વિવેચનની પ્રક્રિયા/પ્રમાણભૂત પાત્રપરિચય

From Ekatra Foundation
Revision as of 02:55, 15 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રમાણભૂત પાત્રપરિચય

ગોવર્ધનરામ વિશે જૂનીનવી પેઢીના અભ્યાસીઓએ ઘણું ઘણું લખ્યું છે. ઉત્તમલાલ ત્રિવેદી, બળવંતરાય ઠાકોર, રામનારાયણ વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિશ્વનાથ ભટ્ટ, ઉમાશંકર, મનસુખલાલ, અનંતરાય આદિ વિવેચકોના લેખો અને પુસ્તકો પ્રગટ થયાં છે. ઉપેન્દ્ર પંડ્યા, સુરેશ જોષી, રઘુવીર ચૌધરી વગેરેએ પણ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી લખ્યું છે. જે થોડી કૃતિઓ વિવેચનનો ભાર ખમી શકે એમાં ‘સરસ્વતીચંદ્ર’નો સમાવેશ થાય છે. પણ રસિકલાલ પરીખ પાસેથી ગોવર્ધનરામ કે ‘સરસ્વતીયન્દ્ર’ વિશે કેમ કાંઈ ન મળ્યું એનું આશ્ચર્ય મને થતું. ‘સરસ્વતીચન્દ્રનો મહિમા–તેની પાત્રસૃષ્ટિમાં’ જોઈ મારી જેમ ઘણાનું આશ્ચર્ય શમ્યું હશે. ‘સરસ્વતીચન્દ્ર’ ઉપરનાં વિવેચનોમાં આ પુસ્તક એક મહત્ત્વનો ઉમેરો છે.

ગુજરાત વિદ્યાસભાની વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૨માં આપેલાં છ વ્યાખ્યાનો અહીં સંગૃહીત થયાં છે. આ વ્યાખ્યાનો છે એ વિગત પુસ્તક સમજવામાં ઉપયોગી છે. પુસ્તકમાં આવતાં આવાં વાક્યોનો ખુલાસો એથી મળી જાય છે : “તો મુમ્બાવાસમાં પ્રવેશ કરો”, “આપણે હવે લક્ષ્મીનંદનનો નિવાસ છોડી તેમની ઑફિસે જવાના રસ્તા ઉપર આવીએ”, “સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચન્દ્રનાં ચરણ પોતાના ખોળામાં રાખી ભીંતના ટેકે કન્થાને ઉસીકે રાખી બેઠી બેઠી ગાઢ નિદ્રાને વશ થતી કુમુદને જુઓ.” શૈલી પણ સંબોધન–ઉદ્બોધની થઈ છે તે આ કારણે. સામે શ્રોતાઓ બેઠા છે અને વિદ્વાન વ્યાખ્યાતાએ ‘સરસ્વતીચન્દ્ર’ની કથા માંડી છે. કથા કહેવાની શૈલી અત્યંત રસિક હોય એમાં શું આશ્ચર્ય? વ્યાખ્યાતા રસિકલાલભાઈ હોય ત્યારે બીજું સંભવી જ કેમ શકે? અને કથા કહેતાં કહેતાં જ તેમણે ‘સરસ્વતીચન્દ્ર’ના મહિમા પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે.

