અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખા ભગતની વાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકરણ ચોથું
અખા ભગતની વાણી

અખાએ ગુજરાતીમાં તેમ જ હિંદીમાં નાનાંમોટાં કાવ્યો રચ્યાં છે. ગુજરાતીમાં કક્કા, સાત વાર, તિથિ, બાર માસ, કૈવલ્યગીતા, શરીરની ચાર અવસ્થા, પંચીકરણ અને અનુભવબિંદુ ટૂંકી રચનાઓ છે, જ્યારે ચિત્તવિચાર-સંવાદ, ગુરુશિષ્ય સંવાદ, અખેગીતા એ લાંબી રચનાઓ છે. તે ઉપરાંત અખાએ સવા બસો ઉપરાંત ગુજરાતી પદ લખ્યા છે, ૩૪૬ સોરઠા-દૂહા રચ્યા છે, ૭૫૦ ઉપરાંત ભિન્ન ભિન્ન અંગોમાં વિભાજિત છપ્પા રચ્યા છે અને થોડી સાખીઓ લખી છે. અખાએ રચેલ પદોમાં શૃંગારનાં કીર્તન, પ્રભાતિયાં, ભજનો, એક પત્ર, એક સદ્‌ગુરુની આરતી, જીવન્મુક્તિહુલાસ વગેરે સમાવિષ્ટ છે. અખાની એક માત્ર ઉપલબ્ધ ગદ્યરચના તે ચતુઃશ્લોકી ભાગવત ઉપરની ટીકા છે. અખાની હિન્દી રચનાઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે સંતપ્રિયા અને ૧૭૦૦ ઉપરાંત, જુદાં જુદાં અંગમાં વિભાજિત સાખીઓ. એણે સવાસોની આસપાસ હિંદી પદ-ભજનો પણ લખ્યાં છે. એની બીજી હિન્દી રચનાઓ છે : અમૃતકલા રમેણી, બ્રહ્મલીલા, કુંડળિયા (જેમાં કેટલાક ગુજરાતી પણ છે), ઝૂલણા (જેની ભાષા સિંધી-પંજાબી મિશ્રિત છે), જકડી (પદોનો એક પ્રકાર). જેને ‘એકલક્ષ રમણી’ નામ અપાયું છે તે સાખીઓમાં એક અંગ તરીકે પણ અર્ધ ભાગે મળે છે. ઉમાશંકરભાઈ ‘સંતનાં લક્ષણો’ને અખાની સ્વતંત્ર ગુજરાતી રચના તરીકે ગણાવે છે. ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રત નં. ૩૩૬માં ગુરુશિષ્યસંવાદના ‘મુમુક્ષુ મહામુક્ત લક્ષણ’ નામના ત્રીજા ખંડના છેવટના ભાગમાં એ આખી રચના મળે છે અને એને ‘કૃષ્ણ-ઉદ્ધવ સંવાદ’ તરીકે અંતિમ કડીમાં ઓળખાવેલ છે. ગુજરાતી અનુપલબ્ધ કૃતિ તે ‘સિદ્ધાંત બિન્દુ’. અનુભવબિન્દુને કોઈએ એ નામ આપ્યું હોય એમ બને. ‘વિષ્ણુપદ’ અને ‘સિદ્ધાન્તશિરોમણિ’ એ તો અમુક પદોના ઝુમખાને અપાયેલ નામો છે. દી. બ. ઝવેરી જેને ‘પંચદશીતાત્પર્ય’ કહે છે તે ‘પંચીકરણ’ જ હોઈ શકે. સંસ્કૃતમાં વિદ્યારણ્ય સ્વામીકૃત સુદીર્ઘ ગ્રંથ ‘પંચદશી’ છે તેનો અને અખાના ‘પંચીકરણ’નો વિષય એક જેવો જ છે. ‘પંચદશી’માં વિગતો પુષ્કળ છે, ‘પંચીકરણ’ તુલનામાં ઘણી નાની રચના છે, એટલે એને ‘પંચદશીતાત્પર્ય’ નામ કોઈએ આપ્યું હોય. એવું તો નહિ હોય કે દી. બ. ઝવેરી જેવા ફારસી વિદ્વાનને ‘પંચીકરણ’માં અંગ્રેજી Punch અને Pinchનો ધ્વનિ સંભળાયો હોય અને સંસ્કૃતના સ્વરૂપની અવગણના કરીને એમણે જુદું નામ કોઈ સંસ્કૃત જાણનારની સાથેની વાતો ઉપરથી યોજ્યું હોય? પણ ક. મા. મુનશી ‘પંચદશીતાત્પર્ય નામની અખાની હિન્દી રચનાની વાત કરે છે તેમાં વળી કાંઈ જુદું રહસ્ય હશે બ્રહ્માનંદ નામના કોઈ કવિની હિન્દી રચના ‘કાયાશોધ’ ભૂલથી કઈ રીતે અખાને નામે ચઢી ગઈ તે ડૉ. ર. ધ. પાઠકે ‘અખો—એક સ્વાધ્યાય’માં પૃ. ૮૧-૮૨ ઉપર બતાવ્યું છે. અખાની કૃતિઓનું કાવ્યરૂપ વર્ગીકરણ કરતાં ડૉ. પાઠક પૃ. ૮૩ ઉપર લખે છે : “અખો ક્લાસિકલ (Classical) હોવા કરતાં રોમાંટિક (Romantic) વિશેષ છે, અને આથી એણે કાવ્યરૂપ વિધાન (Form)ની કદી ચિંતા કરી જ નથી. એણે રૂપ (Form)ના કરતાં વિષય (Content) પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” પણ તે બાદ ગીતા કાવ્યરૂપ ‘અખેગીતા’ અને ‘કૈવલ્યગીતા’, સંવાદ કાવ્યરૂપ ‘ગુરુ-શિષ્ય સંવાદ’ અને ‘ચિત્તવિચાર સંવાદ’, બિંદુ કાવ્યરૂપ ‘અનુભવ બિંદુ’, ‘પંચીકરણ’ અને લીલા કાવ્યરૂપ ‘બ્રહ્મલીલા’ની વાત કરી પૃ. ૮૬ પર લખ્યું છે : “આમ આ બધી કૃતિઓ જુદા જુદા રૂપ (Forms)માં અને પ્રધાનતયા દાર્શનિક ઉહાપોહ કરનારી હોવાથી આ બધી માટે શાસ્ત્રીજીએ કશા પણ સ્પષ્ટીકરણ વિના પ્રયોજેલો ‘ખંડકાવ્ય’ શબ્દ ભ્રામક છે.” મોટા ભાગના વિદ્વાનોને અખાનાં કાવ્યોની સિકલ ક્લાસિકલ લાગી છે. ડૉ. પાઠકે અખાને રોમેન્ટિક કહ્યો છે. સાચો જ્ઞાની શુષ્ક નથી હોતો, રસિક જ હોય છે કેમ કે રસરૂપ બ્રહ્મ એનું અધિષ્ઠાન બની રહેલું છે. સતત નિજાનંદમાં મસ્ત એવો જ્ઞાની, અસંગ અને અલિપ્ત રહીને, પ્રાપ્ત કર્મો કર્યે જતો હોય છે અને દુઃખને એ જાણતો નથી. જલકમલવત્‌ રહીને-સંસારમાં રહ્યા છતાં સાંસારિક રાગદ્વેષથી પર બની જ્ઞાની, કમલની માફક વિકસી, આહ્‌લાદ પાથરી રહે છે. એટલે કાવ્યરૂપની ગણતરીએ એને રોમેન્ટિક કહો તો પણ, અને જ્ઞાન-આનંદ લેવા-આપવાની એની અદ્‌ભુત શક્તિને કારણે કહો તો તેમ, અખો રસિક તો છે. ‘સાહેબકા લાલ’નું વર્ણન કરતાં અખાએ કહ્યું છે :

“લાગ્યા નૂર નિદાન પર, આખર અવલ ઇતાલ;
હાજરકા નિત્ય ભોગ હૈ, સો સાહેબકા લાલ.
રાજ કરે કે રમણી રમે, કે ઓઢત મૃગછાલ;
જ્યું રહે યું સેહેજમેં, સો સાહેબકા લાલ.
—સાખીઓ, લાલ અંગ, ૩, ૧૯

અખાની નાની પ્રકીર્ણ રચનાઓમાં જ્ઞાનને કક્કો, વાર, તિથિ, માસ એ તે તે પ્રકારનાં કાવ્યસ્વરૂપો છે. ‘કક્કો’માં આડત્રીસ દોહરા છે. આરંભની એક કડી બાદ પ્રત્યેક વારની બે બે કડી મળી કુલ સત્તર કડીમાં ‘વાર’ની રચના થઈ છે. ‘વાર’ માત્ર ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માં છપાયા છે તે જ, એની કોઈ હસ્તપ્રત મળી નથી. ‘તિથિ’ અમાવાસ્યાથી આરંભાઈ પૂનમે પતે છે. સત્તર કડીની ચોપાઈબદ્ધ આ રચનાને મથાળે ‘રાગ કેદારો’ લખેલ છે. સામાન્ય રીતે બાર (કે તેર) માસનાં વર્ણનો પ્રેમ-કથાઓમાં મળે, પણ આપણા અધ્યાત્મવાદી કવિઓએ પણ ‘માસ’ની રચના કરી બારે માસ વિલસી રહેલા આતમરામને પ્રીછવાની ગુરુગમ્ય કલા નિરૂપી છે. અખાએ ઝૂલણામાં રચેલ બારમાસની સત્તાવીસ કડીઓને મથાળે ‘રાગ સામેરી’ લખેલ છે. પચ્ચીસ કડીની કૈવલ્યગીતાને મથાળે ‘રાગ આશાવરી’ લખેલ છે. આમ આ નાનકડી કૃતિઓને સુગેય બનાવવાની કવિની ઇચ્છા જણાય છે. ‘શરીરની ચાર અવસ્થા’નું નિરૂપણ અખાએ દસ દસ ચોપાઈના એક કરી ચાર ખંડમાં કર્યું છે. ‘પંચીકરણ’માં સ્થૂલ સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવવામાં આવી છે. પંચ ભૂતો, ચોવીસ તત્ત્વો, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, ચાર અંતઃકરણ, એમના ચૌદ દેવતા, જેમ ઉત્પત્તિ તેમ લયની વિગતો, ચાર દેહ, ઇન્દ્રિયોનાં કાર્યો, ચાર અવસ્થા, છ ઊર્મિ, ત્રણ લિંગ, ચાર વાણી, જીવ-ઈશ્વર- કૈવલ્યની વિગતે, દસવિધ વાયુ, પાંચ કોશ, ચાર પ્રકારની મુક્તિ, ચાર ખાણ વગેરેનું ચોપાઈબદ્ધ વર્ણન આ રચનામાં છે. માણસનું દેહાભિમાન ટાળવાની અને જીવ-ઈશ્વરની લૌકિક માન્યતા દૂર કરી પરમ તત્ત્વનો અનુભવ કરાવવાની નેમ અહીં છે, જેથી માણસ જીવન્મુક્ત બની રહે. ઉમાશંકરભાઈએ જણાવ્યું છે તે મુજબ અહીં છ ચરણની ચોપાઈઓની જ મોટા ભાગની કડીઓ છે—‘છપ્પા’માં છે તે મુજબની. વચ્ચે વચ્ચે ચાર ચરણની કડીઓ પણ મળે છે. જુદી જુદી હસ્તપ્રતોમાં કડીસંખ્યામાં થોડો થોડો ફેર છે. ‘અનુભવબિન્દુ’ એ ચાળીસ છપ્પામાં રચાયેલી અખાની અંતિમ કૃતિઓમાંની એક કૃતિ છે. આ રચનાનું વસ્તુ અને તેનું નિરૂપણ ધ્યાનમાં લઈને કેશવલાલ હ. ધ્રુવ એને ‘પ્રાકૃત ઉપનિષદ’ કહે છે. અહીં મળતા છપ્પા એ સાચા છપ્પા છે, ચોપાઈ નથી. અત્યંત સંક્ષેપમાં છતાં ઉત્તમ કવિત્વપૂર્ણ શૈલીમાં, આંતર યમકની ચમત્કૃતિ સાધીને, કવિએ આ રચના કરી છે. અણલિંગી પરમાત્માના સાક્ષાત્કારનો વિરલ અનુભવ તે શું અને કેવો, તેની વાત અખો અહીં કરે છે. ગંભીર વિચારનું જ્યાં એકીકરણ છે એવો આ ગ્રંથ અનુભવબિન્દુને નામે ઓળખાયો છે ખરો, પણ હસ્તપ્રતોમાં તો કૃતિના નામ તરીકે માત્ર ‘૪૦ છપ્પય’ જ મળે છે. જીવ પોતાનું પૃથક્‌ત્વ ભૂલી શિવ સાથે એકરૂપ થઈ જાય તે દશા તે અનુભવ દશા. આ કૃતિની કેટલીક કડીઓ સળંગ ચિત્રો રજૂ કરતી હોઈ સારી પ્રસિદ્ધિ પામી છે.

