પ્રતિપદા/૬. દલપત પઢિયાર

From Ekatra Wiki
Revision as of 08:55, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૬. દલપત પઢિયાર

કાવ્યસંગ્રહોઃ

ભોંયબદલો અને સામે કાંઠે તેડાં

પરિચય:

સીતારવાદનનો રસિયો ભજનિક કવિ. વ્યવસાયે આરંભે અધ્યાપક ને પાછળથી ગુજરાત સરકારના વર્ગ ૧ના ગેઝેટેડ અધિકારી, હવે વયોચિત નિવૃત્ત. ગાંધીયુગના ગદ્ય પર મહાનિબંધ લખનાર આ વિદ્યાવાચસ્પતિ કવિએ લખ્યું તો પદ્ય, અનુ-આધુનિક લક્ષણો ધરાવતું. પરંપરાનુસંધિત લયાન્વિત રચનાઓ અને ગીતો રચનાર આ ઊર્મિકવિમાં લોકગીતો અને મધ્યકાલીન ભક્તિકવિતાના હૃદ્ય સંસ્કારો તળપદ બાનીમાં ઝીલાતા રહે છે. વ્યંગવિનોદનાં છાંટણાંથી તીણી તિર્યકતા દાખવતા ને આત્મચિકિત્સા કરી જાતને સતત ટપારતા રહેતા સ-ભાન કવિ. એક જમાનામાં ચિનુ મોદી અને મિત્રો સાથે ‘ઓમિસિયમ’ અને ‘હોટેલ પોએટ્‌સ’ જેવી કાવ્યલીલાઓમાં પણ જોડાયેલા હતા. વતન ગામ કહાનવાડીમાં આવેલી કબીરપરંપરા અંતર્ગત રવિભાણ સાહેબ સંપ્રદાયની ‘ગાદી’ના એ સાતમા ઉત્તરાધિકારી છે. ૨૦૦થી વધુ અનુયાયી ગામો અને દોઢ લાખથી વધુ અનુયાયીઓ પર આ ‘ગાદી’પ્રેરિત જીવનરીતિની છાયા પડે છે. એટલે ભજન, સતસંગ, પાટ જેવાં ધાર્મિક અનુષ્ઠાનો ઉપરાંત શિક્ષણ, વ્યસનમુક્તિ, જીવદયા આદિ લોકાભિમુખ પ્રવૃત્તિઓમાં પણ એ વિસ્તારમાં અધિપતિ લેખે દલપતરામની સાત્ત્વિક પ્રભા અને પ્રભાવ.

કાવ્યો:

૧. કાગળના વિસ્તાર પર

ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
શબ્દની મૉરીએ કશુંક ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું, રોજ.
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુદ્ધાં
હું વાંચી શક્યો નથી.
હતું કેઃ
કાગળ-કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે એની ખબર નહીં;
બાકી નળિયા આગળ જ નમી પડત.
હજુયે કૌછું કે
મોભારે ચડવાનું માંડી વાળો,
આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય!
બારે મેઘ ખાંગાં ત્યાં
નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો’
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું!

૨. મને લાગે છે

મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
હું કદાચ બંધ થવા આવ્યો છું.

નદીના કાંઠેથી છોડેલો અવાજ
સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,
એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો;
આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?

જીંડવામાંથી તડકાસોતી ફૂટીને
ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં
કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!
હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,
થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,
પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,
શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ
બધ્ધું – બધ્ધું જ ભૂલી રહ્યો છું

અહીં ટેબલ ઉપર
ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું
સીવી રહ્યો છું!

એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે
મારા રક્તમાં,
સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં
મારા શબ્દો મરી રહ્યા છે;
કાલે સવારે મારું શું થશે?