ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સૌ. સરોજિની મહેતા
એઓ વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિના છે. એમનો જન્મ તા. ૧૨મી નવેમ્બર ૧૮૯૮ના રેંજ અમદાવાદમાં થયો હતો. એમના માતપિતા પિતા સર રમણભાઈ અને લેડી વિદ્યાગવરી છે. ઉભયના નામો ગુજરાતી જનતાને લાંબા સમયથી એમના ઉચ્ચ, સંસ્કારી, આદર્શમય ગૃહજીવનની સાથે શહેરસેવા, સમાજસેવા તેમજ સાહિત્યના કાર્યોથી અને અગ્રેસર સુધારક તરીકે સારા જાણીતા છે. એ ઉભયના સર્વ ગુણો–એમની સંસ્કારિતા, રસિકતા અને વિદ્વત્તા–નો વારસો સૌ. સરોજિનીબ્હેનને પૂરેપૂરો મળેલો માલુમ પડે છે. મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ ફોર વિમેનમાં ઇંગ્રેજીનો અભ્યાસ કરતા હતા ત્યાં એમને લાગલાગટ ચાર વર્ષ સુધી સર નવરોજજી વકીલ સ્કોલરશીપ મળી હતી. સન ૧૯૧૭માં ઇન્ટરની પરીક્ષા પાસ કરી ત્યારે ગંગાભાઇ ભટ્ટ સ્કોલરશીપ મળેલી; અને બી. એ.ની પરીક્ષા સન ૧૯૧૯માં સંસ્કૃત ઑનર્સ સાથે સેકન્ડ ક્લાસમાં પાસ કરેલી. વળી છેલ્લા સન ૧૯૩૦માં એમ. એ. થયા. તેમાં ઉંચે નંબરે આવવાથી યુનિવર્સિટી તરફથી સોકારીબાઈ માનકર સ્કોલરશીપ મેળવવાનું માન મળ્યું હતું. સમાજશાસ્ત્ર-sociology એમનો પ્રિય વિષય છે; અને એલ. ટી. હોબહાઉસ, બર્નાર્ડ શૉ વગેરે લેખકોની એમના જીવન પર અસર થયલી છે. ઈ. સ. ૧૯૨૩-૨૪માં એમણે પોતાના પતિ સાથે યુરોપનો પ્રવાસ કર્યો હતો; અને લંડન સ્કુલ ઑફ ઈકોનોમિક્સમાં બે વર્ષ સુધી જોડાઈ સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એમનું લગ્ન સન ૧૯૧૯માં ડૉ. નાનક બટુકરામ મહેતા સાથે થયું છે. એમણે ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબજીવન વિષે પ્રબંધ રજુ કરીને મુંબાઈ યુનિવર્સિટીની એમ. એ.ની ડીગ્રી–બીજા વર્ગમાં–મેળવી છે, તે એમની વિદ્વત્તાની સાખ પૂરશે. સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીજીવનના વિકાસ અને અભ્યુદય માટે તેઓ તીવ્ર લાગણી ધરાવે છે, એટલું કહેવું તેમના માટે બસ નથી. જેમને Militant aggressive suffregette–કહીએ, એવી પ્રકૃતિનાં તેઓ છે. જ્યાં સ્ત્રી હક્કનો, સ્ત્રીના સન્માનનો, સ્ત્રીસ્વાતંત્ર્યનો કે સ્ત્રીસમાનતાનો પ્રશ્ન આવે ત્યાં તેની અડગ અને હિંમતપૂર્વક હિમાયત કરતાં તેઓ જણાશે; તેનો કંઈક ખ્યાલ આવવા માટે વાચકને સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયલું “સ્ત્રી સ્વાતંત્ર્યવાદ” નામનું પુસ્તક પ્રો. વાડીઆના–Ethics of Feminism પરથી એમણે લખી આપ્યું છે તે વાંચી જવા વિનંતિ કરીશું.
તે પુસ્તકની એમની શૈલી પરથી વાચક જોઇ શકશે કે ભાષા પર તેઓ કેવો કાબુ ધરાવે છે; અને તેમનું લખાણ કેવું સરલ, રમતું, સ્વાભાવિક અને સચોટ હોય છે. સાન્ટાક્રુઝ (મુંબાઈ)ના તેમના ચાર વર્ષના વસવાટ દરમિયાન તેમણે ‘સાન્ટાક્રુઝ સ્ત્રીસમાજ’ નામની સંસ્થા મંત્રીપદે રહી ચલાવી હતી. આ સંસ્થા બધી જુની પ્રણાલિકાઓને તોડવાના ખાસ હેતુથી સ્થાપવામાં આવી હતી અને ઘણા વિરોધો અને અપવાદો સહન કરી સરોજિનીબ્હેને તેની કાર્યવાહી ચલાવી હતી. આવાં તેજસ્વી બુદ્ધિશાળી, સંસ્કારી અને વિદ્વાન બ્હેનની શક્તિ અને જ્ઞાનનો લાભ, એકલી બ્હેનોને જ નહિ પણ સમાજને વધુ પ્રમાણમાં મળતો રહે, એમ કોણ નહિ ઇચ્છે? વળી તેઓ એક સારા અને અસરકારક વક્તા પણ છે. પણ દૂર પ્રાંતમાં તેઓ વસતા હોવાથી એ લાભ દુર્લભ થઈ પડ્યો છે; અને તે અડચણને લઈને ‘મહિલામિત્ર’નું સંપાદન કાર્ય, સૌ. સૌદામિનીબ્હેન સાથે તેમણે સ્વીકારેલું છે, તેમાં અંતરાય પડે છે.
: : એમની કૃતિ. : :
| ૧ | સ્ત્રી સ્વાતંત્ર્યવાદ | સન ૧૯૨૭. |