‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/બીચબીચ થતાં રહ્યાં વિધાનો વિશે : પ્રદ્યુમ્ન તન્ના

From Ekatra Foundation
Revision as of 02:22, 6 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪
પ્રદ્યુમ્ન તન્ના

[સંદર્ભ : જાન્યુ-માર્ચ, ૨૦૦૨, ‘છોળ’ની સમીક્ષા, વિનોદ જોશી]

૧. બીચબીચ થતાં રહ્યાં વિધાનો વિશે’

પ્રિય રમણભાઈ, કેટલાક નિજી પ્રતિભાવોને સાંકળતા લખાણની એક નકલ તમનેય મોકલું છું. ઉચિત લાગે તો પ્રા. વિનોદભાઈ [જોશી]એ ‘છોળ’ પરે લખી સમીક્ષા(‘પ્રત્યક્ષ’, જાન્યુ-માર્ચ, ૨૦૦૨)ના અનુસંધાન રૂપે ‘પ્રત્યક્ષ’માં છાપશો. સામયિકનો જાન્યુઆરી-માર્ચનો અંક મળ્યો હતો. એનો શુભ્ર, સુઘડ સન્નિવેશ તેમ જ સંપાદિત સાહિત્ય-સામગ્રી રમ્ય છે. તમારો અગ્રલેખ તેમ જ પાછલા પૂંઠાનું ટાંચણ ખરે જ મનનીય લાગ્યાં. હાર્દિક અભિનંદન. આશા કરું કે ક્યારેક આમ પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ રૂપે મળવાનો સુભગ યોગ સાંપડે!


