અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ચૌદ – ખેડા સત્યાગ્રહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચૌદ – ખેડા સત્યાગ્રહ

ગાંધીજીની સંનિધિમાં આવ્યા પછી થોડા જ દિવસોમાં મહાદેવભાઈએ જોઈ લીધું કે ગાંધીજી પોતે કોઈ સત્યાગ્રહના પ્રસંગો દીવો લઈને શોધવા જતા નથી, સત્યાગ્રહના અવસરો જ ગાંધીજીનું બારણું ઠોકતા આવે છે. ચંપારણના સત્યાગ્રહમાં અન્યાયના પ્રતિકારના કાર્યક્રમ સુધી જવું જ નહોતું પડ્યું, અન્યાયની તપાસ અને તેની નોંધણીએ જ સત્યાગ્રહની ગરજ સારી હતી. મહાદેવભાઈ ચંપારણ પહોંચ્યા ત્યારે તો તપાસસમિતિનો અહેવાલ પણ બહાર પડી ચૂક્યો હતો. ‘તીન કઠિયા’ વ્યવસ્થાને નાબૂદ કરતો કાયદો થાય તે બરાબર થાય છે કે નહીં, તેની ઉપર નિગરાણી રાખવાનું કામ અને અત્યંત દારિદ્રય હેઠળ પીડાતી જનતાની સેવા કરવાનું રચનાકાર્ય જ બાકી હતું.

સાબરમતીના સત્યાગ્રહ આશ્રમમાં રાષ્ટ્રીય શાળા શરૂ થઈ ચૂકી હતી. નરહરિભાઈનું તેમાં આગવું સ્થાન હતું, પણ મહાદેવની પસંદગી પહેલેથી જ ગાંધીજીએ પોતાના અંગત મંત્રી તરીકે કરી હતી, એટલે એમને તો ગાંધીજી જ્યાં જાય ત્યાં જવાનો અને ગાંધીજી જે કોઈ નવી પ્રવૃત્તિ ઉપાડે તેમાં ભળવાનો જ કાર્યક્રમ હતો. એ મુજબ મહાદેવે મિલમજૂરોની લડતમાં આગળ પડતો ભાગ લીધો હતો.

લગભગ એ જ સમયે, બલ્કે એનાથી થોડાં અઠવાડિયાં પહેલાં ખેડા જિલ્લાના ખેડૂતોનો એક સત્યાગ્રહ મંડાયો હતો. તેમાં પણ ગાંધીજીનું માર્ગદર્શન અનિવાર્ય હતું. સાબરમતી આશ્રમમાં રહીને અમદાવાદ-નડિયાદ બંને ઠેકાણે ધ્યાન રાખવું મુશ્કેલ નહોતું.

મહાદેવભાઈની પ્રવૃત્તિઓ સમજવા ગાંધીજીની પ્રવૃત્તિ સમજવી અનિવાર્ય છે અને ગાંધીજીની પ્રવૃત્તિઓને સમજવા દેશનો તે કાળનો ઇતિહાસ સમજવો અનિવાર્ય થઈ પડે એમ છે. ખેડા સત્યાગ્રહ શરૂ થયો ત્યારે મહાદેવભાઈ ચંપારણમાં હતા. વચ્ચે તેઓ સાબરમતી આવ્યા હતા અને પાછળથી ગાંધીજી સાથે ખેડામાં જોડાયા હતા. તે છતાં ત્યાં સુધીમાં ગાંધીજીની કોઈ પ્રવૃત્તિ એવી નહોતી રહી કે જેમાં તેમણે માનસિક રીતે મહાદેવભાઈને ન ભેળવ્યા હોય. તેથી આપણે ખૂબ સંક્ષેપમાં ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ જોઈ લઈએ.

મહાદેવભાઈ જ્યારે ચંપારણમાં રચનાત્મક કામનો પ્રથમ અનુભવ લઈ રહ્યા હતા ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કઠલાલ ગામે શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખ સ્થાનિક ખેડૂતોનાં દુ:ખની કહાણી સુણાવવા જિલ્લામાં અને ઠેઠ મુંબઈ સુધી દોડાદોડી કરી રહ્યા હતા. ખેડૂતોનાં દુ:ખનું મૂળ કારણ એ હતું કે ૧૯૧૭ની સાલના ચોમાસામાં અતિવૃષ્ટિને લીધે જિલ્લાના મોટા ભાગમાં પાક નિષ્ફળ ગયો હતો. સામાન્ય રીતે જિલ્લામાં દર વરસે સરેરાશ ત્રીસ ઇંચ વરસાદ પડે છે તેને બદલે તે વરસે આશરે સિત્તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વળી એ વરસાદ દશેરા પછી પણ ચાલુ રહ્યો હતો તેથી ખેડૂતોને એક પાક નિષ્ફળ જતાં બીજે પાક વાવવાનો મોકો મળ્યો નહોતો. ચોમાસુ પાક કોહવાઈ ગયો હતો, એટલું જ નહીં પણ જ્યાં ક્યાંય પણ રવીપાક થયો હતો ત્યાં ઉંદરોનો પ્રકોપ વધી પડ્યો હતો. ઉંદરોએ પાકનો નાશ કર્યો હતો. આમ ખેડૂતોની તે સાલ દુર્દશા થઈ હતી. સરકારી કાયદા મુજબ જે સાલ છ આનીથી ઓછો પાક થાય તે સાલ અર્ધું જમીનમહેસૂલ મોકૂફ રાખવામાં આવે, પાક જો ચાર આની કે તેનાથી ઓછો હોય તો મહેસૂલ તે સાલ મોકૂફ રાખવામાં આવે અને લાગલાગટ બીજે વર્ષે પણ પાક નિષ્ફળ જાય તો આગલે વર્ષ મોકૂફ રાખેલ મહેસૂલનાં નાણાં માફ કરવામાં આવે. જિલ્લાના ઘણા ખેડૂતોને આ નિયમની જાણ નહોતી. કેટલાકની સમજ એવી હતી કે અનાવૃષ્ટિથી પાક નિષ્ફળ જાય તો જ આવી રાહત મળે. ખેડૂતોની માહિતીના આ અભાવને જોઈ સરકારના લોકો તેમને સાચી માહિતી અને રાહત આપવાને બદલે અજાગ્રત ખેડૂતો પાસે મહેસૂલ વસૂલ કરવા લાગ્યા. કઠલાલના એક આગેવાન શ્રી મોહનલાલ પંડ્યાએ જ્યારે આ સ્થિતિ જોઈ અને જમીનમહેસૂલ ઉઘરાવવા સારુ તલાટીઓ વગેરેની ગાળાગાળી અને જોરજુલમની વાતો સાંભળી ત્યારે તેમણે લોકોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી, અને શ્રી શંકરલાલ પરીખને ગુજરાત તરફથી ચૂંટાયેલા મુંબઈની ધારાસભાના સભ્યો ના. વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકુળદાસ પારેખને ખેડા જિલ્લામાં આવી જાતતપાસ કરી ખેડૂતોની સાચી સ્થિતિની જાણ મેળવવા આમંત્રણ આપવા મોકલ્યા.

ખેડૂતોની કફોડી સ્થિતિનું વર્ણન કરીને જમીનમહેસૂલ મુલતવી રાખવા સારુ એક અરજી ઘડવામાં આવી, જે જિલ્લાના બીજા આગેવાનોને પણ ગમી. તેથી તેમણે જિલ્લાનાં બીજાં ગામોમાંથી પણ ખેડૂતોની સહીઓ એ અરજી પર લેવાનો નિર્ણય કર્યો. કઠલાલની હોમરૂલ લીગની મારફત ૪,૦૦૦ અને નડિયાદની હોમરૂલ લીગ મારફત બીજાં ગામોના ૧૮,૦૦૦ ખેડૂતોની સહીઓવાળી અરજી મુંબઈ સરકાર પર રવાના કરવામાં આવી. આ અરજીની નકલ મુંબઈ પ્રાંતના રેવન્યુ મેમ્બર, ગાંધીજી, ના. વિઠ્ઠલભાઈ પટેલ તથા ના. ગોકુળદાસ પારેખ તથા ગુજરાત સભાના મંત્રીઓ પર મોકલવામાં આવી. ૨૫–૧૧–’૧૮ને રોજ નડિયાદમાં શ્રી ગોપાળદાસ બિહારીદાસ દેસાઈના પ્રમુખપણા હેઠળ એક સભા થઈ, તેમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકુળદાસ પારેખને આ સવાલ ઉપાડીને ખેડૂતોને રાહત અપાવવા વિનંતી કરવામાં આવી.

ગાંધીજીએ ચંપારણથી આ બાબત સલાહ આપી કે:

‘જે જે સભાઓ ભરાય તેમાં મર્યાદાનો ત્યાગ ન થાય, વાતો વિવેકપૂર્વક થાય, તેમ જ સહજ પણ અતિશયોક્તિ ન થાય, — એ તમારાથી જળવાય તેટલે દરજ્જે જાળવજો.’૧

ધારાસભાના બંને સભ્યોએ ૧૨મી ડિસેમ્બરે નડિયાદ પહોંચી કલેક્ટરને મળતા પહેલાં નડિયાદ, કપડવંજ અને ઠાસરા તાલુકાનાં વીસ ગામોની મુલાકાત લઈ લોકોની હાડમારી નજરે જોઈ તથા સેંકડો ખેડૂતોના લેખી પુરાવા લીધા.

ખેડૂતોની અરજીની એક નકલ ગુજરાત સભાને મોકલવામાં આવી હતી અને એમના પ્રતિનિધિઓ પણ ના. પટેલ — પારેખની તપાસમાં સામેલ થાય એવી સભાને વિનંતી કરવામાં આવી હતી. સભાના મંત્રી શ્રી ગણેશ વાસુદેવ માવળંકર તથા બીજા કેટલાક સભ્યો ધારાસભ્યો જોડે ફર્યા. ગુજરાત સભાના પ્રમુખ ગાંધીજી હતા, જેઓ તે વખતે ચંપારણ હતા.

