અનુભાવન/રાજેન્દ્ર શાહની કવિતા : ઊર્ધ્વ ચેતનાનું અનુસંધાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રાજેન્દ્ર શાહની કવિતા : ઊર્ધ્વ ચેતનાનું અનુસંધાન

‘સુષુપ્તિનું મન
તેજ અંધકાર તણું જાણે ન સ્વપન.
ત્યહીં તવ બોલ... તવ સ્પર્શ
ઋજુ કર્ષ
–થકી મધુરીહા મહીં મુજ ઊઘડે નયન.
સીમિત અસીમ કેરો નવીન વિભવ
પરિણય...
પૂર્ણ, ફરી પૂર્ણ પણ ભિન્ન અનુભવ.
(‘નવું તારું નામ...’)

રાજેન્દ્રની કવિતાનો આ ભાવસંદર્ભ મને ઘણો મહત્ત્વનો લાગ્યા કરે છે. તેમની કવિતાનો એક વિલક્ષણ ઉન્મેષ એમાં જોવા મળે છે. ઊર્ધ્વ ચેતનાનું અનુસંધાન તેમની અનેક નોંધપાત્ર રચનાઓમાં થયું છે, તેનો સંકેત અહીં છે. અલબત્ત, હૃદયજીવનનાં સહજ સૂક્ષ્મ સંવેદનોમાં લૌકિક સંદર્ભો આવ્યા જ છે. પ્રકૃતિપ્રેમ, વ્યક્તિવિશેષ, સાંપ્રત નગરજીવન, અને એવી એવી બાહ્ય પરિસ્થિતિ તેમનાં સંવેદનોમાં એક યા બીજી રીતે નિમિત્ત બની છે. પણ એમાં કવિચેતનાની ગતિ કંઈક નિરાળી જ રહી છે. તેમની કવિતાના આંતરપ્રવાહોનો તાગ લેતાં જણાશે કે આગવી ભૂમિકા પર તે ગતિ કરે છે. ‘યામિનીને કિનાર’, ‘વિજન અરણ્યે’, ‘શ્રાવણી મધ્યાહ્‌ને’, ‘આયુષ્યના અવશેષે’, ‘ગલવાયસ’, ‘સ્મરણ’, ‘ગ્રીષ્માંત’, ‘સાયંસંવાદ’, ‘શાન્ત કોલાહલ’, ‘શાન્તિ’, ‘પારિજાત’, ‘નિજી છવિ’, ‘પરિત્રાણ’, ‘નવું તારું નામ...’, ‘શબ્દહીન સાદ’, ‘ભણકાર’, ‘અંતરીક્ષ મહીં’, ‘ઝલમલ ઝલમલ’, ‘ખાલી ઘર’, ‘ચોળી રહુ ભભૂતિ’, ‘જે નથી તે’, ‘મૌન મહીં’, ‘ધૂલિ’, ‘ઠીબની આછી આંચ’ અને ‘સગાઈ’ વગેરે તેમની અનેક રચનાઓમાં કવિસંવિદ્‌ જે રીતે, જે રૂપે, ખુલ્લું થયું છે, તેમાં તેમનું ઊર્ધ્વચેતના સાથેનું અનુસંધાન સ્પષ્ટ વરતાઈ આવે છે : અંતરના કેન્દ્રમાં જે રીતે સંવાદ, વિશ્રાંતિ અને પ્રસન્નતાની ભૂમિકા પ્રાપ્ત થાય છે, તેમાં તેમની આધ્યાત્મિક સંપ્રજ્ઞતાનું અનુસંધાન જોવાનું મુશ્કેલ નથી. જો કે આ કે તે આધ્યાત્મિક માર્ગનું, અમુક નિશ્ચિત વિચારધારાનું, એમાં સંધાન જોવાનું કદાચ મુશ્કેલ છે, પણ એ એટલું જરૂરી પણ નથી, આપણી નિસ્બત અહીં, વિશેષે તો, તેમની કવિતાની ગતિવિધિને ઓળખવાની છે, અને એ રીતે એમાં ખૂલતી તેમની ઊર્ધ્વમુખી દૃષ્ટિનો પરિચય કરવાની છે. એટલું ખરું કે, એ તપાસમાં તેમની નિજી કાવ્યબાની, લય, કલ્પન, પ્રતીક અને રચનારીતિ પર આપણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા રહીશું. કવિતા અને કવિપુરુષ વિશે રાજેન્દ્રે આગવી સમજ કેળવી લીધી છે. તેમના મતે, આ વિશ્વની બીજી અનંત કૃતિઓની જેમ, કવિતા પણ એક વિશિષ્ટ રૂપની ‘અભિવ્યક્તિ’ છે. ક્રાન્તદ્રષ્ટા કવિની કોઈ વિશેષ પ્રતિમા તેમની નજરમાં રહી છે. સામાન્ય સંવેદન કરતાં ક્રાન્તદૃષ્ટિ ઘણી જુદી વસ્તુ છે એમ તેઓ માને છે. કાવ્યની રચનાપ્રક્રિયાનું વર્ણન કરતાં તેઓ કહે છે : ‘કવિહૃદયની આ પ્રક્રિયાને યોગની સાધના સાથે હું સરખાવું છું. યોગી ચિત્તવૃત્તિનિરોધ દ્વારા નિર્વિકલ્પ બનીને બ્રહ્માનુસંધાન પામે છે. એનો માર્ગ withdrawl-નો, ત્યાગનો, બાહ્ય વ્યાપારોમાંથી ચિત્તને વાળી લઈને સર્વ કર્મ ને કરણોને એકમાં લીન કરવાનો. કવિની રીતિ નિરાળી છે. એનો માર્ગ ત્યાગનો નથી પણ પુરસ્કારનો છે.’ (‘નિરુદ્દેશે’ની પ્રસ્તાવના) કવિતાની રચનાપ્રક્રિયા વિશેની તેમની આ જાતની વિચારણા, કદાચ, કોઈને સંદિગ્ધ લાગશે : પણ કવિતા વિશેનો તેમનો ઉચ્ચગ્રાહ તેમાં સ્પષ્ટ થઈ જાય છે. કવિતામાં ઊર્ધ્વ ચેતનાનું અનુસંધાન થાય એવી તેમની અપેક્ષા એમાં છતી થઈ જાય છે. બલ્કે, તેમની કાવ્યપ્રવૃત્તિમાં તેમની આ જાતની દૃષ્ટિ ઠીક ઠીક વિધાયક બળ બની રહી છે, એમ પણ નોંધવું જોઈએ. અને, એ કારણે તો, છેલ્લા ચારેક દાયકાની વિવિધ ઝાંયવાળી આપણી સમગ્ર કવિતામાં શુભ્રોજ્જ્વલ ધારા-શી તેમની રચનાઓ એકદમ અલગ તરી આવે છે. રાજેન્દ્રની સર્જકચેતના અક્ષરમેળ છંદોમાં, માત્રામેળી પરંપરિત લયમાં, અને ગીતરચનામાં – એમ મુખ્યત્વે ત્રણ રચનાબંધોમાં વહેતી રહી છે. ત્રીસીના ગાળાની વિચારપ્રધાન કે ભાવનાપરાયણ એવી જે રચનાઓ દૃઢ સુરેખ પદ્યબંધમાં અવતરી હતી તે, અને સાતમા દાયકાની અછાંદસ રચનાઓ – એ બે વચ્ચે સ્થિત્યંતર દશાની જે કવિતા આપણને મળી તેમાં રાજેન્દ્રની કવિતા મહત્ત્વનું સ્થાન લે છે. આપણી કવિતાના પદ્યવિકાસની તપાસ કરવા ચાહતા અભ્યાસીઓ માટે તેમની કવિતાનો રચનાગત વિકાસ એક મહત્ત્વનું પ્રકરણ બની રહેશે. કવિતાનું નિમિત્ત બનનારા કે તેના સંદર્ભમાં પ્રવેશનારાં વિષયો – દૃશ્યો, પદાર્થો, વ્યક્તિવિશેષો, સ્વાનુભવો –નું દેખીતી રીતે સારું વૈવિધ્ય તેમની કૃતિઓમાં છે : તેમની કવિતાનાં અલંકારો, કલ્પનો, પ્રતીકો આદિની બારીક તપાસ કરતાં એ તરત પ્રત્યક્ષ થશે : પણ એમાં રજૂ થતા ભાવવિશ્વનો વ્યાપ ઊર્ધ્વ બિંદુએ કેન્દ્રિત થતો લાગશે. જગતના અનુભવોને ઊર્ધ્વ ચેતનાની ભૂમિકાએથી પામવાનો ઉપક્રમ એમાં છે, એમ તરત સ્પષ્ટ થશે. બહારની પ્રકૃતિ જોડે હૃદયનો સંવાદ રચાય, અને વિશ્રાન્તિ અનુભવાય, એ ભૂમિકા તેમને વધુ ઇષ્ટ રહી છે. બીજી રીતે જોઈએ તો, વ્યવહારજીવનના, પ્રાકૃત અનુભવોના સ્તરથી ઊંચે ઊઠવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. સંસારનાં સુખદુઃખ, રાગદ્વેષ, સંઘર્ષો અને યાતનાઓ, વિષમતા, વિસંવાદિતા અને વિચ્છિન્નતાઓ–એ બધું વ્યક્તિ રાજેન્દ્રે ક્યારેક પણ અનુભવ્યું જ ન હોય એવું તો નથી. પણ એવા લૌકિક ભાવોને કવિતામાં પ્રસ્તુત કરવાનું તેમને કદાચ એટલું ઇષ્ટ લાગ્યું નહિ હોય; અથવા એમ હોય કે જીવનનાં સદ્‌અસદ્‌, શુભઅશુભ તત્ત્વોને સમ્યક્‌ દૃષ્ટિએ જોવા આલેખવામાં તેમને કવિતાની સાર્થકતા લાગી હોય. ગમે તેમ, આત્માની શાંત નિર્મળ ભૂમિકા તરફ તેમની કવિતાની ગતિ રહી છે. બલકે, હું તો એમ માનવા પ્રેરાઉં છું કે કાવ્યજન્મની ક્ષણે જ તેમની આધ્યાત્મિક ચેતના ઓછેવત્તે અંશે સતેજ બની ઊઠે છે, જે તેમની સંવેદનાને જરા જુદો મરોડ અર્પે છે. સર્જક અને સાધક બંનેની ગતિ એમાં ક્યાંક કોઈ સ્તરે સંવાદી બને છે, એમ પણ લાગે. ઇન્દ્રિયોને પ્રત્યક્ષ થતું બહુરૂપી જગત મૂળભૂત રીતે એક જ ચૈતન્યનો વિલાસ છે, એવી રાજેન્દ્રની પ્રતીતિ રહી છે. એટલે કવિસંવિદ્‌ જ્યારે લૌકિકતાથી ઊંચે ઊઠે છે, અને જગતને ‘સમદર્શી’ બનીને જુએ છે, ત્યારે આત્મામાં એ ભૂમિકાએ સહજ જ બહારની અને અંદરની સૃષ્ટિ વચ્ચે મૂળભૂત એકતા, સંવાદિતા, વિશ્રાંતિ રચાય છે, અને અપૂર્વ આનંદની એ ક્ષણ સંભવે છે. વ્યક્તિ અને સમષ્ટિ, ક્ષણ અને ચિરંતન, આ ક્ષણે એક બિંદુએ એકત્ર થાય છે. તેમની કવિતા આવી ઊર્ધ્વ ભૂમિકા ઝંખે છે. જો કે પ્રકૃતિ, પ્રણય અને આત્મસંવેદનની અનેક રચનાઓમાં આ જાતનું ઊર્ધ્વ જોડેનું એટલું સ્પષ્ટ અનુસંધાન નથી. પણ એટલું તો ખરું જ કે તેમની કવિતાનો એક બળવાન ઉન્મેષ આ દિશાનો છે. અને કવિતામાં રજૂ થતું સંવેદન નિર્મળ હોય, ઉદ્વેગ, ક્લેશ અને સંઘર્ષથી મુક્ત હોય. બલકે કોઈ પણ જાતના અભિનિવેશથી વેગળું હોય, એ જાતની ભૂમિકા યે તેમની કવિતામાં ઘણી વ્યાપક રહી છે. સુવિદિત છે કે રાજેન્દ્ર-નિરંજન-પ્રહ્‌લાદ આદિ કવિઓ ત્રીસી પછીની આપણી સૌંદર્યલક્ષી કવિતાના અગ્રણીઓ રહ્યા છે. ત્રીસીની કવિતા વિશેષતઃ સમકાલીન બનાવો, રાષ્ટ્રીય મુક્તિનું આંદોલન, સામાજિક વિષમતા, સ્વાતંત્ર્ય, મુક્તિ, સાહસ, સેવા, સમર્પણ, સમષ્ટિનું શ્રેય, આદિ ભાવો અને વિષયોથી પ્રેરાયેલી હતી. સમસ્ત પ્રજાહૃદયની લાગણીનો પડઘો પાડવામાં ત્રીસીના કવિઓને વધુ રસ હતો, જ્યારે રાજેન્દ્રાદિ કવિઓ એવા જાહેર જીવનથી, તેના વિષયોથી, અળગા રહ્યા છે. તેમની કવિતા સ્પષ્ટપણે આત્મલક્ષી બની છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓનું સ્વચ્છ સુરેખ શિલ્પ કંડારી કાઢવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. બલકે, કવિતામાં ઊર્ધ્વ જોડેનું અનુસંધાન કેળવવાની રાજેન્દ્રે જે રીતે દૃષ્ટિ કેળવી, તેથી તેમની કવિતાનું સ્વરૂપ જ આગવું બંધાવા પામ્યું છે. પ્રાકૃત લાગણીઓના સ્તરથી કંઈક ઊંચે ઊઠવાનો પ્રશ્ન તો એમાં ખરો જ, પણ સંવેદનની ઋજુતા, કુમાશ અને તાઝગીભર્યા લાવણ્યને ઝીલવાનો પ્રશ્ન ય એમાં છે. વળી અંતરની સંવાદિતા અને પ્રશાન્તતાને યથાતથ વાણીમાં ઉતારવાનો પ્રશ્ન ય ખરો. અને હૃદયમાં જન્મતા સંગીતને નિભાવવાની વાત પણ એટલી જ મહત્ત્વની. આમ જુદાં જુદાં પરિબળોએ તેમની આગવી કાવ્યબાની (diction) ઘડવામાં ભાગ ભજવ્યો છે. જો કે અક્ષરમેળ છંદોના ચુસ્ત માળખામાં તેમની બાની અમુક રીતે નિયંત્રિત થઈ છે, જ્યારે પરંપરિત મેળવાળી રચનાઓમાં એને જુદું જ પોત મળ્યું છે. પરંપરિત રીતિની રચનાઓમાં કલ્પનો અને પ્રતીકોનો વ્યાપક પ્રયોગ કરવાનું તેમનું વલણ તરત ધ્યાન ખેંચે છે. શબ્દ-અર્થના સંગીતતત્ત્વની માવજત કરવાના પ્રયત્નો તેમની આ પ્રકારની રચનાઓમાં, કદાચ, વધુ ફળપ્રદ નીવડ્યા છે. જો કે આ રીતે ઘડાતી રહેલી કાવ્યબાનીના પોતની સંવાદિતા અને સમરૂપતાના પ્રશ્નો ય ઊભા થાય છે. છંદોબદ્ધ કૃતિઓમાં સાવ અપરિચિત એવા તત્સમ શબ્દો, છંદોનો મેળ સાચવવા જતાં તેનાં અહીંતહીં ઠરડાતાં રૂપ, અને પ્રસંગે પ્રસંગે દુરાકૃષ્ટ કે ક્લિષ્ટ કે કૃત્રિમ લાગતા અન્વયો – એમ જુદી જુદી રીતે અભિવ્યક્તિના દોષો જોવા મળશે. સદ્‌ભાગ્યે પરંપરિતના મેળવાળી તેમની અનેક રચનાઓ આવા દોષોથી ઠીક ઠીક મુક્ત રહી છે. વળી આ જાતની રચનાઓ કલ્પનો/પ્રતીકોનો વ્યાપક પ્રયોગ કરતી હોવાથી આગવી રીતે પ્રતીકાત્મક ઉઠાવ લે છે.

