અનેકએક/આગિયા
આગિયા
૧
અસંખ્ય તેજરેખાઓ
એકમેકમાંથી પસાર થતી
વીંટળાતી વીખરાતી
ઊડી રહી છે
અરવ સૂરાવલિઓમાં
રાત્રિનો સન્નાટો
દ્રવી રહ્યો છે
૨
આકાશે
આંક્યા લિસોટા
બિછાવી ઝગમગતી બિછાત
અહીં તરે તેજબુંદો
વચ્ચે ઝૂલે
રાત્રિ કરાલ
૩
મેં
ગૂંજામાં ભરી રાખ્યા છે
થોડા તણખા
આવ
ઓરો આવ ભેરુ
આપણે આ રાત
વિતાવી દઈશું
૪
પ્રગાઢ અંધકારમાં
એક ઝબકાર થાય
વિલાય
થાય વિલાય
આટલું જ
બસ આટલું જ
૫
એક
ઝળહળ ટપકું
જંપવા નથી દેતું
રાત્રિને
૬
પ્રગટ થઈ છે આગ
શાંત શીતળ સુગંધિત
ક્ષણભર તો ક્ષણભર
આ સ્તબ્ધ અંધકાર
વિહ્વળ થાય
ક્ષણભર તો ક્ષણભર
રમ્ય આકૃતિઓ રચાય
૭
એ કહે
એ પ્રચંડ અંધકાર છે
મારી પાસે થોડા ઝબકાર છે
વાત
અંધકાર વિદીર્ણ કરવાની નથી
અંધારામાં પ્રકાશ
ઝબકારામાં અંધારું
જોઈ લેવાની છે
૮
હે રાત્રિ
તારું વિરાટ રૂપ
વધુ વિરાટ
અંધારું હજુ ઘનઘોર હજો
આ
ઝબઝબ અજવાળું
ઝીણું
ઝીણેરું હજો
૯
તારાઓ
નીરખી રહ્યા છે
આ કોણ
ઝબૂક ઝબૂક ઘૂમી રહ્યું
ઝબૂકિયા ઊડે
તે જ હું... તે જ હું
શબ્દ બોલે