બંને ધારાસભ્યોએ કલેક્ટરની મુલાકાત લીધી. ત્યાર બાદ એક જાહેરાત કરવામાં આવી જેમાં નડિયાદ, મહેમદાવાદ અને કપડવંજ તાલુકાનાં ૧૦૪ ગામોમાં ૧૪,૭૫,૮૬૮ની રકમ મોકૂફ રાખવાનું જાહેર થયું, જે જિલ્લાના મહેસૂલની રકમના માત્ર ૭.૪ ટકા જેટલું જ થતું હતું. આવી નજીવી રાહતના હુકમની પણ તે વખતે લોકોને કશી ખબર આપવામાં આવી નહોતી.

લોકો દ્વારા કાંઈક ચળવળ થાય ત્યારે, એ જમાનામાં, કેટલાક સરકારી અમલદારોને એ ચળવળ દાબી દેવાના નિમિત્તે લોકો ઉપર જુલમ ગુજારવાનું શૂર ચડતું. બ્રિટિશ અમલ દરમિયાન આવા અમલદારોની કદર પણ થતી. તલાટીઓના જુલમની વાતો સાંભળી કઠલાલની હોમરૂલ લીગના સભ્યોએ એની તપાસ કરાવી. દૈયપ ગામના એક મુસલમાન ખેડૂતે તેમને કહ્યું કે, ‘ગામોમાં કાળો કેર વર્તી રહ્યો છે. બે દિવસથી લોકોને ત્યાં રાંધ્યાં ધાન રઝળ્યાં છે. તલાટી મા-બહેન સિવાય વાત કરતો નથી. બૈરાંની હાજરીમાં નઠારી ગાળોનો વરસાદ વરસાવે છે. ઘર વેચો, ઘરેણાં વેચો, જમીન વેચો, ઢોર વેચો, છેવટે બૈરી-છોકરાં વેચો પણ સરકારના પૈસા ભરો, એમ ધમકાવે છે.’૨ બારશીદાના એક ગરીબ મુસલમાન પાસે તો મહેસૂલ ભરવાના પૈસા નહોતા તેથી તેણે પોતાની. કિશોર વયની દીકરીને પરણાવીને જમાઈ પાસે પંદર રૂપિયા ઉછીના લીધા. આ જ વખતે અમલદારો સખતાઈ કરીને યુદ્ધ સારુ ફાળો પણ ઉઘરાવતા હતા. આ હકીકતો ગાંધીજીને પત્ર દ્વારા જણાવતાં તેમણે લખ્યું, ‘તલાટીના જુલમ બાબત તમે ન ભૂલશો. અને ભાઈ માવળંકરને ભૂલવા ન દેશો. સરકારી અમલદારોની વર્તણૂકનો હેવાલ બહાર પાડવો આવશ્યક છે. …’

ગાંધીજીના પત્રોને સારે અક્ષરે લખી આપીને અથવા એની નકલ કરી પોતાની ડાયરીઓમાં જાળવી રાખી આ સમયે મહાદેવભાઈ જે ખજાનો ભેગો કરી રહ્યા હતા તેની કિંમત તો એમના અવસાન પછી પચાસ વર્ષે પણ જગત આજે જોઈને સમજે છે. પણ તે વખતે ખુદ મહાદેવભાઈને સારુ આ નોંધ કરવી એ માત્ર ઇતિહાસ સારુ સામગ્રી એકઠી કરી રાખવા પૂરતા જ કામની નહોતી. આ નોંધો આગલે મહિને જ ગાંધીજી સાથે જોડાયેલા મહાદેવભાઈ સારુ ગાંધીજીના માનસ, એમના વ્યક્તિત્વ અને એમના દર્શનને પચાવવા અને અપનાવવાની સામગ્રી થઈ ગઈ હતી.

ગાંધીજી તે ટાણે અંગ્રેજ સરકારના વફાદાર પ્રજાજન હતા. આફ્રિકામાં તેઓ ત્યાંની સરકાર સામે એક મોટા સત્યાગ્રહનો જંગ ખેલ્યા હતા ખરા, પણ તેની પાછળ પણ બ્રિટિશ રાજ્ય અન્યાયી વ્યવહાર કરી શકે નહીં એવી શ્રદ્ધા કામ કરતી હતી. વળી ગાંધીજી એ બાબત પણ સભાન હતા કે અંગ્રેજ સરકાર આ વખતે મહાયુદ્ધમાં સપડાયેલી હતી. ગાંધીજીની આ અંગે પણ તેની જોડે સહાનુભૂતિ હતી, છતાં તેઓ દુનિયાને કોઈ ખૂણે અન્યાયને સહન કરી લેવા તૈયાર નહોતા. તેમાંયે એ અન્યાય એમને જે વ્યવસ્થા વિશે વફાદારીની લાગણી હોય એના દ્વારા થતો જણાય તો એ અન્યાય પ્રત્યે લાગતાવળગતાનું ધ્યાન ખેંચવું એને તેઓ પોતાનો ધર્મ માનતા. અન્યાય ન સહન કરવાની તેમની વૃત્તિ આટલા વખતમાં જ તેમને કેટકેટલાં ક્ષેત્રમાં જંગે ચડાવી ચૂકી હતી! એમના જ શબ્દોમાં:

હું કહેતો આવ્યો છું કે સત્યાગ્રહ એકલો સરકારની સામે નથી થઈ શકતો. સત્યાગ્રહ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ વસ્તુની સામે થઈ શકે છે. આના દાખલા આપણે આજે જોઈ રહ્યા છીએ. ખેડામાં સરકારની સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે. અમદાવાદમાં ધનિકોની સામે…, અંત્યજોના પ્રશ્નમાં શાસ્ત્રની સામે સત્યાગ્રહ ચાલી રહ્યો છે.૩

મહાદેવ એ નિહાળીને કૌતુક કરી રહ્યા હતા કે અહીં તો એક જ સરકાર સાથે એક બાબતમાં સહકાર અને બીજી બાબતમાં સત્યાગ્રહનો પ્રયોગ ચાલી રહ્યો હતો.

પણ આપણે ખેડા સત્યાગ્રહના સંક્ષિપ્ત ઇતિહાસનો દોર ફરી પકડીએ.

પ્રજાના નેતાઓએ જિલ્લાના લોકોને ખેડૂતો પર ગુજારવામાં આવતા જુલમો અંગે વાકેફ કરવા સારુ પત્રિકાઓ કાઢવા માંડી તો સરકારે પોતાના અમલદારોને મહેસૂલ-ઉઘરાણી બાબત વધુ કડક બનવાની પ્રેરણા આપતા પરિપત્રો કાઢવા માંડ્યા. એમાં એક સર્ક્યુલરમાં મામલતદારસાહેબે તલાટીઓને જણાવ્યું કે ગામડે ગામડે અને મુવાડામાં સાદ પડાવીને જાહેર કરવું કે મહેસૂલ નહીં ભરવામાં આવે તો સખતાઈના ઇલાજો લેવામાં આવશે; પોલીસપટેલ કે મતાદારો સરકારધારો ન ભરે તો તેઓ એક અઠવાડિયામાં નોકરીમાંથી બરતરફ થઈ શકે; જો કોઈ મહેસૂલ ન ભરવાની શિખામણ આપતું હોય તો તેના નામની નોંધ રાખીને એનું પોતાનું મહેસૂલ બાકી હોય તો ચોથાઈ દંડ સાથે વસૂલ કરવા તાકીદે પત્રક ભરી મોકલવું: જે આગેવાનો પાક થયો હોવા છતાં મહેસૂલ ભરતા નહીં હોય તેમની જંગમ મિલકત જપ્ત કરવા હુકમ મગાવવામાં મોડું કરવું નહીં.

૧૯૧૮ના જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારે ખેડા જિલ્લાના આગેવાનોએ અને ગુજરાત સભાના સભ્યોએ તેમની જોડે ખેડાની પરિસ્થિતિ વિશે વિગતવાર વાત કરી. ગાંધીજીએ એવો આગ્રહ રાખ્યો કે ગુજરાત સભામાં જો આ બાબતે સર્વાનુમતિ સધાતી હોય તો જ તેણે આ બાબતમાં પડવું. વલ્લભભાઈ પટેલને ઘેર અનેક દિવસોની ચર્ચાને અંતે કારોબારીના સર્વ સભ્યો ખેડાના ખેડૂતોને મહેસૂલ ન ભરવાની સલાહ આપવા બાબત સહમત થયા. માત્ર એક સભ્ય શ્રી મગનલાલ ચતુરભાઈ પટેલ આ બાબત સહમત નહોતા થતા. તેમણે બાકી સર્વની સંમતિ હોવાથી ઠરાવનો વિરોધ ન કરવાનું સ્વીકાર્યું.

ગુજરાત સભા પાસે ગાંધીજીની બીજી માગણી એ હતી કે જો ખેડા જિલ્લાની લડત ઉપાડવી જ પડે તો સભાના પીઢ કાર્યકર્તાઓમાંથી કોઈ એકે તો તેમની સાથે ખેડા જવું જોઈએ અને લડત પૂરી થાય ત્યાં સુધી ધામા નાખવા જોઈએ અને તેમ કરતાં કુટુંબના પ્રશ્નો, વકીલાત કે બીજાં કામોને આડાં આવવા દેવાં ન જોઈએ. બીજા ભાઈઓમાંથી તો કોઈ તૈયાર ન થયું, પણ વલ્લભભાઈ એ રીતે ગાંધીજી સાથે જવા તૈયાર થઈ ગયા. એ લોકોએ ખેડાની લડતના મહિનાઓ પૂરતું નડિયાદને પોતાનું મુખ્ય મથક બનાવ્યું. ગાંધીજી અઠવાડિયે એક વાર સાબરમતી આશ્રમમાં આવી જતા. વચ્ચે તેમને અવારનવાર બિહાર, મુંબઈ અને ઇંદોર વગેરે સ્થાનોએ જવાનું થયું ત્યારે લડતની મુખ્ય જવાબદારી વલ્લભભાઈએ સંભાળી.

અમદાવાદમાં ગુજરાત સભાના કાર્યકરોને મળ્યા બાદ ગાંધીજી ચંપારણ ગયા હતા. અહીં ગુજરાત સભાના લોકોએ મુંબઈ રાજ્યના ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રેટને મળવાની માગણી કરી. તેમણે સંસ્થાના મંત્રીઓને મુલાકાતે બોલાવ્યા. બીજા કેટલાક કારોબારીના સભ્યો એમની જોડે ગયા હતા, તેમને મુલાકાત ન આપી અને બંને મંત્રીઓ, શ્રી ગ. વા. માવળંકર અને શ્રી કૃષ્ણલાલ દેસાઈ જોડે પણ જે વાત કરી તે ખૂબ તુમાખીભરી રીતે કરી. મુખ્ય વાત તો તેમણે એ કરી કે તમે જુવાન અને બિનઅનુભવી છો. ગુજરાત સભાના લોકોએ ખેડા જિલ્લાની પ્રજા સારુ જે પત્રિકા છાપી હતી તેની તેમણે બહુ આકરી ટીકા કરી અને એમ પણ કહ્યું કે તરતોતરત એને અંગે ફેરવિચારણા કરવી જોઈએ. મંત્રીઓએ તેમને જણાવ્યું કે પત્રિકાઓ તો ખેડૂતોમાં વહેંચવા સારુ રવાના થઈ ચૂકી હતી અને પ્રમુખની સલાહ લીધા વિના કે કારોબારીની બેઠક બોલાવ્યા વિના એને અંગે ફેરવિચારણા થઈ ન શકે. મિ. પ્રેટે એમને ધમકી આપી કે બીજે દિવસે સાંજ સુધી આ અંગે કાંઈ ખબર નહીં મળે તો સરકારમાં એ વિશે જાણ કરવામાં આવશે અને સભાને ગેરકાયદે ઠરાવવામાં આવશે.

કારોબારીની તાકીદની બેઠક બોલાવવામાં આવી. તેમણે ઠરાવ્યું કે પોતે કરેલો નિર્ણય કોઈ પણ હિસાબે ગેરવાજબી, ગેરકાયદે, અયોગ્ય કે વાંધાભરેલો નથી. એ પગલું મહેસૂલ રાખવા માટે કરેલા પ્રયાસનો લાભ ખેડૂતોને મળે તે માટે જરૂરી હતું. ઠરાવની નકલ કમિશનરને મોકલવામાં આવી. ગાંધીજીએ તારથી ગુજરાત સભાને જણાવ્યું કે જે જે ગામોમાં જુલમ ગુજારવામાં આવ્યો છે તેની સરકારને લેખી માહિતી આપો અને આગળ ઉપર પણ તેમ થાય તો તેની પણ માહિતી આપતા રહેજો. સભા વિશે સરકારમાં લખવું હોય તો બેલાશક લખવા પણ ગાંધીજીએ જણાવ્યું. છેવટે દરેક ડગલે સ્વમાનનો વિચાર કરનાર ગાંધીજીએ એ પણ જણાવ્યું કે જે સદ્ગૃહસ્થોની મુલાકાત લેવા કમિશનરે ઇન્કાર કર્યો તેમના થયેલા અપમાન વિશે વિરોધ દર્શાવવા એક સખત પરંતુ સભ્યતાભર્યો પત્ર પણ લખવો. ગાંધીજીએ એમ પણ સૂચવ્યું કે મહેસૂલ વસૂલ કરવું મુલતવી રહે તેને સારુ ચળવળ ઉપાડવી. એ જ કમિશનરે આપેલી ધમકીનો ઉપાય હોઈ શકે. આમ આ તારમાં ગાંધીજીએ ભાવિ લડત સારુ પૂરતું માર્ગદર્શન આપી દીધું હતું, જે જોઈસમજીને મહાદેવની છાતી ફુલાતી હતી.

ગાંધીજીએ પોતાના નિયમ પ્રમાણે તારની પછવાડે પછવાડે વિગતવાર પત્ર પણ લખ્યો. તેમાં આખા તારની નકલ મહાદેવે કરી મોકલી અને વધુમાં ગાંધીજીએ જણાવ્યું કે:

‘કમિશનરે પોતાનું પોત પ્રકાશ્યું છે. ભૂલ કાઢવાના હેતુથી નથી લખતો પણ ભવિષ્યની સૂચના તરીકે લખું છું કે જ્યારે તેમણે આખા ડેપ્યુટેશનને મળવાની ના લખી ત્યારે મંત્રીઓ પણ માનમાં રહી ગયા હોત તો વિશેષ સારું થાત.’ …ખેડા જિલ્લાના કાર્યકર્તાઓને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કહ્યું કે, ‘ … આપણે ભયરહિત થઈ આપણું કર્તવ્ય કરીએ તો પ્રજાને અદ્ભુત પદાર્થપાઠ મળે.’૪

પેલી બાજુ ના. પટેલ અને પારેખ મુંબઈમાં પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે રેવન્યુ મેમ્બર મિ. કાર્માઇકલને પોતાની તપાસ અંગે માહિતી આપી અને આખા પ્રશ્નની સ્વતંત્ર તપાસ કરવા વિનંતી કરી. કાર્માઇકલે તેનો કરડાકીથી જવાબ આપ્યો, ‘ત્યાં કલેક્ટર તરીકે એક જવાબદાર હિંદી કામ કરે છે તેથી સરકાર એમાં વચ્ચે નહીં પડે.’ બંને ધારાસભ્યોએ ભારત સમાજના સભ્યોને ખેડાની પરિસ્થિતિથી વાકેફ કર્યા. તેના સભ્યો પૈકી શ્રી ગો. કૃ. દેવધર અને શ્રી ના. મ. જોશીએ આ બાબતમાં વધુ રસ લીધો. એના એક સભ્ય શ્રી અમૃતલાલ ઠક્કર તો જાતે ખેડા જિલ્લામાં આવ્યા. તેમણે टाइम्स ऑफ इन्डियाમાં ખેડા અંગે એક લેખ લખ્યો.

આમ આખું તંત્ર પોતાની તુમાખી દેખાડી રહ્યું હતું. તલાટીથી માંડીને ગવર્નર સુધી દરેક અમલદાર સત્તાના મદમાં ઝૂમતો હતો અને જેનાં ‘માયબાપ’ હોવાનો એ લોકો દાવો કરતા હતા, અને લોકોમાં એ વિચાર ઠસાવવા માગતા હતા તે પ્રજાની હાડમારીનો વિચાર મનમાં આવવા સુધ્ધાં દેતા નહોતા.

આ બાજુ ખેડાના કલેક્ટરે એક યાદીમાં ગુજરાત સભાની પત્રિકાને લક્ષમાં રાખીને જણાવ્યું કે, ‘જાણીબૂઝીને લોકોની બદસલાહ પ્રમાણે મહેસૂલ ભરવામાં જે કોઈ દાંડાઈ કરશે તેના ઉપર નિરુપાયે કાયદેસર સખત પગલાં ભરવાની જરૂર પડશે.’

બીજી એક યાદીમાં કલેક્ટરે ગુજરાત સભા બહારના લોકોની હોવાનો આક્ષેપ કર્યો.

ગાંધીજીને દરેકેદરેક બાબતની માહિતી આપવામાં આવતી હતી અને તેઓ દૂર બેઠા બેઠા, જરૂર જણાય તો તારથી પણ વિગતવાર સલાહ આપતા હતા. ના. પટેલ-પારેખે, ગુજરાત સભાએ તેમ જ શંકરલાલ દ્વા. પરીખે દાખલાદલીલો સાથે સરકારની યાદીઓના વિસ્તારથી જવાબ આપ્યા. કલેક્ટરે એક દાવો એવો કર્યો હતો કે તેમણે બારીક અને કાળજીપૂર્વક તપાસને અંતે જ મહેસૂલ વસૂલ કરવાના હુકમો કાઢ્યા હતા. તેને અંગે પ્રજાના આ નેતાઓએ સવાલ કર્યો કે ૧૫મી ડિસેમ્બરે કલેક્ટર સાથે ના. પટેલ-પારેખની મુલાકાત થઈ, ૧૯મીએ તાલુકામાંથી આનાવારી પત્રકો તેમના તરફ રવાના કરવામાં આવ્યા અને ૨૨મીએ તો કલેક્ટરસાહેબે હુકમો બહાર પાડ્યા. જિલ્લાનાં છસો ગામોની તપાસ ત્રણ દિવસમાં તેમણે બારીકી અને કાળજીપૂર્વક કરી શી રીતે?

અત્યાર સુધી ગાંધીજીએ ખેડાના પ્રશ્નની બાબતમાં દૂર રહીને માર્ગદર્શન આપ્યું હતું. પણ જ્યારે (૧) સરકારના જોરજુલમ અને અમલદારોની જીદની વાત જાણી, (ર) સરકાર ખેડૂતોને જુઠ્ઠા ઠેરવતી હતી તે જોયું, (૩) ખેડૂતો પોતાના હક્ક મેળવવા કષ્ટ વેઠવા તૈયાર થયા છે તે જોયું, અને (૪) જિલ્લાના તથા ગુજરાત સભાના કાર્યકર્તાઓ આ ચળવળમાં તેમની પડખે ઊભવા તૈયાર છે એમ જોયું ત્યારે ગાંધીજીએ આ બાબતમાં સીધો પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. ચોથી ફેબ્રુઆરીએ તેઓ મુંબઈ આવ્યા. બીજે દિવસે તેમણે સર દીનશા વાચ્છા, ના. પારેખ તથા ના. પટેલ વગેરે સાથે મળીને ગવર્નરની મુલાકાત લીધી. તે વખતે રેવન્યુ મેમ્બર કાર્માઇકલ તેમ જ ઉત્તર વિભાગના કમિશનર પ્રેટ પણ હાજર હતા. ગાંધીજી વગેરેની માગણી માત્ર આખી હકીકતની સ્વતંત્ર તપાસ કરાવવાની હતી, પણ ગવર્નરે તે પણ કબૂલ ન રાખી. બીજે દિવસે ગાંધીજી સાબરમતી પહોંચ્યા ત્યાં તેમને કલેક્ટરે વખતોવખત બહાર પાડેલી જાહેરાતો વાંચવા મળી. એમાં ખેડૂતો અંગે તથા તેમના આગેવાનો અંગે વાપરવામાં આવેલી ભાષા ગાંધીજીને કઠી. ગાંધીજી અપમાન કે અસભ્યતાને ક્ષણવાર પણ સહી નહોતા શકતા. તેમણે કમિશનર તથા ગવર્નરના માણસો જોડે આ બાબતમાં પત્રવ્યવહાર ચલાવ્યો. પરંતુ એ બાબતમાં પણ સરકારી વલણ એવું ને એવું તુમાખીભર્યું જ રહ્યું.

