અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સર્જન-વિવેચનના સંબંધો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦. સર્જનવિવેચનના સંબંધો
ડૉ. રમણલાલ જોશી

આરંભમાં ગુજરાતીના અધ્યાપકસંઘના આ ૩૬મા સંમેલનના પ્રમુખ તરીકે મારી બિન-હરીફ વરણી કરવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું. આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી આ સંસ્થાએ કશા પદ્ધતિપૂર્વકના બંધારણ કે વ્યાવહારિક આંટીઘૂંટી વગર કૌટુંબિક ભાવથી પોતાનું કામ ગોઠવ્યું છે અને ગુજરાતીના અધ્યયન-અધ્યાપનને તેજસ્વી બનાવવાના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. અધ્યાપનના વ્યવસાય નિમિત્તે સાહિત્ય સાથે આપણું પનારું પડ્યું છે. વિષય તરીકે ગમે તે ભાષાનો અધ્યાપક સૌપ્રથમ સાહિત્યનો અધ્યાપક છે. આસ્વાદ-મૂલ્યાંકનની પ્રવૃત્તિ દ્વારા નાનુંમોટું વિવેચનકાર્ય આપણે કરતા આવ્યા છીએ. કેટલાક મિત્રોની આ પ્રવૃત્તિ વર્ગ પૂરતી સીમિત રહી નથી અને એમની વિવેચનની ગંભીર ઉપાસનાનાં સુફળ પણ આપણને મળ્યાં છે; તેમ છતાં કેટલાક સર્જકો અને ખુદ વિવેચકો તરફથી ‘અધ્યાપકીય વિવેચન'ની ટીકાઓ પણ થતી રહી છે. અધ્યાપકીય વિવેચન એટલે ‘Academic Criticism' એમ જો અભિપ્રેત હોય તો એવા વિવેચનને દુનિયામાં ક્યાંય પણ ઉતારી પાડવાની પ્રવૃત્તિ થઈ જાણી નથી. ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપન સાથે સંકળાયેલાઓના વિવેચનકાર્યને બાજુ પર રાખતાં બાકી શું રહે એનો હિસાબ માંડવા જેવો છે. એટલે આ સંમેલનમાં સર્જન-વિવેચનના સંબંધો વિશે મને જે સૂઝ્યું એનો આપની સાથે સંવિભાગ રચવાનું મેં પસંદ કર્યું છે. આટલી ભૂમિકા પછી વિષય પ૨ આવું. આપણે જાણીએ છીએ કે સાહિત્યસૃષ્ટિમાં સર્જક, ભાવક અને વિવેચકની ત્રિપુટી હોય છે આપણા સંસ્કૃત આલંકારિકોએ ભાવક-સહૃદયને ‘પ્રતિભા’નું ગૌરવ આપ્યું છે. પ્રતિભાશક્તિ વગર સાહિત્યકૃતિનું ભાવન શી રીતે શક્ય બને? પરંતુ એથી આગળની ભૂમિકા પણ છે. કૃતિનું ભાવન કરવું એટલું પૂરતું નથી, પણ ભાવનવ્યાપારને સમજવો સમજપૂર્વક આનંદ લેવો અને બીજાઓને એમાં ભાગીદાર બનાવી સહાયરૂપ થવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ સજ્જતા વિવેચકની હોય છે. સૌ વિવેચકો ભાવકો તો હોય જ છે; પણ બધા ભાવકો વિવેચકો હોતા નથી. ઉમાશંકરે વિવેચકને ‘ભાવકશ્રેષ્ઠ' કહ્યો એમાં જ વિવેચકની વધારાની સજ્જતાનો સ્વીકાર કર્યો છે. વર્ગમાં આપણે કેવા કેવા પ્રશ્નોનો સામનો કરતા હોઈએ છીએ, સાહિત્યકૃતિને અભિમુખ વિદ્યાર્થીઓના હાથમાં એનો મર્મ આવી આવીને છટકી જતો હોય ત્યારે સહેજસાજ મદદ ચિત્રને સ્પષ્ટ કરવામાં ફાળો આપે છે અને સામે બેઠેલી વ્યક્તિના ચહેરા પર આનંદની આભા છવાઈ જતી અનુભવાય છે. વિવેચનપ્રવૃત્તિની સપ્રયોજનતા વિવાદાતીત છે, તેમ છતાં વિવેચનની નિરર્થકતા સ્થાપવાના પ્રયત્નો પણ થાય છે. વિવેચન હોવું જ ન જોઈએ ત્યાંથી આરંભી જો હોય તો તે અમુક રીતનું જ હોવું જોઈએ ત્યાં સુધીના અભિપ્રાયો રજૂ થાય છે. જે સર્જકો વિવેચનને તદ્દન અનાવશ્યક માને છે તેઓ પણ પોતાની કૃતિઓ સાથે આસ્વાદ-વિવેચન જોડતા હોય છે. એમાં કોઈ પોતાના સર્જક-કર્મનો પ્રતિસાદ આપે એ કેવું રુચિકર નીવડે છે એનો જ અણસાર છે. સુરેશ જોષીએ કહ્યું છે : કેળવાયેલી રુચિથી આપણે જ્યારે કૃતિનું અનુશીલન કરતા હોઈએ છીએ ત્યારે આલોચનાની પ્રક્રિયા આપણા રસાસ્વાદને પૂરક બની રહે છે એના વડે જ આપણે કૃતિના હાર્દમાં પ્રવેશી શકીએ છીએ. પછી અસંપ્રજ્ઞાતપણે આપણે એમાં પ્રવૃત્ત થતા જ રહીએ છીએ. એ આપણા મનનું એક વલણ બની રહે છે. આથી જ તો એલિયટે વિવેચનને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જેવું અનિવાર્ય ગણ્યું છે ફ્રામ પણ સ્વીકારે છે કે આજે કોઈ પણ ભાવકને માટે કેવળ મુગ્ધતાથી કૃતિને જોવાનું શક્ય રહ્યું નથી. પ્રતિભાવમાં આત્મસભાનતા અનિવાર્યપણે રહી જ હોય છે. આપણી આલોચનાબુદ્ધિએ શુદ્ધ પ્રતિભાવોને કચડી નાખ્યા છે એમ કહેવું અન્યાયભર્યું લેખાશે, એને બદલે આપણે એમ કહેવું જોઈએ કે આમ વ્યવધાનરૂપ ગણાતી હોવા છતાં વિવેચનની પ્રવૃત્તિ જ આપણને પ્રભાવક્ષેત્રની અંદર પ્રવેશ કરાવે છે. રોલાં બાર્થ કહે છે તેમ વિવેચન તે કાંઈ કૃતિ વાંચ્યા પછીના પરિણામનું સરવૈયું કાઢી આપનાર કોષ્ટક નથી એ તો આપણી બૌદ્ધિક પ્રક્રિયા છે. (‘ચિન્તયામિ મનસા', પૃ. ૮૨).
સાહિત્યના અભ્યાસને સંવેદનશીલતાની કેળવણી કહીએ તો એ કેળવણીની પ્રક્રિયામાં વિવેચનની અનિવાર્યતા સમજી શકાય એમ છે, સાહિત્યપદાર્થ સાથે કામ પાડનારને એક તરફ સર્જન અને બીજી તરફ વિવેચન આ બંને વચ્ચેના સંબંધો વિશે વિચારવાનું આવવાનું. હરકોઈ જમાનામાં સર્જનને પામવામાં વિવેચન ઊણું ઊતર્યાની ફરિયાદો થતી રહે છે. સર્જન અને વિવેચન હંમેશાં સામસામા મોરચામાં હોય એવો અફર નિયમ નથી. જ્યારે પણ અનુકૂળ પ્રતિભાવ ન સાંપડે ત્યારે વિવેચનકાર નિષ્ફળ ગયો છે એમ માનવું-મનાવવું સુગમ થઈ પડતું હોય છે. એવા દાખલા ન હોય એમ કહેવાનું નથી, પરંતુ જાણીબૂઝીને