હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ

Revision as of 17:16, 8 September 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ

ગઝલકાર ડો. હેમેન શાહ વિશેની વાત આ શેરથી શરૂ કરીએ.

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

ગુજરાતી ગઝલની કેટલી મહેફિલો આ શેરથી શરૂ થઈ હશે..!

સંચાલક આ શેર રજૂ કરે અને એક અદબી આબોહવા સરજાઈ જાય. મુશાયરાનો માહોલ બની જાય, મહેફિલોની શાન બનેલ આ મત્લાના રચયિતા ડો. હેમેન શાહ બીજા એક મત્લામાં કહે છે કે

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

આ મત્લા પણ એટલો જ લોકપ્રિય છે. મહેફિલની શોભાથી લઈ એકાંતની સભાથી સુધી જેમની ગઝલપ્રતિભા વિસ્તરી છે એ ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. આજના સેલ્ફ પબ્લિકેશનના જમાનામાં સારા-નરસા કવિઓ આપણા ઈનબોક્સમાં અને સોશિયલ મિડિયા પર ધોધમાર વરસતા હોય ત્યારે આપમેળે અને આપબળે સારી કવિતા સુધી પહોંચવાની ભાવકની ધગશ પર એની અવળી અસર પડી જ છે. અમુક અંશે કદાચ આજની આ દુનિયાની હોડ અને દોડને કારણે અને અમુક અંશે આપણી ભાવયિત્રી પ્રતિભાની ઉદાસીનતાને કારણે દિગ્ગજ ગઝલકારોની યાદીમાં હેમેન શાહ જેવા ગઝલકારનું નામ થોડું પાછળ ધકેલાયેલું લાગે તો એ આપણી કમનસીબી છે. હેમેન એના તબીબી વ્યવસાયને કારણે પોતાની કાવ્યપ્રવૃત્તિનો વ્યાપ મર્યાદિત રાખે છે એ પણ એક કારણ હશે. બીજા પણ કારણો હશે પણ અફસોસ સાથે કહેવું પડે કે વર્તમાન સમયના આ મોખરાના શાયરની રચના હજુ યોગ્ય મૂલ્યાંકન સાથે ભાવકો સુધી પહોંચી નથી. પણ એ નુકસાન ડો. હેમેન શાહનું નથી, એ નુકસાન ગુજરાતી ગઝલનું છે. તો ય કવિ વાસ્તવિકતાના સ્વીકાર અને આશાના સમન્વય સાથે કહે છે

દરરોજ અંધકારનો પ્રચાર થાય છે
તો પણ અજાયબી છે કે સવાર થાય છે

જંગલનો કાયદો બધે જ છે અમલમહીં
જેની ગતિ હો મંદ એ શિકાર થાય છે

ખડકો ઘસાઈ જાય છે અહી વખત જતાં
મારી ગઝલ વિશે મને વિચાર થાય છે

હેમેન શાહની કાવ્યબાનીનો એક છેડો જનાબ શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા શાયરો સાથે જોડાયેલો છે. એક ઉદાહરણ જોઈએ

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારનાં જ ક્લેવરની વાત છે.

દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.

પરંપરા સાથે આવો અનુબંધ રાખનાર કવિ વળી કહે છે

એક પણ તૈયાર કેડી ના ગમી
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ

અને પછી આ ગઝલના જ એક અન્ય શેરમાં કવિ ભાવકને કેવી યાત્રા કરાવે છે!

આમ નહોતો શ્વાસ લેવાનો સમય
પૂતળું જ્યારે બન્યો ફુરસદ થઈ

કવિ પહેલી પંક્તિમાં ‘આમ’ શબ્દથી શરૂ કરી એક અપૂર્ણ, અપેક્ષા જન્માવતું વિધાન કરે છે, અને એ પછી શેરની બીજી પંક્તિ કેટલી બધી રીતે ભાવકની અપેક્ષા સંતોષે છે! “શ્વાસ લેવાનો પણ સમય નથી” એ જાણીતો રૂઢિપ્રયોગ છે. બીજી પંક્તિમાં ફુરસદ ક્યારે થઈ, એનો જવાબ છે. “પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ” એક જવાબ એવો સાંપડે કે જીવતાં ફુરસદ ન મળી, મર્યા પછી ફુરસદ જ ફુરસદ છે. બીજો જવાબ એવો પણ સાંપડે કે શ્વાસ ચાલુ હતા ત્યારે શ્વાસ લેવાનો સમય નહોતો. હવે ફૂરસદ તો છે, પણ કમબખ્તી એ છે કે પૂતળું વળી શ્વાસ લે? અહીં કવિ મૃત્યુ જેવો અમૂર્ત શબ્દ મૂકવાને બદલે પૂતળું જેવો મૂર્ત શબ્દ મૂકે છે અને શેરને બે રીતે સિદ્ધ કરે છે. હેમેન શાહ એમના ‘લાખ ટુકડા કાચના’ કાવ્ય સંગ્રહના આમુખમાં કહે છે, હું કશા સાથે સંપૂર્ણપણે સહમત નથી, આ એક જ કારણ કવિતા લખવા માટે પૂરતું છે.” સાચે જ, સારો કવિ પોતે એક એવા ધર્મનો રચયિતા હોય છે જેને પાછળ કોઈ અનુયાયીની કે આગળ કોઈ પથદર્શકની ગરજ હોતી નથી.