૦૦૦

‘નિરુદ્દેશે’–(‘ધ્વનિ’ સંગ્રહની પ્રથમ રચના)માં નીચેની પંક્તિઓ મળે છે :

‘પંથ નહિ કોઈ લીધ,
ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી
તેજછાયા તણે લોક,
પ્રસન્ન વીણા પર પૂરવી છેડી
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી
હું જ રહું વિલસી સહુ સંગ,
ને હું જ રહું અવશેષે.’

રાજેન્દ્રની કવિતાની વિલક્ષણ ગતિવિધિનો સંકેત આ પંક્તિઓમાં મળે છે. ‘તેજછાયા તણે લોક’ – પ્રયોગ ઘણો મહત્ત્વનો છે. ન કેવળ પ્રકાશ ન કેવળ અંધકાર, ન કેવળ જાગૃતિ ન કેવળ સુષુપ્તિ. પણ એ બંનેની સંધિક્ષણ તેમને વારંવાર કાવ્યરચનામાં પ્રેરક રહી છે. સંધિક્ષણની ચૈતસિક ભૂમિકા એ દ્વન્દ્વોથી પર છે, ઊંચી છે, અને એ સ્થાનેથી ‘સકલ’ વિશ્વનું સમ્યક્‌ દર્શન શક્ય બને છે. એ ક્ષણે કવિસંવિદ્‌ સ્થળકાળના સંદર્ભોથી મુક્ત થાય છે, અને બહાર-અંદર સંવાદિતા સ્થપાય છે, વિશ્રાન્તિ સંભવે છે. કોઈ વૃત્તિ નહિ, ક્રિયા નહિ, કામના કે તૃષ્ણા નહિ, કેવળ સાક્ષીભાવે વિશ્વઘટનાનું દર્શન થાય છે. જગતનો ત્યાગ નહિ, સ્વીકાર એમાં છે. જગતના ઘટનાચક્રનું એ સમ્યક્‌ દર્શન છે. પ્રકૃતિ-પુરુષ બંનેનો એમાં સ્વીકાર, અને બંનેનું અખિલાઈમાં દર્શન એમાં છે. આપણે જોઈશું કે રાજેન્દ્રની કવિતા અનેક પ્રસંગે આવી સંધિક્ષણ તરફ ગતિ કરતી રહી છે. ‘યામિનીને કિનાર’ શીર્ષકની સૉનેટરચનામાં, અલબત્ત, પ્રકૃતિનું વર્ણન છે, પણ એ નર્યું પ્રકૃતિકાવ્ય નથી. સંવેદનાનો કંઈક વિલક્ષણ મરોડ એમાં છે. સહૃદયને તરત સ્પષ્ટ થશે કે પ્રકાશ-અંધકારની સંધિક્ષણ પર કવિ ઊભા છે. બીડના ખુલ્લા વિસ્તારમાં હળુહળુ ઊતરતી સાંજ કવિસંવિદ્‌ને અનોખી રીતે ઝંકૃત કરી જાય છે, પણ આ કંઈ સ્થૂળ અપારદર્શી અંધકાર નથી : ‘તરલધવલા’ તારાઓના આછા ઝિલમિલાટમાં અર્ધપારદર્શક એવી એ જીવંત ઉપસ્થિતિ છે; રહસ્યમાં વીંટાયેલી ઉપસ્થિતિ છે. ક્ષણ બે ક્ષણ પહેલાંની રંગરૂપમાં મઢાયેલી પ્રકૃતિ એ અંધકારમાં ક્રમશઃ ઓગળી રહી છે : આખુંય દૃશ્યપટ સ્વપ્નસૃષ્ટિની અપાર્થિવ ઝાંય ધરે છે. અંતની કડી છે :

‘ને ગાણાના ધ્વનિત પડઘા હોય ના એમ જાણે,
વ્યોમે વ્યોમે તરલધવલા ફૂટતા તારલાઓ.’

