‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/હેમંત ધોરડાના પ્રતિભાવ વિશે : ચન્દ્રકાન્ત ટોપીવાળા

Revision as of 02:55, 7 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૭ ખ
ચંદ્રકાન્ત ટોપીવાળા

[સંદર્ભ : ઑકટો.-ડિસે., ૨૦૧૩, હેમંત ધોરડાની પત્રચર્ચા]

હેમંત ઘોરડાનો પ્રતિભાવ

સંપાદકશ્રી, ‘પ્રત્યક્ષ’, જુલાઈ-સપ્ટે. ૨૦૧૩માં અનિલ ચાવડાના ગઝલસંગ્રહ ‘સવાર થઈને’ વિશે ‘વરેણ્ય’માં લેખ કરેલો, એના અનુસંધાનમાં ‘પ્રત્યક્ષ’, ઑક્ટો.-ડિસે. ૨૦૧૩-માં હેમંત ધોરડાની પત્રચર્ચા વાંચી. લેખ કોઈપણ પ્રતિક્રિયા વગર પસાર થઈ જાય એના કરતાં ચર્ચામાં આવે એ લેખનું સદ્‌ભાગ્ય કહેવાય. હેમંત ધોરડા સાથે એ વાતે સંમત છું કે ગઝલ સર્વાધિક ખેડાતો કાવ્યપ્રકાર રહ્યો છે, – પણ આજે એનો અતિરેક જે ઉપદ્રવ સુધી પહોંચ્યો છે અને જે રીતે ગઝલની અણસમજ પ્રસરી છે એનો એમાં એક પ્રતિકાર છે. પ્રો. વારિસ અલ્વી ઉર્દૂના મોટા વિવેચક છે તેથી જ તો એ જોઈ શક્યા કે આદિલથી આવેલો મોટો વળાંક (Paradigm Shift) પારંપરિક ગઝલને આધુનિકતાવાદી ગઝલમાં પલટી દે છે અને પછી ચિનુ મનહરથી મનોજ સુધીની એક આધુનિકતાવાદી સફર શરૂ થાય છે. આ આધુનિકતાવાદી ગઝલને અનિલ ચાવડા જેવા દલિત અવાજે અનુઆધુનિકતાવાદી એક જુદા જ વિશ્વમાં પરિવર્તિત કરી છે. અહીં મોટા વળાંકની વાત છે, કોઈનો એકડો કાઢી નાખવાની વાત નથી. અનિલ ચાવડાના જુદા પડતા વિશ્વને મેં લક્ષમાં લીધું છે. હેમંત ઘોરડાએ અનિલ ચાવડાને અને મને નિમિત્ત બનાવ્યા પણ અનિલ ચાવડાના નવા વળાંકને વધાવવા પૂરતો એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી એનો રંજ છે. આ સંદર્ભમાં હું પણ કહી શકું કે જેવી જેની કાવ્યરુચિ. ચર્ચા માટે હેમંત ધોરડાનો આભારી છું.

અમદાવાદ;
૧૧ માર્ચ, ૨૦૧૪.

લિ.
ચન્દ્રકાન્ત ટોપીવાળા
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૪, પૃ. ૩૨]