ઇટાલી, ૨૪ જુલાઈ, ૨૦૦૨

સસ્નેહ
પ્રદ્યુમ્ન તન્નાનાં વંદન

પ્રિય વિનોદભાઈ, ‘છોળ’ પરે લખી આલોચના ‘પ્રત્યક્ષ’ મહીં છપાય એ પહેલાં ‘ફેક્સ’ દ્વારા એની હસ્તલિખિત પ્રત પાઠવી, વેળાસર મારા પ્રતિભાવો જાણવાની અપેક્ષા મહીં તમારા સૌજન્યને પ્રમાણ્યું. પણ ‘ઈ-મેઈલ’માં નિર્દેશ્યા મુજબ કેટલીક તાકીદની કાર્યવાહી અને બે આગામી પ્રવાસોની તૈયારીઓ આડે એ લખી મોકલવા જેટલી નવરાશ કે સ્વસ્થતા નહોતી. હવે મોન્તેસિલ્વાનોના અમારા ઉનાળુ રહેઠાણથી માંડ મળી નિરાંતમાં થોડાંક નિજી મંતવ્યો લખી મોકલું છું. નિજી રુચિ-સૂઝ અને સંવેદનાના પ્રમાણ શી આલોચના એકંદરે રસમય અને સમદર્શી રહે છે. સમયગાળા, સંખ્યા, ભાષા, લયબાંધણી, ધ્વનિસંગીત આદિના હિસાબો માંડી, નાનાવિધ તારવણી કરતા રહ્યા સમીક્ષક સમાપને, ‘મહત્ત્વની બાબત તો આ કાવ્યો આસ્વાદ્ય લાગે છે કે કેમ તે છે. એવું બનતું હોય ત્યારે અગાઉના કે આજના સમયનાં માપિયાં ખુદ અપ્રસ્તુત બની જાય છે એવું અહીં બને છે. અને તેવી પ્રતીતિમાં કવિ અને કવિતા બન્નેનો મહિમા નિહિત છે’. એવો સંનિષ્ઠ અને સહૃદયી એકરાર કરે એ બદલનો રાજીપો વ્યક્ત કરી એમનો આભાર માની લઉં. પછી, બીચ બીચ થતાં રહ્યાં વિધાનો થકી ક્યારેક વિરોધાભાસી લાગતી આલોચનાના કેટલાક મુદ્દાઓ વિષે થોડુંક જણાવું. એ પાછળ કોઈ ઠાલા વિવાદનો આશય નથી. કેવળ અરસપરસની હળવી આપલે થકી કૃતિઓનો આસ્વાદ અને કર્તાની ઓળખ વધુ સુગમ બને એ જ અપેક્ષા છે. આરંભમાં જ, સંગ્રહના ‘ઇતર’ નામે વિભાગમાં પ્રસ્તુત છ કાવ્યોને ઉદ્દેશી, કવિ-સમીક્ષક(કે પછી પ્રાધ્યાપક?) ‘આધુનિક બનવા મથતા કવિ-’ જેવું વિધાન કરે ત્યારે સહજ પૂછવાનું મન થાય કે આધુનિક વિષેની તમારી વ્યાખ્યા કઈ? આધુનિક એટલે હાલ સાંપ્રતકાળમાં લખાયાં કે પછી કોઈ વિશિષ્ટ ભાષા-શૈલીમાં લખાયાં [કાવ્યો]? કૃતિની આધુનિકતા પરંપરાથી વેગળી શબ્દ-માંડણી અને વિષયવસ્તુ થકી ઓળખાય કે ઇંગિત અર્થઘટન થકી? તો પછી સબળ, વ્યક્તિગત અભિવ્યક્તિ થકી નવાં સ્વરૂપો અને નવા અર્થસંદર્ભો લઈ આવતી પરિચિત પરિધાન અને વિષયવસ્તુવાળી રચનાને પણ આધુનિક ના કહી શકાય? એવું ના હોત તો પેઢીપેઢીએ ઉમેરાતી એવી રચનાઓ થકી પારંપરિક કહેવાતો પણ વાસ્તવમાં સતત નવીન થતો રહેતો આપણો કાવ્ય-વારસો આટલો સમૃદ્ધ ના હોત! ગીત મને ઘણો ગમતો અને સહજ એવો કાવ્યપ્રકાર છે. તેથી મારું અધિકતર સર્જન એમાં થયું છે. પણ જ્યારેજ્યારે ભાવને અનુરૂપ લાગ્યા ત્યારે છાંદસ-અછાંદસ કાવ્યપ્રકારો પણ એટલી જ સહજતાથી વાપર્યા છે ને એવાં કેટલાંક કાવ્યો ‘કુમાર’, ‘કવિલોક’ જેવાં સામયિકોમાં અગાઉ છપાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત છને પણ મારા સાંપ્રત સર્જનના એક અલગ પણ અગત્યના પાસારૂપ ગણી સંગ્રહમાં લીધાં છે ને