લઘુ સિદ્ધાન્તવહી/મનોધાર્મિક દિશાઓની ઉપલબ્ધિ
મનોધાર્મિક દિશાઓની ઉપલબ્ધિ
ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળના ભક્તિ આંદોલન સંદર્ભે અને ખાસ તો પ્રેમલક્ષણા ભક્તિ સંદર્ભે ગોવર્ધનરામના અને ન્હાનાલાલના વીસરાયેલા વિચારોને જોઈએ છીએ અને આજના મનોવિજ્ઞાનની મનોધાર્મિક (psychoreligious) દિશાઓને જોઈએ છીએ ત્યારે એના પ્રકાશમાં સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રેમસખી પ્રેમાનંદ જેવા કવિની રચનાઓને જેટલી સ્વાભાવિકતાથી આજ સુધી સ્વીકારી શકાતી હતી એટલી સ્વાભાવિકતાથી સ્વીકારી શકાતી નથી. ગોવર્ધનરામે ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ અને સમાજ તેમજ નીતિરીતિ પર એમની અસર’ (૧૮૯૪)માં ભક્તિ આંદોલન અનુષંગે ભક્તિના નવા તંત્રને સમજાવતાં હેન્રી માય્નનો ‘કલ્પિત’ (fiction)નો સિદ્ધાન્ત આગળ ધરી દર્શાવેલું કે જૂની અને નવી પેઢીનું ઘર્ષણ ટાળવા માટે સમાજ ઘણી વાર ‘કલ્પિત’નો આશ્રય લે છે. મધ્યકાળની ગુજરાતી પ્રજાએ આક્રમણો વચ્ચે, તેથી જ, ‘કૃષ્ણ’ કે ‘અંબા’નું કલ્પિત અંકે કર્યું છે. નરસિંહ અને મીરાંની પ્રેમલક્ષણા ભક્તિમાં કૃષ્ણ પુરાકલ્પન છે, કલ્પના છે, કલ્પિત છે. બંને કવિઓ આ ‘કલ્પિત’ કે કલ્પનાને હકીકતમાં લાવવા, એને પ્રત્યક્ષ કે મૂર્ત કરવા મથે છે. નરસિંહ અને મીરાંની આ પરંપરામાં પ્રેમસખી પ્રેમાનંદે કામ તો કર્યું છે, પણ એમાં મધ્યકાળમાં ભાગ્યે જ ઉમેરાયું હોય એવું અંગતતાનું તત્ત્વ ઉમેરાયું છે. પ્રેમસખીએ નરસિંહ-મીરાંની જેમ કૃષ્ણને તો રચનાના કેન્દ્રમાં લીધા છે, પરંતુ ઘણીવાર પોતાની નિકટવાસી વ્યક્તિ સહજાનંદને પણ કૃષ્ણ માનીને કેન્દ્રમાં રાખી છે. એટલે કે પ્રેમસખીની રચનાઓમાં બે કૃષ્ણ છે : એક પુરાકથાના કૃષ્ણ છે, તો અન્ય, સહજાનંદ રૂપે કૃષ્ણ છે. પ્રેમસખીનો વિશેષ, કૃષ્ણ રૂપે રજૂ કરાતો, સહજાનંદ અંગેની રચનાઓમાં જોઈ શકાય છે. નરસિંહ-મીરાં કલ્પનાને હકીકતમાં ફેરવવા મથે છે, તો પ્રેમસખી સહજાનંદની હકીકતને અતિશયોક્તિથી કલ્પનામાં ફેરવવા મથે છે. આમ કરવામાં પ્રેમસખીએ પરંપરાનાં રૂપો, પરંપરાની શૈલી અને પરંપરાના ઢાળો લીધા હોવા છતાં પોતાની અંગતતાથી અને પોતાના ભાવવિશ્વના સંસ્પર્શથી રચનાઓને એકદમ સજીવ (emotionally electrified) કરી છે. નોબેલ ઈનામ વિજેતા રસાયણશાસ્ત્રી મેરી ક્યૂરીએ કહેલું કે વિજ્ઞાનક્ષેત્રે આપણને વસ્તુઓમાં રસ હોવો જોઈએ, વ્યક્તિઓમાં નહીં. આનાથી ઊલટું, સાહિત્યક્ષેત્ર માટે કહી શકાય કે આપણને વસ્તુઓમાં નહીં, વ્યક્તિઓમાં રસ હોવો જોઈએ. પ્રેમસખીની રચનાઓમાં વ્યક્તિસંબંધ કઈ રીતે આકાર ધારણ કરે છે એ મહત્ત્વનો વિષય બને છે. સહજાનંદને કૃષ્ણ માનીને ચાલેલી રચનાઓમાં એક બાજુ સહજાનંદ પર કૃષ્ણનું આરોપણ કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ પ્રેમસખીએ પારંપરિક ગોપીભાવનું પોતા પર આરોપણ કર્યું છે. આ રચનાઓ આમ બે પ્રકારનાં આરોપણો દર્શાવે છે. ન્હાનાલાલે ‘આપણાં સાક્ષરરત્નો’ ભાગ ૧ (૧૯૩૪)માં મીરાં પરના વ્યાખ્યાનમાં પ્રેમલક્ષમા ભક્તિ સંદર્ભે એક એવો વિચાર રજૂ કર્યો છે કે ઈશ્વરને માશૂક ગણીને ચાલતો સૂફીવાદ અને ઈશ્વરને પ્રેમી ગણીને ચાલતી પ્રેમલક્ષણા ભક્તિ-બંનેમાં અધૂરપ છે, કારણ, સૂફીવાદ પુરુષોને માટે સહેજ છે તો સ્ત્રીઓને માટે અસહજ છે. તે જ રીતે પ્રેમલક્ષણા ભક્તિ સ્ત્રીઓ માટે સહજ છે તો પુરુષો માટે અસહજ છે. ન્હાનાલાલનો આ વિચાર પ્રેમસખીની રચનાઓ વાંચતાં પ્રશ્ન ઊભો કરે છે. પુરાકથાના કલ્પિત કૃષ્ણના અનુસંધાનમાં તો કલ્પનાનું બળ છે, પણ પ્રત્યક્ષ સહજાનંદ જે પુરુષ છે એમને પોતે પુરુષ હોવા છતાં પ્રેમસખી કઈ રીતે ગોપીભાવથી સ્વીકારી શક્યા હશે? કનૈયાલાલ મુનશીએ ‘થોડાંક રસદર્શનો : સાહિત્ય અને ભક્તિનાં’ (૧૯૩૩)માં પ્રચ્છન્ન રીતે આ સંકેતોને પ્રસ્તુત કર્યા છે. કહે છે : ‘વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તો ઈશ્વરનો પરોક્ષ સંબંધ છોડી સમુદાયના ગુરુની સાથે અપરોક્ષ સંબંધ સાધતા, તે પ્રમાણે પ્રેમાનંદે પણ કર્યું જણાય છે. એનાં પદોમાં સહજાનંદ નટવર બની જાય છે.’ સહજાનંદની નાની નાની રોજિંદી ક્રિયાઓનું અતિશયોક્તિપૂર્ણ અહોભાવથી થયેલું મહિમાકરણ અને સહજાનંદની નાભિ-પિંડીનું અત્યંત અનુરાગભર્યું વર્ણન એક પ્રશ્ન ઊભો કરે છે. અહીં ગોપીભાવે થયેલું આ પુરુષ પરત્વેનું સ્ત્રીસંવેદન છે કે પુરુષ તરફ પુરુષના આકર્ષણના ક્ષેત્રનો પ્રચ્છન્ન પ્રક્ષેપ છે? સહજનંદના સંમોહક વ્યક્તિત્વ (personal magnetism)નો પ્રભાવ જેમ અન્ય સત્સંગીઓ પર તેમ પ્રેમસખી પર પડ્યો છે એ વાત નિઃશંક છે-પણ એમની વચ્ચેના સંબંધોનાં વૃત્તાન્તો જે અત્યારે મળે છે તે સાંપ્રદાયિક અહોભાવથી રંગાયેલાં કે પછી સ્તુતીકરણ અને મહિમાકરણ પામેલાં છે. એટલે કે એ બધા આભામંડળમાં વીંટળાયેલા દસ્તાવેજો (sanctified or hallowed documentations) છે. આ વૃત્તાન્તો પરથી તારણ કાઢવું મુશ્કેલ છે. બીજું, રચનાઓ તો આંતરિક વૃત્તિઓના આવિષ્કારોનું એક આંશિક ફલક છે. ઇતિહાસ પરત્વે ઉદાસીન અને જાતીયતા પરત્વે સંકુચિત ગુજરાતી પ્રજા પાસેથી આ બે વ્યક્તિઓના સંબંધનો વાસ્તવિક આલેખ મળવો ઓછો શક્ય છે. આ પરિસ્થિતિમાં અમેરિકી વિવેચક ઈવ કોસોફ્સ્કી સેજવિક (Eve Kosofsky Sedgwick)નો સજાતીય સામાજિકતા (homosociality)નો સિદ્ધાંત થોડો માર્ગદર્શક બની શકે તેમ છે. સેજવિક પુરુષના પુરુષ પરત્વેના અને સ્ત્રીના સ્ત્રી પરત્વેના સંબંધને ‘સજાતીય સામાજિકતા’ (homosociality) અને સજાતીય લૈંગિકતા (homosexuality)ના બે વર્ગમાં વહેંચે છે. સજાતીય સામાજિકતામાં વર્જનાપૂર્ણ સમાજ (unpermissive society) - અંતર્ગત સજાતીય લૈંગિકતાની ભીતિને દબાવીને દોરવાતી વૃત્તિઓનો સંકેત છે. એમાં લૈંગિક સક્રિયતા નથી, પણ પ્રચ્છન્ન વૃત્તિઓનું કેટલુંક ઊર્ધ્વીકરણ અને ભવ્યીકરણ થયેલું હોય છે. સહજાનંદને કૃષ્ણ તરીકે સ્વીકારીને ચાલતી પ્રેમસખીની રચનાઓમાં ગોપીભાવ ઉપરાંત સજાતીય ઊર્ધ્વીકરણ અને ભવ્યીકરણનો સ્તર પણ ભળેલો છે, એનો સ્વીકાર હવે થવો જોઈએ. અને એ રીતે નવેસરથી પ્રેમસખીની રચનાઓ તપાસનો વિષય બનવી જોઈએ. શુદ્ધ સંશોધનનાં પરિણામો ઈચ્છતા સાહિત્યના અભ્યાસે પારંપરિક પરિપાટી અને સાંપ્રદાયિક ઊહાપોહની ઉપર ઊઠવાનું રહેશે. આ અને આવા અભ્યાસો મધ્યકાલીન સાહિત્યની નવી દિશાઓને ચીંધે છે.
●