અન્વેષણા/૧૮. વડનગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વડનગર


ગુજરાતના ઇતિહાસમાં વડનગરનું સ્થાન અનેક રીતે વિશિષ્ટ છે. વડનગર એ જૂનાગઢ, વલભીપુર, શ્રીમાલ, પાટણ કે અમદાવાદની જેમ રાજધાનીનું શહેર નહોતું. ખંભાત, ભરૂચ કે સૂરતની જેમ મોટું બંદર કે પરદેશો સાથેના બહોળા વેપારનું મથક નહોતું; દ્વારકા, પ્રભાસપાટણ કે પાલીતાણાની જેમ કોઈ સુપ્રસિધ્ધ તીર્થધામ નહોતું. વિદ્યાવ્યાસંગી બ્રાહ્મણોના એક પ્રમુખ સ્થાન તરીકે ઇતિહાસમાં એ નગર એક સંસ્કારધામ તરીકે જ રહેલું છે. ઠેઠ પુરાણકાળથી માંડી સં. ૧૩૬૦માં અલાઉદ્દીન ખિલજીને હાથે કરણ વાઘેલાનો પરાજય થતાં ગુજરાતમાં હિન્દુ રાજ્યનો અંત આવ્યો ત્યાં સુધીનાં સેંકડો વર્ષ દરમિયાન ક્યારે પણ એવો સમય નહોતો, જ્યારે વડનગર ગુજરાતના એક સંસ્કારકેન્દ્ર તરીકેનું મહત્ત્વ ભોગવતું ન હોય. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાતના પ્રદેશ આનર્ત નામથી ઓળખાતો ત્યારે એ પ્રદેશના કેન્દ્રસમું વડનગર આનર્તપુર નામથી પ્રસિદ્ધ હતું. એ શહેરનાં બીજાં પણ નામો હતાં. જેમકે – પુરાણોમાં કહ્યું છે કે આ નગર સત્યયુગમાં ચમત્કારપુર, ત્રેતાયુગમાં આનર્તપુર, દ્વાપરયુગમાં આનંદપુર અને કલિયુગમાં વૃદ્ધનગર અથવા વડનગર નામથી ઓળખાયું. આ સર્વ પૈકી એક માત્ર ‘વૃદ્ધનગર’ સિવાય બીજા નામોને ‘વડનગર’ રૂપની સાથે વ્યુત્પત્તિની દૃષ્ટિએ કશો સંબંધ નથી. પરન્તુ એ બધાં નામો એક જ નગર માટે પ્રચલિત હોવાની પરંપરા ઘણા પ્રાચીન કાળથી ચાલતી આવેલી છે. વલભીના રાજાઓનાં તામ્રપત્રોમાંથી વડનગરના આનર્તપુર, આનંદપુર અને નગર એવાં નામો મળે છે, અને વડનગરની અંદર જ અર્જુનબારી નામે દરવાજા ઉપરના, કુમારપાળના શિલાલેખમાં પણ આનંદપુર નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, એટલે એ બધાં નામાભિધાનો એક જ નગર માટે હોવા સંબંધમાં કોઈ પ્રકારની શંકા રહેતી નથી. એક અતિ પ્રાચીન શહેર હોવાને કારણે તે વૃદ્ધનગર અથવા વડનગર અને પછી સક્ષેપમાં નગર તરીકે ઓળખાયું. સૂર્યવંશી કનકસેન રાજાએ લવકૂટ (લાહોર)માંથી આવી વિ. સં. ૨૦૦માં વડનગર વસાવ્યું એવી દંતકથા કર્નલ ટોડે ‘રાજસ્થાનના ઇતિહાસ'માં નોંધી છે. સ્કન્દપુરાણમાંના નાગરખંડમાં વડનગરની સ્થાપના વિષે બીજી એક કથા આપેલી છે. એ કથા પ્રમાણે વડનગરના સ્થાન ઉપર પૂર્વે એક તપોવન હતું. એ તપોવનમાંથી બ્રહ્મા પાતાળમાં ગયા હતા અને ત્યાંથી હાટકેશ્વર મહાદેવને લાવીને એ સ્થળે સ્થાપિત કર્યા હતા. આનર્ત દેશનો ચમત્કાર નામે રાજા કોઢના રોગથી પીડાતો હતો. એકવાર તે હાટકેશ્વર