“જેમ વારિધિ કેરાં વાર, ચાર દિશોદિશ ચાલે;
તે પ્રથવીએ પથરાય, વનરાય સહુ ફૂલેફાલે.
ઊગરતું જે રહે અંબુ, સંગ ઢળી આવે ઢાળે;
તેનું નદી તે નામ ધરાય, ન્હાય સહુ મહિમા ભાળે.
તે ગર્વભરી ગાજે અખા, પણ સરું ન જુએ સરિતા સહી;
જેમ સાગર તેમ શ્રીહરિ, વચ્ચે જીવ નદી થઈ વહી.” ૧૧
“જેમ વૃષાકાળ હોયે ગત્ય, રત્ય જે રૂડી દીસે;
દ્યૌનું ડોહોલ પલાય, વાય મંદ હલુયા હીસે.
ચાસન ચમકે ચંદ, ધંદ સહુ મનનો ભાગે;
તેમ ભાગે ભવભ્રાંત, કાંત હોયે હુતી આગે.
વપુ વિમલ હોયે વેગે, ચતુર લિંગ લેખે લહે;
ચિદાકાશ ચિદમે અખા, ધ્યેય ધ્યાતા સમરસ રહે.” ૧૫
“જેમ મોટા મંદિર માંહ, તાંહ છે કાચ જ ઢાળ્યા;
નીલ પીત બહુ રંગ, રંગના ભેદ જ ભાળ્યા.
તાંહાં ઊગ્યો શશી કે સૂર, દૂરથી અંતર ઝળકે;
તે બહુ દેખાડે રૂપ, ધૂપ વિવિધ પેરે ચળકે.
અખા ઉપર અવિલોકતાં, તે તાંહાં તેમનું તેમ છે;
તેમ ત્રિલોકી જાણજે, વસ્તુ વડે એ એમ છે.” ૨૦

દૃષ્ટાન્તોથી ભરપૂર આ ચાળીસ છપ્પાની રચનામાં અખાની ઉત્તમ કવિશક્તિનો સહજ પરિચય થાય છે. ‘ચિત્ત વિચાર સંવાદ’ એ ચોપાઈબદ્ધ ૪૧૨ કડીનું સંવાદ પ્રકારનું કાવ્ય છે. ચિત્ત તે પિતા અને વિચાર તે પુત્ર. વિચારની મદદથી જ પ્રવૃત્તિ માર્ગે સંચરેલા ચિત્ત શાસ્ત્ર-પુરાણાદિ તો રચ્યાં પણ વસ્તુરૂપ ન થઈ શકતાં ચિત્ત પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે અને વિચાર તે મૂંઝવણ દૂર કરવા મથે છે. પંચીકરણ, ષડ્‌દર્શન આદિમાંની વિચારણા અહીં ચર્ચાનો વિષય બની રહે છે. વિવિધ ઇચ્છા સેવી તેમની પૂર્તિને માટે દોડતું ચિત્ત અટકે શી રીતે? વિચાર કહે છે :

“જ્યમ પર્વત ઉપર હોયે મેઘવૃષ્ટ, તેણે અદ્રિ પામે તુષ્ટ.
કેટલું ઉપર વહીને ગયું, કેટલું તે અંતરભૂત રહ્યું.
સૈયલ કોરા દીસે છે સદા, અંતર માંહે ભર્યા બહુ રિદા.
બારે માસ રહ્યા તે ઝરે, તે સરિતા અવની પરવરે
સકલ દેશે તે જલ પોષાય, એહેનો સિદ્ધાંત સુણો ચિત્તરાય.
ચિદ ઘન તે વરસે છે સદા, ચિત પરવત ભરે અદબદા.
જેટલું ચિત્ત તું ગ્રહી નવ શકે, તાંહાં જાતાં તો વાણી થકે.
જેટલું ચિત્ત તે ગ્રહિયું જાય, તુજ રૂપીયા દ્રહ ભરાય.
શનૈઃ શનૈઃ તે ઝરી નીસરે, તે બુધ્ય-વિલાસ સંસાર જ કરે.
તેહેની ચૌદ વિદ્યા ને ચોસઠ કલા, ભાષાભેદના ટાલા ઘણા.
સિધ્ય અઢાર તે તેહેનાં અંગ, નાટક ચેટક શબ્દ તરંગ.
સપ્ત દ્વીપ નવ ખંડે લગી, તાહારી વૃત્ય દીસે ઊમગી.
તું તોરાં પખાં ફરી જુએ, ત્યારે તોરે કૃત્યે તું નવ મુહે,
તેં તાહારું તુજપણું લહ્યું ઘેર, ત્યારે અંતરે આવતી દીસે સેર.
જ્યમ નગ દીસે બાહેર કોરડા, પણ અંતર અમિત ભર્યા ઓરડા.
તું તાહારું પૂરવ જો ચિત્ત, ત્યારે લેવું મૂકવું થાયે ગત્ય.
તે તે તું ને તું તે તે જ, રોધ ન દીસે પાયે હેજ.
એમ સમઝયે તુંનો તું રહે, જો એ જુકતે આપોપું લહે.”
—કડી ૧૪૬-૧૫૪
“છામખેડાની પેરે જોય, જક્ત ભેદ સહુ ગોચર હોય.
જ્યમ છામખેડું છે દીપક વડે, દીપ વિના તે નવ નીમડે.
નાના રૂપ આવે રહે જાય, પણ દીસે દીપ તણે મહિમાય,
સૂર્ય હોયે ત્યારે નોહે પેખણું, એ તો દીપ તિમિર તણું દેખણું.
દીપક-સ્થાની તું ચિત્તરાય, દેહ-મંડપ કરી બેઠા માંય.
બહારથી દીસે તુજ માટ, અંતરે તુજ વડે ચાલે ઘાટ.
અજ્ઞાન નિશા લગી એ ખેલ, સંકલ્પ નટ વધારે વેલ.
જ્ઞાન-અર્કે કરી ભાગ્યો ભર્મ, ત્યારે દીઠાં આળાં ચર્મ.
તોરું જ સ્ફુરણ દેખે છે તું, અહીં અવાચ્ય કારણને જોતાં શું?
તું છે અવાચ્ય કારણ તણું પ્રતિબિંબ, તે માટે તું પ્રાયે શંબ.”
—કડી ૨૭૦-૨૭૪

અણલિંગીની ભક્તિની સાચી સમજ મળતાં ચિત્તનો ભરમ ભાગે છે. વિચાર દ્વારા જ્ઞાનનો પ્રકાશ લાધતાં ચિત્ત ‘અહં બ્રહ્મ’નું રહસ્ય સમજે છે. સાદી સરળ ભાષામાં અખો અહીં જે રીતે એક પછી એક મુદ્દા પ્રશ્ન રૂપે રજૂ કરી તેના સદૃષ્ટાન્ત ઉત્તર આપે છે તે રીત પ્રશસ્ય છે. એવી જ બીજી સંવાદ રચના તે ગુરુશિષ્ય સંવાદ, દૂહા-ચોપાઈમાં રચાયેલી આ સુદીર્ઘ કૃતિ ચાર ખંડમાં વિભાજિત છે; (૧) ભૂતભેદ, (૨) જ્ઞાનનિર્વેદ, (૩) મુમુક્ષુ મહામુક્ત લક્ષણ અને (૪) તત્ત્વજ્ઞાન નિરૂપણ. પહેલાં ખંડમાં સંમતિના ત્રણ શ્લોક, બીજા અને ત્રીજામાં ચાર ચાર અને ચોથામાં ત્રણ શ્લોક છે. ત્રણ અગાઉ આપ્યા છે. ‘અખાની વાણી’માં એ સંસ્કૃત શ્લોકો નથી. આ રચનાને અંતે ગ્રંથરચના સંબંધે જે વિગતો આપી છે તેમાંના પાંચ દૂહા પહેલા પ્રકરણ (૨) માં આપ્યા છે, તેમાંના છેલ્લા ચાર ‘અખાની વાણી’માં મળતા નથી. ‘અખાની વાણી’માં ગુરુશિષ્ય સંવાદના બીજા ખંડમાં ચોપાઈ તરીકે આપેલી કડીઓ ૪૪-૪૭ તે ચાર ‘ચોખરા’ છે. ‘દોહરા’ને ‘પૂર્વછાયા’ કહેલ છે. પંચભૂતનું રહસ્ય જાણ્યા પછી શિષ્યને ‘પરમાત્માની પ્રીછ’ મેળવવી છે. બીજા ખંડમાં ગુરુ એ વાત સ્પષ્ટ કરે છે કે પંચભૂત તે કેવળ ‘ઉપાધિ છે.’ સત્ય વસ્તુ તો પરમાત્મા જ છે. સંસાર તો વંધ્યાસુત સમો અસત્ય છે.

“પર કેહેતાં પરબ્રહ્મ હરિ, પંચ કહેતાં પંચભૂત;
એ પરપંચ નામ જૂઠા તણું, પ્રગટ્યો વંધ્યાપૂત.”

જે માણસ મિથ્યા જગતની માયામાં ફસાય નહિ, મનને વિષયોમાં વહી જતું રોકે અને વાસનારહિત બને તો મુક્તિ અને બંધન જેવું કશું તેને નથી. ગુરુના જ્ઞાનેપદેશથી શિષ્યને નિર્વેદની વાત તો સમજાઈ પણ ‘લિંગ તે શું? તે કેમ ટળે? વસ્તુવૈરાગ્ય કેવો હોય’ તે શિષ્યને જાણવું છે એટલે ત્રીજા ખંડમાં તેની સમજૂતી છે.

જીવ, ઈશ્વર અને પરબ્રહ્મનો ભેદ સમજાવતાં ગુરુ કહે છે :
“હેતુ વિના બ્રહ્મ કારણ સદા, જ્યમ નભ ઉદર વરતે બહુ દધા.
ધૂળ ધૂમ્ર ધન વરતે શમે, અવકાશ વિના કહે ક્યાંહાં રમે?
પણ વ્યોમ વિષે સંભવે નહીં માન, કારણ બહ્મ તે એમ નિદાન.
એહ ઉપર દૃષ્ટાંત જ સાર, એમ જાણવો વસ્તુવિચાર.
જ્યમ રવિ-કિરણે જલ ઊંચાં ચઢે, તે મેઘબિંદુ થઈ પ્રથવી પડે.
જોતાં તે દિનકર પરપંચ, સેહેજે ઈશ્વર સૂર્યનો સંચ.
પણ કિરણીને આદર નહીં કશો, સત્તા-ભેદ તેજમાંહાં વસ્યો.
એમ જીવ ઈશ્વર પરબ્રહ્મને વિષે, વ્યોમચિત્ર માયા રહી લખે.” (૯-૧૨).

