‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વ્યગ્રતાની અતિશયતા અને સભાનતાની અધૂરપ : નીરવ પટેલ

From Ekatra Foundation
Revision as of 14:07, 6 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૩
નીરવ પટેલ

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૧, ‘ગુજરાતી દલિત કવિતા’ની સમીક્ષા, રમણ સોની]

વ્યગ્રતાની અતિશયતા અને સભાનતાની અધૂરપ

આદરણીય સોની સાહેબ, નમસ્કાર... દલિત સમસ્યાને કેન્દ્રમાં રાખી પ્રગટ થતાં દલિત સામયિકો દલિત સાહિત્યના પ્રચાર-પ્રસાર-પ્રકાશનને અગ્રસ્થાન આપવાનો દાવો કરે છે, તેમ છતાં કોણ જાણે કેમ (વ્યક્તિદ્વેષ કે જાતિદ્વેષ કે કશું અન્ય?) તે સૌની પણ ઉપેક્ષાનો ભોગ બનેલ ‘ગુજરાતી દલિત કવિતા’ સંચયની પહેલવહેલી સમીક્ષા આપના સામાયિક ‘પ્રત્યક્ષ’માં જોઈને આશ્ચર્ય, આનંદ અને આભારની મિશ્ર લાગણી થવી સ્વાભાવિક છે. આપે આરંભના ફકરામાં અને અન્યત્ર પણ મારા માટે જે ભલી ભાવનાઓ પ્રગટ કરી છે તે બદલ તહે-દિલથી શુક્રિયા. સમીક્ષાનો સુદીર્ઘ પ્રતિભાવ પાઠવવાની ઇચ્છા હતી, આપે નૂક્તેચીની કરેલા તમામ મુદ્દાઓ વિષે એકાદ ફકરો અલાયદો લખવો હતો, પણ હાલમાં તો ક્વોલિટી ટાઈમના અભાવે સમીક્ષાના શીર્ષક પર જ સ્થિર થાઉ. (શું કરું, વ્યગ્રતાની અતિશયતા પીછો છોડતી નથી!) કદાચ એમ કરતાં અન્ય મુદ્દાઓને પણ જવાબ સાંપડે. ‘વ્યગ્રતા અને સભાનતાની અધવચ’ એવું મથાળું બાંધીને આપે સચોટ અવલોકન-આકલન કર્યું છે ગુજરાતી દલિત કવિતાની સફરનું. દલિત કવિતાનો આરંભ ખરે જ વ્યગ્રતામાંથી થયો છે અને દલિત કવિ એને મંજિલ ભણી લઈ જવાની મજલમાં અધવચ લગી જ પહોંચ્યો છે; તેનાં કારણોમાં એની સજાગતા-સભાનતા-સજ્જતાની અધૂરપ અને એની વ્યગ્રતાની અતિશયતા-આત્યંતિકતા. આપના આ નિદાન જેવા વિધાન સાથે હરકોઈ પ્રામાણિક દલિત કવિ સહમત થશે. કેફિયત જેવા મારા સંપાદકીય લેખમાં પણ આપે આ ‘તણાવ’ની નોંધ લીધી છે. પણ આપને કેમ કરી સમજાવું કે આ તણાવ દલિત કવિની નિયતિ છે. સામાજિક ભેદભાવો અને પૂર્વગ્રહોને કારણે માનવ-અધિકાર અને માનવ-ગરિમાથી વંચિત સમુદાયોને પશુતુલ્ય જીવન જીવવાની ફરજ પડાય ત્યારે દલિત કવિ પાસે આ ‘વ્યગ્રતા’ અને ‘સભાનતા’ જ ઓજાર અને આયુધ બની રહે છે. ભલા ‘વ્યગ્રતા’ અને ‘સભાનતા’ તો દલિત કવિતાનાં most essential elements છે. અને એ વગર દલિત કવિતા લખવી જ અશક્ય છે. એ વ્યગ્રતા અને એ સભાનતાને કારણે જ તો જન્મે છે આક્રોશ કે આક્રંદ કે વિદ્રોહ અને એમને વાચા આપવા માટે એને ૨ લીટીના શેર કે ૧૭ અક્ષરના હાઈકુ કે ૧૪ લીટીના સૉનેટનાં સ્વરૂપ-બંધનો નર્યાં બેડી જેવાં જ લાગે. એની અભિવ્યક્તિને પરિતૃપ્તિ મળશે એના