આગળના પગલાનો વિચાર કરવા વલ્લભભાઈને ઘેર સભા થઈ. સત્યાગ્રહ બાબતમાં આખી ગુજરાત સભાને સંસ્થા તરીકે સામેલ ન કરતાં વ્યક્તિગત રીતે જેમણે ભળવું હોય તે ભળે એમ ઠર્યું. આગલા કામની જવાબદારી ગાંધીજીએ વ્યક્તિગત રીતે પોતાને માથે લીધી. વલ્લભભાઈ પટેલે પણ હવે એ ચળવળમાં પૂરો સમય આપવા ઠરાવ્યું અને કોટપાટલૂનહૅટ છોડીને ખમીસ, હાફકોટ તથા ટર્કિશ ટોપી ધારણ કર્યાં.

ગાંધીજીએ ૧૬મીએ નડિયાદ પહોંચીને કાર્યકર્તાઓની ટુકડીઓ પાડી, તેમને ગામોની વહેંચણી કરી. બીજા દિવસથી કામ શરૂ કર્યું. પોતાનું કામ પતાવી એક અઠવાડિયામાં બધાએ નડિયાદ પાછા ભેગા થવું એમ ઠર્યું. ગાંધીજી અને વલ્લભભાઈની ટુકડીઓએ ૩૦-૩૦ ગામોની તપાસ કરી. જિલ્લાનાં ૬૦૦ ગામોમાંથી ૪૨૫ ગામોની તપાસનો અહેવાલ એક અઠવાડિયામાં મળી ગયો. આ તપાસને અંતે ગાંધીજીએ કલેક્ટરને પત્ર દ્વારા જણાવ્યું કે અમને તો તપાસને અંતે ખાતરી થઈ જ છે કે ખેડૂતોની વાત સાચી છે, પણ સરકારને ખાતરી ન હોય તો સ્વતંત્ર પંચ મારફત તપાસ કરાવવાનો સમય હજુ પણ વીતી ગયો નથી. આના જવાબમાં કયા ગામે કેટલો પાક થયો છે તેની આનાવારી ગણવાની ગાંધીજીની રીત જ ભૂલભરેલી છે, એ મતલબનો પત્રવ્યવહાર કલેક્ટરે ચલાવ્યો. પ્રજા તરફથી રજૂ કરવામાં આવતી હકીકતો માનવા તેમ જ બીજી કશી દલીલો સાંભળવા અમલદારો તૈયાર નહોતા. ગાંધીજીએ ૨૦મીએ કલેક્ટરને પત્ર લખી મહેસૂલની બીજા હપતાની રકમ આખા જિલ્લામાં મુલતવી રાખવા ફરી એક વાર વિનંતી કરી, પણ પથ્થર પર પાણી.

૨૬મી માર્ચે નડિયાદમાં ખેડૂતોની એક મોટી સભામાં સત્યાગ્રહનું મંગલાચરણ થયું. લગભગ બસો ખેડૂતોએ કષ્ટો વેઠવાં પડે તો વેઠીને પણ જ્યાં સુધી અન્યાય દૂર ન થાય ત્યાં સુધી મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા લીધી. પછી દિવસે દિવસે વધુ ને વધુ લોકો આવી પ્રતિજ્ઞા લેવા લાગ્યા.

શાહ ભૂલાભાઈ રૂપજી નામના એક સ્વયંસેવકની ઉપર વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરણી કરવા બદલ અને ૧૮૭૯ના લૅન્ડ રેવન્યુ કોડની કલમ ૧૮૯ મુજબ જવાબ આપવા હાજર થવાનો હુકમ બજાવવામાં આવ્યો. ૨૬મીએ તેઓ કોર્ટમાં હાજર થયા અને તેમના વકીલ તરીકે વલ્લભભાઈ હાજર રહ્યા. ભૂલાભાઈએ જવાબમાં કહ્યું કે, ‘મેં કોઈને ખોટી સલાહ આપી નથી કે કોઈને ખોટા ઉશ્કેર્યા નથી. મારા ગામમાં પાક ચાર આનીથી ઓછો થયો છે એટલે મહેસૂલ મુલતવી રાખવાની માગણી કરવા પ્રજા હકદાર છે. આવી સલાહ ગાંધીજીએ જાહેરમાં આપી છે અને તેમની સલાહને હું સાચી માનું છું. તેથી લોકોને તે પ્રમાણે સલાહ આપું છું. છતાં જો કાયદાનો ભંગ થતો હોય તો સજા ભોગવવા તૈયાર છું.’ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ‘જે કલમને આધારે આપે સમન્સ કાઢ્યો છે તે આ કામને બિલકુલ લાગુ પડતી નથી.’ મામલતદાર ઠંડા જ થઈ ગયા. ‘આમાં ગુનો થતો નથી માટે રજા છે.’ એમ કહીને તેમણે કામ આટોપ્યું, પણ વલ્લભભાઈએ ભૂલાભાઈ પાસે પુછાવ્યું કે, ‘જમીનમહેસૂલ ન ભરશો એવું કહેવામાં હવે તમને ગુનો નથી લાગતો ને?’ મામલતદારે કહ્યું કે, ‘હા ભાઈ, હા, તમને ગમે તેમ કહેજો.’૫

ત્યાર બાદ છાપાંજોગ એક નિવેદન દ્વારા આ લડત કેવા સંજોગોમાં શરૂ થઈ છે અને સરકાર સાથે મતભેદના મુદ્દાઓ કયા કયા છે તે સમજાવવામાં આવ્યું.

માર્ચની સાતમી તારીખે ગાંધીજીએ પોતાના મિત્ર શ્રી પ્રાણજીવનદાસ મહેતાને એક પત્રમાં લખ્યું હતું:

‘ખેડા જિલ્લામાં પરિણામ તો ગમે તે આવો. પણ અમલદારવર્ગ અને રૈયતવર્ગને ભારે કેળવણી મળે છે. લોકોમાં જાગૃતિ અનહદ આવી છે. કર ન આપવાની વાત કરવામાં બેવફાદારી ગણવામાં આવતી તે વાત હવે બેધડક થઈને માણસો કરતા થઈ ગયા છે. શિક્ષિતવર્ગ જે સ્વયંસેવક થયો છે તેઓને પણ અલભ્ય લાભ મળ્યો છે. જેઓએ ગામડાં કદી જોયાં નહોતાં તેઓને લગભગ છસો ગામડાં જેવાની તક મળી. … લોકો સમજ્યા છે કે આપ સમાન બળ નહીં, “અમારે આધારે નહીં પણ તમારે આધારે જ તમે જીતશો, જ્ઞાનપૂર્વક દુ:ખ વેઠ્યા વિના તમે નહીં જીતો,” આ બે વાક્યમાં જ… જીતનો આધાર છે.’૬

સત્યાગ્રહના દિવસોમાં ગાંધીજીને એક દિવસ વલ્લભભાઈના મૂળ ગામ કરમસદમાં જવાનું થયું. ત્યાં તેમણે વલ્લભભાઈ વિશે જે ઉદ્ગાર કાઢ્યા તે ભવિષ્યમાં અનેક રીતે સાચા ઠરવાના હતા:

‘આ ગામ વલ્લભભાઈનું છે. વલ્લભભાઈ જોકે હજી ભઠ્ઠીમાં છે. એમણે — સારી રીતે તપવાનું છે. મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું.’૭

કરમસદમાં જ પ્રશ્ન પુછાયો કે ગામના કેટલાક લોકો સરકાર અમારી જમીન વેચે તેની રાહ જોઈને બેઠા છે, અને હરાજી થયે તરત લઈ લેશે. તેના જવાબમાં બ્રિટિશ ન્યાય વિશે તે જમાનામાં શ્રદ્ધા ધરાવનાર ગાંધીજીએ કહ્યું:

‘બદદાનત રાખીને જે આપણી જમીન પર ટાંપીને બેઠા છે તેઓ તે લઈને પચાવી શકવાના નથી. … થોડા રૂપિયાના મહેસૂલ માટે સરકાર હજારો રૂપિયાની જમીન લેશે તો એને પચી શકવાની નથી. આ લૂંટફાટનું રાજ્ય નથી પણ ન્યાયનું છે. આ રાજ્ય જે દિવસે ઇરાદાપૂર્વક લૂંટફાટનું છે એમ મને ખબર પડશે, તે દિવસે હું બેવફા છું એમ માનજે. …’૮