આ મહાનવલનાં બીજાં ઘટકોની ચર્ચાના સંદર્ભમાં પાત્રસૃષ્ટિનો મહિમા પ્રગટ કરવાને બદલે ‘સરસ્વતીચંદ્ર’નો મહિમા એની પાત્રસૃષ્ટિમાં રહ્યો છે એવું ગૃહિત સ્વીકારીને તે ચાલ્યા છે. લેખક કહે છે : “...કવિઓની–મહાકવિઓની–પ્રતિભાનો નિકર્ષ તેમના પાત્રસર્જનમાં છે. કથા, કાવ્ય કે નાટક–બૃહત્ કે લઘુનું કથાશરીર સૌષ્ઠવયુક્ત કરવાની કલા શીખી–શીખવી શકાય એવી કલા છે...શીખવી ન શકાય એ કલા પાત્રસર્જનની છે... ગોવર્ધનરામની પ્રતિભાનો ખરો ચમત્કાર ‘સરસ્વતીયન્દ્ર’નાં પાત્રોના સર્જનમાં છે.” ઉપરનાં વાક્યોમાં જે સિદ્ધાન્ત અનુસ્યૂત છે એને વિશે ચર્ચાને અવકાશ છે, પણ એ વાત બાજુએ રાખી દોઢસો જેટલાં પાત્રોવાળા ગોવર્ધનરામના “માનવનગર”માં લેખક આપણને ફેરવે છે અને એ નગરની રજેરજ બાબતને રસપૂર્વક બતાવે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ બધાં પાત્રોની ગતિવિધિ વિશે તેમણે વિગતવાર વાત કરી છે. એ વાત મોટે ભાગે તેમણે ગોવર્ધનરામના શબ્દોમાં કરી છે. જાણે ‘સરસ્વતીચન્દ્ર’ની આબોહવામાં આપણે શ્વસી રહ્યા ન હોઈએ! આટલી સરસ રીતે ‘સરસ્વતીચન્દ્ર’ના કથાવસ્તુનો પરિચય અગાઉ કોઈએ કરાવ્યો હોય એવું સ્મરણ નથી. પુસ્તકની આ વિશેષતા છે.

આ ‘વિશેષતા’ જ એની મોટી મર્યાદા પણ બની છે. ગોવર્ધનરામની પાત્રાલેખનકલા વિશે જાણવાની ઇચ્છા રાખનારને અહીં થોડી નિરાશા થશે. ગોવર્ધનરામના પાત્રચિત્રણની ચર્ચા કરતા વિવેચનગ્રંથને બદલે એમનાં પાત્રોનો રસમય પરિચય આ પુસ્તકમાંથી મળે છે. અને આ કામ પણ ગંજાવર છે. લેખકે એ સારી રીતે કર્યું છે. ‘સરસ્વતીચન્દ્ર’ વાંચતાં જે આનંદ અનુભવાય છે એના જેવો જ આનંદ આ પુસ્તકમાંથી પમાય છે. ગોવર્ધનરામની સૂષ્ટિ સાથે ઊંડાણપૂર્વકના તાદાત્મ્ય વગર એ શક્ય ન બને.

બળવંતરાય ઠાકોરે ‘સરસ્વતીચંદ્ર’માં વસ્તુની ફૂલગૂંથણી તપાસી છે. મૂળ કથાવસ્તુ અને ઉપકથાવસ્તુઓના સંધાનની તેમણે ચર્ચા કરી છે. દેખીતી રીતે જ ક્રમશઃ કથાવસ્તુને વર્ણવવાનો તેમનો ઉપક્રમ નથી. અહીં પાત્રોનો પરિચય આપવાનો આશય છે. પાત્રોનો પરિચય કથાવસ્તુની વાત કર્યા વગર શી રીતે અપાય? કથાવસ્તુ તદ્દન અનિવાર્ય બને છે. પણ લેખકના નિઃશેષ નિરૂપણના આગ્રહને કારણે એમાં લંબાણ થયું છે. પાત્રોનાં વ્યક્તિત્વોને ઉપસાવવાની મૂળ લેખકની નિરૂપણ રીતિ કરતાં એ વ્યક્તિત્વો કેવાં હતાં તે બતાવવા ઉપર વ્યાખ્યાતાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે બળવંતરાય અને રસિકભાઈ બંનેની રજૂઆતમાં ફેર રહે છે. આ પ્રકારની ચર્ચા ઉત્તમલાલ ત્રિવેદીએ પણ કરી છે. ‘વસંત’માં તેમણે ‘સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર’ નામે લેખમાળા લખેલી(‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’માં એ સંગૃહીત છે). તેમણે ‘સરસ્વતીચન્દ્ર’નાં મુખ્ય પાત્રો જ લીધાં અને તેમની પણ ચર્ચા તત્કાલીન કૌટુમ્બિક પરિસ્થિતિના સંદર્ભમાં કરી. ઉત્તમલાલનો આશય પણ એસ્થેટિક કરતાં વિશેષ તો સામાજિક ચર્ચાનો રહ્યો, ક્યારેક તેઓ બોધાત્મક પણ બન્યા છે. પ્રસ્તુત પુસ્તકના લેખકે એવો અભિગમ રાખ્યો નથી. તેમ છતાં રસિકભાઈ બળવંતરાય કરતાં ઉત્તમલાલની વધુ નજીક જણાય છે.