નિષ્ફળ થવાનું કોને ગમે? વારંવાર પુછાતો પ્રશ્ન એ છે કે તત્કાલીન વિવેચન તત્કાલીન સર્જનને સમજવામાં કેટલું સફળ થયું? આ પ્રશ્ન પરત્વે બે સ્થિતિ સંભવે છે : ૧. વિવેચને જે કોઈ નવો ઉન્મેષ આવે – વિશિષ્ટ બુદ્ધિશક્તિનો પ્રાદુર્ભાવ થાય તેને બરાબર ઓળખી લે. ૨. જુદી નિરૂપણરીતિ કે શૈલી ખ્યાલમાં ન આવે. બલવતંરાયે પ્રતિભાબીજની માવજત'માં પ્રતિભાની ખિલવણી આડે રહેલાં ત્રણ વિઘ્નોની ચર્ચા કરી છે. પહેલું વિઘ્ન તે આયુષ્યનું અલ્પપ્રમાણ. બીજું તે “સંક્રાન્તિકાળના વાતાવરણમાં કવિતાપ્રવૃત્તિને પ્રતિકૂલ નાના મોટા વાયુ ઊઠે અને ‘ચાલ્યા કરે એ' પ્રકારનું છે. ત્રીજું તે “કદરનો તૃષાનો અભાવ.'’ ત્રીજા વિઘ્ન વિષે વિગતવાર ચર્ચા તેમણે કરી છે. કાન્તના રમણભાઈ નીલકંઠ ઉપરના તા. ૧૭-૭-૧૮૯૦ના પત્રનો હવાલો આપી તેઓ કહે છે : કવિમાનસ કે કલાસર્જકતાવાળા સોએ પંચાશી નેવું ટકા આમ જ બોલવાના. એકલે પંડે મંડ્યા રહેવાની ભાવના શ્રદ્ધા તો ઘણીય છે. તથાપિ એકલે પંડે ગાવું, કવિતાઓ અને કલાકૃતિઓ રચી રચીને સુણાવવી ત્યારે ૧. અરણ્યનાં વ્હેરાં થડો જેવાં આ દુન્યવી માણસોને, એ કોને રુચે વારુ? એવી લોકોત્તર મહત્તા આપણામાં ભલે ન હોય, આપણને તો સહાનુભૂતિ મળે, સહકાર હોય, આપણા હૌકાના પ્રતિધ્વનિ મળતા જાય, ત્યારે ફાવે, પ્રતિભાબીજની માવજત હું જે માગી રહ્યો છું, તેનો મુખ્ય અંશ પ્રજાની આ સહાનુભૂતિ અને કદર છે. સમગ્ર લેખનું તાત્પર્ય એક જ વાક્યમાં તેમણે આપ્યું છે કે, ‘કવિઓ અને કલાકારો પ્રતિ સાચી સહાનુભૂતિ એ જ તેમની ખરી અને પૂરતી માવજત છે. સર્જન અને વિવેચનના સંવાદી સંબંધો એ સાહિત્યના ઉત્કર્ષમાં એક મોટું પ્રભાવક બળ છે. એથી જ બળવંતરાય ‘પતીલ’ના ‘સદ્ભાવના'નો સંદર્ભ આપી પ્રિય પ્રજાને કહે છે, “રે બીજું દઈ તું શકે નવ શકે, દે એક સદ્ભાવના! કેટલીક વાર વિવેચક પરંપરાથી જુદી પડતી શૈલીને પ્રામાણિકપણે સ્વીકારી શકતો હોતો નથી. રુચિનું બંધિયારપણું એને માટે જવાબદાર હોય છે. બાલાશંકરના ‘કલાન્ત કવિ' વિશે નવલરામે આટલાં વાક્યો લખેલાં : ‘રચીને પ્રસિદ્ધ કરનાર બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. આ સમશ્લોકી ખંડકાવ્ય છે. એમાં ૧૦૦ શિખરિણી વૃત્ત પ્રિયાવિરહ ઉપર લખેલાં છે. ભાષા તથા પદ્યબંધ ઠીક છે, અને કોઈ કોઈ સ્તળે રસતરંગ પણ છે, પરંતુ એમાં ઠેકાણે ઠેકાણે ઉઘાડો શૃંગાર અને પરકીયા ભાવ હોવાથી અમે તેનું વિશેષ વિવેચન જ લખવા રાજી નથી! નરસિંહરાવને એમાં ઉદ્ધત મસ્તી દેખાઈ. જહાંગીર