ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રમણિકરાય અમૃતલાલ મહેતા

From Ekatra Foundation
Revision as of 02:59, 17 September 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રમણિકરાય અમૃતલાલ મહેતા

એઓ જ્ઞાતે સાઠોદરા નાગર બ્રાહ્મણ ગૃહસ્થ છે. મૂળ વતની અમદાવાદના; અને જન્મ પણ તા. ૫ મી જુન ૧૮૮૧ (સં. ૧૯૩૭ના જેઠ સુદ ૧૪) ના રોજ તે સ્થળે થયો હતો. એમના પિતાનું નામ અમૃતલાલ પ્રાણલાલ મહેતા અને માતાનું નામ ગોદાવરીબ્હેન છે. એમનું લગ્ન તા. ૩ જી મે ૧૮૯૮ (સં. ૧૯૫૪ના વૈશાખ સુદ ૧૨) ના રોજ અમદાવાદમાં સૌ. તારાગૌરી સાથે થયું હતું. એમણે પ્રાથમિક કેળવણી તેમ ઘણુંખરૂં માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ લીધેલું. પછી મુંબાઈ ગયેલા અને ત્યાંથી ન્યુ હાઈસ્કૂલમાંથી સન માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી, વિલ્સન કૉલેજમાં દાખલ થયલા; પણ પાછળથી કૌટુંબિક અગવડના સબબે આગળ ભણવાનું બની શકેલું નહિ. છતાં ખાનગી રીતે ઘર આગળ ખૂબ અભ્યાસ વધારેલો. ફ્રેન્ચનું પણ સારૂં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે ઉપરાંત ઉર્દુ, બંગાળી, હિંદી વગેરેનો સારો પરિચય ધરાવે છે. જેમને આપણે પત્રકારિત્વના ધંધામાં રમતા રામ-free lance કહીએ, એ જાતનું જીવન એમણે અત્યારસુધી વ્યતીત કરેલું છે. કોઇ વાર કોઇ માસિક જોડે નિકટ સંબંધ ધરાવતા હોય તો બીજી વખતે કંપનીમાં જોડાઇ તેના માટે ખેલ તૈયાર કરતા હોય. તેમને નાટકવિવેચક કહો, કળાવિવેચક કહો, પત્રકાર કહો કે લેખક કહો. સંક્ષેપમાં, ધંધાના ઘણાખરા ક્ષેત્રોમાં ફરી વળી એમણે અનેક પ્રકારના અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કરેલાં છે; અને તેની કથની જરૂર રસિક નિવડે. ઇ. સ. ૧૯૧૪-૧૯૧૯ સુધી “હિંદુસ્તાન” દૈનિક તેમજ અઠવાડિકના મુખ્ય તંત્રી હતા. ઘણાં સમય સુધી તેઓ “ગુજરાતી” પત્રની ઑફીસમાં મેનેજરના સ્થાને હતા અને તે દરમિયાન તેમ સ્વતંત્ર રીતે, અનુવાદ કે મૌલિક ગ્રંથો એમના તરફથી વખતોવખત મળતા રહેલા છે, તે સઘળાં વાચકવર્ગમાં પ્રિય થયેલાં છે. વિદ્યાર્થી અવસ્થામાંથી જ વાચનનો ખૂબ શોખ અને તેમાંય તે રૂશિયન અને ફ્રેન્ચ નવલકથાકારો વધુ વાંચતા. એઓ લખે છે કે જર્મન પ્રો. અર્નેસ્ટ હેકલ અને રૂશિયન લેખક તર્જેનીફની એમના જીવન પર પ્રબળ અસર થઈ છે. એમના પ્રિય વિષયો લલિતકળા અને કાવ્ય છે. તેઓ અત્યારે ઇમ્પિરિયલ ફિલ્મ કુંપનીમાં પબ્લીસીટી મેનેજર છે. સ્થાયી નહિ પણ વારંવાર ફરતું-બદલાતું જીવન ગાળવા છતાં, એમનો સાહિત્યવાચન કે લેખન પ્રતિનો પ્રેમ અદ્યાપિ એકસરખો સતેજ રહ્યો છે; અને તેના પરિણામે તેમની કલમમાંથી અવારનવાર કંઈ ને કંઈ સ્ક્રેચ, વિવેચન કે વાર્તા ઝરતાં રહે છે.

: : એમની કૃતિઓ : :

૧. નવો જમાનો–અમૃત કે જહર સન ૧૯૦૭
૨. સમ્રાટ જ્યોર્જ*  ”  ૧૯૧૨
૩. દિનાર્બસ  ”  ૧૯૧૩
૪. ધર્માચાર્યનો વિખવાદ.  ”  ૧૯૧૪
૫. ભૂજબળથી ભાગ્ય પરીક્ષા*  ”  ૧૯૧૫
૬. ભદ્રપુરની ભદ્રશ્યામા  ”  ૧૯૧૬
૭. રૌનક મહેલની રાજખટ *  ”  ૧૯૧૯
૮. ભાગીરથીની ભૂલ્ય  ”  ૧૯૨૫
૯. દશ લાખનો દલ્લો  ”  ૧૯૨૬
૧૦. આજકાલ્યનાં નાટકો*  ”  ૧૯૩૦

* સ્વતંત્ર; ઇતર ભાષાંતર કે રૂપાન્તર ગ્રંથો છે.