જેનો અહંભાવ ગળી જાય, દેહબુદ્ધિ નાશ પામે, મન સંકલ્પવિકલ્પ કરતું અટકી જાય, તેને આત્મજ્ઞાન થાય. ગુરુ ચાર પ્રકારના દેહ સમજાવી, સંતના સમાગમનું મહત્ત્વ દર્શાવે છે કેમકે શિષ્ય મુમુક્ષુ જીવ છે. સંતનાં લક્ષણોથી ત્રીજા ખંડની સમાપ્તિ થાય છે. ચોથા ખંડમાં તત્ત્વજ્ઞાનનું નિરૂપણ છે. ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને દ્રવ્યાદ્વૈતને વિસ્તારથી સમજાવી, સિદ્ધિઓથી સંતોષાઈ ન જતાં માણસે પરમાત્મા સાથે એકતા સાધવાની છે એવી સ્પષ્ટ સમજણ ગુરુ પાસેથી મળતાં શિષ્યને સમજાય છે કે ગુરુ-શિષ્ય જેવું અલગ અલગ કાંઈ છે જ નહિ, કેમ કે બધું જ બ્રહ્મમય છે, એકરૂપ છે. કાવ્યદૃષ્ટિએ આ સંવાદનું ખાસ મહત્ત્વ નથી, તત્ત્વચર્ચા માટે જ એ ઉપયોગી છે. કાવ્યદૃષ્ટિએ અને તત્ત્વચર્ચાની દૃષ્ટિએ જેનું સવિશેષ મહત્ત્વ છે તે કૃતિ તો ‘અખેગીતા’ છે. મધ્યકાલીન આખ્યાનની શૈલીની યાદ આપે એવી આ સુપ્રસિદ્ધ રચના ચાળીસ કડવામાં વિભાજિત છે. દરેક કડવામાં આરંભની કડી પછી તરત જ ઊથલો આવે છે. એક બીજી વિશેષતા તે દર ચાર કડવાંને અંતે આવતું એક એક પદ. પદ ૧, ૨, ૩, ૬, ૮ અને ૧૦ની ભાષા ગુજરાતી છે. પદ ૪, ૫, ૭, ૯ની ભાષા હિંદી છે. ભૈરવ, આશાવરી, રામગ્રી, કાનડે, દેશાખ, કેદારો, સારંગ, સિંધુડો, મારુ, ધવલ ધન્યાશ્રી વગેરે રાગનામો પદની ગેયતા દર્શાવવા ઉપરાંત કવિનો શાસ્ત્રીય સંગીતનો પરિચય છતો કરે છે. કવિ નર્મદે અખાની રચનાઓ અંગે લખતાં કહ્યું : “એનાં બનાવેલાં વેદાંતનાં પુસ્તકોમાં પહેલું પુસ્તક અક્ષયગીતા-અખેગીતા છે.” અને સ્વામી સ્વયંજ્યોતિ અને અંબાલાલ જાની જેવા વિદ્વાનોએ એ વિધાનનો પડઘો પાડ્યો. આપણે પહેલા જ પ્રકરણમાં જોયું કે ‘અખેગીતા’ વિ. સં. ૧૭૦૫માં રચાઈ છે, ‘ગુરુશિષ્ય સંવાદ’ વિ. સં. ૧૭૦૧માં. એટલે આ વિધાન અસ્વીકાર્ય છે. ‘અખેગીતા’ આમ તો સિદ્ધાંત ગ્રંથ સમાન છે. પ્રેમલક્ષણા ભક્તિ સહિત શાંકરમતને અનુરૂપ કેવલાદ્વૈતનું અખો અહીં નિરૂપણ કરે છે. બ્રહ્મ જ એક માત્ર સત્ય છે, જીવ જીવભાવે મિથ્યા છે, છે તો એ બ્રહ્મ જ, અભિન્ન, એકરૂપ, એટલું અખાને વારંવાર કહેવાનું છે. અન્ય દર્શનો અને મતોને ખ્યાલ આપી તેમની મર્યાદા અખાએ જરૂર ચીંધી છે, પણ પૂર્વપક્ષ ઉત્તર-પક્ષની સાઠમારીમાં એ પડ્યો નથી. સમબુદ્ધિથી, દૃષ્ટાન્તોની સમુચિત યોજના દ્વારા, કાવ્યમય બની જતી બાનીમાં અખાએ આ કૃતિમાં વેદાંત સમજાવ્યું છે. ‘જીવને બ્રહ્મમાંહે ભળ્યાનો ભેદ’ અખેગીતામાં રજૂ થયો છે. જ્ઞાનેશ્વરીમાંની જ્ઞાનદેવની વાક્‌છટાની યાદ આપે એવા આરંભનાં બીજા કડવામાં અગાઉના કવિઓએ ઉચ્ચારેલ નમ્ર વચનોમાં ‘સૂર્ય આગળ ખદ્યોત કશો’થી આરંભી લખ્યું,

“જ્યમ જાહ્નવી આગળ વેહેકળો, જ્યમ સુરક્રુ ને બદરી યથા;
પારિજાતક પાસે અરણી, મહાકવિ આગળ હું તથા.
ગરુડ આગળ યથા કુરરી, સાગર આગળ જેમ કૂપ;
મેઘ આગળ યથા ઝાકળ, ક્યાંહાં તેલ ને કિયાંહાં તૂપ?
બાવના ચંદનની બહેક આગળ, કશો શોભે કરીર?
કશું નીર નવાણનું, જ્યાંહાં રસકૂપકાનું નીર?
પારસના પરતાપ આગળ, અન્ય વિદ્યા કેહી માત્ર?
ક્યાંહાં ક્ષુદ્ર દેવ ઉપાસના, જેહેને કર અક્ષયપાત્ર!
એમ કવિજન ગ્રંથ-આદ્યે, ગલિત વચન બોલતા હવા;
કહ્યું, કોપ ક્રોધ કરો રખે, હીંડું બાળકબુધ્યે બોલવા.
તેણે ગ્રંથ પહેલું એમ જણાવ્યું, અમો મગણ-જગણ નથી જાણતા;
તુક ચોજ ને ઝડઝમક, અમો લહ્યા વિના નથી આણતા.
એમ ગલિતપણે ગરવા થયા, કરુણા ઉપજાવી કવિજને;
હું એટલું કહીને સ્તવું, જેને કવિતા જાણું મુજને.
હું તો જ્યમ દારુક કેરી પૂતળી, ચાળા કરે તે અપાર;
તે કાષ્ઠમાંહે કાંઈયે નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર.” (૩-૧૦)

એક જ મુદ્દાને જુદી જુદી રીતે વર્ણસગાઈ, પ્રાસ અને ઝડઝમક સહિત અખો રજૂ કરી શકે છે–દૃષ્ટાન્ત યોજનાના એના સામર્થ્યને બળે. ‘હીંડું બાળકબુધ્યે બોલવા,’ ‘કોપ ક્રોધ કરો રખે’ એ શબ્દો જ્ઞાનદેવના છે. કેવળ પંદર વર્ષની વયે જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરીની રચના કરી, વયોવૃદ્ધ સંતો તેમ જ પિતાના ‘મોટાભાઈ અને ગુરુ નિવૃત્તિનાથ’ની સમક્ષ એ રજૂ કરી. એની વયને કારણે કિશોર-સુલભ નમ્રતા એની વાણીમાં પ્રત્યક્ષ થાય છે. વળી સૂત્રધાર સંચાલિત લાકડાની પૂતળીનું દૃષ્ટાંત જ્ઞાનેશ્વરે ચારેક વખત આપ્યું છે. બીજાં અનેક સામ્ય આ લઘુ ગ્રંથમાં આપવાં શક્ય નથી. ‘અખો ભક્ત’ ઉપર લખતાં કેશવરામ કા. શાસ્ત્રી લખે છે : “નરસિંહ અને મીરાંની ભક્તિજ્વાળા ક્યાંથી પ્રકટી એના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે, પણ અખાની આ જ્ઞાનજ્વાળા ક્યાંથી ફૂટી એને વિષે ક્યાંય પ્રશ્ન પૂછાયો નથી.” આ વિધાન દ્વારા એમણે એ પ્રશ્ન જ પૂછ્યો છે અને અખાની ‘અખેગીતા’ અને ‘અનુભવબિન્દુ’ ને જ્ઞાનેશ્વર કૃત ‘જ્ઞાનેશ્વરી’ અને ‘અનુભવામૃત’ સાથે વાંચીએ તો કૃતિઓના નામકરણ ઉપરાંત બીજું ઘણું અખાને જ્ઞાનેશ્વરમાંથી મળ્યું કહી શકાય. ‘જ્ઞાનેશ્વરી’ શ્રીમદ્‌ ભગવદગીતા ઉર્ફે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ ઉપર મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલી અતિ ઉત્કૃષ્ટ ટીકા કે ભાષ્ય છે. એ ઓવીબદ્ધ —છંદોબદ્ધ હોઈ એનું સ્વરૂપ તો કાવ્યનું છે જ, પણ જે કલ્પનાવૈભવ અને ભાષાસમૃદ્ધિ તેમ જ વાક્‌છટા જ્ઞાનેશ્વરે દેખાડ્યાં છે તેને કારણે આજ દિન સુધી ‘જ્ઞાનેશ્વરી’ મરાઠી ભાષાનો એક અપ્રતિમ ગૌરવગ્રંથ ગણાય છે. પંદર વર્ષની વયના બાળકને માટે સાચે જ અદ્‌ભુત કહી શકાય એવું સૃષ્ટિજ્ઞાન અને વ્યવહારજ્ઞાન જ્ઞાનેશ્વરીમાં છે. કુદરતનાં કેટલાંય પાસાંને જ્ઞાનદેવે નિરૂપ્યાં છે. બીજી બાજુ પોતાની આસપાસના જીવન અને વાતાવરણમાંથી પણ સચોટ દૃષ્ટાન્તો એમણે યોજ્યાં છે. એમનું અવલોકન જેટલું સૂક્ષ્મ છે તેટલું જ હૃદયંગમ પણ છે. કાવ્ય અને તત્ત્વજ્ઞાનનો સમન્વય સાધતાં એમણે ઠેરઠેર ઉપમા, દૃષ્ટાન્ત, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અતિશયોક્તિ જેવા અર્થાલંકારો ડાબા હાથના ખેલની જેમ વાપર્યા છે. એમની આકર્ષક યમક અને અનુપ્રાસની યોજના પણ એટલી જ નોંધપાત્ર છે. ચક્રવાક-મિથુન, ચાતક-મેઘ, ચંદ્ર- ચકોર, ચંદ્ર-ચંદ્રકાન્ત, ચિંતામણિ, સ્વાતી-મોતી, કામધેનુ, કલ્પવૃક્ષ વગેરે જેવા અનેક કવિસંકેતો જ્ઞાનેશ્વરમાં આપણને મળતા જ રહે છે. પૌરાણિક સંદર્ભો રજૂ કરીને પોતાનું કથન સુસ્પષ્ટ કરવાની જ્ઞાનેશ્વરની લાક્ષણિકતા, સહેલાઈથી સમજવો મુશ્કેલ એવા પ્રતિપાદ્ય વેદાંત વિષયને પ્રાકૃતજનોને પણ સુગમ બનાવી દે છે. જ્ઞાનેશ્વરની લેખિનીમાં “લેખકની વિદ્વત્તા, ભાષાસૌન્દર્ય, નાદમાધુર્ય, કલ્પનાચાતુર્ય, રમણીય કાવ્યત્વ, અત્યંત સુબોધ લેખનશૈલી, ઉદાત્ત ઉત્તુંગ પ્રતિભા, ઉપમા-રૂપકાદિનો સમૃદ્ધ સ્પર્શ” અનુભવાય છે. જ્ઞાનેશ્વરની ભૂમિકા વાદકુશળ પંડિતની નથી, તર્કનિપુણ ભાષ્યકારની નથી, પણ પ્રેમાળ ઉપદેશકની સહૃદય શિક્ષકની, મમતાળુ માતાની છે. અખાને જે રીતે બ્રહ્માનંદજીનો ભેટો થયાની વાત જનશ્રુતિમાં મળે છે તે સાચી હોવા માટે પૂરતાં કારણ છે. ગુરુ બ્રહ્માનંદ અને એમનો એક માત્ર સંન્યાસી શિષ્ય બન્ને મહારાષ્ટ્રના હોય. મહારાષ્ટ્રમાં રાતને સમયે હરદાસી કથા કે જ્ઞાનાલાપ થાય છે. એ દૃષ્ટિએ બ્રહ્માનંદજી રાતને સમયે શિષ્યને જ્ઞાનેશ્વરી સમજાવતા હોય. મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલ ગ્રંથને સમજવા માટે, સંસ્કૃતમાં રચાયેલા અનેક નામી ગ્રંથોને છોડીને, કાશીમાં રાતને ટાણે કોણ આવીને બેસે? અખાનું કુતૂહલ જાગ્રત થવા માટે આમ પૂરતું કારણ છે. ગુજરાતમાં નામદેવાદિ અનેક સંતો યાત્રાર્થે આવતા જતા. સંત મંડળીમાં બેસવાનો શોખીન અખો તેમની વાણીથી પરિચિત હશે જ. એટલે સંસ્કૃતને બદલે પ્રાકૃતમાં થતી કથાએ અખાને આકર્ષ્યો હોય અને એ બ્રહ્માનંદનો શિષ્ય બન્યો હોય. સંસ્કૃત પંડિતોની ભાષા ભલે રહી. પ્રાકૃત પણ ઓછી સમૃદ્ધ નથી એમ જ્ઞાનેશ્વરીના અભ્યાસ પછી એને લાગ્યું હોય. પ્રાકૃત માટેનો અખાનો પક્ષપાત પણ આ રીતે સમજી શકાય. અને જ્ઞાનેશ્વર માટે ઉપર જે કહ્યું તેમાંનું કેટલું બધું આબાદ રીતે અખાને પણ લાગુ પડે છે!