‘સરસ્વતીચંદ્ર’ના ચારે ભાગમાં ગોવર્ધનરામે જે ક્રમમાં કથા વર્ણવી છે એમાં આ પુસ્તકના લેખકે માત્ર એક બાબતમાં ફેરફાર કર્યો છે. ગોવર્ધનરામે આરંભ સુવર્ણપુરથી કર્યો છે જ્યારે રસિકભાઈ મુંબઈથી શરૂઆત કરે છે. આમ પણ અવશ્ય કરી શકાય. પણ બનાવની ક્રમિકતા જાળવવા જતાં બીજા વ્યાખ્યાનના પ્રારંભે ‘હવે સુવર્ણવાસમાં જઈએ’ એમ કહી સરસ્વતીચંદ્ર રાજેશ્વર મહાદેવના મંદિરમાં આવ્યો અને મંદિરના પૂજારી મૂર્ખદત્તને મળ્યો એ બધી હકીકતના નિરૂપણમાં રહેલું વિસ્મયનું તત્ત્વ (જે ગોવર્ધનરામમાં એક ઉદ્દીષ્ટ વસ્તુ છે) અળપાઈ જાય છે અને તેમાંય ગોવર્ધનરામના શબ્દોમાં (ક્યારેક નહીં પણ અવારનવાર અવતરણોમાં) અપાયેલાં વર્ણનની કોઈ અસર રહેવા પામતી નથી. દા. ત. :- (જુઓ, પૃ. ૩૩). એ પછી ‘નિઃશ્વાસ ન નાખતો પણ નિ:શ્વાસનો ભરેલો આ યુવાન આ કથાનો નાયક છે’ એ વાક્ય આપોઆપ નિરવકાશ થઈ રહે છે.

એ સિવાય ગોવર્ધનરામે જે ક્રમમાં કથાવસ્તુ નિરુપ્યું છે એ જ ક્રમમાં રસિકભાઈ પણ પ્રધાન-ગૌણ પાત્રોને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. તેમણે આપેલો કુસુમ, અલકકિશોરી, વનલીલા, કૃષ્ણકલિકા, સૌભાગ્યદેવી, ગુણસુંદરી, બુદ્ધિધન, ભૂપસિંહ, રાજબા, મિસ ફ્લોરા, વિદ્યાચતુર, વિહારપુરી, ચંદ્રાવલિ આદિનો પરિચય રોચક છે. પણ તેમનાં વ્યાખ્યાનોનું બૃહદ માળખું કથાવસ્તુના સાંગોપાંગ નિરૂપણનું છે. તેમણે છયે વ્યાખ્યાનોમાં યોજેલાં ઉપશીર્ષકો દ્વારા પણ એ પ્રતીત થાય છે. દા. ત. ‘વહેમાતો વક્ષ્મીનંદન અને ધૂર્તલાલનો પ્રવેશ’, ‘ધર્મલક્ષ્મીને ભાનમાં લાવતો, કુટુંબધર્મનું ભાન કરાવતો માનચતુર’, ‘રાજ કુમાર મણિરાજના શિક્ષક વિદ્યાચતુરને મલ્લરાજની ચીમકી’ (પુસ્તકમાં શુદ્ધિપત્રક મૂક્યું છે તેમાં પણ શુદ્ધિને અવકાશ છે!), ‘સિદ્ધ થયેલાં ધર્મલક્ષ્મી આપે છે જામાતાને ચિંતામણિની મુદ્રા પૌત્રીને પારસમણિથી જડેલું મંગલસૂત્ર’, ‘સૌભાગ્યદેવી અને પ્રમાદધનના મૃત્યુના સમાચારથી કુમુદની મનોદશા’, ‘ચન્દ્રકાન્ત સાથે મિલન અને એનાં વાક્યબાણો’, ‘કુમુદ કુસમને પરણવા સમજાવે છે’, ‘રત્નવાસથી મુંબાવાસમાં’ અને છેલ્લે ‘ઘેલી મારી કુસુમ’, ‘કુમુદ’, ‘સરસ્વતીચન્દ્ર’નાં મહત્ત્વનાં પાત્રો લઈ એમના વિશે એકી સાથે રજૂઆત થઈ હોત તો આ ગ્રંથની સમગ્ર છાપ વસ્તુવિકાસનાં નિરુપણની પડે છે એને બદલે પાત્રવિકાસના નિરુપણની પડત.

