વિવેચનની પ્રક્રિયા/‘વમળનાં વન’ વિશે
સ્વ. જગદીશ જોષીનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આકાશ’ ૧૯૭૨માં પ્રગટ થયો. ‘વમળનાં વન’ ૧૯૭૬માં પ્રગટ થયો. ‘વમળનાં વન’ને ‘કવિ ન્હાનાલાલ પારિતોષિક’ મળેલું. ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક’ તેમને મરણોત્તર એનાયત થાય છે.
જગદીશની કવિતામાં વેદનાનું ગાન ગવાયું છે. “સળવળતી કળીઓમાં રાધાની વેદના” ગાનારા આ કવિ હતા. અત્યારના જીવનની વિરૂપતા, કઢંગાપણું અને વિસંવાદિતાથી અકળાઈ ઊઠેલા આ કવિની કવિતામાં વેદના અને કરુણતાનો તાર ચાલુ બજ્યા કરે છે પણ કવિ આપણને ભેટ તો ધરે છે રૂપાળાં કાવ્યકુસુમોની. એક રચનામાં કવિ પોતાની જિંદગી જીવવા જેવી નથી, એમાંથી રસ ઊડી ગયાની વાત કરે છે. એમાં છેલ્લી પચીશીમાં દુનિયાભરના કવિઓની કવિતામાં દેખાતાં હતાશા, ભગ્નાશપણું અને નિઃસહાયતાનો જ રણકાર છે. જીવનની વેદના અને કરુણતાના અનુભવમાંથી પ્રગટતો મનુષ્ય પ્રત્યેનો સહાનુભૂતિપૂર્ણ કારુણ્યભાવ જગદીશની કવિતાને વિશિષ્ટતા અર્પનારો બની રહે છે.
સાંપ્રત ચેતનાને વાચા આપનારા ગણ્યાગાંઠ્યા કવિઓમાં જગદીશ જોષીનો સમાવેશ થાય. આ માટે અછાંદસ કવિતાનું માધ્યમ તેમને ખૂબ અનુકૂળ નીવડ્યું. કૃતક ગદ્યકાવ્યોનો ધસમસતો પ્રવાહ આપણે છેલ્લાં વર્ષોમાં જોયો છે, એમાં જે કેટલાક કવિઓ પોતાની આંતર જરૂરિયાતને વશવર્તી ગદ્યમાં કવિતા સિદ્ધ કરે છે એમાંના એક આ કવિ છે. એક તરફ અછાંદસ કવિતા તો બીજી તરફ ગીતરચનામાં જગદીશ પોતાની શક્તિઓનો સારો હિસાબ આપી શક્યા છે. ગીતોમાં સૌરાષ્ટ્રની ધરતીની સુગંધ અકબંધ જળવાયેલી છે. એમનાં મૂળિયાં આ ધરતીમાં કેટલાં દૃઢ રોપાયેલાં છે તે એનો શબ્દલય બતાવી આપે છે. આ ગીતોનો લય, એની ભાષા અને અભિવ્યક્તિની તાજગી આપણને ગમી જાય એવાં છે.
જગદીશની કવિતામાં મુખ્યત્વે ગીતો, ગદ્યકાવ્યો અને ગઝલો છે, છંદ પણ તેમને એટલો જ આસાન હતો. શહેરી સંસ્કૃતિનો ચળકાટ અને વિડંબના તે ઉચિત શબ્દાવલિમાં પ્રગટ કરે છે તો ગ્રામસંસ્કૃતિ પ્રત્યેની સાચકલી મુગ્ધતા તળપદી બાનીમાં પ્રગટ થાય છે. પરિણામે એક તરફ પ્રયોગશીલ અછાંદસ રચનાઓ તો બીજી તરફ ધરતીનું અસલી નૂર પ્રગટ કરતાં બળકટ બાનીવાળાં લયમધુર ગીતો આપણને મળે છે. બંને જુદા જુદા છેડાનાં અભિવ્યક્તિરૂપો જગદીશની સમગ્ર કવિતામાં સંવાદી બની જાય છે.
જગદીશ હરકોઈ સાચા કવિની જેમ સ્વપ્નોના કવિ હતા. તેમની કવિતા એક અર્થમાં સ્વપ્નપ્રયાણ જ છે. એક રચનામાં તે કહે છે : હવે
સપનાને લાગ્યો છે આછેરો થાક
મારાં સપનાં કેમ નહીં જંપો જરાક
તો બીજી રચનાઓમાં :
હવે તો થાક્યું છે હૃદય ભટકી સ્વપ્નરણમાં
*
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું
—જેવી ઉક્તિઓમાં એમનો તદ્-વિષયક ભાવ પ્રગટ થાય છે. દરેક માનવી – એમાંય સંવેદનશીલ કવિ સ્વપ્નો લઈને જન્મે છે, પણ વ્યવહારની ધીંગી ધરતી પર, એ સાકાર થવાં તો દૂર રહ્યાં, પણ અતલ નિરાશાનો અનુભવ કરાવે એવી પરિસ્થિતિના સાક્ષી બનવાનું આવે છે. કવિને હરણસપનાની ચીસ થીજી જતી જોવા વારો આવે છે. પોતાનાં સ્વપ્નો વરાળ થઈ જતાં દેખાય છે, અને છતાં કવિ શબ્દ સાથેનો પ્રણયપ્રસંગ નિભાવ્યે જાય છે. બીજું એ કરી પણ શું શકે?