જેને દૃઢ વૈરાગ્ય ઊપજ્યો હોય તેની સ્થિતિ વર્ણવતાં અખો લખે છે :

“આતુરતા મન અતિ ઘણી, જ્યમ મીન વિછડ્યું નીરથી;
અજ્ઞાન–સીંચાણો લઈને ઊડ્યો, તેણે દૂર નાખ્યું તીરથી.
તે તરફડે તલપે ઘણું, વળી વ્રેહેનો સૂરજ ઉપર તપે;
સંસાર રૂપી ભૂમિ તાતી, તે ‘નીર’ ‘નીર’ અહર્નિશ જપે.
કાળ-સીંચાણો શિર ભમે, તે તેહની દૃષ્ટે પડે;
નીર વહેાણું વપુ દાઝે, ફાળ ભરે ને ફડફડે.
નયણે નીર દેખે નહીં; કળકળે કાજળ બળે;
પેટે પૂઠે કે પાસું વાળે, જ્યમ પડે ત્યમ દાઝે ઝળે.
કામધેનુના પય વિષે, જો કોઈ મૂકે તેહને;
તોહે આપન્યા નોહે મકરને, વારિ વહાલું જેહને.
વૈરાગ્ય ઘણ ઊપનો શરીરે, તેણે કાળજ કોર્યું માંહેથી;
વ્રેહે તેણો તાપ તપે તનમાંહે, તે નર જીવે ક્યાંહેથી?” ક. ૯, ૨ ૭.

રૂપકોથી ભરપૂર એક આખું સજીવ ચિત્ર અહીં આપણને મળે છે. રૂપકોની એવી જ પરંપરા નીચેની પ્રસિદ્ધ પંક્તિઓમાં પણ છે :

“ભાઈ, ભક્તિ જેહેવી પંખણી, જેહેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે;
ચિદાકાશમાં તેહજ ઊડે, જેહેને સદ્‌ગુરુ રૂપણી આંખ છે.” ક. ૧૦, ૭.
દૃષ્ટાન્તોની તો ‘અખેગીતા’માં ભરમાર છે.
“જયમ જાર-લુબધી જુવતી, તેહેનું મન રહે પ્રીતમ પાસ;
અહર્નિશ રહે આલોચતી, એહેવું મન હરિદાસ.” ક. ૧૧, ૧૦
“જીવન્મુક્તા તે જોગેશ્વર, જે એમ વરતે દેહ વિષે;
જ્યમ નાગને અંગે જરા પાકી, તે અળગી થઈ રહી નખ શિખે.
તે ચલણ હલણ કરે ખરી, પણ અંગથી એકતા ટળી;
ત્યમ જીવન્મુક્તને દેહ જાણો, જ્યમ ભુજંગને કાંચળી,” ક. ૧૩, ૭-૮
“જ્યમ કેસરી કેરા ગંધથી, કરી પલાયે કોટ્ય;
ત્યમ સંત કેરા શબ્દ સુણતાં, બંધન જાયે ભવખોટ્ય.” ૩૨, ૧૦
“જ્યમ શરદકાલે અંબર ઓપે, અને નીર નિર્મલ અતિઘણું;
ત્યમ સંતસંગ પ્રતાપ પ્રાયે, એહેવું મન કરે જન તણું.
ભવદુઃખ વામે, મહાસુખ પામે, અંતરથી આમય ટળે;
જીવ શિવ તે એક હોયે, જ્યમ સરિતા સાગરમાં ભળે. ૩૯, ૮-૯

અખેગીતાનો મહિમા સમજાવતાં અખો કહે છે :

“રામ તારક—મંત્ર જે, તે અખેગીતાનો ભાવ;
જન્મ છેહેલો હોય જેને, તેને મળે પ્રસ્તાવ.
સંસારરૂપી મોહનિશાને, નિવર્તવાને કાજ;
દિનમણિ છે અખેગીતા, પામે સદોદિત રાજ.” (કડવું ૪૦, ૩-૪)

સ્પષ્ટ છે કે ‘અખેગીતા’ અખાની પ્રથમ-આરંભની કૃતિ હોઈ જ ન શકે. અખેગીતા તો અખા ભગતની પરિણત–પાકટ-પ્રજ્ઞાનું ફળ છે. ગુજરાતીમાં રચાયેલા વેદાંતગ્રંથોમાં એનું સ્થાન અનોખું છે. અખા ભગતની સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ જાણીતી રચના તે એના ‘છપ્પા.’ આ છપ્પા તે સાચા પિંગળ મુજબના છપ્પા નથી પણ છ ચરણની ચોપાઈ (કે જેકરી) છે. જુદી જુદી હસ્તપ્રતોમાં મળતા છપ્પાની સંખ્યા જુદી જુદી છે. ‘અખાના છપ્પા’માં ઉમાશંકરભાઈએ ૭૫૬ છપ્પા આપ્યા છે, જેમાં છપ્પો નં. ૩૧૦, છપ્પો નં. ૬૭૧ તરીકે પણ દેખા દે છે. આમ તો દરેક છપ્પામાં એક વિચાર પૂર્ણપણે વ્યક્ત થઈ જતો હોઈને છપ્પાનું સ્વરૂપ મુક્તકનું છે. છ ચરણમાં વિચાર પૂરો ન થાય તો અખો આઠ ચરણ પણ પ્રયોજે છે. આ છપ્પા જુદાં જુદાં અંગોમાં વિભાજિત છે. આ અંગોનાં નામો કે તેમાં સમાવિષ્ટ છપ્પાની સંખ્યા સર્વથા નિશ્ચિત નથી. એક અંગનાં એકથી વધારે નામ પણ મળે છે, તો એક જ નામ જુદાં જુદાં બે અંગને મથાળે પણ દેખા દે છે. એક હસ્તપ્રતમાં મળતું બહુસંખ્ય છપ્પાવાળું અંગ અન્યમાં બે ત્રણ જુદાં જુદાં શીર્ષકોવાળાં અંગોમાં વિભાજિત થયેલું મળી આવે છે. અમુક છપ્પા એક હસ્તપ્રતમાં એક અંગમાં સમાવિષ્ટ હોય તો અન્યમાં કોઈ બીજા અંગમાં હોય એવું પણ બને છે. આમ તો આ છપ્પા “કવિએ છૂટે હાથે વેરેલાં પ્રાસંગિક વચનોનું સંહરણ” જણાય છે, અને અખા ભગતે જાતે તેમની આનુપૂર્વી નક્કી કરેલી જણાતી નથી. કવિના સમગ્ર કવનકાળને વ્યાપીને પડેલો આ મુક્તક સંચય અનેક વર્ષોના પટ પર વિસ્તર્યો હોઈ શકે. અખાની જીવનદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિનો વિકાસ એના છપ્પામાં જોઈ શકાય છે. અમુક અંગો સળંગ રચાયાં હોય. બીજાં કેટલાંક પાછળથી સંગૃહીત થયાં હોય. અંગોનાં નામકરણ તેમાંના વિષયને આભારી હોય, પણ ઘણાં અંગોમાં એકથી વધુ વિષય સમાવિષ્ટ છે. અંગોનું નામકરણ ક્યારેક અંગના આરંભના શબ્દ કે પ્રથમ પંક્તિને આધારે થયેલું છે, તો ક્યાંક પાછળથી આવતો એકાદ મુદ્દો અંગને પોતાનું નામ આપે છે. છપ્પાના માધ્યમ દ્વારા પોતાને જે કાંઈ કહેવું છે તે સંક્ષેપમાં પણ સચોટતાપૂર્વક અખો કહી શકે છે. એણે યોજેલ ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાન્તો, કહેવતો, રૂઢિપ્રયોગો એના કથનને મૂર્તતા બક્ષે છે. વસ્તુને તાદૃશ રીતે રજૂ કરવાની અખાની પ્રવૃત્તિ ઊડીને આંખે વળગે તેવી છે. અખાની સૂક્ષ્મ અવલોકન શક્તિ કુદરતમાંથી, વ્યવહારમાંથી, માનવ-સ્વભાવની વક્રતામાંથી, પશુ પંખી અને જળચરની વિશાળ સૃષ્ટિમાંથી, રોજિંદા વપરાશની કે સુપરિચિત વસ્તુઓમાંથી કાંઈક ને કાંઈક વિલક્ષણતા શોધી કાઢીને તેને પોતાના સિદ્ધાંતની સમજૂતી માટે દાખલા રૂપે એવી સિફતથી ગોઠવી દે છે કે મૂળ મુદ્દો આસાનીથી સામાને બરાબર સમજાઈ જાય. કેટલાંક ખૂબ જ સુંદર અને ચમત્કૃતિપૂર્ણ ચિત્રો અખો ઓછામાં ઓછા શબ્દોમાં એટલા સહજભાવે અને એવી સરળ અને તળપદી ભાષામાં રજૂ કરે છે કે એની એ શક્તિ માટે આપણને બહુમાન થાય જ. ઉ. ત.

“જ્યમ નાર નાંહાંધડી હવું પ્રસૂત, વળતી વાધે નહિ અદભૂત.” ૧૨
“જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.” ૧૩
“કરતા ફરતા દીસે ઘણા, જ્યમ તાતી વેળું માંહે ચણા.
અખા ઊડી તે અલગો પડે, જો વસ્તુવિચાર સદ્‌ગુરુથી જડે.” ૩૧
“મોહોટમ્ય સઘળી જાયે ટળી, જ્યમ આતશબાજી પલકે બળી.” ૮૯
“ચૂસે શ્વાન અસ્થ મહાદુખે, નીસરે રુધિર પોતાને મુખે.
રાતો રંગ દેખી મકલાય, પણ કારણ પડિયું પોતામાંય.” ૯૨
“સૂરજ તળેથી વાદળ ટળ્યું, ત્યારે અખા ધામ નિશ્ચેે નિર્મળું.” ૯૪
‘હરિ મણિ કંઠ પોતાને મૂળ, તે પડ્યો જાણી બહાર ચાળે ધૂળ.
ત્યાંહાં કર્મકાચની કણિકા જડી, વળી વ્યસને લાગ્યો મારે હડી.
અલ્પ પ્રાપ્તિ ને અતિ આયાસ, પણ અખા ન જાણે આતમ પાસ.” ૧૧૧
“જ્યમ જન કોઈ ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સપનવશ થયો.
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ.
ત્યમ અખા સઘળો સંસાર, ત્રિગુણ ભોગ કરે આહાર.” ૧૩૦
“શકટ તળે જ્યમ ચાલે શ્વાન, એમ અખા ધરવું સર્વ માન.” ૧૭૭
“અસમઝ્યો જીવ અને ઝાંખરું, જ્યાંહાં ત્યાંહાં તે વળગે ખરું.” ૧૬૭
“કબુધી જીવ અને કર્પાસ, પીલ્યા વહોણા નાવે રાસ...
ધેન ઊછળતી ને ડહોરો ગળે, અખા જાણે હરિ વળણે વળે.” ૨૧૩