સંજાણાએ પણ એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવી નહિ. નવી કૃતિને પામવામાં વિવેચન કેવું ઊણું ઊતરે છે તેનો આ દાખલો છે. આ Conditioning-ને કારણે નવા ઉન્મેષોને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં એ જોઈ શકતો નથી. ખરી રીત તો હવે પછી આવનારા પ્રવાહને આગોતરા પામી જવો એ જાગ્રત વિવેચકનું કાર્ય છે. સમકાલીન સાહિત્યના વિવેચન વિશે આપણે ત્યાં વિવાદ થયેલો. વિશ્વનાથ ભટ્ટે સમકાલીન સાહિત્યનું વિવેચન થઈ ન શકે એવો મત સ્થાપેલો તે આપણે જાણીએ છીએ. ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’ના ડિસેમ્બર, ૧૯૫૭ના અંકમાં ‘સમકાલીન કવિતાનું વિવેચન' એ લેખમાં આ પ્રશ્નનો યથાતથ ઉકેલ રજૂ કર્યો છે : ‘વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે. પ્રચલિત પરંપરાગત રૂપની ઓળખ તો સામાન્ય માવકોને પણ હોય. પણ પરંપરાના શેરડા કાળે કરીને ઊંડા ચીલા બની ગયા હોય ત્યારે આડેધડે રસ્તો કાપતા નવયાત્રીઓની પ્રવૃત્તિઓ ઉપર જે નજર રાખતો રહે અને એ પ્રવૃત્તિઓ કેટલે અંશે ખરેખર કાર્યસાધક છે એ દર્શાવતો રહે એ સૌ ભાવકોનો અગ્રેસર એવો વિવેચક ગણાય. ઉમાશંકરનો આ લેખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ‘નવીન કવિતા' વિશેના લેખના પ્રત્યાઘાત રૂપે લખાયેલો. ‘નવી' કવિતાને પામવામાં રહેલી મુશ્કેલીઓનો તે ખ્યાલ આપે છે. ‘જૂની’ ‘નવી’ સાહિત્યકૃતિઓના મૂલ્યાંકનમાં આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય જ છે. 'માલવિકાગ્નિમિત્ર'માં કાલિદાસે કહેલું :

पुराणमित्येव न साधु सर्वं
न चापि काव्यं नवमित्यवद्यम् ।

જૂનું છે એથી બધું સારું છે એમ નહિ, એ રીતે કાવ્ય નવું છે તેથી નિંદ્ય છે એમ પણ નહિ. પરપ્રયત્નેય બુદ્ધિનો ત્યાગ કરીને પરીક્ષણ કરવાનું રહે છે. સર્જક પણ આવા વિવેકશીલ-સમસંવેદનશીલ સમાનધર્માને વાંછતો હોય છે. ભવભૂતિ ‘માલતીમાધવ'માં કહે છે :

उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा
कालो ह्ययं निरवधि र्विपुला च पृथ्वी ॥

મારો કોઈ સમાનધર્મા પાકશે અથવા છે જ, કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે આ કથનમાં ભવભૂતિની સમાનધર્મા માટેની શ્રદ્ધા અને વિનમ્રતા એક સાથે પ્રગટ થઈ છે. સર્જન-વિવેચનના સંબંધોમાં નવલરામના નર્મદ વિશેનાં મૂલ્યાંકનો કેમ બદલાતાં ગયાં અને છેવટે સાચા મૂલ્યાંકન ઉપર તે આવીને ઊભા રહ્યા એ એક નોંધપાત્ર ઉદાહરણ છે. જુવાનીના કાળમાં ઉત્સાહથી તરવરતા