ક્ષેત્રમાં આવી ચઢચો. ત્યાં વિશ્વામિત્રના આશ્રમમાં કેટલાક બ્રાહ્મણો યાત્રાર્થે આવેલા હતા તેમને તેણે પોતાનો રોગ મટાડવા પ્રાર્થના કરી ત્યારે તેમણે ચૈત્ર સુદ ૧૪ના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હોય ત્યારે એ જ ક્ષેત્રના શંખતીર્થમાં સ્નાન કરવાનું વ્રત રાજાને બતાવ્યું. એ પ્રમાણે વ્રત કરવાથી રાજાનો રોગ નાશ પામ્યો. તેથી પ્રસન્ન થઈ તેણે એ સ્થાન ઉપર એક નગર બંધાવી બ્રાહ્મણોને દાનમાં આપ્યું તથા પોતાના નામ ઉપરથી એ નગરનું નામ ચમત્કારપુર રાખ્યું. આ બંને વૃત્તાન્તો દંતકથાની કોટિના છે. કર્નલ ટૉડે જેની વાત કરી છે તે કનકસેન રાજા કોણ અને ક્યારે થઈ ગયો એ વિષે ચોક્કસ કંઈ જાણવામાં નથી તેમ જ સ્કન્દપુરાણમાં જેની વાત છે એવો ચમત્કાર નામે કોઈ રાજા ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં થયેલો જણાતો નથી. વડનગરની સ્થાપના ક્યારે થઈ હશે. એનાં કોઈ નિશ્ચિત્ત પ્રમાણો મળતાં નથી, પણ વલભીનાં તામ્રપત્રોમાં આનંદપુર – વિનિર્ગત અર્થાત્ વડનગરના મૂળ વતની વિદ્વાન બ્રાહ્મણોને રાજાઓએ ભૂમિદાન આપ્યાની નોંધ છે એટલે વડનગરની પ્રાચીનતા ઓછામાં ઓછું વલભીપુર રાજધાની બન્યું તે સમય જેટલી – પાંચમા સૈકા આસપાસની હોય એ અસંભવિત નથી, અને ઇતિહાસમાં એનું મહત્ત્વ શાસ્ત્રનિષ્ણાત બ્રાહ્મણોના એક નગર તરીકે જ મુખ્યત્વે છે એ જોતાં કોઈ પ્રાચીન રાજાએ બંધાવેલી એ બ્રહ્મપુરી હોય એ પણ શક્ય જણાય છે. કેવળ વિદ્યાનું જ કેન્દ્ર હોવાને કારણે ભાગ્યે એ સ્થાનને રાજકીય મહત્ત્વ મળ્યું છે, અને તે એટલે સુધી કે ઠેઠ સં. ૧૨૦૮માં કુમારપાળે એનો કોટ બાંધ્યો ત્યાં સુધી એ વિદ્યાનગર સ્વાભાવિક રીતે જ કોટ વિનાનુ અરક્ષિત હતું ! વલભી રાજ્યકાળ દરમિયાન, ધ્રુવસેન નામે રાજાને તેના પુત્રના મરણથી થયેલો શોક સમાવવા ધનેશ્વરસૂરિ નામે જૈન આચાર્યે આનંદપુરમાં કલ્પસૂત્રની વાચના કરી હતી એવો ઉલ્લેખ કેટલાક જૈન ગ્રન્થોમાં મળે છે. આ ઉલ્લેખને જો વિશ્વાસપાત્ર ગણીએ તો વિક્રમના છઠ્ઠા સૈકાના પ્રારંભમાં વડનગર વલભીના રાજ્યાધિકારમાં હતું. ત્યાર પછી સાતમા સૈકામાં હિન્દમાં આવેલો ચીની મુસાફર હ્યુએન ત્સાંગ પોતાના પ્રવાસ વર્ણનમાં આનંદપુર વિષે આ પ્રમાણે લખે છે: આ પ્રદેશનો ઘેરાવો લગભગ ૩૩૦ માઈલનો છે અને તેના મુખ્ય શહેર આનંદપુરનો ઘેરાવો લગભગ ૩।। માઈલનો છે. અહીંની વસ્તી ગીચ છે અને લોકો સમૃદ્ધ છે. અહીં કોઈ સ્થાનિક રાજકર્તા નથી, પણ આ પ્રદેશનો સમાવેશ માળવાના રાજ્યમાં થાય છે. માલની ઉત્પન્ન, હવામાન, સાહિત્ય તથા કાયદા એ બધી બાબતમાં