એ કારણે જ બીજાં બધાંય ગેય છે એવો અછડતો અણસાર કરેલો. રાગીયતા કે કાવ્ય લેખે કશાંય ઉમેરણનો વિચારસુધ્ધાં ફરક્યો નહોતો એ લખતાં. ને આગળ જતાં તમે જ તારવો છો – ‘આ સંગ્રહનાં કાવ્યોના ઘાટ ઘણી રીતે વિલક્ષણ છે. લગભગ હરેક રચનાને પંક્તિઓના આવર્તનોની વધ-ઘટની ખાસ ભાતમાં કવિએ બાંધી છે’ એ વધ-ઘટ થકી નીપજતા લય-ઢાળ ભણી જ નિર્દેશ હતો એમ કહેવા પાછળ, આમ ‘રાગીયતા’ વિષેના તમારા ક્ષણિક ઉકળાટ કે ‘આધુનિક બનવા મથતા કવિ–’ જેવા વિધાનનું પ્રયોજન ના સમજાયું ભલા! ખેર... હું કશુંય બનવા મથ્યો હોઉં કે હજીય મથતો હોઉં તો કેવળ માંહ્યલાના કહેણને અનુસરવા. નિજી રુચિ-સૂઝ અને કર્તવ્યને પ્રમાણતો. સ્વયં રહેવા. નાનાવિધ રોજિંદી વિટંબણાઓ આડેય કશુંક જડી જતું. સ્ફુરણાને અડી જતું. નિજને સાધ્યા શબદ, રેખા અને છબી મહીં અંકિત કરી લેવા. પ્રવૃત્ત પ્રવાહો અને વાદોની વાડાબંધી થકી સાવ અળગો. મૂળથી જ પંડ સંગ સ્વસ્થ-પ્રસન્ન રહેવા ટેવાયો છું એટલે ક્યાંય એકલવાયું નથી લાગ્યું. લગભગ ચાર દાયકાના આ વિદેશી રહેવાસ દરમિયાન પણ. એક બીજું વિધાન લઈએ : ‘આ કવિની મુખ્ય મુદ્રા એક ઊર્મિકવિની છે. ઊર્મિકવિનું અનુભવજગત મોટે ભાગે સાંકડું ગણાય છે. સાંકડું એટલે નગણ્ય નહીં. તેમાં વિસ્તાર કરતાં ઊંડાણનો મહિમા વિશેષ હોય છે. ઊર્મિકાવ્યનું ઊંડાણ એ ભાવજગતનું ઊંડાણ હોય છે.’ મારું અનુભવજગત સાવ નોખું જ રહ્યું છે. વિધિની અકળ ગતિ પરદેશ તાણી ગઈ એ પહેલાંય ઉપખંડ શા વિશાળ અને વૈવિધ્યભર્યા સ્વદેશની તળભૂમિમાં ઠેર ઠેર ભમ્યો છું. ને ચારેક દાયકાના ઇટાલિયન રહેવાસ દરમિયાન યુરોપ-અમેરિકાના અન્ય દેશોમાં પણ. ને સર્વત્ર પ્રમાણતો રહ્યો છું, જેને એકેય ભૌગોલિક, ધાર્મિક, જાતીય, રાજકીય, ભાષાકીય આડ નડતી નથી એવી પ્રકૃતિ અને માનવસહજ ઊર્મિઓના સમાન સીમાહીન વ્યાપ અને ઊંડાણને. અચરજની વાત તો એ છે કે મળ્યા-ઘડાયા સંસ્કારોનાં મૂળભૂત સત્યોને નવેસરથી પ્રમાણતો રહું છું માભોમથી જોજનો દૂર, વિદેશી ભાર્યાના સંગમાં! જે સર્જનચેતનાને તમે પૂર્ણતઃ એક તળ ભારતીયની કહી છે, ને જેને તમે ‘સ્થાનિક રંગોનો હદ વળોટી જતો છાક’ કહી બિરદાવ્યો છે, એમાં ખરેખાત કેટલાય ‘પરદેશી’ રંગોની ઉમેરણી થતી રહી છે! કેટલાંય ‘દેશી-વિદેશી’ દૃશ્ય-સંદર્ભોની મિશ્ર ભાત વણાતી રહી છે! રઘુવીરભાઈ [ચૌધરી]ની જેમ જ જેને તમે સ્પૃહણીય કહ્યાં એ, સજાવટનાં છબીચિત્રોને જ લઈએ : મુખપૃષ્ઠ પરેની જલ-છોળ ને કિનારી શી ઝળહળ તેજલકીર મોન્તેસિલ્વાનોના સમદરતટની છે! ચોથા પાનાની નીમઘટા રાજસ્થાનની વનસ્થલી વિદ્યાપીઠની, ઋતુરમણાને પાને, શુભ્ર અવકાશમાં વાયરે હિલ્લોળતી ગુલમ્હોરની ડાળીઓ, નવી દિલ્હીના ‘લોદી’ બાગની ને વ્રજ, ગુંજ, ઇતર અને ઋણ-સ્મરણ વિભાગોની વનરાજિ ઈટાલીના અન્ય