ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/આ ગ્રંથના પ્રકાશન પ્રસંગે...
‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’નો આ બીજો ભાગ સ્વ. પ્રમોદકુમાર પટેલનું મરણોત્તર પ્રકાશન છે. પહેલો ભાગ પ્રમોદકુમાર વિદ્યમાન હતા ત્યારે ૧૯૯૫માં પ્રગટ થયેલો. આજે ચાર વર્ષે આ બીજો ભાગ પ્રકાશિત થાય છે. એનાથી પ્રમોદકુમારના અનેક ચાહકમિત્રોને આનંદ થશે. મૂળ પીએચ.ડી.ના શોધનિબંધ રૂપે આ પુસ્તક લખાયેલું ઘણું વહેલું છેક ૧૯૬૯માં. પ્રમોદકુમારની વિવેચક તરીકેની શક્તિ પ્રૌઢ બનવાને હજી સમય હતો. તેમ છતાં આ નિબંધમાં એમણે લીધેલો શ્રમ, એમાં જોવા મળતી એમની સૂક્ષ્મ પૃથક્કરણવૃત્તિ, મંતવ્યોને સતત સમર્થિત કરવાનું વલણ, ભાષાની તાર્કિકતા ને સફાઈ ભવિષ્યમાં એક સજ્જ અભ્યાસી ગુજરાતીને મળવાનો છે એનાં સૂચક છે. જ્ઞાનનું વેપારીકરણ થઈ રહ્યું છે એવા સમયમાં આજે પૂરતી મહેનત ને કોઈ સૂઝસમજ વગર પીએચ.ડી. નિમિત્તે લખાતા અનેકાનેક ડિગ્રીધારી નિબંધોની સામે સારો શોધનિબંધ કેવો હોય એનો નમૂનો, પીએચ.ડી. માટે પ્રવૃત્ત થનાર ને એમને પ્રવૃત્ત કરનાર અનેક અભ્યાસીઓને અહીં મળી રહેશે. મુ. યશવંત શુક્લનાં સૂચનથી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે આ બીજા ગ્રંથના પ્રકાશનની જવાબદારી માથે ઉપાડી લીધી તે બદલ પ્રમોદકુમારના કુટુંબીજનો અને સ્નેહીજનો વતી મુ. યશવંતભાઈ અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
વલ્લભવિદ્યાનગર
૧૦-૮-૯૮
– જયંત ગાડીત