નવલરામને પહેલી ઇનામી કવિતા અંગે અને બીજી રીતે પણ નર્મદ સાથેના પ્રસંગમાં તેમના ઉત્સાહ ઉપર ઠંડું પાણી રેડાયું હોય એવું લાગ્યું અને આ ઉદ્યોગી પુરુષે પોતાનું સ્થાન પોતાની સાધનાથી સિદ્ધ કર્યું એ ૫૨થી ગોવર્ધનરામ કલ્પે છે કે નવલરામે ઊગતા ગ્રંથકારોને પ્રોત્સાહન આપવાનું વલણ રાખ્યું એની પાછળ અગાઉ એમના ઉમંગનો ભંગ થયેલો એ કારણભૂત હોય. “નવલરામના નર્મદ વિશેના અભિપ્રાયો ઉત્તરોત્તર પરિષ્કૃત થતા ગયા એ વિશે ગોવર્ધનરામ લખે છે, સુરતમાં જે નર્મદનો મોહ હતો તે અમદાવાદમાં ધીમે ધીમે ખસ્યો જણાય છે, નર્મદ સ્મરણમાંથી ખસે છે; પ્રથમ પ્રેમાનંદ મોટો ખરો પણ નર્મદ તેથી મોટો લાગ્યો હતો – અમદાવાદમાં એમ લાગ્યું કે પ્રેમાનંદનો જોડિયો કોઈ નથી. રાજકોટ આવ્યા પછી ૧૮૭૮માં મનવિચાર ઊઠે છે, ‘શું તે નર્મદાશંકર અર્ધભણ્યા માણસની પંક્તિને જ યોગ્ય છે?’... ‘નર્મદાશંકર તો man of the mass જ છે.’ ગોવર્ધનરામ ટીકા કરતાં ઉમેરે છે કે “છેક ૧૮૮૭માં નવલરામે કવિ નર્મદાશંકરની જીવનકથા લખી તેની પ્રસ્તાવનામાં આ જ તુલના ફરી લખી છે. એમાં માત્ર શબ્દ છેક આવા ઉઘાડા નથી; નર્મદને ‘man of the mass'ને ઠેકાણે ‘સમયમૂર્તિ’ કહ્યો અને એના કાવ્યમાં પણ સમયનું ચિત્ર પડ્યું ગણ્યું. નર્મદના જીવનમાં મિત્રવિયોગના શોકની અને કવિ ઉપરની પ્રેમભક્તિની રમણીય છાયા પડેલી છે. એમાં કવિના દોષને ઠેકાણે ગુણની જ પરીક્ષા કરી છે, છતાં એ ગુણપરીક્ષામાં અતિશયોક્તિ ન કરતાં પોતાના ઠરેલ વિચારો જ લખ્યા છે. એ પરીક્ષામાં – એ તુલામાં – નર્મદની જે તુલના થઈ છે તેને, નવલરામની પ્રીતિના ઊભરાથી ઊભરાતી ભાષાના ટકા બાદ કરતાં, કોઈ છેક યથાર્થ નહીં ગણે તો ઘણીખરી યથાર્થ તો ગણાશે જ. ‘કુસુમમાળા’ ૧૮૮૭માં પ્રગટ થઈ અને ‘સરસ્વતીચંદ્ર'નો પહેલો ભાગ પણ ૧૮૮૭માં પ્રગટ થયો. ઊર્મિકાવ્ય અને નવલકથા પરત્વે આ બંને પ્રકાશનો આ વર્ષે થયાં એ ગુજરાતી સાહિત્યની એક ઘટના છે; પરંતુ નરસિંહરાવના મનમાં એક ગ્રહ બંધાઈ ગયો. ગોવર્ધનરામ વિશેનાં એમનાં ઉચ્ચારણોમાં એ પ્રગટ થયા સિવાય રહી શક્યો નહિ. નરસિંહરાવે અનેક પુસ્તકોની સમીક્ષા કરી, ‘સંન્યાસી’ જેવી અનુવાદકૃતિને અનુલક્ષીને નવલકથાનાં ઘટકોની તેમણે છણાવટ કરી પણ સરસ્વતીચંદ્ર'ની સમીક્ષા એમની પાસેથી મળી નહીં. આ જ નરસિંહરાવ ‘કુસુમમાળા' લઈ આવે છે તો મણિલાલ દ્વિવેદી એનાં કાવ્યપુષ્પોને પાશ્ચાત્ય કુસુમો પ્રાયશઃ રસરૂપગંધવર્જિત ગણે છે! અને રમણભાઈ નીલકંઠ એને કવિતા-સાહિત્યના રણમાં એક મીઠી વીરડી