કમિશનર મિ. પ્રેટને વિચાર આવ્યો કે ખેડૂતોને હું રૂબરૂ સમજાવું તો તેઓ અવળે રસ્તેથી પાછા વળે. પણ પોતે ખેડૂતોની સભા બોલાવી શકશે કે કેમ એ વિશે આત્મવિશ્વાસ ન હોવાથી તેમણે સભા બોલાવવા સારુ ગાંધીજીની મદદ માગી. ગાંધીજીએ પત્રિકા કાઢીને લોકોને કમિશનરની સભામાં હાજર રહેવા સલાહ આપી. ખુદ ગાંધીજી તો તેમાં ન ગયા, પણ વલ્લભભાઈ વગેરેએ બેક હજાર ખેડૂતોની આ સભામાં હાજરી આપી. મિ. પ્રેટે પોતાને આવડે એવી ગુજરાતીમાં ભાષણ આપ્યું અને એમ તો ગાંધીજી સંત માણસ છે, પણ જમીનની વ્યવસ્થા એમનાથી હું વધારે સમજું એમ કહી મહેસૂલ ન ભરવાની જિદ્દ છોડી દેવાની સલાહ આપી. પ્રતિજ્ઞાનું મહત્ત્વ કાંઈ નથી એમ કહી એમણે એટલે સુધી કહ્યું કે અમદાવાદના મિલમજૂરોએ ૩૫% વધારાની માગણી કરી હતી, પણ અત્યારે તેઓ ૨૭।।% વધારામાં કામ કરી રહ્યા છે. સરકાર ગરીબપરવર છે. તમને બચાવવાની ફરજ એની છે. સરકાર સામે લડત ચલાવશો તો એનાં પરિણામો સારુ તમે જવાબદાર રહેશો એમ કહીને એમણે હોમ રૂલવાળાની સલાહ ન માનવાને પણ સમજાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે સરકારના મનમાં ગુસ્સો નથી. બાળકની લાતથી માબાપને કાંઈ ગુસ્સો આવતો હશે? પોતાના અઠ્ઠાવીસ વરસના અનુભવની બડાશ હાંકીને મહાત્માજી તો હજી હાલ તુરતમાં જ આફ્રિકાથી આવ્યા છે, એટલે એમને એની સમજ ન હોય એમ ઠસાવવા પ્રયત્ન કર્યો. અમદાવાદના મજૂરોના પ્રતિજ્ઞાભંગ અંગે મિ. પ્રેટે જે ઇશારો કર્યો હતો તેને અંગે વલ્લભભાઈએ ચોખવટ કરીને તેનો પ્રતિવાદ કર્યો. આખી સભાનો ઉપસંહાર કરતાં કમિશનરે કહ્યું, મારે કહેવાનું હું કહી ચૂક્યો. સંન્યાસીને મિલકત જાય તેની ફિકર ન હોય, પણ તમે સંન્યાસી નથી એટલું વિચારજો.

આ ભાષણ બને એટલી મીઠાશથી કરવાનો પ્રેટસાહેબે પ્રયત્ન કર્યો, પણ પોતાની અમલદારશાહી તુમાખીને તેઓ છુપાવી શક્યા નહીં. સભા પછી જિલ્લાના ખેડૂતો ગાંધીજી પાસે ગયા, ત્યાં ગાંધીજીએ ફરી એક વાર ખેડૂતોને પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે મિલમજૂરવાળા પ્રસંગમાં ગેરરસ્તે દોરી જાય તેવું ભાષણ પ્રેટસાહેબે કર્યું હતું તેને અંગે દિલગીરી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેમ કરવામાં મિ. પ્રેટે વિનયનો, ન્યાયનો, મર્યાદાનો અને મિત્રતાનો ભંગ કર્યો હતો. પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજાવતાં ગાંધીજીએ કહ્યું કે:

‘પ્રતિજ્ઞા તોડીને મને આઘાત આપે તેના કરતાં મારી ગરદન કાપે એ ઠીક કહેવાય. પ્રતિજ્ઞા તોડનાર નથી દેશના કામના, નથી સરકારને કામના કે નથી ઈશ્વરને કામના. …’૯

હજીયે સમાધાનના પ્રયાસો ગાંધીજીએ છોડ્યા નહોતા. મસલત કરવા સારુ મળવાની માગણીના જવાબમાં મિ. પ્રેટે લખ્યું:

‘તમારાં સઘળાં હથિયાર છોડી દઈ મસલત કરવા સારુ આવવું હોય તો જ્યારે આવો ત્યારે તમારે માટે બારણાં ખુલ્લાં છે. મારા હાથ તો કાયદા અને વહીવટના નિયમોથી બંધાયેલા છે.’૧૦

ગાંધીજીએ વળતું લખ્યું:

‘હું તો સત્યાગ્રહી છું. મારાં હથિયારો તો શું પણ મારું સર્વસ્વ હું બીજી રીતે અર્પણ કરી દઉં, પણ સિદ્ધાંત તો મરણ પર્યંત મારાથી ન જ છોડાય.’૧૧

ખેડા સત્યાગ્રહે સ્વાભાવિક રીતે ગુજરાતના બૌદ્ધિકોમાં પણ રસ જગાવ્યો હતો. સાક્ષર શ્રી બ. ક. ઠાકોરે એને અંગે કેટલાક પ્રશ્નો ઉઠાવેલા. ગાંધીજીએ એમને સવિસ્તર જવાબ આપી પેસિવ રેઝિસ્ટન્સ અને સત્યાગ્રહનો ભેદ સમજાવ્યો. ખેડાના આંદોલનની થોડી વિગતવાર માહિતી આપી અને છેવટે પોતાની દૃષ્ટિએ ખેડા સત્યાગ્રહથી થયેલા મૂળ લાભ વિશે જણાવતાં લખ્યું:

‘આ લડતમાં અનાયાસે લોકોને ધર્મની, નીતિની, સંપની, સત્યની અને અહિંસાની તાલીમ મળે છે. [એમાં] દ્વેષભાવને અવકાશ જ નથી. સરકારને દબાવીને દાદ નથી લેવી. તેની ન્યાયવૃત્તિ જાગ્રત કરીને લેવી છે. પરિણામ કુશળ છે. અંતમાં આત્માનો વિકાસ જ છે. લોક નબળા હોવાથી પડશે તોયે શું? તપેલું તપ નાબૂદ થાય જ નહીં. પડ્યા તે ચડવાને સારુ.

नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।। (गीता 2-40)

ખેડા જિલ્લાની આ લડતનો પ્રચાર જિલ્લા બહાર પણ થઈ રહ્યો હતો. મુંબઈની એક જાહેરસભામાં ખેડૂતોની લડતને ટેકો આપતો ઠરાવ લોકમાન્ય ટિળકे રજૂ કર્યો હતો. આ દરમિયાન સરકારે લાંબી યાદી બહાર પાડીને ગાંધીજીની તપાસને ‘અધ્ધર તપાસ’ કહી અને એમ પણ કહ્યું કે કલેક્ટરે બહુ બારીકાઈથી તપાસ કરી છે, વરને કોણ વખાણે? વળી સરકારે એમ પણ કહ્યું કે ઘણાખરા તાલુકાઓમાં ચાલુ વર્ષની મહેસૂલનો મોટો ભાગ અત્યાર સુધીમાં ઉઘરાવી લેવામાં આવ્યો છે. હવે મિ. ગાંધી માગે છે તેવી કોઈ તપાસસમિતિની જરૂર નથી.

ગાંધીજીએ દિલ્હીથી આવ્યા પછી આ યાદીની દરેકેદરેક બાબતનો રદિયો આપ્યો. અને છેવટે તેમણે કહ્યું કે:

‘સરકારને હવે સ્વતંત્ર પંચ નીમવાની આવશ્યકતા ન જણાતી હોય તો જ્યારે મહેસૂલની જૂજ રકમ બાકી છે ત્યારે સરકાર તે મુલતવી કેમ નથી રાખતી? આથી ચોખ્ખી પ્રતીતિ થાય છે કે સરકાર હઠ પકડીને બેઠી છે અને કમિશનર તેમાં આગેવાન બન્યા છે.’૧૩

મે મહિનામાં સરકારે જપ્તીઓનો સપાટો ખૂબ વધારી દીધો હતો. ઘણા આસામીઓની જમીન ખાલસા કરવામાં આવી હતી. અને ખરું જોતાં જેમની જમીન ખાલસા થઈ હોય તેમનું મહેસૂલ વસૂલ કરવાનો પ્રશ્ન જ ન રહે, તોયે તેવા આસામીઓને ઘેર જપ્તી કરીને તેમની પાસે મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું. પણ કાયદેસર રીતે જોતાં મહેસૂલ વસૂલ થાય તેવી જમીન ખાલસા રહેતી નહોતી.

ત્યાર બાદ ગાંધીજીને બિહાર જવાનું થયું ત્યારે ચળવળની લગામ વલ્લભભાઈએ સંભાળી અને લોકોનો જુસ્સો જાળવી રાખ્યો.

લોકો એકસરખી જપ્તી છતાં હિંમત ટકાવી શક્યા હતા અને ઢોરઢાંખર, રાચરચીલું. ઘરેણાં, વાસણ જપ્ત થવા દેતા હતા. તેમાં પુરુષો જોડે સ્ત્રીઓએ પણ આગળ પડતો ભાગ લેવા માંડ્યો હતો. તે જોઈ મુંબઈનાં છાપાં દિંગ થઈ ગયાં હતાં. તેમણે ખેડૂતોની બહાદુરીનાં વખાણ કરતા લેખો પણ લખ્યા હતા. એક પ્રસંગે તો ખુદ કલેક્ટરે પણ કહ્યું હતું, ‘જે રીતે રૈયત લડી રહી છે તે બહુ ખૂબીદાર છે.’ આખા દેશમાંથી ખેડા વિશે સહાનુભૂતિના તાર આવવા માંડ્યા હતા.

બિહારથી ગાંધીજી જેવા પાછા આવ્યા તેવા, ત્રીજી જૂને, ઉત્તરસંડા ગયા. ત્યાં નડિયાદ તાલુકાના મામલતદાર ગાંધીજીને ઉતારે જઈને તેમને મળ્યા અને તેમને કહ્યું કે, જો સારી સ્થિતિવાળા મહેસૂલ ભરી દે તો ગરીબ લોકોનું મહેસૂલ મોકૂફ રાખીશું. ગાંધીજીએ વાત લેખીરૂપમાં માગી જે મામલતદારે લખી આપી. ગાંધીજીએ તરત કલેક્ટરને કાગળ લખ્યો કે આવી જાતનો હુકમ આખા જિલ્લા માટે બહાર પાડવામાં આવે અને ચોથાઈ વગેરે દંડ માફ કરવામાં આવે તો અમારે લડવાપણું રહેતું નથી. ગાંધીજીને મતે તો આ લડત ટેકની હતી કલેક્ટરના અફર અને છેવટના ગણાતા હુકમ ફેરવવાની હતી. ગાંધીજીની આ વાત કલેક્ટરે માન્ય રાખી. અને તે પ્રમાણેના હુકમો જાહેર થયા એટલે છઠ્ઠી જૂનને દિને ગાંધીજી અને વલ્લભભાઈની સહીવાળી પત્રિકાથી લડત બંધ થયેલી જાહેર કરવામાં આવી.

