પ્રતિપદા/૧૦. નીરવ પટેલ

Revision as of 10:04, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) ()
૧૦. નીરવ પટેલ

કાવ્યસંગ્રહોઃ

બહિષ્કૃત ફૂલો અને ગુજરાતી દલિત કવિતા, અંગ્રેજીમાં ‘બર્નિગ ફ્રોમ બોથ એન્ડસ’, ‘વોટ ડીડ આઈ ડુ બી સો બ્લેક એન્ડ બ્લ્યુ’ અને ‘સેવર્ડ ટન્ગ સ્પીક્સ આઉટ

પરિચય:

અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં લખતા સંપ્રજ્ઞ કવિ, અભ્યાસે અંગ્રેજીમાં પીએચ.ડી. નિવૃત્ત બેન્કર. નામે ભલે નીરવ, કામે દલિત કવિતાનો પ્રબળ ઘંટારવ કરતા અગ્રેસર દલિત કવિ. કવિતાકળાની શરતે દલિત પીડા, આક્રોશ અને સંઘર્ષને ઘૂંટીને આતતાયી તત્ત્વોને પડકારતા વિસ્ફોટક કવિ. માણસાઈનો દ્રોહ કર્યા સિવાય વિદ્રોહના અછાંદસ બોલ ઉચ્ચરતા નરવા, ઓસડિયા જેવા કડવા કવિ. ગુજરાતમાં દલિત સાહિત્ય આંદોલનના પુરોધા, દલિત કવિતાના પ્રથમ સામયિક ‘આક્રોશ’ અને ત્યાર બાદ દલિત સાહિત્યનાં ‘કાળો સૂરજ’, ‘સ્વમાન’, ‘આહ્વાન’, ‘વાચા’ જેવાં સામયિકોના આરંભમાં નિમિત્ત રૂપ બનેલા સર્જક. દલિત સાહિત્યના પ્રચાર, પ્રસાર, વૃદ્ધિ-વિકાસ માટે અન્યો સાથે મળીને સાહિત્યિક સંસ્થાઓ સ્થાપીઃ સ્વમાન ફાઉન્ડેશન ફોર દલિત લિટરેચર, સંઘર્ષ સાહિત્ય સંઘ, ગુજરાતી દલિત પ્રતિષ્ઠાન. જયપુર લિટરેચર ફેસ્ટિવલ, હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ, ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં દલિત સાહિત્યની વિભાવના-સૌંદર્યશાસ્ત્ર આદિના પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો છે. કેનેડા ખાતે યોજાયેલા ફેસ્ટિવલ ઓફ સાઉથ એશિયન લિટરેચરમાં દલિત સાહિત્ય વિષયક વક્તવ્ય-પ્રશ્નોત્તરીમાં સહભાગી થયા છે. યુનો આયોજિત ‘કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમ’માં ડર્બન, દક્ષિણ આફ્રિકામાં ભાગ લીધો છે. ટૂંકમાં દલિતસાહિત્યના પ્રચાર પ્રસાર ઉત્કર્ષ માટે સદા સક્રિય કવિ, ઇન્ડિયન એક્સ્પ્રેસમાં સાહિત્ય અને સાંસ્કૃતિક ઘટનાઓ પર એકાગ્રતા દાખવતું ‘લોકલ ચેનલ’ એ શીર્ષકે સ્તમ્ભલેખન.

કાવ્યો:

૧. નામશેષ

કયા શેતાન શિલ્પીએ જન્મતાં વેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?

મારે તો ભૂલી જવું’તું મારું નામ –
એટલે જ તો મધરાત માથે લઈ એક વાર
ઘરગામ છોડી ભાગી નીકળ્યો’તો શહેર ભણી.

અહીં આવીને મેં
મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો
ફરકાવ્યો’તો ઇન્કિલાબનો ધ્વજ!
મારા નામના બંધારણના અણુએ અણુને
મેં ઓગાળી દીધા છે
કૉસ્મોપૉલિટન કલ્ચરના દ્રાવણમાં.

મારા નામની કાંચળી ઉતારી
હું નિર્મળ ને નવીન બની ગયો છું
નહિ શોધાયેલા કોઈ તત્ત્વ જેવો.
માઈક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી.
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?

અરે, મને તો દહેશત છે –
મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ?

૨. ફૂલવાડો

ફરમાન હોય તો માથાભેર,
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,
કદીક રાતરાણીની જેમ છૂપાછૂપા સુવાસ રેલાવતાં,
કદીક લજામણીની જેમ મૂગામૂગા રડતાં.

પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવા.
રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે,
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,

બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમઃ
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં.
જાણે એમના ઉચ્છ્વાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો.

રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને.
કચડી કાઢો, મસળી કાઢો
આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?

આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાત છે પૃથ્વીનાં,
રેશમના કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.

એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર –
ફૂલોને કાંઈ બીજું કહીશુું,
મહેક થોડી મરી જવાની છે?
અમે આમને ફૂલો કહીશું,
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

૩. હું ન ડોશી

હાળા, ચાલી-પચ્ચા વરહથી બખાળા કર સ
પણ કશો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમ.
બે-પાંચ વરહ થયાં નથી
ક આ આયા મત માગવા!
માળી, કશી ગતાગમ પડતી નથી –
આટઆટલા મત જાય સ ચ્યાં?

કે’સ ક આ વખતે તો વાલો નાંમેરી ઊભા સ...
હૌ કે’સ માંણહ હારો સ.
કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી
ગરીબ-ગુરબાંનાં કાંમ કર સ...
પણ આ રાખ્ખશોમાં બાપડાનું હું ગજું?
બોલ ડોશી, ચ્યમ કરવું સ આ ફેર?

તમે તો જનમના ભોળિયા, ડોહા –
વૈતરાં ફૂટી ખાવ.
હાંભર્યું સ માથાદીઠ દહ મલ સ?
અન ગાંઠિયાનું પડીકું સોગામ.
મોટર મેલી જાય ને લૈ જાય
ઘૈડે-ઘૈડપણ જીવી લો બે ઘડી –
પોટલી પાંણી પીવું હોય તો પી લો.
વાલા નાંમેરીનું ભગવાંન ભલુ કર –
પણ મત તો મનુભૈ ન.
જાવ, જૈ ન ભાવતાલ કરી આવો,
કે’જો ક બે સઃ
હું ન ડોશી.

ભૈ હાંસર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ
તમાર બાર ચાલવા હોય તો
બે સઃ
હું ન ડોશી...
ઝાઝા નથી,
બે દ્હાડાની મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી.
બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા,
મગો મે’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ...
પાપમાં પડવાનું સ
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન.
બોલો, આલવા સ માથાદીઠ બાર?
બે સઃ
હું ન ડોશી.

૪. ઑપરેશન ઈક્વૉલિટી

જોયા-જાણ્યા વગર
વાંચ્યા-વિચાર્યા વગર
સમજ્યા-બૂઝ્યા વગર
તું ત્રાટક્યો ગમારની જેમ.

ભોળા ભાઈ!
એમ કાંઈ થોડો સામ્યવાદ આવી જાય છે?
સ્થળ ત્યાં જળ
ને જળ ત્યાં સ્થળ,
ખાડો ત્યાં ટેકરો
ને ખીણ ત્યાં પહાડ.
એમ ધરમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાન્તિ થઈ ગઈ?

તમારા જેવા સેન્ટિમેન્ટલ લોકોનું કામ નહીં
કૉમરેડ બનવાનું,
માર્ક્સ – માઓની વાત તો બાજુ પર,
કમસે કમ નકસલબારીની નિશાળના
આદિવાસી છોરો જોડે એક દહાડો રમ્યો હોત
તો ય તારા કામમાં કાંઈ ભલીવાર આવત.

તું તો બેફામ અરાજકતાવાદી બનીને
સૂકા ભેળું લીલુંય બાળી કાઢે છે.
ભૂંડા ભેળાં ભલાંનેય ભરખી જાય છે.
ભાવુક થઈને બધું ભાંગી કાઢવાથી
થોડું નવનિર્માણ થઈ જાય છે?

સમથળ કદાચ કરી શકે તું
તારું કામ નહીં સમરસતાનું,
સમાનતાનું,
આમ તો તેં દિવસે ય સપરમો ચૂન્યોઃ
૨૬મી જાન્યુઆરી
દેશનો પ્રજાસત્તાક દિવસ!

સ્વતંત્રતા - સમાનતા - બંધુતાના આદર્શોના ધજાગરા
ફરકાવતાં હતાં અંજારનાં ભોળાં ભૂલકાં
ને તું એનાર્કિસ્ટની જેમ ઊડઝૂડ ત્રાટક્યો એમની પર.

તું પાવન પ્રકોપથી એટલો પાગલ કે સાચું એપિસેન્ટર પણ ના
ગોઠવી શક્યો!
ભૂંડા, કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી.
ભલા ભાઈ!
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?

તારી વાત સાચીઃ
માહોલ તો એવો છે કે ગુસ્સાથી સળગી જવાય.
અવતાર ધરવાનું વચન આપી પૂતળામાં પેસી ગયેલા
ભગવાનનો કચ્ચરઘાણ કરી કાઢવાનું મન થઈ જાય.

કોઈ ટીપા પાણી માટે ટળવળે,
તો કોઈએ ટેરેસ પર ચઢાવી દીધાં છે
આખ્ખે આખ્ખાં તળાવ.
કોઈ ચાંદરણાની સળી માટે વલખે,
તો કોઈએ આખ્ખે આખ્ખા સૂરજને છુપાવી રાખ્યો છે
સ્કાઈસ્ક્રેપરની આડે.

૫. મારો શામળિયો

મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર,
ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય, મારી હાહુ...
બસ ડાઘુઓની પૂંઠ ફરે કે
ધૉડું હડ્ડ્ મસાણે –
મારા ભંગિયાનોય બેલી ભગવાન !