ગણે છે. સર્જનવિવેચનના સંબંધોમાં રસરુચિ આદિ કારણોને લઈને નવા પ્રવાહને ઓળખવાનું શક્ય બનતું નથી એનું જ આ એક ઉદાહરણ ગણાય. નરસિંહરાવ સામાન્ય રીતે કડક વિવેચક લેખાતા. ભલભલાની ખબર લઈ નાખે. તેમ છતાં એમની કૂણી લાગણી રમણભાઈ, ભીમરાવ, ભોળાનાથ આદિની કૃતિઓની સમીક્ષામાં જણાય છે. ‘ગુજરાતનો નાથ'ની પ્રસ્તાવનામાં મુંજાલ અને મીનળદેવી વચ્ચેના ‘‘વિલક્ષણ સ્નેહસંબંધની વાત કર્યા પછી પણ તે ‘કલ્પિત રચના'માં ઐતિહાસિક અંશનો ત્યાગ નથી થયો એમ કહેવું એમાં આનંદશંકરે યોગ્ય રીતે જ ‘અત્યુત્સાહી વકીલાત’' જોઈ છે. ખબરદાર, ન્હાનાલાલ આદિ વિશે નરસિંહરાવે dissection પદ્ધતિએ કડક આલોચના કરવાનું વલણ રાખેલું છે. ખબરદારની ‘વિલાસિકા'નું અવલોકન એમના કહેવાથી તેમણે કર્યું પણ એમાં સમભાવની કમીના જોઈ શકાય છે. સુન્દરમ્નું નિરીક્ષણ નોંધવું જોઈએ : તેમની ઇચ્છાથી નરસિંહરાવે આ સંગ્રહનું હવે ખૂબ જાણીતું થયેલું તથા જરા મુરબ્બીવટથી ભરેલું વિવેચન લખેલું, તેમાં તેમણે બતાવેલા ભાષાવિષયક દોષોનો બચાવ કરી, ખબરદારે દસ વરસ પછી ગુજરાતી કવિઓમાંથી, ખાસ કરીને અલ્પશવિવેકવાળા નર્મદનાં કાવ્યોમાંથી તેવા જ દૂષિત પ્રયોગો ટાંકી પોતાની નિર્દોષતા પુરવાર કરવા યત્ન કર્યો છે, પણ તેમાં ખબરદારની નિર્દોષતા કરતાં તેમણે જે પ્રમાણો ટાંક્યાં છે તેની સદોષતા જ વિશેષ સાબિત થાય છે. આગળ સુન્દરમ્ ઉમેરે છે કે, નરસિંહરાવમાં જે દોષો છે તે અહીં પણ એથીયે વિશેષ ગુરુત્વ પામીને ઊતરી આવ્યા છે. ઊલટપક્ષે ઉમાશંકર ‘વિશ્વશાંતિ' લઈ આવે છે ત્યારે બલવંતરાય ઠાકોર અને ન્હાનાલાલનું વલણ વાંચ્યા વગર વિરોધ દર્શાવવાનું હતું! લેખકે અભિપ્રાય માગેલો એ સંબંધમાં બલવંતરાયે લખેલું : ‘અભિપ્રાય માગવાનો હક કોણે લખી આપ્યો વારુ? ૧. મહાત્મા ગાંધીએ? ૨. પાંચમા જ્યોર્જે? ૩. બ્રહ્માએ? ખમ્મા અંગ્રેજ સરકારને કે અહીં તો દર છાશવારે ને શુક્રવારે છાપાં, ચોપાનિયાં, ફરફરિયાં આવી આવીને ઠલવાય છે! તે બધાંને મારી પાસે અભિપ્રાય માગવાનો હક વારુ? છટ્! અને પછી ઉમેર્યું કે, ‘ભાઈ શ્રી કાલેલકર, તમારા Protegeને કાગળ લખતાં શીખવો. કાગળમાંનું એક વાક્યમૌતિક ટાંકું છું, મને અભિપ્રાય માગવાનો હક છે. ન્હાનાલાલે તો લખ્યું : "Vishvashanti is returned herewith unread with thanks, for the undersigned neither receives nor gives presents to the Asahakaries of Gujarat, the majority of whom are a band of rascals and the man whom they call