અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/હવાતિયાં

Revision as of 11:59, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હવાતિયાં|યૉસેફ મેકવાન}} <poem> હવામાં બાકોરું પાડતી ધજાને ખા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હવાતિયાં

યૉસેફ મેકવાન

હવામાં બાકોરું પાડતી ધજાને
ખાલીપાની ખાટલીમાં પડ્યો પડ્યો
જોયા કરું છું...
દર્પણમાં જોતો હોઉં એમ
પાસે ઊભેલા વૃક્ષનાં લીલાં પર્ણોમાં
ખડખડાટ હસે છે માછલીઓ...
અસમંજસમાં પડેલી બપોરની ચામડી પરના
ગીતના ઉઝરડામાંથી
ઝમતા તડકે ગામ જંપી ગયું છે.
ચોમેરથી ઊભરાતી નિસ્તબ્ધતા વચ્ચે
કોઈ પંખી
ટહુકાનો ગલ નાખી
મને
અચાનક
બહાર ખેંચી કાઢે છે.
સૂના ઘરનાં નેવાં
તાક્યા કરે છે ટગી ટગી...
યાદ પિયાકી આને લગી
જે હતી વાત હાથ વગી
એને કરડી ગઈ કાળી કૂતરી રાત —
ત્યારથી મારી અંદરના અજવાળાંને
પડ્યું છે અંધારાનું ઘારું!
એમ ધારું તો કદાચ
હું જ છું એમ ધજા...
જોયા કરું છું એને હવાતિયાં મારતી...
દર્પણમાં જોતો હોઉં એમ...