1980 થી 1988 દરમ્યાન લખાયેલી એમની ગઝલો “ક ખ કે ગ” નામના કાવ્યસગ્રહમાં સચવાઈ છે

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !
જન્મની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

અને આ જ ગઝલમાં એમનો ખૂબ લોકપ્રિય થયેલો શેર

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

રમલ છંદમાં આવી રચના આપનાર કવિ ખફીફ છંદની નાની બહેરમાં પણ ખિલી ઊઠે છે

ટેકરી પરનું સ્થાન ચીંધે છે
પથ ન કંઈ દરમિયાન ચીંધે છે

ફકત હો હા કરે સમસ્યા પર
કોણ અહિંયા નિદાન ચીંધે છે

જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા
પર્યટક એ મકાન ચીંધે છે

જીવન જેનું રણ હોય છે, એના મરણ પછી દુનિયા એના સ્મરણની કદર કરે છે.. અને બીજા શેરમાં કવિ કદાચ એવા જ કોઈ મકાનની બે બારીઓ વિશે વાત કરીને આખા જીવનના વ્યાપને આવરી લે છે

આ તરફ દરિયો બાગ ને યુવતી
પેલી બારી સ્મશાન ચીંધે છે

ઓછા શબ્દોમાં આવી ગહન વાત લઈને આવતાં શેરો દાદના મોહતાજ નથી. આવા શેરોની હસ્તી કદાચ કાવ્યસંગ્રહના પાનાંઓ વચ્ચે છુપાયેલી રહે, તો પણ એમનું આયુષ્ય વર્તમાનની તડકભડક કરતાં ખૂબ લાંબુ હોય છે. આશા તો એવી રહે કે ફરી ફરી ભવિષ્યના કોઈ અભ્યાસુ આવા રસસ્થાનો શોધી જ કાઢશે. યુવાકવિની આવી પ્રભાવક શરૂઆતથી તરત જ મૂર્ધન્ય કવિ હરીંદ્ર દવેનું ધ્યાન ડો. હેમેન શાહ તરફ ખેંચાયું અને એમણે લખ્યું, “નવી પેઢીના બેચાર કવિઓએ ગઝલના સ્વરૂપની ગંભીર રીતે સાધના કરી છે, હેમેનનું આ કવિઓમાં સ્થાન છે. ગઝલમાં વિચાર અને અભિવ્યક્તિ બન્નેની મજા છે. એકનો એક વિચાર અનોખી અભિવ્યક્તિથી પણ દીપી ઊઠે. અને પારંપરિક શૈલીની રજૂઆત નવા વિચારના સ્પર્શ માત્રથી પણ ચમકી શકે. હેમેન આ બન્ને કમાલ કરી શકે છે.” પરંપરા અને આધુનિકતાની વચ્ચે.. પોતાનો આગવો મુકામ બનાવીને નિસ્બત, કંસર્ન કે યુગચેતનાથી અલિપ્તતા સેવ્યા વગર ડો. હેમેન શાહ ક્યારેક તો દુષ્યંતકુમારના શ્રેષ્ઠ શેરો સાથે શોભી ઊઠે એવા શેરો આપે છે.

રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.

પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.

પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો તે ચોસઠ ઊભા છે.

ડો હેમેન શાહના પ્રથમ સંગ્રહમાં રોમાંચ, નિર્બંધ કલ્પનાવિહાર અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. આધુનિક ગઝલનું જે મનોહારી સ્વરૂપ ગઝલ રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ડો.ચીનુ મોદી અને જવાહર બક્ષી જેવા દિગ્ગજ ગઝલકારો દ્વારા સર્જાયું એ સ્વરૂપને ડો હેમેન શાહ અને ડો મુકુલ ચોક્સી આ બે મૌલિક અવાજો પોતાની રીતે આ દાયકામાં, ખાસ કરીને 1980થી 1990ના સમયકાળમાં આગળ લઈ ગયા. બીજા ઘણા નામો પણ લઈ શકાય, પણ અભિવ્યક્તિ અને નાવીન્યની દૃષ્ટિએ આ બન્ને શાયરોનાં એ દાયકાનાં સર્જનને એકસાથે મૂકીને જોઈ શકાય છે. ગુજરાતી ગઝલે 1980થી 1990 સુધી જે રથમાં પ્રવાસ કર્યો એ રથના આ બે શક્તિશાળી તુરંગ હતા.