આટલાં બધાં ઉદાહરણો આપવા માટે કારણો છે. અખાની શૈલી સંક્ષિપ્ત અને અર્થઘન છે, એમાં બળ છે, વેગ છે, સુયોગ્ય ઉદાહરણ દ્વારા અખો ધાર્યું નિશાન પાડી શકે છે, શબ્દ લાઘવની તેમ જ અવનવા શબ્દપ્રયોગો દ્વારા અવનવા અર્થસંકેતો સાધવાની એની શક્તિ અદ્‌ભુત છે એટલું બતાવી દેવું જરૂરી છે. એ બતાવ્યા બાદ અખા ઉપર થયેલ કેટલુંક વિવેચન કેટલું બધું ભ્રામક હતું એની ખાતરી થઈ શકશે. અખા ઉપરનું મોટા ભાગનું વિવેચન અખાના છપ્પાને આધારે જ થયેલું. આરંભમાં જે બે ત્રણ સંપાદનો થયાં તેમાં ભ્રષ્ટ વાચનાને પરિણામે અખાની ભાષાશૈલી અને એના કવન અંગે ઘસાતાં વિધાનો થયેલાં. અખાની ભાષા ઘડાયેલી નથી, સ્વચ્છ નથી, ક્લિષ્ટ છે; સંસ્કારી નથી, ખરબચડી છે; એમાં રસિક ઉક્તિ નથી; અપ્રચલિત શબ્દો અને વાક્યોની ભરમાર હોઈ દુર્બોધ છે; ગ્રામ્ય છે; શબ્દશુદ્ધિનું અખાને ભાન નથી; પ્રાસ માટે અખો શબ્દોને ઠરડે-મરડે છે; અખામાં માધુર્ય નથી, પ્રસાદ નથી, ઓજસ નથી, વૈશદ્ય નથી; ભાષા ટૂંકી, ઊભી, કંઈક અજડ, કર્કશ, કર્ણપ્રિયતાની દરકાર વગરની છે; અખાનું ભાષાવિષયક જ્ઞાન ઘણું માર્યાદિત છે; અખાની કવિતા ‘રસવતી’ નથી; કવિતાના બાહ્ય દેહ વિશે અખાએ કાળજી કરી નથી; ભાષા, અલંકાર, પિંગળ, છંદશાસ્ત્ર કશાની અખાને પડી નથી; એવું ઘણું બધું અખાને માટે કહેવાયેલું. એમાંનું ઘણુંબધું અધૂરા અભ્યાસનું પરિણામ હતું એમ આજે કહી શકાય તેવી સ્થિતિ છે. અત્યાર સુધી અખાની જુદી જુદી રચનાઓમાંથી જે અવતરણો આપ્યાં તેને આધારે એટલું તો સ્પષ્ટ છે કે અખાનો ભાષા ઉપર સારો એવો કાબૂ છે, શબ્દો શોધવાનો એને પ્રયાસ કરવો નથી પડતો. જોઈતો શબ્દ એને તત્કાળ જડી જાય એવું ભાષા-પ્રભુત્વ અખાનું છે. અખાની ભાષા સરળ અને તળપદી છે કેમકે એને આમજનતા આગળ પોતાનું કથન રજૂ કરવાનું છે. એક નિરભિમાની નિરાડંબરી સંત પાસે સદુપદેશ માટે જતાં જે સહજ પ્રેરિત વાણી સાંભળવા મળે તેવી અખાની વાણી છે. એમાં પ્રૌઢિ છે, જોમ છે, ક્યાંક ઝનૂન પણ મળે છે. અખો આખાબોલો અને પ્રગલ્ભ જરૂર છે, પણ એની વાણીનું વૈચિત્ર્ય અને સમુચિત દૃષ્ટાન્તો યોજવાની કુશળતા આપણને છક કરી દે તેવાં છે. જગતને જોવાની ગજબની સૂક્ષ્મ દૃષ્ટિ તેમજ સંસારના ચિત્રવિચિત્ર વ્યવહારને જોતાં જ સમજી જવાની ઉત્તમ શક્તિ અખા પાસે છે. અખાનું કામ લોકાનુરંજન કરવાનું નથી, લોકોદ્‌બોધન કરવાનું છે. એની આસપાસના સમાજમાં પ્રવર્તતા અનાચાર, અત્યાચાર, દંભ, પાખંડ, ઢોંગ, આડંબરને ખુલ્લા પાડીને લોકોને ઘટતો બોધ આપવાનું કામ એણે કર્યું છે. લોકોના જીવનમાં રહેલી ક્ષતિઓ, ત્રૂટીઓ અને વિચિત્રતાઓની કડક ટીકા કરીને સમજુની સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ અખાએ કર્યો. અજ્ઞાનનિદ્રામાં પોઢેલી પ્રજાને જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ દેખાડી જાગ્રત કરવાનું અને તેનું ઘેન દૂર કરી જીવનનો સાચો રાહ દેખાડવાનું કામ એક પ્રકારના પયગંબરી આવેશથી અખાએ કર્યું છે અને એમ કરતાં એણે જે ઉગ્રતા દાખવીને કટાક્ષો કરી ઠોક પાડ્યા છે તે ભૂલ્યા ભુલાય તેમ નથી. સોની કે લુહારની એરણ પરથી ઊડતા તણખાની યાદ આપે એવા વાણીના વેધક પ્રયોગો અખાએ કર્યા છે. ઢોંગી ધર્મગુરુઓ, આભડછેટ, સામાજિક દંભ ને પાખંડ, સાંપ્રદાયિક ઝઘડા, ભક્તિનો આડંબર, મૂર્તિપૂજા, ભૂતપ્રેતમાં માન્યતા, માનવજીવનમાં પડતી ગ્રહોની અસર વગેરે ઉપર અખાએ વાણીના ચાબખા વીંઝ્યા છે. ‘ફુટકળ અંગ’માં તો કટાક્ષોની હારમાળા જ છે. પાછળથી ભાષામાં કહેવતોની જેમ ચલણી બની ગયેલી અનેક માર્મિક ઉક્તિઓ અખાના છપ્પામાં છૂટથી મળે છે. તે સાથે તે જમાનાની ચાલુ કહેવતોનો પણ અખાએ છપ્પામાં છૂટથી ઉપયોગ કર્યો છે. છ ચરણની ચોપાઈ, કહેવતોનો બહોળા ઉપયોગ, ‘અંગ’ રૂપી વિભાગોમાં વિભાજન, જ્ઞાન-વિતરણની માર્મિક શૈલી એ બધા માટે અખો ભગત એની પૂર્વે થઈ ગયેલા માંડણનો ઋણી ગણાયો છે. કેશવરામ કા. શાસ્ત્રી માંડણ અને અખાનું સામ્ય દર્શાવતાં નીચેના મુદ્દાઓ નોંધે છે : (૧) ષટ્‌પદી ચોપાઈ-કાવ્યબંધનો પ્રેમી, (૨) ખૂબ ફરેલો, (૩) ઢોંગી ધર્મગુરુઓનો વિરોધી, (૪) સમાજના સડાનો વિરોધી, (૫) હૃદયનો વૈષ્ણવ, (૬) ગુરુ તરફ સંપૂર્ણ આદર, (૭) જ્ઞાની કવિ. ઉમાશંકરે શબ્દાવલીઓ અને કહેવતોમાં પ્રગટ થતું સામ્ય વિગતે દર્શાવ્યું છે. માંડણનું ધ્યેય ‘પ્રબોધબત્રીશી’ દ્વારા બને તેટલી કહેવતો અને રૂઢપ્રયોગોનો સંગ્રહ આપવાનું છે. એક વિભાગમાં વીસ વીસ કડીઓ આવે એવી યોજના કરી એણે પ્રત્યેક વિભાગને નામ આપતાં તેની સાથે ‘વીશી’ શબ્દ જોડ્યો છે. માંડણ ફક્ત ઉપદેશક છે, સંગ્રાહક છે; અખો ‘પ્રતિભાશાળી તનમનાટવાળો કવિ’ છે. વિષય નિરૂપણમાં કે શૈલીસામર્થ્યમાં અખો માંડણ કરતાં ક્યાંય આગળ વધી ગયો છે. અખાની નીચેની પંક્તિઓની ભાષા પ્રેમશંકર ભટ્ટને અશિષ્ટ અને જુગુપ્સાપ્રેરક લાગી છેઃ

“મુખે બોલ બોલીજે બહુ, અને ગુદે બોલે તો નિંદે સહુ.” છ. ૨૧૯
“શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રાખ્યો.” છ. ૬૫૬

અખાના જમાનામાં કે એના વર્તુળમાં આ ભાષા સામાન્ય વપરાશની હોઈ શકે. વળી, ‘પાદવું’ ને બદલે અખો ‘ગુદે બોલવું’ એવો હળવો પ્રયોગ સકારણ કરે છે કેમકે એને મુખના બોલ અને ગુદાના બોલને સામસામે મૂકવા છે. મુદ્દે વાત એ જ છે કે જેનું કામ તે જે કરે. માણસ સ્વધર્મને વળગી પોતાનું કામ વર્ણાશ્રમ-મર્યાદાને અનુસરી વગર આસક્તિએ કર્યે જતો હોય તો એ સાંસારિક બંધનમાં સપડાતો નથી, એનું કર્મ નિન્દાસ્પદ બનતું નથી. ખાટકી અને વેશ્યા પણ ભક્તિ દ્વારા મોક્ષ પામ્યાં છે. ઊંચ-નીચના ભેદો સંતોએ ક્યારેય સ્વીકાર્યા નથી. ઇન્દ્રિયોની વાતો કરતાં અખો બે કર્મેન્દ્રિયો સામસામે મૂકવા માગતો હોય તો તે બીજી કઈ સામ્ય-વૈષમ્યદર્શક રીતે કરી શક્યો હોત? જે બીજી પંક્તિ છે તે મારે હિસાબે ખોટી છે. માંડણ ‘બાહરિ ન ગ્યુ, ઘર ન રાખી સક્યુ’ લખે છે, તો અખાએ ‘હગ્યો’ નહિ, પણ ‘ન ગ્યો’ (ન ગયો) શબ્દ વાપર્યા હોઈ શકે. અને છંદદૃષ્ટિએ ‘નહિ’ની જરૂર નથી. “આપણી ભાષાના સામાન્ય શબ્દોનો પૂરેપૂરો કસ કાઢવાની અપ્રતિમ શક્તિ” અખામાં છે. વખત જતાં કેટલાક શબ્દો વપરાશમાંથી નીકળી જાય, જૂના પ્રયોગો બદલાતા આવે, એ હિસાબે બસો ત્રણસો વર્ષ ઉપરની આપણી જ ભાષામાં કેટલુંક દુર્બોધ તત્ત્વ આજે આ૫ણને લાગે. હવે જેને સોરઠા, દૂહા, પરજિયા તરીકે ઓળખાવવામાં આવેલ છે. તે મુક્તક પ્રકારની રચનાનો વિચાર કરીએ. ૨૫૨ અને ૯૪ કડીઓમાં વિભાજિત આ સોરઠા અંગોમાં વિભાજિત નથી. સ્વતંત્ર મુક્તકો તરીકે જ એમની રચના થયેલી જણાય છે અને પાછળથી મળ્યા તેટલા એકઠા કરી લીધા હોય એવી સ્થિતિ છે. વર્ણસગાઈ અને લાઘવયુક્ત કથન ઉપરાંત આ પ્રકારમાં વિશેષ નથી. થોડાંક અવતરણો નમૂના દાખલ લઈએ.

“પ્રીછ્યા વિના પીડાય, મનના માર્યા માનવી;
ધામ મૂકીને ધાય, અખેપદ ઓળખ્યા વિના.”
“વહેતે વહે સહુ લોક, કરતા દેખી સહુ કરે;
પણ સલિલ તણો સંતોષ, અખા ન હોયે એસથી.”
“જે થાયે તે જાય, વણ થયું વણસે નહીં;
ઘાટ ગળ્યે ઘડાય, પણ સોનું તે સરખું સદા.”
“પ્રીતમ કેરો પાણ્ય, છે કામિનીના કંઠ વિષે;
અસંન અત્ય અજાણ, ભોગ ન સમઝે ભામિની.”

