અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/છ – લગ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છ – લગ્ન

તે કાળના રિવાજ મુજબ માત્ર તેર વર્ષની ઉંમરે મહાદેવભાઈનાં લગ્ન (ઘણું કરીને તા. ૨૩–૪–૧૯૦૫ને દિને) એમનાથી તેર માસ નાનાં દુર્ગાબહેન જોડે નવસારી પાસે કાલિયાવાડીમાં થયાં. લગ્ન અનાવિલોના રીતરિવાજ પ્રમાણે, પણ આજકાલ એમનામાં થાય છે તેના કરતાં ઘણી સાદાઈથી થયેલાં. મોટે ભાગે ‘તાપીથી વાપી’ સુધીના એટલે કે, જૂના સુરત જિલ્લા અને અત્યારના સુરત અને વલસાડ જિલ્લામાં વસવાટ કરનાર અનાવિલ જ્ઞાતિએ અનેક સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક અનાવિલોએ તો પોતાની જ્ઞાતિનું ગૌરવ વીસરાય નહીં, અને એમાં રહેલી ખામીઓ દૂર થાય એ હેતુથી અનાવિલ જ્ઞાતિ વિશે દળદાર પુસ્તકો પણ લખ્યાં છે. આપણે અહીં એનાં મૂળિયાં તપાસવા જઈને જ્ઞાતિપ્રથાને મજબૂત બનાવવામાં સહાયભૂત ન થઈએ.

પ્રશંસાના વહેણમાં સત્યની અવહેલના ન થાય એટલા ખાતર અહીં એની નોંધ લઈએ કે અનાવિલોને બદનામી અપાવનારી અને અનેક અનાવિલ કન્યાઓનાં વડીલોને ધૂળધાણી કરનારી વાંકડા એટલે કે, પૈઠણ (વરવિક્રય)ની રસમથી શ્રી હરિભાઈ પણ બચ્યા નહોતા. એમણે વેવાઈ પાસે છસો રૂપિયાનો વાંકડો લીધેલો. સમાજસુધારાના વિચારોથી તે કાળે હરિભાઈ પ્રભાવિત થયેલા નહીં અને તેર વર્ષના કિશોર મહાદેવે તો તે વખતે એ બાબત વિચાર પણ કર્યો હશે કે કેમ એ પ્રશ્ન છે.

સ્નેહીઓને લગન વિશેની વધુ વાતો દુર્ગાબહેન પાસેથી જ સાંભળવા મળતી. શ્રી નરહરિભાઈ અને મણિબહેન તો મહાદેવ અને દુર્ગાનાં જિગરજાન દોસ્તો. એટલે એમની આગળ તો એ કહ્યા વિના શાનાં રહે? महादेवभाईना पूर्वचरितમાં નરહરિભાઈએ એ વાતને પોતાની લાઘવવાળી છતાં સરસ વિશદ શૈલીમાં રજૂ કરી છે:

‘મહાદેવભાઈ કરતાં દુર્ગાબહેન એકાદ વરસે નાનાં છે. એમનું પિયર નવસારી પાસે કાલિયાવાડીમાં. એમના પિતા શ્રી ખંડુભાઈ લલ્લુભાઈ દેસાઈ કેળવણીખાતામાં ડેપ્યુટી ઇન્સપેક્ટર હતા. મહાદેવનું કુટુંબ કુળવાન તો ગણાય, પણ સ્થિતિ ગરીબ. ખંડુભાઈ રહ્યા કેળવણીખાતાના એટલે શાળામાં જઈને છોકરો કેવો છે તેની તપાસ કરી. બધા શિક્ષકોએ કહ્યું કે છોકરો ભારે હોશિયાર અને સુંદર છે. દુર્ગાબહેન તો મોહિત પછી થવાનાં હતાં, પણ એમના પિતાશ્રી તો મહાદેવભાઈને જોઈને જ મોહિત થઈ ગયા, અને આર્થિક સ્થિતિનો કશો વિચાર કર્યા વિના, “વરમાંથી ઘર થાય” એ ન્યાય સ્વીકારી એમણે તો નિશ્ચય પાકો કરી નાખ્યો. ખંડુભાઈ શ્રેયસાધક અધિકારી વર્ગના સ્થાપક નૃસિંહાચાર્યના શિષ્ય હતા, અને એમનું કુટુંબ પણ ભગત કહેવાતું. જોકે એ સાચા અર્થમાં તો ભક્ત હતા. દુર્ગાબહેનનું શાળાનું ભણતર ગુજરાતી છ ચોપડી સુધીનું થયેલું, પણ નાનપણમાં જ શ્રેયસાધક વર્ગનાં પુસ્તકો અને બીજાં ભજનો પણ ઘણાં વાંચેલાં.’

