લઘુ સિદ્ધાન્તવહી/બ્રોડસ્કીની છાંદસશ્રદ્ધા
બ્રોડસ્કીની છાંદસશ્રદ્ધા
આધુનિકતાવાદીઓનો પરંપરામાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો અને ખાસ કરીને અમેરિકી કવિઓએ તો સામૂહિક રીતે મુક્તપદ્યને અપનાવી લીધું હતું, ત્યારે રશિયાથી અમેરિકા દેશવટે પહોંચેલા નોબેલ પારિતોષિક વિજેતા કવિ જોસફ બ્રૉડસ્કીના પરંપરા વિશેના, મુક્તપદ્ય વિશેના તેમજ ઈતિહાસ વિશેના ખ્યાલો અમેરિકી વાતાવરણથી તદ્દન જુદો મિજાજ ધરાવતા હતા. એટલું જ નહીં, પણ અમેરિકી આધુનિક પરિવેશ વચ્ચે પણ બ્રોડસ્કીએ રશિયન વારસાની જહેમતથી જાળવણી કરી. આજે અનુઆધુનિક મિજાજ જ્યારે પરંપરા તરફ, છંદો તરફ અને માનવીય સંદર્ભ તરફ વળી રહ્યો છે, ત્યારે આ સમગ્ર કિસ્સો નજીકથી તપાસવા જેવો છે. આધુનિકતાવાદનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો એવો હતો કે કલાઓએ નરદમ જાતે શરૂઆત કરી અને જુદા પડી અત્યંત મૌલિક બનવાનું છે. કોઈ તદ્દન નવી વસ્તુનો આવિષ્કાર કરવાનો છે, અને દરેક આવિષ્કારને અનુકૂળ એવું એનું પોતાનું વૈયક્તિક રૂપ શોધવાનું છે. આથી પ્રશિષ્ટ સ્વરૂપોને છોડી, પ્રાસ તેમજ છંદને છોડી, સ્ટીવન્સન, એલિયટ, મૂર જેવા કવિઓ દ્વારા અમેરિકી કવિતાએ જે ભૂમિકા રચી એમાં બ્રોડસ્કીનો રશિયન જીવ કોઈ વિશેષ સાર જોતો નથી. એટલું જ નહીં, પણ લાફોર્ગ જેવા ફ્રેન્ચ કવિને અનુસરીને લીધેલો રસ્તો બ્રૉડસ્કીને ભૂલભરેલો લાગ્યો છે. વળી, પરંપરા અને ભૂતકાળથી નર્યો છેડો ફાડી બેઠેલા આધુનિકતાવાદીઓની સામે બ્રૉડસ્કીને માન્યતા હતી કે એક કવિ જ છે જે ભૂતકાળને વર્તમાનથી જોડે છે. કવિઓ પરંપરાના સંરક્ષક છે. આથી પણ આગળ વધી બ્રૉડસ્કી સ્પષ્ટ કરે છે કે કવિતામાં જ સાચો ઇતિહાસ સચવાયેલો રહે છે. ઇતિહાસકારો જે ઇતિહાસ લખે છે એમાં તે કાર્યકારણની તાર્કિકતા ભરેલી પડી હોય છે. કવિતા જ ભૂતકાળની માનવગંધને સંચકી રાખે છે. કદાચ પરંપરાના આ જ ખ્યાલે બ્રોડસ્કી રોબર્ટ ફ્રોસ્ટ જેવા અમેરિકી કવિ તરફ વધુ પક્ષપાત ધરાવે છે અને તેથી જ રોબર્ટ ફ્રોસ્ટની માફક બ્રૉડસ્કીની કવિતા પણ છંદ અને પ્રાસને સ્વીકારીને ચાલે છે. અલબત્ત, એ રશિયન કવિતાની પ્રમુખ ખાસિયત છે અને ત્યાં જ રશિયન કવિતા અન્ય પશ્ચિમના દેશોથી જુદી પડે છે. બ્રૉડસ્કી પરંપરા અંગે અને ખાસ તો કવિતાને વારસામાં મળેલા છંદો અંગે શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારે છે કે “સ્મરણમાં રહે, છંદો પોતે એક પ્રકારના ચેતનાવિસ્તારો (spiritual magnitudes) છે, જેનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહીં. અછાંદસની તો વાત જ મૂકો. છંદોમાં જે ભેદ છે તે વ્યક્તિ અને એના હૃદયધબકારનો ભેદ છે. પ્રાસની તરાહમાં જે ભેદ છે તે ચિત્તની ક્રિયાઓનો ભેદ છે. છંદ અને પ્રાસને ભ્રષ્ટ કરવા કે એમનું ખૂન કરવું એ કવિતા સાથેનો ઉદ્ધત વ્યવહાર છે - ચિત્તનો અપરાધ છે. બ્રૉડસ્કીની કેટલીક શ્રદ્ધા આત્યંતિક લાગવાનો સંભવ છે. પરંતુ અનુઆધુનિકતાવાદનો એક સંદર્ભ વેગથી પાછો વળી રહ્યો છે ત્યારે અને નવી શક્તિથી તેમજ ઉત્સાહથી પૂર્વવારસાનાં પોતાની રીતનાં અદ્ભુત મિશ્રણોમાં રોકાયેલો છે ત્યારે બ્રોડસ્કીના વિચારો કે એના અભિગમનું મૂલ્ય નવું પરિમાણ લે છે. ખાસ તો ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી પ્રવૃત્તિના નામે આડેધડ ચાલેલી અને ચાલતી રહેલી અછાંદસ પ્રવૃત્તિને પણ બ્રૉડસ્કીનો અભિગમ જ જવાબદારીનો માર્ગ ચીંધી શકે તેમ છે.
●