લઘુ સિદ્ધાન્તવહી/વિદ્વાનની વ્યાખ્યા

Revision as of 02:27, 26 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૪

વિદ્વાનની વ્યાખ્યા

કેટલાક આચાર્યોએ કવિની શક્તિબીજરૂપ પ્રતિભાનો મહિમા જરૂર કર્યો છે પણ એ પ્રતિભાને ‘સંસ્કાર્યા’ બનાવવાનો આગ્રહ પણ સેવ્યો છે. પ્રતિભાને સંસ્કારનારાં બે પરિબળ છે : વ્યુત્પત્તિ અને અભ્યાસ. વ્યુત્પત્તિમાં શાસ્ત્રનિપુણતા, બહુશ્રુતતા સૂચવાય છે - ટૂંકમાં વિદ્વત્તા સૂચવાય છે. ઉમાશંકરનો જ દાખલો લો. ઉમાશંકરને કવિ કહો, વાર્તાકાર કહો, નાટકકાર કહો, સંપાદક કે સંશોધક કહો તો એને વિશે સ્પષ્ટ કશુંક કહી શકાય છે. પણ ‘વિદ્વાન ઉમાશંકર’ એટલે શું? ‘વિદ્વાન’ની વ્યાખ્યા શી હોઈ શકે? સંસ્કૃત સુભાષિત વિદ્વાનની વ્યાખ્યા કરવાનું સાહસ કરે છે : सत्यं तपो ज्ञानमहिंसता च विद्वत्प्रणामं च सुशीलता च । एतानि यो धारयते स विद्वान, न केवलं यः पठते स विद्वान् ॥ (સત્યે તપે જ્ઞાન અહિંસતાથી, વિદ્વત્પ્રમાણે વળી શીલતાથી / વિદ્વાન વિદ્વાન કહેવાય, બાકી વિદ્વાન ના માત્ર પઠ્યે જવાથી.) આ સુભાષિત માત્ર પડ્યે જતાં, કેવળ વાંચ્યે જતાંને વિદ્વાન કહેવા સંમત નથી. એટલે કે બહુશ્રુત હોવા માત્રથી એ વિદ્વાન નથી અથવા બહુશ્રુતનો, વિદ્વાનનો અર્થ અહીં વધુ મુકરર કર્યો છે, એમ કહીશું. વાચનની સાથે સંકળાયેલી વિકસિત થતી અન્ય પ્રક્રિયાઓનો પણ અહીં ખ્યાલ કરવામાં આવ્યો છે. આ માટે આ સુભાષિતમાં ગણાવેલાં લક્ષણોને યથાતથ એમ ને એમ ન સ્વીકારતાં આજના સંદર્ભમાં એને ખોલવાં પડશે. આ સુભાષિતમાં છ લક્ષણો ગણાવ્યાં છે : સત્ય, તપ, જ્ઞાન, અહિંસતા, વિદ્વત્પ્રમાણ અને સુશીલતા. કોઈ પણ વિદ્વાન માટે એનું ધ્યેય સત્યની શોધ હોવું જોઈએ. સાહિત્યનું સત્ય, તથ્યોને અતિક્રમીને કઈ રીતે પ્રગટ થાય છે અને સત્ય સાપેક્ષ હોવાથી સાહિત્યકૃતિ સંદર્ભે એનું મૂલ્ય કઈ રીતે ઊપસે છે એની સતત શોધ એનું લક્ષ્ય બને છે. તપ દ્વારા કઠોર પરિશ્રમ અને એકાગ્રતા સૂચવાય છે. કૃતિનો સુન્દર ચહેરો કઠોર પરિશ્રમમાંથી અને એકાગ્રતામાંથી જન્મતો હોય છે. પ્રતિભા પ્રારંભ કરે છે પણ માત્ર પરિશ્રમ જે એને પૂર્ણ કરે છે. કવિતાનું, કથાનું, વિવેચનનું કે સંશોધનનું આયોજન, છંદ, પાત્ર કે વિગતનું ચયન, એને અવતારવા વિકલ્પોમાંથી પસાર થતો સંકુલ માર્ગ - આ બધામાં દેખીતો જોઈ શકાય એવો અને ભાગ્યે જ નજરમાં આવે એવો કેટકેટલો પરિશ્રમ એમાં નિહિત હોય છે. જ્ઞાન, અન્તઃસૂઝ અને દર્શનનો ખ્યાલ આપે છે. સંર્જન, વિવેચન કે સંશોધનની સામગ્રી સાથે આ બે વિના ભાગ્યે જ ઝૂઝી શકાય છે. સર્જક, વિવેચક કે સંશોધકે પગલે પગલે અર્થઘટનમાં ઊતરવું પડે છે. અને આ અર્થઘટન માટે એની પાસે ભાષાથી માંડી અનેક શાસ્ત્રોના પરિમાણની અપેક્ષા છે. અહિંસતા એ કવિ, વિવેચક કે સંશોધકની, કહોને કોઈ પણ વિદ્વાનની સંવેદનશીલતા છે. પોતામાંથી બહાર આવી નિષેધમૂલક સંવેદના (Negative Capability) દ્વારા-પ્રાણવિનિમય દ્વારા એ પોતાનો વિસ્તાર ન કરે તો એ અહિંસક બની શકે જ નહીં. વિદ્વાનનો ચેતોવિસ્તાર આ સંવેદનશીલતાને આધારે જ શક્ય છે. અને તો જ એ રસશાસ્ત્ર દર્શાવે છે એવી સમાધિ અવસ્થામાં કે વિગલિત ચિત્તઅવસ્થામાં પહોંચી શકે છે. સાહિત્યમાં અહંવિસ્તાર એ અહંલોપની દિશા છે. વિદ્વત્પ્રમાણ દ્વારા માત્ર શારીરિક આદરનું સૂચન નથી પણ અન્ય વિદ્વાનો પ્રતિની સહૃદયતાનું સૂચન છે. વારંવાર અન્યોની ઉપપત્તિઓનું સેવન વિદ્વાનને એની દિશા ચીંધે છે અને એની પોતાની દશાને ઉદાત્ત પણ કરતું ચાલે છે. બીજી રીતે કહીએ તો એને પોતાને પોતાની સ્થિતિ પરત્વે પ્રતિપોષણ (feedback) આપતું આવે છે. આ પ્રતિપોષણ વિના કોઈ પણ વિદ્વત્તા અંધ અને બધિર છે. અંતે, સુશીલતા જોઈએ. ‘શીલ’ દ્વારા ચારિત્ર્ય સૂચવાય છે, એનો અર્થ વિસ્તરીને વ્યક્તિત્વ (personality) પાસે પહોંચે છે. વિદ્વત્પ્રમાણ દ્વારા અન્યોને આદર આપવા જતાં પોતા પરત્વે અનાદર ન થાય, એના પોતાના જ વ્યક્તિત્વનો લોપ ન થાય, એનું સૌથી વધારે અગત્યનું અહીં સૂચન છે. અન્ય વિદ્વાનોની સામગ્રીઓ આવે, વિચારધારાઓ આવે, પણ પોતાનું વ્યક્તિત્વ એમાં શોષાઈ કે ચુસાઈ ન જાય, પોતાની મુદ્રા ભૂંસાઈ ન જાય-બલ્કે સદા પોતાની મુદ્રા અંકિત રહે એની તકેદારી રાખવાની છે. આમ, આ લક્ષણોમાંથી વિદ્વત્તા અંગે સૂચવાતું માળખું અભિગ્રહણ-સામર્થ્ય (receptive Competence), આકલન-સામર્થ્ય (Assimilative Competence), અર્થઘટન-સામર્થ્ય (Interpretative Competence), સ્મૃતિનિર્ધારણ-સામર્થ્ય (Retentive Competence) અને વિનિયોગ-સામર્થ્ય (Applicative Competence)નું બનેલું છે એવું તારણ સહેલાઈથી થઈ શકે.