અખાનાં ગુજરાતી પદો માટે થોડું અગાઉ કહેવાઈ ગયું છે. પદોનો પ્રકાર નરસિંહ ભાલણ આદિએ મોટા પ્રમાણમાં ખીલવ્યો તે આજ દિન સુધી પ્રચારમાં છે. અખાનાં પદોમાં સદ્‌ગુરુ-મિલન, ગુરુભક્તિ, સગુણભક્તિ બ્રહ્મજ્ઞાન-નિરૂપણ, આત્મસ્વરૂપ-આલેખન, બ્રહ્માત્મૈક્ય, બ્રહ્મપદની પ્રાપ્તિનો આનંદ જેવી બાબતોનું મોટે ભાગે નિરૂપણ તેમજ તે અંગેનો સીધો ઉપદેશ છે. ભક્તિ-શૃંગારનાં કીર્તનની વાત અગાઉ થઈ ગઈ છે. નોંધપાત્ર હકીકત એ છે કે આ પદોમાં છપ્પામાં મળે છે તેવા કટાક્ષો નથી. સ્વસ્થ ભાવે અખો આહ્‌લાહક શબ્દોમાં વિધવિધ રાગોમાં બ્રહ્મવસ્તુને નિરૂપે છે અને બ્રહ્માનુભવથી થતા આત્યંતિક આનંદને શબ્દો દ્વારા વ્યક્ત કરવા મથે છે. પ્રભાતી, રાગ સામેરી, રાગ રામગ્રી, રાગ કેદારો વગેરેના નિર્દેશ સહિત રજૂ થતાં આ પદોમાં પણ અખાનો ભાષાવૈભવ અને નિરૂપણ રીતિનું સામર્થ્ય પ્રગટ થાય છે. એક બાજુ ભક્તિમાર્ગી વૈષ્ણવ સંતોના પદોની તો બીજી બાજુ જ્ઞાનમાર્ગી રહસ્યવાદી સંતોની વાણીની અસર અખા પર પડી હોવાની શક્યતા છે. પ્રભાતિયાં, ભજન કીર્તન, સીધો જ્ઞાનોપદેશ અને આત્મપ્રાપ્તિના ઉલ્લાસને ગાતાં પદો વચ્ચે જરા જુદી ભાત પાડતાં પદો તે સદ્‌ગુરુનો કાગળ, જીવન્મુક્તિ હુલાસ, સાંતીડું અને ‘વારી જાઉં રે રંગ બજાણિયા’ જેવાં.

(૨)

અખાની હિન્દી રચનાઓની વિચારણા કરીએ તે વખતે એક બે મુદ્દા ધ્યાનમાં લેવાના રહે છે. તે જમાનામાં હિન્દી-વ્રજનું સ્થાન ગૌરવવંતું હતું એ કારણે આપણા કેટલાક કવિઓએ ગુજરાતી ઉપરાંત તે ભાષામાં કાવ્યો રચ્યાં છે. પર ભાષામાં રચાયેલી કૃતિઓના સ્વભાષામાં અનુવાદ કરવાની આજની ફેલાતી જતી પ્રવૃત્તિ સાથે એની તુલના કરવા જેવી છે. બીજી બાજુ મધ્યકાળમાં સંત-સાહિત્યનો પ્રચાર બહોળા હતો અને ભક્ત મંડળીઓમાં ઉત્તર ભારતના સંતોએ રચેલાં અનેક પદ ઉલ્લાસપૂર્વક ગવાતાં. એવી મંડળીઓમાં જેને બાલ્યકાળથી બેસવાની ટેવ પડી હોય તેને એ સાધુક્કડી ભાષામાં પણ કાવ્ય રચવાનું મન થાય, ખાસ તો ત્યારે કે જ્યારે એની સ્વભાષામાં રચેલી કૃતિઓ લોકાદર પામી હોય. ‘સંતપ્રિયા’ નામની અખાની ઉત્તમ હિંદી રચનામાં કવિ ‘અખાકી કવેશ્વરી’ શબ્દો વાપરે છે એ ધ્યાનમાં લેવા જેવું છે. એક સોનીને સભામાં કોણ વખાણત–જો એ વિરહી ન હોત તો? એવો પ્રશ્ન પણ અખાએ એક હિન્દી સાખીમાં કર્યો જ છે. એટલે અખો માત્ર કવિ જ નહિ, પણ ‘કવીશ્વર’ ગણાયો હોય. અખો પોતાને કેવળ નિમિત્ત ગણે છે, કર્તા તો શ્રીહરિ જ છે એમ પોતાની કેટલીક કૃતિઓના અંતમાં એણે કહ્યું જ છે. એટલે ‘અખાકી કવેશ્વરી’નો બીજો અર્થ કરવો હોય તો ‘અક્ષયની-પરમાત્માની સર્વોચ્ચ દિવ્ય’વાણી એવો પણ કરી શકાય. અખાની કવિતાને ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ કહી છે ત્યાં આ જ વસ્તુ ઉપર ભાર મુકાયો છે. ત્રીજું નેત્ર તે જ્ઞાનનેત્ર. અખાની રચનાઓમાં રહેલો જ્ઞાનોપદેશ એ એણે સિદ્ધ કરેલ જ્ઞાનદૃષ્ટિનું ફળ છે. પણ એ ત્રીજું નેત્ર રુદ્રની જેમ ક્રોધાગ્નિ વરસાવી દે. અખાના છપ્પામાં આપણને એ જ્ઞાનાગ્નિની ઝાળની આંચ ઠેરઠેર વરતાય છે. પણ પછીથી, શિવસ્વરૂપ બનેલ અખાનું એ નેત્ર કલ્યાણકારી કિરણોનો પ્રકાશ ફેલાવતું જણાય છે. અખો ગોકુળ ને કાશીમાં રહ્યો તે ગાળામાં હરિમિલનની અને આત્મજ્ઞાન-પ્રાપ્તિની એની ઝંખના અતિ ઉત્કટ અને અદમ્ય બની ગયેલી હોવાથી કબીર, સૂરદાસ, તુલસીદાસ જેવા મહાન સંતોના સાહિત્યનો સંપર્ક એને હોવાની પૂરી સંભાવના છે. કબીરની વાણી એને સવિશેષ સ્પર્શી ગઈ હશે? કબીરની માફક એણે પણ ‘રમેણી’ કાવ્યપ્રકારની રચનાથી હિન્દીમાં કાવ્યો રચવા માંડ્યાં હોય. અખાનું એક અલ્પપ્રસિદ્ધ કાવ્ય ‘અમૃતકલા રમેણી’ ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રત નં. ૩૪૯માં જ મળે છે. સંત કબીરનાં પદોના ત્રણ સંગ્રહો છે. તેમાં એકનું નામ ‘બીજક’ છે. આ બીજકના એક ભાગને ‘રમૈની’ સંજ્ઞા આપવામાં આવી છે. આ ‘રમૈની’ તે જ ‘રમેણી’ ‘રમણી’ કે ‘રવેણી’. પાછળથી ગુજરાતમાં પણ ‘રમેણી’નો પ્રચાર થયો. ‘રમૈની’ શબ્દ ‘રામાયણી’ ઉપરથી આવ્યો જણાય છે. રામાયણી એટલે રામાયણ સંબંધી. અધ્યાત્મ-રામાયણમાં રામાયણ એટલે આત્મવિચાર. રામ તે આતમરામ કે બ્રહ્મ. અયન એટલે રસ્તો, માર્ગ. એ દૃષ્ટિએ આત્મપ્રાપ્તિનો કે બ્રહ્મપદ પામવાનો માર્ગ તે રામાયણ. અવ્યક્ત, અચિંત્ય, અવિકારી, વિભુ, અખંડ, અચલ અને સનાતન પરમાત્માને પ્રીછવા-પામવાની કલા તે અમૃતકલા. એ અમૃતકલાને ૨૭ કડીમાં અખાએ આલેખી છે. જેને ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માં ‘એકલક્ષ રમણી’નું શીર્ષક અપાયું છે તેમાં પણ ૨૭ કડીઓ છે. એમાંની પહેલી દસ કડી અખાની સાખીઓમાં ‘એકસાલ અંગ’ કે ‘એકલખી અંગ’ તરીકે મળે છે. જેનો એક જ કે સમાન સાર અથવા નિચોડ છે તે ‘એકસાલ.’ જેનું લક્ષ કે ઉદ્દેશ એક જ છે તે ‘એકલક્ષ’ અથવા ‘એકલખી.’ ‘રમેણી’નું અહીં ‘રમણી’ થયું છે તેથી રમણીનો અર્થ ‘સુરતા નારી’ કે ‘પતિવ્રતા’ કરવાની જરૂર જ રહેતી નથી. અખાની નજર ક્યાં ક્યાં ફરી વળે છે, બ્રહ્મની કે આત્માની એકતા પ્રતિપાદન કરવા માટે કેટલી વૈવિધ્યભરી સામગ્રી વક્તવ્યના વૈવિધ્ય સહિત એ પીરસી શકે છે, કેવા સહજભાવે અને અદ્‌ભુત લાઘવ દ્વારા એ આમ કરે છે, તે આ બે નાનકડી કૃતિઓ દ્વારા સ્પષ્ટ થાય છે. અમૃતકલા ‘રમેણી’ને મથાળે રાગ સામેરી લખ્યો છે, એ જ અહીં પણ અપેક્ષિત છે. આ કૃતિઓ ગેય હશે એમ લાગે છે. જેને મથાળે પણ રાગ સામેરી લખ્યો છે તે બીજી કૃતિ તે ‘બ્રહ્મલીલા.’ આરંભમાં એક ચોખરો અને પછી પાંચ કડી ‘છંદ’ની એ રીતે છ-છ કડીના આઠ વિભાગમાં આ કૃતિ વિભાજિત છે. એકબે હસ્તપ્રતમાં ‘ચોખરા’ને સ્થાને ‘કડવું’ અને ‘છંદ’ ને સ્થાને ‘ઊથલો’ શબ્દ મળે છે. પણ આ રચના કડવાબદ્ધ રચના કહી શકાય કે કેમ તે પ્રશ્ન છે. એક જ બ્રહ્મ પોતાની માયાશક્તિથી અનંત રૂપે વિલસ્યું તેની વેદાંતમત તેમ જ સાંખ્ય મત અનુસાર વિગતો આ રચનામાં છે. જીવની મિથ્યા ઉત્પત્તિ ચોથા વિભાગમાં અખાએ દર્શાવી છે. સાતમા વિભાગમાં હરિમિલન કાજે વીતરાગી બનેલા પ્રેમાતુર જીવને ગુરુકૃપાથી આત્મસ્વરૂપનું દર્શન લાધે છે તે સદૃષ્ટાંત વર્ણવ્યું છે. જે બડભાગી હરિજન આ બ્રહ્મલીલા ગાય તે અનાયાસે પોતાના હૃદયમાં હરિરૂપી હીરો પામશે એવી ફલશ્રુતિથી કૃતિ પૂરી થાય છે. અહીં લાઘવ છે, પણ સાથે દૃષ્ટાંત-યોજના અને શબ્દોની થોડી રમઝટ પણ છે. ‘સંતપ્રિયા’ દોહા, કવિત અને સવૈયામાં રચાયેલી અખાની સૌથી વધારે નોંધપાત્ર હિંદી રચના છે. મધ્યકાલીન હિંદી ભાષાના કવિ કેશવદાસે (વિ. સં. ૧૬૧૮-૧૬૮૦) ‘કવિપ્રિયા’ અને ‘રસિકપ્રિયા’ નામનાં કાવ્યો રચ્યાં હતાં. ‘કવિપ્રિયા’ કવિશિક્ષાનો ગ્રંથ છે, ‘રસિકપ્રિયા’માં રસવિવેચન છે. પહેલી કૃતિ કવિઓ માટે, બીજી કાવ્યરસિકો માટે. અખો ‘સંતપ્રિયા’ સંતો માટે રચે છે એટલે એમાં અધ્યાત્મ-નિરૂપણ છે. ‘અખાની વાણી’માં છપાયેલ ‘સંતપ્રિયા’માં ૧૦૭ કડી છે. છેલ્લો દોહરો છે :

સર્વાંગી પ્રકરણ કહ્યો, કવિત ચોરાસી ચોજ;
વીસ કહ્યા મધ્ય દોહરા, કોઈ જ્ઞાની દેખે ખોજ.

એટલે એટલા ભાગનું નામ ‘સર્વાંગી પ્રકરણ’ અપાયું હોય એમ લાગે છે. પણ મેં જોયેલી હસ્તપ્રતોમાં આ દોહો નથી. કૃતિમાં સળંગ ૧૩૯ કડી મળે છે. ‘અખાની વાણી’માંની કડી ૧૦૬ નીચે મુજબ છે :

“અવ કહું પરબ્રહ્મ પીવકા, વસ્તુ વિશ્વકા ભેવ;
રૂપ અરૂપી હોય રમે, જે જગત દુર્લભ દેવ.”

