અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/હથેળી બહુ વ્હેમવાળી જગા

From Ekatra Wiki
Revision as of 10:02, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હથેળી બહુ વ્હેમવાળી જગા|રમેશ પારેખ}} <poem> હથેળી બહુ વ્હેમવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હથેળી બહુ વ્હેમવાળી જગા

રમેશ પારેખ

હથેળી બહુ વ્હેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

મને આ નગરમાં નિરાધાર છોડી,
—ને રસ્તા બધા કોની પાછળ ગયા છે.

આ તડકામાં આંખોપણુંયે સુકાયું,
હતી આંખ ને ફક્ત ખાડા રહ્યા છે.

છે, આકાશમાં છે ને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઊગવાનાં સ્થાનો ઘણાં છે.

કહે છે કે તું પાર પામી ગયો છે,
પરંતુ અસલમાં એ દરિયો જ ક્યાં છે.

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.

મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.

ગઝલ હું લખું છું અને આજુબાજુ,
બધા મારા ચ્હેરાઓ ઊંઘી રહ્યા છે.