ગામોની! તો પાન ૧૦૫નું વ્રજગીત જનમ્યું છે સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રિયતમાના સહજ પ્રેમોદ્‌ગાર થકી. આવાં તો કંઈ કેટલાં દૃષ્ટાંતો ટાંકી શકું. પણ એમ કરતાં બિનજરૂરી લંબાણ થઈ જવાનો ભય છે. તો અન્યથા વિચારતાં, હજીય તળ ભારતીય લાગતી મારી સર્જનચેતન સંબંધે એમ પણ કહી શકાય કે પરદેશ જતાં પહેલાં, તળ ભૂમિનાં અનેકવિધ ભ્રમણો દરમિયાન અને પછીયે, ઊભરતા રહ્યા પ્રાકૃતિક અનુરાગની જડો, જાણ્યે-અજાણ્યે એટલી ઊંડી અને એટલી વિસ્તરતી રહી છે કે ક્યાંયે પરાયું નથી લાગતું! આપણા અગ્રજ ચિત્રકાર-છબીકાર અને લોકકલા-સાહિત્યના રસિયા અને અભ્યાસી શ્રી જ્યોતિભાઈ ભટ્ટે, ‘છોળ’ને અનુલક્ષી પાઠવ્યા એક પત્ર મહીં નોખી જ પેર આ અનુભૂતિને વર્ણવી છે. વખતે તમને રસ પડે એ વિચારે પત્રનાં કેટલાંક અવતરણો અહીં ટાંકું છું : ‘થોડા સમય પહેલાં ‘છોળ’ અન્ય મિત્રો પાસે હાથ-બદલો થતું થતું અંતે પાઘડીના વળ જેમ પાછું મારા હાથમાં આવ્યું એ વાંચ્યા સુધી ‘Bhavnagar connection’ તમારું પણ છે એ તો મને ખબર જ ન હતી. હું તો માનતો રહ્યો હતો કે ઝવેરચંદ મેઘાણીનો પ્રભાવ તમારી બોલીમાં ને કાવ્યબોલીમાં વરતાતો હશે. અકવાડા-અધેવાડા બન્ને સ્થળો, મારા બાળપણ દરમ્યાન (ચાલતા જઈ-આવી શકાય તેથી) પ્રવાસનાં સ્થળોમાં હતા. અકવાડાની ટાંકીનું આકર્ષણ ખૂબ હતું.’ ‘થોડા સમય પહેલાં જ ટી. વી. પરના એક કાર્યક્રમમાં ઈટાલીનું ગામ Alberobello–તમે જેને ‘રૂડો રૂખડો’ નામ આપેલ તે જોવા મળ્યું. તેના શંકુઆકારે પથરા ગોઠવી બનાવેલ છાપરાંવાળાં ઘરો, Trulli(?) જોયાં ને જોતાવેંત Conte Roberto સાથે આપણે ‘ફિયાટ’ના નવા મોડેલ ૧૧૦૦માં કરેલ પ્રવાસની યાદ તાજી થઈ. આમેય વડોદરામાં જ એક રૂખડાનું ઝાડ છે, તેની ત્યાંથી પસાર થતા ‘રૂડા રૂખડાની યાદ, ને પરિણામે સંસ્મરણોની શ્રૃંખલા રચાયા કરે છે. ‘છોળ’માં મુ. મકરંદભાઈએ મેઘાણીની સમસ્ત કવિતાને એક કાવ્યમાં સમાવી શકાય તેનો ઉલ્લેખ કરી તમારાં કાવ્યો માટે પણ એક કાવ્ય (જેમાં બધાં કાવ્યોનો ‘સાર’ સમાઈ ગયો છે) સૂચવ્યું છે. મેં ઘણા સમય પહેલાં એક ગીત, કદાચ લગ્નગીત, સાંભળેલ, જે ‘છોળ’ની પહેલેથી છેલ્લા અક્ષર સુધીની સામગ્રી તથા તમારી કાવ્ય-ચિત્ર-છબી આદિ સમગ્ર પ્રવૃત્તિના સાર જેવી લાગી છે.

ઊંચી નીચી ખજૂરી ધમધમે,
સાજણ એક આંબલો...
આંબો આંગણે ને ઈનો
પડછાયો પરદેશે!
સાજણ એક આંબલો...

વખતે કહી શકાય કે હું હજીયે એનો એ જ છું. હજીયે જાણે કે નિજનું સર્વ કાંઈ આવરી લેતી તળભૂમિમાં જ છું. પણ સાથોસાથ એય એટલું જ સાચું કે હતો એવો જ નથી રહ્યો! એ વિષે વધુ ફરી ક્યારેક. હાલ આટલું જ.

સસ્નેહ પ્રદ્યુમ્ન
[જુલાઈ-સપ્ટે.-ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૩૯-૪૧]