માળવા સાથે તેની સમાનતા છે. અહીં લગભગ દસ સંઘારામ અથવા બૌદ્ધ વિહારો છે; ત્યાં આશરે એક હજાર બૌદ્ધાનુયાયીઓ વસે છે, અને હીનયાન સંપ્રાદાયના સમ્મતિયા પંથના સિધ્ધાંતોનો અભ્યાસ કરે છે. અહીં બીજા પણ પુષ્કળ દેવમંદિરો છે, અને જુદા જુદા ધર્મોના અનુયાયીઓ ત્યાં દર્શનાર્થે જાય છે. ’ આમ હ્યુએનત્સાંગના વર્ણન પ્રમાણે આનંદપુરમાં બૌદ્ધ તેમ જ વેદિક સંપ્રદાયોનું પ્રાધાન્ય હતું; ધ્રુવસેન રાજા માટે કલ્પસૂત્રની વાચના થયાનો ઉલ્લેખ વજનદાર ગણીએ તો ત્યાં જૈનોની પણ ઠીક ઠીક વસ્તી હોવી જોઈએ. આમ ગુજરાતની આ બ્રહ્મપુરીમાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન વિદ્વત્તાનો ત્રિવેણીસંગમ થયો હતો. વડનગરના આર્યવતનીઓ અને આસપાસની નાગજાતિના મૂળ વતની લોકો વચ્ચે વારંવાર થતા વિગ્રહોનું વર્ણન નાગરખંડમાં આવે છે, અને એકવાર તો નાગોએ બ્રાહ્મણો ઉપરનું વેર વાળવા માટે ચમત્કારપુર બાળી નાખ્યું હતું, અને છેવટે પ્રભાવદત્ત અથવા ભર્તૃયજ્ઞ નામે બ્રાહ્મણે આનર્ત દેશના પ્રભંજન નામે રાજાની સહાય લઈને નાગ લોકોને હંમેશ માટે દબાવીને હાંકી કાઢ્યા હતા એવી હકીકત પણ તેમાં છે. ગુજરાતના નાગરો પૈકી વડનગરા નાગરોનો સંબધ વડનગર સાથે છે, અને પુરાણપ્રોક્ત હાટકેશ્વર મહાદેવ જેમનું સ્થાન વડનગરમાં છે તે નાગરોના ઇષ્ટદેવ છે. અણહિલવાડ પાટણના સોલંકી રાજાઓના પુરોહિતો વડનગરના નાગરો હતા; પાટણના ભીમદેવ રાજાના અને ધોળકાના વાઘેલા મંડળેશ્વર વીરધવલના પુરોહિત તથા મંત્રી વસ્તુપાલના મિત્ર સોમેશ્વરે ‘સુરથોત્સવ’ નામના પોતાના સંસ્કૃત મહાકાવ્યમાં મૂળરાજના રાજપુરોહિત સોલશર્માથી માંડી પોતાના દશ પૂર્વજ પુરોહિતોનો ઇતિહાસ આપ્યો છે, તેમાં આપેલા વડનગરના વર્ણન ઉપરથી એ શહેરની જાહોજહાલીનો કંઈક ખ્યાલ આવે છે. એમાં સોમેશ્વર કહે છે : ‘પ્રશસ્ત આચારોની જ્યાં પ્રધાનતા છે એવું નગર નામનું બ્રાહ્મણોનું નિવાસસ્થાન છે. ગાર્હપત્ય, આહવનીય અને દક્ષિણ એ ત્રણ પ્રકારના અગ્નિઓથી પવિત્ર થયેલા એ સ્થાનને કલિયુગ પણ કોઈ રીતે કલંકિત કરવાને અસમર્થ છે. ખરેખર, એ એક સાચું તીર્થ છે. ત્યાં સર્વ લોકો વેદપાઠી છે, અને વૃદ્ધો તો શું બાલકો પણ આચારહીન નથી. સાચેસાચ એમ લાગે છે કે એ સ્થાનનાં ઐશ્વર્ય અને પવિત્રતાથી આકર્ષિત થઈને દેવતાઓ સ્વર્ગનો ત્યાગ કરીને બ્રાહ્મણોરૂપે ત્યાં નિવાસ કરી રહ્યા છે.’ કુમારપાલે વડનગરનો કિલ્લો બંધાવ્યો એ પ્રસંગના સ્મારકરૂપે સિદ્ધરાજ અને કુમારપાલના પ્રજ્ઞાચક્ષુ વણિક રાજકવિ શ્રીપાલે રચેલા પ્રશસ્તિલેખમાં વડનગરનું કાવ્યમય વર્ણન કરતાં કહ્યું છે: ‘હિમાચલ અને વિન્ધ્યાચલ જેનાં સ્તન છે એવી તથા રત્નાકર સમુદ્રરૂપ મેખલાવાળી પૃથ્વી જે રાજા વડે ભોગવાય છે તે રાજા બ્રાહ્મણોના નિવાસસ્થાન અને શ્રેષ્ઠ વર્ણોના ઉદયરૂપ આ નગર નામના મહાસ્થાનને ધારણ કરે છે. બ્રહ્માથી માંડીને અનેક ઋષિઓએ પ્રવર્તાવેલા મહાયજ્ઞોના યજ્ઞસ્તંભોનો આધાર પામેલો ધર્મ અહીં ચારે યુગોમાં આનંદપૂર્વક સ્ફુરાયમાણ થાય છે, તેથી વિદ્વાનોએ આ નગરને આનંદપુર એવું બીજું નામ આપેલું છે. બ્રાહ્મણોના અસ્ખલિત વેદઘોષથી બહેરો થયેલો નિરંતર થતા હોમના ધુમાડાથી આંધળો થયેલો અને અનેક દેવમંદિરોની ધજાઓના આઘાતોથી લૂલો થયેલો કલિ ત્યાં પોતાના કાળમાં પણ ઉત્સાહ પામીને આવી શકતો નથી. બ્રાહ્મણ કન્યાઓએ ધારણ કરેલા રત્નાલંકારોથી પ્રકાશમાન, સતત ચાલતાં ગીત અને મંગલ ધ્વનિઓથી વાચાલ અને નિત્ય ચાલતા ઉત્સવોથી વૈભવનો ઉત્કર્ષ પ્રાપ્ત કરતા એ નગરના માર્ગો રાજકર્તાની સુરાજ્યસંપત્તિના ગુણોનો ઉદ્વેાષ કરે છે.’ આ વિદ્યાસ્થાન વડનગરમાં અનેક સુપ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમનાં નામ ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસમાં અવશ્ય નોંધવાં પડે એમ છે. પ્રસિદ્ધ વેદભાષ્યકાર સાયણથી કેટલાક સૈકા પૂર્વે યજુર્વેદની વાજસનેયી સંહિતા ઉપર ભાષ્ય લખનાર ઊવટ; ચૌલુક્ય રાજપુરોહિત સોમેશ્વરદેવના વેદશાસ્ત્ર નિષ્ણાત પૂર્વજો; વાઘેલા રાજા વીસલદેવનો રાજકવિ અને પ્રભાસપાટણમાં સરસ્વતીસદન બંધાવનાર નાનાક, ‘નીતિમંજરી' નામે નીતિશાસ્ત્ર વિષયક ગ્રન્થનો કર્તા દ્યાદ્વિવેદ, વેદવેદાંગ અને કર્મકાંડના અભ્યાસી અચલ દ્વિવેદી, દાનેશ્વરી સ્થાનેશ્વર તથા તેના વંશજ વિદ્વાનો લક્ષ્મીધર અને અનંતાચાર્ય, બાલા બહુચરાનાં અનેક સ્તોત્રો, પદો અને ગરબાઓ રચનાર યદુરામ મહારાજ અને સીતાજીની કાંચળી વગેરે પ્રસિદ્ધ ગુજરાતી કાવ્યોની કવયિત્રી કૃષ્ણાબાઈ, એ સાંસ્કૃતિક ક્ષેત્રમાં વડનગરનાં અર્પણો છે. વળી લોકકથા કહે છે. કે સંગીતાચાર્ય તાનસેનને દીપક રાગનો આલાપ કરવાથી થયેલા દાહનું શમન રીરી અને તાના નામની વડનગરની સંગીતનિષ્ણાત સ્ત્રીઓએ મલ્હાર રાગ સંભળાવીને કર્યું હતું. રાજકીય ક્ષેત્રે નાગલોકો સામેના વિગ્રહમાં વડનગરના બ્રાહ્મણોની આગેવાની લેનાર પૌરાણિક ઋષિ મંકણ અને પ્રભાવદત્ત, તથા ચૌલુક્ય રાજ્યકર્તાઓના અનેક સુપ્રસિદ્ધ મંત્રીઓ આ નગરના હતા. મેવાડના ગુહિલોત વંશના આદ્યપુરુષ બપ્પ અથવા બાપા રાવળ આનંદપુરના નાગરબ્રાહ્મણ ગુરુદત્તના વંશજ હતા એવી પણ એક માન્યતા છે. પરંતુ વિધિની વિચિત્રતા એવી છે કે હિન્દભરમાં નાગરોના સૌથી મહત્ત્વના સ્થાન વડનગરમાં આજે નાગર બ્રાહ્મણોનું માત્ર એક જ ઘર બાકી રહ્યું છે. ગુજરાતના હિન્દુ સ્વતંત્ર રાજ્યનો નાશ થયા પછી બ્રાહ્મણોની વસાહત જેવા વડનગરની આબાદીનાં વળતાં પાણી થયાં, તોપણ એની પ્રાચીન જાહોજહાલી ઓછાવત્તા પ્રમાણમાં જળવાઈ રહી હતી. ઈ.