આપણે આગળ જોઈશું કે મહાદેવભાઈમાં પણ તેથી ભક્તિના સંસ્કાર ઊંડા પડેલા હતા. એ રીતે અનાયાસે, કશી પસંદગી કરવા ગયા વિના સુયોગ્ય જોડું મળી ગયું.

દુર્ગાબહેન કહે છે કે પરણીને સુરતથી દિહેણ જતાં માફામાં અમારી સાથે બે ભાભીઓ બેઠેલી હતી. મહાદેવ બોલવામાં અને વાર્તાવિનોદ કરવામાં તો પહેલેથી જ ચબરાક હતા એટલે એમણે આખે રસ્તે ભાભીઓ સાથે ઠઠ્ઠામશ્કરી કરેલાં. એ સાંભળીને દુર્ગાબહેનને મનમાં થતું કે આવી વાતો શું કરતા હશે? ભાભીઓ કહે, ‘નહોતા પરણવાના ને કેમ પરણ્યા? ચોરીમાંથી ઊઠીને નાસી જવાના હતા ને કશું બોલ્યા વિના ફેરા તો ફર્યા?’ મહાદેવભાઈ કહે, ‘પણ મને વહુ ના ગમે તો હું નહોતો પરણવાનો ને? આ તો મને ગમી ગઈ એટલે શાનો ના કહું, કે ઊઠી જાઉં?’ આવા વિનોદો ઉપરાંત આખા રસ્તે ભાભીઓની તરેહ તરેહની મશ્કરીઓ પણ કરે. દુર્ગાબહેન શ્રેયસાધક વર્ગના ચોખલિયા વાતાવરણમાં ઊછરેલાં એટલે આવા નિર્દોષ પણ ગ્રામીણ લાગતા વિનોદમાં એમને અસંસ્કારિતા અને અસભ્યતા લાગી. પછી જ્યારે ઘર આગળ માફો પહોંચ્યો અને ઊતરવાનું કહ્યું ત્યારે માટીનું ખોરડું જોઈને પહેલાં તો આ ઘર આપણું હશે જ નહીં, આ કોઈ દૂબળા કે કોળીનાં ઝૂંપડાં હશે એમ થયેલું. આ પ્રથમ છાપ છે. પછી તો જે રીતે બધાં સાસરિયાં એમની સાથે વર્ત્યાં અને ઘરના સંસ્કારોનો અનુભવ થયો એટલે એ છાપ તરત ભૂંસાઈ ગઈ.૧

મહાદેવભાઈ એક વાત કાંઈક કૌતુક, કાંઈક રમૂજ અને કાંઈક ગર્વ સાથે પોતાના અંતરંગ લોકોને અનેક વાર કહેતા કે તેર વર્ષની વયે લગ્ન થયાં તે પહેલાં એમને માટે જે માગાં આવ્યાં હતાં તે બધી છોકરીઓનાં નામ દુર્ગા હતાં!

કિશોર અવસ્થામાં લગન એટલે ત્યારથી જ પરિણીત જીવનનો પ્રારંભ એમ હરગિજ નહીં. લગ્નની મુખ્ય અસર તો દુર્ગાબહેન પર જ પડી. પરણ્યા પછી એમનો વાસ મોટે ભાગે પિયેર કાલિયાવાડીને બદલે સાસરા દિહેણમાં થયો. શરૂઆતનાં વરસોમાં સાસરામાં દળવા, ખાંડવા, વાળવા, પાણી ભરવા વગેરેનું કામ પણ ઠીક ઠીક રહેતું. પિયેરમાં દુર્ગાબહેન નાની દીકરી એટલે લાડકાં હતાં. સાસરિયામાં ઉંમરમાં પોતાનાથી ચારપાંચ વરસ જ મોટાં સાસુ પણ હતાં. અને પછી તો બે નણંદ અને બે દિયેરની દેખરેખ ને સેવાચાકરીનાં કામ પણ એમાં ઉમેરાયાં. મહાદેવનો ગૃહસ્થાશ્રમ તો એમણે ઠેઠ અઢારઓગણીસ વરસની ઉંમરે માંડ્યો હશે, પણ ગૃહિણી તરીકેની તાલીમ તો એમને તે અગાઉ જ મળી ગયેલી.

નોંધ:

૧. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित, पृ. ૨૩–૨૪.