અન્વેષણા/૨૫. ભારતમાં દારૂગોળાના ઇતિહાસ વિષે કેટલાક અગત્યના સાહિત્યિક ઉલ્લેખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભારતમાં દારૂગોળાના ઇતિહાસ વિષે


કેટલાક અગત્યના સાહિત્યિક ઉલ્લેખો



પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમન્દિરના ક્યુરેટર પ્રો.. પી. કે. ગોડેએ ભારતમાં દારૂગોળાનાં હથિયારો તથા દારૂખાનાના ઇતિહાસ વિષે નીચે પ્રમાણે લેખો લખેલા છે—૧. The manufacture and use of Fire-arms in India, between A. D. 1450 and 1850 (Shri K. M. Munshi Diamond Jubilee Volume, Pt. I) ૨. Use of Guns and Gunpowder in India from A. D. 1400 onwards [A volume of Indian and Iranian studies presented to sir E. Denison Ross] 3. The History of fireworks in India between A. D. 1400 and 1900 (Transaction No. 17, Indian Institute of Culture, Bangalore). આ લેખોમાંની માહિતીની ગુજરાતી સાહિત્યમાંના ઉલ્લેખો વડે પૂર્તિ કરવા માટે પ્રો. ગોડેએ મને વિનંતી કરી. અલબત, બધું જૂનું ગુજરાતી સાહિત્ય આ દૃષ્ટિએ ફરી વાર જોવાનું મારે માટે શક્ય નહોતું, પણ પ્રમાણમાં પ્રાચીન કહી શકાય એવા જે ઉલ્લેખો તરફ મારું ધ્યાન ખેંચાયું તે હું અહીં રજૂ કરુ છું : પ્રો. ગેાડેના મત પ્રમાણે [Avolume of Indian and Iranian studies, પૃ. ૧૨૧-૨૨] ભારતમાં તોપના વપરાશનો પહેલવહેલો ઉલ્લેખ એક ચિનાઈ મૂળનો છે અને તે ઈ.સ ૧૪૦૬ જેટલો જૂનો છે. તોપ અથવા દારૂગોળાને લગતા ભારતીય મુસ્લિમ ઉલ્લેખો અનુક્રમે ઈ.સ. ૧૪૮૨ અને ૧૪૭૨ના છે. સંસ્કૃત ગ્રંથોમાં नलिका અથવા તોપનો જૂનો ઉલ્લેખ ‘આકાશભૈરવતંત્ર’માં (ઘણું કરીને ઈ. સ. ૧૫૫૦ આસપાસ) અને રુદ્ર કવિના ‘રાષ્ટ્રૌઢવંશ મહાકાવ્ય’માં (ઈ.સ. ૧૫૯૬) મળે છે. સંસ્કૃતમાં દારૂગોળાનો ઉપલબ્ધ જૂનામાં જૂનો ઉલ્લેખ ઓરિસાના રાજા ગણપતિ પ્રતાપરૂદ્ર દેવના (ઈ. સ. ૧૪૯૭–૧૫૩૯) ‘કૌતુકચિન્તામણિ’માં છે. આ બધા સાથે સરખાવતાં ગુજરાતી સાહિત્યમાંના ઉલ્લેખો ઠીક ઠીક જૂના છે અને એમાંની માહિતી અભ્યાસયેાગ્ય છે. આ ઉલ્લેખો પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ' (સં.૧૫૧૨–ઈ.સ ૧૪૫૬) અને મધુસૂદનકૃત ‘હંસાવતી—વિક્રમચરિત્રવિવાહ’માંથી (સં.૧૬૧૬-ઈ. સ. ૧૫૬૦) મળે છે. કવિ પદ્માનાભ જાલોરના રાજા અખેરાજનો રાજકવિ હતો અને અખેરાજના એક પૂર્વજ કાન્હડદેના વીરત્વની પ્રશસ્તિરૂપે તેણે ‘કાન્હડદેપ્રબંધ’ રચ્યો હતો. દિલ્હીના સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજીએ જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કર્યુ ત્યારે કાન્હડદેએ પોતાના રાજ્યમાંથી એને માર્ગ આપ્યો નહિ એ કારણે અલાઉદ્દીનના સૈન્યે, ગુજરાતના વિજય પછી જાલોર ઉપર કરેલા હુમલાનું, રાજપૂતોના વીરત્વયુક્ત સામનાનું તથા છેવટે તેમણે કરેલાં કેસરિયાંનું રોમાંચક વર્ણન એમાં છે. પ્રાચીન ગુજરાતી-રાજસ્થાનીમાં રચાયેલા આ કાવ્યના બીજા ખંડમાં જાલોર પાસેનો સમિયાણાનો કિલ્લો, જે કાન્હડદેનો ભત્રીજો સાંતલસિંહ સાચવતો હતો, એને મુસ્લિમ સૈન્યે ઘાલેલા ઘેરાનું વર્ણન છે. ઘેરાનું તથા યુદ્ધનું વર્ણન કરતાં કવિ નીચે પ્રમાણે લખે છે—

तुरक चढी गड साहमा आवई उठवणी असवार,
साहमा सींगिणि तीर वछूटइ
निरता वहइ नलीआर. १२५
उपरि थिकूं ढीब ज ढालइ, झाड सहूइ भाजइ,
हाड, गूड, मुख, करइ काचरां,
पडतां पाहण वाजइ. १२६
आगिवर्ण उडता आवइ नालि नाख्या गोला,
भूका करइ भीति भाजीनइ तणखा काढइ ढोला.
१२७
यन्त्र मगरावे गोला चाखइ द्रु सांधी सूत्रधार
जिहां पडइ तिहां तरूअर भांजइ,
पडतु करइ सिंहार. १२८
पडइ त्रास भटकिया वछूटई अनइ धू धू निफात
बीज तणी परि झलकत दीसइ
जाणे अल्कापात. १२९