૬. મારા ભાગનો વરસાદ

કોને ખબર
લાંચિયા દેવની જેમ તે યજ્ઞયાગથી રીઝે છે
કે લંપટ જોગીની જેમ
હળોતરે જોતરાયેલી
કુંવારી કિસાનકન્યાઓના નવસ્ત્રા નાચથી?
પણ જ્યારે એ ખરેખર વરસે છે
ત્યારે તેઓ તો છત્રી નીચે જાતને છુપાવી લે છે
તે કરી કાઢે છે કારના કાચ બંધ.
કે કાગળની હોડીઓ તરતી મૂકી
જુએ છે મેઘધનુષના રંગીન તમાશા.

મેઘરાજાની બધી મહેર જાણે તૂટી પડે છે મારા માથે
વીજકડાકા ને વાવાઝોડા સમેત.
બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ
ફસડાઈ પડે છે મારો કૂબો,
ને ગારમાટીનો રેલો બની વહી જાય છે
ગોરધન-મુખીની ખેત-તલાવડીમાં.

મેઘો મંડ્યો છેઃ
જમના કાંઠે ગામ આખાની ગાયો ચરાવવા કાનિયો ગયો છે
ને ભર્યે ભાદરવે ભાણી પહેરેલાં લૂગડાં ધુએ છે વારાફેરી.
માસ્તરની નિશાળમાં ધોધમાર વરસાદ વરસ્યો’તો
ત્યારે તો તણાતી કીડી માટે
કબૂતરે ય ચૂંટ્યું’તું પીપળાનું પાન!
મને ય હૈયાધારણ
કે વરુણદેવના વધામણે આવ્યા’તા તેમ
તેઓ તરાપે તરત તરતા
કે પવનપાવડીમાં ઊડીને ય નાખશે પાશેર ધાનનું પડીકું.

પણ તેઓ તો જેજેકાર કરતા રહ્યા જળબંબાકારનો!
એમના યજ્ઞકુંડો ભેળા ઉભરાયા અમારા ચર્મકુંડો ય –
ઉપરવાસ ને હેઠવાસ;
એમ લોક આખાનું પાણી લૂંટી લૂંટી
એમણે તો સંઘરી લીધાં
નદીનાળાં ને નહેરતળાવ.
કોઈએ વાવ્યા વૉટરપાર્ક
તો કોઈએ ઉગાડ્યાં અક્વૅરિયમ.

કોઈએ સીંચ્યાં કમોદ-જીરાસારનાં ધરુવાડિયાં
તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી.

કોને ખબર મારા ભાગનો વરસાદ
કોના ખેતરમાં વરસતો હશે?
કોને ખબર મારા ભાગની ફસલ
કોણ લણતું હશે?
કોને ખબર વાદળાં તો
મેં વાવેલાં ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના
મારા સપને?

કોને ખબર?

૭. અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.
એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.
એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.
હું ય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા...

મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ ઑડ-સાઈઝનું પીટર ઇંગ્લૅન્ડ છે!
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.

૯. મારે માણસ નથી બનવું

જંતુ બનીને જીવવું કબૂલ છે –
મારે માણસ નથી બનવું
મારે ઓછામાં ઓછી ઇંદ્રિયો ચાલશે –
હું અમીબા બનીને જીવીશ.

મારી નથી જોઈતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઈશ –
સાપ કે ગરોળી થઈને.

ભલે ફંગોળાઉં આકાશે –
ઘાસ કે રજકણ બનીને.

અરે, હું ક્રૂઝોના ટાપુ પર
ફ્રાઈડે બનીને જીવીશ.
પણ મારે માણસ નથી બનવું,
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું,
મારે હિંદુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.
૮. પોસ્ટમૉર્ટમ
એની નાભિમાંથી ના મળી કસ્તૂરી.
એની ત્વચાને ઘણી તપાવી,
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો.
અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!
એના મસ મોટા જઠરમાંથી
ના મળ્યો સાચા મોતીનો ચારો.
એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી
ના મળ્યું પુરાણનું એક પાનું ય.
એના કોહી ગયેલા કાળજામાંથી
ના મળ્યું સૂર્યવંશી શૂરાતન.

એના પૉઈઝન થઈ ગયેલા હૃદયરસમાંથી
ના મળ્યું એના પુણ્યે કમાયેલું અમૃત!
એના અણુએ અણુ જેટલા ટુકડા કરી જોયા
પણ એની છઠ્ઠી ઇંદ્રિય ના મળી તે ના મળી.

હા, એના વિશાળ હૃદયમાંથી
મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય.
એની અંગૂલિઓને છેડેથી
મળી આવ્યા નહોરનાં મૂળ.

એના સ્ફટિક જેવા ચોકઠા હેઠળથી
મળી આવ્યા ત્રિશૂળિયા દાંત,
એની આંખો
મગરના આંસુથી આંજેલી હતી.
એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં
થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ.
એ એક આર્યપુરુષના મમીનું
પોસ્ટમૉર્ટમ હતું.