– વિશ્વપ્રકૃતિમાં કાવ્યનાયક આ રીતે સંવાદિતા, શાંતિ અને વિશ્રાંતિનો અનુભવ કરે છે. આ જ પ્રકારનો અનુભવ ‘વિજન અરણ્યે’માં ય રજૂ થયો છે. જો કે એનો સંદર્ભ નિરાળો છે. એનો કાવ્યવિષય, દેખીતી રીતે, ‘વિજન અરણ્ય’ છે – સામાન્ય સંજોગોમાં સહેજે ડર લાગે એવું અરણ્ય ઘીચોઘીચ વનરાજિ, તેના અરાજક વિસ્તારમાં ગૂંચવાઈ પડેલો અંધકાર, હિંસ્ર પ્રાણીઓ – એ બધું અરણ્યને ભયાવહ કરી મૂકે છે. પણ રાજેન્દ્ર જેવા કવિ એ દૃશ્યપટને જુદી જ ચૈતસિક ભૂમિકાએથી નિહાળે છે. સંવાદી બનીને આખું અરણ્ય તેમની ચેતના પર ઝિલાય છે. પ્રથમ પંક્તિ પ્રશ્નરૂપ છે : ‘એકાકી હું અહીં?’ અને એના ઉત્તર રૂપે ત્વરિત પડઘો પડે છે : ‘નહીં.’ કાવ્યનાયકનું સંવિદ્‌ આ ક્ષણથી જ અરણ્ય જોડે તાદાત્મ્ય અનુભવી રહ્યું છે એમ લાગશે. ઘીચ વનરાજિમાં પ્રકાશ અંધકારની જે રીતે રમણા રચાઈ છે, તેમાં સ્વપ્નિલ પરિવેશ વરતાય છે : દૃશ્યફલક અપાર્થિવ ઝાંય ધરતું લાગે છે. રહસ્યાનુભૂતિની ક્ષણેમાં યોગીને જે રીતે વિશ્વપ્રકૃતિ લીલામય રૂપે ભાસે છે, તેવો આભાસ આ ક્ષણે કાવ્યનાયક નિહાળી રહે છે :

‘ભાનુનો તાપ ના આંહીં, પર્ણોના રંધ્ર મહીંથી
આવતાં કિરણો કેરો વ્યાપ્યો છે શાંત વૈભવ.’

—આવી ચૈતસિક ભૂમિકાએથી અરણ્યનાં રમ્ય-કઠોર-હિંસ્ર સર્વ તત્ત્વો સંવાદ રચે છે : હિંસ્ર પ્રાણીઓય સૌંદર્યની ઝાંય ધારણ કરે છે :

‘ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ!
રેખાળી ગતિમાં કેવું સરે સૌન્દર્ય સર્પનું!’

– ક્ષણભર સ્થળકાળની અભિજ્ઞતા આ સૃષ્ટિના બોધમાંથી લુપ્ત થાય છે. કેટલાંક પૌરાણિક પાત્રો અને પૌરાણિક ઘટનાઓ ય કાવ્યનાયકના સંવિદ્‌માં એકાએક તાદૃશ થાય છે. અંતે – ‘સર્વના સંગનો આંહીં નિધિ છે રમણે ચડ્યો/ને તેમાં ખૂટતું કૈં તો/હૈયાના પ્રેમની ગાજી રે’તી આનંદઘોષણા’–એવી પ્રતીતિના ઉચ્ચારણ સાથે રચના પૂરી થઈ છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’માં સંવેદનનો સંદર્ભ એથી ય જુદો છે. નગરથી દૂર દૂર અંતરાળમાં વસેલું જનપદ, શ્રાવણી ઝરમર પછી ખૂલેલા મધ્યાહ્નની સુષુપ્તિ-શી ક્ષણો અને પ્રકૃતિને વ્યાપી લેતી નીરવતા, વિશ્રાંતિ અને સભરતા કવિસંવિદ્‌ને અજબ સ્પર્શી જાય છે. આવી serene ક્ષણોમાં પ્રકૃતિની સાવ અલ્પ લાગતી ઘટનાઓ પણ કાવ્યનાયકની ચેતના પર સ્પષ્ટ ઝિલાય છે :

‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય ક્લાન્ત
ફોરાં ઝરે દ્રુમથી રૈ રહી એક એક’

– બાહ્ય પ્રકૃતિની ઘટનાઓને કાવ્યનાયકની ચેતના જે રીતે ઝીલે છે, તેમાં તેની વિશિષ્ટ ભૂમિકાનું સૂચન મળી જાય છે. ‘મધ્યાહ્નની’ ‘વેળ’ માટે યોજાયેલું ‘અલસ’ વિશેષણ ધ્યાનપાત્ર છે. સમયનું અમૂર્ત તત્ત્વ એથી શરીરી રૂપે પ્રત્યક્ષ બને છે. ગોકળગાયના ઉપમાનથી એ સમયની અગતિકતા વધુ ઉત્કટતાથી પ્રતીત થાય છે. તેનું મંદ, અતિ મંદ, હલનચલન વિશિષ્ટ રીતે એની અગતિકતાને જ તીવ્રતાથી ઉપસાવી રહે છે. કાવ્યનાયકની ચેતના નોંધે છે કે જલનું વર્ષણ થંભી ગયું છે. તરબોળ પર્ણઘટાઓમાંથી રહી રહીને ફેારાં ઝર્યા કરે છે, ફોરાંઓને ઋજુ મંદ્ર રવ કાવ્યનાયકના હૃદયમાં સંગીતાત્મક ઝંકૃતિ જગાડે છે. આ રીતે, બહારની પ્રકૃતિ સાથે પૂર્ણ સંવાદ રચાય છે. આ એક એવી વિશ્રાન્તિની ક્ષણ છે, જ્યારે સંસારના રાગદ્વેષ વૃત્તિ-વિકલ્પ-ક્લેશ બધું ય શમી ગયું છે. કેવળ ‘સાક્ષીભૂત ચેતના’ જનપદની બહાર વિહાર કરે છે : એ સિવાય બીજી કોઈ ક્રિયા ત્યાં સંભવતી નથી. ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે/નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર’ – એ કંઈ બાહ્ય દૃશ્યપટનું વર્ણન માત્ર નથી : એની દ્રષ્ટા બનેલી ચેતનાની ઊર્ધ્વ ભૂમિકાનું પ્રતિફલન પણ એમાં છે.

‘કર્તવ્ય કોઈ અવશેષ મહીં રહ્યું ના
તેવું નચિંત મન મારું, ન હર્ષ શોક;
ના સ્વપ્ન કોઈ હતું નેણ મહીં વસ્યું, વા
વીતેલ તેની સ્મૃતિને પણ ડંખ કોક.
મારે ગમા-અણગમા શું, હતું કશું ના.
ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.’

–આવી ચૈતસિક ભૂમિકાએથી કાવ્યનાયક બાહ્ય પ્રકૃતિને નિહાળતો આગળ ચાલે છે. સમસ્ત પ્રકૃતિમાં જાણે સુષુપ્તિ વ્યાપી રહી હોય એમ લાગે છે. વિશ્રાંતિની એ ક્ષણોમાં આખુંય દૃશ્યફલક અનોખી સૌંદર્યઝાંય ધરીને છતું થઈ ઊઠે છે. સ્થૂળ નજરને સાવ સામાન્ય, તુચ્છ કે વિરૂપ લાગતા પદાર્થો ય એ રમણીય ફલકમાં સંવાદી બનીને ગોઠવાઈ ગયા છે. ‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ’ ‘ત્યાં પંકમાંહી મહિષીધણ સુસ્ત બેઠું/દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે’ ‘મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું’–આમ કાવ્યનાયકની દૃષ્ટિમાં પદાર્થોની, પ્રાણીઓની, વિરૂપતા-કર્કશતા-રુક્ષતા બધું વિલય પામે છે! અંતે, મંદિરના પ્રાંગણમાં તે જઈ વિરમે છે.