આ પત્રિકા કાઢતાં પહેલાં ગાંધીજી સાથે કલેક્ટરની મુલાકાત થઈ હતી. તેમાં તેમને એ વાતની જાણ થઈ કે આ મુજબની છૂટ આપવાનો આદેશ તો ઠેઠ પચીસમી એપ્રિલના નીકળી ચૂક્યો હતો અને તેનો અમલ બરાબર થાય એવી યાદી બાવીસમી મેને દિને આપવામાં આવી હતી, છતાં આ હુકમની પ્રજાને કે કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી નહોતી. અને જપ્તીનું કામ આ હુકમ પછી પણ જોસથી ચલાવવામાં આવ્યું હતું.

દિલ્હી જતાં પહેલાં ગાંધીજીએ કમિશનર મિ. પ્રેટને એક પત્ર દ્વારા એ પ્રકારનું સૂચન કર્યું હતું કે જે બાકી રહેલી મહેસૂલ આવતી સાલ સુધી મુલતવી રહે તો સારી સ્થિતિવાળા મહેસૂલ તરત ભરી દેશે. ‘હું જો ના. વાઇસરૉયને દિલ્હીમાં કહી શકું કે અમે ખેડામાં અમારા ઘરનો કજિયો હોલવ્યો છે તો તેમને કેટલી બધી શાંતિ વળશે!’૧૪

અત્યાર સુધીનો ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ શ્રી નરહરિ પરીખના સરદાર પટેલના જીવનચરિત્રમાંથી સારવીને લેવામાં આવ્યો છે. આ અંગે શ્રી પરીખ અટકળ કરે છે:

‘સંભવ છે કે ગાંધીજીને આ (પત્ર)નો જવાબ ન આપતાં ઉપર મુજબના હુકમો કાઢીને મુંબઈ સરકારને અને હિંદ સરકારને ખબર આપવામાં આવી હોય, જેથી અમલદારો યુદ્ધ પરિષદમાં વાઇસરૉયને કહી શકે કે અમે તો ગાંધીજીની માગણી પ્રમાણે હુકમો કાઢી દીધા છે છતાં તેમણે સત્યાગ્રહની લડત ચાલુ રાખી છે. … બીજું સંભવિત અનુમાન એ પણ છે કે વાઇસરૉયના કહેવાથી મુંબઈના ગવર્નરે કલેક્ટર-કમિશનરને સૂચના કરી હોય કે સામ્રાજ્યની કટોકટીને વખતે આ ઝઘડો પતાવી નાખો, પણ સિવિલિયનોને એ વસ્તુ ગમતી ન હોય તો તેઓ વાઇસરૉય કે ગવર્નરની નીતિમાં હજાર જાતની મુશ્કેલીઓ ઊભી કરી તેનો અમલ અશક્ય બનાવી મૂકે છે એવું ઘણી વાર જોવામાં આવ્યું છે એટલે આ હુકમ માત્ર ઉપરનાઓને બતાવવા પૂરતો જ કાઢ્યો હોય અને જિલ્લામાં તો પોતાની મરજી પ્રમાણે જ હાંક્યે રાખ્યું હોય.’૧૫

લડતના છેવટના ભાગમાં આ રીતે અંચાઈ કરી તેથી ગાંધીજી અને વલ્લભભાઈએ લડતના અંતને ‘માધુર્યરહિત’ કહ્યો.

આ લડતથી ખેડાની પ્રજા જાગ્રત થઈ. વીરતા અને ત્યાગ વડે અહિંસક લડત લડી શકાય છે તેનું તેને ભાન થયું. આ પછીના દેશની આઝાદીના ઇતિહાસમાં ખેડા જિલ્લાની પ્રજા મોખરે રહી. તેની પાછળ આ બલિદાનનું આંદોલન હતું એમ નિશ્ચિતપણે કહી શકાય. આ લડતની એક નેમ ગાંધીજીને મન પંચાયતોનો પુનરુદ્ધાર કરવાની પણ હતી.

આ લડતથી ગાંધીજીને વલ્લભભાઈ જોડે આંતરિક સંબંધ બંધાયો.

ગાંધીજીએ જ્યારે દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી કોચરબમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે અમદાવાદ શહેરના અનેક લોકો ગાંધીજીને મળવા જતા, પણ વલ્લભભાઈ નહોતા જતા. તે અંગે વર્ષો પછી અહમદનગર જિલ્લામાં સાથી કેદી પટ્ટાભી સીતારામૈયાને તેમણે કહેલું કે તેઓ તો કાળજીપૂર્વક એ જોઈ રહ્યા હતા કે ગાંધીજી પ્રત્યે કોણ કોણ આકર્ષાય છે. જ્યારે તેમણે જોયું કે ગાંધીજી પાસે કિશોરલાલભાઈ, નરહરિભાઈ, મહાદેવભાઈ, કાકાસાહેબ, સ્વામી આનંદ જેવા લોકો જઈને રહ્યા, જેમાંના ઘણાને વલ્લભભાઈ જાણતા હતા. ત્યારે તેમણે ગાંધીજી વિશે ઊંચો અભિપ્રાય બાંધ્યો હતો. એમ કહેવાય છે કે ‘માણસની પરીક્ષા એની સોબત પરથી કરવી,’ એ ન્યાય મુજબ વલ્લભભાઈએ પરીક્ષા કરી હતી. ગાંધીજીને ખેડામાં શરૂઆતમાં થયેલું કે આ અક્કડ પુરુષ કેવાક હશે? પણ —

‘જેમ જેમ હું એમના વધારે પ્રસંગમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે (ઉપસેનાપતિ તરીકે) મારે વલ્લભભાઈ તો જોઈએ જ. … વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.’૧૬

આ ઐતિહાસિક પ્રસંગે મહાદેવભાઈ મોટે ભાગે ગાંધીજીની સાથે જ હતા. ગાંધીજીના પડ્યા બોલ તેઓ પોતાની નોંધપોથીમાં ટપકાવતા તેથી જ આપણને ગાંધીજીના પત્રોની નકલ અને ભાષણોની નોંધ મળે છે. વળી તેઓ ગાંધીજી અને બીજાઓ વચ્ચેના સંવાદમાં પણ અવારનવાર ભળતા અને કાર્યકર્તાઓ વચ્ચે પોતાના સ્વાભાવિક માધુર્યનું વાતાવરણ પ્રસારિત કરતા.

છતાં ખેડાનો સત્યાગ્રહ મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યાર બાદ થોડાક મહિના પછી જ થયો હતો. તેથી મહાદેવભાઈને માટે ‘ગાંધીમય’ થવાનો તે આરંભકાળ જ હતો. પોતાની નોંધપોથીમાં તેઓ ગાંધીજીના જે ગુણ દેખાય તેની અહોભાવથી નોંધ લેતા, અને તેમની જે વાત ન સમજાય તેની પ્રસંગ પડ્યે ગાંધીજી સાથે ચર્ચા પણ કરતા. વાસદ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર સૂતાં બૅરિસ્ટર વલ્લભભાઈને ચેન ન પડ્યું, પણ ગાંધીજી તો પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘી ગયા એની નોંધ મહાદેવભાઈ લે છે. મહેમદાવાદથી નવાગામની બળદગાડીની મુસાફરીમાં ખાડાટેકરાવાળા રસ્તાને લીધે જ્યારે બીજા મુસાફરોથી માંડ માંડ બેસાતું હતું ત્યાં પણ ગાંધીજી તો નવરાશનો વખત મળ્યો છે એમ સમજી ઊંઘ કાઢી લે છે એ વાત મહાદેવભાઈની કલમ ટપકાવી લે છે. આ દિવસોમાં મહાદેવભાઈ અને સરદાર પટેલ વચ્ચે જે સખ્યભાવ બંધાયો તે મહાદેવના મરણ સુધી અખંડિત રહ્યો અને વૃદ્ધિ પામતો ગયો. મહાદેવભાઈના મરણ પછીયે વલ્લભભાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમને યાદ કરતા રહ્યા. ગાંધીજી, વલ્લભભાઈ અને મહાદેવભાઈના સંબંધો અંગે વલ્લભભાઈના પત્રોના સંપાદક શ્રી ગ. મા. નાંદુરકર કહે છે: ‘આ પત્રો જોતાં એવું લાગ્યા વિના રહે નહીં કે વિધિએ જ આ ત્રણેયનો સંગમ ગંગા, યમુના અને સુપ્ત સરસ્વતીના સંગમની પેઠે ગોઠવ્યો હતો.’૧૭

કાર્યકર્તાઓને પોતાની તરફ આકર્ષવાના ગાંધીજીના ગુણ અંગે મહાદેવભાઈ ડાયરીમાં આ રીતે ટપકાવે છે:

‘કાલે પંડ્યાજી સાથે વાત કરતાં વહાલમાં બાપુજીને “શિકારી” નામ આપ્યું. એવા અર્થમાં કે હરહંમેશ કોઈ નહીં તો કોઈ શિકાર, પોતાના હૃદયમાં અહર્નિશ રહેલાં રાષ્ટ્રીય કાર્યો માટે, એઓ પકડ્યે જ જાય છે. પેલે દિવસે મારા અક્ષર સુંદર છે અને બહુ જ ઝડપી લખનારો છે એમ કહીને, મારા ગુણો આગળ દોષો ભૂલી જઈશું એમ કહીને, તો એક દિવસ દુર્ગાને વિશે પિતૃપદ ગ્રહણ કરીને, અને તેને એક સુંદર પત્રથી કૃતજ્ઞતામાં દાબીને, એક દિવસ બૅંકર અને અનસૂયાબહેનની જોડે મધુરું મધુરું બોલીને, અને તેમને જમવાનો નિત્ય આગ્રહ કરીને, તો બીજે દિવસે વલ્લભભાઈને નિત્ય સવારે પણ જમવા આવવાનો આગ્રહ કરીને, બાર વરસથી ઘરભંગ થયા છતાં તેમના ન પરણવા પ્રતિ બહુ સંતોષ દર્શાવીને, અમને પોતાની કેટલીક છાની બાબતો પણ કહીને ચેલા મૂંડવાનો જે પ્રયત્ન જારી છે, એ બધી એમની લીલા વર્ણવતાં કોઈ પણ માણસ થાકે, નેતિ નેતિ કહી વિરમે.’૧૮

વાતાવરણમાંથી ગુણ ગ્રહણ કરીને પોતાનું ચારિત્ર્ય ઘડવાની મહાદેવભાઈની શક્તિ ખૂબ હતી. ગાંધીજી ખેડા જિલ્લાના ખેડૂતોને પ્રતિજ્ઞાપાલનનું મહત્ત્વ સમજાવે છે તે સાંભળી મહાદેવભાઈ વિચારે છે:

‘ “પ્રતિજ્ઞા જેણે લીધી નથી તે સુકાન વિનાના વહાણની જેમ આમતેમ અથડાય છે અને આખરે નાશ પામે છે.” એ શબ્દોમાં મને પણ સાથે સાથે આપી દીધેલો બોધ.’૧૯

ગામેગામ ચાલતાં ફરવાનું થતું. એક વાર શંકરલાલ બૅંકર અને મહાદેવભાઈ ભૂલા પડ્યા. ચાર માઈલનું ચક્કર ખાધું અને ભાલેજ સ્ટેશને પહોંચતાં બાપુ પાસે ભારે ઠપકો મળ્યો.