પરંતું એનો અર્થ એવો તો નથી જ કે વ્યાખ્યાતાએ કેવળ ‘સરસ્વતીચંદ્ર’નું કથાવસ્તુ આપ્યું છે. તેમને પોતાને ઘણા મુદ્દા વિશે ઘણું બધું કહેવાનું છે અને તે વચ્ચે વચ્ચે ટીકા–ટિપ્પણરૂપે ટૂંકાણમાં કરી લઈ કથાને આગળ લઈ જાય છે. થોડાં ઉદાહરણોની વાત કરું.

‘સરસ્વતિચંદ્ર’ના પરત્વે ઘાટ વિદ્વાનોએ જુદાં જુદાં રૂપકો પ્રયોજ્યાં છે. બળવંતરાયના ‘પંચજૂટ જટાકલાપ’, રા. વિ. પાઠકના ‘મહાનદ’નો કે ન્હાનાલાલના ‘પંચનદ’નો ઉલ્લેખ કરીને લેખક કહે છે : ‘તેથી મહાકાવ્ય કે મહાકથાની આકૃતિને ઓળખવા, ઘટક અંશો અને ઘાટને સંબંધ સમજવા રૂપક આપવું હોય તો organismનું અર્થાત્ કાલક્રમમાં વિકાસ પામતા જીવનશક્તિવાળા અવયવીનું રૂપક વધારે બંધ બેસતું થાય. એમાં પરિવર્તનાત્મક વિકાસ થાય, પણ ઘાટમાં રહીને કદાચ કોઈ વૃક્ષનું, કદાચ કોઈ મહાવૃક્ષનું રૂપક વટવૃક્ષ જેવાનું જ—વધારે અનુરૂપ થાય.’ આ નવલકથાને આચાર્ય હેમચન્દ્રને અનુસરી ‘સકલ કથા’ કહેવાનું તેમણે સૂચવ્યું છે. ડોલરરાય માંકડે એને ‘સકલ કથા’ કહી જ હતી. રસિકભાઈ કહે છે : ‘ગોવર્ધનરામનું લક્ષ્યાલક્ષ્ય વિવરણ એમનું નવીન દર્શન છે, અને એટલું પણ એમને પ્રાચીન દર્શનાચાર્યોની પરંપરામાં મૂકવા પૂરતું છે. કહેવું હોય તો એમ કહેવાય કે લખ–અલખની ફિલસૂફી આ સકલકથાને અખિલાઈ અર્પે છે. એનું વિપુલ વૈવિધ્ય જોઈને બાણને માટે કહેવાયું તે ગોવર્ધન માટે વધારે યથાર્થ રીતે કહેવાય કે “गोवर्धनोच्छिष्टं जगत् सर्वम्।” અન્યત્ર ‘લક્ષ્યાલક્ષ્યના સિદ્ધાન્તનું મૂળ પણ શોધવા જેવું’ તેમને લાગ્યું છે. આ કાર્ય માટે તેઓ પૂરેપૂરા અધિકારી છે, એટલું જ નહીં પણ ગોવર્ધનરામનો આ પ્રિય સિદ્ધાંત ‘વેદાંતને એક ડગલું આગળ’ શી રીતે લઈ જાય છે તે દર્શાવી કૃતિના સંવિધાનમાં એની ઉપકારકતા પણ રસિકભાઈ વગર કોણ પ્રગટ કરે? ગોવર્ધનરામની પ્રેમમીમાંસા વિશે તેમણે કહ્યું છે : ‘ફ્રૉઇડની પ્રેમમીમાંસા જેવી લાગે એવી આ પ્રેમમીમાંસા છે. છતાં સ્વરૂપમાં ભિન્ન છે. કુમુદ repressed નથી, એના વિચારો અને ભાવનાઓ એને ‘વ્યક્ત’ છે, ‘લખ’ છે, અને ‘અલખ’ છે તે ‘libido’ નથી!’ પછી ઉમેર્યું છે, ‘છતાં આમાં કોઈને ફ્રૉઇડના જેવી છતાં એને ન સૂઝે કે એ ન સ્વીકારે એવી પ્રેમમીમાંસાની ગહનતા દેખાશે.’ આ દૃષ્ટિએ પણ આકલન કરવા જેવું હતું. પાત્રપરિચય નિમિત્તે મળતા આવા નિર્દેશો કીમતી છે.