‘હુમલો કરતા તુર્કો ઘેાડેસવાર થઈને ગઢ સામા આવે છે. સામે તીર છૂટે છે અને તોપચીઓ (नलिआर = सं. नलिकाकार) તોપ (निरता) [1] લઈ જાય છે. ગઢમાં રહેલા લોકો મોટા પથ્થર ફેંકે છે. આ પથ્થરથી ઝાડ ભાંગી જાય છે, અંગોના ચૂરા થઈ જાય છે, પડતાં એ પાણા વાગે છે. તોપમાં (नालि) નાખેલા અગ્નિવર્ણા ગોળા ઊડતા આવે છે. તે (કોટની) ભીંતના ભાંગીને ભૂકા કરે છે અને મોટા તણખા કાઢે છે. નિશાન લઈને સૂત્રધારો પથ્થર ફેંકનારા યંત્રમાંથી પથ્થર ફેંકે છે. જ્યાં તે પડે છે ત્યાં વૃક્ષો ભાંગી જાય છે; એ પડતાં સંહાર કરે છે. ત્રાસ પડે છે. મોટા ફટાકડા (भटकिया) વછૂટે છે અને नफात ( એ નામનું દારૂખાનું) ‘ધૂ...ધૂ...’ અવાજ કરે છે. એ વીજળીની જેમ ઝળકતું દેખાય છે; જાણે ઊલ્કાપાત ન હોય !’

वानर तणी झडपी नइ एक चढई गढि धाइ
माझिन राति कोट उपरिथी आवइ कटकि हवाइ. ११३

‘વાનરની ઝડપથી કેટલાક દોડીને ગઢ ઉપર ચઢી જાય છે. માઝમ રાતે કોટ ઉપરથી ગઢમાં હવાઇ આવે છે.’ આ અવતરણોમાં આપણને તોપ, તોપચી, તોપમાંથી છૂટતા અગ્નિવર્ણા ગોળા, મોટા ફટાકડા, હવાઇ તથા ‘નિફાત’ નામે દારૂખાનાના ( જેનો ‘ધૂ... ધૂ...’ અવાજ થતો હતો) સ્પષ્ટ ઉલેખો મળે છે. ‘નિફાત’ શબ્દ સં. निपात (‘પતન’) નો તદ્ભવ નથી, પણ એક પ્રકારનું દારૂખાનું છે એ મધુસૂદનના ‘હંસાવતી-વિક્રમ- ચરિત્રવિવાહ’માં વરઘેાડાના વર્ણનથી નિશ્ચિત બને છે, એમાં કવિ કહે છે-

ब्राह्मण वेद भणता जाय,
पाछलि धोल धोलारी गाय;
हवाइ छूटइ अति नफात,
जिम पूरण गाजि वरसात.
(કડી ૬પર-૫૩)

‘બ્રાહ્મણો વેદ બોલતા જાય છે, પાછળ ધોળ ગાનારીઓ (સ્ત્રીઓ) ધોળ ગાય છે, હવાઈ અને નફાત છૂટે છે—જાણે વરસાદ ગાજતો ન હોય !’

‘કાન્હડદેપ્રબન્ધ’માંનું વર્ણન બતાવે છે કે દારૂગોળાનાં હથિયારો ઈ. સ. ૧૪૫૬ પહેલાં સારા પ્રમાણમાં વપરાતાં થઈ ગયાં હતાં અને 'હંસાવતી-વિક્રમચરિત્રવિવાહ’માંનું અવતરણ સૂચવે છે કે ઈસવીસનના સોળમા શતક પહેલાં ગુજરાતમાં આનંદવિનોદ માટે દારૂખાનું છોડવાનો રિવાજ સર્વસામાન્ય બન્યો હતો. આ બાબતમાં પરદેશીઓની નોંધો છે ખરી, પણ એને આ રીતે અત્રત્ય પ્રમાણોનો ટેકો મળે છે. ઉપર નોંધ્યા છે તે કરતાં પ્રાચીનતર ઉલ્લેખો વિદ્વાનો બહાર લાવશે તો તે આ દૃષ્ટિએ વધુ રસમય થઈ પડશે.

[‘નવચેતન’, નવેમ્બર ૧૯૫૩]


  1. ૧, જૂના ગુજરાતી સાહિત્યમાં બીજે ક્યાંય આ निरता શબ્દ મારા જોવામાં આવ્યો નથી, પણ અહીં સન્દર્ભ જોતાં એનો અર્થ ‘તોપ’ જ લાગે છે. ૧૨૭મી કડીમાં नालिનો અર્થ ‘તોપ’ છે એમાં શંકા નથી. શ્રી. અગરચંદ નાહટાને મળેલા ‘કુતૂહલમ્' નામે એક રાજસ્થાની વર્ણસંગ્રહમાં વર્ષાના વર્ણનમાં ‘મેહ ગાજઈ, જાણે નાલ ગોલા વાજઈ' [‘રાજસ્થાન ભારતી', પુ. ૧, પૃષ્ઠ ૪૩] એ પ્રમાણે છે, ત્યાં પણ ‘નાલ’નો અર્થ તોપ છે. આ વર્ણકસંગ્રહનો સમય શ્રી. નાહટાએ આપ્યો નથી. ભાષાનું સ્વરૂપ જોતાં એ સત્તરમા સૈકાથી જૂનો લાગતો નથી.