અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ લુહાર/ગઝલ (આંખમાં લીલાશનો દરિયો...)
ગઝલ (આંખમાં લીલાશનો દરિયો...)
કરસનદાસ લુહાર
આંખમાં લીલાશનો દરિયો ભરી લીધો હતો.
ને સીમાડો શ્વાસમાં મેં સંઘરી લીધો હતો.
હું જ ખેતર, પંખીઓ ને દૂધમોલિયો મોલ હું
ચાડિયા શો મેં મને ઊભો કરી દીધો હતો.
પાંખ, પીંછાં કે નહોતી ચાંચ મિત્રો! તોય પણ;
મેં વિહંગ જેવું ઊડી ટહુકો કરી લીધો હતો.
હોઠની વચ્ચે થીજેલા લીલવા અંધકારને—
સૂર્યકિરણોની સળીથી ચીતરી લીધો હતો.