પછી શરૂ થયો ડૉ. હેમેન શાહની સર્જકતાનો બીજો તબક્કો. 1988થી 1998 સુધી લખાયેલી ગઝલોનો એમનો બીજો સંગ્રહ ‘લાખ ટુકડા કાચના’ શીર્ષકથી પ્રગટ થયો. ડૉ. હેમેને શાહ પોતાના બીજા સંગ્રહમાં કવિ ગઝલના સ્વરૂપ સંદર્ભે વધુ ચુસ્ત થાય છે. નિરંકુશ પ્રયોગશીલતા બે દોરા જેટલી ઓછી થાય છે. કવિ પોતાની ગઝલની બાનીનો કાયાકલ્પ કરી શેરિયતને વધુ માંજે છે. અને ‘ડો. હેમેન શાહ 2.0’ વર્ઝન આપણી સામે આવે છે.

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

કેટલી જાતના દરબાર આપણી આસપાસ ભરાતા હોય છે અને આપણે વ્યક્તિતા ઓગાળી, ત્યાં હાજર થઈ કુર્નિશ બજાવીએ તો કશો લાભ થવાની શક્યતા હોય છે, આ આછીપાતળી શક્યતા પર આપણે આપણું ખમીર અને ખુમારી વેચી દેતા હોઈએ છીએ તો ડો હેમેન શાહ આપણને સંતની જેમ નહીં પણ મિત્રની જેમ ખભે હાથ મૂકી સમજાવે છે

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

હવે પછીના શેરમાં ‘ગોળી ચલે’ એવો ભાષા પ્રયોગ છે. ‘ચલે’ શબ્દ આપણને હિંદીનુમા લાગે પણ એ શેર ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શેરોમાંનો એક છે એ શેર માણતાં પહેલા ગઝલનો મત્લા જુઓ.

આપણે મિત્રો નથી, થોડો ઘણા પરિચિત છીએ
બેઉ કાં સરખું વિચારે એ વિષે વિસ્મિત છીએ

અને જેનો મહિમા કરતા મને કદી થાક ન લાગે, એ શેર આમ છે.

રથ ગરે, વીંટી સરે, ખીલા ખૂંપે, ગોળી ચલે
હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ

પહેલી પંક્તિના ચાર ખંડ છે. જેમ બીજગણિતમાં ચાર કૌંસમાંથી ‘સામાન્ય’ કાઢવાનું હોય એમ કવિ બીજી પંક્તિમાં આ ચાર ઘટનાઓમાં ‘સામાન્ય’ શું છે એ તારવે છે, ‘માનવજાતિ તરીકે પ્રત્યેક યુગે આપણે શાપિત છીએ.’ કેમ શાપિત છીએ આપણે? સારા માણસો સાથે, જાણ્યે અથવા અજાણ્યે ખરાબ ઘટનાઓ ઘટી. સમાજ તરીકે આપણે એ ઘટનાઓ બનવા દીધી, સતનો પરાજય થવા દીધો. કઈ ચાર ઘટના? રથ ગરે – કર્ણ સાથે થયેલા કપટની વાત છે. વીંટી સરે – દુષ્યંત-શકુંતલાના પ્રેમપ્રસંગની કરૂણતાની વાત છે. ખીલા ખૂંપે – ઈસુ સાથે થયેલા અન્યાયની વાત છે. ગોળી ચલે – ગાંધીજીની અવિચારી હત્યાનો સંદર્ભ છે. તો એક પંક્તિમાં માનવ ઈતિહાસની ચાર કરુણિકાઓની વાત કરવી એ પોતે જ મોટી વાત છે. એમાંય કવિ પાત્રનું નામ લીધા વગર રથ, વીટીં, ખીલા અને ગોળી જેવા સંકેતો પાસેથી કામ લે છે. રમલ છંદની 26 માત્રામાં કવિએ માનવ ઈતિહાસની 26 સદીઓની યાત્રા કરાવી દીધી છે. સુરેશ દલાલ એમના વિશે લખે છે, “હેમેન ગઝલનું વ્યાકરણ જાણે છે. આ વ્યાકરણ એની સર્જકતાની આડે નથી આવતું. ગઝલ આખરે તો સંકેતની ભાષા છે. શબ્દોની આતશબાજી નથી. હેમેનને આ વાતની પાકી સમજણ છે.” સારો કવિ, સિદ્ધહસ્ત શાયર પહેલા પરંપરાને સમજે છે, અનુસરે છે અને પછી એમાંથી કશું નવું નીપજાવે છે. કવિ ગઝલના શેરના બે મિસરાની સંકડાશમાં ક્યારેક મૂંઝારો અનુભવે છે ગાલિબે કહ્યું હતું..

