ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રમણીકલાલ જયચંદભાઈ દલાલ

Revision as of 02:49, 17 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રમણીકલાલ જયચંદભાઇ દલાલ,

બી.એ. એલએલ. બી.

શ્રી. રમણીકલાલ દલાલ દશા ખડાયતા વણિક કોમના શ્રી એકવીસ ગામના એકડાના છે. તેમનું વતન ખડાલઃ મહીકાંઠા એજન્સીનું દેશી રાજ્ય છે. તેમનો જન્મ તેમના મોસાળ કાકખડમાં તા. ૧૪મી ઑક્ટોબર ૧૯૦૧ ને સંવત્‌ ૧૯૫૭ના આસો સુદ બીજને દિવસે સ્હવારે થયો હતો. એમના પિતાજી સ્વર્ગસ્થ જયચંદભાઈ કુબેરદાસ દલાલ બી. એ., કેળવણી ખાતામાં સુરત, ભરૂચ તથા અમદાવાદ નોકરી કરી, પ્રથમ નડિયાદ હાઈસ્કુલના ને પછી અત્રેની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કુલના હેડમાસ્તરની પદવી ભોગવી ઇસ્વી સન ૧૯૨૪ માં રીટાયર થયા હતા. શ્રી. રમણીકલાલે રચેલી “પુષ્પાંજલિ”માં એમનું સંપુર્ણ જીવનચરિત્ર પ્રગટ કરેલું છે તે આત્મકથા નવા ઉછરતા યુવકોને અચૂક માર્ગદર્શક ને પ્રેરણાત્મક થશે શ્રી. રમણીકલાલની માતાનું નામ મહાલક્ષ્મીબ્હેન. એ તો પુત્રને આઠ વર્ષના મૂકીને જ અવસાન પામ્યાં હતાં. એટલે પુત્રના ઉછેર ને કેળવણીનો ભાર પિતાને શિર આવી પડ્યો હતો. શ્રી. રમણીકલાલનું લગ્ન સન ૧૯૨૦ના એપ્રિલની ૨૭ મી તારીખે કપડવંજના શ્રી. નાનચંદ પ્રભુદાસ શાહની પુત્રી મણિબ્હેન સાથે થયું હતું. શ્રી. રમણીકલાલે પોતાનું બધું જ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ નડિયાદમાં જ તેમના પિતાજીની દેખરેખ નીચે નડિયાદ ગવર્નમેન્ટ હૉસ્ટેલમાં રહી લીધેલું. ઇસ્વી સન ૧૯૨૩ ની સાલમાં અત્રેની ગુજરાત કૉલેજમાંથી ‘ઈતિહાસ ને અર્થશાસ્ત્ર’ ઐચ્છિક વિષય તરીકે લઇ ઑનર્સ સાથે બી.એ. થયા હતા. એમનો અભ્યાસ મૂળથી સારો હોઈ દરેક વર્ષે ઈનામ કે સ્કૉલરશીપ મેળવેલાં. સ્વ. જયચંદભાઇ અત્રેની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ હતા ત્યારે તેમણે કેટલાંક પાઠ્ય પુસ્તકો લખવાનું કાર્ય કરેલું તેમજ શાળાપત્ર પણ ચલાવેલું. તદુપરાંત બુક-કમિટીના અંગે ચાલુ સાહિત્યપ્રવૃત્તિના નિકટ સંસર્ગમાં રહેતા તેમ જ રિટાયર થયા બાદ સ્વ. લલ્લુભાઇ ગોવર્ધનદાસનું જીવનચરિત્ર છપાવેલું. પિતાના એ સાહિત્યસંસ્કાર પુત્રમાં સારી રીતે ખીલી દીપી ઉઠ્યા છે. એમની હયાતિમાં શ્રી. રમણિકલાલે કવિતાઓ લખવાનું ને સંસ્કૃત ને અંગ્રેજીમાંથી અનુવાદો કરવાનું કાર્ય શરૂ કરેલું. શ્રી. રમણીકલાલ હજી જીવનની શરૂઆત કરે છે, ધંધો પણ પુરો આરંભ્યો નથી, એ પરિસ્થિતિમાં એમણે એક સંસ્કૃત પરથી અનુવાદિત નાટક, એક અંગ્રેજી વાર્તાઓનો અનુવાદ ને એક સ્વતંત્ર બાલકો માટેની ન્હાનકડી ગ્રન્થિકા એમ ત્રણ પુસ્તકો, તૈયાર કર્યા છે. તે ઉપરાંત એમની કવિતાઓ ને વાર્તાઓ એક યા બીજા માસિકમાં અવારનવાર આવ્યાં જ કરે છે, એ સર્વથી ગુજરાતી વાચકવર્ગમાં એમનું નામ પરિચિત થઈ પડ્યું છે; એમની કૃતિઓ રસપૂર્વક અવલોકાય છે, એ એછું સંતોષ પામવા જેવું નથી.

: : એમની કૃતિઓ : :

૧. નાગાનન્દ સં. ૧૯૮૩
૨. ગુલછડી  ”  ૧૯૮૪
૩. પુષ્પાંજલિ  ”  ૧૯૮૫