સાહજિક વિકાસમાં અને એની સાહજિક સમાપ્તિમાં. એની અભિવ્યક્તિને નિર્બંધ વહેવા દો, એને માત્રામેળ કે અક્ષરમેળની કેદમાં પૂરીને ગળે ટૂંપો ના દો. એને કૃત્રિમ પ્રાસાનુપ્રાસ કે રદીફ-કાફિયામાં રૂંધી ના નાખો. દલિત કવિને આવી ગણતરીબદ્ધ અભિવ્યક્તિ હંમેશાં અપૂરતી અને અપ્રામાણિક લાગવાની. અરે, મને તો એ જ નથી સમજાતું કોઈ પણ અભિવ્યક્તિને શા માટે આવી કૃત્રિમ શિસ્તમાં ઢાળવી? શું મરસિયા ગાતી જુવાન વિધવાને એમ કહેશો કે તું તારું રૂદન બે લીટીના દોહરામાં કે ૧૪ લીટીના સૉનેટમાં પૂરું કર અને નહીંતર તારું મરસિયું કવિતા નથી અને તું કવિ નથી? શું એ તો જ કાવ્યાત્મક ગણાશે જો એ આવાં શિસ્તબદ્ધ અને શિષ્ટમાન્ય સ્વરૂપોમાં બંધાઈને આવે? સોની સાહેબ જેવા સમીક્ષક પણ કવિતાના સ્થાને સ્વરૂપના આવા હઠીલા આગ્રહી હોય એ જરા અજીબ લાગે છે. હા, અતિશય કે આત્યંતિક વ્યગ્રતા અને અપૂરતી સભાનતા દલિત કવિતાના સૌન્દર્યને હણી લે છે. પણ સભાનતા કેવળ સ્વરૂપ ને શૈલી પ્રત્યેની કે સભાનતા વિષયની અસરકારક અને અપીલિંગ અભિવ્યક્તિની? અહીં મારે આપનું અતિ વિચારણીય વિધાન ટાંકવું જ રહ્યું. ‘ભાવના-લાગણી-વિચારની કોઈ પણ અભિવ્યક્તિ – એ લેખની, કે સૂત્રની, કે સંભાષણની હોય – એ અસરકારક, હૃદયદ્રાવક અવશ્ય હોઈ શકે / હોય પણ છે, પણ એને ‘કવિતા’માં ખેંચી જવાની જરૂર નથી. સંભાષણનું ને કવિતાનું (કશી જ ઉચ્ચાવચતાની તુલના વિના) પોતપોતાનું આગવું વૈશિષ્ઠ્ય હોય છે. બીજી બાજુ, છંદ-પ્રાસ-સૉનેટ એ કવિતામાં શણગાર રૂપે ઓઢાડાય / ચોંટાડાય છે એવો નિરર્થક અભિગ્રહ ઊભો કરીને દલિત કવિતા અને અન્ય કવિતાને જુદી પાડવાનું પણ શા માટે કરવાનું હોય?’ છંદ, પ્રાસ કે સૉનેટ-ગઝલ જેવાં આયાસો-સ્વરૂપો કવિતાને શણગારે ખરાં પણ એની ઠોકી બેસાડેલી શિસ્તને કારણે એના થીમને પૂરતો ઉઘાડ આપવામાં જરૂર બાધારૂપ પણ બને છે. દલિત કવિતા આવા શણગાર કરતાં એના થીમને, એના મેસેજને, એના વિચારને, એના સંવેદનને વધારે મહત્ત્વનું ગણે છે. અભિવ્યક્તિને રૂંધતા આવા આયાસો-સ્વરૂપો વગર પણ સુંદર દલિતકવિતા રચી શકાય છે. લલિત કવિની જરૂરિયાત જ જુદી છે, એને વાસ્તવિક-ભૌતિક જગત અસુંદર હોય તો પણ પ્રકૃતિ કે પ્રેમની સુંદરતાની શણગારસજ્જ કવિતા લખવી છે. અને દલિત કવિને પહેલાં તો એનું સામાજિક પર્યાવરણ સુંદર બનાવવું છે કે જેથી એ પ્રકૃતિ કે પ્રેમની સુંદરતાને માણી શકે અને તો જ એના સૌન્દર્યની કવિતા લખી શકે. એને પ્રેમ અને પ્રકૃતિ ગાનના સૌન્દર્યપાનથી વંચિત કરતી આ અન્યાયી સમાજરચનાની વાત તો કોઈ સમીક્ષકને ધ્યાને જ પડતી નથી! રહી વાત દલિત-બિન દલિત કવિની. કેવળ જન્મના કારણે જ કોઈ કવિ દલિત કવિ રૂપે