બકદ્રે શૌક નહીં ઝર્ફે તંગનાએ ગઝલ
કુછ ઔર ચાહિયે વુસઅત મેરે બયાં કે લિયે

ગાલિબ કહે છે, “શેરની બે પંક્તિનું બે ઓરડાના મકાન જેવું બંધારણ મને અકળાવનારું લાગે છે મારે જે વાત કહેવી છે એ વાત કહેવા માટે મને જરા વધારે મોકળાશ જોઈએ છે.” તો શાયરની આ મૂંઝવણનો ઉકેલ કાઢતા હોય એમ કવિ હેમેન શાહ ક્યારેક ત્રીજી પંક્તિની ઓસરીમાં ખેલવા નીકળે ત્યારે ત્રિપદી સર્જે છે, જેમાં પહેલી અને ત્રીજી લીટીમાં પ્રાસ યોજયા હોય છે. એમની મોટાભાગની ત્રિપદીઓ પ્રકૃતિના તત્વોના સાહજિક નિરીક્ષણમાંથી સ્કૂરેલી માનવસહજ કલ્પનાઓથી રચાઈ છે. એક-બે ઉદાહરણ જોઈએ.

પાનખરમાં નિર્વસન થઈ જાઉં છે
જૂની સઘળી માન્યતા સરકી જતાં
દર વસંતે અદ્યતન થઈ જાઉં છું

આમ તો હાઈકુની જેમ આ ત્રિપદીઓમાં પ્રકૃતિના ચિત્રો જ છે પણ હાઈકુ કરતાં થોડી વધારે મોકળાશ મળતાં એમાંય કવિ ગજુ કાઢીને ગજબ નાવીન્ય અને ચોટ લઈને આવે છે

કાબિલે તારીફ સૂરજની ધગશ
જિંદગી હારી ગયેલા પાસ પણ
એ કરે નૂતન દિવસની પેશકશ

તો આ આધુનિકતાનો અભિનિવેશ પરંપરાના એક સીમાસ્તંભ દ્વારા કેવી રીતે પોંખાયો? નવનીત સમર્પણમાં આ ત્રિપદીઓ વાંચીને ગઝલકાર અમૃત ઘાયલ એમને પત્ર લખે છે, પ્રિય હેમેન, મારી દાદ મનોમન રાખું એટલો કંજૂસ હું નથી. ત્રિપદીઓ સરસ છે એક નવા નક્કોર ઉન્મેષનો આવિષ્કાર પ્રગટ કરે છે, ચોટમાં રૂબાઈ જેટલી જ સચોટ છે.” કાવ્યશાસ્ત્રીઓ સદીઓથી કહેતા આવ્યા છે કે મુખરતા કવિતાનો દોષ છે. લાઘવ, પરોક્ષ કથન, સાંકેતિક કથન, અલ્પોક્તિ વગરેને કારણે તો સજ્જ ભાવકો કવિતા તરફ ખેંચાય છે. આ આખી વાત ડો. હેમેન શાહે એક ગઝલમાં કહી દીધી છે

કાનને એ આંખ આડા નહિ કરે,
આવશે આંસુ, અખાડા નહિ કરે.

કાવ્ય વાંચીને તમે સમજી જજો,
એ કવિ જખ્મો ઉઘાડા નહિ કરે.

ધીમું બળશે, પણ ખબર પડશે નહીં,
આ હૃદય છે, એ ધુમાડા નહિ કરે.

સાંભળો, ના સાંભળો, પરવા નથી,
દાદ માટે ધમપછાડા નહિ કરે.

જીવન હો કે કવિતા, એનું પરસેપ્શન કે ભાવન સર્વ કોઈ સમાન રીતે નહીં કરે. મૂળ વસ્તુની સમાનતાનો પણ મહિમા છે અને સામે છેડે અર્થઘટન તથા રસપાન કે ભાવનની ભિન્નતાનો પણ મહિમા છે. કવિ આ વાત એક મજાના શેર દ્વારા કહે છે.