‘ટેકો દઈ ઋષભનંદિની પાસ બેસું
કેવી હવા હલમલે મુજ પક્ષ્મ રોમે!
હું માનસી જલ હિમોજ્જ્વલ શ્વેત પેખું
ને ચંદ્રમૌલિ તણી કૌમુદી નીલ વ્યોમે.
કૈલાસનાં પુનિત દર્શન! ધન્ય પર્વ!
ના સ્વપ્ન, જાગ્રતિ, તુરીય ન, તોય સર્વ’,

–કાવ્યનાયકની દૃષ્ટિમાંથી પેલું જનપદ, કેડી, સીમ – બધાં ય દૃશ્યો લય પામે છે. અને ત્યાં જ ‘કૈલાસ’ની રચના પ્રગટ થઈ ઊઠે છે. ઊર્ધ્વ ચેતના જોડેનું અનુસંધાન અહીં સ્પષ્ટ છે. આવી રચનાને નર્યા પ્રકૃતિકાવ્ય તરીકે ઓળખાવવામાં એનું સાચું સ્વરૂપ વરતાતું નથી. ‘આયુષ્યના અવશેષે’ શીર્ષકના પ્રસિદ્ધ સૉનેટપંચકની પહેલી ત્રણ કૃતિઓ – ‘ઘર ભણી’, ‘પ્રવેશ’ અને ‘સ્વજનોની સ્મૃતિ’–માં કાવ્યનાયકની લૌકિક લાગણીઓ, સ્મૃતિઓ, ઝંખનાઓ રજૂ થયાં છે. ‘પરિવર્તન’ શીર્ષકના ચોથા સૉનેટમાં તેની વિરતિની લાગણી છતી થાય છે, છેલ્લા સૉનેટ ‘જીવનવિલય’માં કાવ્યનાયકની–બલકે કવિની–-આંતરપ્રતીતિ વર્ણવાઈ છે.

‘રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને
નીરખું, નિજ આનંદે રે’તું ધરી પરિવર્તન
ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.’

– ‘ગલ : વાયસ’ની ભાવભૂમિકા, તેનો વિલક્ષણ પરિવેશ, સ્પષ્ટપણે રાજેન્દ્રના કવિસંવિદ્‌ની વિશેષ નિર્મિતિ છે. પરોઢનું ભળભાંખળું, આછા ધુમ્મસિયા પરિવેશમાં ઓતપ્રોત સમુદ્ર, કિનારાના રેતાળ પટમાં ગલ અને વાયસ પંખીઓનું વૃંદ...ગલ શ્વેતરંગી, વાયસ શ્યામરંગી... પરોઢની એ સુષુપ્ત ક્ષણોમાં કાવ્યનાયકની દૃષ્ટિ ય તંદ્રિલ બને છે. ટોળાં વચ્ચે અહીંતહીં જરીક ઊડાઊડ કરી લેતાં એ પંખીઓની શ્વેતશ્યામ પાંખોની તરલ ચંચલ ગતિશીલ આકૃતિ, તે જાણે કે તેજ-છાયાની પ્રકાશ-અંધકારની અજબ શી phantasy રચે છે. આખુંય દૃશ્યફલક કાવ્યનાયકની ચેતના પર ઝિલાતાં તે ecstacyની સ્થિતિમાં ગતિ કરે છે.

‘હું અર્ધપાંપણઢળેલ દૃગો ભરીને
છાયાપ્રકાશમય વિશ્વ લહું લલામ,
છાયાપ્રકાશ...
ગલ, વાયસ...
શ્વેત, શ્યામ!’

–રાજેન્દ્રની ‘સાયંસંવાદ’ રચના તેમના વિશિષ્ટ સંવિદ્‌ને તેમજ તેમની આગવી કાવ્યકળાને ઓળખવા એક વિરલ દૃષ્ટાંત પૂરું પાડે છે :

સાયંસંવાદ

વિટુઈ વિટુઈ વિટ્‌
ટવીટ્‌ ટ્‌વીટ્‌
શાન્તિ શાન્તિ

સોનલ તરણિ
ક્ષિતિજની પાર

દૃગ બ્હાર
પ્રતીચી પાંડુર
લાલ
ઝરે એક તરુપર્ણ
વાયુને કોમલ કરે
સકલને અંક લઈ
આલિંગત
નિશિઅંધકાર.

– આ કાવ્યમાં પ્રકૃતિવર્ણનના સંદર્ભે સમુદ્રકિનારાનો વિસ્તાર, ઊતરતી સાંજની ઘેરી નીરવતા, પંખીનું ક્ષણભર કૂંજન, સૂર્યાસ્ત, પર્ણનું ઝરવું, અંધકારનું હળુહળુ અવતરણ – એ બધી ય વિગતો કદાચ પરિચિત લાગશે. પણ સહૃદયો તરત જોઈ શકશે કે આ નર્યું પ્રકૃતિવર્ણન નથી. કૃતિની એકેએક વિગત, એકેએક વસ્તુસંદર્ભ, અહીં પ્રતીકાત્મક મૂલ્ય ધરાવે છે. સમગ્ર રચના જ એક ચોક્કસ પ્રતીકાત્મક ઉઠાવ લે છે. બાહ્ય દૃશ્યના આલેખનમાં એની સાક્ષીભૂત ચેતનાનો આપણને સઘન સંસ્પર્શ થાય છે. પ્રકાશ અંધકારની આ સંધિક્ષણ કાવ્યનાયકના સંવિદ્‌માં અનન્ય સંવાદિતા, વિશ્રાંતિ અને પ્રસન્નતા જન્માવે છે. રચના વનવેલીના લયમેળમાં રચાયેલી છે. કલ્પનો પ્રતીકો આલંબન અહીં સવિશેષ ધ્યાનપાત્ર છે. અત્યંત લાઘવભરી પંક્તિઓનું સંયોજન, ભાષાની ઘનતા, ગતિશીલ લયમેળ અને સુરેખ કંડારેલું શિલ્પ – એ બધાંને કારણે રાજેન્દ્રની આ રચના ઘણી પ્રભાવક નીવડી છે. અભિવ્યક્તિની ક્લિષ્ટતાના પ્રશ્નથી તેમની આ રચના સર્વથા મુક્ત છે. ‘વિટુઈ વિટુઈ વિટ્‌/ ટવીટ્‌ ટવીટ્‌’ – પંખીનો એ વિલક્ષણ ટહુકો સમુદ્રકિનારાના વિસ્તાર પર ધીમે ધીમે ઘેરાતી સાંજની નીરવતાને વધુ સઘનપણે અને વધુ તીવ્રતાથી ઉપસાવી આપે છે. દૃશ્યપટમાં ક્યાંય પંખીની ભૌતિક ઉપસ્થિતિ નથી, એટલે એ અશરીરી અવાજ એક રહસ્યભરી ઘટનારૂપે આપણને પ્રભાવિત કરે છે. આમે ય પંખી એક મુક્ત સ્વૈર ચેતનાનું પ્રતીક છે. ‘શાન્તિ શાન્તિ’ એ શબ્દો સહજ જ મનુજઆત્માના ઉદ્‌ગારરૂપે અહીં આવ્યા છે. ‘શાન્તિ’ શબ્દનું કંઈક વિલંબિત એવું પુનરાવર્તન, અંદર-બહાર સર્વત્ર વ્યાપી રહેલી શાંતિનો ભાવ ઘૂંંટી રહે છે. અહીં વ્યક્તરૂપ શબ્દો વ્યાપક નિઃશબ્દતાને ઉપસાવી આપે છે. બીજી કંડિકામાં એ વિલક્ષણ ટહુકાની ઘટનાભૂમિનો આપણને નિર્દેશ મળે છે. ‘સોનલ તરણિ’–એ શબ્દો, દેખીતી રીતે જ, સૂર્યના સુવર્ણબિંબનો ઉલ્લેખ કરે છે. જો કે, એ સૂર્યબિંબ હવે ત્યાં દૂર ક્ષિતિજે અસ્ત પામ્યું છે – ‘દૃગ બહાર’ નીકળી ગયું છે. ચમત્કૃતિ એ વાતની છે કે એનું પ્રતિબિંબ હજી ય કાવ્યનાયકના સંવિદ્‌માં ટકી રહ્યું છે! પણ પશ્ચિમનું આકાશ હવે ધીમે ધીમે નિસ્તેજ બની રહ્યું છે. ‘પ્રતીચી’ની સાથોસાથ ‘પાંડુર’ – અને કંઈક વિલંબ પછી તરત નીચેની પંક્તિમાં આવતો ‘લાલ’ – એ બે વિશેષણપ્રયોગો પાશ્ચાત્ય આકાશની પલટાતી રંગઝાંયનું અદ્‌ભુત દર્શન કરાવે છે. અંધકાર ધીમે ધીમે અવકાશમાં ભળતો જાય છે. આવી ઘેરી નીરવ ક્ષણમાં એક અલ્પ ઘટના બને છે : ‘ઝરે એક તરુપર્ણ.’ વૃક્ષનાં કોઈ પાકાં પીળાં પાન ખરવાનો આ નિર્દેશ હોઈ શકે. એ રીતે જીવનના એક જીર્ણ અંશની વિચ્છિન્નતાની આ વાત છે. ‘ઝરે’ ક્રિયાપદથી પતનની મૃદુતાનો ભાવ સૂચવાય છે. વિઘટનની-વિલોપનની – આ ક્રિયા પણ સમગ્ર દૃશ્યપટમાં–દૃષ્ટાના અંતરમાં – સંવાદ સાધી લે છે. એમાં ક્યાંય કશું ક્લેશકર નથી, ભયાવહ નથી. અંતની કડી કાવ્યનાયકના સંવિદ્‌ને એક જુદી જ ભૂમિકાએ સ્થાપી આપે છે. ‘નિશિઅંધકાર’ કંઈ વિશ્વપ્રકૃતિનો જડ નિશ્ચેેષ્ટ કે દુરિત અંશ નથી : સ્વયં એક જીવંત લોકોત્તર સત્ત્વ છે. ‘સકલ’ને ‘આલિંગન’માં લેવાને એ એના ‘કોમલ કર’ વિસ્તારી રહે છે. આ ઘટનામાં દૃશ્ય અને દૃષ્ટા વચ્ચે ચરમ આંતરસંવાદ રચાય છે. આ એક એવી ક્ષણ છે, જ્યારે બાહ્ય પ્રકૃતિનાં તત્ત્વો – સમુદ્ર, પંખી, સૂર્યબિંબ, વૃક્ષપર્ણ, આદિ સંપ્રજ્ઞતાની સપાટી પરથી સર્વથા લુપ્ત થતાં નથી, કાવ્યનાયકના સંવિદ્‌માં સૂક્ષ્મ છાયાઓ રૂપે પૂર્ણ સંવાદ સાધીને તે સર્વ ગોઠવાઈ જાય છે. હવે આપણે ‘પારિજાત’નું ભાવવિશ્વ અવલોકીશું. રાજેન્દ્રની આ પ્રકારની કવિતાનો એ વળી નોખો જ આવિર્ભાવ છે.