આનો અર્થ તો એ થાય છે કે અહીંથી કૃતિનો બીજો ભાગ શરૂ થાય છે. હસ્તપ્રતોમાં નામ નથી પણ એ ભાગને ‘અન્વય-વ્યતિરેક પ્રકરણ’ કહેવામાં આવ્યું છે. ‘અખાની વાણી’માં છપાયેલ ‘સંતપ્રિયા’માં ઠેર ઠેર ભૂલ જણાય છે. વડોદરાથી પ્રકાશિત ‘અક્ષયરસ’માં (સંપા. કુંવર ચંદ્ર પ્રકાશ સિંહ) આખી કૃતિ છપાઈ છે પણ તેમાં અક્ષમ્ય ભૂલોની હારમાળા છે. સદ્‌ગુરુને શરણે જઈ એની ભાવપૂર્વક સેવા કરી એના અધ્યાત્મ ઉપદેશને પચાવી બ્રહ્મજ્ઞાન મેળવવા માટે માણસે મનોનિગ્રહ કરી વાસના અને અહંકાર દૂર કરવાના છે, જગતના આંડબરી જીવનને તિલાંજલિ આપી સાચો વૈરાગ્ય ધારણ કરીને જ્ઞાનમાર્ગે આગળ વધી અંતર્‌દૃષ્ટિ કરતાં કરતાં જીવન્મુક્ત દશા પ્રાપ્ત કરવાની છે. જે સાચા સંત છે તે જ જ્ઞાનમાર્ગના અધિકારી હોવાથી તેમને માટેની આ રચનામાં અખો લખે છે :

“સંતપિયા સુખવર્ધની, જાકે હિરદે હેત;
અખા કરત આલોચના, તહાં ધર આપ ઉલાલા દેત.
સંતપ્રિયા સંતકુ રુચે, બડ આસે શિવરૂપ;
રૂપ અરૂપી જે નરા, અનુભે અકલ અનૂપ.” (૪-૫)

બ્રહ્મના પ્રત્યક્ષ અનુભવ વગર માણસ જે કાંઈ કરે છે તે બધું મિથ્યા છે. જીવનનું પરમ અને ચરમ ધ્યેય તે આત્મજ્ઞાનપ્રાપ્તિ. અખો કહે છે :

“રે મન! રામ હૃદે ન પેહેચાન્યો, કોન તું નીંદ સોયો રે ગુમાની?
ઓસકો નીર ત્યૂં તન ધન યૌવન, જ્યોં ધનમેં બીજુરી મુસકાની.
તાહીમેં મોતી તું પ્રાઈ લે પ્રાની, સેઈ લે સંત સદ્‌ગુરુ જ્ઞાની,
હંસકલા ગુરુ દેવે અખો કેહે, ન્યારા કરે દૂધ, રહે પાની કો પાની.”
“નિરાધાર રહે સબકો સો આધારા, આધાર રહે સોધુ હે જીયરા;
કૃત્રિમ વસ્તુ તેલ પુટ બાતી, બયાર તેં ડરપત હે દીયરા.
આતમ અર્ક જતન બિન ઝલકત, કોટિ સુધાકર-સું સીયરા;
કેહેત અખો સ્થિત્ય ભઈ તગનાં કી, જાંહાં બિરાજત હે ગિયરા.” ૧૦૮

આ ૧૦૮મી પંક્તિ પછી પરબ્રહ્મ હરિનું સ્વરૂપ-રહસ્ય તેમજ વિશ્વ-વસ્તુનો ભેદ દર્શાવી જે અરૂપી છે તે રૂપવાન થઈ કેવીક લીલા કરે છે તે કડી ૧૩૯ સુધી દર્શાવેલ છે. આ જ્ઞાન-વાણી કોણ સમજે?

“જ્ઞાનકો અલક્ષ લક્ષ, નાંહે સ્વામી નાંહી શિષ્ય;
જૈસે હી ન ચાહે પક્ષ, સિંધ બન કેસરી,
શૂર સત સીધ ઓજ, તાથે ધીરો નાંહી કોજ;
ના પીરે તાહી મનોજ, મૃગ કો નરેસ્વરી.
દેવ ના દેવી આરાધ, પિગલ ન વ્યાકર્ણ સાધ્ય;
અગમ ગાવે અગાધ, જાંહાં માયા નાંહી ઈશ્વરી,
નાંહી કો રીઝવે કાજ, જેસે વૃષા ધનગાજ;
જાને કોઈ જ્ઞાનરાજ, *[1]અખા કી કવેશ્વરી.” (૧૧૯)

મુદ્દાની વાત એ છે કે જે સાચો મુમુક્ષુ છે તેને જ સદ્‌ગુરુના સમાગમથી લાભ છે; બાકી દેખાદેખીએ જે ગુરુ પાસે જાય તે કશું પામી ન શકે. એટલે જે સાચા સંત છે તે આ કાવ્યનું હાર્દ પામી જ્ઞાનમસ્ત બની શકશે. બાકી ચકોરની દેખાદેખીમાં અગ્નિનો ભક્ષ કરવા જતી માખી જેમ જાન ગુમાવે છે તેવી સ્થિતિ ફલની આશાથી ગુરુને સેવવા જનારની થાય! આટલું કહ્યા પછી આ કાવ્યને ફલશ્રુતિની જરૂર ખરી? અહીં ફલશ્રુતિ નથી માટે કાવ્ય અપૂર્ણ છે એમ ગણવાનો કોઈ અર્થ નથી. આખું કાવ્ય શબ્દ અને અર્થ બંને દૃષ્ટિએ ચમત્કૃતિ-યુક્ત છે. અખા ભગતે કેટલાક કુંડળિયા રચ્યા છે. ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માં ૨૫ કુંડળિયા આપ્યા છે તેમાં ભાષા સાધુક્કડી હિન્દી છે પણ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, એ પાંચની ભાષા ગુજરાતી છે. મુક્તક સ્વરૂપના આ કુંડળિયામાં ઉપદેશનું તત્ત્વ આગળ પડતું છે, છતાં કાવ્યતત્ત્વનો અભાવ નથી. ‘અનુભવબિન્દુ’ના જેવી આંતર યમક તેમજ પ્રાસની યોજના અહીં તત્કાળ ધ્યાન ખેંચે તેમ છે. અખાએ વધુ કુંડળિયા રચ્યા હોવાની શક્યતા છે. કેમકે શ્રી ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રત નં. ૨૬૭માં ત્રણ વધારાના કુંડળિયા મળે છે, પણ ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માંના નં. ૯, ૧૮, ૧૯, ૨૪ અને ૨૫ તેમાં નથી. જેને ‘ઝૂલણું-પંજાબી-તરીકે ઓળખાવવામાં આવેલ છે એવા મુક્તક સ્વરૂપની અને છતાં સળંગસૂત્ર કહી શકાય એવી ૧૦૯ કડી ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માં મળે છે. એમાં ફારસી-અરબી-ઉર્દૂ શબ્દોની ભરમાર છે. વળી અખામાં અન્યત્ર મળતાં દૃષ્ટાન્તો પણ મોટા પ્રમાણમાં આ રચનામાં મળે છે એટલે એના કર્તૃત્વ અંગે શંકા થાય એવું નથી.

“શરીઅત કી હેડ હૈ હીરોં કી, આવ હવા હીરસકા પાંઉ પડા;
ના મન છૂટે, ના માલ ફાવે, જ્યૂં કીચ મીને ગાડા જ અડ્યા.
હકીકતકા હાંસિલ જો હોવે, તો કછુ જીવડા પાર પાવે;
નહીં તો સૂડલા જ્યૂં નલી જ કેરા, બિન બાંધ્યા ભી બંધાવે.” ૧૨
“ગેબ દરિયાવ કે સબ પંપોટે, ફાટે આર ફિરફિર હોવે;
આપ કારીગર અપણા જી, આપોઆપ સમાર કર આપ જોવે.
આબ, આતશ, ખાક, વાયુ તું હી, ભેસ ફેર કર તું હી આયા;
છંદડે કર કર છુપ જાતા થા, અબ અખા ન જાયે વાહ્યા.” ૪૬
“ના સૂરમેં ઘટ બઢ હોતા, કે હોતી નૂરમેં જ કમી.
જવ ઘટે ના તિલ બઢે, ઉમનગને અસ્માન જમીં.
આપ બેહિશ્ત, દોઝખ દૂજે, યે ખતરા સો મનકા હૈ;
ક્યા મુસલમાન, ક્યા હિન્દુ, અખા વિચારે તિસકા હૈ.” ૧૦૫

સંતોની આવી ગેબી વાણી અનુભવે જ સમજાય, પણ એમાં રહેલ સાત્ત્વિક જેમ ચિત્ત પર ઘેરી ચોટ જરૂર મૂકી જાય. મુસ્લિમ સંતોની વાણીની અસર આ કાવ્યમાં જોઈ શકાય. ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માં જેને “ગુજરાતનાં દેશી ગીતોનો એક વિશિષ્ટ પ્રકાર” તરીકે ડૉ. ર. ધ. પાઠક ગણાવે છે તેવાં ૩૯ પદ સંગ્રહાયાં છે. ગોપીભાવે કે સ્ત્રીભાવે અખાએ આવાં જે કેટલાંક પદો રચ્યાં છે તેને એ પ્રકારનાં ગુજરાતી પદો સાથે મૂકી શકાય. બાકી હિન્દી સાહિત્યમાં પ્રચલિત જકડી સાથે એને કશો સંબંધ જણાતો નથી. જેમાં ગોપીભાવ નથી એવી જકડીઓ પણ છે જ. દામ્યત્યના પ્રતીક દ્વારા પણ અખાએ બ્રહ્માત્મૈક્યના આનંદને જ ગાયો છે એ સ્પષ્ટ છે.

“મેરા નેન સલૂણા સાથી રે! મેરા મલપતા મદગલ હાથી રે!
પિયુ! પલું પલ તુજ પર વારી રે, તેરી બાત મુજકો પ્યારી રે;
હું તેરી યે મનુહારી રે, મેરા નેન સલૂણા સાથી રે. ૧
જિનકો પિયુ તું રાવે રે, સો ક્યા ક્યા સાંવન પાવે રે!
જ્યાં તું સન્મુખ હો આવે રે, મેરા નેન સલૂણા સાથી રે. ૨
હું તો નાંહી, તું હી સાંઈ રે, મેં તો તેરી ઉછાંહી રે;
એ દૂઈ ખેલન તાંઈ રે, મેરા નેન સલૂણા સાથી રે. ૩
સુણો લટકણજી! મીતા રે, મુજ બિના તું રીતા રે;
બાજી અખા કોણ જીત્યા રે, મેરા નેન સલૂણા સાથી રે.” ૪

“લાજૂ લાજ ન રહીએ મોરી સજની, ગઈ લાજ બોહોર ન આવે;
માહારું કહ્યું તું માન માનુની, એ તાહારે મન ભાવે. ૧
આઠે પોહોર રહે ઘૂંઘટમાં, મનમેં જાણે હું જાગી;
તેરો જાગણો નીંદ સરીખડો, જેને સાચે સંગ ન લાગી. ૨
ગલે બાંહેડલીનો મર્મ ન જાણે, બાહેર ફરે બુધ્યહીણી;
તેરી ચતુરાઈ મૂરખ હોય નીમડી, જો વાત ન સમઝી ઝીણી. ૩
સરખી સૈયરોમેં હરતી ને ફરતી, લાભ લીધા વિના લૂખી;
આછો અંગ દિખાયો લોકનમેં, ભોગ સમે રહી ભૂખી. ૪
લટકાળા લાલસુ લાહો ન લીધો, ગાયો નહીં જસ ન્યારો;
ભલે ભૂલી તું ભોળી ભામિની, કહેત અખો સોનારો.” ૫

