રચનાવલી/૨૦૧

From Ekatra Foundation
Revision as of 05:39, 13 September 2025 by Meghdhanu (talk | contribs) (+ Audio)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૦૧. અંધાપો (જોસ સારામાગો)



૨૦૧. અંધાપો (જોસ સારામાગો) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

‘હું કશું બચાવી શકું એમ નથી. પણ હું કાંઈ કરી શકું તો તે એ કે હું જે વિચારું છું અને જે અનુભવું છું એ વિશે માત્ર લખી શકું. માનવતાવાદી સમસ્યા અંગેનો મોટા ભાગનો ઉકેલ જગત લાવી શક્યું હોત પણ એમાંની એક પણ સમસ્યાનો ઉકેલ લાવવાની વાત તો બાજુએ રહી, હકીકતમાં ઘણીબધી સમસ્યાઓને વકરાવી છે, એવા જગતને જોવાથી ઊપડતી વેદના વિશે માત્ર લખી શકું.’ આ ઉદ્ગાર પોર્ટુગલ લેખક જોસ સારામાગોનો છે, એને ખબર છે કે વાસ્તવમાં ઉકેલ હાથવગો નથી તેથી સારામાગો વારંવાર તરંગતુક્કા દોડાવીને નવલકથાઓમાં પોતીકું જગત રચે છે. સારામાગો અશક્યને શક્ય બનાવવાનું કલ્પે છે. સ્વપ્નાઓ અને ભ્રમણાઓને એમાં ઉમેરે છે. સારામાગોની નવલકથાઓમાં ઓચિંતો કોઈ મોટો બનાવ બને છે. એની એક નવલકથામાં સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો પોતાના મુખ્ય યુરોપખંડથી છૂટા થઈને આટલાન્ટિક સાગરમાં તરતાં થઈ જાય છે અને યુરોપની બાકીની પ્રજા માંદલા દેશોથી છુટકારો પામવાનો અહેસાસ કરે છે, તો એની બીજી નવલકથામાં ઈશુ ખ્રિસ્તને બાઈબલની કથાથી વિરુદ્ધ કુંવારી માતાનો પુત્ર ન બતાવતા પિતા જોસેફના સત્ત્વમાં ઈશ્વર પોતાનું સત્ત્વ મૂકે છે અને એમ ઈશુના જન્મનો પ્રશ્ન ઊભો કરે છે. એટલું જ નહિ પણ હેરોડ આયોજનપૂર્વક રાજ્યનાં બધાં બાળકોને મારી નાખવા આવે છે ત્યારે ઈશુને એકલાને બચાવી લઈ પોતાનામાં અને ઈશુમાં હંમેશ માટે અપરાધ અને બલિદાનની લાગણીઓ મૂકે છે. સારામાગોની આવી જ એક ત્રીજી નવલકથા છે. એનું નામ છે ‘અંધાપો.’ વિચારો કે કોઈ પણ સમાજમાં બધા જ જો આંધળા થઈ જાય તો કેવી પરિસ્થિતિ જન્મે! ‘અંધાપો નવલકથાના પહેલા જ પાના પરથી અંધાપો ગંભીરપણે ઘર કરે છે. ટ્રાફિક લાઇટ પાસે કારમાં બેઠેલો માણસ એકદમ ઓચિંતો આંધળો થઈ જાય છે. પછી તો એનો અંધાપો વ્યક્તિએ વ્યક્તિમાં પ્રસરવા માંડે છે. વ્યક્તિ કોઈકને જુએ અને સામી વ્યક્તિ આંધળી થઈ જાય. થોડા દિવસમાં નગરના બધા જ નગરજનો આ નવલકથામાં આંધળા થઈ જાય છે. એકમાત્ર આંખના ડૉક્ટરની પત્ની જ આંધળી થતી નથી. એ જ પહેલા આંધળાને તપાસે છે. આ ડૉક્ટરની દેખતી પત્ની અને એની આસપાસ એકઠું થયેલું આંધળુ જૂથ – આની વિગતો પર નવલકથા આગળ વધે છે. ડૉક્ટરની પત્નીની આંખે જ બધું બતાવવામાં આવે છે, કારણ બીજુ કોઈ ત્યાં છે જ નહીં જે બધું જોઈ શકે.’ અને પછી તો નવલકથામાં થોડી જ વારમાં અસ્તવ્યસ્તતા અને સ્વાર્થી પશુવૃત્તિઓ પ્રગટ થવા માંડે છે. આપણે જાણીએ છીએ એવી ચોરીચપાટી, બળાત્કાર, સામૂહિક આંતક, નાગાઈ, ખૂન વગેરે વચ્ચે આપણે મુકાઈ જઈએ છીએ. સરકારી તંત્ર નિષ્ફળ જાય છે. નથી રેડિયો, નથી દવા, એક એક ઓરડો અને એક એક ગલી મળ અને ગંદકીથી ઉભરાય છે. આત્મસન્માનની ભાવના અને નૈતિક વ્યવહારની જવાબદારી - એ બધું હવામાં અદૃશ્ય થઈ જાય છે. કારણ કે એકબીજા પર આંખ રાખનાર કોઈ રહ્યું નહીં. આ રીતે લેખકની ઊથલપાથલ થયેલી દુનિયામાં માનવીય અવનતિનું એક મોટું નાટક ઊભું થાય છે અને એ પણ એક જ માત્ર દેખતી ડૉક્ટરની પત્નીની આંખ દ્વારા અને એના મનોભાવો દ્વારા ઊભું થાય છે. પરંતુ સાથે સાથે એ પણ જોવાય છે કે નવલકથાનાં પાત્રોમાં એકબીજા પર નભવાની વાતનો અંદરખાને સ્વીકાર થતો જાય છે. એમનામાં એકબીજા પ્રત્યેની એક પ્રકારની મૃદુતા જન્મે છે. આ તબક્કે સમાજ આખામાં વ્યાપી ગયેલા અંધાપામાં રાજકારણનો કેટલો હસ્તક્ષેપ થઈ શકે તેમજ માનવ યાતના કેટલી અનિવાર્ય છે એના પ્રશ્ન પર પણ નવલકથા પ્રકાશ ફેંકે છે. નવલકથાને અંતે વ્યાધિગ્રસ્ત નગરમાં નથી વીજળી, નથી પાણી, નથી ખોરાક અને ડૉક્ટરની પત્ની સાથેના જૂથને આખરે સુવા માટે એક એપાર્ટમેન્ટ જડી આવે છે. રાત્રે વરસાદ પડે છે અને ડૉક્ટરની પત્ની ઝરૂખામાં ધસે છે : ‘આ બંધ ન થવો જોઈએ’ એવું બબડીને એ રસોડામાં સાબુ, ડીટર્જન્ટ બ્રશને શોધે છે જેથી થોડુંક ચોખ્ખું કરી શકાય. કાંઈ નહીં તો આ અસહ્ય જીવ પરના મેલને, શરીરના મેલને પછી કહે છે કે, ‘બંને સરખાં છે’ ડૉક્ટરની પત્નીને ધોવામાં મદદ કરવા બીજી બે આંધળી સ્ત્રીઓ જોડાય છે બધાં કહે છે: ‘જગત આખામાં આપણે જ એવી એક સ્ત્રી છીએ જેને બે આંખ છે અને છ હાથ છે.’ એમાંની એક આંધળી સ્ત્રી કહે છે : ‘ઈશ્વર આ બધું જુએ છે.’ ત્યારે ડૉક્ટરની પત્ની કહે છે ‘એ પણ નથી જોતો. આખું આકાશ વાદળાંઓથી છવાયેલું છે.’ આ પછી ત્રણે સ્ત્રીઓ એકવાર સુંદર હતી એનો અહેસાસ અનુભવે છે. નવલકથાનો અંત જાણે કે પ્રતીતિ કરાવે છે કે યાતના દ્વારા જ પૂરી માનવતાને હાંસલ કરી શકાય છે. કોઈ પણ જાતના પરિચ્છેદો વગર અલ્પવિરામ કે પૂર્ણવિરામનાં ચિહ્નો વગર, કોણ બોલે છે અને કાં પૂરું કરે છે એનાં અવતરણ ચિહ્નો વગર લખાયેલી સારામાગોની નવલકથા વાચકને એક એક ડગલે સાવધ રહેવાનો અવસર પૂરો પાડે છે.