થિતિ વચ્ચેના કોઈપણ ભેદ અંગે સભાન નથી હોતો, જ્યારે અસહજમતિ લેખક પરિસ્થિતિથી પોતાના વિચ્છેદ અંગે સભાન હોય છે. પહેલા લેખકને મન અભિવ્યક્તિ નૈસર્ગિક છે, એ જે જુએ છે તે અપરોક્ષ જુએ છે. એનાથી વિપરીત બીજો લેખક પ્રમાણમાં આયાસસિદ્ધ કશુંક સ્વાયત્ત રચવા મથે છે. વીતેલા આધુનિક યુગ અને પ્રવર્તમાન અનુઆધુનિક યુગની સાહિત્યશૈલીઓનો વિચાર કરીએ છીએ ત્યારે શિલરના બીજા લેખકને સ્થાને હવે પહેલા લેખકે કબજો લીધો છે એવું સ્પષ્ટ જણાશે. અને એના પ્રકાશમાં નવેસરથી બંને સાહિત્યશૈલીઓનો વિમર્શ પણ કરી શકીએ.