“કાંઠે ડૂબ્યાં કમળનાં વન,
કંઠે ઊગ્યાં વમળનાં વન”
–– જેવી પરિસ્થિતિ કવિના હૃદગતને અસરકારક રીતે વ્યક્ત કરે છે. પોતાના શબ્દોને સાવ ટળી જતા જોનારને ખરતાં ફૂલોને ફળદાયી થતાં જોવાનું પણ ભાગ્યમાં છે. શબ્દ વગર બીજો ઉગારો નથી. કવિને શબ્દ પંથ બતાવે છે તો અનંત પણ ચીંધે છે. શહેરની ભરી ભરી ભીડ વચ્ચે પણ કવિ એકલતાનો અનુભવ કરે છે, તે કહે છે :
“મારી પળેપળનાં દહન, વમળનાં વન... એકલતા...”
આ વેદના–દહન–એકલતાની તીક્ષ્ણતા ‘પ્રતીક્ષા’માં “બંબાવાળા હજી કેમ નહીં આવતા હોય!?” જેવા મર્માઘાતક કટાક્ષરૂપે પ્રગટ થાય છે. કવિની આંતરયાત્રા આ સૃષ્ટિના મૂલગત ઋત તરફ વળે – એના સાચા રહસ્યોદ્ઘાટન તરફ વળે એ પહેલાં તો કવિ અંનતની યાત્રાએ નીકળી ચૂક્યા! જગદીશને સંસારના સ્વરૂપની ઝાંખી થયેલી છે, મૃત્યુનો અનુભવ જીવતેજીવત તેમણે કરી લીધો છે. “હું જોઉં છું મારી ઉત્તરક્રિયા”માં “મારું પાંચ માળનું મકાન થોડીક જ વારમાં ભસ્મીભૂત થઈ જશે, અને એની નોંધ છાપાંમાં ‘ન્યૂઝ વેલ્યુ’ વિનાની” એમ તેમણે અમસ્તું જ નથી કહ્યું? ક્ષણિક અને સનાતનનો ભેદ તે પામી ચૂક્યા હતા. પણ આ વિષાદયોગમાંથી (એ નામનું કાવ્ય પણ તેમણે કર્યું છે.) બીજું કંઈ બની આવે એ પહેલાંની આ રચનાઓમાં તો વ્યથાનો ભાવ તીવ્ર રીતે ઘુંટાયેલો આપણને જોવા મળે છે. તેમ છતાં કવિને આ વ્યથાની પાછળ દૂર દૂર રહેલા આનંદની કાંઈક ઝાંખી તો થયેલી છે. એમની કવિતામાં એના અણસાર પમાય છે. પણ કવિ એ તરફ સજ્ઞાન રીતે પ્રવૃત્ત થાય એ પહેલાંની ક્ષણોમાં તો પ્રણયવૈફલ્ય, પરિસ્થિતિજન્ય વેદના, સ્વપ્નોના ભગ્નાશપણામાંથી જન્મતા દર્દની કથની જ તે ગાય છે.
પણ એ વ્યથાની કાવ્યકથા વિવિધ અભિવ્યક્તિરૂપોની તાજગીને કારણે એકવિધ કે કંટાળાજનક નીવડતી નથી. આમ તો એમની વેદના આ કાવ્યગ્રંથમાં પાને પાને શબ્દરૂપ પામી છે પણ તેમના શેરની એક પંક્તિ તો હૃદય સોંસરી ઊતરી જાય છે :
જે સમેટ્યા શ્વાસ તે કાંટા હતા.
આ ગઝલમાં અને અન્યત્ર કાંટાના કલ્પનનો ઉપયોગ તેમણે કર્યો છે. ‘કાંટા’ની વેદના વિશિષ્ટ છે, એ એકસામટી ભોગવાતી નથી, ચાલુ એનો ખટકો પીડ્યા કરે છે. પણ આ પંક્તિમાં તો કવિ શ્વાસને જ કાંટારૂપે વર્ણવે છે એમાં વેદનાની પરાકોટિ સિદ્ધ થાય છે,
દૂર સુદૂર ક્ષિતિજમાં દેખાતા આનંદના મેઘધનુષ્યને કૌતુકભર્યાં કવિચક્ષુથી નીરખનાર અને એ સાથે જ જીવનમાં રહેલા અનર્ગલ વિષમય વિષાદને વાચા આપનાર આ સ્વપ્નિલ કવિની કૃતિઓમાં જીવનના ધૂપછાંવનું જે સુરેખ ચિત્ર દોરાયું છે, મનુષ્ય તરફ જે સાહજિક સહાનુકંપા પ્રગટ થઈ છે તે એમને આઠમા દાયકાના મહત્ત્વના કવિ તરીકે સ્થાપવા પર્યાપ્ત છે. તેમાંય ‘આકાશ’થી ‘વમળનાં વન’ તરફની જગદીશ જોષીની ગતિનો ખ્યાલ બ્રેડલીના કથનનું સ્મરણ કરાવે છે કે કવિતા દુનિયામાં છે પણ એ દુનિયાદારીની ચીજ નથી.
- ↑ તારીખ ૩૦ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ દસમા ગ્રામભારતી–જ્ઞાનસત્રમાં કરેલા પ્રવચન ઉપરથી.