પારિજાત

નીતરેલ નીર જેવો પાછલા પ્રહરનો અંધાર
હવાના તરંગ પર પરી કોઈ તરે
કાંઈ ઝરે
મળે આંખને અવાજમહીં એવો અણસાર...
ટીકી ટીકી જોયે
નહિ જાણ...
પાંપણ મીંચાય ને
સુણાય કોઈ સુરભિનું ગાન
રગેરગમહીં રમે ઋજુતમ હર્ષ
શારદલક્ષ્મીને મળે હેમંતનો હિરણ્યસંસ્પર્શ
કકુભને કંઠ એનો રેલાય છે રાગ
ગળતી રાત્રિ
–માં દેવતરુના ઓછાયે
લહું
કેસરધવલ તેજ મ્હોરતું પ્રભાત,

આ રચનામાં યે બાહ્ય પ્રકૃતિ તો જાણે નિમિત્ત માત્ર છે : અથવા, કહો કે objective correlative માત્ર છે; જ્યારે કાવ્યનાયકના સંવિદ્‌નો રહસ્યસભર ઉઘાડ જ મુખ્ય વસ્તુ છે. પરોઢના ભળભાંખળાનું આછાં તેજઝમતું અંધારું, અવકાશમાં આછી તગતગતી નિર્મળ પારદર્શી આભા, અને એ રહસ્યભર્યા પરિવેશમાં ઓતપ્રોત કેસરધવલ પુષ્પોથી મઘમઘતું પારિજાત વૃક્ષ – આ આખું ય દશ્ય જાણે અપાર્થિવ ઝાંય ધરે છે, અને એના દ્રષ્ટાનું આંતરવિશ્વ પણ સાથોસાથ પ્રતિબિંબિત થઈ ઊઠે છે. પારિજાત આમે ય ‘દેવતરુ’ તરીકે પ્રસિદ્ધ છે. એની મીઠી સુવાસ માનવહૃદયને વિરલ પ્રસન્નતાથી ભરી દે છે. એના શ્વસન માત્રથી માનવચેતનાનો યુગયુગથી થીજી ગયેલો અંશ એકદમ ઓગળી જાય છે. (યોગને માર્ગે જનારા કેટલાક સાધકો સ્વરૂપાનુસંધાન અર્થે આવા કોઈ ને કોઈ પુષ્પનો સ્વીકાર કરતા હોય એમ પણ જોવા મળશે.) પારિજાતની સુવાસ અહીં કાવ્યનાયકને સહજ જ રહસ્યાનુભૂતિના લોકમાં ખેંચી જાય છે. સહૃદયો અહીં નોંધશે કે આ રચનામાં ય અંધકાર-પ્રકાશની સંધિક્ષણ રજૂ થઈ છે. પારદર્શી અંધકારમાં શ્વેતપુંજ-શું પારિજાત સ્વયં એક રહસ્યમય ઉપસ્થિતિ બને છે. સમગ્ર રચનાના કેન્દ્રમાં એ સંવિધાયક પ્રતીક બની રહે છે. નોંધવું જોઈએ કે વનવેલીના સમથળ સંવાદી લયમાં ઋજુકોમળ પદાવલિનો સુભગ યોગ સધાયો છે. ‘નીતરેલ નીર જેવો...’ પંક્તિમાંનું ઉપમાન સૂચક છે. પરોઢના અંધકારનું નિર્મલ પારદર્શી રૂપ એમાં છતું થઈ જાય છે. બીજી પંક્તિ ‘હવાના તરંગ પર પરી કોઈ તરે’-નો અતિશયોક્તિ અલંકાર રમણીય છે. કાવ્યનાયકની દૃષ્ટિમાં કોઈ અપાર્થિવ આકૃતિ આંદોલિત થતી હોવાનો એમાં ઉલ્લેખ છે. વર્ણસંયોજન અહીં પરંપરિતના લયમાં એવો સુભગ મેળ રચે છે કે એ માયાવી રૂપ ખરેખર અવકાશમાં ઝૂલતું પ્રત્યક્ષ થાય. ‘કાંઈ ઝરે’–પ્રયોગમાં કશીક અદીઠ વસ્તુના ઝરવાનું સૂચન છે. અવકાશથી કોઈ દિવ્ય તત્ત્વના વર્ષણનો ખ્યાલ અણધારી રીતે જ એમાં જોડાઈ જાય છે. ‘તરે’ અને ‘ઝરે’ બંનેય ક્રિયારૂપો પ્રાસનો સુભગ સંવાદ રચે છે. પણ સ્થૂળ ઇંદ્રિયોના કરણથી ઝિલાય એવું એ ભૌતિક તત્ત્વ નથી : ‘મળે આંખને અવાજમહીં એવો અણસાર/ટીકી ટીકી જોયે નહિ જાણ...’ સાચું છે, એનો ‘ઝરવાનો’ અતિ મૃદુ અવાજ કાનથી ઝિલાતો નથી : માત્ર દૃષ્ટિને એની આછી ઓળખ થાય છે. પણ ના, ‘ટીકી ટીકી’ને જોવા માત્રથી યે સત્ત્વની સાચી ઓળખ થઈ શકતી નથી! એટલે આપોઆપ જ એ પ્રયત્ન તૂટી જાય છે. દૃષ્ટિનું એ સ્થૂળ કરણ હવે અંદર સંકેલાઈ જાય છે... અને, તત્ક્ષણ જ, કાવ્યનાયકના સંવિદ્‌માં ‘સુરભિનું ગાન’ ગૂંજી ઊઠે છે. ‘સુરભિનું ગાન’ એ રૂપકાત્મક પ્રયોગ ધ્યાનપાત્ર છે. અંતરમાં જન્મતી વિરલ પ્રસન્નતાનું, સંગીતાત્મક ઝંકૃતિનું, એમાં સૂચન છે. ‘રગેરગમહીં રમે ઋજુતમ હર્ષ’ – એ પંક્તિમાં ‘ર’ જેવા મૃદુકોમળ વર્ણના સંયોજનથી સંવાદિતાનો ભાવ સરસ રીતે વ્યક્ત થઈ ઊઠે છે. વર્ણમાધુર્યની યોજના આમ તો રાજેન્દ્રની કવિતામાં વ્યાપક જોવા મળતો ઉપક્રમ છે, પણ આ પંક્તિમાં તેનો એક અસાધારણ ઉન્મેષ જોઈ શકાશે. ‘શારદલક્ષ્મીને મળે હેમંતનો હિરણ્યસંસ્પર્શ’—એ પંક્તિમાં વળી અનુભૂતિનું એક નવું જ સ્તર ખુલ્લું થતું દેખાય છે. ‘શારદલક્ષ્મી’થી શરદની નિર્મળી શોભાનું સૂચન મળે છે. ‘હિરણ્યસંસ્પર્શ’થી સોનેરી ઝાંયનું, પરિપક્વ ધનધાન્યનું, જીવનની પરિણત દશાનું, સભરતાનું સૂચન મળે છે. સ્વાભાવિક રીતે જ, દિશાદિશામાંથી સંગીતના સૂરો રેલાઈ આવતા હોય તેમ કાવ્યનાયકના અંતરમાં અપૂર્વ આહ્‌લાદ જન્મે છે. અંતની કડીમાં રાજેન્દ્રની સર્જકતા મહોરી ઊઠી છે. ‘ગળતી રાત્રિ’ એ બે પદોને અલગ પંક્તિરૂપે તેમણે યોજ્યાં છે. ‘–માં’ અનુગને સપ્રયોજન ‘રાત્રિ’થી અલગ કરીને નીચે મૂક્યો છે. ‘ગળતી રાત્રિ’ને અલગ કલ્પન રૂપે કંડારી લેવાથી એ ઘટનાનું વધુ સુરેખ ચિત્ર પ્રત્યક્ષ થઈ શકે છે. ‘ગળતી’ ક્રિયાપદના વર્ણોનું સંયોજન વિગલનની ક્રિયાને એકદમ તાદૃશ કરે છે. દૃશ્ય-શ્રુતિ-ગતિ એમ એકીસાથે અનેક પરિમાણોમાં એ કલ્પન ઇંદ્રિયપ્રત્યક્ષ બને છે. ‘રાત્રિ’ શબ્દમાં ‘ત્રિ’ના મૃદુ થડકાથી વિગલનની ક્રિયા વધુ ઉત્કટપણે પ્રત્યક્ષ થાય છે. અંધકારનું વિગલન એ માત્ર ભૌતિક ઘટના નથી. આધ્યાત્મિક ઘટના ય છે. કાવ્યનાયકની ચેતનાના ફલક પર ‘દેવતરુ’ (પારિજાત)ની શ્વેત પુંજ શી આકૃતિ તગતગી રહે છે, અને ત્યાં ‘કેસરધવલ તેજ મ્હોરતું પ્રભાત’ ફૂટી રહ્યાની પ્રતીતિ થાય છે. આ જાતની રાજેન્દ્રની અનુભૂતિને Meditated Vision કે Mystic Vision તરીકે ઓળખાવી શકાય. અહીં તેમની સર્જકતાની સાથે આધ્યાત્મિક સંપ્રજ્ઞતાનું અનુસંધાન સ્પષ્ટ જણાઈ આવે છે. તેમની બીજી એક પ્રસિદ્ધ રચના ‘શાંત કોલાહલ’ પણ આ દૃષ્ટિએ જોવા જેવી છે :

શાંત કોલાહલ

‘રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર ચાષ
કલ્‌બલ્‌ તે કેટલી?
ચંચલ કૈં!
અકારણ ઊડી જતાં ડાળ વિષે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં!
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના......
આ વ્યોમનો ઝાકળધૌત નિર્મલ
ડ્‌હોળાય આખો અવકાશ
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જ્વલ!
સુષુપ્તિનો અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિગોચર!’