સરસ્વતીચંન્દ્રના ગૃહત્યાગ સંબંધે કુમુદ સાથે જે વાર્તાલાપ થાય છે તે ગોવર્ધનરામે ચોથા ભાગના ૨૯મા પ્રકરણ ‘હૃદયના ભેદનું ભાંગવું’માં આપ્યો છે. સરસ્વતીચન્દ્રના ખુલાસા પછી કુમુદ કહે છે, ‘હા...શ! આજ મારા હૃદયનું મહાશલ્ય દૂર થયું. મને હાનિ કરનાર તમે ન નીવડ્યા—વિધાતા નીવડ્યો. મેં બે કટાક્ષનાં વચન કહ્યાં તે હવે ઉતાવળ કરી લાગે છે’ વ૦ વ૦ આ વિશે રસિકલાલ પરીખ કહે છે કે, ‘દુષ્યન્તે શકુન્તલાને ખુલાસો કર્યો અને શકુન્તલાના હૃદયમાંથી ‘પ્રત્યાદેશનું વ્યલીક’ દૂર થયું તેમ કુમુદને થાય છે પણ શાકુન્તલમાં તો ત્યાંથી નાટક મંગલાન્તને પહોંચે છે.’ પણ કુમુદના ઉપરના વાક્યનો ‘ઉત્તરરામચરિત’ના ત્રીજા અંકમાંની સીતાની ઉક્તિ ‘अम्महे उत्खातमिदानीं यरित्यागलज्जाशल्मार्यपुत्रेण’ – અહો! આર્ય પુત્રે હવે મારું પરિત્યાગની લજ્જાનું શલ્ય ઉખાડી નાખ્યું – સાથે વધુ સંબંધ લાગે છે. રસિકભાઈએ ‘સરસ્વતીચન્દ્ર’નો રામાયણની કથા સાથેનો સંબંધ અલબત્ત અન્યત્ર નિર્દેશ્યો છે. એ ઉપરાંત ગૃહત્યાગ પછીની લક્ષ્મીનંદનની વિરહવેદના અને સુંદરગિરિ પર સાધ્વીઓના સખીકૃત્ય સંબંધે પણ સામ્ય જણાય છે. રસિકભાઈના ઉપર આપેલા અવતરણ પછીનું વાક્ય આવું છે : ‘અહીં તો કુમુદ પરસ્ત્રી છે એટલે આ કથાનક કેમ મંગલાન્ત થાય એ હવે પછી ગોવર્ધનરામની કલાની મૂંઝવણ છે. કાલિદાસને જે પ્રશ્ન ન હતો તે ગોવર્ધનરામને છે. કુમુદ અને સરસ્વતીચંદ્ર સાચાં પ્રેમી છે, પતિપત્ની થવાને યોગ્ય છે. યદુશૃંગની રસમીમાંસા અને ધર્મમીમાંસા પ્રમાણે તે બે જ સાચાં પતિપત્ની છે. પણ લૌકિક દૃષ્ટિથી, સમાજથી અને કાયદાથી તેઓ પરાયાં છે, અર્થાત્ સરસ્વતીચંદ્ર માટે કુમુદ પરસ્ત્રી છે, કુમુદ માટે સરસ્વતીચંદ્ર પરપુરુષ છે. આ ગૂંચને ગોવર્ધનરામ કેવી રીતે ઉકેલે છે તે હવે દેખાય છે. ‘ગોવર્ધનરામના મનમાં આ અંગે કશી ગૂંચ હોવાનો સંભવ એટલા માટે નથી કે બીજા ભાગના અંતભાગમાં સરસ્વતીચંદ્રને જોગી લોક લઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લઈ ગઈ. બેના માર્ગ જુદા હતા પણ દિશા એક હતી એમ કહેવાથી આરંભીને નવલકથાકારે ઠેર ઠેર યથાસ્થિત અંત અંગે સૂચનો મૂકેલાં જ છે. આ મુદ્દા પરત્વે પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી યશવંત શુક્લે પણ ધ્યાન દોર્યું છે. પણ રસિકભાઈના નિરીક્ષણ — આ નવલકથાનું મોટામાં મોટું સંબંધ-પરિવર્તન પ્રિયતમ-પ્રિયતમા પુત્ર-માતામાં પરિણમે છે એ વિશે યશવંતભાઈ કાંઈક અહોભાવથી “મહાવિધાન” અને “અત્યંત માર્મિક” જેવા શબ્દો યોજે છે, પણ છેલ્લે સુંદરગિરિ પરથી બધાંને વિદાય લેવાનો પ્રસંગ આવે છે ત્યારે સરસ્વતીચંદ્ર અને કુમુદ વચ્ચેની લંબાણપૂર્વકની વાતચીતમાં ગોવર્ધનરામે પોતે જ એ વસ્તુ સ્ફુટ કરેલી છે. કુમુદના સદેહે સ્વર્ગારોહણની વાત પણ આનંદશંકરે કરેલી જ છે.