ગાંધીજી પાસે કામ કરવું એ કેવું કપરું હતું એ તો મહાદેવભાઈને ડગલે ને પગલે જોવા મળતું. સરકારી અમલદારોએ શ્રી શંકરલાલ દ્વા. પરીખના ખેડૂતને છેતરીને શંકરલાલભાઈની જમીનનું મહેસૂલ ભરી દીધું, શંકરલાલના મનમાં એનો પરિતાપ થયો. તેમણે ગાંધીજી આગળ બધી વાત કરી. ગાંધીજી કહે કે, ‘સરકારના લોકો તો એમ કરે જ. પણ આપણીયે ગફલત થઈ છે. માટે મારી તો સલાહ છે કે હવે તમે આ જમીન ગામને કૃષ્ણાર્પણ કરી દો.’ શ્રી શંકરલાલે સહેજ પણ સંકોચ વિના એ જમીન ગામને નામે કરી આપી.

આટલા ટૂંકા ગાળામાં જ મહાદેવભાઈ વિશે ગાંધીજીને વિશ્વાસ આવી ગયો. થોડા ગાળા પછી જ મહાદેવભાઈ પણ ગાંધીજીની કાર્યસૂચિમાં કેટલાક કાર્યક્રમો સ્વતંત્ર રીતે ઉપાડી લેવા તૈયાર થવાના હતા. આત્મવિશ્વાસની કમી એમને નડતી નહોતી, પણ એમની નમ્રતા એમને ગાંધીજીનાં ચરણોમાં બેસાડતી હતી.

તેથી તેઓ પોતાની પ્રશંસાને ધ્યાનમાં રાખીને ડાયરીમાં નોંધે છે:

‘બાપુ પ્રશંસા કરતાં હમેશાં પ્રશંસાના પાત્ર ઉપર પોતાનો બધો પ્રેમ ઠાલવે છે. પછી પાત્રમાં પોતાનામાં તેટલા પ્રેમની પાત્રતા હોય કે ન હોય એની ચિંતા જ નહીં.’ વળી મહાદેવભાઈ વિચાર કરે છે:

‘પ્રેમીઓ પ્રેમનું પાત્ર તુચ્છ હોય છતાં તેમને મહાન બનાવી શકે છે. પણ તેમાં કોઈક વાર પાત્રને નુકસાન નહીં થતું હોય? અને જ્યારે આવી રીતનાં અતિશયોક્તિ ભરેલાં વખાણો મોટા સમૂહની આગળ કરવામાં આવે છે ત્યારે કેટલાકને તેથી ક્ષોભ પહોંચે છે.’૨૦

એક દિવસ દીનબંધુ સી. ઍફ. ઍન્ડ્રૂઝ સાથે ગાંધીજી વાત કરતા હતા ત્યારે મહાદેવભાઈ ચા વગેરે લઈને આવ્યા. ઍન્ડ્રુઝ આગળ ગાંધીજી કહે:

આનો પ્રેમ તમારા ઉપર ઊભરાય છે. એને લાગે છે કે તમે આટલાં બધાં ખજૂર ખાઈ શકો અને આટલી બધી ચા તમારે પીવી જોઈએ. એની હાજરીમાં એનાં વખાણ કરીને હું આશા રાખું છું કે હું એને બગાડીશ નહીં. આણે આશ્રમને બસ ભરી દીધો છે, એ આશ્રમથી ધન્ય થવા નહીં પણ આશ્રમને ધન્ય કરવા આવ્યો છે. આ કહેતાં મને શરમ આવે છે, પણ એ વાત સાચી છે કે અહીં કેટલાંક એવાં છે કે જેઓ આશ્રમને ધન્ય કરે છે, આશ્રમથી ધન્ય થતાં નથી. એવાં થોડાં મોતી મને મળ્યાં છે તે પૈકીનું આ એક છે.૨૧

આને વિશે મહાદેવભાઈએ માત્ર પાંચ શબ્દો નોંધ્યા છે:

‘મારાં વખાણ કરી મને અકળાવ્યો.’

પણ ગાંધીજી મહાદેવના કામ અંગે મુગ્ધ હતા એનો અર્થ એ નહીં કે કામ કરાવવા અંગેની તેમની સખતાઈ જરાય ઓછી થતી હતી. ૨૬મી એપ્રિલની ડાયરીનો પૂર્વાર્ધ એનો દાખલો પૂરો પાડે એમ છે:

રાત્રે ખૂબ મળીભેટી સૂઈ ગયા. સવારના પહોરમાં મને બોલાવીને પ્રવચન આપ્યું, ‘તમે પ્રેમથી કર્યું છે એટલે શું કહું? પણ આધ્યાત્મિક રીતે તમે બહુ ખોટું કાર્ય કર્યું એમ મારે કહેવું પડે છે. તમે તે દિવસે મારા આવ્યા વિના ન કેમ જમ્યા? મને તે દિવસે બહુ કષ્ટ થયું. તમે પ્રીતિની લાગણીથી ન જમ્યા હો એ પ્રીતિ નકામી છે. માત્ર હું આવું અને ત્યાર પછી આનંદથી ભેગા જમશું એ લાગણીથી ન જમ્યા હો તો એ તો વિષય કર્યા જેવું કહેવાય.’૨૨

આટલું કહીને અટક્યા હોત તો તો બહુ ભયંકર લાગત. મહાદેવભાઈ બિચારા બાપુ બહારથી નથી આવ્યા એટલે જમવા સારુ એમની વાટ જોતા ચૂલા પર રસોઈ રાખીને બેઠા રહે અને એ વાટ જોવાને જ બાપુ ‘આધ્યાત્મિક રીતે ખોટું કામ’ કહે અને એમ કરવામાં ‘વિષય કર્યા જેવું કહેવાય’ એવા આકરા શબ્દો વાપરી દે? આપણને સહેજે પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ જુલમ ન કહેવાય? પણ ડાયરીનું ત્યાર પછીનું વાક્ય આ પ્રશ્નને નૈતિક મૂલ્યમાપણીના સ્તરથી વ્યાવહારિક ભૂમિકા પર લઈ આવે છે, જેને લીધે ગાંધીજીનું એ કથન થોડું સહ્ય બને છે:

‘તમને મારે તરત ક્યાંક મોકલવાના હતા. પણ મેં જોયું કે તમે તો જમ્યા ન હતા. હું શી રીતે આ પ્રમાણે તમારી પાસે કામ લઈ શકું? તમને તમારી બૂરી ટેવને પણ સારી માનવાની ટેવ પડી છે. અમુક ન થઈ શકે એમ તે શું હોય? તમારા પિતાએ અને દુર્ગાએ તમને બહુ પંપાળ્યા છે.’૨૨

ગાંધીજીના વ્યક્તિત્વમાં પૂર્વ-પશ્ચિમનો એક પ્રકારનો સંગમ જોવા મળે છે. એમના આદર્શમાં, ધ્યેયમાં અને કેટલેક અંશે ભાષામાં પણ જેમ પૂર્વની સંસ્કૃતિનો પડઘો પડતો હતો, તેમ એમની કાર્યદક્ષતા, કામ લેવાની ચુસ્તતા અને વ્યક્તિગત જીવનની ટેવોમાં પશ્ચિમી રહેણીકરણીની અસર જણાઈ આવતી હતી. આ અસરને લીધે તેઓ મહાદેવભાઈની કુમળી લાગણીઓ ઉપર પ્રહાર કરવાને તૈયાર થતા હતા.