ઓળખાતો નથી. કે કેવળ કાળા રંગના કારણે જ કોઈ લેખકનું લખાણ ‘બ્લેક લિટરેચર’ રૂપે ઓળખાતું નથી કે કેવળ સ્ત્રી લેખક હોવાને કારણે જ એનું લખાણ ‘ફેમીનીસ્ટ લિટરેચર’ બની જતું નથી. એ તો જે તે લેખક કે કવિની જે તે વંચિત-શોષિત-અપમાનિત સમુદાયના કોઝ પ્રત્યેની સાહિત્યિક પ્રતિબદ્ધતાને કારણે એ એ રીતે ઓળખાતો હોય છે. આવી પાક્કી સમજ છતાં આ સંચય પ્રતિનિધિ દલિત કવિતાનો સંચય બની શક્યો નથી એનો ખેદ છે. અનુગામી યુવા કવિઓ જેની જિકર મેં મારા સંપાદકીય લેખમાં કરી છે, સૌ પુરોગામી દલિત કવિઓ કરતાં કવિતાના કસબમાં વધારે માહિર છે અને એટલે એમની પાસે વધારે આશા રખાય છે. પણ કોણ જાણે કેમ ક્યારેક એવુંય લાગે છે કે અપવાદોને બાદ કરતાં ધે સીમ મોર કમિટેડ ટુ ધ ક્રાફ્ટ ઓફ પોએટ્રી ધેન ટુ ધ દલિત કોઝ. એમની પ્રતિબદ્ધતાની પાકી ખાતરી મળે ત્યાં લગીમાં બિન-દલિત કવિઓએ લખેલી દલિત-વિષયક કવિતાઓનો સંચય કરવાનું મને ગમે – તેઓએ આ થીમને કેવો ન્યાય આપ્યો એ જાણવા માટે. અને ત્યારે જ દલિત કવિતા કોણ લખી શકે એ પ્રશ્નનો જવાબ પણ મળી શકે. અભિવ્યક્તિની આઝાદી સૌને છે એટલે સૌ કોઈ સૌ કોઈને માટે લખી શકે પણ એની સજ્જતા પેલી ‘સભાનતા’ને જ આભારી છે એ ના ભુલાવું જોઈએ. કવિતાની પસંદગીમાં ઝાઝો અવકાશ નહોતોઃ હું થોડો દોઢ ડાહ્યો તે સૌને પોતાની પસંદગીની રચનાઓ મોકલવા નિમંત્રી બેઠો. અને એ પસંદગીની કૃતિઓમાંથી જ પસંદ કરવાનું સૌજન્ય મારે દાખવવાનું હતું. પ્રવીણની તમને ગમેલી કોઈ રચના આવા કારણે પણ અહીં જોવા ના મળી હોય એ બનવા જોગ છે. અને આમેય બહુ જાણીતી કૃતિ કરતાં બીજી એવી જ સારી કૃતિ વાચકો સમક્ષ જાય તે પણ ઠીક. ‘ગીતાંજલિ’માંથી કોને છોડો ને કોને રાખો એના જેવું થાય છે પ્રવીણની દલિત કવિતાઓ વિષે! સોની સાહેબ, સદ્‌ભાગ્ય છે કે આપ સરીખા થોડા સમીક્ષકો-વિવેચકો ગુજરાતી સાહિત્યને સાંપડ્યા છે જે પ્રસંગોપાત્ત પણ દલિત સાહિત્ય વિષે પોતાના પ્રામાણિક અભિપ્રાયો, પ્રામાણિક શંકાઓ વ્યક્ત કરે છે અને એ નિમિત્તે વ્યગ્રતાને અકબંધ રાખીને પણ ‘સભાનતા’ પ્રતિ બે કદમ ઓર ચલાય છે. આપનો પુનઃ આભાર માની વિરમું.*

અમદાવાદ

૨૭-૮-૨૦૧૧

– નીરવ પટેલ

  • પ્રિય નીરવ,

તમારા સૌજન્ય માટે આભાર. તમારી નિખાલસતા આ પત્રમાં ઉપર તરી આવી એ ગમ્યું. પણ તમે, મેં જે નથી કહ્યું એને શા માટે આગળ લાવ્યા એનું આશ્ચર્ય. ‘સ્વરૂપનો હઠીલો આગ્રહ’ મેં ક્યાં રાખ્યો છે? માત્ર ભેદ બતાવ્યો છે. ને મિત્ર, મારા શીર્ષકના શબ્દો મેં તમારા સંપાદકીય માટે યોજેલા તે તમે દલિત કવિને અર્પણ કર્યા! અસ્તુ. ફરી આભાર-આનંદ.
– રમણ સોની
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃ.૫૪-૫૬]