– પ્રકૃતિના અભિરામ દૃશ્યપટ વચ્ચે ઊઘડતા પ્રભાતનું ઋજુકોમળ વાતાવરણ અહીં વિરલ કૌશલથી આલેખાયું છે. પરોઢની આછીભીની ધૂસરતાને લીધે વાતાવરણમાં કશુંક ઘેન વ્યાપી રહ્યાનો, બલકે તંદ્રિલતાનો, પ્રસાર અનુભવાય છે. આ ક્ષણે બહાર અંદર સર્વત્ર વિશ્રાંતિ અને સંવાદિતા પ્રવર્તે છે. આરંભની ત્રણ પંક્તિઓ જ આપણને એક સ્વપ્નિલ પરિવેશમાં મૂકી દે છે. વાતાવરણમાં પારિજાતની મધુર સુવાસ પ્રસરી ગઈ છે. એના શ્વસનથી કાવ્યનાયકની ચેતના સહજ જ લૌકિક સંદર્ભોથી મુક્ત બને છે. ‘ગુલ્મને આંગણ’ ધવલકોમળ સૂર્યરશ્મિઓ ક્રીડા કરી રહ્યાં છે. ‘રમી રહ્યાં’-એ ક્રિયા-સંદર્ભ અહીં અનોખી ચમત્કૃતિ આણે છે. તરુઘટાઓમાંથી ગળાઈચળાઈને આવતાં રશ્મિઓની તરલ ચંચલ ક્રીડાઓમાં શિશુઓનું ક્રીડન પ્રત્યક્ષ થાય છે. તરુવરો નીચે શ્વેત શિશુ-આકૃતિઓનું જાણે કે એક અદ્‌ભુત સ્વપ્નવત્‌ દશ્ય તગતગી રહે છે. રાજેન્દ્રની કવિતા અભિવ્યક્તિનાં નવાં કરણો જોડે કેવી રીતે કામ પાડે છે તે સમજવા આવાં સંકુલ કલ્પનો જ્વલંત દૃષ્ટાંત બની રહે છે. આ સ્વપ્નિલ પરિવેશમાં સંસારની કોલાહલભરી પ્રવૃત્તિઓ નથી : માત્ર પશુપંખીનાં સહજ ક્રીડનો એમાં સુભગ સંવાદ સાધી લે છે. કાબર ચાષ જેવાં પંખીઓ અહીં ચણ અર્થે ટોળે વળ્યાં છે. ચણ ચણતાં પંખીઓનાં શરીરની, ડોકની, ચાંચની સતત બદલાતી ગતિશીલ રેખાઓ, ચંચલ હરફર, અને કલ્‌બલ્‌ – એ સર્વ એક ગતિશીલ ચિત્ર રચે છે, અને અહીંના પરિવેશમાં એ સહજ સંવાદ સાધી રહે છે. ‘ચંચલ કૈં... ... એ જ ધૂળમાં’–એ જાતની ‘અકારણ’ પ્રવૃત્તિથી એ સંવાદિતા ખંડિત થતી નથી. બલકે પૂર્ણતા સાધી આપે છે. ત્યાં ‘ધણ’નો ‘હંભારવ’ ઉત્કટ બને છે, અને એ સાથે જ, ‘ઘર, હાટ, ઘાટના’ બધા ય અવાજો ‘ઝાંખા’ પડે છે. વિલય પામે છે. કાવ્યનાયક હવે જાગૃતિ-સુષુપ્તિની સંધિક્ષણ પર ઊભો રહીને જાણે કે આખુંય દૃશ્યપટ વિલોકે છે. કેવળ વિશ્રાન્તિની-ecstacyની-એ ક્ષણો છે. સંસારના બસૂરા કોલાહલો શમી ગયા છે, અને ત્યાં જન્મ્યો છે : ‘શાન્ત કોલાહલ’. પંક્તિ ૧૩થી ૧૭માં કાવ્યનાયક પોતાની એ અનુભવદશાનું વર્ણન આપે છે. રાત્રિના પ્રહરમાં ઝાકળથી ધોવાયેલો ‘અવકાશ’ આ ક્ષણે-પ્રકૃતિની છાયા ઝીલતો હોય તેમ – ‘ડ્‌હોળાયેલો’ ભાસે છે, પણ એનું જ તો કાવ્યનાયકને ખરું મૂલ્ય છે. ‘રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જ્વલ’ – એ જાતની તેને પ્રતીતિ થાય છે. ન કેવલ પ્રકાશ, ન કેવલ અંધકાર, ન કેવલ પુરુષ ન કેવલ પ્રકૃતિ – પણ, બંનેની સંધિક્ષણનું તેને માહાત્મ્ય છે. અને, આ કોઈ જડ નિષ્ક્રિયતાની ક્ષણ નથી. ‘કર્મનો કોલાહલ’ આ ભૂમિકાએથી પ્રત્યક્ષ થાય છે, અને એમાં જ તેને ‘શાન્તિ’ ‘ગોચર’ થાય છે. કવિપુરુષનું વર્ણન કરતાં રાજેન્દ્રે એ મતલબનું કહ્યું છે કે કવિનો માર્ગ યોગીથી નિરાળો છે; વિશ્વના પદાર્થોનો યોગી ત્યાગ કરે છે, જ્યારે કવિ સ્વીકાર કરે છે. એ જાતની તેમની દૃષ્ટિ અહીં આ રચનામાં પણ સરસ રીતે વણાઈ ગયેલી જણાશે. રાજેન્દ્રની કવિતામાં આ પ્રકારની ભાવાનુભૂતિ અનેક સંદર્ભે સ્પષ્ટ રહસ્યવાદી (mystic) વલણ છતું કરે છે. એમાં રહસ્યવાદની (પરિ) ભાષા તરત ઓળખાઈ આવે છે. આ જાતની કૃતિઓમાં કવિચેતનાની ગતિવિધિ કંઈક નિરાળી જ લાગશે. રહસ્યાનુભૂતિની ક્ષણે વ્યવહારજીવનના –વર્તમાનની સપાટી પરના – સંદર્ભો અણધાર્યા નિમિત્તે, અણધારી રીતે, એકાએક જ તૂટી જાય છે. અગોચર લોકમાંથી ‘અદીઠ’નો ભણકાર ત્યાં સંભળાય છે, અને રહસ્યભરી હસ્તી (presence) ત્યાં ઉપસ્થિત થયાની પ્રતીતિ જન્મે છે. રહસ્યવાદી વ્યક્તિ માટે સ્વરૂપાનુસંધાનની આ ઘટના છે. જીવનનું જે અંતરતમ તત્ત્વ છે, ગુણમાં જે ગુણ છે, જે વસ્તુ ચિરંતન છે, તેનું એમાં અનુસંધાન છે. ક્ષણ બે ક્ષણ એ તત્ત્વ સાથે અપરોક્ષ સંબંધ સ્થપાય છે, વિશ્રંભકથા યે મંડાય છે, જો કે તેનું પૂર્ણ રૂપે દર્શન થતું નથી, પણ આસપાસના જગતમાં, સાન્નિધ્યમાં, તેનો સંચાર વરતી શકાય છે, પગેરું પકડી શકાય છે. અલબત્ત, આ રહસ્યમયી સત્તા ક્યારેક સૌમ્ય રૂપે, તો ક્યારેક કરાલરુદ્ર રૂપે, ગોચર થાય છે. રાજેન્દ્રની ‘સ્મરણ,’ આ પ્રકારની, વિશિષ્ટ રચના છે. વર્ષાનું જલભીનું વાતાવરણ અહીં કાવ્યનાયકની રહસ્યાનુભૂતિ માટે નિમિત્ત બને છે. આકાશમાં આષાઢી મેઘનો ગોરંભો, વર્ષાનું પ્રથમ રોમાંચક વર્ષણ, ભીની ધરતીમાંથી ઊઠતી મીઠીમદીલી સુગંધ અને એના શ્વસન સાથે એકાએક કાવ્યનાયકના મનના વ્યાપારોનો લોપ... તેની ચેતના એકાએક જ વર્તમાનના સંદર્ભોથી મુક્ત બને છે. હિંડોળાનું એકધારું લયાત્મક ઝૂલન એમાં ઉદ્દીપક બળ બને છે. આ રચનામાં રહસ્યમયી સત્તા કાવ્યનાયકને પ્રિયા રૂપે પ્રત્યક્ષ થાય છે. એની પ્રથમ ઝાંખી તેને આ રીતે થાય છે :

‘નયને લહાય એની નયને જ છવિ
નહિવત્‌ છાયા એની
વિકલ્પ વિહીન મન મહીં’
– એ રહસ્યમયીના આગમનનાં એંધાણ કેવાં છે ?
‘કોણ તે અતિથિ આવે આજ મારે ભવને
તેજનો તોખાર આવે કોણ તે સવાર?
વ્હાલી એવી વાતની વધાઈ દીધી પવને
ઊજળી રેણુ જો ઊડે નભની મોઝાર.’

– કાવ્યનાયકને એ રહસ્યમયીનો ‘લય’ ‘લહેકો’ ‘સૂર’ ‘શબ્દ’ ચિરપરિચિત લાગ્યા કરે છે. પણ તેનું પ્રત્યક્ષ દર્શન થયું નથી. તેથી અંતરમાં ઊંડે ઊંડે વ્યાકુળતા જન્મી પડે છે. છેવટે દીર્ઘ પ્રતીક્ષાનો, અવિરત ખોજનો, થાક તેને વરતાય છે; અને અનેક અંતરય વટાવ્યા પછી તેની એક અપાર્થિવ છાયા પ્રત્યક્ષ થાય છે : ‘બકુલતરુની છાંય મહીં / આનંદવિભોર તને લહી.’ પણ, આ કોઈ સંસારી યુગલનું મિલન નથી; ગુહ્યતમ તત્ત્વ જોડેનું અનુસંધાન એ છે.

‘આદિના બિંદુમાં આવી શમિયાં, સંસાર કેરા
સઘળા ઘેઘૂર સૂર, પંચરંગ પૂર
નયને નયન
પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ
એક
જગનું અવર ત્યહીં વિલોપન છેક
નહીં દેશ, નહીં કાલ
હૃદયને એક માત્ર તાલ
અનાહત છંદ...
ત્યહાં પ્રશાન્ત આનંદ!
સહસ્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ!
કમલની શતશત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ.’

– રહસ્યાનુભૂતિની ચરમ ક્ષણનું આ વર્ણન છે. ‘આદિના બિંદુ,’ ‘અનાહત નાદ’ – જેવા શબ્દસમૂહોમાં રહસ્યવાદની ભાષા સ્પષ્ટ છે. એ પછી, એ ક્ષણો ઓસરી જાય છે, અને કાવ્યનાયક વર્તમાનની સપાટી પર આવી ઊભે છે. તેની દૃષ્ટિમાં – અને દૃશ્યમાં – હવે નવી ઝાંય ઉમેરાઈ છે. ‘વરસી ગયેલ ઘન : ઊજળાં પ્રકાશ, તરુપાન, નભનીલ’–એવું તે અનુભવી રહે છે. રહસ્યમયીની વિદાય પછી પોતાનું ‘એકાંત’ સૂનું લાગે છે. અંતની કડી ઘણી ચમત્કૃતિવાળી છે. ‘ક્ષણને આંગણ આવી ગયું રે અતીત : એની જલમાં ન પગલી જણાય.’ ‘શબ્દહીન સાદ’માં રહસ્યાનુભૂતિનું આલેખન વળી જુદો જ સંદર્ભ લઈને આવ્યું છે. અહીં રહસ્યમય તત્ત્વની-જીવનદેવતાની-ઝંખના કરનાર વ્યક્તિ સ્ત્રી છે. કાવ્યનાયિકાની પિયુઝંખના, પ્રતીક્ષા, વિહ્વળતા જેવા ભાવો અહીં ખૂબ અસરકારક રીતે રજૂ થયા છે. પૂર્વ ખંડમાં અદીઠના ભણકારનું ચિત્ર જ અતિ હૃદયંગમ બન્યું છે :

‘અરીસાની કને બેસી હોળું હું સુંવાળા કાળા કેશ,
લોચને લોચન મળે મારાં અનિમેષ
નિજથી જ મુગ્ધ.
ધીરે સૂર પીઠ પાછળથી કોઈ બોલે.
થાઉં ક્ષુબ્ધ.
સૂરની દિશામાં કુતૂહલે ફરી વળે છે નજર,
અર્ધ પાંથી પર
ભોંઠી પડી રહી જાય કર કાંસકી અચર.’

– જીવનદેવતા સાથે નાયિકા હૃદયૈક્ય સાધે છે, તેનું વર્ણન રાજેન્દ્રે ઘણી સાંકેતિક રીતિએ કર્યું છે :

‘નદીનાં કંચનજલ પર કંઈ લળી
કુંભ મહીં ભરું તરલ તરંગ,
છલછલ કરી ભેળો જાય છે ભરાઈ ટહુકાર,
હાલતી હવાનો ઋજુ ભાર.
હાથમાં રહે ન મન, ઘટ જાય છૂટી,
થાય તલને પ્રદેશ નીરમગ્ન... અવ
વહેણ ગંભીર, નહીં વિચી, નહીં રવ!’

—અહીં ‘નદી’ ‘કુંભ’ ‘ટહુકાર’ના બધા સંદર્ભો પ્રતીકાત્મક છે. ‘નદીનાં કાંચનજલ’ ભરવા જતાં નાયિકાના કુંભમાં ‘અદીઠ’નો ટહુકાર ભેગો ભરાઈ જાય છે! પણ, પોતાના પાત્રમાં એ ટહુકાર ભરી લેવાયો છે એવી લાગણી થાય ન થાય ત્યાં એ હાથમાંથી છૂટી જાય છે! ‘તલને પ્રદેશ નીરમગ્ન’-એ પંક્તિમાં કાવ્યનાયિકાનું પોતાના અંતરતમ જોડેનું અનુસંધાન સૂચવાયું છે. ‘વહેણ ગ્ંભીર, નહીં વિચી, નહિ રવ’—એવી એ વિલક્ષણ ચૈતસિક દશા છે. છેલ્લું સ્થૂળ પાત્ર કુંભ હાથમાંથી છૂટી જાય છે, ત્યારે જ આંતરચૈતન્ય જોડેનું અનુસંધાન શક્ય બને છે. આ પછીનું અદીઠ માટેની તેની વ્યાકુળતાનું, ક્ષણક્ષણની પ્રતીક્ષાનું આલેખન પણ એટલું જ પ્રભાવક છે. રહસ્યાનુભવની ક્ષણોને વર્ણવતી કૃતિઓમાં ‘અંતરીક્ષ મહીં’નું કવિકર્મ એટલું જ ધ્યાનપાત્ર છે.

અંતરીક્ષ મહીં

ખબર પણ ન પડી ને
ભભૂત વર્ણનાં અછિદ્ર વાદળથી છવાઈ ગયું આખુંયે આકાશ.
તડકો નહીં ને નહીં છાયા,
રંગની સાન્ધેય નહીં માયા.

પર્ણની ઉભય બાજુ રહે સમ એવો એક અભંગ ઉજાશ
ગતિશાન્ત લાગે અવ ઘન
તંદ્રિલ નીરવ;

હવામહીં અચલ પવન,
એકલ બિંદુનો કહીં સ્રવ.
ભૂમિની ધૂલિ ને તૃણ, પાન, મારું ઉત્તરીય સહુ ય અકંપ

પલકવિહીન જાણે આંખ,
કેવલ ફેલાવી નિજ પાંખ,
અંતરીક્ષમહીં રેખા આંકીને શ્યામલ તરી રહે છે વિહંગ

તરલ
સરલ
તરે અચલ વિહંગ

– રહસ્યાનુભવની ક્ષણનો ચૈતસિક પરિવેશ તાઝગીભર્યાં કલ્પનો-પ્રતીકો દ્વારા અહીં અજબ ઉઠાવ લે છે. સાક્ષીભૂત ચેતનાને આ ક્ષણે એકીસાથે પોતાની સ્થિતિ-ગતિનો બોધ થાય છે. અહીં કેન્દ્રની અચલતા, સ્થિરતા છે; તેમ પોતામાંથી વિસ્તરેલી સૃષ્ટિની ગત્યાત્મકતાનો બોધ પણ છે. આરંભની કડી આપણને ઊર્ધ્વ ચેતનાના વાતાવરણમાં એકદમ મૂકી દે છે. અંતરના અવકાશમાં જાગૃતિ-સુષુપ્તિની, પ્રકાશ-અંધકારની, ગતિ-સ્થિતિની સંધિક્ષણ પર એ ચેતના ખડી છે. એે પરિવેશ માટે ‘વાદળ’નું ઉપમાન યોજાયું છે. એ ‘વાદળ’, અલબત્ત, ‘ભભૂત વર્ણનાં’ અને ‘અછિદ્ર’ છે. ‘ભભૂત’ વિશેષણથી સહજ જ વૈરાગ્ય-વિરતિ-નિવૃત્તિ-અકર્મણ્યતા જેવા ભાવોનું સૂચન મળે છે, ‘અછિદ્ર’ વિશેષણ એ ક્ષણના ચૈતસિક પરિવેશની સઘનતા બતાવે છે. ‘પર્ણની... ઉજાશ’–પંક્તિ એટલી જ વ્યંજનાસભર છે. ચૈતસિક અવસ્થાની લોકોત્તરતા એમાં પ્રત્યક્ષ થાય છે. આ અવસ્થામાં, પુરુષ-પ્રકૃતિ પૈકી કોઈ એકનું એકાંગી દર્શન નહિ, બંનેનું સમગ્ર તથા સમ્યક્‌ દર્શન થાય છે : બહારઅંદર સર્વત્ર એ જ ‘અભંગ ઉજાશ’ વરતાય છે. આ ક્ષણે સહજ વિશ્રાંતિનો અનુભવ સાક્ષીભૂત ચેતનાને થાય છે. આ ક્ષણનું વર્ણન કરતાં યોજાયેલા paradoxes અત્યંત ધ્યાનપાત્ર છે. ‘ગતિશાન્ત’ એવું ‘ઘન’, ‘અચલ પવન’ ‘અચલ વિહંગ’ એ પ્રયોગો ચૈતસિક ભૂમિકાને અનોખો ઉઠાવ આપે છે. ‘શ્યામલ... વિહંગ’નું પ્રતીક એ રીતે ઘણું અર્થસમૃદ્ધ છે. ‘તરલ/સરલ/તરે અચલ વિહંગ’માં ચેતનાની સ્થિતિ-ગતિનું ખૂબ જ પ્રભાવક આલેખન થયું છે. આ પ્રકારની રચનાઓમાં ‘ઠીબની આછી આંચ’ પણ અત્યંત નોંધપાત્ર છે, માત્ર અનુભવવિશેષને કારણે જ નહિ, રચનાકળાની દૃષ્ટિએ પણ.