લેખકે ‘સરસ્વતીચન્દ્ર’ને પ્રેમદ્વૈધની કથા તરીકે ઓળખાવી ‘દ્વિધા ભાવને દબાવીને વ્યથાને ગૂઢ કરવા શક્તિમતી થયેલી કુમુદની વ્યથાને તાજી કરવાના પ્રસંગો યોજી કુમુદસુંદરીના હૃદયસંઘર્ષની કથા—કુટુંબ ઇતિહાસ અને શિક્ષણના સંદર્ભમાં—ગોવર્ધનરામે રચી છે, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચારે ભાગનું પરમ લક્ષ્ય આ વ્યથાની શાન્તિ માટે સમાધાનો યોજવાનું છે’ એમ કહ્યું છે. લોકસાહિત્ય અને ભવાઈ વગેરેમાં પરપુરુષના પ્રેમની કથાઓ છે પણ એમાં દ્વૈધ નથી, પ્રાચીન શિષ્ટ સાહિત્યમાં આવી નાયિકા દુર્લભ એમ કહી પશ્ચિમના સાહિત્યમાંથી એમણે પ્રેરણા લીધી હોવાનું જણાવી ગોવર્ધનરામે ભારતીય અને અર્વાચીન કથાનો સમન્વય કર્યાનું સૂચવ્યું છે. પરંતુ કુમુદની “અંતર્ગૂઢઘનવ્યથા”ને શાન્ત કરવા “સમાધાનો” યોજવાની વાત ગોવર્ધનરામના નિરૂપણથી વેગળી છે. મારા ‘ભારતીય નવલકથા’ એ પુસ્તકમાં પ્રસંગોપાત મેં કહ્યું છે કે “નાયક સરસ્વતીચંદ્ર અને નાયિકા કુમુદનાં ચિત્રણમાં ગોવર્ધનરામનો પ્રશ્ન સ્થૂલ-સૂક્ષ્મ પ્રીતિસંબંધથી જોડાયેલાં આ પાત્રોની પ્રીતિનું શોધન કરી પ્રેમની એક વિશિષ્ટ ભૂમિકા પર તેમને મૂકવાં એ છે. અનેક અનુભવોમાંથી લેખક તેમને પસાર કરે છે. રહીસહી વાસના અને રાગાવેગમાંથી પણ અંતે એ મુક્ત થાય છે અને સિદ્ધ લોકનાં દર્શનના અધિકારી બને છે... વ્યક્તિનિષ્ટ પ્રેમને ગોવર્ધનરામ સમષ્ટિ પ્રેમમાં ઓગળી જતો બતાવે છે. પ્રીતિનું શોધન અને ભારતીયતાની ખોજ બંને સમાન્તર નિરૂપાયાં છે. ગોવર્ધનરામ ભારતીય રિનેસાંસમાં જે કાંઈ ઉત્તમ હતું તે સારવી લઈ એક સમન્વયકારક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃતિને નવો રાહ બતાવે છે. ગોવર્ધનરામનું આ યુગકાર્ય ઐતિહાસિક દૃષ્ટિએ બહુમૂલ્ય છે.”

