‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘નાની સરખી નોંધ પણ લીધી નથી’ : બાબુલાલ ગોર
બાબુલાલ ગોર
[સંદર્ભ : જુલાઈ-સપ્ટે. ૨૦૧૩, ‘ગૂર્જરી ડાયજેસ્ટ’ની સમીક્ષા, કિશોર વ્યાસ]
પરમ સ્નેહી શ્રી રમણભાઈ, સાદર વંદન, કુશળ મંગળ કામના સાથે સવિનય જણાવવાનું કે, ‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટે. ૨૦૧૩નો અંક આજરોજ મળતાં વાંચી ગયો. ‘પ્રત્યક્ષ’માં આપે વિજાણું સામયિક વિશે સરસ માહિતી આપી છે. વાંચીને આનંદ થયો. આભાર. ધન્યવાદ. આ અંકમાં ‘ગૂર્જરી ડાયજેસ્ટ’ વિશે કિશોર વ્યાસની સમીક્ષામાં પૃષ્ઠનં-૧૮ ઉપર લખવામાં આવ્યું છે કે – ‘એ સામયિકો ગુજરાતમાં કેટલાના હાથમાં આવે છે? જો આવે છે તો એમાંના કોઈ જિજ્ઞાસુએ એ વિશે નાનીસરખી નોંધ પણ લખવાની તત્પરતા શાને બતાવી નથી?’ આ સંદર્ભમાં જણાવવાનું કે શ્રી વિપુલભાઈ કલ્યાણી મને ‘ઓપિનિયન’ મોકલતા હતા. તથા શ્રી પ્રવીણભાઈ વાઘાણી મેલબર્ન, ઓસ્ટ્રેલિયાથી ‘માતૃભાષા’ નામે ગુજરાતી ભાષામાં સામયિક પ્રસિદ્ધ કરે છે એના અંકો મને મોકલતા હતા. આ બંને સામયિકો વિશે મેં ભુજમાંથી પ્રસિદ્ધ થતા ‘કચ્છમિત્ર’ અખબારમાં પરિચયનોંધ લખેલ હતી. (એક જિજ્ઞાસુ તરીકે). આ બંને સામયિકોમાં મારા પત્રો પ્રતિભાવ, કૃતિઓ પણ પ્રસિદ્ધ થતાં રહેતાં. રમણભાઈ, આપને પણ ‘માતૃભાષા’ વિશે માહિતી મોકલાવેલ હતી એ પછી ‘માતૃભાષા’ના અંકો આપને જોવા-વાંચવા માટે મોકલવા મને એક પત્ર લખીને આપે જણાવેલ હતું તે અન્વયે મેં આપને ‘માતૃભાષા’ના કેટલાક અંકો મોકલાવેલા હતા. તે સહજ આપની જાણ માટે. ‘ઓપિનિયન’ બંધ પડ્યું ત્યારે ‘નિરીક્ષક’માં મેં ‘ઓપિનિયન’ વિશે પત્ર લખેલ જે ‘નિરીક્ષક’માં પ્રસિદ્ધ થયેલ હતો.
ઑક્ટોબર, ૨૦૧૩
લિ. બાબુલાલ ગોરનાં વંદન
૬૫, ભાનુશાળીનગર, ભુજ(કચ્છ) ૩૭૦૦૦૧ ફોન ૯૪૨૭૪૦૭૪૩૨
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૩, પૃ. ૩૬)