Mahatma is... જ્યારે નરસિંહરાવે ઉમળકાભેર ‘વિશ્વશાંતિ'નું સ્વાગત કર્યું અને એમાં ‘સાક્ષરયુગનું ભાવિદર્શન' કર્યું. નવા સર્જક પ્રત્યેના વિવેચકોના વલણે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કીટ્સનો દાખલો આપણે જાણીએ છીએ. નરસિંહરાવની વાત નીકળી છે તો એમના વિવેચનકાર્યનું સમતોલ મૂલ્યાંકન કરનાર વિષ્ણુપ્રસાદ ખબરદારના ‘દાર્શનિકા' અને પૂજાલાલના ‘પારિજાત’ની વિવેચનામાં કેવા તણાઈ જાય છે તે જોવા મળે છે. ઉમાશંકરે વિષ્ણુપ્રસાદના વિવેચનનું વિવેચન કરતાં નોંધ્યું છે કે, દર્શનિકામાં રમણીય તત્ત્વદર્શી કવિતા જોવામાં કદાચ તે સમયનાં ચાલુ કાટલાંનો ફાળો વધારે છે. ‘પારિજાત'ના આ અવલોકનમાં કાં તો બળવંતરાયના પ્રવેશકને લીધે કાં તો તે સમયના પ્રચલિત અભિપ્રાયોને કારણે, પણ ખબરદાર અંગે બન્યું છે તેમ, કવિપ્રતિભાનો ક્યાસ પૂરો નીકળતો નથી.’’ કેટલીક વાર સાહિત્યેતર કારણોને લઈને સર્જનનું યથાર્થ મૂલ્ય આંકવામાં વિવેચન થાપ ખાઈ જાય છે. રમણભાઈ નીલકંઠ જેવા પણ ‘પૃથુરાજરાસો' સંદર્ભે ‘ઉપમા ભીમરાવસ્ય' એવું લખવા પ્રેરાયેલા. ન્હાનાલાલે પૃથુ શુકલના ‘ફૂલપાંદડી'ના ઉપોદ્ઘાતમાં લખેલું, ‘ન્હાનકડી ચોપડી છતાં આ રસગ્રંથ છે. પચ્ચીસ કુસુમમાળાઓ કે પચ્ચાસ ભણકારનાં રસસામગ્રી કળાસુષુતા શબ્દમાધુર્ય ને કાવ્યપ્રસાદ આમાં છે (આપણાં સાક્ષ૨૨ત્નો' ભા. ૨, પૃ. ૪૯)
આ પ્રકારની વાદગ્રસ્તતા ખુદ વિવેચનને જ હાનિ કરે છે. છેક સાંપ્રતયુગનો દાખલો લઉં તો સુરેશ જોષીનો વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ૧૯૫૭માં બહાર પડ્યો. આપણે જાણીએ છીએ કે જૂની વાર્તાશૈલીની કાયાપલટ થઈ ગઈ અને ટૂંકી વાર્તામાં નવા પ્રયોગોને સુરેશભાઈએ પ્રતિષ્ઠિત કર્યા. આ સંગ્રહનું ‘સંસ્કૃતિ'માં અવલોકન કરતાં વિનાયક પુરોહિતે પ્રયોગશીલતા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે, પ્રયોગો વધારે નીડરતાથી થવા જોઈએ એ કહું છું તેની સાથે સાથે એ પણ કહી દઉં કે આવા પ્રયોગો સફળ ત્યારે જ થઈ શકે જ્યારે લેખકના અંતરના ઊંડાણમાંથી એવી પ્રેરણા થાય. આ એમણે શી રીતે જાણ્યું? કૃતક પ્રયોગશીલતાની ચર્ચા તો થઈ નહીં. મૂલ્યાંકન તેમણે આ રીતે કર્યું – ‘ગૃહપ્રવેશ' પૂરતું તો એમ કહી શકાય કે અંધકારમાં થડકતા દિલે લેખકે હાથ ફંફોળ્યા છે તેથી તેઓ ઘર ભૂલ્યા છે. કોઈ બીજી વાર, આત્મવિશ્વાસ સાથે અને અને આડંબર કોરે મૂકીને પ્રયાસ કરશે તો કદાચ સાચું પ્રવેશદ્વાર જડી આવશે. (‘સંસ્કૃતિ’, નવે. ’૫૭, પૃ. ૪૪૦.)