‘સરસ્વતીચંદ્ર’નાં સ્ત્રીપાત્રોની ચર્ચામાં રસિકલાલ પરીખ ગુણસુંદરીના પાત્રને મૂર્ધન્ય સ્થાને મૂકે છે. પરંતુ પાત્રચિત્રણની કલાની દૃષ્ટિએ ગુણસુંદરીનું પાત્ર એટલું Colossal થઈ ગયું છે કે તે પોતાની અતિપૂર્ણતાથી નવલકથાના મધ્યવર્તી વિષયને કાંઈક ગ્રહણરૂપ નીવડે છે. (વિશેષ ચર્ચા માટે જુઓ, ‘ગોવર્ધનરામ – એક અધ્યયન’, બીજી સંશોધિત આવૃત્તિ, પૃ. ૧૮૬–૧૮૯ ‘સરસ્વતીચંદ્ર’નાં પાત્રોની વૈયક્તિકતાનો સ્વીકાર કરવા છતાં લેખકનો ઝોક એમને જાતિચિત્રો (‘ટાઇપ’) ગણવા ઉપર વધુ છે. તેમનો અભિપ્રાય ચિંત્ય છે. સુવર્ણપુરના મુત્સદ્દીઓની રાજ્યખટપટ અને કાવાદાવા વિશે લખતાં ‘ગુજરાતના વર્તમાન રાજકારણીઓ’ વિશે કાંઈક વિગતે લખ્યું છે તે અહીં આગંતુક અને અપ્રસ્તુત જેવું લાગે છે.

રસિકભાઈની ગદ્યશૈલી સરસ છે. ગોવર્ધનરામના જ શબ્દો અને અવતરણોનો વિપુલ ઉપયોગ કર્યો હોવા છતાં સંધાનરૂપ કંડિકાઓ ગદ્યવળોટમાં જુદી પડી જતી નથી અને પ્રવાહી તેમ જ પ્રાસાદિક ગદ્ય વાંચતાં સંતોષની લાગણી અનુભવાય છે. ક્યારેક વિનોદની છાંટ પણ તેમના ગદ્યની આસ્વાદ્યતામાં ફાળો આપે છે. દા. ત. શઠરાયના કુટુંબની વાત કરતાં લેખક “આ રકમોને પણ ઓળખવી જોઈએ” એમ કહે છે!

પુસ્તકમાં મૂકેલી શ્રી યશવંત શુક્લની પ્રસ્તાવના એનાં મૂલ્યમાં વધારો કરે એવી છે એમ કહેવું જોઈએ. યશવંતભાઈએ લેખના નિરૂપણને રૅશનેલાઇઝ કરીને બહુ સારી રીતે મૂકી આપ્યું છે. ચિંત્ય સ્થાનો પણ સૌમ્યતાથી અને પૂરી સ્પષ્ટતાથી નિર્દેશ્યાં છે. પુસ્તકનું સમગ્ર રીતે મૂલ્યાંકન કરતાં તેમણે “પ્રમાણભૂત પાત્રપરિચય” શબ્દો વાપર્યા છે. મને લાગે છે કે પુસ્તકનો એ યથાર્થ પરિચય છે.