ઠીબની આછી આંચ

ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીંપ્યું ઘર,
હિમટાઢા અંધારમાં થીજ્યું બ્હારનું ચરાચર.
ઓઢણે એકઠી આણી જાત
ઝીલું મસ જામતી માઝમ રાત.
કોઈની ત્યાં હિલચાલ હવાને હળવો હેલો લાગે,
ગરમાળાના ઘૂઘરામાં કંકાલની કણસ વાગે,
રહ્યુંસહ્યું ખરતું પીળું પાન,
ઘડીભર
તમરાંના કચવાટથી મુખર બનતું મૂંગું રાન,

રાખનો વળ્યો થર કહીં તરડાય ને આંખ્યું ઊની,
સોણલાનો સથવાર પામે ત્યાં રેણ ન લાગે સૂની.
સૂતાં ને કૂકડે કીધો પ્હોર.
લ્હેર્યું લે ઠાર
ને ફૂટે
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડે અંકોર.

—રહસ્યાનુભૂતિની ઘટના અહીં કાવ્યનાયિકાની શૃંગારરાત્રિ રૂપે રજૂ થઈ છે. આખીયે રચના પ્રતીકાત્મક ઉઠાવ લે છે. ‘ગારનું લીંપ્યું ઘર’ અને ‘ઠીબની આછી આંચ’ બંને ય સંદર્ભો પ્રતીકાત્મક છે. પછીની પંક્તિઓ પણ એમાં એ રીતે ગૂંથાયેલી છે. ‘ગારનું ઘર’ પ્રયોગથી માટીનું નિવાસસ્થાન, સ્થૂળ શરીર, અસ્તિત્વનો પ્રાકૃત અંશ, એમ સાહચર્યો વિસ્તરતાં રહે છે. ‘ઠીબની આંચ’થી અર્ચિ, જ્વાલા, તેજ, દીપ્તિ, અગ્નિ આદિ અર્થો સૂચવાય છે. બંને સંદર્ભો એકબીજાની પડખે ધ્વનિઓને વિસ્તારે છે, બંને એકબીજાને પ્રકાશિત કરે છે. એ રીતે પ્રકૃતિરૂપ અસ્તિની વચ્ચે પ્રાણાગ્નિનું ચિત્ર એકદમ ઊપસી આવે છે. પછીની પંક્તિમાં ‘અંધારા’માં ‘બ્હારનું ચરાચર’ ‘થીજી’ ગયાનો ઉલ્લેખ છે, તે પ્રથમ પંક્તિના અર્થને પુષ્ટ કરે છે. વિશાળ પ્રકૃતિમય અસ્તિની વચ્ચે પ્રાણાગ્નિ મંદમંદ જલે છે, જેનાં તેજ એ ‘ચરાચર’ની જડતાને ઓગાળી શક્યાં નથી! અહીં આરંભની પંક્તિઓમાં જ પ્રકૃતિ-પુરુષનો જે રીતે નિર્દેશ થયો છે. તેમાં રહસ્યવાદી પરિવેશ એકદમ ઊઘડી આવ્યો છે. ત્રીજીચોથી પંક્તિઓ ઘણી માર્મિક છે કાવ્યનાયિકાની વિશિષ્ટ ચૈતસિક ગતિવૃત્તિનું સૂચન એમાં છે. તે ‘ઓઢણે’ પોતાની જાતને એકત્ર કરી રહી છે. ‘ઓઢણ’ – ‘ઓઢણી’ની સાથે સૌભાગ્યનું વસ્ત્ર, સેંથી લલાટ અને મસ્તકની શોભા, નાયિકાના સમગ્ર ધ્યાનનું કેન્દ્ર બનતું એ વસ્ત્ર – એવાં સાહચર્યો સહજ રીતે જન્મે છે. નાયિકા આ રીતે પોતાની જાતમાં પરોવાઈ ગઈ છે, એમ અહીં અભિપ્રેત છે. (યોગનો અભ્યાસી પોતાની ચેતનાને ઊર્ધ્વ બિંદુએ કેન્દ્રિત કરે છે) ‘માઝમ રાત’થી, સ્વાભાવિક રીતે જ, પિયુમિલનની, શૃંગારરાત્રિની, પ્રતીક્ષાની ક્ષણો સૂચવાય છે. કાવ્યનાયિકાના પ્રિયતમનું–અંતરલોકના વાસીનું–આગમન સાંકેતિક રીતે આલેખાયું છે. એ ‘દેવ’ને શરીરી રૂપ નથી, તેની ઉપસ્થિતિ ‘હવાને હળવો હેલો’ માત્રથી વરતાય છે. પણ ના, આ કોઈ સૌમ્ય નમણી શક્તિ નથી : રુદ્ર કરાલ સત્તારૂપે એ ઉપસ્થિત થાય છે. ‘ગરમાળાના ઘૂઘરામાં કંકાલની કણસ’–અત્યંત સમર્થ કલ્પન છે. એ ‘કંકાલની કણસ’ સ્વયં એક વિભીષિકા બની રહે છે. ‘રહ્યું સહ્યું’ પાન ખરી પડે છે – એ ઘટનામાં જીર્ણ તત્ત્વનો લય, સંહાર, આદિનું સૂચન છે. એ ‘દેવતા’ની ઉપસ્થિતિ સાથે આ લય-સંહારની ઘટના સહજ રીતે સંકળાય છે. ‘તમરાંના કચવાટ’થી ‘મૂંગું રાન’ પણ એકદમ ‘મુખર’ બને છે. વાતાવરણમાં, એ રીતે, ભેંકાર વ્યાપે છે. અંતની કંડિકા, માત્ર રાજેન્દ્રની જ નહિ, આપણી આ સદીની સમગ્ર કવિતાની ચિરસ્મરણીય પંક્તિઓ બની રહે છે. ‘રાખનો વળ્યો થર’ તરડાવાની વાત સાથે ‘આંખ્યું ઊની’ સંકળાઈ જાય છે. ‘રાખ’, આમ તો, અગ્નિ પર જામતું આવરણ છે, અને અહીં એ આવરણ તૂટવાની વાત છે. ઢબૂરાયેલો અગ્નિ આવરણની તિરાડમાંથી ઝગી રહે છે! ‘આંખ્યું ઊની’માં જાગરણથી બળતીજળતી આંખોનો ખ્યાલ રજૂ થયો છે. (રહસ્યાનુભવમાં પ્રાણાગ્નિને જાગૃત કરવાની ક્ષણનું આગવું મહત્ત્વ છે.) નાયિકાની શૃંગારરાત્રિના સંદર્ભમાં આ રીતે સ્વરૂપાનુસંધાનનો ખ્યાલ જ ઊપસી આવે છે. પછીની પંક્તિમાં ‘સોણલા’ના’ સથવારા’નો ઉલ્લેખ એટલો જ માર્મિક છે. વિશ્રંભકથાની ક્ષણો, મિલનની ક્ષણો, કેવી તો સ્વપ્નવત્‌ વીતી ગઈ તેનો નિર્દેશ ‘સૂતાં... પ્હેાર’ પંક્તિમાં ઘણો અસરકારક રીતે રજૂ થયો છે. અંતની કડી – ‘લ્હેર્યું લે ઠાર/ને ફૂટે/કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ – એ એક અત્યંત ભાવસમૃદ્ધ કલ્પન છે. શૃંગારરાત્રિ પછી નાયિકાના અંતરમાં જન્મેલી નવી ભાવપરિસ્થિતિનું, સંપ્રજ્ઞતાનું, હૃદયંગમ ચિત્ર એમાં રજૂ થયું છે. ‘અંધાર’ના તત્ત્વને વૃક્ષનું ઉપમાન મળ્યું છે. એનો ‘રતૂમડો અંકોર’ ખીલતાં નાયિકાને અનોખી પ્રસન્નતા અને સમાધાન જન્મે છે. રહસ્યવાદી અભિજ્ઞતાનું અનુસંધાન જોવા મળે એવી બીજી ય અનેક રચનાઓ રાજેન્દ્રમાં મળશે. ‘પરિત્રાણ’, ‘નવું તારું નામ...’, ‘ભણકાર’, ‘ઝલમલ ઝલમલ’, ‘ખાલી ઘર’, ‘ચોળી રહું ભભૂતિ’, ‘જે નથી તે’, ‘મૌનમહીં’, ‘ધૂલિ’, ‘સગાઈ’ આદિ રચનાઓ આ દૃષ્ટિએ ખાસ ધ્યાનપાત્ર છે. પણ કાવ્યકળાની દૃષ્ટિએ જોનારને ય પ્રસન્નતા અર્પે એવી ઘણી ક્ષમતા એમાં છે. ‘સીમિત અસીમ કેરો’ આ કાવ્યવૈભવ, આધ્યાત્મિક પ્રસન્નતાની ક્ષણો, એમાં આલેખાઈ હોવાથી તેનો ઊંડો પ્રભાવ આપણી ચેતના પર પડે છે, અને એ રીતે આગવું મૂલ્ય એ પ્રાપ્ત કરે છે.