ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
એઓ જ્ઞાતિ દશા લાડ વણિક; અને અસલ વતની હાંસોટના પણ ત્યાં એમનું એકલું એક જ ઘર હોવાથી, બધો જ્ઞાતિવ્યવહાર અંકલેશ્વર, ઓલપાડ તેમ સુરત સાથે હતો; અને છેલ્લાં પચીસ વર્ષથી એમનું આખુંય કુટુંબ સુરત જઈ રહ્યું છે. એમનો જન્મ સં. ૧૯૩૮ ના ચૈત્ર સુદ દશમે સુરતમાં–મોસાળમાં સ્વ. દામોદરદાસ ભગવાનદાસ કિનારીવાળાને ત્યાં થયો હતો; અને તેમને પુત્ર ન હોવાથી ન્હાનપણમાં એમને ત્યાંજ ઉછરેલા અને પછી એમની મિલ્કતના વારસ થયા હતા. એમના પિતાનું નામ ત્રિભુવનદાસ રણછોડદાસ પારેખ, જેઓ દિવાની ખાતામાં ક્લાર્ક હતા અને માતાનું નામ રૂક્ષ્મિણી હતું. એમનું લગ્ન સન ૧૮૯૬ માં એલપાડમાં સૌ. જડાવબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમના પિતાની સાથે રહેવાનું થતાં, ઉમરેઠમાં થોડોક સમય લીધેલું; અમદાવાદમાં એમના પિતાનું કાયમ રહેવાનું થતાં તેઓ અમદાવાદ આવી, સરકારી હાઈસ્કુલમાં દાખલ થયેલા. સન ૧૯૦૦ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી; અને ગુજરાત કૉલેજમાં જોડાયેલા. પણ ગણિતમાં નબળા હોવાથી પ્રિવિયસમાં ત્રણ વર્ષ નિષ્ફળ થયલા અને તેના પરિણામે ટુંક મુદત માટે નાગપુરમાં ખેતીવાડી ખાતામાં સરકારી નોકરી લીધેલી. તેઓએ સન ૧૯૦૮ માં બી. એ., ની પરીક્ષા ‘ઇતિહાસ’ ઐચ્છિક વિષય લઇને બીજા વર્ગમાં પાસ કરેલી; અને કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયલા. એમની સાથે બીજા ફેલોઝ સ્વ. ચીમનલાલ ડાહ્યાભાF દલાલ અને શ્રીયુત ગણેશ વાસુદેવ માવલંકર હતા. સન ૧૯૦૭ માં એમને સર ગ્રાન્ડ લી જેકબ પ્રાઈઝ મુંબાઈ યુનિવ્હર્સિટી તરફથી “ઇંગ્રેજી કેળવણીની હિંદમાં ઇતિહાસ અને વિવેચનની પદ્ધતિપર થયેલી અસરો” એ વિષય પર લખવા માટે મળ્યું હતું. તેમ સન ૧૯૧૦ માં ‘પશ્ચિમ હિન્દના ક્ષત્રપોનો દક્ષિણના સાતવાહનો સાથે સંબંધ’ એ ઐતિહાસિક નિબંધ લખવા માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજી પ્રાઈઝ મળ્યું હતું. ફેલોશિપ દરમિયાન એમણે એમ. એ., માટે વાંચેલું અને ‘ગુજરાતી’ નો વિષય લીધેલો; બી એ., સુધી એમની બીજી ભાષા ‘ફારસી’ હતી અને ગુજરાતીનો અભ્યાસ પ્રાથમિક નિશાળમાં કરેલો તેજ. તેમ છતાં ઇંગ્રેજી અને ગુજરાતીમાં પાસે માર્કસ મળેલા, પણ ટોટલમાં છ માર્કસ ખુટ્યા હતા. તે પછી સેકન્ડરી ટિચર્સ કૉલેજ-મુંબાઈ-માં દાખલ થયલા; પણ એવામાં ગુ. વ. સોસાઈટીમાં આસિ. સેક્રેટરી નિમાતાં, તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપેલું અને હાલ એ જગો પર ચાલુ છે. ઇતિહાસ, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયો છે; તેમાં ઇતિહાસ માટે એમને વધુ પક્ષપાત અને પ્રેમ છે. લગભગ દશ વર્ષ સુધી તેઓ ગુજરાત સાહિત્ય સભાના મંત્રી રહ્યા હતા; અને તે દરમિયાન કેટલીક નવીન પ્રવૃત્તિઓ આદરેલીઃ જેમકે–ઐતિહાસિક વ્યાખ્યાનમાળાની યોજના; (૨) ગુ. વ. સોસાઈટીને હીરક મહોત્સવ પ્રસંગે અપાયેલું માનપત્ર; (૩) સાહિત્યકળાનું પ્રદર્શન; (૪) વાર્ષિક સમાલોચના; (૫) સાહિત્ય પરીક્ષા; તેમ સન ૧૯૨૦ માં એક મંત્રી તરીકે છઠ્ઠી સાહિત્ય પરિષદને ફતેહમંદ પાર ઉતારવામાં હિસ્સો આપેલો. ત્યારથી સાહિત્ય પરિષદ મંડળના તેઓ એક મંત્રી તરીકે ચાલુ છે અને તે મંડળ સ્થાપવામાં એમણે મુખ્ય ભાગ લીધેલો. અમદાવાદમાં ગુજરાત પત્રકાર મંડળ કાઢવામાં તેમ ગુજરાત પત્રકાર પરિષદની બે બેઠકો ભરવામાં એમણે આગેવાની લીધેલી; અને ‘વસન્ત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’ની યોજના એમની સૂચનાથી ઉપાડી લેવામાં આવી હતી. બીજી અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયલા છે. એમનું વાચન બહોળું અને સર્વદેશી છે; પણ લેખનકાર્ય માટે અણગમો છે. “બુદ્ધિપ્રકાશ”માં ગ્રંથાવલોકન અને પ્રકીર્ણ નિબંધો લખવા ઉપરાંત કોઈ સ્વતંત્ર પુસ્તક હજુ સુધી એમણે લખ્યું નથી; પણ એમના છપાયલા લેખોની સંખ્યા મોટી છે; અને તેના બે વૉલ્યુમ થવા જાય. કેટલાક ગ્રંથો એમણે એડિટ કર્યા છે, તેની યાદી નીચે પ્રમાણે છેઃ
: : એમના સંપાદિત ગ્રંથો : :
| ૧ | કાવ્યગુચ્છ (પ્રોપ્રાયટરી હાઈસ્કુલ માટે) | સન ૧૯૧૮ |
| ૨ | પ્રભુભક્તિનાં કાવ્યો | સં ૧૯૭૫ |
| ૩ | નરસિંહ મહેતાનું આખ્યાન | સન ૧૯૨૩ |
| ૪ | વસન્ત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ | ” ૧૯૨૭ |
| ૫ | ક્રમિક પાઠયપુસ્તક ૪ થું. (સાહિત્ય પરિષદ મંડળ માટે) | સન ૧૯૨૮ |
| ૬ | દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ | ” ૧૯૩૦ |
| ૭ | ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧ | ”” |
| ૮ | ”” પુ. ૨ | ” ૧૯૩૧ |
| ૯ | છઠ્ઠી સાહિત્ય પરિષદનો રિપોર્ટ | ” ૧૯૨૩ |
| ૧૦ | પહેલી પત્રકાર પરિષદનો રિપોર્ટ | ” ૧૯૨૫ |
| ૧૧ | બીજી””” | ” ૧૯૨૯ |