નં. ૨ ને નં. ૧ સાથે સરખાવતાં સ્પષ્ટ ભેદ જણાય છે. નં. ૨ જકડી નથી, પદ છે; છતાં એવાં કેટલાંક પદ પણ જકડી વિભાગમાં ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’માં મળે છે. ‘અ. અ.’ માં નં. ૨ની માત્ર ત્રણ જ કડી છે—કડી ૧, ૪, ૫; અને પાઠભેદ પણ ઝાઝા છે. ‘અખો એક અધ્યયન’માં પણ પાઠભેદ સાથે પૃ. ૩૦૯-૧૦ ઉપર આ પદ આપેલું છે. ભાષાદૃષ્ટિએ પણ ત્રણે વાચનામાં નોંધપાત્ર ભેદ છે. આ કહેવાતી. જકડીઓને હિન્દી પદોના વિભાગમાં જ સમાવી દેવી જોઈએ. અખાનાં હિન્દી પદોને મથાળે ભિન્ન ભિન્ન રાગ-રાગણીનાં નામ મળે છે એટલે શાસ્ત્રીય સંગીતની મદદથી આવાં જ્ઞાનભક્તિનાં પદોની બંદીશ થઈ હોય તો અખાનું સંગીતનું જ્ઞાન સારું હતું એમ ગણવું પડે. નીચેનું પદ અખાનો યોગમાર્ગનો પરિચય દાખવે છે :

“જાગો જાગો રે મોટા મુનિવરા, સહજે સદ્‌ગુરુ પાયા જી;
રેરંકારની ધૂનમાં, મનવા તામેં મિલાયા જી. ૧
નાભિકમલ પર નેજાં ફરફરે, ઊઠે શબ્દ સવાયા જી;
તહાં અવિનાશીકા ધામ હૈ, હંસે વાસ વસાયા જી. ૨
ઈંગલા, પિગલા, સુષમણા, ત્રિવેણી રસ લાયા જી;
વંકનાલ ઊલટી વહે, દશમે દ્વાર સમાયા જી. ૩
સૂન પંથી, સૂન આકાશ હૈ, સૂન સંતકી છાયા જી;
તન તૂટ્યે મન કહાં ગયા? નિજ કહાં રે સમાયા જી. ૪
ગગન મંડલ કો મૈં ક્યા કરું? ક્યા કરું સૂન સવાયા જી;
કથા રે કરું એ હંસકો? એક દિન સબ પ્રલાયા જી. ૫
અવિનાશી વણસે નહીં, વણસે સોહી માયા જી;
કહે રે અખોજી અગ્રાહ્ય છે, આતમ વિરલે પાયા જી.” ૬

અખાએ ફાગ લખ્યા છે તેમાં પણ આધ્યાત્મિક ઝોક છે. ઉ. ત.

રાગ કાફી
“આયો હે ફાલ્ગુન માસ, ખેલો ખેલ આતમ આપમેં હો. ટેક
નાંહીં દૂર્યો આતમ કે આગે, મત ભટકો વનકુંજ;
જાકું શ્રુતિ ગાવે સત સેના, દેખ સકો તેજપુંજ.
રત આઈ, દ્રુમ મહોરે, મધુકર કરત ગુંજારવ આય;
રૂપ બિના રૂપ આપે જ્યૂં પ્રગટ્યો, તો કૈસે અન્ય ધ્યાય?
જાકું રૂપ રંગ ન રેખા, સો તું જાણ અકાલ;
નિર્ગુન સો ગુનરૂપ ભયો હે, લોક સકલ લોકપાલ.
પંચ પંચ કી પક્ષ મેં દેખી, આપ ઉપાવનહાર;
અભ્ર આકાશ ઉત્પત્ય લય પાવે, આપમેં આપ બિસ્તાર.
મન સો મન નહીં, ચિત્ત સો ચિત્ત નહીં, નહીં બુધ્ય, નહીં અહંકાર;
પંચ સો પંચ નહીં હૈ આપેં, દેખો તુમ સોચ બિચાર.
નાંહી વિષય પંચભૂત ન ઇંદ્રી, હૈ હરિ આપેં આપ;
સુરત ચલી આણો ઉર અંતર, તબ તે રહે અમાપ.
કોટિ પંચાસ ફરે જીવબુદ્ધિ, રટે કલ્પકી કોટ;
ગગન પાતાલ ભટકે ભૂલે, આતમ હૈ આપ ઓટ.
અંધધંધ આતમ બિન જાનો, દેખી ગાઓ ધૂંઆર;
બારો માસ બસંત અખો કહે, આપમેં આપકો પાર.”
(શ્રી ફાર્બસ ગુ. સભા, હ. પ્ર. ૩૩૧)

આ ધૂ આર તે ધમાર, હોળીમાં ગવાતાં ગીત. હ. પ્ર. ૩૩૧ આવાં બીજા પણ બે પદ આપે છે. ‘અખાની વાણી’માં ૨૧ હિંદી પદો છે. અન્ય હસ્તપ્રતોમાં પણ વધારાનાં કેટલાંક પદ મળે છે. ‘અખેગીતા’માં ૪ હિંદી પદ છે. બધું મળી ૧૦૦ ઉપરાંતનાં આ હિન્દી પદોમાં વિષયવૈવિધ્ય તો છે પણ ભાષાશૈલીની દૃષ્ટિએ પણ ગુજરાતી પદો, સાથે એ સરખાવવા જેવાં છે. અખાનાં પદોનો સ્વતંત્ર સંગ્રહ બહાર પડે તો પદકાર તરીકે અખાની શક્તિનું મૂલ્ય આંકી શકાય. અને હવે લઈએ અખાની સાખીઓ. સાખીઓ પણ આમ તો મુક્તક સ્વરૂપની જ રચના છે. છે તો એ દોહા જ પણ સંતપ્રણાલીને અનુસરી તેમને ‘સાખી’ નામ અપાયું છે. કબીરજીએ જ્ઞાન-વૈરાગ્ય સંબંધી જે સાખીઓ લખી છે તેની અસર હેઠળ અખાએ પણ આ કાવ્યપ્રકાર સફળતાપૂર્વક ખેડ્યો ગણાય. સદ્‌ભાગ્યે ‘શ્રી અખાજીની સાખીઓ’ના નામથી કેશવલાલ ઠક્કરે વર્ષો પહેલાં એક સંપાદન કર્યું હતું. આજે એ પુસ્તક દુર્લભ બન્યું છે. એ પુસ્તકમાં ૧૦૧ અંગોમાં વિભાજિત ૧૭૨૬ સાખીઓ છે. તેમાં પંદરસોની આસપાસ હિંદી અને બસો ઉપરાંત ગુજરાતી સાખીઓ છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રત ૩૪૦માં કેટલાંક વધારાનાં અંગો હોઈ આ સાખીઓની સંખ્યા ૧૮૦૦ ઉપરાંત થવા જાય છે. છપ્પાની માફક સાખીઓ અંગોમાં વિભાજિત છે અને બંનેમાં કેટલાંક અંગોનાં નામ એક સરખાં છે. દા.ત. ગુરુ અંગ, માયા અંગ, સૂઝ અંગ, વિભ્રમ અંગ, જ્ઞાનદગ્ધ અંગ, વિચાર અંગ. આ સાખીઓનું મહત્ત્વ છપ્પા કરતાં લેશમાત્ર ઓછું નથી. અખાના જીવન ઉપર પ્રકાશ પાડતી કેટલીક પંક્તિઓ આ સાખીઓમાં છે. એમાંની ઘણી આગળ આપી છે. ગુરુ અંગેનાં અખાનાં મંતવ્યો વિચાર્યાં ત્યાં પણ અવતરણો આપ્યાં છે. દૃષ્ટાન્તોની ભરમાર સાખીઓમાં છપ્પા કરતાં ઘણી વધારે છે અને તેથી અખાના સમકાલીન જીવન-વ્યવહારની વધુ વિગતો સાખીઓમાં સાંપડે છે. સાખીઓનો અભ્યાસ એક મહાનિબંધની સામગ્રી પૂરી પાડે એટલે માતબર બની શકે એમ છે. તુક ચોજ ને ઝડઝમકની અહીં ખોટ નથી. આછા લસરકામાં એક આખું શબ્દચિત્ર ખડું કરી અખો તેને પોતાના મુદ્દાને અનુરૂપ બને એવી રીતે ઘટાવી શકે છે. દા. ત.

“જ્યૂં કાચમંદિરમેં કૂકરો, ભસી મર્યો સિર ફાડ;
ભિન્ન ભિન્ન દેખ્યા શ્વાન સબ, પ્રતિબિં’બ વિના વિચાર.” કુબુદ્ધિ અંગ, ૧૦
“બાજીમાં બહુ ઊપજે, બહુ રહે, બહુ જાય;
ઘટમાલા જ્યમ કૂપની, ભરે, ફરે, ઠલવાય.” સહજ સિદ્ધ અંગ ૨
“ભોલા ભક્ત એસા અખા, જેસા કાલા પૂત;
વચન બોલે તોતડે, તબ પ્યારા અદભૂત.
પિતા લગાવે કંઠ તબ, મુખ ચુંબત તોતરાઈ;
ચારુ વચન બોલત ભયા, તબતેં કંઠ ન લાઈ.” ભોલી ભક્તિ અંગ ૩-૪
“જ્યમ ભિક્ષુક ભિક્ષા કરે એકઠી, કહીં અળગો બેસી ખાય;
અન્નની ગંધે શ્વાન ત્યાં, પૂંછ હલાવતો જાય.” આશા અંગ, ૧૨

આશા-તૃષ્ણાથી પીડિત મનુષ્યોની ચેષ્ટાઓનું વર્ણન જોવા જેવું છે.

“દેવ આગળ દુઃખ દાખવે, પહોર એકાન્તે જાય;
ડસકાં ભરતો દુઃખ કહે, ન બોલે ન પ્રાપત થાય.
દહેરા પાછળ ભીંતને, ભરતો દીસે બાથ;
ધૂળ ચાટે ચેહેલો ચોપડે, મોંમાં ઘાલે હાથ.
એમ આશા વગુવે વિશ્વને, નર, સુર, ચૌદે લોક;
જ્યમ દડો દોટાવે નર અખા, ક્ષણક્ષણે હર્ષ શોક.
વેષ પહેરી વારુ વિધે, ઘેર ઘેર વંદવા જાય;
આશા કંઠે ગાળો કરી, કપિની પેરે નચાય.
કરમાં વાંકી કોથળી, કરતો દીસે જાપ;
અંતર આરાધન પ્રેતનું, “સ્વામી! મુને સિદ્ધિ આપ.”
આશાઅંગ ૧૫-૧૯

પશુ-પક્ષીની વિશાળ સૃષ્ટિમાંથી અખો સહજભાવે દૃષ્ટાન્તો શોધી કાઢે છે. ઉ.ત.

“ના હોવે નરકા કિયા, સબ નારાયણકા જાણ;
શુક સારિકા પઢતે સુને, કબ બગકું ઊપજી વાણ?” સહેજ અંગ ૧, ૩
“આતમ અનુભવ બિન અખા, ધીરજ નોહે નિભાવ;
જદ્યપિ બૂઢા બંદરા, ટરે ન ચપલ સુભાવ.” આત્મા અંગ, ૩૩
“કુમતિ અખા સમઝે નહીં; સુણતે ચિત્ત ન સુહાય;
જ્યૂં અજગરને ગળ્યા વરુચકુ, સો ઉંદર ફોડકે જાય.” કુમતિ અંગ, ૧
“જ્ઞાન કથે ચિત્ત ના ઘટે, તો તત્ત્વભોગ ન લાય;
જ્યૂં ચાતક ગંગા તીરકા, તૃષા કબહી ન બુઝાય.” નેષ્ટજ્ઞાની અંગ ૩

અખાને માપવા માટે પણ કેવળ બુદ્ધિ કે કેવળ ઊર્મિનો ગજ ટૂંકો પડે એવી સ્થિતિ છે. અખાના વિપુલ કાવ્યભંડારમાંથી ઝાઝાં રત્ન મળે તેમ છે. ભિન્ન ભિન્ન રુચિ ધરાવનારાને પણ પોતાની રુચિને અનુકૂળ કાંઈક ને કાંઈક મળ્યાં કરે એટલી માતબર સમૃદ્ધિ અખાની વાણીમાં સંગ્રહાઈ છે એનો આછો ખ્યાલ વાચકને આવી શકે એટલા ખાતર વિવેચનને બાજુએ રાખી છૂટથી અવતરણો આપ્યાં છે. અખાને અંગે જે મંતવ્યો વિદ્વાનોએ રજૂ કર્યાં છે તેમાંનાં કેટલાંક હવે જોઈ લઈએ.


  1. * ‘અખા કી કવેશ્વરી’ એવો પણ પાઠ છે. ‘કો જ્ઞાનરાજ કે કો કવીશ્વર જ આ વાત જાણે સમજે છે’ એવો અર્થ કરવો પડે.