સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રશંકર મ. ભટ્ટ/બોદો રૂપિયો!
૧૯૪૨ની ‘કરેંગે યા મરેંગે’ની લડતમાં ગુજરાતના જુવાને જવાબ આપ્યો. પણ આજના યુવાન તરફ નજર નાખીએ છીએ, ત્યારે દયાજનક ચિત્રા ઊપસી આવે છે. તે નિસ્તેજ, શરીર-સંપત્તિ વિનાનો, નિષ્પ્રાણ અને કંગાળ દેખાય છે. પોતાને માટે નિયત કરેલી જગ્યા પર ફરજ બજાવતાં તે ટટાર ઊભો રહી શકતો નથી, નોકરી પર કલાકો સુધી બેઠી પલાંઠીએ કામ આપી શકતો નથી. જવાબદારી આવે તો ટાળવા પ્રયત્ન કરતો જણાય છે. અડીખમ ઊભા રહી આફત સામે થવા કરતાં વહેલી તકે પલાયન થઈ જવાની વૃત્તિવાળો દેખાય છે. પોતાની ભૂલ જણાતાં બીજાની ઉપર દોષનો ટોપલો ઓઢાડવામાં હોશિયારી માનતો જણાય છે. આગેવાન બનવાના કોડ ધરાવતો હોવા છતાં, જવાબદારી કે જોખમ આવતાં સૌથી પહેલાં ભાગવાની મનોવૃત્તિ ધરાવતો અત્યારનો જુવાન છે. ભ્રષ્ટાચારની વાતો કરનાર એ જાતે જ ભ્રષ્ટાચારના કુંડમાં ડબકાં ખાય છે. કળાને નામે એ લટકાંમટકાંની ભુલભુલામણીમાં ભેરવાઈ પડયો છે. કોમવાદ અને સંકુચિત વાડાનાં સૂત્રો એના દિલને ગલીપચી કરે છે, કેમ કે તેમાં જોખમ નથી. એમાં વિશાળ દૃષ્ટિ નથી; સમાજને માટે જાતે વેઠવાનું વ્રત એમાં લેવું પડે તેમ નથી. એમાં સંયમની જરૂર નથી અને એમાં વિવેક તો મોં સંતાડીને ભાગી જ ગયો હોય છે. તેથી તો રાષ્ટ્રની મિલકત સામે એ અતેરાં કરે છે. સાર્વજનિક દીવાલો પર એ બીભત્સ લખાણો લખે છે. હલકા પ્રકારની ફાંટાબાજીમાં એ ઝઘડુજીને મોજ આવે છે; તેમાં એ છીછરું અભિમાન લે છે. સાવ બોદા રૂપિયા જેવો એ લાગે છે! [વીરમગામમાં છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા ખુલ્લી મૂકતાં]