પણ મહાદેવની ભક્તિ તેમને આ કીડી પરનું કટક સહેવાની શક્તિ આપતી. જોકે ગેરસમજૂતી થતી જ નહીં એમ તો શી રીતે કહી શકાય? સાબરમતી આવ્યા પછી મહાદેવભાઈને ફરી એક વાર ચંપારણ મોકલ્યા. નરહરિભાઈને રાષ્ટ્રીય શાળાના કામ સારુ આશ્રમમાં જ રોકી લીધા. મહાદેવભાઈના મન પર એવી છાપ પડી કે ગાંધીજીની કસોટીમાં તેઓ અધૂરા ઊતર્યા છે તેથી તેઓ તેમને પોતાનાથી દૂર મોકલી દે છે. આ વાતની જાણ થઈ ત્યારે માઠું લગાડવાનો વારો ગાંધીજીનો આવ્યો. મહાદેવભાઈએ વલ્લભભાઈ મારફત એક પત્ર ખેડા મોકલાવીને આ અંગે ફરિયાદ કરી, વલ્લભભાઈ મારફત જ ગાંધીજીએ ઉત્તર લખ્યો:

ભાઈશ્રી મહાદેવ,

જે વચન મેં તમારા ઉપરની મારી અતિશય શ્રદ્ધાને લઈને કહ્યું તેનો તમે ઊંધો જ અર્થ કરશો તે તો મારા સ્વપ્નમાંય નહોતું. તમે મારામાં એટલા બધા વીંટળાઈ ગયા છો કે તેને લીધે તમને ચંપારણ જવામાં આઘાત પહોંચે તે હું ધારતો હતો, પણ તમે અપૂર્ણ નીવડ્યા તેથી તમને ફેંકી દેવાની મેં આવી યુક્તિ શોધી તે તમારી કલ્પનામાં પણ કેમ આવી શક્યું? તમે જ મારી આશા પૂરી કરી શકો એવા મેં માન્યા અને ચંપારણ સૂચવ્યું. દુર્ગાના ગજા ઉપરાંતનું બડહરવાનું કામ નથી, એમ મેં માન્યું છે, એ ગણતરી ભલે ખોટી હોય. હમણાં તો તમારી શાંતિને અર્થે એટલું જ કહું છું કે તમે કરેલી બધી કલ્પના ખોટી છે. તમારી બંનેની શક્તિ વિશેનું મારું માન એ જ મારી સૂચનાનું કારણ છે. તમારી મદદ વિના મને અગવડ પડશે એની હું રાવજીભાઈ તથા દેવદાસ બંને સાથે વાત કરી ચૂક્યો હતો. તમે એવી સ્થિતિ કરી મૂકી છે કે તમારી જગ્યા પૂરવી લગભગ અશક્ય છે. પોલાકને લખેલાં વાક્યો ખરાં જ છે, તમે મને નિરાશ નથી કર્યો. તમને મેં મારા રાજપ્રકરણી કાર્યને સારુ, કુશળતાને સારુ ને તમારા ચારિત્ર્યને સારુ પસંદ કર્યા છે. તે ઉપરાંત તમે મને અતિ પ્રેમથી બનાવેલી ખીચડી ખવરાવી શકો છો, એ વિશેષ છે.’૨૩

બીજી રાત્રે ગાંધીજી અમદાવાદ આવ્યા: વળતે દિવસે: ‘સવારે મારા બેવકૂફી ભરેલા પત્ર પર ભાષણ.’

‘ “તમે આવો અનર્થ કરશો એવો મને ખ્યાલ ન હતો. તમે મને ભારે અન્યાય કર્યો.” પોતાને વિશેની છબી રજૂ કરતાં ગાંધીજીએ આગળ ચલાવ્યું, “હિંદુસ્તાનમાં હું જે નિર્ભયમાં નિર્ભય માણસ ગણાઉં તેને તમે બાયલો બનાવ્યો. હું સીધી રીતે તમને ન કહી શકું, તે તમને આડકતરી રીતે કહ્યું! તમને ખોવામાં મારે જે ભોગ આપવો પડે તે ભોગ હું બડહરવાની શાળાને માટે આપવા તૈયાર છું એટલું પણ તમે ન સમજી શક્યા. મને ખાતરી હતી કે હું તો તમને જ્યાં નાખું ત્યાં તમે કામ પાર ઉતારો. એ લાયકાત સમજીને તમને સૂચના કરેલી. તમારા પત્રથી તમે એ લાયકાત તમારી નથી એમ પુરવાર કર્યું.” ’

મેં કહ્યું: ‘નરહરિને ન મોકલી શકાય અને મને મોકલી શકાય એમ કહ્યું ત્યારે મને એમ થયું કે મારી જરૂર બહુ ઓછી છે.’

બાપુ: ‘એ વાત સાચી છે. અહીંની શાળાને માટે નરહરિની જરૂર છે, ત્યાંથી તેને કેમ મોકલાય? હું મારા સેક્રેટરી વિના ન જ ચલાવી શકું એમ નથી. મને અગવડ પડે પણ હું ચલાવી શકું, તમે આપેલું કામ બીજો ન આપી શકે, પણ હું તો મારું કામ મારી મેળે કરતો હોઈ ચલાવી લઈ શકું. માત્ર એટલું કે તમે હો તો હું કરું તેના કરતાં બમણું કામ કરું. એ ભોગ આપવા હું તૈયાર થયેલો.’૨૪

મહાદેવ શરમાયા હશે. એમના આળા સ્વભાવને લીધે આગળ ઉપર પણ મનદુ:ખના પ્રસંગો બનશે.

આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં આપણે એક હકીકતની નોંધ લઈ લઈએ જે એમ તો કાળક્રમે દોઢ-પોણા બે વર્ષ પછીની છે. ગાંધીજીને ઘણા સંઘર્ષો વખતે જેમનો સામનો કરવો પડ્યો છે તે પણ વિચક્ષણ પુરુષો હતા. સહેજે ગાંજ્યા જાય એવા નહોતા. ૧૯૧૮ના માર્ચથી જૂન માસ લગી ચાલેલા ખેડાના સંઘર્ષમાં સામે પક્ષે જે અનેક સરકારી અમલદારો હતા તેમાં કમિશનર મિ. પ્રેટ આવા વિચક્ષણ પુરુષ હતા. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્ન અંગે ગાંધીજીને નિમંત્રણ આપનાર તેઓ હતા. પણ ખેડાની પ્રજા પાસે પ્રતિજ્ઞા તોડાવવાના પ્રયત્ન એટલે સુધી કરી શક્યા કે અમદાવાદમાં તો મજૂરોએ મારી હાજરીમાં પ્રતિજ્ઞાને ફગાવી દીધી હતી એમ કહી દીધું. ખેડૂતોને નડિયાદમાં સંબોધતી વખતે એક બાજુ ‘ગાંધીજી તો પવિત્ર પુરુષ છે’ એમ કહી, ‘પણ ભારતમાં નવાસવા આવ્યા છે, એટલે જમીનનો પ્રશ્ન તમારે મારા જેવા પાસે સમજવો જોઈએ’ એમ કહેનાર મિ. પ્રેટે આ લડત પૂરી થઈ પછી લગભગ દોઢ વરસે, અમૃતસર કૉંગ્રેસમાં ગાંધીજીએ એકંદરે જે બ્રિટિશ સરકાર પ્રત્યે વિશ્વાસ દેખાડ્યો હતો તે જોઈ પોતે રજા પર ઇંગ્લંડ ગયા હતા ત્યાંથી ગાંધીજીને નામ એક પત્ર લખ્યો હતો, જે ગાંધીજી બાબત એમના થયેલા વિચારપલટા (કે હૃદયપરિવર્તન?)નો દ્યોતક છે: અને સત્યાગ્રહની પ્રતિપક્ષી પર કેવી અસર પડે છે તેનો પુરાવો છે:

૧૮–૨–૧૯૨૦

ભાઈશ્રી ગાંધી,

‘હિંદમાંથી મારી ગેરહાજરી દરમિયાન ઇંગ્લંડનાં તથા હિંદનાં વર્તમાનપત્રો દ્વારા હિંદમાં બનતી ઘટનાઓથી હું ઠીક ઠીક વાકેફ રહું છું. એક-બે અઠવાડિયાં પહેલાં અમૃતસર કૉંગ્રેસમાંનું તમારું ભાષણ મેં વાંચ્યું. એ કૉંગ્રેસમાં તમે અને મિ. ઝીણાએ વહેમ અને નિરાશાની સામે વિશ્વાસ અને સહકારની લડત ચલાવી છે. મને થઈ આવ્યું કે તમે લીધેલા વલણ માટે હું તમને લખું અને અભિનંદન આપું. આ હું એક ખાનગી વ્યક્તિ તરીકે લખું છું. ભૂતકાળમાં આપણા સંબંધો સુમેળવાળા નહોતા જ. મારે માટે કહું તો મને લાગે છે કે તમારી સામે મેં જે આકરા વિચારો દર્શાવ્યા છે અને આકરાં વેણ ઉચ્ચાર્યાં છે તેનો જરાયે બચાવ થઈ શકે એમ નથી. પણ ભૂત કરતાં ભવિષ્ય વધારે મહત્ત્વનું છે અને તમારા અદ્ભુત ભાષણમાં મૈત્રી અને સહકારની ભાવનાથી તમે પોતાનો હાથ લંબાવ્યો છે, તે, એ જ ભાવનાથી હું પકડવા ઇચ્છું છું. હું આશા રાખું છું કે ઘણુંખરું માર્ચના આખર સુધીમાં હું અમદાવાદ આવી પહોંચીશ. તમને ફરી મળવાનો આનંદ મેળવવા હું ઉત્કંઠિત છું.૨૫

તમારો, ઍફ. પ્રેટ

નોંધ:

૧. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૭૯.

૨. એજન, પૃ. ૮૦-૮૧.

૩. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૪૫.

૪. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૮૭.

૫. એજન, પૃ. ૧૦૩.

૬. गांधीजीनो अक्षरदेह – ૧૪ : પૃ. ૨૧૧. ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને પત્ર.

૭. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૧૦૩.

૮. એજન, પૃ. ૧૦૩.

૯. गांधीजीनो अक्षरदेह – ૧૪ : પૃ. ૨૪૦.

૧૦. નરહરિ પરીખ सरदार वल्लभभाई – ૧ : પૃ. ૧૧૧

૧૧. એજન, પૃ. ૧૧૧.

૧૨. गांधीजीनो अक्षरदेह – ૧૪ : પૃ. ૨૯૧.

૧૩. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૧૧૪.

૧૪. એજન, પૃ. ૧૧૭.

૧૫. એજન, પૃ. ૧૧૭

૧૬. એજન, પૃ. ૧૨૦.

૧૭. ગ. મા. નાંદુરકર, सरदारश्रीना पत्रो, भाग-૪ : પૃ. ૨૮

૧૮. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૩૦

૧૯. એજન, પૃ. ૮૧

૨૦. એજન, પૃ. ૬૦

૨૧. એજન, પૃ. ૬૧

૨૨. એજન, પૃ. ૮૬-૮૭

૨૩. એજન, પૃ. ૧૦૪

૨૪. એજન, પૃ. ૧૦૫

૨૫. એજન, પૃ. ૪૭ પાદટીપ.