નગરને મળે એક સહિયારું વાદળ
છતાં સૌની બારીએ વાછટ જુદી છે

સહિયારું વાદળ કે સહિયારી નિયતિ પણ સત્ય છે અને સામી બાજુ અંગત વાછટ, અંગત ઉન્મેષ કે સ્વાભિમાન પણ સત્ય છે. એક એવી ગઝલ જોઈએ જે હેમેન શાહના ભાષાકર્મ અને એમના મિજાજનું પ્રતિનિધિત્વ કરે છે, મારી દૃષ્ટિએ આ એમની સિગ્નેચર ગઝલ છે.

આખરી ને એક નાનકડું કથન કરવું હતું ,
એ પછી આ રંગમંડપને નમન કરવું હતું.

જાતરા કરવી નહોતી મારે એકે ધામની,
ગૌણ ઝરણાંઓનાં જળનું આચમન કરવું હતું.

એ સમય, એ વય, અને એ બોલવું ઉન્માદમાં,
ક્યાં મનન કરવું હતું ? ક્યાં સંકલન કરવું હતું ?

શોધવા મથતો હતો કંઈ કેટલાયે મૂળિયા
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.

સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.

એમની સર્જકતા વિશે, ભાષાપ્રયોગ કે શૈલી વિશે, મિજાજ વિશે કોઈ પણ સાર્થક વાત કરવી હોય તો માત્ર આ એક ગઝલને સામે રાખીને કરી શકાય. તમે જોશો કે અહીં આખરી જેવા ઉર્દુ શબ્દ સાથે રંગમંડપ અને નમન જેવા તત્સમ શબ્દો છે. જાતરા જેવા દેશ્ય શબ્દ સાથે ગૌણ ઝરણા જેવો પ્રયોગ છે. ગૌણ જેવો શબ્દ ઝરણાના વિશેષણ તરીકે કવિ ખપમાં લે છે, લઈ શકે છે. મનન-સંકલન જેવા શબ્દપ્રયોગો, બધું ઓગળતું રહે ને બદલે સર્વ ઓગળતું રહે જેવી પદાવલિઓ આ બધું ડો. હેમેન શાહનો ટ્રેડમાર્ક છે. એમની એકાધિક ગઝલોમાં એમની આ બાની દેખાશે. ક્યારેક લેકિન અને લંબી જેવા હિંદી શબ્દો પણ કવિ લઈ આવે છે. ‘ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ’ એમ કહે ત્યારે યાત્રા જેવો સંસ્કૃત શબ્દ અને શાયદ જેવો ઉર્દૂ શબ્દ ‘આપણે બન્ને ભાઈ ભાઈ’ કહી બાજુબાજુમાં ગોઠવાઈ જાય. આ હેમેનની ભાષા છે. ‘આમ કરવું એ દોષ છે અથવા દોષ નથી’ એમ કહેવાનો મારો આશય નથી. માત્ર હેમેન શાહની બાની તરફ, એના એક વિલક્ષણ લક્ષણ તરફ ધ્યાન દોરું છું. ગુજરાતી ભાષામાં શબ્દોના મૂળ માત્ર સંસ્કૃતમાંથી નથી આવ્યા, સંખ્યાબંધ શબ્દો અરબી, ફારસી, અંગ્રેજી, પોર્ટુગીઝ બધેથી આવ્યા છે અને એ જો દૂધમાં સાકરની જેમ ઓગળી ગયા હોય તો આ પ્રકારના પ્રયોગો સ્વીકાર્ય હોવા જોઈએ. એમ કહી શકાય કે હેમેને સક્ષમતાપૂર્વક આ કુળની ભાષા પોતાની ગઝલોમાં પ્રયોજી છે. બલકે આ પ્રકારની તત્સમ, તદભવ અને ઉર્દૂ મિશ્રિત ભાષા હવે એમની ગઝલોની ઓળખાણ બની ગઈ છે. હેમન શાહના ગઝલવિશ્વમાં પ્રવેશ માટેની ભૂમિકા રચવા માટે સર્જેલા આ રંગમંડપથી નિર્ગમન કરતાં, પહેલા આખરી કથન કંઈ આવું હોઈ શકે, “હેમેન શાહને સાંભળવા, એમને શાંતિથી વાંચવા, એમનું મનન કરવું સંકલન કરવું અને એનું આચમન કરવું એ અંતે તમને એમની વિલક્ષણ કાવ્યપ્રતિભાને નમન કરવા સુધી ન દોરી જાય તો જ નવાઈ..”

સુરત
ધૂળેટી,
14.3.2025

રઈશ મનીઆર