સ. ૧૫૯૦ના અરસામાં ‘આઈને અકબરી' રચનાર અબુલ ફઝલ લખે છે કે વડનગર ‘એક મોટું પ્રાચીન શહેર છે. તેમાં સેંકડો દેવાલયો છે અને દરેક દેવાલયની સામે એક કુંડ છે. શહેરમાં મુખ્યત્વે બ્રાહ્મણોની વસ્તી છે.’ આ વર્ણન બતાવે છે કે ઠેઠ સોળમા સૈકામાં પણ વડનગર એ મન્દિરોનું નગર હતું. વડનગરના હાલના પ્રાચીન અવશેષોમાં ચાર વસ્તુઓ સૌથી નોંધપાત્ર છે: હાટકેશ્વરનું મન્દિર, શર્મિષ્ઠા તળાવ, બે કીર્તિસ્તંભો અને નગરકોટની પ્રશસ્તિરૂપ અર્જુનબારીનો સં.૧૨૦૮નો શિલાલેખ. હાટકેશ્વરનું મન્દિર વડનગરના કિલ્લાની બહાર નદીઓળ દરવાજા પાસે આવેલું છે. ‘સ્કન્દપુરાણ’ના નાગરખંડમાં જણાવ્યા પ્રમાણે ચમત્કારપુરમાં વત્સગોત્રનો ચિત્રશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો તેણે શંકરનું ઉગ્ર તપ કરીને વરદાન મેળવ્યું, અને હાટકેશ્વરનું ભવ્ય મંદિર બંધાવી ત્યાં સોનાના લિંગની સ્થાપના કરી. પરંતુ આ તો એક પૌરાણિક આખ્યાયિકા થઈ. આ મંદિર ખરેખર કોણે અને ક્યારે બંધાવ્યું એ માટેનાં કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી. હાલનું મંદિર તેનાં શિલ્પાદિ ઉપરથી પાંચસોક વર્ષ કરતાં પ્રાચીન લાગતું નથી. પરંતુ એની બાંધણી ભવ્ય છે. મંદિરને ફરતી ગ્રાસપટ્ટી ઉપર આવેલી વેદીમાં વિષ્ણુના દસ અવતારો તથા અનેક પૌરાણિક કથાઓનાં સુન્દર શિલ્પો કોતરેલાં છે, એમાંની આકૃતિઓમાંથી પ્રાચીન શિલ્પકલાના અભ્યાસીને અનેક વસ્તુઓ જોવા-જાણવાની મળે તેમ છે. વડનગરનુ શર્મિષ્ઠા અથવા સમેળા તળાવ એ ગુજરાતનાં સૌથી મોટાં અને સુપ્રસિદ્ધ સરોવરો પૈકીનું એક છે. હાલમાં પૂરતી સંભાળના અભાવે તે કેટલીક બાજુએથી પડી ગયેલું છે; પરંતુ મૂળે એ સમચોરસ આકારનું અને ચારે બાજુએ પથ્થરબંધ ઓવારા અને પગથિયાંવાળું છે. નાગરખંડ અનુસાર, સોમવંશના વૃક રાજાની પુત્રીએ નેષ્ટ ગ્રહોની અસરમાંથી મુક્ત થવા માટે આ તળાવ પાસેના શર્મિષ્ઠા તીર્થમાં પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એટલે નાગરખંડની રચના પહેલાં તો આ તળાવ હતું એ નક્કી થાય છે. ગુજરાતી સ્ત્રીઓમાં પ્રચલિત એક લોકગીતમાં ત્રણસો સાઠ પગથિયાંવાળુ સમેળા સિદ્ધરાજે ખોદાવ્યાનું કહ્યું છે, અબુલ ફઝલે આ તળાવનો ઉલ્લેખ કર્યો છે. આ તળાવમાં પાણી આવે એ માટે આત્મભોગ આપનાર સતી સ્ત્રીનો, ‘બાર બાર વરસે સમેળા ખોદાવ્યા, સમેળામાં નીર ન આવ્યાં જી રે' એ પંક્તિઓથી શરૂ થતા રાસડો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખૂબ જાણીતો છે. કીર્તિસ્તંભો એ વડનગરના ચિરંજીવ અવશેષો છે. ગુજરાતમાં કીર્તિસ્તંભો મંદિર કે જળાશયની આગળ ઊભા કરવાનો સામાન્ય રિવાજ હતો. પાટણમાં સહસ્રલિંગ સરોવર આગળ એ સરોવરના સ્મારકરૂપે સિદ્ધરાજે એક ભવ્ય કીર્તિ સ્તંભ ઊભો કર્યો હતો; એનાં વર્ણનો તથા શ્રીપાલ કવિએ રચેલી એની પ્રશસ્તિનાં અવતરણો પ્રાચીન ગ્રન્થોમાં આવે છે. કપડવંજ, પિલુદ્રા, અને સિદ્ધપુરમાં એવા કીર્તિસ્તંભો છે તથા મોઢેરામાં અને ગુજરાતની મલ્લવિદ્યાવિશારદ જ્યેષ્ઠીમલ્લ જ્ઞાતિના મૂલસ્થાન દેલમાલમાં કીર્તિસ્તંભોના અવશેષો છે. વડનગરના બંને કીર્તિસ્તંભો જે સામાન્ય રીતે સ્થાનિક વતનીઓમાં ચોરી નામથી ઓળખાય છે તેની ઉપર મહાદેવની ઊભી તથા બેઠી મૂતિઓ કોતરેલી હોવાથી એ કોઈ ભવ્ય શિવમંદિરની સામે ઊભા કરવામાં આવ્યા હશે એમ જણાય છે. આ સ્તંભોની કલા મોઢેરાના સૂર્યમન્દિર અને સિદ્ધરાજના રુદ્રમહાલયને ખૂબ મળતી આવે છે. એથી એ સોલંકી યુગમાં બન્યા હોય એ શક્ય છે. કુમારપાલના જૂનાગઢના લેખમાં તેણે આનંદપુરમાં શિવાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે. એટલે ગુજરાતના શિલ્પકળાના સર્વોત્તમ નમૂનાઓમાં જેમની ગણતરી થઈ શકે એવા આ કીર્તિસ્તંભો કુમારપાલના એ નષ્ટ શિવમંદિરની સામે ઊભા કરવામાં આવ્યા હોય એ સંભવિત છે. આપણે અગાઉ જોયું. તેમ, વડનગરનો કિલ્લો કુમારપાલે બંધાવ્યો હતો. આ કિલ્લો કેટલેક ઠેકાણેથી પડી ગયો છે અને કોઈ કોઈ સ્થળે તો કોટના કાંગરા અને જમીનની સપાટી લગભગ એકસરખી છે. અનેક જૂનાં શહેરો આવી રીતે ઊંચા ટીંબા ઉપર. આવેલાં છે, જૂનાં મકાનો પડતાં ગયાં અને તેને સ્થળે નવાં બનતાં ગયાં, તેથી જમીનનું ચઢાણ ખૂબ ઊંચું બન્યું છે. કિલ્લાના બાંધકામનો લગતો જે શિલાલેખ જળવાઈ રહ્યો છે એમાં કહ્યું છે કે : 'અહીં નાગર વંશના બ્રાહ્મણો યજ્ઞોમાં શાન્તિક અને પૌષ્ટિક કર્મો કરવા વડે રાજાની અને રાષ્ટ્રની રક્ષા કરે છે. તેમના તીવ્ર તપમાં વિઘ્ન થાય એ સારું, નગરના રક્ષણ માટે રાજાએ ભક્તિપૂર્વક આ કિલ્લો બંધાવ્યો છે.' અને છેલ્લા શ્લોકમાં કવિ કહે છે, ‘જ્યાં સુધી આ પૃથ્વી સર્વ પર્વતોને ધારણ કરે છે અને જ્યાં સુધી સગર રાજાની કીર્તિરૂપ સાગર વિદ્યમાન છે ત્યાં સુધી ઉત્તમ બ્રાહ્મણોના આ મહાસ્થાનની રક્ષાના હેતુરૂપ અને ચૌલુક્યરાજના યશનું કીર્તન કરતો આ કિલ્લો ટકી રહો !’

[‘બુદ્ધિપ્રકાશ’, મે ૧૯૪૯]