સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચક્રવર્તી રાજગોપાલાચાર્ય/“વરદાન પાછું લઈ લો!”

From Ekatra Wiki
Revision as of 06:57, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રદ્ધાથી ભકિત કરતો હતો. એની નિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રદ્ધાથી ભકિત કરતો હતો. એની નિર્મળ ભકિત જોઈ ભગવાન પ્રસન્ન થયા. એક દિવસ તેની આગળ પ્રગટ થઈને ભગવાને કહ્યું, “વત્સ, તને જે ગમે તે વરદાન માગ.” ભગવાનને આમ એકાએક પોતાની સામે ઊભેલા જોઈ ખેડૂત અચંબો પામી ગયો. શું માગવું એ તેને સૂઝ્યું નહીં. આથી ભગવાન હસીને બોલ્યા, “તું સંકોચ રાખીશ નહીં. તારી જે ઇચ્છા થાય તે માગ. પણ એટલું ધ્યાનમાં રાખજે કે તને હું જે આપીશ તે તારા પાડોશીઓને પણ માગ્યા વિના મળશે.” ખેડૂતે કહ્યું, “બરાબર છે, બાપજી. પણ શું માગવું એની મને અત્યારે સૂઝ પડતી નથી. ઘરવાળીને પૂછીને તમને કાલે જણાવીશ.” બીજે દિવસે ખેડૂતે ભગવાનનું ધ્યાન ધર્યું, ત્યારે તેમણે પ્રગટ થઈને પૂછ્યું, “કેમ ભાઈ, શો વિચાર કર્યો?” “હે કરુણાસાગર, મારામાં બુદ્ધિ બહુ ઓછી છે. મારી સ્ત્રી સાથે મસલત કરીને એમ નક્કી કર્યું છે કે મારી પેટી રૂપિયાથી ભરાઈ જાય અને તેમાંથી ગમે તેટલા રૂપિયા કાઢું તોયે તે ખાલી ન થાય, એવું વરદાન તમારી પાસે માગવું.” “એ તને જરૂર આપીશ. પણ મારી શરત યાદ છે ને? જે વસ્તુ તને મળશે એ તારા ગામના બધા લોકોને પણ મળશે.” “દયાનિધિ! બધું બરાબર યાદ છે. મને જે મળે તે મારા પાડોશીઓને પણ મળે, એ તો વધારે આનંદની વાત છે.” “તથાસ્તુ!” કહીને ભગવાન અંતરધ્યાન થયા. ખેડૂતે ઘેર જઈને પેટી જોઈ તો રૂપિયાથી ખીચોખીચ ભરેલી હતી! બીજે દિવસે ખીસામાં ખૂબ રૂપિયા ભરીને પોતાની સ્ત્રી માટે સાડીઓ ખરીદવા તે નીકળ્યો. રસ્તામાં એને જેટલા લોકો મળ્યા તે બધાના મોં પર આનંદ આનંદ જ હતો. ખેડૂતને ભગવાનની શરત યાદ આવી. વરદાન કાંઈ તેને એકલાને જ થોડું મળ્યું હતું? બીજાની ખુશી જોઈને તે પણ ખૂબ રાજી થયો. એક કાપડિયાની દુકાને જઈને તે કહેવા લાગ્યો, “સારી સાડીઓ મને બતાવજો!” “શું આપશો?” દુકાનદારે પૂછ્યું. “તમે જે કિંમત કહેશો તેટલા રૂપિયા આપીશ. ચાલો, સાડીઓ બતાવો.” પણ દુકાનદાર તો ખેડૂતના જવાબથી જરાય પ્રભાવિત ન થયો. એ કહે, “મારે રૂપિયાને શું કરવા છે? એ તો હવે બધા પાસે ખૂબ થઈ ગયા છે. રૂપિયાની હવે ક્યાં કિંમત રહી છે? તમે એ કહો કે સાડીઓના બદલામાં તમે મને અનાજ કેટલું આપી શકશો?” “શું કહ્યું? રૂપિયાની કશી કિંમત રહી નથી? એવું કદી બને ખરું?” એને થયું કે દુકાનદાર એની મશ્કરી તો નથી કરતો ને? દુકાનદારે એને સમજાવ્યું કે, “ભાઈ, હવે તો સહુની પાસે જોઈએ તેટલા રૂપિયા થઈ ગયા છે. કોઈને તેની જરૂર રહી નથી. રૂપિયાની હવે કિંમત રહી નથી.” ખેડૂત ત્યાંથી બીજી દુકાને ગયો... ત્રીજી દુકાને ગયો; એમ કેટલીય દુકાનો ફરી વળ્યો. પણ બધેથી એક જ જવાબ મળ્યો: “ઘઉં, ચોખા, ચણા, દાળ એવું કશુંક અનાજ લઈને આવો. રૂપિયા અમારે ન જોઈએ.” બિચારો ખેડૂત તો પરેશાન થઈ ગયો. જ્યારે પણ એ કાંઈક ખરીદવા બજારમાં નીકળતો ત્યારે આ જ મુશ્કેલી આવતી. રૂપિયા લેવાની બધા વેપારી ના જ પાડતા. છેવટે તેણે વળી એક દિવસ ભગવાનનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના કરી કે, “તમારું આ વરદાન હવે પાછું લઈ લો!”

(અનુ. મુકુલ કલાર્થી)


[‘નવજીવન’ માસિક: ૧૯૫૭]