પ્રવેશદ્વાર આમ ન જડે એવું ફરમાન કાઢવાથી કોઈનો પ્રવેશ અટકાવી શકાતો નથી! સર્જન-વિવેચનના સંબંધોનો પ્રશ્ન Complex છે, સંકુલ છે. કોઈ યુગને નવાના સ્વીકાર માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. સાહિત્યમાં કશું નવું આવે ત્યારે વિવેચકો એને ન ઓળખી શકે એમ બને. પ્રામાણિકપણે એમને એ ન સમજાઈ હોય. અંગત વિચારધારાને કારણે પણ મૂલ્યાંકન ધૂંધળું બનતું હોય છે. તૉલ્સ્ટૉય જેવા મનીષીએ આખા ને આખા શેક્સ્પિયર ઉપર ચોકડી મૂકેલી! દરેક સમયગાળામાં ભૂતકાળના સાહિત્ય પ્રત્યે એક ટીકાત્મક અભિગમ રહેતો હોય છે. પાછું મતચક્ર બદલાતું પણ રહે છે. સુરેશ જોષીએ ‘સરસ્વતીચંદ્ર’ની કડક ટીકા કરેલી છે, પણ એમની સ્કૂલના સુમન શાહ અને શિરીષ પંચાલને ‘સરસ્વતીચંદ્ર'માં રસ પડતો આપણે જોઈએ છીએ. સર્જન અને વિવેચન એક રીતે અન્યોન્યાશ્રયી છે. મૅથ્યુ આર્નલ્ડે તો વિવેચન સર્જનાત્મકતાને પાંગરવાની એક આબોહવા રચી આપે છે એમ ભારપૂર્વક કહેલું. જે તત્ત્વો વડે સર્જકશક્તિ કાર્ય કરે છે તે તો છે વિચારો. જેટલે અંશે પ્રજાજીવનમાં ઉત્તમોત્તમ વિચારો પ્રભાવક બને તેટલે અંશે સર્જકોને પણ એ ઉપયોગી નીવડી શકે. અને આ કાર્ય વિશેષે વિવેચનાનું છે : To make the best ideas prevail...the creating a current of true and fresh ideas. વિવેચન એક બીજી રીતે પણ અસર કરે છે. બળવંતરાયનો અગેય પૃથ્વીનો પુરસ્કાર કેટલી વ્યાપક અસર જન્માવે છે! એ જમાનામાં સૌ કવિઓ એ માર્ગે કવિતા કરવા લાગે છે. આપણા સમયમાં સુરેશભાઈના વિવેચનનો કેટલો મોટો પ્રભાવ સર્જન ઉપર પડ્યો છે! નવી કલમો એ રીતે જ ચાલી. સૂઝવાળું વિવેચન સર્જનના પ્રવાહ ઉપર કેવી પ્રભાવક અસર પાડી શકે એનો આ નોંધપાત્ર દાખલો છે. અત્યારના લોકપ્રિય નવલકથાલેખકોનો વિવેચકો વિશેનો ઘસાતો અભિપ્રાય ક્યારેક ક્યારેક પ્રગટ થતો હોય છે. એમની ફરિયાદ ઉપેક્ષાની છે. અલબત્ત, આપણે ત્યાં વિવેચનની આબોહવા મંદ છે અને નવાં કે નીવડેલાં બહુસંખ્ય પુસ્તકોના લેખકોને પોતાની કૃતિઓની સમીક્ષા ન થવા વિશેની ફરિયાદમાં વજૂદ પણ છે. સર્જાતા સાહિત્યને વિવેચન પહોંચી વળતું નથી. એ માટેનાં યોગ્ય માધ્યમો પણ આપણે ઊભાં કર્યાં નથી. તેમ છતાં કોઈ ધરખમ કૃતિનું વિવેચન ન થયું હોય એવું બનતું નથી. સાહિત્યના બધા યુગોમાં ઉત્તમ કૃતિઓને ઉત્તમ વિવેચકો મળ્યા જ છે. સર્જન-વિવેચનના સંબંધો એ સાહિત્યનો એટલો જ સાહિત્યના અધ્યાપનનો પ્રાણપ્રશ્ન છે. એના પ્રત્યે કાંઈક ઈશારો કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. મને શ્રદ્ધા છે કે ગુજરાતીનો અધ્યાપક સંઘ અને અન્ય સાહિત્યિક સંસ્થાઓ એને વિશે સમ્યગ્ વિચાર ક૨શે તો તાજગીસભર સાહિત્યિક આબોહવા ઊભી કરવામાં એનું યોગદાન મહત્ત્વનું લેખાશે.