લઘુ સિદ્ધાન્તવહી/લેખકના ચૈતસિક હવામાનની સ્વીકૃતિ

Revision as of 02:11, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૬

લેખકના ચૈતસિક હવામાનની સ્વીકૃતિ

અમેરિકાના બૌદ્ધિકોના ઈતિહાસમાં ચૉન્સી રાઈટ (Chauncey Wright) (૧૮૩૦-૧૮૭૫)નું નામ બહુ જાણીતું નથી. પણ ફિલસૂફી, ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ એને જે પ્રકારના વસ્તુનિષ્ઠાવાદ (positivism) તરફ લઈ ગયો અને એ વસ્તુનિષ્ઠાવાદમાં જે પ્રકારે એણે ‘હવામાન’ (weather)નું પ્રતિમાન ખપમાં લીધું તેમજ સમસ્ત કારકિર્દી દરમ્યાન હવામાનના પ્રતિમાનને જીવનની સમજ માટે અખત્યાર કર્યું એ આખી ઘટના રસપ્રદ છે. એના શરૂના લેખોમાં ‘પવનો અને હવામાન’ (૧૮૫૮) લેખ અગ્રસ્થાને છે. હવામાનને સમજાવતાં રાઈટ કહે છે કે બધા જ જાણે છે, હવામાન શુદ્ધપણે ભૌતિક કાર્યકારણની નીપજ છે, અને છતાં કોઈ હવામાનનો નિશ્ચિતતાપૂર્વક વરતારો કરી શકતું નથી. આગળ વધીને કહે છે કે એવું નથી કે દરેક ઘટના એ સંપૂર્ણપણે નિર્ધારિત નથી. દરેક ઘટના નિર્ધારિત છે. પણ એ ઘટનાનાં કારણો અને એ કારણો કઈ રીતે કાર્યરત બને છે એનું નિશ્ચિત્ત જ્ઞાન આપણને હોતું નથી. સિક્કો ઉછાળવા જેવી તદ્દન સામાન્ય લાગતી ઘટના પાછળ અગણિત અંગોની સંભવિતતા કાર્ય કરે છે, પણ એ સર્વ અધિગમ્ય નથી. રાઇટ આને પ્રકૃતિગત પસંદગીનો સિદ્ધાન્ત (the principle of the theory of natural selection) કહે છે. રાઈટ એનું પગેરું છેક બાઇબલના સેન્ટ જોનમાં શોધે છે, જેમાં ઈશુ ખ્રિસ્ત અને ફેરિસી યહૂદી નિકોડેમસનો કિસ્સો નોંધાયેલો છે. ઈશુ ખ્રિસ્ત નિકોડેમસને કહે છે : ‘પવન ઊઠે છે, વાય છે અને તું એનો અવાજ સાંભળે છે, પણ તું કહી શકે એમ નથી કે એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.’ ટૂંકમાં, રાઈટનો હવામાનની અસ્થિરતા (fickleness)નો સિદ્ધાન્ત છે, જેને એ વૈશ્વિક હવામાન સુધી પ્રતિમાન તરીકે લંબાવે છે અને બતાવે છે કે પરિવર્તન એક જ નિયમ હોઈ શકે. એમાં વિકાસ કે અવનતિ જોવાં નિરર્થક છે. બે પરસ્પરવિરોધી ઉષ્ણતા (heat) અને ઘનતા (gravitation)ના નિયમો વિખેરી વિખેરીને બધું સંયોજિત કરે છે અને સંયોજિત કરી કરીને બધું વિખેરે છે - વિખેર્યા કરે છે. કોઈકે આ જ કારણે રાઇટના આ શુદ્ધ ઘટનાના વિશ્વને માટે કહ્યું છે કે એનું વિશ્વ (Universe) નથી, પણ ન-શ્વ (nulliverse) છે. પરંતુ રાઈટ એના નશ્વમાં કશાયને નિતાન્ત અકસ્માત નથી ગણતો. બધે કાર્યકારણ છે. પણ આપણી મર્યાદાઓ, અપૂર્ણતાઓ અને સીમિતતાઓને કારણે એ આપણને અવગત નથી. વિશ્વમાં આવતી કે ચિત્તમાંથી આવતી કોઈ પણ નીપજ એ કોઈક ને કોઈક પ્રક્રિયાની નીપજ છે, રૂપાન્તર કે પરિવર્તન છે. પરિવર્તનમાંથી કોઈ બાકાત નથી. રાઈટનું હવામાનનું પ્રતિમાન એની વિચારણઆના બળે આપણને કલા કે સાહિત્યના ક્ષેત્રે ખેંચી લાવે એ સ્વાભાવિક છે. શબ્દો પર શબ્દો, પંક્તિઓ ઉપર પંક્તિઓ દ્વારા કોઈપણ સાહિત્યરચનામાં એક આબોહવા રચાય છે એ વાત સાચી, પણ આ રચના કોઈ એક ચોક્કસ ચૈતસિક આબોહવામાંથી આવેલી હોય છે એનો અસ્વીકાર હવે કરી શકાય તેમ નથી. શબ્દની બાજુમાં ગોઠવાતો શબ્દ કે પંક્તિની બાજુમાં ફૂટતી પંક્તિ શી રીતે અને શા માટે ઊતરી આવે છે? આની પાછળ કાર્યકારણ તો છે જ. એના સંભવિત નિયમો પણ હશે. પરંતુ લેખકની મનઃસ્થિતિની બદલાતી ભૂમિકાઓ અને એ ભૂમિકાઓને સમજવા માટેનાં ઉપકરણો ન હોવાથી નિશ્ચિતતા સાથે લેખકના ચૈતસિક હવામાનનું પૂર્વાનુમાન કરી શકાય તેમ નથી. પણ સાહિત્યરચના એ કોઈ ચૈતસિક હવામાનમાંથી આવેલી પ્રક્રિયાગત નીપજ છે, એનો સ્વીકાર, એનો સમજણપૂર્વકનો સ્વીકાર સાહિત્યરચનાની સમજમાં એક પરિમાણ જરૂર ઉમેરી શકે. સાહિત્યક્ષેત્રે સાહિત્યમાંથી સાહિત્યકારની વિગતોને શોધવાના પ્રયત્નો દ્વારા આપણે ઘણી વાર ચિકિત્સામૂલક દોષ (therapeutic fallacy) વહોરીએ છીએ. એ રીતે લેખકની વેદના કે યાતનાનો તાળો એનાં લખાણોમાં ચિકિત્સારૂપે મેળવવા જ્યોર્જ પૂલેએ સૂચવેલો માર્ગ રાઇટના પ્રતિમાનને અનુકૂળ થાય તેવો છે. પૂલેએ કહ્યું છે કે લેખકનો કોઈ એકાદો પત્ર, કોઈ ડાયરીની નાનકડી નોંધ, કોઈ દસ્તાવેજમાંથી નાની સરખી માનસિક વિગત એનાં લખાણો પર પ્રકાશ પાડી શકે તેમ હોય છે. કારણ, એ વિગત લેખકની જે તે સમયની ચૈતસિક આબોહવાનો અણસાર આપે છે. અને એ રીતે લેખકની સહેજસાજ ઉપલબ્ધ ચૈતસિક આબોહવા વચ્ચે એની સાહિત્યરચનાને તપાસતાં રચનાના આસ્વાદને થોડીક નક્કર ભૂમિકા પર મૂકી શકાય છે.